દરિયાનો લાલ: પ્રકરણ: ૮ (ગુણવંતરાય આચાર્યની જીવનકથા) ~ લે. વર્ષા અડાલજા  

પ્રકરણ: ૮

2000માં મારા પિતાની જન્મશતાબ્દીનું વર્ષ. ત્યારે નરોત્તમ પલાણે કરેલા સૂચનથી અમે બંનેએ `ગુણવંતરાય આચાર્ય શતાબ્દીવંદના-અધ્યયનગ્રંથ’ બે ભાગમાં પ્રગટ કરવાનું નક્કી કર્યું.

એક ગ્રંથના સંપાદક પલાણસાહેબ સાથે હું, અને બીજા ગ્રંથમાં નીતિન વડગામા સાથે હું પલાણ ઇતિહાસવિદ્, લેખક, વિવેચક અને મારા પિતાના સાહિત્યના અદમ્ય ચાહક, એ પોરબંદરથી અમદાવાદ આવે, હું મુંબઈથી.

અમે પરિષદમાં મળીએ અને કોને પત્રો લખવા, શેના પર લેખ માગવા એ નક્કી કરી પત્રો લખીએ. એ હતો પત્રયુગ અને લૅન્ડલાઇન ફોનનો યુગ. એટલે કામ પણ બહુ પહોંચે. પત્રો લખવા, યાદ કરાવવા, ફાઈલો બનાવવી એ બધું કામ ચાલ્યા કરે.

સરૂપ ધ્રુવને ખબર પડી, એણે મને પત્ર લખ્યો, પત્ર તો બે પાનાંનો, લાંબો છે પણ એમાંથી થોડું અહીં લખીશ, જે વાતની ભાગ્યે જ કોઈને જાણ છે. કોઈ એ વાતને પ્રકાશમાં જ લાવ્યું નથી. પત્રકારત્વના અભ્યાસક્રમમાં પણ હશે કે કેમ!

આમ તો ખુલ્લી કિતાબ જેવું આચાર્યભાઈનું જીવન અને લેખન એમાં અવગાહન કરીને કંઈક અવનવું, વણનોંધ્યું સાંપડે તો નવાઈ નહીં, કેમ કે દરિયાખેડુ ગુણવંતરાયભાઈના ઓછા જાણીતા, અંગત છતાં જાહેરજીવન વિશે આપણે ગુજરાતીઓ ઓછું જ જાણીએ છીએ.

ગુણવંતરાયભાઈ જનપક્ષી-લોકશાહી-બિનસાંપ્રદાયિક કર્મશીલ હતા એવું કઈ જૂની-નવી પેઢીઓ જાણે છે! એમની નવલકથાઓ આ દૃષ્ટિથી મૂલવવી કંઈક બાકી જ છે. આશા રાખું છું કે તમારા સ્મારકગ્રંથમાં આ જિજ્ઞાસાવૃત્તિ સંતોષવાને કારણો મળી રહે. 

… પણ આ પત્ર લખવાનું ખાસ પ્રયોજન અલગ જ છે. ગુણવંતભાઈ ડાબેરી વિચારસરણી ધરાવતા લેખક-સંઘના સભ્ય હોય અને ગુજરાત-મુંબઈ-ભારત દેશની પણ રાજકીય, સામાજિક દુર્ઘટનાઓની વેળાએ પક્ષ લેવાનો આવે, સ્ટૅન્ડ લેવાનું આવે ત્યારે નિર્ભીકપણે, વૈચારિક મક્કમતા સાથે જાહેરજીવનમાં ભાગ લેવા આગળ આવતા. આની નોંધ કેમ કદી કોઈએ લીધી નથી! 

એ જાણકારી મળી ત્યારે મારું હૈયું અજબ લાગણીથી છલકાઈ ગયું. અરે અમારા પ્રિય લેખક તો અમારા `હમસફર-હમ-ખપાલે-હમજુબાન!’

આ રોમાંચ એટલો હલબલાવી ગયો કે સાધારણતઃ રાજનૈતિક પક્ષધરતા અંગે ઉદાસીન, ભીરુ અને સુખાળવા સાક્ષરો અને મોટા ભાગનો સમાજ પણ આવાતેવા સાહસમાં ભાગ્યે જ પડે, પડે તો અહિંસક ગાળો ખાવી જ પડે. એવા માહોલમાં `પ્રગતિશીલ લેખક સંઘ’ના એ સભ્ય હતા.

ભારતના ભાગલા વખતે 47-48માં વિભિષણ કોમી રમખાણો વખતે બિનસાંપ્રદાયિક જાહેરનામામાં એમના હસ્તાક્ષર હતા અને જનપક્ષી, ડાબેરી સાહિત્યકારો સાથે, કલાકારોની સાથે મળીને મેદાનમાં પણ ઊતરતા હતા. એ ખરે જ માત્ર વિલક્ષણ ઘટના જ નથી પણ અમારા જેવી અનેક પેઢીઓથી સંતાડી રાખવામાં આવેલી હકીકત પણ છે.

`સંવેદન સાંસ્કૃતિક મંચ’ની સભ્ય તરીકે, જનપક્ષી સાહિત્યકાર અને સાંસ્કૃતિક કર્મશીલ તરીકે આ હકીકતને ઉજાગર કરવાની અને આજ અને આવતીકાલની ગુજરાતી પ્રજા સમક્ષ આ હકીકતને સાચા પ્રકાશ અને પરિપ્રેક્ષ્યમાં મૂકવાની આ તક ઝડપીને મારા-તમારા દાયિત્વની પૂર્તિ કરતાં પણ આનંદ જ થાય છે.

વાત એમ બની કે પ્રગતિશીલ સાહિત્યનો ઉદ્ભવ, વિકાસ અને વ્યાપ અંગે અભ્યાસ કરતાં આ તથ્યો મારા હાથમાં આવ્યાં અને હું નવાઈ પામી ગઈ.

સમસ્ત ભારતીય ભાષાઓમાં પ્રગતિવાદી સાહિત્યિક આંદોલને જન્મ લીધો. 1936માં `અખિલ ભારતીય પ્રગતિશીલ લેખક સંઘ’ સ્થપાયો. શરૂઆતમાં સુંદરમ્-ઉમાશંકરની સાથે-સાથે ભોગીલાલ ગાંધી, સ્વપ્નસ્થ, પ્રહ‌્લાદ પારેખ જેવા સર્જકો આ લેખકોની સાથે હતા એ જાણીતું છે, (જોકે હવેની પેઢીઓ આગળ `આવુંતેવું’ કોઈ જણાવતું-બોલતું-ભણાવતું ખાસ જાણવા-વાંચવા નહોતું મળ્યું).

સગવડિયા, ફાવતું પીરસતા સાહિત્યિક ઇતિહાસકારો, અધ્યાપકો, વિવેચકોએ એમને પ્રેરક, સાહસિક નવલોના, સાગરકથાઓના લેખક તરીકે જ નોંધ્યા છે, પણ આ વિશિષ્ટ અને વીસરાવા માંડેલા સાહિત્યિક ઇતિહાસના એક અંશ તરીકે ગુણવંતરાયભાઈ ગૌરવભેર બિનસાહિત્યિક સ્ટેટમેન્ટો કરતા અને લોકઆંદોલનોમાં ભાગ લેતા જાણવા મળ્યા છે. બિલકુલ નિર્ભીક.

સરૂપ ધ્રુવે આ વિધાનો અધ્ધરતાલ નથી કર્યાંં. એણે સંદર્ભગ્રંથોને તપાસી અભ્યાસ કરી મને આ પત્ર લખ્યો હતો. સંદર્ભગ્રંથ (પ્રથમ સંસ્કરણ-1998)

`પ્રગતિવાદી આંદોલન કા ઇતિહાસ’ લેખક : શ્રી કરણસિંહ ચૌહાણના પુસ્તકનો ખાસ ઉલ્લેખ સરૂપ ધ્રુવે કર્યો છે. આ પુસ્તકમાં પ્રગતિવાદી આંદોલન અને સાહિત્ય પ્રવૃત્તિ વિશે તેમજ જાહેરનામા, અખબારી વિધાનો, સંમેલનો વગેરે વિશે એમાં વિસ્તૃત માહિતી છે.

પરિશિષ્ટ-14માં `સાંપ્રદાયિક દંગા’ ઉપરનાં વક્તવ્ય અને વિધાનો અંગેની માહિતી છે. જેમાં ગુણવંતરાયભાઈ સાથે અન્ય મિત્રોનાં નામ પણ છે ને `ગુલાબી ડંખ’વાળા જીતુભાઈ મહેતા પણ આ આંદોલનના સિપાહી છે… એ સરૂપને વાંચવા મળ્યું. (પૃષ્ઠ 195, 196, 197) 

આશ્ચર્યની વાત એ છે કે `સાહિત્ય અને પ્રગતિ’ ભાગ 1-2 સંપાદક : ભોગીલાલ ગાંધી અને અન્ય. તેમજ `પરિભ્રમણ’માં મેઘાણીના લેખસંગ્રહમાં `આંદોલનો’ નામનો વિભાગ છે, જેમાં પ્રગતિશીલ સાહિત્ય વિશે ખાસ્સી છણાવટ છે, પણ આ બંને પુસ્તકોમાં મારા પિતાનો સહયોગ, આંદોલનમાં પ્રવૃત્ત એ વિશે કોઈ જ ઉલ્લેખ નથી, એટલું જ નહીં પણ એમનાં નામનો ઉલ્લેખ સરખો પણ નહીં!

મેઘાણી તો પિતાનાં સહકાર્યકર અને મિત્ર. કેટલાંય કામ જોડે કર્યાં, માથે જોખમ લઈને ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમનાં શ્રીગણેશમાં સાથે. એ કહેતા, “આચાર્યની કલમની મને ઈર્ષ્યા થવી સ્વાભાવિક છે.” અને એમણે પણ મારા પિતાનો ઉલ્લેખ પણ ટાળ્યો! `પ્રગતિશીલ લેખક સંઘ’માં જોડાયેલા સુંદરમ્, ઉ.જો.એ પણ મારા પિતાનું નામ પણ નથી લખ્યું!

આશ્ચર્યજનક અને આઘાતજનક ઘટના. જે અખબારો માટે જાનના જોખમે કામ કર્યું, બધા જેલમાં હતા ત્યારે દિવસ-રાત લખી અખબારોને જીવંત રાખ્યાં, ત્યારે એ અખબારોની ડોક્યુમેન્ટરીમાં પણ એમનું સ્થાન-નામ-કામ કશું જ નહીં! સાવ જ હાંસિયામાં!

સરૂપ ધ્રુવના પત્ર પછી બીજો પણ પત્ર મને મળ્યો, તુષારકાન્ત દવે. મારા માટે નામ સાવ અજાણ્યું, હું `ફેમિના’ (ગુજરાતી) ટાઇમ્સમાં હતી ત્યારે મને અભિનંદનપત્રમાં એમણે મારા પિતા વિશે, રાણપુર અને અખબારોની કામગીરી વિશે લાંબો પત્ર લખ્યો છે, એમાંથી થોડુંક :

`તમારા પિતાશ્રી, ગુણવંતરાય આચાર્ય, આચાર્યકાકા સાથે અમારા કુટુંબને પરિવારનો નાતો, રાણપુરમાં એ જ અખબારમાં મારા પિતા છગનલાલ દવે હતા. એમની સાથે હું રાણપુર આવ્યો અને એ સઘળા મહાનુભાવોએ મારા જીવનઘડતરમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો, જે હું ભૂલી નહીં શકું.’

આ વડીલો (મારા પિતા, મેઘાણી, કકલભાઈ વ.) નેકદિલ, સંનિષ્ઠ-કર્મનિષ્ઠ હતા, ધ્યેયને આંબવા પ્રબળ  પુરુષાર્થ કર્યો એનો હું સાક્ષી છું. તમારા પિતા પાસેથી જે મમતા અને પ્રેરણા મળી એ પાઠ ભુલાય તેવા નથી. મારી કારકિર્દીમાં પણ એમણે મુખ્ય ભાગ ભજવ્યો.

`સૌરાષ્ટ્ર’ પછી `રોશની’ એમાંથી `ફૂલછાબ’ અને `જન્મભૂમિ’ – અખબારોની સફરનો પણ હું સાક્ષી છું. મેં `ફૂલછાબ’ની સઘળી માહિતી આપી હતી. પત્રકારત્વના ઇતિહાસનું આ સુવર્ણપૃષ્ઠ હજી અપ્રગટ છે. યુવા સાહિત્યકારો–પત્રકારો ભાગ્યે જાણતા હશે. `સૌરાષ્ટ્ર’ને બ્રિટિશરાજે તાળાં માર્યાં ત્યારે ખુલ્લા આકાશ નીચે, ખીજડાને છાંયે એકલવીરની જેમ આચાર્યકાકા ઝડપથી અને સતત લખતા રહેતા એ દૃશ્યનો પણ હું સાક્ષી.

આચાર્યકાકાની કલમને થાકનું નામ નહીં. તલવારની ધાર જેવી કલમથી ભલભલા ચમરબંધીઓનાં હાંજા ગગડી જતાં. એકદમ નિર્ભય, કોઈની શેહમાં આવે નહીં આચાર્યકાકા.’

અમસ્તા બ્રિટિશરાજે મેઘાણી અને મારા પિતાને લીધે તાળાબંધી કરી હશે!

`ગુણવંતરાય આચાર્યે તમામ  ક્ષેત્રોમાં ચાંચ ડુબાડી હતી. કમ્પોઝિટર થાકે પણ એમની કલમ ન થાકે, એટલું ઢગલાબંધ સર્જન એમણે કર્યું છે. `હું, બાવો અને મંગળદાસ’ એમની કટાર ખૂબ લોકપ્રિય બની હતી. પુસ્તક પણ છે એનું. રાણપુરનાં જ કેટલાંક પાત્રોને કલમ દ્વારા ઝબકાવ્યાં છે. દરિયો ખેડ્યો ન હોય છતાં નિષ્ણાતની જેમ સાગરકથાઓનું સર્જન કર્યું. ઇતિહાસનાં ઊંડાણોનો તાગ મેળવી ઐતિહાસિક કથાઓ લખી, અને રાજકારણમાં રંગ પણ ખેલી જાણ્યા.

મેઘાણી, આચાર્યકાકા, કકલભાઈ વગેરેએ `સૌરાષ્ટ્ર સાહિત્ય મંદિર’ના નેજા નીચે સર્જેલા આ સાહિત્યની અણમોલ મોતી જેવી એ નકલો મારા પિતાના એકમાત્ર વારસારૂપે આજે પણ મારી પાસે સચવાઈ છે. જેને હું સોનાથી વિશેષ માનું છું.’

પત્ર તો લાંબો છે. જેમાં એમના જીવનમાં મારા પિતાએ અેને કેટલી વાર મદદ કરી, રણજિત મૂવીટોનમાં મારા પિતા હતા, છતાં ફિલ્મલાઇન જવાનું ઘેલું એમનું કેવું છોડાવ્યું અને તંત્રી થજે-ની સતત સલાહ આપી, પરિણામે અખબારી ક્ષેત્રમાં એમણે કામ કર્યું.

અત્યારે ક્યાં હશે તુષારભાઈ? હશે કે પછી…. એમના કુટુંબમાં કોણ હશે? એમની પાસેના એ અણમોલ ખજાનાને જોવાની, પ્રગટ કરવાની ખૂબ ઇચ્છા, પણ ક્યાંથી શોધું? પત્રમાં પણ એમણે સરનામું લખ્યું નહોતું. મારા પિતાએ એ સમયમાં જ્ઞાતિબહાર લગ્ન કરી જે ક્રાંતિકારી પગલું ઉઠાવ્યું, દવેના શબ્દોમાં `આચાર્યકાકાએ એ વખતના કટ્ટર રૂઢિચુસ્તોને જડબાતોડ જવાબ આપ્યો હતો.’ `પરણેતર’ નવલકથામાં એમના જ જીવનનું પ્રતિબિંબ.

નથી મને `સૌરાષ્ટ્ર સાહિત્ય મંદિર’ના એ ખજાનાની ભાળ કે આ `પરણેતર’ નવલકથાનો નથી ક્યાંય ઉલ્લેખ. એવી કોઈ નવલકથા લખી હતી એટલું દવેના પત્રથી જાણ્યું તે જ.

ઇતિહાસની તિરાડોમાં કેટકેટલાં સંનિષ્ઠ અને પ્રતિબદ્ધ નામો ઊંડે ધરબાઈ જતાં હશે! અગણિત લોકોએ ગોળીઓ ઝીલી, ઘવાયા, જાનમાલ ગુમાવ્યા, બહેનદીકરીઓ પરનો અત્યાચાર નજરે જોવો પડ્યો, લોહીથી લથબથ લાશો ભરેલી ટ્રેનો આવતી અને જતી… અસંખ્ય લોકો ગુમનામ જ રહ્યા હશે ને!

અંતમાં નિરાશાજનક સૂરમાં તુષારકાન્ત દવે લખે છે,

`અંગ્રેજ અમલદાર ગિબ્સનના નામ પરથી `ગીબીરોડ’ પરના `સૌરાષ્ટ્ર પ્રેસ રોડ’ વિસ્તારમાં વસીને સામાજિક અને રાજકીય પરિવર્તનનો રાહ ચીંધનારા એ મહાનુભાવોએ પ્રજાનાં દુઃખદર્દો રજૂ કરવાની સાથોસાથ પોતાનાં સુખ-દુઃખ સરખા બાંધવા એક પરિવારની ભાવના પણ કેળવી હતી. `ગીબીરોડ’ની ગેબી સૃષ્ટિ અનોખી હતી. એના મોટા ભાગના ઇતિહાસ પરથી પડદો પૂરેપૂરો હટી શક્યો નથી. કદાચ પૂરતી માહિતીના અભાવે હશે! એ પર તો અનેક પુસ્તકો લખી શકાય એમ છે.’

મારા પિતાનું વિસ્ફોટક સાહિત્ય, લેખો, નવલકથા અને વાર્તાઓ, એકાંકીઓ ક્યાંક કોઈ લાઇબ્રેરીને ખૂણેખાંચરે હશે, નહીં તો કાળની ગર્તામાં અદૃશ્ય.

`જન્મભૂમિ’ની સમૃદ્ધ લાઇબ્રેરીમાં મેં `સૌરાષ્ટ્ર’ના થોડા સચવાયેલાં અંકો જોયા હતા પણ તંત્રીલેખ, લેખોમાં કોઈનું નામ નહીં! કેમ ખબર પડે લેખ કોનો છે! આમ પણ ઘણાં અખબારોમાં તંત્રીલેખોમાં નામ નથી હોતું.

ખેર, સામાજિક ઊથલપાથલ, યુદ્ધોનાં પરિવર્તનકાળમાં હર દેશની આ નિયતિ હશે ને! શું ગુમાવ્યું, શું બચ્યું કે નષ્ટ થયું એનો કોઈ ચોપડો તો હોતો નથી. પણ સભાનપણે કરેલા અન્યાયનું શું?

(ક્રમશ:) 

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.