શ્રીમદ્‌ ભાગવત કથા – સ્કંધ ત્રીજો – અધ્યાય પાંચમો – જયશ્રી વિનુ મરચંટ

સ્કંધ ત્રીજો – પાંચમો અધ્યાય – “વિદુરજીનો પ્રશ્ન અને મૈત્રેયજીએ કરેલું સૃષ્ટિક્રમના ઉપદેશનું વર્ણન”

ૐ નમો ભગવતે વાસુદેવાય

 (ત્રીજા સ્કંધના અધ્યાય ચોથો – “ઉદ્ધવજીની વિદાય લઈ મૈત્રેય ઋષિને મળવા વિદુરજીનું પ્રસ્થાન”” અંતર્ગત આપે વાંચ્યું કે, ઉદ્ધવજીના મુખેથી પોતાના બંધુ બાંધવોના મૃત્યુના અસહ્ય સમાચાર સાંભળીને વિદુરજી શોકાન્વિત થયા. ઉદ્ધવજીએ વિદુરજીને જ્ઞાન પાઈને એમના શોકનું શમન કર્યું. ત્યાર પછી ઉદ્ધવજી બદિરાકાશ્રમ જવા નીકળ્યા ત્યારે વિદુરજીએ એમને નમ્રતાપૂર્વક અને શ્રદ્ધાપૂર્વક પૂછ્યું કે હે ઉદ્ધવજી આપ મને યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના ગૂઢ સ્વરૂપોને પ્રગટ કરનારું જે જ્ઞાન આપ્યું હતું તે અમને સંભળાવો.

ત્યારે ઉદ્ધવજી એમને કહે છે કે એ માટે તો તમારે મૈત્રેય ઋષિ પાસે જવું જોઈએ. આ મર્ત્યલોક છોડતી વખતે સ્વયં ભગવાને જ તેમને તમને જ્ઞાન આપવાનો આદેશ પણ આપ્યો હતો. શ્રી હરિએ ગાંધારી અને દુર્વાસાના આપેલા શાપને હસતે મુખે સ્વીકારી લીધો હતો. ભગવાને પોતાના કુળનો સંહાર કર્યો અને ઉદ્ધવજીને પોતાના ઉત્તરાધિકારી નિમ્યા કારણ તેઓ આત્મજયી છે અને વિષયોમાં લુપ્ત થાય એવા નથી. શ્રી કૃષ્ણએ પોતાની લીલાથી પોતાનો શ્રી વિગ્રહ પ્રગટ કર્યો અને લીલાથી જ અંતર્ધાન કર્યો.

શુકદેવજી પછી પરીક્ષિતને કહે છે કે વિદુરજી ભગવાનની પોતા પરની ભગવાનની આ કૃપાદ્રષ્ટિ અને પ્રીતિ જાણીને પ્રેમથી વિહ્વળ બની ગયા અને પછી તેઓ ત્યાંથી નીકળીને મૈત્રેય ઋષિને મળવા નીકળી પડ્યાં. હવે અહીંથી વાંચો આગળ, સ્કંધ ત્રીજાનો અધ્યાય પાંચમો, “વિદુરજીનો પ્રશ્ન અને મૈત્રેયજીએ કરેલું સૃષ્ટિક્રમનું વર્ણન”)

સૂતજી કહે હે શૌનકાદિ મુનિઓ, આમ વિદુરજી હરિદ્વાર ક્ષેત્રમાં પરમ જ્ઞાની મૈત્રેય ઋષિને મળવા નીકળી પડે છે. ભગવદ્‌ ભક્તિથી વિશુદ્ધ બનેલા મૈત્રેયજી વિદુરજીને જોઈને પ્રસન્ન થયા. સાધુ સ્વભાવના વિદુરજી એમને પ્રણામ કરીને પોતાની વ્યથા વર્ણવે છે.

વિદુરજી કહે છે – આ સંસારના લૌકિક સુખો શાશ્વત નથી બલકે દુઃખોમાં વૃદ્ધિ કરનારા છે. જે લોકો દુર્ભાગ્યવશ ભગવાન શ્રી કૃષ્ણથી વિમુખ હોય છે અને ધર્મનું આચરણ નથી કરતાં, તેમના માટે આ દુઃખો અનેક ગણાં વધી જાય છે.  હે સાધુવર્ય! આપ મને તે શાંતિપ્રદ સાધનનો ઉપદેશ આપો, કે જેના અનુસાર, વિશુદ્ધમને ઈશ્વરની આરાધના કરીને, અકર્તા, અજન્મા ભગવાન સ્વયં સદા માટે ભક્તના હ્રદયમાં બિરાજે અને પોતાના સ્વરૂપ વિષે સનાતન જ્ઞાન પ્રદાન કરે. મને એ પણ જાણવું છે આપની પાસેથી કે કઈ રીતે પ્રભુ એક જ હોવા છતાં પણ બ્રહ્માંડમાં અનેક રૂપે પ્રગટ થાય છે. આ બધું રહસ્ય મને સમજાવો. વિશ્વકર્તા, સ્વયંભૂ શ્રી નારાયણે ત્રિગુણધારી આ વિશ્વની પ્રજાઓના સ્વભાવ, કર્મ, રૂપ અને નામોના ભેદ ની કેવી રીતે રચના કરી? હવે મારા રોમરોમમાં શ્રી કૃષ્ણ ભગવાન વસી ગયા છે. ઉદ્ધવજી પાસેથી એમની લીલા-ચરિત્રનું વર્ણન સાંભળ્યું છે. આ સાંભળ્યા પછી ભગવત્‌ કથા અને ભગવત્‌ મહિમામાં ઋચિ અને શ્રદ્ધા બેઉ વધવા માંડ્યા છે. હે મૈત્રેયજી, આપ મારા પર આપની કૃપા વરસાવો અને પરમ કલ્યાણકારી, પવિત્રકીર્તિકારી શ્રી હરિએ આપને કરેલા સનાતન ઉપદેશનું જ્ઞાન મુજ અજ્ઞાનીને ઉપલબ્ધ કરાવો.

ત્યારે સૂતજી કહે – હે શૌનકાદિ મુનિગણો, શુકદેવજી આમ રાજા પરીક્ષિતને વિદુરજીની વિનંતીનું વર્ણન કરીને કહે છે કે જ્યારે પરમ ભક્ત વિદુરજીએ જીવોના કલ્યાણ માટે આ પ્રમાણે મૈત્રેયજીને સવાલ કર્યો ત્યારે મૈત્રેયજી વિદુરજીની પ્રશંસા કરતાં નીચે પ્રમાણે કહે છે.

શ્રી મૈત્રેયજી કહે – હે સાધુસ્વભાવના વિદુરજી! તમે બધા જીવો પર અત્યંત કૃપા કરીને, સૌના કલ્યાણ માટે આ ઘણી સારી વાત પૂછી છે. તમે શ્રી વેદવ્યાસજીના ઔરસ પુત્ર છો તો તમારી પાસેથી ઉચ્ચ અપેક્ષાઓ જ હોય, એ સ્વાભાવિક છે. મને કહેવા દો કે તમે આ અપેક્ષા પર ખરા ઉતર્યા છો. તમે હંમેશાં શ્રી ભગવાનના અત્યંત પ્રિય રહ્યા છો. તેથી જ, વૈકુંઠધામ જતાં પહેલાં, શ્રી ભગવાને સ્વયં કહ્યું હતું કે મારે યથોચિત સનાતન જ્ઞાનનો તમને ઉપદેશ કરવો. સર્વવ્યાપી પરમાત્મા આ સૃષ્ટિના નિર્માણ પૂર્વે એક જ હતા અને એમણે સંકલ્પ કર્યો કે “હું એકમાંથી અનેક થાઉં – એકોહમ્‌ બહુસ્યામ્‌.” અને ત્યારે જ એમની ઈચ્છાનુસાર, તેમનું ચર-અચર અનેક રૂપોમાં રૂપાંતર થઈ ગયું. મન, બુદ્ધિ, અહંકાર, આ બધું ત્રિગુણ તત્વો વડે સ્વભાવગત ગુણ, નિર્ગુણ અને વિગુણમાં બરબર રીતે વિભાજિત થઈ ગયું. બ્રહ્માજીને આ સૃષ્ટિ રચવાનું જ્ઞાન-વિજ્ઞાન તો સમજાવ્યું પણ જીવ અને પ્રાણ તત્વમાં તો એમણે જ પોતાના અંશને નિરોપવાનો હતો. ભગવાનની દ્રષ્ટિ પડતાં આકાશ રચાયું, એમાં વિકાર થતાં વાયુ ઉત્પન્ન થયો અને આ વાયુના વિકારમાંથી તેજ ઉત્પન્ન થયું. વાયુયુક્ત તેજમાં વિકાર થતાં જળ ઉત્પન્ન થયું અને પછી અગ્નિ પેદા થયો. આ પંચ મહાભૂતમાંથી જ પૃથ્વી ઉત્પન્ન થઈ છે. આ બધાં જ તત્વો ભગવાન વિષ્ણુના જ અંશ છે પણ એમનામાં સંવાદિતા ન હતી. આ કારણસર આ તત્વો કશું પણ કરી શકવા સમર્થ ન હતા આથી એમણે ભગવાનને પ્રાર્થના કરી કે હે આદિદેવ, આપે આપના ત્રણ ગુણો વડે સૃષ્ટિની રચના કરવાની ઈચ્છાથી અમારું સર્જન તો કર્યું પણ અમારી વચ્ચે સુમેળ ન હોવાથી જીવોમાં અમે સંવાદિતાથી અમારું કાર્ય કરી નથી શકતાં અને વિજ્ઞાનને અનુરૂપ તો કશું જ કરી નથી શકતા. તો હે ભગવાન! અમારા પર કૃપા કરો અને અમારી વચ્ચે સુમેળ સાધવા માટે, અમને યથોચિત ક્રિયાશક્તિ સહિત પોતાની જ્ઞાનશક્તિ પ્રદાન કરો અને પછી જીવોમાં અમને પ્રસ્થાપિત કરો. આ રીતે જ અમે પુર્ણ વિવેક સાથે દરેક નાનાં મોટાં જીવોમાં સંપૂર્ણપણે સુયોગ સાથે જીવોના ઉત્થાન માટે કાર્યરત થઈ શકીશું.

હે વિદુરજી, ભગવાનનો અંશ તમે છો, હું છું અને આ ચર-અચર બધાંમાં ભગવાન જ વસે છે. એકમાંથી અનેક થવાની ઈચ્છા ભગવાને કરી અને આમ આ સૃષ્ટિના જીવોમાં એમણે પોતાના સ્વરૂપને જ પ્રસ્થાપિત કર્યું. શ્રી હરિ મને ખાસ કહીને નિજ ધામ સિધાવ્યા હતા કે હું તમને આ સાદું જ્ઞાન અને વિજ્ઞાન કહું. જે થયું છે, જે થાય છે અને જે થવાનું છે એના માટે કોઈ પણ જીવે દુઃખ કે મોહ, કશું જ રાખવું ન ખપે. માત્ર સુખ નહીં પણ દુઃખ, મોહ, ત્યાગ અને અહંકાર, આ સૌ તત્વો તાપ અને સંતાપ સિવાય બીજું કંઈ સર્જી શકતા નથી. જીવમાં જ્યારે તાપ કે સંતાપ થાય છે, એ તો મહીં રહેલા ઈશ્વરના અંશને થાય છે. પ્રભુને માત્ર પ્રેમ અને ભક્તિ થી પામી શકાય છે. મન, બુદ્ધિ અને અહંકાર એ માનવીની સાત્વિકતા માટે પતનકારી છે. આટલું સમજાઈ જાય તો પછી જીવ માત્ર માટે કરૂણાનો ભાવ શાશ્વત થાય છે. આગળ વિરાટપુરુષના લક્ષણો વિષે પણ આપને ઉપદેશ કરીશ.

શ્રીમદભાગવત મહાપુરાણનો ત્રીજા સ્કંધ અંતર્ગત, પાંચમો અધ્યાય – “વિદુરજીનો પ્રશ્ન અને મૈત્રેયજીએ કરેલું સૃષ્ટિક્રમના ઉપદેશનું વર્ણન” સમાપ્ત થયો.

શ્રીમન્ નારાયણ, નારાયણ, નારાયણ. ભગવદ્ નારાયણ, નારાયણ, નારાયણ.

આપનો પ્રતિભાવ આપો..

2 Comments

  1. હંમેશ જેમ સ રસ સુંદર સરળ સમજુતી
    ‘પ્રભુને માત્ર પ્રેમ અને ભક્તિ થી પામી શકાય છે.
    મન, બુદ્ધિ અને અહંકાર એ માનવીની સાત્વિકતા માટે પતનકારી છે.
    આટલું સમજાઈ જાય તો પછી જીવ માત્ર માટે કરૂણાનો ભાવ શાશ્વત થાય છે.
    ભાગવતની સારરુપ ચિતમા મઢી રાખવા જેવી વાત.

  2. સૃષ્ટિનિર્માણનું આ વર્ણન કુતૂહલ પ્રેરક,કાવ્ય જેવું રમ્ય અને વિજ્ઞાનીઓને પણ માર્ગદર્શક છે.