સંબંધોના  સમીકરણ ~  વાર્તા ~ દેવિકા ધ્રુવ

છેલ્લા કેટલાયે વખતથી ખોવાયેલા અને ગૂંચવાયેલા રહેતા સમીરના ચહેરા પર નિરાંતની રેખાઓ જોતાં નેહાને મનમાં હાશ થઈ. વચ્ચે એકાદ-બે વાર નેહાએ વાત કરવા કોશિશ પણ કરી જોઈ હતી પણ સમીર “યુઝવલ, ઑફિસ સ્ટ્ફ..” કહીને  વાત ટાળી દેતો હતો.

આજે નેહા ગ્રોસરી શોપિંગ કરીને પાછી ઘેર આવી તો સમીર લિવિંગરૂમમાં બેસીને કોફી પીતાં “આઈ સો ડેવિલ” -કોરિયન સસ્પેન્સ થ્રીલર મુવી જોઈ રહ્યો હતો.  નેહા સમીરને એક સરસ ખુશીની વાત કરવા માંગતી હતી અને એ પણ, સમીરના મિત્રના પરિવારની. પણ સમીરને આમ “રિલેક્સ” મૂડમાં જોઈને, એને પોતાને હાશ થઈ હતી. એ આવીને સમીરની બાજુમાં બેઠી. સમીરે મુવી પૉઝ કર્યું અને પોતાનો મગ ઊંચો કરીને પૂછ્યું, “કોફી? મેં હમણાં જ બનાવી છે.”

સમીરના હાથમાંના મગમાંથી જ એક ઘૂંટડો પીને નેહા હવે સમીરના મુખ પરની હળવાશને  ઘૂંટડે ઘૂંટડે પીતી રહી.
તરત જ સમીરનું એના પર ધ્યાન ગયું અને એણે હસીને પૂછ્યું, “આમ મને જોઈને તું આજે આટલી ખુશ કેમ થાય છે, અને તે પણ આપણાં લગ્નના આટલાં વર્ષો પછી?” અને સમીરે એના માથે હળવી ટપલી મારી.

“તને ખબર છે કે તું કેટલા બધાં સમયથી જાણે કોઈ અસમંજસમાં હોય એમ ચિંતાતુર રહ્યો છે? મારે કહેવું નથી પણ ગયા વરસની માઈક સાથે બનેલી એ દુર્ઘટના પછી પહેલીવાર…!”

સમીરે સહેજ ઊંડો શ્વાસ લઈને કહ્યું, “તને એક વાત કહું? આજે એ જ માઈકે મને મેજીકલી મદદ કરી છે!”

નેહા એકદમ આશ્વર્ય પામી કારણ કે, ક્યારેય પણ માઈકની વાત નીકળે તો સમીર હંમેશા ટાળી દેતો. આજે એણે સામેથી માઈકની વાત કાઢી હતી. હવે નેહાને કઈ રીતે માઈકે સમીરને મદદ કરી એ જાણવાની તાલાવેલી થઈ.
નેહાએ સમીર સામે જોઈને કહ્યું , “હું કપડાં બદલીને આ આવી. પણ પછી વાત કરવાની છે, બહાનાં નહીં કાઢતો…!”
નેહા ઊભી થઈને એનાં રૂમમાં ગઈ.
આજે આટલા સમય પછી માઈકનું નામ સાંભળતાં જ એની આંખો સામે વરસેક પહેલાંની ઘટના તાદૃશ્ય થવા માંડી અને એ ગોઝારા દિવસની ફિલ્મ પસાર થઈ. માઈકના ફ્યુનરલમાં એ અને સમીર ગયાં હતાં.
એની નજર સામે એ દૃશ્ય હજુ ગઈ કાલે જ બન્યું હોય એટલું તાજું હતું. માઈકની પત્ની, એની દીકરી, જમાઈ અને અન્ય કુટુંબીજનો સાથે હતી.

માઈક વિષે એની પત્નીએ “હાર્ટફેલ્ટ” નાની સ્પીચ આપી.  “માઈક પોતે મિલિટરી સર્વિસમાં અઢાર વરસનો હતો ત્યારે જોડાયો હતો. અમે “હાઈસ્કૂલ સ્વીટહાર્ટ” હતાં. માઈકે મિલિટરીમાં જતા પહેલાં મને  વચન આપ્યું હતું કે પાંચ વરસ એની સર્વિસના પૂરા થશે પછી એ લગ્ન કરશે.  અને એણે એના વચનને પ્રામાણિક રહીને લગ્ન કર્યા. મિલિટરી સર્વિસને કારણે એને ફ્રી કૉલેજમાં ભણવા મળ્યું અને પોતે એંજિનિયરિંગનું ભણ્યો. બહુ નાની ઉંમરમાં જ, – અમે હાઈસ્કૂલમાં હતાં ત્યારથી જ – એને સ્મોકિંગ કરવાની લત લાગી હતી. હું ગુસ્સે થતી કે આ આદત છોડી દે. બે ચાર દિવસ છોડતો પણ ખરો પણ પછી એનો એ જ..!  હદબહારનું “સ્મોકિંગ ઈઝ ઈન્જુરિયસ ટુ હેલ્થ,” એવું હું કહેતી તો મને કહેતો, “વોટ, ડુ યુ મીન? અરે, હું તો મારા ગ્રાન્ડ ચિલ્ડર્નને આપણા પ્રેમની વાતો કહેવા લાંબુ જીવવાનો છું!”
અમારી દીકરીના લગ્નને હજી બે વરસ જ થયાં હતાં. માઈકને એની દીકરી માટે જીવવું હતું,  મારા માટે જીવવું હતું, તમારા જેવા એના વહાલા મિત્રો માટે એને જીવવું હતું.”

માઈકની પત્નીનો અવાજ  રૂદનઘેરો થયો. એણે આંખો લૂછી. ફ્યુનરલહોમમાં પીન ડ્રોપ સાઈલેન્સ હતું. એણે એનું વક્તવ્ય આગળ ચલાવ્યું.
“અમારી દીકરીનો જન્મદિન અમે કાયમ સાથે ઉજવતાં. આ વખતે માઈકને અમારી દીકરીના જન્મદિન દરમ્યાન જ કંપનીના કામે, ત્રણ દિવસ માટે શાંઘાઈ જવાનું હતું. માઈકને અફસોસ થતો હતો કે એ આ વખતે અમારી દીકરીના જન્મદિવસે સાથે નહીં હોય. આમ તો એનાં કામમાં હું કયારેય વચ્ચે બોલતી નહોતી. પણ તે દિવસે મેં એને કહ્યું હતું કે તું ન જા અને તારા ટીમમાંથી કોઈને તારું કામ સોંપી દે, પણ માઈક જેનું નામ..! ‘ફરજ પહેલાં’નો પાઠ એનો જીવનમંત્ર હતો. આ પ્રોજેક્ટ કંપનીના ગ્રોથ માટે ખૂબ અગત્યનો છે. ધે આર કાઉન્ટિંગ ઓન મી ટુ લીડ ધ પ્રોજેક્ટ.” અને પછી હસીને કહે, “હું સવારે મારી દીકરીને વહેલામાં વહેલો ફોન કરીશ. પણ સપનામાંયે ધાર્યું નહોતું એવું બની ગયું…! શાંઘાઈમાં રાતે ઊંઘમાં જ એનાં શ્વાસો એને દગો આપી ગયા.  ૧૨ મી માર્ચે માઈક એને શાંઘાઈથી જ “હેપી બર્થડે” નો ફોન કરવાનો હતો. ન એ દીકરીને ફોન કોલ કરી શક્યો અને ન તો એ પાછો આવી શક્યો.”
હવે માઈકની દીકરી એની મા પાસે આવીને રડી રહી હતી. માઈકની પત્નીએ રુદનભર્યા અવાજે આગળ કહ્યું; “માઈક ઓછાબોલો હતો, પણ બધાંને કાયમ પોતાથી થાય એટલી મદદ કરતો હતો. વી વિલ મિસ હિમ.”

નેહાને હજુયે બરબર યાદ હતું કે ફ્યુનરલની સર્વિસ પૂરી થઈ અને તેઓ માઈકની પત્નીને મળીને નીકળ્યાં પછી પણ એની સ્પીચના પડઘા કારમાં બેઠાં પછી પણ કાનમાં પડતા હતા. સમીરના મોઢા પર ઉદાસી  હતી. નેહાએ સમીરના ખભાને સહેલાવ્યો અને એની સામે જોયું. સમીરની આંખમાં ન વહી શકેલાં આંસુ મોતીની જેમ તગતગતાં હતાં.

“નેહા, હું અને માઈક વરસોથી કલીગ્સ અને કામમાં એકબીજાના પૂરક. શરૂઆતમાં તો તેની સાથે કામ કરવાનું ખૂબ કપરું લાગતું હતું, કારણ કે માઈક મૂળે મિલિટરી સ્વભાવનો, ઓછાબોલો પણ આખાબોલો. કામની બાબતમાં મારો સીનિયર, અને ઘણો કડક, પણ હું એની પાસેથી કામની શિસ્ત શીખ્યો. એની ઝીણવટભરી ચોકસાઈથી સમયસર અને પરફેક્ટ કામ થાય છે એ સમજાયું. આ કારણે ધીરેધીરે મને પણ એની સાથે ફાવી ગયું હતું પણ એનું સતત સિગરેટ ફૂંકવાની આદત મને “રિપલસીવ” લાગતી હતી. છતાં પણ કામ પર માઈકનું સિગરેટ ફૂંકવાનું તો ચાલુ જ રહેતું.”
સમીરે કાર પાર્કિંગ લોટમાંથી બહાર કાઢી. નેહાને ખબર હતી કે માઈકનું આમ ઓચિંતું ચાલ્યા જવું સમીરને હજુ માન્યામાં નહોતું આવતું.
એણે સમીરને કહ્યું, “તું અપસેટ છે, તો કાર ઊભી રાખ. હું ચલાવું છું.”

સમીરે કહ્યું, “ઈટ ઈઝ ઓકે.” અને પાછો એ માઈકની વાતો પર ચઢી ગયો, “મેં એને અનેકવાર કહ્યું હતું કે આટલી બધી સિગરેટ પીવી સારી નહીં તો એ મને હસી કાઢતો. આઈ વીશ, કે હું એને ખૂબ જ સખ્તાઈથી કહી શક્યો હોત કે સિગરેટ બંધ ન થાય તો ઓછી તો કર…! મને નથી ખબર કે વધુ સિગરેટ પીવાથી ઓચિંતો એ ગયો કે શું, પણ, કાશ, મેં એને સિગરેટની એની આદત વિષે ટોક્યો હોત…!”
કપડાં બદલતાં નેહાને એ પણ યાદ આવ્યું કે ત્યારે સમીરના અવાજમાં સહેજ કંપ આવ્યો હતો.

સમીરે ત્યારે આગળ વાત કરતાં કહ્યું હતું કે “મને હજી યાદ છે એ ૧૨ મી માર્ચનો એ દિવસ.. શાંઘાઈ, ચાઈનાની એક હોટલમાં આગલી સાંજે ભોજન પછી, છૂટા પડતી વખતે માઈકે કહ્યું હતું.” હું આજે વહેલો જ સૂવા જાઉં છું. સેમ, કાલે સવારે મારે વહેલા ઊઠવું છે. Tomorrow is my daughter’s Birthday. આવતીકાલે મારી દીકરીનો જન્મ દિવસ છે. મારે સૌથી પહેલાં એને શુભેચ્છા આપવી છે. પછી જ મારો દિવસ શરૂ કરવો છે. I want to wish her first.” પણ, માઈક ફોન કરવા ઊઠી શક્યો જ નહીં!”
*****
નેહા આ બધું જ યાદ કરતી કરતી બહાર લિવિંગરૂમમાં આવતી હતી ત્યારે એને થયું કે માઈક નથી તો એણે કઈ રીતે સમીરને મદદ કરી હશે?  હવે એનાથી રહેવાતું નહોતું.
નેહા આવી અને સોફા પર બેઠી. મુવી પૂરૂં થઈ ગયું હતું. એ બોલી, “ચાલ જોઈએ, કહે મને કે કઈ રીતે માઈકે તને મદદ કરી?”
”નેહા, ગયા અઠવાડિયે કંપનીના સિનીયર ડિરેક્ટરે, હું અને માઈક જે પ્રોજેક્ટ પર કામ કરતા હતા એ પ્રોજેક્ટ અંગે ખૂબ મહત્ત્વનો સવાલ પૂછ્યો હતો. પહેલાં તો હું થોડી ક્ષણ ગૂંચવાયો. પરંતુ બીજી જ ક્ષણે મેં ભાવો છુપાવીને શીઘ્ર જવાબ આપી દીધો. જવાબ આપતા તો આપી દીધો. પરંતુ પછી સંશય થયો કે, એ જવાબ સાચો હશે કે ખોટો? આ પ્રોજેક્ટ માઈકના ગયા પછી “ઠંડા બસ્તા”માં હતો અને એ હવે એકદમ ઉજાગર થયો હતો. મારા જવાબ ઉપર અમારી કંપનીના નફા-નુક્સાનનો મોટો આધાર હતો. આજે જો માઈક હોત તો આ મૂંઝવણ ન હોત. કારણ કે, એ પ્રોજેક્ટનો મૂળ ‘આર્કિટેક’ – ઘડનાર – તો માઈક હતો.  માઈકની પોઝિશન પર હજુ કોઈને હાયર કરવાનું બન્યું નહોતું એટલે નેક્સ્ટ મારો વારો આવ્યો હતો..!

મેં મારા ડિરેક્ટરની પરમિશન લીધી કે પ્રોજેક્ટને ઘણો સમય થઈ ગયો છે અને મારી પાસે બધાં જ કાગળો નથી તો માઈકની ઑફિસમાં જઈને એ અંગેની બધી ફાઇલો મારે અહીં લાવવી પડશે.  માઈકની ઑફિસની બહાર બેઠેલી એની ઍડમિન આસિસ્ટન્ટ પાસે મેં ફાઇલ કેબિનેટની ચાવી લઈને ફાઈલો તપાસવા માંડી. કંઈ હાથ ન લાગતા હું માથે હાથ દઈને બેસી પડ્યો..”

કહી દેવાની ઉતાવળમાં સમીર એટલું ઝડપથી, એકીશ્વાસે બોલ્યે જતો હતો કે તેને અટકાવવાનું  નેહાને ઠીક ન લાગ્યું.

“ત્યાં તો નેહા, એક ચમત્કાર જેવું કંઈક થયું..”
સમીર અવિરત બોલ્યે જતો હતો. “નેહા, માઈકની ઑફિસમાં અચાનક એક વ્યક્તિ આવી અને મને કહે, “સમીર, તમારા માટે એક કવર માઈકના ટેબલ પર હતું, તે મેં સાચવીને મૂક્યું છે.” અને એ વ્યક્તિ એક મોટું કવર આપી ગઈ. ઝડપભેર મેં એ કવર ખોલ્યું ને હું સ્તબ્ધ થઈ ગયો ! ઓહ માય ગૉડ ! આ તો એ જ ફાઇલ કે જેમાં પ્રોજેક્ટનો આખો પ્લાન હતો. મેં આપેલો જવાબ પણ એમાંથી સાચો જ નીકળ્યો !!. એટલે મનને  ખૂબ રાહત થઈ ગઈ.

પણ આ બધી ધમાલમાં આ કવર આવીને આપી જનાર વ્યક્તિ આવી ક્યાંથી? એ કોણ હતી? હું કાગળો જોવામાં રહ્યો હતો એમાં ન તો એને પ્રોપ્રલી થેંક્યુ કહી શક્યો કે ન એનું નામ પૂછી શક્યો હતો..! હું બહાર નીકળ્યો અને માઈકની ઍડમિન આસિસ્ટન્ટને પૂછ્યું, “આ હમણાં જે આવીને આ કવર આપી ગયો એ કોણ હતું? હું કંઈ પૂછું એ પહેલાં જ એ જતો રહ્યો.” તો ઍડમિને કહ્યું, “અહીં તો કોઈ આવ્યું નથી.”
સમીર કહે, “હું પછી આશ્ચર્ય અને ચમત્કારની મિશ્ર લાગણીઓ વચ્ચે અવાક થઈને ઝડપભેર ઘેર આવ્યો. નેહા, એ કોણ હતું? કયો તાર હજી જોડાયેલો છે માઈકની સાથે? શું સંબંધ કે લેણાદેણી બાકી છે મારી, આ પરદેશી માણસ સાથે?”

હવે નેહા એકદમ ચોંકી ગઈ. તે બોલીઃ  “ઓહોહો…. Just unbelievable!  મારે પણ આવી જ  વાત કરવી છે. અહીં શું બન્યું ખબર છે? આજે સવારે તું ઑફિસે ગયો પછી થોડીક જ વારમાં માઈકની પત્નીનો ફોન હતો. તેણે સમાચાર આપ્યા કે, તેની દીકરીને ત્યાં આજે જ વહેલી સવારે દીકરાનો જન્મ થયો છે!”
સમીરઃ આજે?  સાચે? આજે જ?
નેહાઃ હા, આજે જ, આજે સવારે જ.
બંને એકબીજા તરફ વિસ્મય ભરી નજરે જોતાં સ્તબ્ધ થઈ ગયાં. કારણ કે, સમીરના કાનમાં માઈકના છેલ્લા દિવસના અને નેહાના કાનમાં સમીરે ફ્યુનરલના દિવસે કહેલાં શબ્દો પડઘાયા “ સેમ, કાલે સવારે મારે થોડું વધારે વહેલા ઊઠવું છે. Tomorrow is my daughter’s Birthday.. આવતીકાલે મારી દીકરીનો જન્મ દિવસ છે. મારે સૌથી પહેલાં એને શુભેચ્છા આપવી છે. પછી જ મારો દિવસ શરૂ કરવો છે. I want to wish her first.”

ને, અનાયાસે બંનેની નજર કેલેન્ડરનાં પાનાં ઉપર પડી. આજે પણ ૧૨ મી માર્ચ !
એક જ તારીખે, ત્રણ જુદા જુદા સ્થાને ખેંચાયેલા માઈકના તાર!! મૃત્યુનો, મૈત્રીનો અને અધૂરી ઝંખનાનો.. !
સંબંધોનાં આ તે કેવાં સમીકરણો?!!

–દેવિકા ધ્રુવ
Houston
Email: ddhruva1948@yahoo.com
281 415 5169

[“ગમતાંનો ગુલાલઃ વાતમેળો” – (ડાયસ્પોરા ગુજરાતી સર્જકોની ચૂંટેલી વાર્તાઓનો સંગ્રહ) – ૨૦૨૬માં ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી પ્રસિદ્ધ કરાયેલા પુસ્તકમાંથી સાભાર.]

 

 

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.