ક્યારેક હું રેતી (ગીત) ~ ગોપાલી બુચ  ~ સ્વરાંકન – સ્વર: ડૉ. સંજીવ ધારૈયા  

સ્વરાંકન સાંભળવા અહી ક્લિક કરો :

સ્વરાંકન – સ્વર: ડૉ. સંજીવ ધારૈયા

આખું ય આભ નિજમાં બેઠી સમેટી
ક્યારેક હું નદી ને ક્યારેક હું રેતી
કણકણ રહેતી ને ક્ષણક્ષણ સહેતી
ક્યારેક હું નદી ને ક્યારેક હું રેતી

રમતી ઉછળતી નપિરી* વિચરતી
જીવતરને બાળીને તિરથીયું કરતી
ગામમાં જ રહેતી ને ગામને જ સહેતી
ક્યારેક હું નદી ને ક્યારેક હું રેતી

સૂરજના તાપને સોનામાં ઢાળતી
તૃષાતુર આકંઠ ઝાંઝવાઓ ઠારતી
રણ-વન વહેતી ને દરિયાને કહેતી
ક્યારેક હું નદી ને ક્યારેક હું રેતી.

ધારું તો તારું પણ ધારું તો મારું
માટી છું માટીને મૂલવી મઠારું
જળ-સ્થળ રહેતી ને વા સંગ વહેતી
ક્યારેક હું નદી ને ક્યારેક હું રેતી

(*નપિરી = જેનું પિયરમાં કોઈ નથી એવી સ્ત્રી)

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

One Comment

  1. ગોપાલી બુચ નામધુરા ગીતનુ ડૉ. સંજીવ ધારૈયા દ્વારા સુંદર સ્વરાંકન
    આખું ય આભ નિજમાં બેઠી સમેટી
    ક્યારેક હું નદી ને ક્યારેક હું રેતી
    વાહ્