અસ્તિત્વની સુગંધ પાથરી જનારા શાયર ખલીલ ધનતેજવી (લેખ) ~ હિતેન આનંદપરા (ગુજરાતી મિડ-ડે)

ખલીલ ધનતેજવી નામના એક બેમિસાલ ગઝલકાર  ચોથી એપ્રિલે બેનમૂન સિતારો બની ગયા. સાહેબ નામે એમને માનાર્થે સંબોધન કરતી શાયરોની એક પેઢી તેમના અવસાનના આઘાતથી અવાક થઈ ગઈ. ખલીલસાહેબ એટલે મુશાયરો લુંટી લેવાનું સહજ કૌશલ્ય ધરાવતા શાયર અને અસ્તિત્વની સુગંધ પાથરી જનાર એક નાયાબ વ્યક્તિત્વ. જેટલા મોટા ગજાના સર્જક એટલા જ સરળતાના સાધક. એમના ખુશમિજાજ સ્વભાવને ધ્યાનમાં રાખીને આજની મહેફિલ સખેદ નહિ પણ સસ્નેહ એમના જ કલામથી સજાવીએ.
છુટા પડી સવારે, સાંજે ફરી મળીશું 
સાંજે ન શક્ય હો તો કાલે ફરી મળીશું 
તમને ખલીલ કાલે આ શહેરના છેવાડે 
ધનતેજ ગામ જાતી  વાટે  ફરી મળીશું 
વતન ધનતેજ ગામ પરથી તેમણે પોતાની અટક ધનતેજવી રાખી. મૂળ નામ ખલીલ ઈસ્માઈલ મકરાણી. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ધનતેજ ગામમાં પ્રારંભિક ગાળામાં તેઓ ખેતી કરતા. ગામમાં યોજાતી બળદગાડાની દોડમાં લાગલગાટ દસેક વર્ષ તેઓ જ પહેલા આવ્યા. એનાથી વિપરીત નિયતિએ તેમને એવા મહેફિલ-એ-શાન શાયર બનાવ્યા કે તેમને પૂરા સન્માન સાથે મુશાયરામાં કાયમ છેલ્લા જ રજૂ કરવા પડે. તેમની ફટકાબાજી પછી કોઈ ન ચાલે.
હું ય દિલ પર હાથ ફેરવતો  રહ્યો તો  રાતભર  
એણે પણ ભીની થતી આંખોને સમજાવી હશે 
આમ ઝટ ઊઘડે નહીં તો પણ ખલીલ ઊઘડી ગયો 
યાર પાસે કળ હશે અથવા કોઈ ચાવી હશે 
તેમની પાસે એવી અકળ કળ હતી કે સકળ સભાગૃહ તેમના વશમાં આવી જતું. એમના ઘેઘુર અવાજમાં પહેલો શેર રજૂ થાય અને પ્રેક્ષકોનું વશીકરણ થતું  જાય. ઊંચી ગઝલ જેવી જ વાસ્તવિક ઊંચાઈ. એટલે પોડિયમ પર આવે ત્યારે માઈક ઊંચું કરવું પડે.
મારી આવક સાથે ના કરશો કદી સરખામણી 
હું દુવાઓ પણ કમાયો છું, એ જાણો છો તમે? 
આ ખલીલ અમથો નથી ચળકાટ મારા નામનો
કેટલું ક્યારે ઘસાયો છું, એ જાણો છો તમે?
ખલીલભાઈની કલમ ઘસાઈ-ઘસાઈને ઉજળી થતી ગઈ. તેમણે પત્રકારત્વમાં વર્ષો ગાળ્યા. ફિલ્મી પત્રકારત્વમાં સ્ટોરી મેળવવા તેઓ અવારનવાર મુંબઈ આવતા. રાજેશ ખન્નાના લગ્ન તેમણે કવર કરેલા. અનેક હીરો-હિરોઈનની મુલાકાત લીધેલી. એ માટે સેટ ઉપર અવારનવાર જવાનું થતું. તેને કારણે ફિલ્મ મેકિંગમાં રસ પડતો ગયો જે તેમને ગુજરાતી ફિલ્મો ખાપરો-ઝવેરી, તુલસી જેવી દીકરી મારી, નગરવધૂ અને ચુંદડી ચોખાના લેખન-દિગ્દર્શન તરફ દોરી ગયો. ડો. રેખા ફિલ્મમાં બરકત વિરાણીના પુત્ર હીરો હતા.  છૂટાછેડા ફિલ્મને પારિતોષિક પણ મળ્યું.  
એની આંખોમાં હું સમાયો છું 
ત્યારથી ચોતરફ છવાયો છું  
મારી ઓળખ હું ખોઈ બેઠો ખલીલ 
એટલી નામના કમાયો છું 
આપણે તેમણે ગઝલકાર તરીકે વિશેષ જાણીએ છીએ, પણ લેખક તરીકે પણ તેમની લેખિની વિસ્તરી હતી. સુવાળો ડંખ, તરસ્યાં એકાંત, કોરી કોરી ભીનાશ, સન્નાટાની ચીસ, નગરવધૂ, સળગતો બરફ વગેરે. પચ્ચીસ વધારે નવલકથાઓ તેમણે આપી. કલમ એમનો શ્વાસ હતી.
જીતનું કારણ કશું બીજું નથી 
શત્રુઓને સાવ અવગણતો રહ્યો 
જો ખલીલ આ જિન્દગી પણ છે ગઝલ 
એને હું ગાતો ને ગણગણતો રહ્યો 
એમની સાથે અનેક મુશાયરાઓમાં સહભાગી થવાનું બન્યું એ વાત તેમની હયાતીમાં પણ અમારા માટે ગૌરવવંતી હતી. એમને અમે લિવિંગ લિજેન્ડ તરીકે જ જોયા છે. પ્રવાસમાં એમનો સામાન ઊંચકવાનું સહર્ષ સૌજન્ય અમે દાખવીએ તો પણ એ બહુ જ કચવાય. તેમના ગઝલસંગ્રહ ‘સાદગી’ જેવી જ સાદગી તેમના વર્તનમાં વણાયેલી. આજે એમની સાથે સમય વિતાવનાર પ્રત્યેક કવિ કે એમને અફાટ ચાહનાર ચાહકોની આંખો એમના આ શેરથી જરૂર નમ થશે…
કાલનું નક્કી નહીં આજે છું તારા શહેરમાં 
હું મુસાફિર છું, ગમે ત્યારે સફર લાગે મને 
હું ખલીલ આજે  ભરી મહેફિલમાં બેઠો છું છતાં 
સૂનું-સૂનું  કેટલું એના વગર લાગે મને 
ખરેખર ખલીલસાહેબ વગરની મહેફિલો હવે સૂની થશે. એમના સાથી કવિઓ અને કદરદાનો મિસ કરશે એક એવો યુગ જે એમની સાથે આથમી ગયો. કોઈ ડાયરી કે કાગળ રાખ્યા વગર વહેતી એમની અસ્ખલિત વાણી મિસ થશે. એમના શેરોથી ગુંજી ઉઠતું વાતાવરણ પોતાનો ‘સાંવરિયો’ મિસ કરશે. શેરની બે પંક્તિમાં આવો જતો ‘સારાંશ’ મિસ થશે. તેમની સાથે સધાયેલું ‘સગપણ’ મિસ થશે. તેમણે આપેલી યાદગાર ગઝલોની ‘સોગાત’ મિસ થશે. ‘સૂર્યમુખી’ની જેમ સૂરજ તાકતી આ ‘સાહ્યબા’ની આંખોનું વિશાળ ‘સરોવર’ મિસ થશે. ગયેલી વ્યક્તિ પાછી આવતી નથી એ વાત સાચી, પણ ખાલીલભાઈ તમારા શેર સાથે જ તમને જન્નતમાં આ કહેણ મોકલવું છે.
જાવ છો, પણ જીવ ના લાગે તો પાછા આવજો 
ફાવે તો રહેજો ને ના ફાવે તો પાછા આવજો 

ક્યા બાત હૈ
એક પગદંડી જે મેં પાડી હતી
કેટલા રસ્તાઓમાં વહેંચાઈ ગઈ
*
એની આંખો વાંચવાની લાખ મેં કોશિશ કરી
હું નથી સમજી શક્યો, પણ એ મને સમજી ગયાં
*
હા, ખલીલ એને આંતરવી મુશ્કેલ છે
ખુશ્બૂઓનો કદી પહેરો ભરશો નહીં
*
શું ફરક છે ખલીલ આપણને?
શંખમાં કે અઝાનમાં રહીએ
*
સાચા હ્રદયની ભાવના પહોંચે ખુદા સુધી
ટૂંકી દુવામાં લાંબી અસર હોવી જોઈએ
*
આ ખલીલ ઉર્દૂ ગઝલને ખૂબ ચાહે છે છતાં
થઈ ગયો છે તારા પર કુરબાન ગુજરાતી ગઝલ

~ ખલીલ ધનતેજવી
(૧૨.૧૨.૧૯૩૫ – ૪.૪.૨૦૨૧)
(ગુજરાતી મિડ-ડે માંથી સાભાર )

આપનો પ્રતિભાવ આપો..

4 Comments

 1. ખલીલભાઈની દરેક ખૂબીઓને વણી લેતી આ લેખમાં તેમના ઉચ્ચ દરજ્જાના પણ ઓછા જાણીતા એવા શેર ટાંક્યા છે એ તમારો તેમના વિષેનો ગહન અભ્યાસ દર્શાવે છે..

  સુંદર લેખ….

 2. શાયર ખલીલ ધનતેજવી અંગે શ્રી હિતેન આનંદપરાનુ સ રસ રસદર્શન
  યાદ કરીએ તેમના ગઝલસંગ્રહ
  સાદગી
  સારાંશ
  સરોવર
  સોગાત
  સૂર્યમુખી
  સાયબા
  સાંવરિયો
  સગપણ
  સોપાન
  સારંગી
  અને નવલકથા
  ડો. રેખા
  તરસ્યાં એકાંત
  મીણની આંગળીએ સૂરજ ઊગ્યો
  લીલા પાંદડે પાનખર
  સન્નાટાની ચીસ
  સાવ અધૂરા લોક
  લીલોછમ તડકો
  આ ખલીલ ઉર્દૂ ગઝલને ખૂબ ચાહે છે છતાં
  થઈ ગયો છે તારા પર કુરબાન ગુજરાતી ગઝલ
  સંવેદનશીલ શેર
  “હું ખલીલ આજે મર્યો છું એ પ્રથમ ઘટના નથી,
  જિંદગીભર હપ્તે હપ્તે રોજ ચૂકવાયો હતો”
  “કોઈ ચાદર સમજ કે ખીંચ ના લે ફિર સે “ખલીલ”
  મેં કફન ઓઢકર ફૂટપાઠ પે સો જાતા હૂં”