મને કંઈ ખબર નથી (ગઝલ) ~ એહમદ હુસેન ‘એહમદ’
એની કરો તપાસ મને કંઈ ખબર નથી
છે એ કૃપા કે ત્રાસ મને કંઈ ખબર નથી
ભીંતો બની જશે કે એ મૂર્તિ બની જશે
પથ્થર જરા તરાશ મને કંઈ ખબર નથી
ખેતર હતાં હવે ત્યાં ઊંચા મકાન છે
કોને કહું વિકાસ મને કંઈ ખબર નથી
તારો અનેરો વાસ છે બ્રહ્માંડમાં ખુદા
તું દૂર છે કે પાસ મને કંઈ ખબર નથી
‘એહમદ’ કઢાવી લીધી બધી વાત એમણે
ને એમનો ઇતિહાસ મને કંઈ ખબર નથી
~ એહમદ હુસેન ‘એહમદ’
મોઃ 99740 35292
સંપાદનઃ પરિયાણ – કવિસંગતની કવિતા
સંપાદકઃ અશ્વિન અને મીનાક્ષી ચંદારાણા
પરામર્શકઃ ગુલામ અબ્બાસ નાશાદ
પ્રકાશકઃ સાયુજ્ય પ્રકાશન
એ-228, સૌરભ પાર્ક
સુભાનપુરા, વડોદરા-390023
ફોનઃ 999800 03128 / 96012 57543
Email: chandaranas@gmail.com
સુંદર ગઝલ.
સ રસ ગઝલ
તારો અનેરો વાસ છે બ્રહ્માંડમાં ખુદા
તું દૂર છે કે પાસ મને કંઈ ખબર નથી
વાહ
એકવાર મરતો માણસ બોલ્યો: ‘મને ખબર નથી કે મર્યા પછી દેવો પાસે જઈશ કે દાનવો પાસે. એટલે કોઈ એક પક્ષને માઠું લાગે એવું હું કઈ રીતે બોલી શકું?’
યાદ આવે
આજે શું થઇ રહ્યું છે
મને કંઈ ખબર નથી! જેવા અનેક શેર
પાછળ પ્રવાસીઓમાં ઘણા મિત્ર પણ હતા,
કોણે કર્યો પ્રહાર? મને કંઈ ખબર નથી.
ઝુલ્ફોનો અંધકાર હતો એજ યાદ છે,
ક્યારે થઈ સવાર? મને કંઈ ખબર નથી.
એ રેણ છે કે સંઘ મને એ ખબર નથી
શું ચીજ છે સબંધ મને એ ખબર નથી
સંવેદનાનું મુકત ભ્રમણ એટલે સુગંધ
બાકી શું છે સુગંધ મને એ ખબર નથી
બસ આમ ઊડ ઝૂડ ખર્યે જાઉં છું સતત
હું ખુલ્લો છું કે બંધ મને એ ખબર નથી
દોરું છું કદી અન્યને કદી દોરાઉં છું સ્વયંય
છું દેખતો કે અંધ મને એ ખબર નથી
આ જેના જોરે જાઉં છું હડસેલતો મને
એ હાથ છે કે સ્કંધ મને એ ખબર નથી
મિત્રો ગઝલ ગઝલ છે ગઝલ એટલે ગઝલ
એ રંગ છે કે ગંધ મને એ ખબર નથી
‘ઘાયલ’હું એને ચાહું છું સંપૂર્ણ ચાહું છું
છે કિંતુ શો સબંધ મને એ ખબર નથી