ઢૂંકડે આવ્યા શહેનાઈના સૂર (હાસ્યકથા) ~ લીના કાપડિયા 

“સાંભળો છો?” સારિકાએ પતિ પૂર્ણેશને પૂછ્યું.

“છૂટકો છે?” પૂર્ણેશે મજાક કરી.

સારિકાના શ્વાસની ગતિ પૂર્ણેશની મજાકથી વધી ગઈ.

“તમને શું ઉપાધિ છે? તમે આ ગેલેરીમાં તમને ગમતા ફૂલોના સરસ છોડ વાવ્યા છે અને સવાર પડે એટલે ગેલેરીમાં બેસીને પેપર વાંચતા, વૉટ્સએપના સંદેશાઓ વાંચતા ત્રણેક કલાક પસાર કરો છો એટલે તમને આવી મજાક સૂઝે  છે.” સારિકાએ કહ્યું.

“અરે પણ તું વાત શેના વિશે કરવા આવી હતી એ કહે ને. પછી મારો ઉધડો લેજે.” પૂર્ણેશને પૂર્ણાહુતિ કરવાની ઉતાવળ હતી.

“કાલે કિટીમાં મોનાએ કહ્યું કે બે વર્ષની પૌત્રીને ઉછેરવાનું કંઈ સહેલું નથી. એની મમ્મી તો સવારે નવ વાગ્યે જાય તે રાત્રે નવ વાગ્યે આવે. બાઈ તો રાખી દીધી છે, પણ બચ્ચાને તો દાદી જ જોઈએ. ક્યારેક તો એવો કંટાળો આવે છે ને”

“મોનાની વાત તું મને કેમ કહે છે?” પૂર્ણેશ મૂંઝાયો.

સારિકાએ સ્પષ્ટતા કરી,“ તમને સાચું કહું તો મને સાસુ બનવાની કોઈ ઉતાવળ નથી.”

“તો વાંધો નહીં,” પૂર્ણેશે પેપરમાં મોઢું ઘાલતા કહ્યું.

“હવે શું વાંધો નહીં. કાલે અવિનાશનો 26મો જન્મદિવસ છે. એ સી.એ. થઈ ગયો છે. કમાય છે  એટલે હવે સાસુ નહીં બનવાનુ કોઈ બહાનું મારી પાસે રહ્યું નથી. મારા નાની ઉંમરે લગ્ન કરી દીધા અને નાની ઉંમરે અવિનાશ આવી ગયો. હજી કાંઈ મારી સાસુ બનવાની ઉંમર નથી,” સારિકાએ કહ્યું.

“એ વાતે સાચી,” પૂર્ણેશે સહમત થવાનો સલામત રસ્તો અપનાવ્યો.

“મારું સ્વપ્ન છે. લેખિકા બનવાનું. એકાંકીઓ અને એકોક્તિઓ લખવાનું. કવિતા અને ગઝલ લખવાનું. લેખિકાઓના કેટલા બધા ગ્રૂપ છે એમાં જોડાવાનું.” સારિકાએ કહ્યું.

“હમ..” પૂર્ણેશે હામી પુરાવી.

પૂર્ણેશ પાસેથી સાસુપણું લંબાવવાનો કોઈ ઉપાય ન મળતા સારિકા રસોઈ કરવા ગઈ અને વિચારવા લાગી. કાલે કિટીમાં રેખાએ કહ્યું હતું,

“નોકરી કરતી વહુ લાવજો ભાઈ. આ ઘરે મારી વહુ બેઠી છે તો આખો દિવસ માથા પર હોય એવું લાગે છે. મને તો હતું કે છોકરાઓ મોટા થઈ ગયા. હવે હું લેટણ-લીલા કરીશ. હવે મને કોણ કહેવાવાળું છે? ત્યાં તો આ બહેન આવી ગયા છે. જેવું હું કરું એવું એ કરે છે. હું ચોખ્ખાઈ રાખું, નવું નવું બનાવું તો બહેનબા સારી રીતે ઘર ચલાવે. હું જો શોર્ટ કટ કરું તો એ પણ શીખી જાય છે એટલે મારે તો આખો દિવસ બાકાયદા હોંશિયાર, સાવધાન સ્થતિમાં રહેવું પડે છે.”

કાલની કિટીમાં કેવી વહુ લાવવાની એના વિશે જ વાતો થઈ હતી. સારિકાએ પોતાને સમજાવ્યું કે અવિનાશના લગ્નને હજી વાર હતી. ભેંસ ભાગોળે, છાશ છાગોળે અને એનું મન કેમ ધમાધમ કરી રહ્યું હતું.

બીજે દિવસે  અવિનાશનો જન્મદિવસ હતો. સવારનો નાસ્તો કરતા માતાની ફરજ બજાવવાના ભાર હેઠળ સારિકાએ અવિનાશને કહ્યું, “અવિનાશ, હવે તારે લગ્ન કરવા જોઈએ.”

“ક્યારે?” અવિનાશે આંખો ઉલાળીને પૂછ્યું.

અવિનાશની ઊછળતા ઘોડા જેવી હણહણાટી સાંભળીને સારિકાના પેટમાં તેલ રેડાયું. એણે કહ્યું, “છોકરી શોધતાય તે બે વરસ તો લાગશે ને.”

અવિનાશે કહ્યું, “છોકરી તો ક્યારની ઉતાવળ કરે છે.”

“હેં, તે શોધી લીધી છે?” સારિકાના શ્વાસની ગતિ વધી ગઈ.

“નમ્રતા મારી જ ઓફિસમાં કામ કરે છે અને એ પણ સી.એ. છે.” અવિનાશે જવાબ આપ્યો.

 શહેનાઈના સૂર તો સાવ બારણે આવીને વાગી રહ્યા હતાં. એમાંથી બચવાનો કોઈ ઉપાય દેખાયો નહીં એટલે સારિકા મુખ્ય વાત પર આવી,

“જો અવિનાશ, આપણે પહેલેથી જુદા રહેવાનું. સાથે રહીએ એટલે નાના મોટા ઝગડા થાય. મન દુઃખ થાય પછી છૂટા પડીએ એના કરતાં પહેલેથી છૂટા હોઈએ તો પ્રેમ રહે. તું આજુબાજુ જ ઘર શોધી લે.”

અવિનાશ તો આભો બનીને મા તરફ જોઈ રહ્યો. એને મમ્મી બહુ સમજુ લાગી. નમ્રતા આ વાત સાંભળીને ખુશ થઈ જશે એવા વિચારથી અવિનાશ હરખાયો.

આજકાલ કોને સાસુ સસરાની પળોજણમાં પડવું હોય અને વળી નમ્રતાએ તો છૂટા રહેવાની સામેથી  માગણી કરીને કડવા પણ નહીં બનવું પડે, એટલે અવિનાશને મમ્મી પર વહાલ ઊભરાયું. ઑફિસ જવા ઊભા થતાં એણે કહ્યું “એ બધું પછી વિચારીશું મમ્મી. હમણાં મને મોડું થાય છે.”

સારિકાએ પૂછ્યું, “નમ્રતાને ઘરે ક્યારે લઈ આવે છે?”

“એને પૂછી જોઈશ,” અવિનાશે કહ્યું. એને થયું કે આ ખુશખબર આપવા એ ઊડીને ઑફિસ પહોંચી જાય.

ઓફિસમાં અવિનાશ મોકો મળતા નમ્રતા પાસે ગયો અને એને ઘરમાં થયેલી વાત કરી.

“ક્યારે ઘરે સૌને મળવા આવવું છે?” અવિનાશે પૂછ્યું.

“તુ કહે ત્યારે મળવા તો આવીશ પણ અવિનાશ મને તો મમ્મી પપ્પાની સાથે જ રહેવું છે.” નમ્રતાએ કહ્યું.

નમ્રતાની વાત સાંભળીને અવિનાશને લાગ્યું કે એ આસમાનમાં વિહરી રહ્યો હતો. મમ્મીએ જુદા રહેવાની મંજૂરી આપી હતી. ભાવિ પત્ની સાથે રહેવાની વાત કરી રહી હતી.

અવિનાશે કહ્યું, “તમે બંને કેટલા સમજુ છો. હું કેટલો નસીબદાર છું.”

નમ્રતા હસી.

નમ્રતાને ખબર હતી કે ઘર ચલાવવાનું કાંઈ ખાવાના ખેલ નથી. વળી એની આખા દિવસની નોકરી.એકબેવાર મમ્મી નાનીના ઘરે ગઈ હતી ત્યારે ઘર ચલાવતા એનો દમ નીકળી ગયો હતો. મમ્મીના રાજમાં હાથમાં નાસ્તો અને જમવાનુ મળે. સાથે રહે અને સાસુ ઘર ચલાવે તો સારું પડે. એ બાબતમાં એ સ્પષ્ટ હતી.

કેબિનમાં જઈને અવિનાશે સારિકાને ફોન કર્યો કે એ સાંજે નમ્રતાને લઈને આવશે.

“મમ્મી, નમ્રતાએ તો ચોખ્ખું કહી દીધું કે એણે જુદા થવું જ નથી.” અવિનાશે ભોળાભાવે ખુશખબર આપ્યા.

સારિકાએ ફોન મૂક્યો. એના શ્વાસની ગતિ વધી ગઈ. એણે પૂર્ણેશ સામે જોયું. ગેલેરીમાંથી પૂર્ણેશે લિવિંગ રૂમમાં આગમન કર્યુ હતું અને ટી.વી. પર મૅચ ચાલુ કરી હતી.

સારિકાને પણ આવી નવરાશ જોઈતી હતી. આકાશમાં વાદળો સરકતા હોય અને પંખીઓ ઊડતા હોય અને એ પોતે  અંધેરી ભવન્સમાં કવિ સંમેલનમાં ગઝલ સંભળાવતી હોય અને પ્રેક્ષકો ઊભા થઈને તાળીઓ પાડતા હોય. પણ એવી કોઈ નવરી પળ મળે એવા એંધાણ હમણાં તો દેખાતા ન હતાં.

સારિકાએ બહેન મીતાને ફોન કર્યો.

“ઘરમાં તો નોકરી કરતી વહુ આવવાની છે અને એ પણ સી.એ. એટલે ધમધમતી કારકિર્દી હશે. મને હતું કે એ લોકો જુદા રહેવા જાય તો હું અને પૂર્ણેશ બે જ રહીએ. હું ખીચડી, શાક બનાવું તો પણ ચાલે. અવિનાશને તો ખાવાના બહુ ચટકા. રોજરોજ કાંઈ નવું બનાવવું પડે એમાં હવે આવશે આ બીજી માગણી કરનાર. મમ્મી મને આ ન ભાવે અને પેલું ન ભાવે,” સારિકાએ પોતાનો ડર વ્યક્ત કર્યો.

“તુ 24 કલાકની બાઈ રાખી દેજે ને,” મીતાએ કહ્યું.

“24 કલાકની બાઈ તો મેં રાખી હતી યાદ નથી?  એ લોકો અચાનક કામ છોડી જાય અને આપણી કામ કરવાની આદત પણ ચાલી ગઈ હોય ત્યાં ફરી આખા ઘરનું કામ આપણા માથા પર આવી જાય. ના, ના. ચોવીસ કલાકની બાઈ તો જોઈએ જ નહીં.” સારિકાએ કહ્યું.

“તો દસ કલાકની રાખી દેજે,” મીતાને બહેનની મદદ કરવાનું બહુ મન હતું.

“શું કહું તને, બહેના! મને બહાર જવું છે અને પૂર્ણેશને ઘરે બેસવું છે. હવે આખા દિવસની બાઈઓ એકલો પુરુષ ઘરે હોય તો થોડીને રહેવાની છે?”

મીતાની ધીરજ ખૂટી ગઈ, “તો તારે શું કરવું છે એ કહે ને”

“એ તો હું સાંજે સ્પષ્ટ કરી નાખીશ,” સારિકાએ કહ્યું.

આખરે સાંજ પડી. વાળ ઓળતા સારિકાની નજર બારીમાંથી નીચે પડી. અવિનાશ એક છોકરી સાથે કારમાંથી બહાર નીકળ્યો. કેવી નાની, નાજુક છોકરી હતી. છોકરીએ પોતાનો ડ્રેસ સરખો કર્યો. વાળ સરખા કર્યા અને અવિનાશને ઇશારાથી પૂછ્યું કે એ બરાબર લાગતી હતી? અવિનાશે હસીને હા પાડી.

સારિકાને યાદ આવ્યું કે એ પોતે આ ઘરમાં આવી ત્યારે બધાને ખુશ કરી શકશે કે નહીં એવી મૂંઝવણ અનુભવાતી હતી. પરણીને આવી ત્યારે સાસુએ તરત મરજાદ લઇ લીધી હતી. ઘરનું કોઈ કામ એ ન કરતાં. પોતે બહુ  ભાર વેંઢાર્યો હતો. ઘરના કામની આદત પડતા વાર લાગે એ શું એ પોતે ન’તી સમજતી? પોતાની આવનારી વહુને એ સાવ એમ રેઢી મૂકી દઈ શકે એમ ન હતું.

અવિનાશ અને નમ્રતા ઘરે આવ્યા.

સારિકાએ નમ્રતાને ગળે વળગાડી. એના મનમાં માતૃત્વ ઊભરાયું.

~ લીના કાપડિયા 
+91 98331 91560

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.