ઘર ભલે નોખાં કર્યાં, ભાણા અમારા એક છે ~ કટાર: અર્ઝ કિયા હૈ (ગુજરાતી મિડ-ડે) ~ હિતેન આનંદપરા

સંયુક્ત કુટુંબ પરંપરા અને વિભક્ત કુટુંબ વાસ્તવિકતા વિશે અવારનવાર ચર્ચા થતી રહે છે. બંને પ્રથાના પોતાના ફાયદા અને ગેરફાયદા છે. આજથી ચાર-પાંચ દાયકા પહેલા ગમે એટલો મોટો પરિવાર હોય એકસાથે જ રહેતો. નાની બસ્સો સ્કવેર ફીટની ઓરડીમાં બાર-ચૌદ જણ સાથે રહેતા હોય એ સામાન્ય ગણાતું.

Who has lived, stayed or visited iconic Mumbai Chawls?

આજે ત્રણ જણના પરિવારને પાંચસો ચાલીસ સ્કવેર ફીટનો ફ્લેટ પણ નાનો લાગે છે. સમય સાથે જિંદગી જીવવાના માપદંડો બદલાતા રહે છે. કિશોર જીકાદરા સમયની વિષમતા આલેખે છે…

ક્યાં અને ક્યારે સરી ગઈ હાથમાંથી?
કેમ શોધું આજને ગઈકાલમાંથી?
આંખ સામે એક પંખી ભસ્મ થાતું
એક પંખી થાય બેઠું રાખમાંથી

જિંદગીમાં નાના-મોટા તોફાનો આવતા રહે છે. કોઈ માત્ર ડાળખીને નુકસાન કરી નીકળી જાય તો કોઈક આખા વૃક્ષને ધરમૂળથી ઉખાડી નાખે. આ વર્ષે ચોમાસામાં સેંકડો વૃક્ષો ધરાશાયી થયા. મનસ્વી ક્રોંકિટીકરણ અને આડેધડ પેવર બ્લોક્સને કારણે વૃક્ષના મૂળિયા કાચા પડે છે.

Mumbai: Choked by concrete, the city's trees are crashing down on its residents

અબજો રૂપિયાના ક્રોન્ટ્રાક્ટ આપતી નગરપાલિકા માટે સડકના નિર્માણ કે દુરસ્તી માટે વૃક્ષની સલામતી નામનો કોઈ વિષય જ અસ્તિત્વમાં હોતો નથી. અણઘડ અને અભણ માનસિકતાની આ સચોટ નિશાની છે. આડેધડ કામ પતાવી નાખવાનો અભિગમ નિષ્ઠાપૂર્વક અભિગમથી દસ જોજન આગળ ચાલે છે. હોતા હૈ, ચલતા હૈ ટાઈપ જીવનશૈલી આપણને સહર્ષ કે સખેદ માફક આવી ગઈ છે. અનિલ ચાવડા આપણી નાગરિકતાને પડકારે છે…

એક નાના કાંકરે આખી નદી ડ્હોળાય નૈં
પણ શું એનાથી જરા અમથું વમળ પણ થાય નૈં?
આવું કહેતા કહેતા આખી જિંદગી જીવી ગયો
` રીતે તો એક દાડો પણ હવે જીવાય નૈં.

અમુક સમય પછી ઉદાસી પણ કોઠે પડી જતી હોય છે. અમુક સમય પછી આંસુ પણ નીકળતાં બંધ થઈ જાય છે. અમુક સમય પછી અન્યાય સામે વિરોધનો જોસ્સો પણ ઓગળી જતો હોય છે. પ્રત્યેક દેશ પાસે એક સક્ષમ વિરોધ પક્ષ હોવો જોઈએ જે શાસકને સારું કામ કરવા મજબૂર કરે. આ વિરોધ પક્ષનું કામ રસ્તો દેખાડવાનું હોય છે રસ્તા પર ભૂવા સર્જવાનું નહીં. લોકસભા અને રાજ્યસભામાં જે પ્રકારના ઉધામા, ભવાડા, દેકારા, હોંકારા, પડકારા અને મચ્છીમાર્કેટવેડા થાય છે એ જોઈને આપણું ઑલરેડી નતમસ્તક માથું વધારે ત્રીસ ડિગ્રી નીચે વળી જાય છે.

Parliament Monsoon Session Ends In Chaos: Bills Stalled, Government & Opposition Trade Blame

કોઈ પાસે સત્તાના સમીકરણ છે તો કોઈ પાસે ધર્મના સમીકરણ. ખલીલ ધનતેજવી મુદ્દાની વાત કરે છે…

એક તો જિંદગી ઓછી મળી
એમાં જીવનભરની ખામોશી મળી
નીકળ્યોતો માણસોને શોધવા
દાઢી, ચોટી ને તિલક, ટોપી મળી

આપણા દેશની પ્રગતિમાં સૌથી વધારે પ્રતિરોધક બાબત હોય તો તે ધર્મ છે. ધર્મનો સંઘર્ષ ધર્મના સંવાદને તળિયે બેસાડી દે છે. જે શક્તિ વિકાસ માટે ખર્ચાવી જોઈએ એ વાડાઓ ઊભા કરવામાં ખર્ચાય છે. આ વાડાઓનું વિસ્તરણ આખરે વિનાશક પૂરવાર થાય છે. સારા કાર્યો પણ થાય છે એની ના નહીં, પણ થોડી ખરાબ કેરી આખા કરંડિયાની કેરી બગાડી નાખે છે. ચિનુ મોદી સચ્ચાઈ શોધે પણ છે અને ઝંખે પણ છે…

એક જણ સાચું રડે તો બહુ થયું
મૌન ક્યાં આખી સભાનું જોઈએ?
એક પરપોટો ઘણો સુંદર હતો
પણ હવાને ચાલવાનું જોઈએ

પરપોટામાં કેદ થયેલી હવા મુક્ત થવા ઝંખે છે. પિંજરામાં કેદ થયેલું પંખી ઊડવા ઝંખે છે. ઘર-પરિવારની જવાબદારીઓ કરતાં પણ વિશેષ પુરુષની જોહુકમીથી દબાયેલી અને દુણાયેલી સ્ત્રી  મુક્તિનો શ્વાસ લેવા ઝંખે છે.

Women domestic workers fight sexual harassment | IDR

જેનો કોઈ વાંક ન હોય એણે સજા ભોગવવી પડે એ નિયતિની કઈ ચાલ છે એ સમજાતું નથી. આ પીડાને જો ગણિતના માધ્યમથી રજૂ કરવી હોય તો નયન દેસાઈ પાસે જવું પડે…

લંબચોરસ ઓરડામાં એક સમય ઘૂંટાય છે
વક્ર રેખાઓ ક્ષણોની શ્વાસમાં છેદાય છે
શક્યતાનું એક પણ વર્તુળ નથી પૂરું થતું
હરક્ષણે કંપાસની તીણી અણી ભોંકાય છે

લાસ્ટ લાઈન

શબ્દો ભલે જુદા રહ્યા, ગાણાં અમારા એક છે
આંખ જુદી છે છતાં, ચશ્માં અમારાં એક છે

રાત છો જુદી રહી, વ્હાણાં અમારાં એક છે
તાણા છો જુદા રહ્યા, વાણા અમારા એક છે

એકને ચૂંટી ખણો તો ચરચરે વાંસો બીજો
ઘાવ છે બરડે જુદા, ચીરા અમારા એક છે

કોઈએ તિલક કર્યાં ને કોઈ દાઢી રંગતું
કાશ! કે હું કહી શકું: મનખા અમારા એક છે

હિંદ-પાકિસ્તાન સરખાં દૂરનાં અંતર રહ્યાં
ઘર ભલે નોખાં કર્યાં, ભાણા અમારા એક છે

~ અશ્વિન ચંદારાણા

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.