ત્રણ ગઝલ ~ કૌશલ શેઠ ‘સ્તબ્ધ’ (રાજકોટ) ~ (૧) નક્કી નથી (૨) કિનારો (૩) અમે

૧. નક્કી નથી

એટલું નક્કી અહીં, કે કોણ ક્યારે શું કરે નક્કી નથી,
કોઈ ડૂબે છીછરામાં, કોઈ ઊંડામાં તરે નક્કી નથી.

જિંદગી તકલીફ દેતી હોય છે સૌને અહીં થોડી-વધુ,
આંખથી ઉલ્કા ઝરે છે કે અહીં આંસુ સરે નક્કી નથી.

આમ તો થઈને રહે છે હોય જે તકદીરમાં ઈન્સાનની,
પાંદડું આઘું ખસે, ક્યારે સમય કોનો ફરે નક્કી નથી.

ફળ લટકતાં હોય છે, એ વૃક્ષની સૌ ડાળમાં કાયમ અહીં,
કોણ પાકે છે અહીં, ને કેમ ક્યારે કયું ખરે નક્કી નથી.

માનવી ભગવાનનાં નામે પ્રપંચો એટલાં કરતો રહે,
પણ ડરાવે છે અહીં પર એ બધાને, કે ડરે, નક્કી નથી.

૨. કિનારો

કદી છું સમંદર કદી છું કિનારો,
કદી બેસહારા કદી છું સહારો.

વિસામો નથી મેં લીધો જિંદગીમાં,
હું દોડી રહ્યો છું હજી એકધારો.

અહીં આ જગતમાં મને કોણ નડશે,
મને બસ નડે છે આ મારા વિચારો.

અહીં નાસમજ સૌ છે ઈશ્વરચરણમાં,
સમજદાર સમજી જશે બસ ઈશારો.

હજારો વિરોધોની સામે હજી પણ,
અડીખમ ઊભો “સ્તબ્ધ” એકેહજારો.

૩. અમે

જીતવાનો દાવ પણ હાર્યા અમે,
પણ કદી આંસુ નથી સાર્યા અમે,

તે છતાં કાંઠે અમે ડૂબી ગયા,
કેટલાંયે લોકને તાર્યા અમે.

જિંદગીને જીવવાનાં ખેલમાં,
મન ઘણી વેળાં હશે માર્યા અમે,

એમ તો થોડી ગતાગમ પણ હતી,
એમ કંઈ ઘેટાં નથી ચાર્યા અમે,

“સ્તબ્ધ” એ કરતાં ગયા અમને બધાં,
જેમને સજ્જન હતાં ધાર્યા અમે

~ કૌશલ શેઠ ‘સ્તબ્ધ’

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.