કરું બંધ આંખો (ગઝલ) ~ નિનાદ અધ્યારુ (ઓડિયો સાથે)

પઠન : કવિના અવાજમાં

કરું બંધ આંખો અને તાર લાગે,
મને મારા ખુદનો બહિષ્કાર લાગે !

કદી આર લાગે, કદી પાર લાગે,
કદી છેક આઘો તડીપાર લાગે.

નિરાકારમાં પણ તું આકાર લાગે,
તું આકારમાં પણ નિરાકાર લાગે !

તને મેં કદી પણ ન જોયો છતાંયે,
મને કેમ તારો અધિકાર લાગે ?

હું ચિક્કાર થઈનેય ખાલી ને ખાલી,
તું ખાલી ને ખાલીય ચિક્કાર લાગે !

આ બ્રહ્માંડ આખું તે પહેરેલી માળા,
શું અંબાર.. અંબાર.. અંબાર.. લાગે !

‘નિનાદ’ ધૂળ ખાતી આ મારી હયાતી,
એ અડકે મને તો કંઇ સંચાર લાગે !

~ નિનાદ અધ્યારુ

આપનો પ્રતિભાવ આપો..

5 Comments

  1. આ ગઝલ જીવ અને શિવની અલગતા વચ્ચે અદભૂચ રીતે સંલગ્નતા નો સેતુ સર્જે છે! આફરીન!

  2. કરું બંધ આંખો (ગઝલ) ~ નિનાદ અધ્યારુ ના સ્વરમા માણી આનંદ
    ૐ નમઃ શિવાય