આંખથી મોટું આંસુ (વાર્તા) ~ ગિરિમા ઘારેખાન

(એક પ્રયોગાત્મક વાર્તા)

લેખિકા

એ દિવસે હું બહુ ખુશ હતી. કેટલાય વખતથી હું એના મનના ગર્ભમાં સળવળ સળવળ થયા કરતી હતી. અમુક સમય પછી તો મારો સળવળાટ એટલો બધો વધી ગયો કે એ રાત્રે ઊંઘી પણ શકતી ન હતી. છેવટે એ રાત્રે એણે પથારી છોડી દીધી, બહારની રૂમમાં આવી, કાગળ પેન લીધાં અને શરુ કર્યું મારા શબ્દદેહને જન્મ આપવાનું.

મારું અવતરણ શરુ થઇ ગયું હતું. હું બહુ આનંદિત હતી. વાર્તાના પ્રસવની આ પળો જરુર આનંદદાયક હોતી હશે કારણકે એ મારા શબ્દ દેહને કંડારવામાં મગ્ન થઇ ગઈ હતી જાણે સમાધિ ન લાગી ગઈ હોય! એની મમ્મી ક્યારે એની પાછળ આવીને ઊભી રહી ગઈ એની ખબર પણ એને ન પડી. મમ્મીએ એને કશુંક લખતી જોઈ. એમણે લખાણ વાંચવાનો પ્રયત્ન કર્યો પણ ચશ્માં વિનાની પાંગળી આંખોને કંઈ ઉકલ્યું નહીં હોય એટલે પૂછી જ નાખ્યું, ‘મીતુ, ક્યારેય નહીં અને આજે આમ અડધી રાત્રે ઊઠીને શું લખવા બેઠી છે?’

એણે ચમકીને ઊંચું જોયું અને એની અર્ધસમાધિસ્થ અવસ્થામાં સ્મિત કરતાં કરતાં કહ્યું, ‘મમ્મી, વાર્તા લખું છું.’

‘શું?’

‘વાર્તા.’

‘તું અત્યારે વાર્તા લખવા ઊઠી છે? વાર્તા? વોટ નોનસેન્સ!’

મમ્મી મારા અવતારવાળા કાગળ તરફ વધારે ઝૂકી અને આંખો ખેંચીને વાંચવાનો પ્રયત્ન કર્યો.

‘રાધિકાએ સ્ટેજ ઉપર ઊભેલા અનુજને જોયો અને એનું હૃદય છાતીના પિંજરમાં પાંખો ફફડાવવા માંડ્યું. અનુજનું ઊંચું સ્નાયુબદ્ધ શરીર,ગોરો વાન અને જેલથી ઊંચા કરેલા કાળા ભમ્મર વાળ ઉપર રાધિકા મોહી પડી. પછી તો એને અનુજનું ગીત સંભળાતું પણ બંધ થઇ ગયું. એની બીજી બધી જ ઇન્દ્રિઓ કામ કરતી બંધ થઇ ગઈ અને આંખો પહોળી થઈથઈને અનુજને પોતાનામાં સમાવી લેવાનો પ્રયત્ન કરવા માંડી.’

‘મમ્મી, મસ્ત વાર્તા સુઝી છે. કોઈ સરસ સામયિકમાં મોકલીશ. ચોક્કસ છપાશે, જોજે ને!’ મીતુના અવાજમાં આવનારા સમયનું ગૌરવ હતું.

‘મૂક મૂક તારી આ ટાયલી વાર્તા બાર્તા. હું તો ખુશ થઇ કે તું ભણવા ઊઠી છે. કોલેજના છેલ્લા વર્ષની પરીક્ષા માથે ભમે છે અને તને આ વાર્તાની ધૂન ક્યાંથી ચડી?’

‘પણ મમ્મી —-!’ મારી જનેતાનો અવાજ રડમસ હતો.

‘વાર્તાઓ લખે કોઈના ઉદ્ધાર થયા છે કે તારો થશે? આ બધું મૂકીને ભણ, પરીક્ષાની તૈયારી કર. તારું બી.એ પતે એટલે પરણાવી દઉં, મારી જવાબદારી પૂરી’, મમ્મીએ ટેબલ ઉપરથી કાગળ ઊંચકતા કહ્યું.

‘મમ્મી, મમ્મી, પ્લીઝ મમ્મી. આટલી વાર્તા પતાવી લેવા દે. છપાવવાનું હમણાં નહીં કરું, બસ! આટલી લખીને મૂકી દઈશ.’

‘ના, નો મીન્સ નો.’

એ સાથે મારા સદ્યજન્મ્યા ટુકડા દેહનો કાગળ મારી જનેતાની મમ્મીની આંગળીઓ વચ્ચે સળસળ થઈને ચૂંથાઈ ગયો અને પધારાવાઈ ગયો કચરાપેટીમાં.

હું મારી જનેતાના હાવભાવ જોઈ ન શકી, પણ આખરે હતી તો હું વાર્તા દીકરી ને! મેં એની દશા કલ્પી લીધી, વ્યથા અનુભવી લીધી અને મારા સૂક્ષ્મ દેહથી પાછી જઈને બેસી ગઈ એના મગજના ગર્ભાશયમાં. વેતાળનું ભૂત એમ કંઈ રાજા વિક્રમનો પીછો છોડતું હશે?

 *********************************                

એ પણ એવી જ ભારે ભારે રાત હતી. છેલ્લા એક વર્ષમાં મારા દેહનો ખાસ્સો વિકાસ થઇ ગયો હતો. એમાં ઘણી નવી લાગણીઓ, સંવેદનાઓ, ઉમેરાઈ ગઈ હતી. મીતુને પણ મારા આ હૃષ્ટપુષ્ટ દેહનો ભાર તો લાગતો જ હશે. એટલે જ એ એની ઘણી ઉજાગરાભરી રાતોમાં ઉજાગરા ઉમેરતી જતી હતી. છેવટે એ રાત્રે એણે પોતાના હાથ ઉપર ટેકવાયેલા પતિના માથાને હળવેથી દૂર ખસેડ્યું અને ધીમેથી ઊભી થઈને બહાર આવી ગઈ. કાગળ શોધવા એણે ખાંખાખોળા કર્યાં પણ કાગળ મળતો ન હતો. હું તો એની કલમના દરવાજા મારફતે બહાર નીકળવા આકુળવ્યાકુળ થઇ ગઈ હતી. એ પણ એટલી જ ઉતાવળી  હશે એટલે કાગળની વધારે શોધ કર્યા વિના એણે ટેબલના ખાનામાંથી હિસાબની ડાયરી અને પેન કાઢ્યાં અને એમાં જ પાછળની તરફ, ફરીથી એક વાર મારા શબ્દદેહને અંકારવાનું ચાલુ કરી દીધું.

‘રાધિકાને અવારનવાર લાગતું હતું કે જે અનુજને એ પરણી હતી એ પહેલા  વાળો અનુજ ન હતો. પુરુષ પતિ બને એટલે પ્રેમી મટી જાય? એની પ્રેમ કરવાની જગ્યા અને સમય સીમિત થઇ જાય? એને લાગતું હતું કે લગ્ન પછી એની તો અનુજ માટેની લાગણી અને દરકાર વધતાં જતાં હતા. તો પછી અનુજને —-?’

મારો દેહ સુંદર ઘડાતો જતો હતો. મીતુને પ્રસવનો આનંદ તો હતો જ પણ સાથોસાથ, કદાચ મારા પહેલીવારના પ્રસવની જેમ આ પ્રસવ પણ અધવચ્ચે અટકાવી દેવામાં આવશે તો-એવી આશંકાની પીડા અપાર હતી. એટલે જ એની ઝડપ અદભૂત હતી. જો કે કુંભારને પણ એના ઘડાને ઘાટ આપવામાં સમય જતો હોય છે – ધીરજથી ન ઘડે તો એનો આકાર બગડી  જાય. ત્યારે અહીં તો એક કલાત્મક દેહ કંડારવાની વાત હતી. હિમશીલામાંથી નીકળીને પર્વત ઉપરથી નીચે ઊતરતા નાના ઝરણની જેમ હું ઉછળતી, કૂદતી, ચમકતી-દમકતી, હસતી-રમતી, સુંદર દેખાતી બહાર સરકતી આવતી હતી. ત્યાં જ મીતુના બેડરૂમમાંથી એક ભારેખમ અવાજ સંભળાયો, ‘ક્યાં છે મીતુ? આવ ને!’

મીતુની સમાધિ તૂટી. એની પેન સહેજ અટકી. મારા શરીરમાં ધ્રુજારી થઇ-ફરીથી વિઘ્ન? પણ મીતુએ તો જવાબ આપ્યા વિના લખવાનું ચાલુ રાખ્યું.

‘મીતુ—!’ પેલો અવાજ મોટો થયો હતો.

‘આવું છું!’ મીતુંના અવાજમાં સહેજ સાજ કંપન હતું.

હું પણ અમળાવાનું, મરોડાવાનું, સુંદર દેખાવાનું ભૂલીને સડસડાટ નીચે ઉતરવા માંડી, જાણે… ઝરણામાંથી થઇ ગઈ ધોધ. ત્યાં તો પેલા ભારેખમ અવાજનો માલિક અંદરથી આવ્યો અને કંઈ બોલ્યા વિના મીતુને ખેંચીને અંદર  લઇ ગયો. એ વાંકડી મૂછોએ તો મારા અસ્તિત્વની નોંધ લેવાની પરવા પણ ન કરી. ડાયરીના ઊડતાં પાનાઓ વચ્ચે હું થોડી વાર ફફડતી રહી. વળતી સવારે મારો અડધો-પડધો દેહ કેદ થઈને પૂરાઈ ગયો  ટેબલના ખાનાના અંધારામાં.

નાં—-, ના —-, ના—-, આ ‘નહીં અંદર નહીં બહાર’ની ત્રિશંકુ અવસ્થા કરતાં તો મીતુના મગજનો અંધકાર મારે માટે વધારે સલામત જગ્યા છે.  ફૂલ નહીં તો બીજ થઈને-સચવાઈ તો રહીશ!

***********************************   

મીતુના મગજમાં હવે મારે માટે તો સળવળવાની જગ્યા પણ ન હતી. એના મગજના નાના-મોટાં અનેક ખાનાઓમાં મારા સિવાય બીજું બધું જ એકબીજા સાથે અથડાયા કરતું – એનું ઘર ને એનો વર, સવાર-સાંજની રસોઈ અને સાસુની સંભાળ, બાળકોને ભણાવવાનું તેમ જ નિશાળ – કલાસિસમાં લેવા મૂકવા જવાનું. આ ઉપરાંત આવું તો બીજું ઘણું ય. એ બધું સમય પ્રમાણે બહાર નીકળતું, અંદર આવતું, થોડુંક ગોઠવાતું અને ક્યારેક એકબીજા સાથે સંઘર્ષ પણ કરતું. મને મીતુ પર એક બાજુ ગુસ્સો ચડે અને બીજી બાજુ દયા પણ આવે.

એક પ્રસંગ તો મને બરાબર યાદ છે. એ દિવસે ગમે તેમ કરીને, પોતાની રોજિંદી દોડધામમાંથી થોડો સમય ચોરીને, મીતુએ મને જન્મ આપી દીધો હતો. હું કાગળ ઉપર પથરાઈને મલકાઈ રહી હતી, ત્યારે જ મીતુને એના સાસુએ બોલાવી. મને ત્યાં જ મૂકીને મીતુ દોડતી એમની પાસે ગઈ. એ જ વખતે બહાર રમવા ગયેલાં એના ચિન્ટુ અને રમ્યા ત્યાં આવી ગયા. મને જોઇને પાંચ વર્ષના ચિન્ટુને કોણ જાણે શું થયું કે એ એની રંગ કરવાની પેન્સિલ લઇ આવ્યો અને મારા આખા શરીર ઉપર લાલ રંગના લીટા કરી દીધા – આડા, ઊભા ને ત્રાંસા, ગોળ ગોળ અને અર્ધ ચંદ્રાકાર – એનાથી થઇ શક્ય એટલા બધા આકારના. હું સતત ચિત્કારતી હતી- ‘ના કર, ના કર.’ પણ એ ક્યાં કંઈ સાંભળતો જ હતો!

પાંચ જ મિનિટમાં હું આખેઆખી વીંધાઈ ગઈ. મારા શરીરમાંથી લોહીના રેલા નીકળવા માંડ્યા. અધૂરામાં પૂરું પછી તો ચિન્ટુની નાની બહેન રમ્યાએ એની પાસે પેન્સિલ માગી. ચિન્ટુએ ના આપી  એટલે રમ્યાએ એના હાથમાંથી કાગળ ઝૂંટવી લેવાનો પ્રયત્ન કર્યો. પણ ચિન્ટુ કંઈ એમ કાગળ થોડો આપી દે? બસ, પછી તો થયા મારા બે ટુકડા – એક ચિન્ટુના હાથમાં અને એક રમ્યાના હાથમાં. રમ્યાને ગુસ્સો આવ્યો  હતો અને એણે એના હાથમાંના મારા ટુકડાને ફાડવાનું શરુ કર્યું. એને આમ કરતી જોઇને ચિન્ટુ પણ પોતાના હાથમાંના મારા દેહને ચીરવા માંડ્યો. મારો દેહ અસંખ્ય ટુકડાઓમાં વિભાજિત થઇ ગયો હતો. હવે તો મેં ચીસો પાડવાનું પણ બંધ કરી દીધું હતું.

ત્યાં તો મીતુ આવી અને મારી આ હાલત જોઈ. મને, એની સદ્યજન્મ્યા માનસ પુત્રીને, આમ રઝળતી મૂકીને જવા માટે મને મીતુ ઉપર ગુસ્સો તો ઘણો આવ્યો હતો, પણ એના આંસુઓએ મને ભીંજવી નાખી. મને ખ્યાલ આવી ગયો કે જે ટપકતાં હતાં એ આંસુ ન હતા પણ એની લાચારી હતી. મારો તો દેહ ઘવાયો હતો પણ એનો તો આત્મા જ વીંધાઈ ગયો હોય એવું એ રડતી હતી. મારે મીતુને કહેવું હતું, ‘રડ નહીં, રડ નહીં, મારી મા. તેં મને જન્મ આપી દીધો હતો પણ નાળછેદ ક્યાં થયો હતો? હું હજુ તો તારા અસ્તિત્વનો જ એક ભાગ છું, તારો અંશ, હું હજુ તારામાં જ છું અને સુક્ષ્મ સ્વરૂપે, એક વિચાર રૂપે સદા યે રહીશ.’

હું પાછી હતી ત્યાં ને ત્યાં-એવી ને એવી-અજન્મા.

ગર્ભધારણ થયા પછી એક સ્ત્રી બાળકને જન્મ જ ન આપી શકે એ વેદના મા અને બાળક, બન્નેને કેટલી તીવ્ર હોય! અમુક સમય પછી તો બાળક અંદર ને અંદર સૂકાઈ જાય. પણ મારા કિસ્સામાં એવું નહોતું બન્યું. મારી જિજિવિષા ઘણી વધારે હતી. મારે દેહ ધારણ કરવો જ હતો, જન્મ લેવો જ હતો. કોઈ સારા સામયિકના પાનાઓ ઉપર મારે પણ પ્રકાશિત થવું હતું અને વાચકો પાસેથી પ્રશંસા મેળવવી હતી. એટલે જ હું મીતુના મગજના અસ્પર્શ્ય ખૂણામાં કોકડું વળીને પડી રહી હતી. મારે સૂકાઈ જવું ન હતું. મારે મારા અસ્તિત્વને જીવતું રાખવું હતું. મને ખબર હતી કે મીતુ મને ખૂબ પ્રેમ કરતી હતી. હું ઈચ્છતી હતી કે દુનિયા મારી મા ને મારી જનેતા તરીકે ઓળખે, પ્રશંસે, પુરસ્કારે. એટલે જ મેં જન્મ્યા પછી અજન્મા રહ્યાની વેદના સહી, ધીરજ રાખી, વર્ષો સુધી.

ક્યારેક ક્યારેક હું મીતુના કપાળના પ્રસ્વેદબિંદુ કે આંખના તગતગતા આંસુમાં ડોકાઈને દુનિયા જોઈ લેતી, મારી જાતને મારા જીવતા હોવાના પુરાવા આપતી. મારી જાતને પ્રવૃત્તિશીલ, ધબકતી રાખવા મેં મારા એક અંશને મીતુના હૃદયમાં પણ રોપી દીધો. પછી તો મારા છૂટાછવાયા કણો લોહીની સાથે મીતુની રગરગમાં ફરવા માંડ્યા. હવે મીતુ બીજું ગમે તે કરે, હું એના અસ્તિત્વમાં, અંશેઅંશમાં ફેલાઈ ગઈ હતી. મીતુ મને ખાતી હતી, મને પીતી હતી, અરે, મને શ્વસતી હતી!

 ***********************************

મને ખબર પડી ગઈ છે કે હવે મીતુએ એની સાસુની દવાઓની, બાળકોના ભણતરની, કલાસિસમાં લેવા-મૂકવા જવાની ચિંતા નથી કરવી પડતી. પેલો ભારેખમ અવાજ પણ હવે ઢીલો થઇ ગયો છે. હવે હું મીતુના મગજના અગ્રભાગમાં સંપૂર્ણ વિકાસ પામી ગઈ છું.

આ વખતે તો મીતુ દિવસના અજવાળામાં મારા શબ્દશરીરને વિચારોના, કલ્પનાઓના કોશેટામાંથી ધીરે ધીરે સુંદર રીતે બહાર કાઢીને આકારી રહી હતી.

‘રાધિકાએ અરીસામાં જોયું. વાળની સફેદી અને ચહેરા પરની કરચલી- બંને જાણે અચાનક વધી ગયાં હોય એવું લાગતું હતું. એણે હજુ તો કેટલું બધું કરવાનું હતું? ના,ના હવે નહીં. એ પોતે નહીં છોડે ત્યાં સુધી જવાબદારીઓ તો એને છોડવાની જ ન હતી. તો પછી એની ઈચ્છાઓ, એના સપનાંનું શું? બીજાઓ માટે બહુ જીવી લીધું, હવે એ પોતાને માટે જીવશે. પણ આટલા વર્ષોથી અસ્તિત્વની આસપાસ વીંટળાઈ ગયેલી સુંવાળી સાંકળો હવે એકદમ એનાથી તોડી શકાશે?’

એ જ વખતે પાછળથી પેલો અવાજ સંભળાયો-‘મીતુ!’

મીતુના જોરથી ધબકવા માંડેલા હૃદયની ધ્રુજારી એના હાથ સુધી આવેલી મેં પણ અનુભવી. ડરી ગયેલી પેન હાથમાંથી છટકીને નીચે પડીને ટેબલ નીચે સંતાઈ ગઈ.

પેલી વાંકડી મૂછો ત્યાં આવીને ઊભી હતી. હું અદ્ધર શ્વાસે, હૈયું હાથમાં લઈને જોતી રહી, મનમાં ને મનમાં આજીજી કરતી રહી, ‘હવે તો ખાલી મારા પગ જ બાકી છે. પ્લીઝ, પ્લીઝ, મને આવી જવા દો. મારે અજન્મા નથી રહેવું. મારે જન્મવું છે, આજે, આ જ પળે, નહીં તો પછી ક્યારેય નહીં.’

મીતુના હૃદયનો ધબકાર મને છેક મગજ સુધી સંભળાતો હતો. એની નજર ઘડીક પેલી સંતાઈ ગયેલી  પેન તરફ અને ઘડીક પેલા અવાજની વચ્ચે ભટકી રહી હતી. પછી તો મીતુના ધ્રુજવા માંડેલા શરીરનું કંપન એના અંગેઅંગમાં ફેલાતું ફેલાતું મારા સુધી પણ પહોંચ્યું અને મારો રહ્યો સહ્યો ભાગ ફેંકાઈને આવી ગયો એની આંખમાં. એની આંખથી ય મોટું આંસુ બનીને હું પેલા અવાજ સામે તાકી રહી.

મેં જોયું કે એ વાંકડી મૂછો નીચે ઝુકી, એણે પેન ઉપાડી અને સહેજ મલકાટ સાથે મીતુની સામે ટેબલ ઉપર મૂકી. પછી  એ અવાજ મૂંગો મૂંગો અંદરની રૂમ તરફ જતો રહ્યો.

~ ગિરિમા ઘારેખાન
૧૦, ઇશાન બંગલોઝ
સુરધારા-સતાધાર રોડ
થલતેજ, અમદાવાદ-૩૮૦૦૫૪
ફોન: +૯૧ ૮૯૮૦૨ ૦૫૯૦૯    

આપનો પ્રતિભાવ આપો..

9 Comments

 1. રવિન્દ્રનાથ ટાગોરને કોઈકે જ્યારે પુછ્યું હતું કે વાર્તા કે કવિતા લખ્યા પછી તમને કેવી લાગણી થાય છે? ત્યારે એમણે જવાબ આપ્યો હતો, “પ્રસવની પીડા પછી બાળકને જન્મ આપીને એક મા ને થતી હશે એવી જ લાગણી મને થાય છે.”
  ગિરિમાબેનની વાર્તાના આ શબ્દો ટાગોરની સંવેદનાની એ ઊંચાઈને આંબી આવે છે. વાહ, ખૂબ જ સુંદર વાર્તા!

 2. સુ શ્રી ગિરિમા ઘારેખાનની આંખથી મોટું આંસુ સ રસ પ્રયોગાત્મક વાર્તા

 3. સુંદર! અતી સુંદર!! સુંદર મનોભાવના આલેખન!!!

 4. ગિરિમાબેને સર્જક અને સંસાર વચ્ચેના સંઘર્ષનું એકદમ સાહજિક છતાં કલાત્મક નિરૂપણ કરેલ છે.

 5. ગિરિમાબેન,
  વાર્તા ખૂબજ હૃદય સ્પર્શી છે. એક કૃતિનાં માનસિક ગર્ભધારણ અને સ્થૂળ લેખન સ્વરૂપે પ્રસવની પીડાને અદભૂત વર્ણવી છે. એક કૃતિના દ્રષ્ટાંતથી સંસારનો ભાર વેંઢારતી સ્ત્રીની વેદનાને સાથે સાથે કૃતિના આંશિક લેખનમાં પણ સમયાંતરે આવેલ સુક્ષ્મ બદલાવને પણ આબેહૂબ કંડારેલ છે. વાંચીને ખૂબ મઝા આવી. ખૂબ ખૂબ અભિનંદન

  1. આપને વાર્તા ગમી એનો આનંદ છે. ઘણી વાર આ પ્રકારની વાર્તાઓ ભાવકો સુધી પહોંચતી નથી. પણ આપ એનું હાર્દ બરાબર પામ્યા છો. ઘણો આભાર.