રવીન્દ્ર-સાહિત્યમાં મૃત્યુ ~ અભ્યાસ લેખ ~ લેખકઃ શૈલેશ પારેખ

(લેખક પરિચયઃ શ્રી શૈલેશ પારેખ રવીન્દ્રનાથ ટાગોરના સાહિત્યના અભ્યાસકર્તા, અનુવાદક, સંશોધક અને રવીન્દ્રચિંતનના સમર્પિત પ્રસારક છે. ૨૦૦૨થી તેઓ ટાગોરની રચનાઓનું અંગ્રેજી અને ગુજરાતીમાં અનુવાદ–રૂપાંતર કરતા આવ્યા છે. અમદાવાદસ્થિત ‘રવીન્દ્ર ભવન’ના તેઓ સ્થાપક સભ્યોમાંના એક છે; નિરંજન ભગત અને ભોળાભાઈ પટેલ સાથે તેમણે વર્ષો સુધી રવીન્દ્રસાહિત્ય અને રવીન્દ્રવિચારને સમર્પિત માસિક કાર્યક્રમોની પરંપરા વિકસાવી હતી. વ્યવસાયે ઉદ્યોગપતિ એવા શૈલેશ પારેખે અમેરિકાની MITમાંથી કેમિકલ એન્જિનિયરિંગમાં માસ્ટર્સની પદવી મેળવી છે. તેમણે ગીતાંજલિ, નૈવેદ્ય, પ્રાન્તિક, શેષ લેખા, ચિત્રાંગદા સહિત ટાગોરની અનેક કૃતિઓના અનુવાદ–રૂપાંતર કર્યા છે. રવીન્દ્રનાથની કાવ્યસૃષ્ટિમાં તેમણે ટાગોરનાં ૪૮૦ કાવ્યોનો ગુજરાતી અનુવાદ આપ્યો છે. ટાગોર ઉપરાંત બુદ્ધદેવ બસુ, શંખ ઘોષ અને અબુ સઈદ અય્યુબ જેવા સર્જક–ચિંતકોની કૃતિઓ પણ તેમણે ગુજરાતીમાં ઉપલબ્ધ કરાવી છે. ગાંધીજી અને ટાગોરના વૈચારિક સંબંધો તથા ટાગોરના જીવન–સાહિત્ય અંગે તેમનું નોંધપાત્ર લેખન અને સંશોધન છે. ટાગોરની કેટલીક અલભ્ય મૂળ રચનાઓ અને હસ્તપ્રતો શોધી કાઢવાનું મહત્ત્વનું સંશોધનકાર્ય પણ તેમના નામે નોંધાયેલું છે. અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં તેમનાં અનેક પુસ્તકો વિશ્વભારતી, સાહિત્ય અકાદમી, ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય અકાદમી જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ દ્વારા પ્રકાશિત થયાં છે. સાહિત્યના પ્રખર અભ્યાસુ શ્રી શૈલેશ પારેખનું “આપણું આંગણું”માં સમસ્ત ટીમ અને વાચકો તરફથી સ્વાગત કરતાં હું ખૂબ આનંદ અનુભવું છું. એમના આવા માતબર પ્રદાનને કારણે ગુજરાતી ભાષા સમૃદ્ધ થઈ છે. )

રવીન્દ્રનાથના ૮૦ વર્ષના દીર્ઘ આયુષ્યમાં આશરે ૪૦ સ્વજનો, મિત્રો, સંબંધીઓના મૃત્યુનો અનુભવ થયો હતો એમ અંજન આચાર્ય તેમના ૨૦૧૨માં પ્રકાશિત પુસ્તક, ‘રબીન્દ્રનાથ: જીબને મૃત્યુર છાયા’માં કહે છે. રવીન્દ્રનાથે મૃત્યુ વિશે ઘણું વિચાર્યું અને લખ્યું છે. અહીં મારે વાત કરવી છે મારી નજરે પડેલા અને મને સ્પર્શી ગયેલા તેમના મૃત્યુ વિશેના સાહિત્યની અને તેમાં વ્યક્ત થતાં વૈવિધ્યની.

રવીન્દ્રનાથનાં વિશાળ સાહિત્યમાં તેમની મૃત્યુ વિશેની કઈ રચના પ્રથમ છે તે શોધી કાઢવું મારે માટે શક્ય નથી, પણ હું વાજબી વિશ્વાસ સાથે કહી શકું કે તેમની મૃત્યુ વિશેની પ્રચલિત અને પ્રથમ રચના તેમણે માત્ર ૧૬ વર્ષની વયે, ૧૮૭૭માં મૈથિલી મિશ્રિત બંગાળી ભાષામાં (આવી ભાષાને વ્રજબોલી પણ કહેવામાં આવે છે) કરી હતી. પ્રથમ પંક્તિના બંગાળી શબ્દો છે – મરણ રે, તુહુ મમ શ્યામ સમાન. આ કાવ્ય ૧૮૮૪માં પ્રગટ થયેલા કાવ્યસંગ્રહ, ‘ભાનુસિંઘેર પદાવલિ’માં સમાવ્યું હતું. તેનો ગુજરાતી અનુવાદ:

મરણ રે,
તું તો મારા શ્યામ સમાન.
વાદળ વરણી કાયા તારી, વાદળ જેવી જટા,
રાતા કમળશા કર તારા, રાતા બે હોઠોની છટા,
શાંતિ તારા કરુણામય ખોળે,
કરતો મૃત્યુરૂપી અમૃતનું દાન!
તું મારા શ્યામ સમાન.

મરણ રે,
શ્યામ જ તારું નામ.
ભૂલી ગયા જ્યારે નિર્દય માધવ
તું છોડતો ના મારો સાથ,
અસીમ વ્યથા વીંધતી રાધાને,
વહેતી અશ્રુની ધારા બંને નયને.
તું જ મારો માધવ, તું જ મારો સાથી,
શાંત કર આ પરિતાપ મારો.

મરણ, તું આવ રે આવ.
તારા બાહુપાશમાં લે મને સમાવી,
આંખો મારી બંધ કરી,
ખોળે તારા રડતા રડતા,
પહોંચીશ હું શરણે નિદ્રાને.
તું નહીં ભૂલે, તું નહીં તરછોડે,
રાધાનું હૈયું તું ક્યારેય નહીં તોડે,
હૈયે રાખી હર પળ અવિરત,
અજોડ તારો પ્રેમ અનુપમ.
દૂરથી તારી બંસી વાગતી,
અવિરત સાદ દેતી –
રાધા, રાધા, રાધા!

પૂરો થયો દિવસ હવે, જઈશ હું હવે,
વિરહદાહનો અંત હવે,
કુંજ પંથે દોડીશ હવે, બધાં બંધ છોડીશ હવે.
વાદળઘેર્યુ આકાશ ને છવાયો ઘોર અંધકાર,
વાદળનો ગડગડાટ ને વીજળીનો ચમકાર,
શાલ-તાડ સૌ ભયભીત, પથ નિર્જન ભયંકર –
પ્રિયતમ, હું નીકળી તુજ અભિસારે,
નિર્ભય તારા આધારે.
ભય અવરોધ અભય સ્વરૂપે ચીંધે માર્ગ મારો.
ભાનુસિંહ કહે, ધિક્કાર રાધા, તારા ચંચલ હૃદયને,
મરણથી પ્રિય માધવ તારો, હવે ફરી જો વિચારી.

સામાન્ય રીતે એમ કહેવામાં આવે છે કે આ કાવ્યમાં રવીન્દ્રનાથ મૃત્યુને શ્યામ કહીને તેની મહત્તા પ્રસ્થાપિત કરે છે. પણ આખું કાવ્ય ધ્યાનથી વાંચતાં ખ્યાલ આવશે કે અંતિમ બે પંક્તિ સિવાયની પંક્તિઓમાં રાધા મૃત્યુને શ્યામ સાથે સરખાવે છે અને કહે છે કે  શ્યામ અને મૃત્યુ બંને સરખા છે પણ મૃત્યુ શ્યામથી (માધવથી) વધારે વિશ્વસનીય છે. અંતિમ બે પંક્તિમાં કવિ (ભાનુસિંહ – યાદ રહે કે ભાનુ એટલે રવિ અથવા સૂર્ય) રાધાના ચંચળ હૃદયને ઉપાલંભ આપતાં સ્પષ્ટપણે કહે છે કે માધવ મૃત્યુથી વધારે પ્રિય છે.

અહીં એક નાની પણ મહત્વની વાત ધ્યાનમાં લેવી જોઈએ. આ કાવ્યને માત્ર ‘મૃત્યુની સ્તુતિ’ તરીકે વાંચવું યોગ્ય નથી. રાધાને મૃત્યુનું સ્વરૂપ શ્યામ જેવું લાગે છે, છતાં કાવ્યના અંતે કવિ સ્પષ્ટ કરે છે કે મૃત્યુ પોતે માધવનું સ્થાન લઈ શકતું નથી. એટલે આ કાવ્યમાં મૃત્યુ પ્રિયતમ જેવું છે, પરંતુ પ્રિયતમ કરતાં પ્રિય નથી .

આ કાવ્યમાં રવીન્દ્રનાથનું મૃત્યુ અંગેનું દર્શન અથવા ચિંતન નથી પણ નોંધનીય વાત એ છે કે એક ૧૬ વર્ષનો કિશોર કવિ મૃત્યુની ભયાનકતા જોવાને બદલે તેને એક પ્રિયતમના સ્વરૂપે જોઈ શકે છે. મૃત્યુ પ્રત્યેનો આ નિર્ભય અભિગમ કદાચ તેમની આગળની કવિતામાં વિકસનારા મૃત્યુ-વિચારનું બીજરૂપ છે; પરંતુ તેને પૂર્ણ તત્ત્વચિંતન માનવું વહેલું થશે.

આ કાવ્યનું બીજ મને દેખાય છે તેમના પોતાના મૃત્યુના પ્રથમ અંગત અનુભવમાં. રવીન્દ્રનાથનાં મા, શરદાદેવી, ૧૮૭૫માં (ઉપરોક્ત કાવ્ય લખ્યું તેનાં બે વર્ષ પહેલાં) ગુજરી ગયા ત્યારે રવીન્દ્રનાથને ૧૪ વર્ષ પણ પૂરા થયા ન હતા. તે અનુભવ અંગે તેઓ પોતાની આત્મકથા, ‘જીવનસ્મૃતિ’માં લખે છે:

‘આના પહેલાં મેં ક્યારેય મૃત્યુને પ્રત્યક્ષ સ્વરૂપે જોયું ન હતું. જ્યારે માનું મૃત્યુ થયું ત્યારે મારી ઉંમર ઘણી નાની હતી. . . . જે રાત્રે તેમનનું મૃત્યુ થયું ત્યારે હું સૂઈ રહ્યો હતો . . . સવારે ઊઠીને જ્યારે માના મૃત્યુની વાત સાંભળી ત્યારે તે વાતનો શું અર્થ થાય તે ખાસ સમજી શક્યો નહીં. બહાર આવીને જોયું તો તેમનું શણગારેલું શરીર આંગણામાં ખાટલા ઉપર સુવાડ્યું હતું. પણ મૃત્યુની ભયાનકતાની કોઈ પણ નિશાની તે શરીર ઉપર દેખાતી ન હતી; તે દિવસે સવારના પ્રકાશમાં મૃત્યુનું જે સ્વરૂપ જોયું તે આરામદાયક નિદ્રા જેવુ પ્રશાંત અને મનોહર હતું,’

હવે જોઈએ ત્રણ વર્ષ પછી લખાયેલાં સાવ જુદા મૃત્યુ અંગેનાં કાવ્યને. અહીં વાત આવે છે આત્મહત્યાની. આ કાવ્ય ૧૮૮૦માં, રવીન્દ્રનાથની ૧૯ વર્ષની વયે લખાયું હતું અને ૧૮૮૨માં છપાયેલા ‘સંધ્યાસંગીત’ નામના સંગ્રહમાં સમાવાયું હતું.


શીર્ષક છે ‘તારિકાની આત્મહત્યા’.

એક વાર
જ્યોતિર્મય તીર થકી અંધારા સાગરમાં
કૂદી પડી એક તારિકા, ગાંડપણમાં.
ચારે  દિશામાં અસંખ્ય તારા જોઈ રહ્યા ચૂપચાપ.
આ જે જ્યોતિબિંદુ, તેમની વચ્ચે હતું,
ક્ષણમાત્રમાં અલોપ થઈ  ગયું.
જે સાગરતળે
મનની વેદનાથી આપઘાત કરતા
લાંબા સમયથી બુઝાયેલા
અનેક તારિકાના મૃત દેહ છે સૂતા,
ત્યાં જ તેણે કર્યું પ્રયાણ.

અરે શાને, શું થયું તેને?
એક વાર પણ કોઈ પૂછતું ના,
તેણે ત્યાગ્યો દેહ શાને –
જો કોઈ પૂછતે
તો હું જાણું તે શું કહેતે!
જેટલા દિવસ જીવન હતું,
હું જાણું તેને શું બાળતું.
માત્ર હાસ્યની યંત્રણા,
બીજું કાંઈ જ ના.

ઢાંકવા હૃદયનો અંધકાર કોલસો બળતો
અને સતત હસતો રહેતો,
જેટલું તે હસતો તેટલું જ તે બળતો.
તેના હાસ્યનો અગ્નિ, પ્રજ્વલિત, પ્રખર,
બાળતો, બાળતો તેને, બાળતો માત્ર.
જ્યોતિર્મય, તારાભર્યું એકાંત છોડી,
રોજના માનસિક ત્રાસથી છૂટી,
આજ તે અંધકારના તારાવિહીન એકાંતે!

અરે
, તમે સૌ તારા,
શાને તેનો ઉપહાસ કરતા હસતા?
નથી થયું કોઈ નુકસાન તમને,
તેજ તો તમારું છે એમનું એમ.
તે તો ક્યારેય ન વિચારે –
(અહમ્ કયાં હતો તેનામાં)
કે પોતાને બુઝાવી તમને ડુબાડે અંધકારે.
ગઈ, ગઈ, ડૂબી ગઈ, તારિકા એક ડૂબી ગઈ,
અંધારા સાગરે,
ગભીર રાત્રે,

અતલ અંબરે.
હૃદય, હૃદય મારા, સૂઈ જવું છે શું તારે
પેલી મૃત તારિકાની સાથે
એ જ અંધારા સાગરે,
એ જ ગભીર રાત્રે,
એ જ અતલ અંબરે.

રવીન્દ્રનાથનું ઉપરોક્ત કાવ્ય તેની શૈલી કે કાવ્યમયતા કરતા તેના વિષયવસ્તુ માટે ધ્યાન ખેંચે તેવું છે. એક ખરતા તારાની સામાન્ય ઘટનામાં કવિને તારાની આત્મહત્યા દેખાય છે. આત્મહત્યાના કારણોમાં કવિને તારાના જીવન દરમિયાન મળેલી ઉપેક્ષા અને અવહેલના દેખાય છે. તારાના તેજને કવિ તેના હાસ્યના અગ્નિ સાથે સરખાવે છે. અલબત્ત કવિની સહાનુભૂતિ તારાની સાથે છે.

એમ માનવામાં આવે છે કે કવિના ભાભી, કાદંબરી દેવીના કહેવાતા આત્મહત્યાના નિષ્ફળ પ્રયાસનું આ કાવ્યમાં નિરૂપણ છે અને ‘જ્યોતિર્મય’, ‘જ્યોતિબિંદુ’ જેવા શબ્દો દ્વારા કવિના ભાઈ, જ્યોતિરિન્દ્રનાથ (કાદંબરી દેવીના પતિ) તરફ અંગુલિનિર્દેશ છે. આવો જ ભાવ અગ્રન્થસ્થ કાવ્યો ‘પુષ્પાંજલિ’ની હસ્તપ્રતમાં જોવા મળે છે.

આ કાવ્ય લખાયું ત્યાર પછી ચાર વર્ષે, ૧૮૮૪માં કાદંબરી દેવી આત્મહત્યા કરીને પોતાના જીવનનો અંત લાવે છે. આ ઘટનાનો રવીન્દ્રનાથને ઊંડો આઘાત લાગ્યો હતો, જેનું આબેહૂબ અને હૃદયસ્પર્શી વર્ણન તેમણે તેમની આત્મકથા, ‘જીવનસ્મૃતિ’ના ‘મૃત્યુશોક’ નામના પ્રકરણમાં કર્યું છે.

તે જ પ્રકરણમાં તેઓ જણાવે છે કે, ‘પણ મારી ચોવીસ વર્ષની ઉંમરે મૃત્યુ સાથે જે પરિચય થયો તે જ તેનો કાયમી પરિચય. . . . નાનપણમાં થયેલા મૃત્યુના અનુભવો સમય જતાં અનાયાસે ભુલાઈ જાય પણ મોટી ઉંમરે થતાં મૃત્યુના અનુભવને સહેલાઈથી ભૂલી જવા શક્ય નથી. તેથી તે દિવસનો સમસ્ત દુ:સહ આઘાત છાતી ઉપર થયો હતો. . . . આ અક્ષય દુ:ખની વચ્ચે ક્યારેક ક્યારેક એક આનંદની લહેર મારા મનમાં લહેરવા લાગી, જેનાથી મને પણ આશ્ચર્ય થયું. જીવન શાશ્વત નથી એ દુ:ખની વાતથી મારા મનનો બોજ હલકો થતો હોય એમ મને લાગ્યું. આપણે જીવનની પથ્થરિયા દીવાલો વચ્ચે કાયમી બંદી નથી એ વિચારથી મને અંદરોદર આનંદ થવા લાગ્યો. જે મેં પકડી રાખ્યું હતું, તે મારે છોડી દેવું પડશે તે વિચારથી હું દુ:ખી થતો હતો પણ જ્યારે તેનાથી મળતી મુક્તિનો વિચાર કર્યો ત્યારે એક ભવ્ય શાંતિ મારા મનમાં પ્રસરી રહી. . . . જીવનનો એકચક્રી ભાર આપણે સહન નથી કરવો પડતો – તે દિવસે મને આ સત્ય એકાએક લાધ્યું. . . . જીવન પ્રતિ મારી અંધ આસક્તિ ચાલી જતાં ચારે બાજુ પ્રકાશિત આકાશમાં વૃક્ષોનું હાલનડોલન જાણે મારી અશ્રુદ્યોત આંખો પર માધુર્યની વર્ષા કરી રહેતું. જગતના સર્વાંગસંપૂર્ણ દર્શન માટે જરૂરી અંતર મૃત્યુએ પૂરું પડ્યું હતું. હું નિર્લિપ્ત થઈને ઊભો રહેતો મૃત્યુની વિશાળ પટભૂમિકા ઉપર અને જોઈ રહેતો સંસારની છબિ, જે મને મનોહર લાગતી હતી.’

અહીં મને રવીન્દ્રનાથના મૃત્યુ અંગેના વિચારમાં એક નિર્ણાયક વળાંક દેખાય છે. ૧૪ વર્ષની વયે મૃત્યુ શાંત અને મનોહર નિદ્રા જેવું લાગ્યું હતું; ૧૬ વર્ષે તે પ્રિયતમના સ્વરૂપે આવ્યું હતું; હવે અંગત શોકના તીવ્ર અનુભવ પછી મૃત્યુ માત્ર જીવનનો અંત નથી રહેતું. તે જીવનને એક અંતરથી જોવાની ક્ષમતા આપે છે. મૃત્યુથી જીવનનું મૂલ્ય ઓછું થતું નથી; વિપરીત રીતે, જીવન પ્રત્યેની ‘અંધ આસક્તિ’ દૂર થતાં જીવનનું સૌંદર્ય વધુ સ્પષ્ટ થાય છે.

હવે કવિને મૃત્યુ અંગે પોતાના પુખ્ત અને પાકટ વિચારો લાધ્યા હતા અને તે તેમના હવે પછીના સાહિત્યમાં એક કે બીજી રીતે વ્યક્ત થતા આવ્યા છે. એક તરફ કવિ મૃત્યુને તેના સાચા સ્વરુપમાં – જીવન સાથેના વિચ્છેદ તરીકે નહીં પણ જીવનના વિસ્તરણ તરીકે – જોઈ શકયા તો બીજી તરફ તેમનો જીવન પ્રત્યેનો લગાવ પણ વધુ ઘેરો બન્યો.

૧૮૮૬માં લખાયેલું ‘પ્રાણ’ (‘કડિ ઑ કોમલ’માં સમાવેલું) કાવ્ય જુઓ જેની બંગાળી પંક્તિ – મરિતે ચાઇ ના એ સુંદર ભુવને – અત્યંત પ્રચલિત છે:

આ સુંદર જગતમાં મરવું નથી મારે,
માનવીની સાથે જીવવું છે મારે.
જીવંત હૃદયમાં મળે જો સ્થાન મને,
જીવવું મારે સૂર્યપ્રકાશે ને ફૂલવને.
ધરતીના પ્રાણની લીલા સદા વહેતી,
કેટલાંય વિરહ, મિલન, આંસુ ને સ્મિતની વાત કહેતી.

માનવીના સુખ-દુ:ખને ગુંથીને સંગીતમાં
કાશ હું વસી શકું અમર આલયમાં.
જો તેમ ન થાય તો હું જેટલું જીવું
તમારી વચ્ચે જ હું રહી શકું.
ખીલવીશ હું નિત્ય નવા સંગીતનાં ફૂલ,
સવાર સાંજ ચૂંટી લેજો – કરશો ના ભૂલ.
હસીને લેજો તે ફૂલ અને તે જ્યારે કરમાય,
તેને ફેંકતા અચકાતા ના જરાય.

અહીં કવિ જીવનની મહત્તા પ્રસ્થાપિત કરે છે, મૃત્યુની અવહેલના કર્યા વિના. મૃત્યુ ભયાનક તો નથી જ, પણ માનવી અને ધરતી વચ્ચેનું જીવન પણ સુંદર છે. પ્રાણ’માં એક અગત્યનો ફેરફાર જોવા મળે છે. અગાઉ મૃત્યુ મુક્તિનું સ્વરૂપ હતું; અહીં કવિ મૃત્યુથી દૂર રહેવાની ઇચ્છા વ્યક્ત કરે છે. પરંતુ આ મૃત્યુના ભયમાંથી જન્મતી ઇચ્છા નથી. તે જીવનમાં, માનવહૃદયમાં, પ્રકૃતિમાં અને ગીતમાં પોતાને અમર રાખવાની ઇચ્છા છે. એટલે મૃત્યુનો સ્વીકાર અને જીવનની તીવ્ર ઇચ્છા – બંને એકબીજાના વિરોધી નથી રહેતા.

ત્યાર પછી ૧૮૯૩માં લખાયેલા ‘ઝૂલણ’માં (કાવ્યસંગ્રહ, ‘સોનાર તરી’), ૧૯૦૦માં પ્રગટ થયેલા કાવ્યસંગ્રહ, ‘નૈવેદ્ય’નાં કાવ્યોમાં,  ૧૯૦૨માં લખાયેલા ‘મરણ-મિલન’માં (કાવ્યસંગ્રહ, ‘ઉત્સર્ગ’) કવિ મૃત્યુને વિવિધ સ્વરૂપે પ્રસ્તુત કરે છે. મૃત્યુ ક્યારેક નવોઢાનું સ્વરૂપ લે છે તો ક્યારેક જીવન અને મરણ માતાનાં બે સ્તનનું સ્વરૂપ લે છે. પણ ક્યાંય મૃત્યુની ભયાનકતાનું દર્શન નથી થતું. પરંતુ અહીં ‘મૃત્યુની ભયાનકતા નથી’ એટલું જ કહેવું પૂરતું નથી. આ કાવ્યોમાં મૃત્યુ ધીમે ધીમે જીવનના જ પરિપ્રેક્ષ્યમાં સ્થાન પામે છે. જીવન અને મૃત્યુ હવે બે વિરોધી તત્ત્વો કરતાં એક જ અસ્તિત્વની પરસ્પરપૂર્ણ પ્રક્રિયાઓ જેવા દેખાય છે.

નવેમ્બર ૧૯૦૨માં કવિના પત્ની, મૃણાલિનિદેવીનું અવસાન થયું. તે સમયે તેમનો સૌથી નાનો પુત્ર શમીન્દ્રનાથ ૭ વર્ષનો હતો


આ ઘટનાને રવીન્દ્રનાથે એક બાળકની નજરે મૃત્યુને જોતાં ૧૯૨૨માં પ્રગટ થયેલા ‘લિપિકા’ કાવ્યસંગ્રહમાં ‘પ્રશ્ન’ શીર્ષક નીચે લખાયેલા હૃદયદ્રાવક ગદ્યકાવ્યમાં વર્ણવી છે:

પિતા સ્મશાનથી પાછા ફર્યા.
ત્યારે સાત વર્ષનો દીકરો — ઉઘાડા શરીરે, ગળામાં સોનાનું તાવીજ પહેરીને
ગલીની ઉપરવાળી બારી પાસે એકલો ઊભો હતો.
તે શું વિચારી રહ્યો છે તેની તેને પોતાને પણ ખબર ન હતી.
સવારનો તડકો સામેના ઘરના લીમડાના ઝાડની ટોચ પર દેખાઈ રહ્યો હતો;
કાચી કેરી વેચવાવાળો ગલીમાં સાદ પાડીને પાછો જતો રહ્યો.
પિતાએ આવીને દીકરાને ખોળામાં લીધો;
દીકરાએ પૂછ્યું, ‘મા ક્યાં છે?
પિતાએ ઊંચે આકાશ તરફ માથું ઉઠાવીને કહ્યું, ‘સ્વર્ગમાં.’
તે રાત્રે શોકથી થાકેલા પિતા, ઊંઘમાં રહી રહીને ડૂસકાં ભરી રહ્યા હતા.
દરવાજે ફાનસના ઝાંખા પ્રકાશમાં દીવાલ પર બે ગરોળી દેખાઈ રહી હતી.
ન જાણે ક્યારે દીકરો આવીને સામેની ખુલ્લી અગાસીમાં  ઊભો રહી ગયો.
ચારેબાજુ અંધકારમાં ડૂબેલાં મકાનો જાણે કોઈ રાક્ષસનગરીના પહેરેદારોની જેમ ઊભાં ઊભાં ઊંઘી રહ્યાં હતાં.

ઉઘાડા શરીરે દીકરો આકાશ તરફ તાકી રહ્યો.
તે બેધ્યાન મને કોને પૂછી રહ્યો, ‘સ્વર્ગનો રસ્તો ક્યાં છે?
આકાશ પાસે તેનો કોઈ ઉત્તર ન હતો.
માત્ર મૂંગા અંધકારનાં આંસુ દરેક તારામાં ચળકી રહ્યા હતા.

કાવ્યમાં જેની વાત થાય છે તે બાળકની વય સાત વર્ષની છે અને મૃણાલિનિદેવી ગુજરી ગયા ત્યારે શમીન્દ્રનાથની વય પણ સાત વર્ષની હતી. તે સિવાય મૃણાલિનીદેવીના મૃત્યુના ૧૬ વર્ષ પછી લખાયેલા આ કાવ્યનો સંદર્ભ શમીન્દ્રનાથ સાથે છે કે નહીં તે કહી શકાય તેમ નથી. બીજી એક શક્યતા મને દેખાઈ હતી તે રવીન્દ્રનાથનો પોતાનો અનુભવ – પણ માતાનાં અવસાન સમયે રવીન્દ્રનાથ ૧૪ વર્ષના હતા, તેમના પિતા સ્મશાને ગયા ન હતા, તે પોતે સ્મશાને ગયા હતા ઇત્યાદિ હકીકતો આ શક્યતાની વિરુદ્ધમાં છે.

આ કાવ્યમાં મૃત્યુ અંગેનું કોઈ દર્શન કે ચિંતન નથી પણ તેની સચોટ અને હૃદયંગમ પ્રસ્તુતિ કોઈ પણ સંવેદનશીલ વ્યક્તિના અંતરતમ સુધી પહોંચીને તેની આંખો ભીની કરી મૂકે તેવી શક્તિશાળી છે.

૧૯૦૨માં પત્નીને ખોયા પછી બીજા જ વર્ષે, ૧૯૦૩માં રવીન્દ્રનાથની પુત્રી, રેણુકાનું નિધન થયું અને ૧૯૦૫માં તેમના પિતા, મહર્ષિ દેવેન્દ્રનાથનું. આમ ત્રણ વર્ષના ગાળામાં રવીન્દ્રનાથે ત્રણ અંગત સ્વજનોને ગુમાવ્યા. આ મૃત્યુની શૃંખલાને પચાવવી સહેલી ન હતી. પણ રવીન્દ્રનાથે આ અનુભવોને પોતાના ઉપનિષદ અને વૈષ્ણવ સંસ્કારોથી અને આગવા દર્શનથી મૂલવ્યા અને તેમાંથી આરંભ થયો તેમનો દિવ્ય તત્ત્વ પ્રતિનો ‘ગીતાંજલિ’, ‘ગીતિમાલ્યા’ અને ‘ગીતાલી’માં વ્યક્ત થતો અભિગમ. સાથે તેમનું આગળ જોઈ ગયા તે મૃત્યુનું દર્શન પણ વધુ પાકટ સ્વરૂપે પ્રગટ થયું. અહીં મૃત્યુ હવે વ્યક્તિગત વિયોગની સીમામાં બંધાયેલું રહેતું નથી; તે મનુષ્યને વિશાળ અસ્તિત્વ સાથેના સંબંધ તરફ લઈ જતું દ્વાર બની જાય છે.

મને યાદ આવે છે જૂન ૧૯૦૬માં લખાયેલું એક કાવ્ય. આ કાવ્ય ૧૯૦૬માં છપાયેલા ‘ખેયા’ કાવ્યસંગ્રહમાં સમવાયું છે – શીર્ષક છે, ‘ખોવાયેલું ધન.’

જે દિવસે વિધાતા સૃષ્ટિની રચનામાંથી મુક્ત થયા,
ઘેરા આકાશમાં બધા તારા ખીલી ઉઠયા.
નવીન સૃષ્ટિની સામે દેવો બધા હારબંધ બેસી ગયા,
‘શું આનંદ, કેવી પૂર્ણ છબિ, શું છંદ’, ગાઈ ઉઠયા.

ત્યાં તો સભામાં અચાનક કોઈક બોલી ઉઠ્યું,’
જ્યોતિર્મય માળામાંથી એક તારો ખરી ગયો’ –
તાર વીણાના તૂટી ગયા, ગીત થંભી ગયું,

શોધખોળ ચાલી, ખોવાયેલો તારો ક્યાં ગયો.
સૌ બોલી રહ્યા એક અવાજે,
‘તારો હતો તે સૌથી સારો, મોટો, ભર્યો અપૂર્વ તેજે.’  
ત્યારથી જગત આખું શોધી રહ્યું એ તારાને,
રાત અને દિવસ, મૂકીને બાજુ પર આરામને.
સૌ કહેતા, ‘શોધવો જોઈએ પેલા જ તારાને,
તેના વિના તો અંધાર ઘેરતો આ જગતને.’

માત્ર મોડી રાત્રે સમગ્ર તારા ચૂપચાપ હસતા ને કહેતા,
‘બધું જ જેમનું તેમ છે, વ્યર્થ છે આ બધી શોધખોળ.’ 

ફરી એક વાર ખરતા તારાની સામાન્ય ઘટના રવીન્દ્રનાથની કલમે એક નવું જ પરિમાણ ધારણ કરે છે. અહીં મૃત્યુ નેપથ્યમાં છે. ખરી ગયેલો તારો સંસાર માટે એક મહાન ક્ષતિ, મોટાં નુક્સાનનું સ્વરૂપ ધારણ કરે છે પણ બ્રહ્માંડ માટે તો ‘બધું જ જેમનું તેમ છે’. મૃત્યુની ભયાનકતા, જીવન સાથેનો વિચ્છેદ, શોક – બધું જ બ્રહ્માંડના પરિપ્રેક્ષ્યમાં ક્ષુલ્લક થઈ જાય છે. આ કાવ્ય મૃત્યુના માનવીય શોકને એક વિશાળ બ્રહ્માંડીય દૃષ્ટિકોણમાં મૂકે છે. આ દૃષ્ટિ ‘મૃત્યુશોક’માં મળેલા વ્યક્તિગત અંતરના અનુભવથી અલગ છે, પણ બંનેમાં એક આંતરિક સંબંધ છે: મૃત્યુ જીવનને બીજા પરિપ્રેક્ષ્યમાં જોવાનું અંતર આપે છે.

૧૯૧૨માં, ૬૧ વર્ષની વયે રવીન્દ્રનાથે તેમનું આંતરરાષ્ટ્રીય સ્તરે પોંખાયેલું નાટક, ‘ડાકઘર’ લખ્યું. આ નાટકનો નાયક છે એક બાળક, અમલ. જગત અને જીવનને પ્રેમ કરતો અમલ, માંદો હોવાથી એક રૂમની બહાર નીકળવાની તેને મનાઈ છે. તેના રૂમની બારીમાંથી જતાં-આવતા લોકો સાથે તે વાતો કરે છે અને તેની બહારના જગત અંગેની જિજ્ઞાસા પૂરી કરે છે. તેના ઘરની સામે આવેલી પોસ્ટ-ઓફિસમાંથી રાજા તેને કાગળ મોકલશે એવી તેની અપેક્ષા છે. રાજાનો કાગળ આવે છે ત્યારે અમલ અનંત નિદ્રામાં પોઢી ગયો છે અને સુધા તેને માટે ફૂલ લઈને આવે છે અને કહે છે કે અમલ ઊઠે ત્યારે તેને કહેજો કે સુધા ફૂલ લાવવાનું ભૂલી નથી.

રવીન્દ્રનાથે આ નાટક સમજાવતા એન્ડ્રુઝને એક પત્રમાં લખ્યું હતું,

Amal represents the man whose soul has received the call of the open road… But there is the post office in front of his window and Amal waits for the king’s letter to come to him directly from the king, bringing to him the message of emancipation. At last the closed gate is opened by the king’s own physician and that which is ‘death’ to the world of hoarded wealth and certified creeds brings him awakening in the world of spiritual freedom. The only thing that accompanies him in his awakening is the flowers of love given to him by Sudha.

સર્જક અને તેના સર્જન તેમ જ પ્રકૃતિ અને માનવી વચ્ચેનું ઐક્ય એટલે જીવન. આ ઐક્ય એ જ છે વાસ્તવિકતા, સત્ય અને આનંદ અને સૌંદર્યનો સ્રોત. આ ઐક્યનું રહસ્ય છે પ્રેમ. આવા ઐક્યનું જીવન જે જીવે છે તેને અમલની જેમ સર્જનમાં, પ્રકૃતિમાં, માનવીમાં, બલિદાન અને આત્મસમર્પણની ભાવનામાં, અનાસક્તિ અને નિઃસ્વાર્થતાની ભાવનામાં આનંદ આવે. આવી વ્યક્તિને મૃત્યુનો ડર નથી હોતો. તેને માટે મૃત્યુ એટલે આધ્યાત્મિક મુક્તિમાં પ્રવેશ – જીવનમાંથી મહાજીવનમાં પ્રવેશ. તેને માટે જીવન અને મૃત્યુ બંને એક જ છે. આ મહાજીવનને અંતે થાય છે મહા આજ્ઞાતનો પરિચય. (આ વાત અંતમાં ફરી આવશે.)

સપ્ટેમ્બર ૧૯૩૭માં રવીન્દ્રનાથ અચાનક બેભાન થઈ ગયા હતા અને ૬૮ કલાક પછી ભાનમાં આવ્યા હતા. આ ગંભીર પ્રસંગ એટલે રવીન્દ્રનાથનો મૃત્યુનો અંગત અને કદાચ પ્રત્યક્ષ પરિચય. પછીના ત્રણ માસમાં તેમણે લખેલા કાવ્યોના સંગ્રહનું શીર્ષક છે ‘પ્રાન્તિક’. પ્રાન્તિક એટલે જીવન અને મૃત્યુ વચ્ચેનો સીમા પ્રદેશ. આ સીમાપ્રદેશનો અનુભવ બહુ ઓછા લોકોને થાય છે અને તેમાંથી પણ ઘણાં ઓછા તેને વર્ણવવા શક્તિમાન હોય છે. રવીન્દ્રનાથ આ અતિ સીમિત જમાતમાંના એક હતા. જવલ્લે જ થતા આ અનુભવની અભિવ્યક્તિ કરતાં તેમનાં આ કાવ્યોમાં એક નવું જ પરિમાણ જોવા મળે છે. સીમાપ્રદેશ સામાન્યતઃ વેદના, શોક અને નિરાશા સાથે સંકળાયેલો છે. પરંતુ રવીન્દ્રનાથ એક નવો જ દૃષ્ટિકોણ રજૂ કે છે. આશાવાદ અને શ્રદ્ધા તેમની પ્રેરણાના અસ્ખલિત સ્રોત હોઈ સીમાપ્રદેશને તે એક સૌમ્ય, છતાં ઝળહળતા અને છલનામય, છતાં મોહક પ્રકાશમાં પ્રસ્તુત કરે છે. સીમાપ્રદેશમાં જઈને સ્વસ્થતામાં પુનરાગમનની સફરનું આથી વધુ કાવ્યમય વર્ણન મળવું મુશ્કેલ છે. આખી યાત્રાની કાવ્યમય પ્રસ્તુતિ અને ફિલસૂફીના અર્થઘટનથી મૃત્યુ અંગેના ભય અને પૂર્વગ્રહ નષ્ટ થાય છે. એની સાથે આદિ સ્વરૂપની શોધ અભૂતપૂર્વ અગત્યની બની જાય છે. ‘પ્રાન્તિક’નાં કાવ્યોમાં શોક અને નિરાશા સાથે સંકળાયેલા સીમાપ્રદેશના અનુભવનું જ્ઞાનદાયી, ઊર્ધ્વગામી અને કાવ્યમય નિરૂપણ છે જેનાથી સીમાપ્રદેશ અંગેની શંકા અને દ્વિધાનું નિવારણ થાય છે અને આદિ સ્વરૂપની શોધનો પ્રારંભ થાય છે.


અંતમાં મારે વાત કરવી છે, રવીન્દ્રનાથના મૃત્યુ અંગેનાં ભરત વાક્યની. ૧૯૩૯માં તેમનું સુપ્રસિદ્ધ નાટક, ‘ડાકઘર’ ફરીથી ભજવવાની વાત ઉપડી અને રવીન્દ્રનાથે આ નવી પ્રસ્તુતિ માટે એકથી વધુ કાવ્યો લખ્યાં. તેમાંનું એક કાવ્ય, નાટકના અંતે, નાટકના નાયક, અમલના મૃત્યુ પ્રસંગ માટે લખાયું હતું. કમનસીબે આ નાટક ભજવાયું નહીં. રવીન્દ્રનાથે સૂચના આપી કે આ કાવ્ય સૌથી પ્રથમ વાર તેમના શ્રાદ્ધ પ્રસંગે ગવાય. તેમણે આ કાવ્ય પોતાના કોઈ પણ સંગ્રહમાં પ્રગટ પણ ન કર્યું.

કાવ્યની પ્રથમ પંક્તિના શબ્દો છે; સંમુખે શાંતિ પારાવાર.

સંમુખે શાંતિ પારાવાર,
હંકારો હોડી, હે કર્ણધાર.
ચિરસાથી છો તમે,
લઈ લો, લઈ લો ખોળામાં હવે.
અસીમના પથે ઝળહળતી
ધ્રુવતારકની જ્યોતિ.

મુક્તિદાતા, તમારી ક્ષમા, તમારી દયા,
અક્ષય પાથેય છે આ દીર્ઘ યાત્રામાં.
નષ્ટ થાય આ નશ્વર બંધન
મળી રહે આ વિરાટ વિશ્વનું આલિંગન
ને થઈ રહે નિર્ભય હૃદયે પરિચય
મહા અજ્ઞાતનો.

આ કાવ્ય પહેલી વાર રવીન્દ્રનાથના શ્રાદ્ધ પ્રસંગે શાંતિનિકેતનમાં ગવાયું હતું અને આજે પણ બંગાળમાં શ્રાદ્ધ/મૃત્યુ પ્રસંગે ગાવામાં આવે છે. મૃત્યુને આથી મોટી અંજલિ મળી હોય તેવું મારા ધ્યાનમાં નથી. નોંધનીય છે કે કવિએ આખાય કાવ્યમાં ‘હું’ શબ્દનો પ્રયોગ નથી કર્યો. તેથી કાવ્ય વાચકનું અંગત કાવ્ય બની રહે છે જેમાં તે મૃત્યુને મહા અજ્ઞાત તરફની અંતિમ સફરના કર્ણધારથી  શરૂ કરીને, ચિરસાથી અને મુક્તિદાતા કહીને સંબોધે છે. અહીં રવીન્દ્રનાથના મૃત્યુ વિશેના વિચારોની એક લાંબી યાત્રા જાણે એક જ કાવ્યમાં સંક્ષિપ્ત થઈ જાય છે. શરૂઆતમાં મૃત્યુ પ્રિયતમના સ્વરૂપે આવે છે; પછી તે શોકમાં મુક્તિનો અનુભવ કરાવે છે; જીવનની વચ્ચે મૃત્યુની હાજરી જીવનને વધુ મૂલ્યવાન બનાવે છે; બ્રહ્માંડની દૃષ્ટિએ વ્યક્તિગત મૃત્યુનું પરિમાણ બદલાય છે; અને અંતે મૃત્યુ ‘ચિરસાથી’ તથા ‘મુક્તિદાતા’ બની ‘મહા અજ્ઞાત’ તરફ લઈ જનાર કર્ણધાર બને છે.

પરંતુ આ અંતિમ સ્વીકાર જીવનનો ઈન્કાર નથી. રવીન્દ્રનાથના મૃત્યુ-વિચારની વિશિષ્ટતા એ છે કે મૃત્યુને સ્વીકારતાં જ જીવનનું સૌંદર્ય વધુ ઊંડું બનતું જાય છે. તેથી તેમની કવિતામાં મૃત્યુ જેટલું મહત્વનું છે એટલું જ મૃત્યુના પડછાયામાં દેખાતું જીવન પણ છે.

મને લાગે છે આ કાવ્યમાં રવીન્દ્રનાથે જીવનની અનિવાર્ય પણ ભયજનક ઘટનાનું અર્થપૂર્ણ દર્શન પ્રસ્તુત કર્યું છે. તેમના મૃત્યુ અંગેના સમગ્ર સાહિત્યને પાછા ફરીને જોઈએ તો કદાચ તેમની સૌથી મોટી વિશેષતા એ જણાય કે તેમણે મૃત્યુને જીવનના વિરોધી તત્ત્વ તરીકે સ્વીકાર્યું નથી. મૃત્યુને સમજવાની તેમની યાત્રા અંતે જીવનને વધુ ઊંડાણથી સમજવાની યાત્રા બની રહે છે.

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.