સજની (લઘુકથા) ~ માના વ્યાસ
સજની સામે ઊભી હતી.એક હાથમાં કાંજીવરમની સાડીનો છેડો અને બીજા હાથમાં નાનું પર્સ. હજી સાડત્રીસ વર્ષે પણ એવી જ હતી. ધબકારો ચૂકી જવાય એવી.
ક્યારની સમય સાથે વાત કરે છે. સ્હેજ ડોક નમાવીને હસે એટલે એક ઘાટી લટ કાન પરથી વારંવાર ગાલ પર ધસી આવે છે. એને નાજુકાઇથી ફરી કાન પર ગોઠવી દે છે.
હું પણ રીયુનિયનમાં આવ્યો છું, હું પણ લગભગ વીસ વર્ષ પછી એને મળું છું, પણ મારી સાથે એણે ખાસ વાતો ન કરી અને સમય સાથે છેલ્લી સત્યાવીસ મિનિટથી વાત કરી રહી છે. મારો મિત્ર સમય મને આવીને ભેટી ગયો બસ. એના સરસ મોંઘા પર્ફ્યુમની સુગંધ તરબતર કરી ગઇ.
સ્ટીલ ફેક્ટરીની સ્ટાફ કોલોનીનો એક તો હું સજનીનો જૂનો પડોશી, ઉપરથી પાંચમા ધોરણથી એક જ ક્લાસમાં અને સજનીની મમ્મી ને મારી મમ્મી બહેનપણી હતી. એ બધાંને કહેતી હું એના ભાઈ જેવો છું. જો કે મને એના પર ક્યારેય બહેન જેવો ભાવ નથી થયો.
આજે શાળાનાં એલ્યુમની રીયુનિયનમાં જીવનસાથી સાથે આવવાનું નિમંત્રણ હતું. સમય ડિવોર્સી છે અને સજની વિધવા. હું? હું પત્નીને નથી લાવ્યો.
એક્ચુલી સમયનો મિત્ર તો હું હતો. એ તો છેક અગિયારમાં ધોરણમાં આવેલો. મારી જ બર્થડે પાર્ટીમાં સમય અને સજનીને આજની જેમ વાત કરતાં જોયેલાં.
સમય તો ત્યારે ચીફ એન્જિનિયરનો છોકરો. અમારાં ડુપ્લેક્સ નાના ઘર ને એનો તો કોલોનીનાં છેવાડે મોટો બંગલો. દર રવિવારે એના મમ્મી-પપ્પા, દાદા-દાદી બહાર વિશાળ લૉનમાં ચાપાણી કરતાં હોય. હું જાઉં તો મને પણ ચીઝ ટોસ ખાવા મળે.
મારાથી જોડાક્ષર બરાબર નથી બોલાતા. થોથવાઇ જાઉં છું. ક્લાસમાં એથી હાંસીપાત્ર ઠરતો. સજનીની મમ્મી ઘણીવાર મારી મમ્મીને સ્પીચ થેરપિસ્ટ પાસે લઈ જવા સમજાવતી, પણ મમ્મી કહેતી એ તો ધીમે ધીમે આવડી જસે.
સજની અને મારું ઘર જોડાજોડ હતું. મેં અગાસી પર જઈ શોધી કાઢેલું કે જે સીડી સજનીનાં ઘર તરફ જતી હતી ત્યાં નાનું જાળિયું હતું. ત્યાંથી અરીસો દેખાતો હતો. અરીસાની સામે સજનીનો પલંગ હતો. એનું પ્રતિબિંબ અરીસામાં અલપઝલપ દેખાતું. દિવસે તો પ્રકાશ ખૂબ હોય એટલે આંખ અંજાઈ જાય, પરંતુ રાત્રે ઝાંખા નાઇટ લેમ્પમાં એ પડખું ફરી સૂતી હોય એ કળાય.
પંખાની હવા એના રેશમી વાળને સહેલાવતી હોય. એની મોટી આંખોની પલક બંધ હોય ત્યારે અસલ ફૂલની પાંખડી જેવો આકાર છે એવી કલ્પના કરતો. ઘણીવાર અડધી રાત્રે મન થઈ આવતું એને જોવાનું. એકાદ વાર શાયરી પણ લખવાની કોશિશ કરી હતી પણ… મનોભાવ બરાબર કાગળ પર ઉતારી ન શકાયા.
અગિયારમાં ધોરણની એ મારી બર્થડે પાર્ટી પછી સમય અને સજની ફ્રેન્ડ થઈ ગયેલાં અને હું સાઈડમાં થઈ ગયેલો. એ લોકો ક્લાસિસ, ટ્યુશન, ઇંગ્લિશ પિક્ચર, ગણિત, વિજ્ઞાનની વાતો કર્યા કરતાં. ખાસ મને એ ખોટું લાગ્યું હતું કે મને જણાવ્યા વગર સમય સજનીને ઘરે લઈ ગયો. સજનીનો તો હું વાંક નહીં કાઢું પણ સમય, મારો દોસ્ત!
મેં લાગ જોઈને સજનીની મમ્મીને કહી દીધું, ‘આંટી, સજની લેટ આવશે. એ સમયને ઘરે ગઇ છે. પછી જ્યારે સજની આવી ત્યારે હું દીવાલને કાન દઈને ઊભો રહ્યો હતો.
મને એમ કે હવે બંને સમજી જશે, પણ એક દિવસ મેં એમને સમયની ગાડીમાં સાથે જતાં જોયાં. બંને અડોઅડ બેઠેલાં અને સજનીનું માથું સમયનાં ખભા પર હતું.
બીજે દિવસે રવિવાર હતો એટલે હું સમયને ઘરે ગયો. એની મમ્મીએ મને સરસ ચીસ ટોસ ખવડાવ્યો પછી મેં સમય અને સજની વિશે ભોળપણથી જણાવી દીધું. પછી કંઈ તો ફેરફાર થયો હતો. બંનેએ મારી સાથે બોલવાનું બંધ કરી દીધું હતું.
બારમાં પછી સમયનાં પપ્પાની બદલી થઈ ગઈ. હું ખુશ થાઉં એ પહેલાં સજનીનાં પપ્પાને પ્રમોશન મળ્યું એટલે બીજે ફ્લેટમાં રહેવા જતા રહ્યા. જતાં પહેલાં અમે એમને ઘરે નાસ્તો કરવા બોલાવેલા. સજની બેપરવાઇથી બાય કહી જતી રહી.
મારે કેટલી વાતો કરવી હતી, નાનપણમાં ઘર-ઘર રમતાં, સાઇકલ ચલાવતાં, કાચી કેરી પાડતાં. મારે પેલી શાયરી પણ આપવી હતી, પણ ન આપી શક્યો. મેં નવું એડ્રેસ પૂછ્યું, પણ એ ટાળી ગઈ.
હું હજુ જૂની કોલોનીમાં જ રહું છું. પપ્પા ગયા પછી મારું ભણવાનું પૂરું નહોતું થયું તો પણ મેનેજમેન્ટ કમિટીએ ઉદારતા દાખવી એમની જગ્યાએ લઈ લીધો હતો.
હવે પ્રોગ્રામ ચાલુ થયો હતો. હોલમાં અંધારું કરી દેવાયું હતું. સ્કૂલનાં સફળ વિદ્યાર્થીઓ વિશે માહિતી અપાતી હતી. વારાફરતી સમય અને સજનીનાં નામ આવ્યા હતા.
મારી ચકોર નજરે સમય અને સજનીને ભીડમાં છેલ્લે હાથમાં હાથ પકડી વાતો કરતાં પકડી પાડ્યાં. જાણે આટલાં વર્ષોનું સાટું ન વાળી દેવું હોય!
આ લોકોનો તો ફોટો પાડી વાયરલ કરી દેવો જોઈએ. ભલે એમનાં ઘરનાં જોતાં. બરાબર એજ લાગનાં છે. ફોન.. અરે અરે! મારો ફોન ક્યાં ગયો. ખિસ્સામાં હતો.. ઓહ!
~ માના વ્યાસ
[email protected]