“નેમ- રાજુલાની કથા” – રજુકર્તાઃ ડૉ. શ્રીરામ સોની

અમદાવાદ માં હું કાર હંકારી જતો હોઉં ત્યારે ઘણીવાર આગળ જતી કારના પાછલા કાચ ઉપર ” ચાલો નેમિનાથ દાદાની ટુંક ઉપર ગિરનાર” આવુ લખેલુ વાંચવામાં આવતું. પણ નેમિનાથ વિષે જાણતો નહોતો. પછીથી નેમિનાથ જે તીર્થંકર હતા તેમના વિશે વાંચ્યું . નેમિનાથ અને રાજુલ ની કથા વિષે પણ વાંચ્યુ .
એ કથા અહીં રજુ કરુ છું

સમુદ્રવિજય નામનો એક રાજા હતો . રાણીનું નામ હતું શિવાદેવી .એકદિવસ રાણીને રાત્રે સ્વપ્ન આવ્યું. (આ સ્વપ્ન ક્યા હતા એ નીચે નોંધમાં જણાવ્યું છે.)
રાણીએ એ સ્વપ્નની વાત રાજાને કરી રાજાએ જ્યોતિષીને પુછ્યુ, એણે કહ્યું કે; આવા સ્વપ્ન આવે એને ત્યાં મહા ભાગ્યવાન દીકરો થાય.

શ્રાવણ મહિનાની અજવાળી પાંચમે પુત્ર જન્મ્યો .શામળો છે પણ રુપે સુંદર હતો.નામ પાડ્યુ “અરિષ્ટનેમિ” પણ લાડમાં એને નેમિ ના નામે બોલાવતા. નેમિનાથ દયાળુ હતા અને સહુ કોઈને પ્રેમ કરતા. તેઓ યુવાન થયા, શરીરે બળવાન પણ સ્વભાવે શાંત વિવેકી હતા. માતાપિતાની ઈચ્છા નેમિનાથના લગ્નની હતી પણ નેમિ લગ્નની વાત હસીને ટાળી દેતા. એક વખત રાજા ઉગ્રસેન અને ધારિણીરાણીના દીકરી રાજીમતીનું નેમિ માટે માગું આવ્યુ. રુપ રુપના અંબાર સમી રાજુલ ગુણીયલ કન્યા હતી. નેમિનાથે પણ રાજુલ વિષે સાંભળેલું એટલે જ્યારે રાજલનુ કહેણ આવ્યું ત્યારે નેમિનાથે પણ એમની વાત માની લીધી.

માતાપિતા એ જ્યોતિષીને બોલાવી નજીકનું મુહુર્ત કાઢી આપવા કહ્યુ. એણે ગણતરી માંડી કહ્યુ થે શ્રાવણ સુદ છઠનો દિવસ શુભ છે. લગ્નનો દિવસ આવી પહોંચ્યો. જાન ઠાઠમાઠ થી નીકળી. જાન ,ઉગ્રસેન રાજાના નગર પાસે પહોંચી. રાજુલનું હૈયુ હિલોળે ચઢેલું ,જેને હૈયામાં વસાવેલા એને પહેલીવાર જોવા હ્રદય અધીરુ બન્યું હતું. સખીઓ એને ગોખમાંથી જોવા લઈ ગઈ. શરમાતી રાજુલ જાન જોવા મહેલના ઉંચા ગોખમાંથી જોવા માંડી. દૂર જાન હતી ને એનો કોલાહલ સંભળાતો હતો પણ અચાનક રાજુલની જમણી આંખ ફરકવા માંડી. એના મનમાં કશીક બેચેની થવા માંડી. રાજુ વિચારવા માંડી કે આનંદની ઘડીએ આ સંતાપ કેમ?

આ સમયે રથમાં બેઠેલા નેમિનાથને પ્રાણીઓની કરુણ ચીસોના અવાજ સંભળાયા .જાન પસાર થતી હતી તેની પાસેના એક મોટા બંધ મકાન માંથી આ કરુણ ચીસોના અવાજો આવતા હતા. નેમિનાથના હૈયામાં વલોપાત થયો ,એમણે સારથીને પુછ્યુ “આ શાના અવાજ છે?” સારથીએ તપાસ કરી ને આવીને કહ્યું કે ” આજના લગ્નની મિજબાની માટે અહી હરણાં બતકાં ,તેતર વિગેરે પશુઓને પુરી રાખેલા છે, એમની ચીસોના આ અવાજો છે.” ઉગ્રસેન રાજા સરસ મીજબાની આપીને જાનને ખુશ કરવાના છે.અસહાય પ્રાણીઓની ચીસથી નેમિનાથને ભારે અજંપો થયો. એમણે કહ્યું “મને ત્યાં લઈજાવ.”

નેમિનાથે જોયું તો બધા પ્રાણીઓને બાંધવામાં આવેલા અને એ બધા છૂટવા માટે તરફડીયા મારતાં હતાં અને દર્દથી ચીસો પાડતાં હતાં.

નેમિનાથે કરુણાભર્યા હૈયે એક એક કરીને બધા પશુ પંખી ને મુક્ત કર્યાં. બંધનનું દુંખ અને મુક્તિનો આનંદ જોઈને નેમિનાથ વિચારવા લાગ્યા અને એ વિચારો ,એમને અનેક બંધનો અને અંતિમ મુક્તિ તરફ લઈ ગયા. બંધન માત્ર માંથી મુક્તિ પામવાના માર્ગ વિશે વિચારી

નેમિનાથે સારથીને રથ પાછો વાળવાનું કહ્યુ. રથ પાછો વળતો જોઈ સમુદ્રવિજય અને શિવાદેવી દોડી આવ્યા. આંસુભરી આંખે એ બોલ્યા; “રથ કેમ પાછો વાળે છે?”
નેમિ બોલ્યા; “આ પશુપંખીઓને બંધનમાંથી મુક્ત કર્યા. હવે માનવ આ સઘળા બંધનમાંથી મુક્ત થાય એવી સાધના કરવા માગું છું. મને રજા આપો.”

માતાપિતાનું હૈયુ ચિરાઈ ગયું. વૈરાગ્યના એ માર્ગ પર જવાની રજા કઈ રીતે આપી શકાય? પણ માતાપિતા કે બીજુ કોઈ નેમિને રોકી શક્યું નહી. એમણે દીક્ષાની તૈયારી કરવા માંડી અને સંપત્તિ નુ દાન કરવા માંડ્યુ

પરણવા આવતા નેમિનાથ પાછા વળ્યા છે એ વાત રાજુલે જાણી. ચોધાર આંસુએ રડતી એ ભોંય પર પછડાઈ.
(આ પ્રસંગ જૈન પરંપરામાં અહિંસા અને કરુણાનું અત્યંત શક્તિશાળી પ્રતીક બની ગયો છે. નેમિનાથનો વૈરાગ્ય કોઈ વ્યક્તિ પ્રત્યેના અસંતોષથી જન્મતો નથી; તે સર્વ જીવ પ્રત્યેની કરુણામાંથી જન્મે છે.)

સખીઓ એ કહ્યું” રડે છે શા માટે? તારા ક્યાં એની સાથે લગ્ન થયાં છે? બીજે સરસ વર જોઈને તને પરણાવીશું.”

રાજુલ બોલી” હવે આવી વાત કરશો નહી , મારા તો એક જ વર છે. એમને હું મનથી વરી ચુકી છું. ”

એ પછી રાજુલે શણગાર છોડી દીધાં અને  જેમ પરદેશ ગયેલા પતિની પત્ની રહે એમ રહેવા લાગી. સદાય તે નેમિનાથનું ધ્યાન ધરતી. વરસ વીતી ગયું. નેમિનાથ દીક્ષા લેવા ચાલ્યા. પરણવા જતી વખતે જાન જે રસ્તે ચાલી હતી એજ રસ્તે તેઓ દીક્ષા લેવા નીકળ્યા. ઉગ્રસેન રાજા ના મહેલ પાસેથી પસાર થતા હતા ત્યારે નેમિનાથને મહેલના ઝરુખા માંથી રાજુલે જોયા. એ એકીટશે જોતી રહી. ગીરનાર પર્વત પર એક આંબાવાડિયા માં એક હજાર આંબાનાં વૃક્ષ હતા તેથી એને ” સહસ્ત્રામ્રવન ” કહેવાતુ. ત્યાં પહોંચીને શ્રાવણ સુદ છઠના દિવસે એમણે દીક્ષા લીધી.

આજ દિવસે ગત વર્ષે તેઓ પરણવાના હતા. એમની પાછળ હજારો લોકોએ દીક્ષા લીધી. નેમિનાથે ખુબ સાધના અને તપ કર્યુ. પરમ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું અને પછી એમણે લોકોને મુક્તિનો માર્ગ બતાવવાનું શરુ કર્યું હતું. જ્ઞાન પામવા માટે રાજુલ પણ નેમિનાથ પાસે આવી.નેમિનાથ પાસે એણે દીક્ષા લીધી. પતિપત્ની બનવાના હતાં તે હવે ગુરુ શિષ્ય બન્યાં. રાજીમતી માટે આ ઘટના અત્યંત આઘાતજનક હતી. છતાં જૈન કથાપરંપરામાં આગળ જઈને તે પણ વૈરાગ્યનો માર્ગ સ્વીકારે છે અને સાધ્વી બને છે. એટલે આ કથા માત્ર “લગ્ન તૂટી ગયું” એવી કરુણ પ્રેમકથા નથી; જૈન દૃષ્ટિએ તે સાંસારિક પ્રેમનું આધ્યાત્મિક ઉન્નયન દર્શાવતી કથા છે.

ગિરનાર પર્વત પર નેમિનાથ નુ મંદિર છે , ત્યાં ભક્તો આજે પણ નેમ-રાજુલનાં ગીત ગાય છે.

 

 

 

*******************************
નોંધઃ
જૈન પરંપરા અનુસાર શિવાદેવીએ માત્ર એક નહીં, પરંતુ ચૌદ મહાસ્વપ્નો જોયાં હતાં. હેમચંદ્રાચાર્યકૃત ત્રિષષ્ટિશલાકાપુરુષચરિતની ગુજરાતી સામગ્રીમાં આ ચૌદ સ્વપ્નો આ પ્રમાણે આપવામાં આવ્યા છે:

  1. હાથી
  2. વૃષભ (બળદ)
  3. સિંહ
  4. લક્ષ્મીદેવી
  5. પુષ્પમાળા
  6. ચંદ્ર
  7. સૂર્ય
  8. ધ્વજ
  9. કુંભ (કળશ)
  10. પદ્મસરોવર
  11. સમુદ્ર
  12. દિવ્ય વિમાન
  13. રત્નોનો પુંજ
  14. અગ્નિ

રાત્રિના અંતિમ પ્રહરમાં શિવાદેવીએ આ ચૌદ શુભ સ્વપ્નો જોયાં અને જાગ્યા પછી રાજા સમુદ્રવિજયને તેની વાત કરી. આ સ્વપ્નોનું ફળ એવું સમજાવવામાં આવ્યું કે તેમની કૂખે અસાધારણ મહાપુરુષ—તીર્થંકર—જન્મ લેશે. એ જ પુત્ર આગળ જઈને અરિષ્ટનેમિ અથવા ભગવાન નેમિનાથ, જૈન ધર્મના ૨૨મા તીર્થંકર થયા.

એક રસપ્રદ વાત એ છે કે કેટલાક જૈન ગ્રંથો/પરંપરાઓમાં ૧૬ સ્વપ્નોનો પણ ઉલ્લેખ મળે છે, જ્યારે શ્વેતાંબર પરંપરામાં સામાન્ય રીતે ૧૪ મહાસ્વપ્નોનું વર્ણન મળે છે.

સમુદ્રવિજય–શિવાદેવીથી નેમિનાથ સુધીનો સંબંધ
રાજા સમુદ્રવિજય યદુવંશી રાજા હતા. જૈન પરંપરા પ્રમાણે તેઓ વસુદેવના ભાઈ હતા. વસુદેવના પુત્ર શ્રીકૃષ્ણ હોવાથી નેમિનાથ અને શ્રીકૃષ્ણ પિતરાઈ ભાઈઓ (cousins) ગણાય છે. નેમિનાથનું મૂળ નામ અરિષ્ટનેમિ હતું.

અહીં શિવાદેવીનાં ચૌદ મહાસ્વપ્નોનો અર્થ સમજાય છે. આ સ્વપ્નો માત્ર એવો સંકેત નહોતાં કે “ખૂબ ભાગ્યશાળી રાજકુમાર જન્મશે”; જૈન પરંપરામાં તે તીર્થંકર થનાર મહાપુરુષના ગર્ભાવતરણનાં શુભ ચિહ્નો છે. એટલે કથાની શરૂઆતથી જ અરિષ્ટનેમિનું જીવન સામાન્ય રાજકુમાર કરતાં જુદી દિશામાં જવાનું છે એવો સંકેત મળે છે.

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.