પ્રેમમૂર્તિ મીરાં (લેખ) ~ સંધ્યા શાહ
કૃષ્ણ રસિકતાના સ્વામી છે, પ્રેમના પ્રતીક છે, જીવનરથના સારથિ છે, કૃષ્ણને યાદ કરીએ ત્યારે રાધા અને મીરાંનું સહજ સ્મરણ થાય. જેમ રાધાકૃષ્ણ એમ મીરાંકૃષ્ણ.
રાધાને તો ગોકુળમાં કૃષ્ણની સંગે રહેવાનું સુખ મળ્યું છે. મીરાં તો ચિરવિરહિણી.. ધર્મ અને સમાજના એકેય બંધનમાં બાંધી શકાય નહીં તેવા મુક્ત માનવહ્રદયનું નામ છે મીરાં. આ વિશ્વમાં એક્માત્ર પરમેશ્વર મારો છે – ‘મેરે તો ગિરિધર ગોપાલ દૂસરો ન કોઈ’ એવું ગાઈને, પછી ગાયું હોય તેવું જ જીવી શકે તેવા અનાદિ અનંત આત્માનું નામ છે મીરાં.
ભગવદ્દ પ્રેમની જીવતી જાગતી મૂર્તિ મીરાંએ પ્રિયતમ કૃષ્ણના ચરણકમળમાં પોતાની જાતને અર્પણ કરી છે. રાજકુળની આ ઋજુ રાજકુંવરી, શ્વાસે-શ્વાસે એ કૃષ્ણની જોગણ બનીને જીવી. એની કૂણી કૂણી સમજ ઊગી ત્યારથી એ પોતાને કૃષ્ણની પત્ની, પરમ પ્રેયસી માને છે.
જન્મ, શૈશવ અને લગ્નજીવન રાજસ્થાનના અગ્રીમ રાજકુળમાં પણ આ મેવાડી રાજવધૂએ જીવનના અંત સુધી ગાયું છે પોતાનું કૃષ્ણમય ભાવજીવન. ક્ષણે-ક્ષણે તે એમાં જ રમમાણ છે, એથી જ રોમાંચિત છે, એ જ એની ધન્યતા છે. કૃષ્ણ, કૃષ્ણ, કૃષ્ણ જ છે એની લગનીમાં, એના આનંદની અનુભૂતિમાં. એને જ એ જુએ છે, એની જ સાથે એ બોલે છે, એને કારણે જ એ ઘેલી અને વ્યાકુળ રહે છે અને ગાયા કરે છે.

મીરાં પોતાની ઓળખ આપતા કહે છે, ‘પૂર્વજન્મની હું વ્રજ તણી ગોપી, ચૂક થતાં હું અહીં આવી’- કૃષ્ણ સાથેના રાસમાંથી છૂટી પડેલી ગોપી છે. કૃષ્ણ સાથે તેનો જન્મોજન્મનો સંબંધ છે. મીરાંના કૃષ્ણ સાથેના પ્રેમમા માનવીય સંદર્ભો છે. તેણે સ્ત્રી હ્રદયની બધી જ સંવેદનાઓને ગાઈ છે. પ્રાર્થના, ભય, ચિંતા,તલસાટ, ઝૂરાપો, આરત, ઉત્સાહ, ઉપાલંભ, સંકલ્પ અને સ્વાર્પણ.
મીરાંને રાજરાણી થઈને નથી રહેવું, એને તો પરમેશ્વરની પટરાણી બનીને રહેવું છે. એ ‘અખંડ વરને વરી’ છે. જગતના સંતાપને મીરાંએ હસતાં હસતાં વેઠ્યા, ઝેર પીધું પણ ઓડકાર અમૃતના ખાધા. રાસેશ્વર અને રસેશ્વર કૃષ્ણ સિવાયનો કોઈ સંબંધ મીરાંને ખપતો નથી.
મોહનના મુખડાની માયા જેને લાગી છે તે મીરાં કહે છે, ‘પ્રેમની, પ્રેમની પ્રેમની રે, મને લાગી કટારી પ્રેમની..’, ‘બસો મોરે નૈનનમેં નંદલાલ’, ‘ઘર આઓ પ્રીતમ પ્યારા’, ‘મુજ અબળાને મોટી મિરાત, બાઈ,’ ‘શામળો ઘરેણું મારે સાચું’, ‘ગોવિંદો પ્રાણ અમારો’, ‘પાયોજી મૈંને રામરતન ધન પાયો’, ‘હે રી મૈં તો પ્રેમદિવાની, મેરા દરદ ન જાને કોઈ’, ‘મુને ચાકર રાખોજી’, ‘પગ ઘૂંઘરું બાંધ, મીરાં નાચી રે.. ’
(લતા મંગેશકરે ગાયેલાં મીરાંના ભજનો):
https://www.youtube.com/watch?v=Tmxb51FFvRQ&list=RDTmxb51FFvRQ&start_radio=1
મીરાંએ કૃષ્ણની સંનિધિમાં સદાય અનંત ઓચ્છવ માણ્યો છે. પોતાના આંસુઓ સિંચીને કૃષ્ણપ્રેમની વેલનું જતન કરનાર મીરાંએ સંસારના સંબંધોને ઉવેખીને, તીવ્ર આરતથી, તલસાટથી કેવળ ભક્તિ કરી છે. મીરાંના અસ્તિત્વના અણુએ અણુમાં વસી જનાર પ્રિયતમ, પરમાત્મા, પરમતત્વ એ કૃષ્ણ છે.

મીરાંનું જીવન એટલે સાધના, આરાધના અને સર્વસમર્પણ. મીરાંનું જીવન એના પદોમાં વ્યક્ત થયું છે. મેડતાનું તેનું બાળપણ ને મેવાડનું પરિણિત જીવન, કૃષ્ણપ્રીતિ અને સાધુસંતોનો સંગ બધું જ અભિવ્યક્ત થયું છે.
મીરાં સંસારના તમામ સુખોને છોડીને, કૃષ્ણપ્રેમની દિવાની સંતસંગતમાં મસ્ત અને બાવરી બની રહી. સુરેશ દલાલ લખે છે: ‘મંદિર સાથે પરણી મીરાં, રાજમહેલથી છૂટી રે, કૃષ્ણ નામની ચૂડી પહેરી, માધવની અંગૂઠી રે..’
મીરાંની યાત્રા સત્ત, ચિત્ત અને આનંદની છે. તેણે કૃષ્ણના અનુપમ રૂપરાશિનું દર્શન કર્યું છે, શ્યામસુંદરની પ્રેમસુધાનો રસાસ્વાદ કર્યો છે. મીરાંનો પ્રિયતમ એના હ્રદયકમળમાં વસ્યો છે.
ચંદ્ર જશે, સૂરજ જશે પવન અને પાણી જશે પરંતુ અવિનાશી કૃષ્ણ અટલ રહેશે એ તેનો દ્રઢ વિશ્વાસ છે. અનન્ય શરણાગતિ, અપૂર્વ ભક્તિ અને અપ્રતિમ સ્નેહ એટલે જ મીરાં.
(હેમા માલિની અભિનીત હિન્દી ફિલ્મ):
https://www.youtube.com/watch?v=gDUbOKHJ70k
રાધા અને કૃષ્ણના તો મંદિરો છે. મીરાં અને માધવના મંદિરો કોઈ સ્થળે બંધાયા નથી એ તો કાળની તીર્થભૂમિ પર બંધાયેલા મંજીરા અને મોરપીંછના મંદિરો છે.
~ સંધ્યા શાહ
[email protected]