શ્રીમદ્‌ ભાગવત કથા – સ્કંધ ત્રીજો – અધ્યાય ચોથો – જયશ્રી વિનુ મરચંટ

સ્કંધ ત્રીજો – ચોથો અધ્યાય – ઉદ્ધવજીની વિદાય લઈ મૈત્રેય ઋષિ ને મળવા વિદુરજીનું પ્રસ્થાન”)

ૐ નમો ભગવતે વાસુદેવાય

 (ત્રીજા સ્કંધના અધ્યાય ત્રીજો, “ભગવાનના અન્ય લીલા ચરિત્રોનું વર્ણન” અંતર્ગત આપે વાંચ્યું કે, ઉદ્ધવજી વિદુરજીને મહાભારતના યુદ્ધ પહેલાં અને પછી ભગવાને કરેલી અન્ય લીલા-ચરિત્રોનું વર્ણન કર્યું. ભગવાને પણ દ્વારિકાપુરીમાં રહીને વેદ અને ધર્મનું પાલન કર્યું. પ્રજાને ખૂબ સુખ મળે એવા પ્રાવધાન કર્યાં અને અનેક વર્ષો સુધી રાજ્યમાં સુખ, શાંતિ સાથે અનેક વિકાસ કાર્યો કર્યા. હરિએ મનુષ્યદેહ લીધો હતો તો દેહકર્મમાંથી તેઓ વિમુખ રહી શકે એમ ક્યાં હતું? શ્રી કૃષ્ણએ પોતાના મનમોહક સ્મિત અને મધુરતા સભર વ્યવહારથી નાના મોટાં બધાંનું દિલ જીતી લીધું હતું અને પોતાની પ્રજા, રાણીઓ, સંતાનો અને સર્વ સગા સંબંધીઓને, સર્વને અપાર સુખ આપ્યું. આમ ઘણાં સમય સુધી એમણે વિહાર કર્યો અને આ માયામાં જલકમલવત રહેલા શ્રી કૃષ્ણે એમના નિશ્વિત સમયે પોતાની લીલા સંકેલવાનું એમણે નક્કી કરી લીધું. એમનું છેલ્લું એક કાર્ય હજી બાકી હતું. એ કાર્ય હતું, સત્તા અને સફળતાના મદમાં છકી ગયેલા યાદવોનો પણ નાશ કરવાનું.  

એકવાર દ્વારિકાનગરીમાં નગરીમાં યદુવંશીઓ અને ભોજવંશી યાદવ બાળકોએ રમતાં રમતાં મુનિશ્વરોને ક્રોધિત કર્યા અને યાદવકુળનો નાશ જ ભગવાનને અભિપ્રેત છે એમ સમજીને એ ઋષિઓએ એમને સર્વનાશનો શાપ આપી દીધો. થોડા જ મહિના બાદ સહુ યાદવો હ્રદયમાં ભારે હર્ષ સાથે પોતપોતાના રથોમાં સવાર થઈને પ્રભાસક્ષેત્રમાં ગયા. ત્યાં સ્નાન કરીને એમણે પિતૃતર્પણ કર્યું, દેવતાઓને તથા ઋષિઓને તર્પણ કર્યું. પછી બ્રહ્મભોજ કરાવીને સૌ બ્રાહ્મણોને યથોચિત ભૂમિદાન, અન્ય દ્રવ્ય દાન અને ગૌ દાન કર્યું. આમ કર્યા પછી સર્વ યાદવવંશીઓએ પૃથ્વી પર માથા ટેકવીને સૌ બ્રાહ્મણોને પ્રણામ કર્યા. હવે અહીંથી વાંચો આગળ, સ્કંધ ત્રીજાનો અધ્યાય ચોથો, “ઉદ્ધવજીની વિદાય લઈ મૈત્રેય ઋષિ ને મળવા વિદુરજીનું પ્રસ્થાન” )

સૂતજી કહે – હે શૌનકાદિ મુનિઓ, હું હવે તમને વિદુરજી કઈ રીતે અને શું ઉપદેશ પ્રાપ્ત કર્યા બાદ ઉદ્ધવજીની રજા લઈ મૈત્રેય ઋષિને મળવા ગયા એનું વૃતાંત કહું છું.

 વિદુરજી ઉદ્ધવજીને પૂછે છે – બ્રાહ્મણોને આમ ભૂમિદાન, દ્રવ્યદાન અને ગોદાન આપીને, એમના આશિર્વાદ લઈને યાદવો આનંદ-ઉત્સવ મનાવવા ગયા હતા તો પછી યાદવોનો વિનાશ કેવી રીતે થયો એ મારે જાણવું છે, હે ઉદ્ધવજી. આપ મને વિસ્તારથી એ વાત કહો.”

ઉદ્ધવજી કહે – વિદુરજી, હું તમને એની વાત પણ કરું છું. બ્રાહ્મણો પાસેથી આશિર્વાદ લીધા એ સાચું, પણ જ્યારે કુરુક્ષેત્ર યુદ્ધમાં ગાંધારીના તમામ સો પુત્રો મૃત્યુ પામ્યા હતા ત્યારે, દુર્યોધનના મૃત્યુ પહેલાની રાત્રે શ્રી કૃષ્ણ ભગવાને ગાંધારીની મુલાકાત લીધી હતી. ભગવાને રાજમાતા ગાંધારીને ખૂબ સમજાવ્યા પણ એમનો ક્રોધ અને શોક નાશ ન પામ્યાં. આવેશમાં આવીને ગાંધારીએ કૃષ્ણને શ્રાપ આપ્યો કે તેમની સાથે સમસ્ત યાદવોનો વિનાશ થશે. શ્રી કૃષ્ણ પોતે જાણતા હતા કે યાદવો ભવિષ્યમાં ખૂબ જ અભિમાની અને અધર્મી, ઘમંડી બની જશે જેથી કરીને હસતે મોઢે એમણે સતી ગાંધારીના આ શાપને તેઓએ “તથાસ્તુ” (તેથી તેમ થાય) કહેતાં સ્વીકારી લીધો હતો. આ બાજુ, પ્રભુની માયાથી યાદવ બાળકોએ દુર્વાસા ઋષિ અને એમના તપસ્વીઓને નાટક કરીને અને રંજાડીને ક્રોધિત કર્યા હતાં એથી એમણે યાદવકુળનો નાશ જાય એવો શાપ આપ્યો હતો. આ બેઉ શાપ વ્યર્થ તો જઈ જ ન શકે. આ બાજુ, યાદવોએ સહુ બ્રહ્મગણોના આશિર્વાદ લઈને આનંદોત્સવમાં ભોજન કર્યું અને પછી વારુણી મદિરા પીધી. આમ અમર્યાદ મદિરાપાનને કારણે એમની વિવેકબિદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ અને અંદરોઅંદરના ઘર્ષણથી વાંસવનમાં જેમ આગ પ્રગટે એમ સૂર્યાસ્ત પહેલાં તો સહુ યાદવો એકબીજાના લોહીના તરસ્યા હોય એમ એકમેક સાથે યુદ્ધ કરીને મૃત્યુ પામ્યાં.

 ભગવાન પોતાની માયાને નિર્લેપપણાથી જોઈ રહ્યાં હતાં એમના મુખ પર વિષાદ પણ હતો અને કાળની ગતિ ન ટળી શકાય એની સમજણ પણ હતી. તેઓ સરસ્વતીના જળનું આચમન કરીને અન્નત્યાગ કરીને એક વૃક્ષ નીચે જઈને બેઠાં. શ્રી કૃષ્ણને ખબર હતી કે કુળનો સંહાર અનિવાર્ય છે. એમણે મને બદિરાકાશ્રમ જવાનો આદેશ તો યાદવાસ્થળી પહેલાં જ આપી દીધો હતો. પણ એ ઘડીએ હું પ્રભુનો વિયોગ સહન કરી શકું એવી મનોસ્થિતિમાં ન હોવાથી એમની પાછળ, પાછળ પ્રભાસક્ષેત્રમાં પહોંચ્યો. ત્યારે મેં જોયું કે શ્યામસુંદર, મુરલી મનોહર, દિવ્ય, વિશુદ્ધ, અને સત્વમય પાવન દેહધારી શ્રી કૃષ્ણ પીપળાના એક નાના વૃક્ષની તળે ડાબી જાંઘ પર જમણું ચરણકમળ રાખીને બેઠાં હતાં. તે જ સમયે વ્યાસજીના પરમ પ્રિય મિત્ર, ભાગવતસિદ્ધ અને ભગવાનના પ્રેમી એવા પરમ ભક્ત મૈત્રેય ઋષિ ત્યાં પધારે છે. તેમની સામે જ પ્રભુએ મને કહ્યું કે, “હે ઉદ્ધવ, તમે પૂર્વ જન્મમાં વસુ હતા અને વસુયજ્ઞમાં તમે મને પામવાની ઈચ્છાથી મારી આરાધના કરી હતી. હે સાધુ ઉદ્ધવજી, સંસારના ફેરા આ જન્મ સાથે તમારા માટે પૂરા થાય છે. તમે તમારી અનન્ય ભક્તિથી મને પ્રસન્ન કર્યો છે અને મારી કૃપાને પાત્ર બન્યા છો. પૂર્વકાળ, પાદ્મકલ્પમાં મેં બ્રહ્માજીને મારા મહિમાને પ્રગટ કરતા શ્રેષ્ઠ જ્ઞાનનો જે ઉપદેશ કર્યો હતો કે જેને વિવેકી લોકો ભાગવત કહે છે તે જ તમને આપું છું. આ સાંભળી મારા નયનોમાંથી અશ્રુધારા વહેવા માંડી. મેં એમને કહ્યું, કે, “પ્રભુ મને ન તો ધર્મ, અર્થ, કામ કે મોક્ષ જોઈએ છે. મને તો બસ આપના ચરણકમળની સેવા કરવી છે. હે પ્રભુ, નિષ્કામ અને અજન્મા એવા આપ, કેટલી અદભૂત લીલાઓ કરી ગયા છો! આપે જે જ્ઞાન બ્રહ્માજીને કહ્યું હતું એ જ મને આપવા માગો છો એ સાંભળીને હું તો ધન્ય બની ગયો!” ત્યારે પરમ કૃપાળુ પ્રભુએ મને પોતાના પરમ દિવ્ય સ્વરૂપનો ઉપદેશ આપ્યો. પણ આ ઉપદેશ પછી મને પ્રભુ હવે ક્યારેય નહીં મળે એનો ય રંજ હતો કારણ તેઓ દેહોત્સર્ગ કરવાના હતા એ નિશ્વિત હતું. એક શિકારીનું તીર તેમના ડાબા પગમાં લાગતા તે સમયે જ તેમનું મૃત્યુ થયું.  એ શિકારી રામાવતાર સમયમાં થઈ ગયેલા સુગ્રીવનો ભાઈ બાલી હતો. તે અવતારમાં કૃષ્ણએ બાલીનો વધ છળથી કર્યો હતો. આથી બાલીએ વરદાન માગ્યું હતું કે દ્વાપરમાં પોતાના હાથે કૃષ્ણનું મૃત્યુ થાય. જે સમયે કૃષ્ણએ દેહ છોડ્યો તે ઘડીએ જ દ્વાપર યુગનો અંત થયો અને કળિયુગનો પ્રારંભ થઈ ચૂક્યો છે વિદુરજી!

કૃષ્ણએ તો દેહત્યાગ કર્યો. વિદુરજી, મારાથી હવે એમના વિરહની વેદના સહન થતી નથી. હું અત્યંત પીડાઈ રહ્યો છું. આથી શાંતિ મેળવવા હું બદરિકાશ્રમમાં જઈ રહ્યો છું.

શ્રી શુકદેવજી પછી પરીક્ષિતને કહે છે કે – આ પ્રમાણે ઉદ્ધવજીના મુખેથી પોતાના બંધુ બાંધવોના મૃત્યુના અસહ્ય સમાચાર સાંભળીને વિદુરજી શોકાન્વિત થયા. ઉદ્ધવજીએ વિદુરજીને જ્ઞાન પાઈને એમના શોકનું શમન કર્યું. ત્યાર પછી ઉદ્ધવજી બદિરાકાશ્રમ જવા નીકળ્યા ત્યારે વિદુરજીએ એમને નમ્રતાપૂર્વક અને શ્રદ્ધાપૂર્વક પૂછ્યું કે હે ઉદ્ધવજી આપ મને યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના ગૂઢ સ્વરૂપોને પ્રગટ કરનારું જે જ્ઞાન આપ્યું હતું તે અમને સંભળાવો.

હે પરીક્ષિત, ત્યારે ઉદ્ધવજી એમને કહે છે કે એ માટે તો તમારે મૈત્રેય ઋષિ પાસે જવું જોઈએ. આ મર્ત્યલોક છોડતી વખતે સ્વયં ભગવાને જ તેમને તમને જ્ઞાન આપવાનો આદેશ પણ આપ્યો હતો. શ્રી હરિએ ગાંધારી અને દુર્વાસાના આપેલા શાપને હસતે મુખે સ્વીકારી લીધો હતો. ભગવાને પોતાના કુળનો સંહાર કર્યો અને ઉદ્ધવજીને પોતાના ઉત્તરાધિકારી નિમ્યા કારણ તેઓ આત્મજયી છે અને વિષયોમાં લુપ્ત થાય એવા નથી. હે પરીક્ષિત, શ્રી કૃષ્ણએ પોતાની લીલાથી પોતાનો શ્રી વિગ્રહ પ્રગટ કર્યો અને લીલાથી જ અંતર્ધાન કર્યો.

શુકદેવજી પછી પરીક્ષિતને કહે છે કે વિદુરજી ભગવાનની પોતા પરની ભગવાનની આ કૃપાદ્રષ્ટિ અને પ્રીતિ જાણીને પ્રેમથી વિહ્વળ બની ગયા અને પછી તેઓ ત્યાંથી નીકળીને મૈત્રેય ઋષિને મળવા નીકળી પડ્યાં.

   શ્રીમદભાગવત મહાપુરાણનો ત્રીજા સ્કંધ અંતર્ગત, ચોથો અધ્યાય – “ઉદ્ધવજીની વિદાય લઈ મૈત્રેય ઋષિ ને મળવા વિદુરજીનું પ્રસ્થાન” )- વિદુર-ઉદ્ધવ-સંવાદ” અંતર્ગત સમાપ્ત થયો.

શ્રીમન્ નારાયણ, નારાયણ, નારાયણ. ભગવદ્ નારાયણ, નારાયણ, નારાયણ.

આપનો પ્રતિભાવ આપો..

One Comment

  1. સ્કંધ ત્રીજો – ચોથો અધ્યાય – ઉદ્ધવજીની વિદાય લઈ મૈત્રેય ઋષિ ને મળવા વિદુરજીનું પ્રસ્થાન”અંગે
    સરળ ભાષામા સ રસ સમજુતી.
    ‘વારુણી મદિરા પીધી. આમ અમર્યાદ મદિરાપાનને કારણે એમની વિવેકબિદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ ‘
    આ વાતે ગેરસમજ થાય છે અને સનાતન ધર્મને બદનામ કરવાનું કારણ બને છે!આ અંગે સંશોધનમા ડૉ. સાંકળિયા કહે છે, “આમાં વારુણીનો ઉલ્લેખ વારંવાર આવતો નથી. અને મારી માન્યતા પ્રમાણે ‘વારુણી’ નામ જે દ્રાક્ષનો દારૂ કોઈ સ્થળે કુંભમાં સુકાયેલો દારૂ પણ જોવા મળ્યો છે. એનું પરીક્ષણ કરતાં જણાયું છે કે એ દ્રાક્ષ અને મધમાંથી બનાવ્યો હતો.ડો. સાંકળિયાએ પુરાતત્વ દ્વારા મળેલી માહિતીઓ સાથે અનેક પ્રસંગોના નિરૂપણને સરખાવીને નિર્વિવાદ પુરવાર કર્યું છે કે કથામાં મનમાન્યા ફેરફારો થયા છે. ફેરફાર કરનારા કવિઓને પોતાના વિસ્તારથી આગળ વિશેષ જાણકારી હોય એવું નથી લાગતું. કેટલીયે ભૂલો સ્પષ્ટ દેખાઈ આવે છે. કેટલાંયે પરસ્પર વિરોધી વિધાનો પણ એક સાથે જ જોવા મળે છે.