આજની સાસરે જતી દીકરીઓની કથા (લેખ) ~ અલ્પા શાહ
આજની જનરેશન ઝેડ (Zen-Z)ની ઘણી દીકરીઓને તેમના માતા-પિતા ખૂબ જ લાડકોડથી ઉછેરે છે. તેમની લગભગ દરેક ઇચ્છા પૂરી કરવામાં આવે છે. બાળપણથી જ તેમની મોટાભાગની જીદો સ્વીકારવામાં આવે છે. પરિણામે ઘણી દીકરીઓને ઘરના કામ કરવાની ખાસ જરૂર પડતી નથી.
ભણતર અને કારકિર્દીમાં આગળ વધતાં તેઓ ૨૨–૨૫ વર્ષની ઉંમર સુધી અભ્યાસમાં વ્યસ્ત રહે છે, તેથી ઘણી વખત ઘરકામ શીખવાનો અવકાશ પણ મળતો નથી. ફુરસદ મળે તો પણ આરામ કરવો અથવા પોતાના શોખમાં સમય પસાર કરવો વધુ ગમે છે.
પછી જ્યારે આવી દીકરીઓ લગ્ન કરીને સાસરે જાય છે, ત્યારે નવા ઘરના ઘણા કામો તેમના માટે અજાણ્યા હોય છે. જો તેઓ નોકરી કરતી હોય, તો તેમના માતા-પિતા પહેલેથી જ કહી દેતા હોય છે કે દીકરીને ઘરકામનો ખાસ અનુભવ નથી. બીજી તરફ, સાસરાવાળા પણ આશા રાખે છે કે ધીમે-ધીમે બધું શીખી જશે.
પરંતુ ઘણી વખત પિયરની જીવનશૈલી જ સાસરે પણ ચાલુ રહે છે. મોડું ઊઠવું, સાસુ ટિફિન બનાવી આપે તો લઈને નીકળી જવું, સાંજે નોકરીથી મોડા આવવાને કારણે રસોઈ પણ સાસુ જ બનાવી લે—આવી પરિસ્થિતિ ઘણી જગ્યાએ જોવા મળે છે.
નવરાશના સમયમાં ઘરના કામમાં મદદ કરવાને બદલે મોબાઇલમાં સમય પસાર કરવો વધુ પસંદ કરવામાં આવે છે. ઘણીવાર એવી દલીલ પણ કરવામાં આવે છે કે, “પતિ ઘરકામ નથી કરતા, તો હું શા માટે કરું? હું પણ કમાઈને જ આવું છું.”
ઘરના સભ્યો કંઈ સમજાવવાનો પ્રયત્ન કરે તો અલગ રહેવાની વાત કરવી અથવા રસોઈ માટે કામવાળી રાખવાની સલાહ આપવી—આવી સ્થિતિથી ઘણી સાસુઓ મૂંઝવણમાં મુકાય છે. તેઓ ખૂબ હરખથી વહુને ઘરે લાવે છે, પરંતુ પછી તેમની જવાબદારીઓ ઓછી થવાને બદલે ઘણી વખત વધી જાય છે. કંઈ કહેવું મુશ્કેલ અને ચૂપ રહેવું પણ મુશ્કેલ—એવી સ્થિતિ સર્જાય છે.
ઘરની પરંપરાઓ સ્વીકારવાને બદલે, “આ તમારું ઘર છે, તમે જેમ ઇચ્છો તેમ કરો,” એવો જવાબ પણ સાંભળવા મળે છે.
આજની ઘણી સાસુઓ વહુને પહેરવેશ, નોકરી, બહાર જવાની અને પોતાની પસંદગી મુજબ જીવવાની સંપૂર્ણ છૂટ આપે છે. છતાં ઘણી વખત લગ્ન પછી તરત જ સાસરાના લોકો અને તેમની જીવનશૈલી બદલવાની અપેક્ષા રાખવામાં આવે છે. પરંતુ વર્ષોથી જે લોકો એક ચોક્કસ રીતે જીવતા આવ્યા હોય, તેઓ એકાએક બદલાઈ શકતા નથી.
ઘણા પરિવારો આર્થિક રીતે સક્ષમ હોવા છતાં ભણેલી વહુને પોતાની ઓળખ અને કારકિર્દી માટે નોકરી કરવાની છૂટ આપે છે. પરંતુ સાથે જ ઘર અને પરિવાર પ્રત્યેની જવાબદારી પણ એટલી જ જરૂરી છે. દામ્પત્યજીવનમાં બંને જીવનસાથીએ પોતાની જવાબદારીઓ વહેંચવી જોઈએ અને ઘરખર્ચ તથા પરિવાર પ્રત્યે પણ સહભાગી બનવું જોઈએ.
પોતાના પિયરમાં જે અપેક્ષાઓ રાખીએ છીએ, એ જ સમજણ સાસરે પણ રાખવી જોઈએ. જેમ પોતાની માતાને માન આપીએ છીએ, તેમ સાસુ-સસરા પ્રત્યે પણ આદર રાખવો જોઈએ. પરિવાર આપણને પ્રેમથી સ્વીકારે છે, તો આપણે પણ તેમને તન, મન અને ભાવથી સ્વીકારવા જોઈએ. લગ્ન માત્ર બે વ્યક્તિઓનું નહીં, પરંતુ બે પરિવારોનું પણ મિલન છે.
આજની માતાઓએ દીકરીઓને ભણાવવાની સાથે જીવનના મૂળભૂત કૌશલ્યો —જેમ કે ઘરકામ, જવાબદારી, સમયનું આયોજન અને સંબંધો જાળવવાની સમજણ —પણ આપવી જોઈએ. ઘર માત્ર પૈસાથી નહીં, પરંતુ સમજણ, સહકાર, બજેટ અને પરસ્પર તાલમેલથી ચાલે છે.
આજની યુવતીઓ સ્વતંત્ર છે, આત્મનિર્ભર છે અને પોતાની ઓળખ ધરાવે છે. આ ખૂબ જ સકારાત્મક બાબત છે. પરંતુ દામ્પત્યજીવન સફળ બનાવવા માટે પરિપક્વતા, સમજૂતી, સહનશીલતા અને સમર્પણ પણ એટલાં જ જરૂરી છે. માત્ર પોતાના અધિકારો નહીં, પરંતુ પોતાની ફરજો પણ સમજવી જોઈએ.
માતા-પિતાને પણ એક વિનંતી છે કે દીકરીના દામ્પત્યજીવનમાં જરૂરિયાત વિના સતત દખલ ન કરે. શરૂઆતમાં દરેક નવા સંબંધમાં થોડો સમય અને સંઘર્ષ આવે છે. દીકરીને દરેક મુશ્કેલીમાંથી તરત બહાર કાઢવાને બદલે, યોગ્ય માર્ગદર્શન આપો જેથી તે પોતે પરિસ્થિતિનો સામનો કરવાનું શીખે. હા, જો ખરેખર અન્યાય કે અત્યાચાર થતો હોય, તો નિઃસંકોચ તેની સાથે ઊભા રહો. પરંતુ સારા પરિવારમાં માત્ર નાનાં મતભેદોને કારણે સંબંધો તૂટે નહીં, એ માટે સમજણ પણ જરૂરી છે.
બાળકો થયા પછી તેમની સંપૂર્ણ જવાબદારી દાદા-દાદી પર મૂકી દેવી પણ યોગ્ય નથી. દાદા-દાદી પ્રેમથી મદદ કરે, એ અલગ વાત છે; પરંતુ સંતાનની મુખ્ય જવાબદારી માતા-પિતાની જ હોય છે.

સમાજ બદલાઈ રહ્યો છે. એક સમય એવો હતો જ્યારે સ્ત્રીઓનો અવાજ દબાઈ જતો હતો. આજે મહિલાઓ પોતાના હક્ક માટે અવાજ ઉઠાવે છે, આત્મનિર્ભર બની રહી છે —આ બદલાવ આવકારદાયક છે. પરંતુ સ્વતંત્રતા સાથે જવાબદારી પણ એટલી જ જરૂરી છે.
એવી આઝાદી, જે સંબંધો તોડે, પરિવારને દૂર કરે અથવા છૂટાછેડા અને વિખવાદ તરફ લઈ જાય, તે કોઈના હિતમાં નથી. સાચી સ્વતંત્રતા એ છે, જેમાં પોતાના સ્વાભિમાનની સાથે સંબંધોની ગરિમા પણ જળવાઈ રહે.
~ અલ્પા શાહ
[email protected]