“સ્મૃતિસંપદા” ~ ડાયસ્પોરા સર્જકોના જીવનકવનની સંકલિત કહાનીઓ (૧૩) ~ લેખકાઃ સપના વિજાપુરા ~ સંપાદકઃ રેખા સિંઘલ


‘ખૂલી આંખના સપના’ અને ‘સમી સાંજના સપના’ નામના બે ગઝલ સંગ્રહ તથા ‘અધૂરાં સપનાં’ નામની નોવેલની લેખિકા સપના સ્વપ્નલોક સમાન અમેરીકાના કેલિફોર્નિઆમાં એમના પતિ શરીફ સાથે વસે છે. તેમનો જન્મ મહુવામાં ૧૯૫૩માં થયો હતો. કેમેસ્ટ્રીના સ્નાતક સપનાબેનને નાનપણથી લેખનકાર્યમાં રસ હતો. કલાપીના કાવ્યો એમના હ્રદયમાં સ્પંદનો જગાડી જતા. ૧૯૭૭માં અમેરિકા આવ્યા પછી બેંકમાં જોબ અને ગૃહિણી તરીકેની ફરજોને કારણે વર્ષો સુધી કાગળ કલમ હાથમાં લઈ શક્યા નહી. ૨૦૧૦માં ઉદાસીના વાદળોને વિખેરવા માટે કલમ હાથમાં લીધી અને હ્રદયમાંથી પ્રેમાનંદ ફરી વહેવા લાગ્યો. છાપાઓમાં અને સાહિત્યિક સંસ્થાઓમાં એમની રચનાઓને દાદ મળવા લાગી. સાહિત્યિક ક્ષેત્રે વધુ પ્રવૃત થઈ દેશ-વિદેશના કવિ સંમેલનોમાં પણ તેમણે સક્રિય રસ લીધો. પારિતોષિકો અને પ્રમાણપત્રો દ્વારા તેઓ પ્રોત્સાહિત થતા રહ્યા. લેખન અને વાંચનને તેઓ પ્રસન્નતાનું ઝરણું અને માનસિક ઉપચાર માને છે. પ્રવાસ એમનો શોખ છે અને તેઓએ લગભગ ૩૨ દેશોનો પ્રવાસ કર્યો છે.  www.kavyadhara.com  બ્લોગ પર એમને વધુ વાંચી શકાશે. Email: [email protected]

જિંદગીકા સફર – લેખિકાઃ સપના વિજાપુરા

હર જીવન એક કહાની હૈ!

અકબંધ કોઈ કિતાબમાં વર્ષોથી સાચવી રાખેલા સૂકા ગુલાબની જેમ સાચવી રાખેલી આ સ્મૃતિઓ હજુ સુવાસિત છે! જ્યારે કોઈ શાંત જળમાં પથ્થર ફેંકે તો વમળ ઉઠીને કિનારાને અડી જાય છે તેમ મારા શાંત માનસપટ પર વિચારરૂપી પથ્થર ફેંકે તો સ્મૃતિઓ કઠપૂતળી બનીને સામે નાચવા લાગે છે. સ્મૃતિ કષ્ટદાયક પણ હોય અને પ્રેમદાયક પણ હોય! આ સ્મૃતિ આપણને જીવનભર એ રીતે વળગીને રહે છે જે રીતે વૃક્ષને વેલી વીંટળાયેલી રહે છે . જો વૃક્ષથી વેલ જુદી કરવામાં આવે તો મરી જાય! આજ ફરી એકવાર હું અતીતની સફર કરવા જાઉં છું! ચાલો, મારી સાથે ભાવનગરથી લંબાઈને તળાજામાંથી પસાર થઇ માલણ નદીને પાર કરીને બંને બાજુ જટાયુ જેવી નાળિયેરીની હારમાળામાંથી કોઈ કોઈ તપસ્વી જેવો પસાર થતો એ રસ્તો તમને મહુવા સુધી પહોંચાડી દેશે!

મહુવા એટલે સૌરાષ્ટ્રનું કાશ્મીર ગણાય! ત્રણ બાજુ દરિયો અને એક બાજુ રસ્તો! ભવાની જાઓ કે દીવાદાંડી અથવા બંદર! એકજ દરિઓ પણ જુદાં જુદાં રૂપ એના! બંદરમાં એ શાંત ઋષિમુનિ જેવો, જેમાં પડીને અમે ખૂબ નાહ્યાં છીએ! કિનારા આગળ પાણી છીછરાં! અમેરિકાના બીચ જેવો! દીવાદાંડીનો ઉછાંછળો! દીવાદાંડી ત્યાં એટલે જ રાખવામાં આવી હશે. કારણકે ત્યાંનો દરિયો પથરાળ. આજુબાજુ મોટાં મોટાં પથ્થરથી ઘેરાયેલો! એણે પથ્થર સાથે માથાં પછાડીનેઅદભૂત કોતરકામ કર્યું છે, એવું લાગે કે હમણાં પથ્થર ગીત ગાઈ ઉઠશે! ભવાનીમાં મોટાં મોટાં રેતીના ઢગલાં છે!અહીં ભવાનીનું મંદિર છે. અહીં દરિયો ખૂબ ઊંડો છે અને અંદર દલદલ પણ છે.

એકવાર હું, મારી બહેન શીરીન અને મારા કાકાની દીકરી નિલોફર ભવાનીનાં દલદલમાં ઉતરી પડયાં હતાં. શીરીને નીલોફરને તેડેલી હતી. અમે ભવાની ફરવા ગયેલાં. દૂર ફતુમાબેન અને એના ફિઆન્સે પ્રેમગોષ્ઠી કરી રહ્યાં હતાં. અમે હાથ હલાવી હલાવીને એમને બોલાવવાં પ્રયત્ન કરતાં હતાં. બંને પ્રેમમગ્ન હતાં. અંતે અમે બૂમો પાડીવાં લાગ્યાં તો બંને દોડીને આવ્યાં. ફતુમાબેને સાડી પહેરી હતી. તરત એમણે સાડી કાઢીને પથ્થર સાથે વીંટાળીને એક છેડો અમારાં તરફ ફેંક્યો, બીજો પકડી રાખ્યો. સાડી ને પકડીને અમે બહાર નીકળી ગયાં . અમે લગભગ ઢીંચણ સુધી દલદલમાં ખૂંપી ગયાં હતાં. આમ છતાં દરિયો મને ખૂબ વહાલો છે. શરદપૂનમમાં ઘણી રાતો અમે દરિયા કિનારે વિતાવી છે, આખી રાત જાગીને દૂધપૌંઆ ચાંદનીમાં રાખીને રમત પણ રમ્યાં છીએ!

“ચાંદ રૂપેરી જાળ બીછાવે
પ્રેમાન્ધ દરિયો મોજા ઉછાળે
બુંદ બુંદ પ્રેમથી ચરણો પખાળે
આંખો મારી પ્રેમ વરસાવે
રહી રહીને મને દરિયો સાંભરે”

આજ ના જાણે કેમ મહુવાની નાની ગલીયોમાં મન દોડી દોડીને જાય છે, મને પણ સાથે ઘસડી જાય છે. દાદા ની હવેલીમાં એ ભાગીને પહોંચી જાય છે. ધોબીવાડની સાંકડી શેરીમાં દાદાની ત્રણ માળની હવેલી હતી. મારું બાળપણ આ હવેલીમાં જ વીત્યું. આ નાનકડી શેરીમાં મોટે ભાગે ધોબીઓ રહેતાં હતાં. ઘર માલણ નદીના તટ થી બહું દૂર ના હતું. તેથી નદીમાં પૂર આવે તો પાણી હવેલીના ડેલામાં પણ આવી જતું અને એમાં સાપ માછલી જેવા નાના પાણીમાં રહેતાં જાનવર પણ આવી જતાં. બા કુરાન પડીને આ પાણી ઉતરવાની દુઆ કરતાં .

મારો જ્ન્મ એક મુસલમાન કુટુંબમા મહુવામાં થયેલો. પરિવાર ખૂબ સુખી હતું. જીવનમાં ખૂબ સંઘર્ષ કરવો પડ્યો નથી. અમે છ બહેનો અને બે ભાઈ હતાં. પપ્પા બ્રીટિશ જમાનામાં મેટ્રિક સુધી ભણ્યા હતા એટલે ઈંગ્લીશ સરસ બોલતા. મમ્મી વિજપડી ગામનાં હતાં એમણે શિક્ષણ લીધું ના હતું, પણ હંમેશા અમને શિક્ષણ માટે પ્રેરણા આપતાં!

હું પહેલા ધોરણમાં હતી ત્યારે ભણવાં જવું મને ના ગમે, કારણકે જેઠા સાહેબ ખૂબ ગુસ્સાવાળા હતા, કાંઈ ના આવડે તો ધડ દઈને થપાટ મારી દે. હું ફક્ત પાંચ કે છ વર્ષની હોઈશ. મારા નાજુક ગાલ પર એમની આંગળીના નિશાન પડી જતા. શાળા ઘરની નજીક હતી. શાળા અને ઘરની વચ્ચે એક ખંડેર હતું. તો હું સ્કૂલે જવાને બદલે ખંડેરમાં બેસી રહેતી અને સ્કૂલ પૂરી થાય એટલે ઘરે આવી જતી! થોડા દિવસ આવું ચાલ્યું, પણ એક દિવસ મારી મોટી બહેન ફતુમા મને જોઈ ગઈ અને મારી ધુલાઈ થઇ. મેં પણ રડતાં રડતાં કહી દીધું કે મને જેઠા સર મારે છે. પપ્પા ધુંઆફુંઆ થતા શાળામા ગયા અને જેઠા સરની ધૂળ કાઢી નાખી. આ પ્રસંગે અમેરિકામાં કિન્ડરગાર્ડનમાં ભણતાં ભૂલકાં યાદ આવી ગયાં. કેટલા પ્રેમથી શિક્ષકો બાળકોને સાચવે છે.

દાદાની હવેલીમાં ત્રેવીશ ઓરડા અને આઠ બાથરૂમ હતા. દાદાને ઓઇલમીલ હતી. ડુંગળીના મેડા પણ ભરતા! દાદાની સાથે મારા કાકા બરાબર જામી ગયા હતા. પણ પપ્પાને આવા કોઈ ધંધામાં રસ ના હતો. એમને ફિલ્મ દુનિયામાં રસ હતો. દાદાની સાથે એમનો ખટરાગ હંમેશા ચાલતો. એક સમય આવ્યો હતો ત્યારે પપ્પા મુંબઈ જતા રહ્યા હતા અને મેહબૂબ સ્ટુડિયોમાં કામ પણ કર્યું હતું. ત્યાં જઈને રેડિયો રિપેરનો કોર્સ પણ કર્યો. ઘરે આવ્યા પછી પપ્પાએ રેડિયાની દુકાન નાખેલી જે મહુવામા ખૂબ જ પ્રખ્યાત થઈ હતી. પપ્પા મમુભાઈ રેડિયાવાળા તરીકે અને અમે રેડિયાવાળાની દીકરીઓ તરીકે પ્રખ્યાત થઈ ગયાં. દાદા સાથે અણબનાવ થતા એ જ હવેલીના નીચેના માળ પર અમે રહેવા આવી ગયાં

દાદાએ પપ્પાને ખાસ કોઈ વસ્તુ આપી ન હતી. દાદાનો પ્રેમ હંમેશા કાકા પર વધારે હતો. કદાચ દાદાના એ કહ્યાગરા દીકરા હતા. અમે છ બહેનો હતી. એક પછી એક સુવાવડમાંથી પસાર થતી બાને દીકરાની આશા હતી અને છેવટે સાદિકનો જન્મ થયો. એ અમારા માટે ખૂબ ખુશીની વાત હતી. ઘરમાં ભાઈ આવ્યો હતો. અમે બહેનો તો ભાઈને તેડી તેડીને ફરીએ, અને ખૂબ લાડ કરાવીએ. પછી બે વરસમાં બીજો ભાઈ મહેબૂબ પણ આવ્યો. રેડિયાની દુકાનમાં બહુ મોટી આવક ના હતી. કાકા ઓઇલમીલની બધી આવક રાખતા અને ખૂબ જાહોજલાલીથી રહેતા. પપ્પાની વાત યાદ કરતા એક વાત યાદ આવી, પપ્પાને કબૂતરને દાણાં આપવા ખૂબ ગમતા અને હું એમના ખોળામાં ફ્રોક પહેરીને પપ્પાની વાટકીમાંથી મારી નાની નાની મુઠ્ઠીમાં દાણાં લઈને કબૂતરને નાખતી. કદાચ અત્યારે પક્ષી પ્રત્યેનો પ્રેમ એ નાની મુઠ્ઠીમાંથી આવ્યો હશે.

પપ્પા અમને પાર્ટીશનની વાત કરતા. મારું મોસાળ વીજપડી ગામમાં હતું. એ ખૂબ નાનું ખેતી પ્રધાન ગામ હતું. મારા નાના એ ગામના મુખી જેવા હતા. જ્યારે ભારત આઝાદ થયું ત્યારે બ્રિટિશર્સ , મહમદઅલી ઝીણા અને જવાહરલાલે મળીને ભારતના ભાગલાં પાડવાનું નક્કી થયું. ભારતમાતાની છાતી પર લોહીથી લકીર દોરવામાં આવી! આ ભારત અને આ પાકિસ્તાન! નેતાઓએ જે નિર્ણય લીધો તે લીધો,પણ એ નિર્ણયને લીધે કેટલા લોકોને વતન છોડવું પડ્યું. કેટલા પોતાના વ્હાલાઓથી દૂર થઇ ગયાં! પાર્ટીશન સમયે ટ્રેન ભરીને લાશો ભારતથી પાકિસ્તાન અને પાકિસ્તાનથી ભારત આવતી! મિલિયન્સ લોકો મરી ગયાં . મિલિયન્સ ઘરબાર વગરના થયાં! 75000 વધારે સ્ત્રીઓ પર બળાત્કાર કરવામાં આવ્યો. નાના નાના બાળકોની લાશો રસ્તા પર રઝળતી મળી આવતી! ન્યુયોર્ક ટાઈમ્સ કહે છે કે આવું ખુનારેજીવાળું પાર્ટીશન ક્યાંય જોયું નથી અને જોવા મળશે નહીં! મારા નાના અને એમના ઘરનાએ ભારત છોડી પાકિસ્તાન જવાનું નક્કી કર્યું. મારી બાના લગ્ન થઇ ગયા હતા, તેથી બા મહુવામાં રહી ગયાં. પપ્પાએ ભારતમાં જ રહેવાનું વિચાર્યું. કેટલા સમય સુધી એ લોકો હિન્દુની જેમ રહ્યાં પોતાની ઓળખ છૂપાવીને ! અત્યારે એવું લાગે છે કે આ ધર્મના વાડા શા માટે? “ના તેરા ખુદા કોઈ ઔર હૈ, ના મેરા ખુદા કોઈ ઔર હૈ , યે જો રાસ્તે હૈ જુદાં જુદાં, યે મામલા કોઈ ઔર હૈ! બેસતાં વર્ષને દિવસે બા નવી સાડી પહેરે અને જાતજાતની મીઠાઈ મંગાવે , અમે આંગણામાં રંગોળી બનાવીએ ,ફટાકડા ફોડીએ અને આનંદમંગળ કરીએ. અડોશપડોશની વહુઓ બાને પગે લાગી આશીર્વાદ લે અને બા બધાને પૈસા આપે! આવો પ્રેમભાવ અમારી વચ્ચે હતો! પણ આ ઝેર ક્યાંથી આવ્યું હશે?

૧૯૬૪ માં પપ્પા અમને પાકિસ્તાન લઈ ગયેલા. બા નાના તથા નાનીને ખૂબ યાદ કરે એટલે પપ્પાએ અમને બધાં ને પાકિસ્તાન લઈ જવાનું નક્કી કર્યુ. દાદાએ ખૂબ વિરોધ કર્યો પણ પપ્પા મક્કમ હતા. અમે દરિયા માર્ગે એક સ્ટીમરમાં ગયાં હતાં. તોફાની દરિયામાં થી પસાર થઈ અમે ત્રણ દિવસની મુસાફરી પછી કરાચી પહોંચ્યા હતાં. રસ્તામાં વીજળી, ધોધમાર વરસાદ પણ પડેલો. જુના જમાનાની એ સ્ટીમર ડૂબતાં ડૂબતાં બચી હતી. મને ત્યાં જરાય પણ ગમતું ના હતું. વતન યાદ આવતું હતું. બે મહિના રહી અમે ભારત પાછાં ફર્યા. મારી એક શિક્ષિકાએ મને મહેણું માર્યુ, “તું પાકિસ્તાની છે, તું તારા દેશમાં જતી રહે!” મને ખૂબ દુઃખ થયું કે મારું વતન ભારત છે મને પાકિસ્તાની કેમ કહી? હું ખૂબ રડી! પ્રિન્સીપાલ પાસે જઈને ફરિયાદ કરી કે ફ્લાણા બહેન મને પાકિસ્તાની કહે છે. પ્રિન્સીપાલે શિક્ષીકાને બોલાવીને ખૂબ ધમકાવ્યાં પછી કદી એમણે મને પાકિસ્તાની કહી નહીં. હું ભારતીય છું અને મને ભારતીય હોવાનો ગર્વ છે.મને બાળપણથી જ વતન પ્રત્યે ખૂબ પ્રેમ! દેશભક્તિના ગીતો ખૂબ ગમે અને હજુ પણ મારા રુંવાડા ઊભા કરી દે છે.

માટી તણી સોડમ ભળી છે શ્વાસમાં,
આવી વતનથી દૂર કારાવાસમાં.

હું આઠમાં ધોરણમાં આવી ત્યારે મને એન્જીનીયર બનવાનો શોખ જાગેલો. તેથી હું જે.પી. હાઈસ્કૂલમાં દાખલ થઇ. સ્કૂલવાળા મને લેવા તૈયાર જ હતા નહિ, કારણકે એ ફક્ત છોકરાઓની સ્કૂલ હતી. તેર થી ચૌદ વર્ષની હોઈશ અને હું સ્કૂલના પ્રિન્સિપાલ સાથે ઝગડી પડી કે મારે ટેકનિકલ માં દાખલ થવું છે, તમે મને ના શા માટે કહો છો? સ્ત્રી પુરુષના સમાન હક માટે એ પહેલું પગથિયું હતું. મારું લોહી ઉકળી આવ્યું. અંતે પ્રિન્સિપાલ માની ગયા. પચાસ છોકરાની વચ્ચે હું એકલી છોકરી. જીદ કરીને હું કલાસમાં આવી તો ગઈ, પણ મને મજા આવતી નહોતી. કારણકે રીસેસમાં હું એકલી પડતી, લેડીઝ વોશરૂમ ના હતું. એટલે બાથરૂમ જવાનો પણ પ્રોબ્લેમ થઈ ગયો. હવે શું કરું? મારા મોટાબહેન ફતુમાબેન ને લઈને પ્રિન્સિપાલની ઓફિસમાં ગઈ અને ફરીથી એમ.એન. સ્કૂલમાં ટ્રાન્સફર લીધી. ત્યારે મને લાગેલું કે ભલે હું કન્યાશાળામાં પાછી આવી ગઈ પણ મેં છોકરાની શાળામા દાખલો તો લીધોને! મારો હક હતો તે મેં લીધો ભલે હું ત્યાંના વાતાવરણને હું અનુકૂળ ના થઇ શકી ને મારું શિક્ષણ પૂરું ના કરી શકી!

એક બંગલા બને ન્યારા!

માધ્યામીક શાળા એમ.એન. હાઈસ્કુલમાં કરી, મેં ૧૯૭૧ માં મેટ્રિક પાસ કર્યુ. કાકા સ્ટેશન રોડ પર રહેવા જતા રહ્યા. હવે બાપાજીએ હવેલી વેચી નાખવાનું નક્કી કર્યું. બાપાજીએ પપ્પાને નૂતનનગરમાં એક જગ્યા અપાવી દીધી જ્યાં પપ્પાએ 299 બંગલો બનાવ્યો.

કૉલેજકાળમાં મારા સપનાએ અર્ધ ખીલેલી કળીની જેમ આંખો ખોલી હતી. સપનાની જિંદગી એટલે સપનામાં વિહરતી સપનામાં મહાલતી સપનામાં જીવતી એક કલ્પનાની દુનિયા!  કૉલેજના પહેલા વર્ષમાં આવી ત્યારે નવા  બંગલામાં રહેવાં ગયાં હતાં, ત્યારે અમે ત્રણ જ બહેનો પપ્પાની સાથે હતી. ત્રણનાં લગ્ન થઇ ગયેલા. પપ્પા અમને ત્રણ ને પૂછીને દરેક વસ્તુની પસંદગી કરે! જેમકે ક્યાં રૂમમાં કઈ લાદી નાખવી, રસોડું કેવું બનાવવું, ડાઇનિંગ ટેબલ કેવો જોઈએ, બગીચામાં ક્યાં ફૂલ નાખવા. ક્યાં ફળ વાવવાં! આ બંગલો એમની જાન બની ગયો હતો. એક સપનું બની ગયો હતો. ત્રણ બેડરૂમ, એક ડ્રોઇંગ રૂમ, ડાઇનિંગ રૂમ, કિચન, વરંડા, હોલવે અને ઉપર અગાશી અને એક સ્ટોર રૂમ!! બસ આ ઘરમાં પપ્પાનો આખો સંસાર સમાઈ ગયો હતો.

સાંજે શેરીની છોકરીઓ સાથે ખો ખો, આંધળીયો પોતલળીઓ રમવું  શેરીની છોકરીઓને ટ્યુશન આપવું,  લાયબ્રેરીમા જઈ પુસ્તકો નો ઢગલો લઇ આવવો પછી ગરમ બપોરમાં પંખા નીચે સૂઈ પુસ્તકો વાંચવાં! આ ઘર દિવસે દિવસે વધારે ને વધારે વહાલું થતું જતું હતું. બગીચો હવે ખૂબ મહેકી ગયો હતો. રાતરાણી, સાચા ગુલાબ અને ચંપો અમારાં બગીચાને મહેકાવા માટે પૂરતાં હતાં. અને જાસુદ, બોગનવેલ અને પારિજાત બગીચાને રંગ આપી રહ્યાં હતાં. નાળિયેરી, કેળાં અને પપૈયા ફળ આપી રહ્યાં હતાં. પપ્પા રોજ સવારે બધાં છોડને પાણી આપે અને પ્રેમથી એને પ્રસારે. એક એક ફૂલ સાથે વાતો કરે. બા પણ પપ્પા પાછળ ફરી પપ્પાને મદદ કરે. સવારના સાત વાગ્યાથી લગભગ નવ વાગ્યાં  સુધી બંને આ કામ કરે. બા મારા એકદમ સાદા ,સીધા અને સરળ સ્વભાવનાં હતાં. બાનો વાન એકદમ ગોરો હતો. એમની દાઢી પર એક છૂંદણું ટંકાવેલું હતું. બા ગુજરાતી સાડલો પહેરતાં. ગુજરાતી હિરોઈન દિના પાઠક જેવા લાગતા! સ્નેહ નીતરતી આંખો એમની ઓળખાણ હતી!

પપ્પાની ઈચ્છા મને ડૉક્ટર બનાવવાની હતી. પહેલાં એફ.વાયથી મેડિકલમાં જવાતું હતું.પણ કમનસીબે એ વરસથી અચાનક પ્રી સાયન્સથી મેડીકલનાં ઍડમીશનનું ચાલું થયું અને મેં પ્રી સાયન્સમાં બહું મહેનત કરેલી નહીં એટલે મેડિકલમાં ના જઈ શકી. પછી નર્સીંગમાં જવું હતું પણ એ જમાનામાં નર્સીંગને બહું સારો પ્રોફેશન ગણવામાં આવતો ન હતો તેથી પપ્પાએ ના જવા દીધી.પછી ભણવામાં રસ ઓછો થઈ ગયો.

જિંદગી ઔર મૌત તો ઉપરવાલેકે હાથમે હૈ!

હું જ્યારે કૉલેજનાં ચોથા વરસમાં હતી ત્યારે મારા જીવનમાં એક હાદસો થઈ ગયો જે હું જીવનના અંત સુધી નહીં ભૂલું. મારી એક મોટી બહેન નજમા પરકોમના છોકરાના પ્રેમમાં હતી. એનું નામ રવિ હતું. રવિ એ કૉલેજનો તોફાની છોકરો હતો. ભણવા ગણવાનું નહીં અને છોકરીઓની લાગણી સાથે રમવાનું! કૉલેજની બહાર ઊભા રહેવું માવા ખાવા અને આવતી જતી યુવતીઓને છેડછાડ કરવી. પણ નજમા પ્રેમમાં અંધ હતી. એને રવિનો અસલી ચહેરો દેખાતો ના હતો. એ બંને વચ્ચે કૈક ખટરાગ થતા નજમાએ એકવાર ઊંઘની ગોળી ખાઈ આત્મહત્યા કરવા પ્રયત્ન કર્યો. તેથી પપ્પા ગભરાઈ ગયા, એમણે કહ્યું,”બેટા,જો રવિ  તારી સાથે લગ્ન કરવા  તૈયાર હોય તો મને વાંધો નથી, સમાજ અને ધર્મની વિરુધ  જઈને તારા લગ્ન રવિ  સાથે કરાવી આપીશ. મારે માટે દીકરીનું જીવન કોઈ સમાજ કે ધર્મ કરતાં વધારે છે. તું  રવિ  સાથે લગ્નની વાત કરી લેજે.” રવિના માબાપ આ પ્રેમસંબંધની વિરુધ હતાં. પપ્પાએ દીકરીની જીદ આગળ નમતું જોખેલું. પણ રવિ ને તો રમત કરવી હતી લગ્ન ક્યાં કરવા હતા?

એ દિવસે મારા કેમેસ્ટ્રીના પ્રેકટીકલ હતાં. ચાર વાગે હું કોલેજથી પાછી ફરતી હતી. મેઘદૂત સિનેમા પાસે પહોંચી તો અમારા પડોશી લાભુબેન એકદમ હાંફળા ફાફળા દોડતાં મારી પાસે આવ્યાં, મને કહે કે જલ્દી ઘરે જા તારાં ઘરમાં કૈંક બની ગયું છે. મારા હાથમાંથી પુસ્તકો પડી ગયા. હું ઘર તરફ ભાગી તો ઘરમાં રોકકળ ચાલું હતી, નજમાએ રવિની હાજરીમાં પોતાના પર કેરોસીન છાંટીને દિવાસળી ચાંપી દીધી હતી. એનું અર્ધ બળેલું શરીર મારી સામે હતું. મારી આંખો પટપટાવાનું ભૂલી ગઈ હતી ગળે ડૂમો બાજી ગયો હતો. મારા હાથ પગ ધ્રુજી રહ્યાં હતાં . રવિ સામે જ રસોડામાં ઊભો હતો. મારું શરીર ગુસ્સાથી ધ્રુજી રહ્યું હતું, મારા હાથમાં કોફીનો કપ આવ્યો, મેં જોરથી એ કપ રવિના માથામાં માર્યો. એ ભાગી ગયો. ફરી કદી મહુવામાં નજર ના આવ્યો. એમ્બ્યુલન્સ આવી નજમાને લઈ ગઈ. પપ્પાની આંખોમાં ચોધાર આંસું હતા. નજમા  થોડી વાર માટે હોશમાં આવી. પપ્પા બાજુમા બેઠા હતા. પપ્પાને જોઈને બોલી “પપ્પા મને બચાવી લો, મારે મારો જીવ એ બેવફા માટે નથી આપવો.” પપ્પાએ કહ્યું “બેટા તને જરૂર બચાવી લઈશ.” નજમા  ફરી બોલી “પપ્પા મારા શરીર ઉપર બળવાના ડાઘ તો રહી જશેને?” એ બોલ્યા ” બેટા, તું શું કામ ચિંતા કરે છે, હું તારી પ્લાસ્ટીક સર્જરી કરાવીશ.”નજમા એ પપ્પાનો હાથ પકડી રાખ્યો. ધીરે ધીરે એની આંખો સદા માટે બંધ થઈ ગઈ. નજમા પપ્પાને કરગરતી રહી મને બચાવી લો. પણ પપ્પા એને બચાવી ના શક્યા.

નજમાનું મય્યત ઘરે આવ્યું. બધા મને હાથ પકડીને છેલ્લીવાર નજમાનું મોઢું જોવા માટે આગ્રહ કરતાં હતાં. પણ મેં સુંદર નજમાને જોયેલી, મને બળેલું મોઢું જોવાની હિંમત ના હતી. મારે એને સુંદર રીતે જ યાદ રાખવી હતી. રસોડાની બારીમાંથી મેં જનાજો જતા જોયો. હું નજમાને હજુ સુધી અલવિદા નથી કહી શકી! બા  અને પપ્પા આ ગમ જિંદગીભર ભૂલી ન શક્યાં. હું કોલેજનાં ચોથા વરસની પરીક્ષા ના આપી શકી. મેં ડ્રોપ લઈ લીધો. પછીના વરસે એટલેકે 1975 માં મેં ચોથા વર્ષની પરીક્ષા આપી. ભણવામાં દિલ ચોંટતું ના હતું. તેથી પાસિંગ માર્ક સાથે પાસ થઇ.  નજમા ઉર્દુમાં શાયરી લખતી હતી.

देकर हीज़्र मुझे खुद खुदा भी परीशां है हशरमें
“क्या होगा गर मर जायेगी एक मासुम बेखता.
(મને જુદાઈ આપીને કયામતમાં ખુદ  ખુદા પણ પરેશાન છે,
“શું થશે જો એક નિર્દોષ વાંક વિના મરી જશે”)

નજમાનું મૃત્યુ 299 નો પહેલો આઘાત હતો.

આમારું જીવન બદલાઈ ગયું હતું. હવે 299 અમને ખાવા ધાતુ હતું. મારો એક બહુ નજીકનો મિત્ર હતો તેનું નામ અશોક હતું જે રવિનો દોસ્ત પણ હતો. શાંત સ્વભાવનો અશોક રવિ થી બિલકુલ વિપરીત સ્વભાવનો હતો. પણ નજમાના મૃત્યુ પછી પણ એ રવિનો દોસ્ત રહ્યો એટલે મને એના પર ખૂબ ગુસ્સો આવ્યો અને મેં એની સાથે દોસ્તી તોડી નાખી, એને કહ્યું તું જો રવિ સાથે દોસ્તી રાખે તો હું તારી સાથે દોસ્તી ના રાખી શકું કારણકે રવિના શરીરમાંથી મારી બહેનની બળેલી ચામડીની બદબુ આવે છે, તું જો એની સાથે રહે તો મને એ બદબુ તારામાંથી પણ આવશે. અમારી દોસ્તી તૂટી ગઈ. આમ નજમા ની સાથે સાથે એક મિત્ર પણ ખોયો.

પણ સમયનું શું છે? સમય તો વહેતો જ રહેવાનો. જીવનને ઝાટકા આપી આપીને પણ એ ક્યાં થંભે છે? સારો કે ખરાબ સમય હંમેશા પસાર થઇ જતો હોય છે. ખુશી હોય તો સમય ક્યાં પસાર થાય એ ખબર પડતી નથી. અને ખરાબ સમય કાચબાની ગતિથી પણ પસાર થઇ જાય છે.

પપ્પા અમારું ખૂબ ધ્યાન રાખતા. અમને બધા દુઃખોથી બચાવીને રાખતા. પપ્પા એટલે ખૂબ હિમંતવાળુ પાત્ર!! પણ નજમાના મૃત્યુ સમયે પપ્પાને તૂટતા જોયા છે. ક્યારેય ના રડતા પપ્પાની આંખોમાંથી ચોધાર આંસું નીકળતાં જોયાં! નજમાના મૃત્યુ પછી ઉદાસ થતી તો પીકચરમાં લઈ જતા અને જાત જાતના બહાના કરી હસાવતા!! જાત જાતના પુસ્તકો લઇ આવે. અમારી સાથે કેરમ રમે ! માબાપમાં કેટલી સબર હોય છે. પોતાનું દુઃખ છૂપાવીને બાળકોને પોતાના દામનમાં છૂપાવી દે છે. નજમાથી હું નાની એટલેકે પાંચમો નંબર! હવે મારા લગ્નની ચિંતા બા પપ્પા કરવા લાગ્યાં હતાં. અમે શિયા હતા. શિયા મુસલમાનનો એક ફીરકો છે. નજમાની આત્મહત્યાની ખબર ઘરે ઘરે પહોંચી ગયેલી. એટલે શિયામાં મારા લગ્ન થવા મુશ્કેલ હતા. બધાં ઘરમાં વાતો થતી કે મમુભાઈની દીકરીએ હિંદુના છોકરાના પ્રેમમાં આત્મહત્યા કરી. મમુભાઈ દીકરીઓને ખૂબ છૂટ આપે છે. આવી દીકરીને કોણ ઘરમાં લાવે!

પપ્પાએ અમારા માટે સ્ત્રી મેગેઝીન બંધાવેલું. એમાં હું હંમેશા લગ્ન માટેની જાહેરાત જોતી. મને વિચાર આવ્યો કે હું પણ આમાં જાહેરાત આપું તો કેવું! પપ્પાની ઈચ્છા ના હતી. તેમ છતાં મેં મારી મોટી બહેન ફતુમાનુ સરનામું આપી સ્ત્રીમાં જાહેરાત મોકલાવી. જો કોઈને રસ હોય તો ફતુમાના ઘરે પત્ર લખે. લગભગ ત્રણ મહિના સુધી કોઈ જવાબ ના આવ્યો, પણ પછી શરીફનો પત્ર આવ્યો. અમે લોકોએ મળવાનું નક્કી કર્યું. એને ટેલિગ્રામ કર્યો કે એ મને મળવા આવે છે. પણ મને ટેલિગ્રામ મળ્યો નહિ. 12મી જૂન 1976 ના દિવસે સવારે પાંચ વાગે અમારા બંગલાની ડોરબેલ વાગી. પપ્પા એને ઓળખી શક્યા નહીં. શરીફે કહ્યું, “હું બાનુમાને મળવા આવ્યો છું. મેં ટેલીગ્રામ કરેલો શું આપને મળ્યો નથી?” પપ્પાએ ના પાડી. હું લઘરવઘર કપડામાં હતી અને સામે શરીફ ઊભો હતો.ઘરમાં બધાં ઉઠી ગયાં. બા ઉઠીને નાસ્તો બનાવવા લાગ્યાં. હું શાવર લઈને સફેદ સાડી પહેરીને એની સામે તૈયાર થઈને આવી ગઈ. બશીરા બાને મદદ કરવા લાગી. એટલામાં દસ વાગી ગયા અને ટેલિગ્રામવાળો આવ્યો અને ટેલિગ્રામ આપીને કહે બેન કોઈ તમને મળવા આવે છે, બક્ષિસ આપો! અને સર્વ હસી પડ્યાં!

મારા અને શરીફ વચ્ચે પત્ર વહેવાર ચાલતો રહ્યો. શરીફ અમેરિકા જવાનું વિચારતો હતો. અમેરિકા જવું એ મારા માટે કોઈ મોટી વાત ના હતી, કારણકે અમેરિકાને મેં ફક્ત નકશામાં જ જોયેલું અને અમેરિકા જવું એટલે મોટી તક હતી અને તમારું જીવન બદલી નાખશે એવો કોઈ વિચાર મને ના હતો. પણ એ હંમેશા અમેરિકાની ખૂબ સારી સારી વાત કરતો એટલે અમેરિકાનું મહત્વ ધીરે ધીરે મને સમજાવા લાગ્યું. એ વિઝા માટે પ્રયત્ન કરી રહ્યો હતો. એને ફાર્મ ડી કરેલું. તે જમાનામાં ડોકટર્સ, ફાર્માસીસ્ટ અને નર્સને ગ્રીનકાર્ડ મળી જતું હતું. અંતે એને પણ વિઝા મળી ગઈ. એ 2 ઓક્ટોબર, 1976 ના દિવસે ફરી મને મળવા મહુવા આવ્યો. એની ઈચ્છા હતી કે જો હું હા પાડું તો સગાઇ કરીને અમેરિકા જવું. એને મારી સાથે લગ્ન કરવા એવું દિલથી નક્કી કરી નાખ્યું હતુ. એ મને મહોબત કરતો હતો. એના પત્રો પરથી સાફ જાહેર થતું હતું. પણ હું નાદાન હતી!

પપ્પા પણ પહેલા શરીફનું ઘર તથા એમના કુટુંબને મળવા માગતા હતા. પિતાના મનમાં કેવી દ્વિધા હોય છે એ એક પિતા જ જાણે છે. દીકરીનું સાસરું કેવું છે. લોકો કેવા છે, ખાનદાન કેવું છે, એ જાણવું એ એક પિતાને માટે ખૂબ મહત્વનું છે શરીફ દસ ઓક્ટોબરે અમેરિકા જવા નીકળી જવાનો હતો, પણ પત્રવહેવાર ચાલુ રાખવાનું વચન આપી અમે છૂટા પડયાં.

નવા
જીવનનો આગાઝ!

પપ્પાએ ઇલોલ જવાનું નક્કી કર્યું. એ 1977નો એપ્રિલ મહિનો હતો. પપ્પા અમદાવાદની બસમાં બેસી ગયા. પપ્પા તે સમયે તંદુરસ્ત ના હતા. મને આજે નવાઈ લાગે છે કે પપ્પાએ આટલી લાંબી મુસાફરી શી રીતે કરી હશે! પણ દીકરીની ખાતર બિચારા નીકળી પડ્યા. અમદાવાદથી હિંમતનગરની બસ પકડી. હિંમતનગર પેરેમાઉન્ટ રેસ્ટોરન્ટમાં જમવા ગયા. ત્યાં વાતવાતમાં એક ભાઈને પૂછ્યું કે તમે શરીફને જાણો છો જે અમેરિકા ગયા છે! એ ભાઈ શરીફના સગા જ નીકળ્યા. અને કહ્યું ,”હા ચાલો જાણું છું, તમને એમના ઘરે લઇ જઈશ.” ફરી હિંમતનગરથી ઇલોલની બસમાં બેસી એ લોકો ઇલોલ પહોંચી ગયાં . ઇલોલ સાત હજારની વસ્તીવાળું નાનું ગામ હતું. હવે તો વસ્તી વધી ગઈ છે.એ ભાઈ શરીફને ઘરે લઇ ગયા.

મા ભેંસ દોહતાં હતાં. ગારથી લીપેલું ઘર હતું. શરીફના મોટાભાઈ મંદ બુદ્ધિના હતા. એ બોલ બોલ કરતા હતા. શરીફના બીજા ભાઈ બહારથી આવ્યા તો એમનો એક હાથ ના હતો. જે ઇલેક્ટ્રિક શોક લાગવાથી કાપવો પડ્યો હતો. પપ્પા થોડી વાતો કરીને નીકળી ગયા. ઇલોલ એક ખેતીપ્રધાન ગામ છે. મોટાં ભાગના લોકો ખેડૂત હતાં. જોકે હવે લોકો બહાર નીકળી અને હોટલના ધંધામાં પડી ગયાં છે. પણ પપ્પાને લાગ્યુ કે મને આ વાતાવરણમાં ફાવશે નહિ. એટલે પપ્પાનો જવાબ નેગેટિવ હતો. જેનો અફસોસ શરીફને હજુ પણ છે. પણ શરીફના કહેવા પ્રમાણે મારે બાનુમાને અમેરિકા લઇ જવી છે, ઇલોલ તો હું પોતે નથી રહેવાનો તો બાનુમા શું કામ રહે! અંતે પપ્પા માની ગયા. શરીફના વચેટ ભાઈ યુસુફભાઇ ગાંધીનગર રહેતા હતા. એમને ત્યાં પપ્પા ગયા, અને અમારી સગાઈની વાત કરી. યુસુફભાઇ પણ શોક પામી ગયા. કારણકે શરીફની એક સગાઇ તો થયેલી હતી. પહેલી સગાઇ તોડ્યા વગર બીજી સગાઇ શી રીતે થાય? તો પણ યુસુફભાઇએ પપ્પા પર વિશ્વાસ રાખી સગાઇ કરી દીધી. અમારામાં શરબતનો રિવાજ હતો. એટલે શરબત પી લીધું. સગાઇ થયા પછી ત્રણ અઠવાડિયે શરીફને ખબર પડી. ત્યારે વોટ્સએપ ના હતું. બહુ ફોન પણ થતાં નહિ, એટલે વાયુવેગે સમાચાર મળતાં નહીં.

મારા દાદાની તબિયત લથડવા લાગી હતી. ડોકટરના કહેવા પ્રમાણે બહુ લાંબુ નહીં ખેંચે. દાદાની ઈચ્છા ખરી કે મારા લગ્ન જોઈને જાય. શરીફને પત્ર લખી આવવા કહ્યું. હજુ એ અમેરિકામાં સેટ પણ થયો ના હતો. ફક્ત 2 ડોલર પર કલાકની જોબ કરતો હતો એના ગયે હજુ નવ મહિના જ થયાં હતાં અને અમારે એને પાછો ભારત બોલાવવો પડ્યો.એ દેવું કરીને ભારત આવ્યો. મારી પ્રત્યેની મહોબત એને ભારત ખેંચી લાવી! નહીંતર કોને પડી હોય કે આટલે દૂરથી દેવું કરીને ભારત પાછો આવે! એ જુલાઈ 1977 માં પાછો આવ્યો. હું અને પપ્પા એને બોમ્બે લેવા ગયા. એણે મને એરપોર્ટ પર જ ઘડિયાળ પહેરાવી દીધી એ વાત હું કદી નહિ ભૂલું! હજુ એ ઘડિયાળ મારી પાસે છે જોકે ચાલતી નથી . બંને ત્રણ દિવસ બોમ્બેમાં ખૂબ ફર્યા. પિક્ચર જોવા ગયાં! બાંન્દ્રાબીચ ગયાં. ધીરે ધીરે મહોબત પરવાન ચડી રહી હતી. અમારા લગ્ન ઓગષ્ટ 2, 1977 ના દિવસે નક્કી થયા. ફટાફટ કંકોત્રી છપાઈ અને વહેંચાઈ! બોમ્બેથી થોડું શોપિંગ કરી હું અને પપ્પા મહુવા આવી ગયાં.

અંતે જે દિવસની પ્રતીક્ષા હતી એ દિવસ આવી ગયો. શરીફ બપોરે બે વાગે જાન લઈને આવી ગયો. બસમાં પચાસ માણસને લઈને આવ્યો હતો. બાનુમાની સગાઇ કોઈ બીજા ગામમાં થઇ છે એ વાત આખા મહુવાને ખબર પડી ગઈ હતી. એટલે જાન અને વર જોવા અડધું મહુવા ભેગું થઇ ગયું હતું. ઇલોલ ગામનો પહેરવેશ અને ભાષા બંને જુદા હતા. હું પણ લગ્ન પહેલા ઇલોલ ગઈ ના હતી. એમની બોલીમાં મને કાંઈ સમજ પડતી ના હતી. બધાં આવીને કૈક કહી જતાં પણ હું પ્રશ્નાર્થભરી નજરથી એમને તાકી રહેતી. મારા વચેટ જેઠાણી જે ગાંધીનગરમાં રહેતાં હતાં એ ચોખ્ખું ગુજરાતી બોલતાં હતાં, એ મારા દુભાષિયા બની ગયાં. મને સમજાવતાં કે આ એમ કહેવા માંગે છે. એ લોકોનો પહેરવેશ પણ મહુવાથી બિલકુલ જુદો હતો. જાનને બપોરનું જમણ જમાડી સાંજે અમારાં નિકાહ હતાં. મારું દિલ ખૂબ ખૂબ ધડકતું હતું, કારણકે બિલકુલ અજાણી કોમમાં મારે જવાનું હતું, જેની ભાષા પણ મને આવડતી ના હતી.

સાંજના લાયન્સ ક્લબમાં પપ્પાએ મારું રીશેપ્શ્ન રાખેલું હતું. મૌલવી સાહેબે નિકાહ પણ ત્યાં જ પડાવ્યા હતા. બીજા દિવસે સવારે નાસ્તો અને બપોરના જમણવાર પછી મને રૂખસત કરવામાં આવી. મારા માટે એ ઘણી અઘરી ઘડી હતી. હું એટલું રડી કે લગભગ બેહોશ થઇ ગઈ! એક તો નજમાની યાદ, બીજું પિયર છોડવાનું દુઃખ અને ત્રીજું એકદમ અજાણ્યા લોકોમાં જવાનું! દિલ ધડકી રહ્યું હતું. પપ્પાની આંખમાં આંસુ આવી ગયાં, કદાચ વિચારતા હશે કે ” કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો.” અને મારા મનમાં ” ડુંગરા જેવો ઉંબરો બેનીએ માંડ કરી ઓળંગ્યો.” “ચલ રી સજની અબ ક્યાં હોતે, કઝરા ના બેહ જાયે રોતે રોતે” ગીત સ્ટીરીઓ પર વાગતું રહ્યું, પગ ભારે થઇ ગયાં હતાં, પપ્પાનું ઘર છોડતાં જીવ તાળવે આવી ગયો હતો. વળી વળીને હું બા, પપ્પા અને ઘરવાળાને જોઈ લેતી હતી. મારો ભાઈ સાદિક ખુરશી પર ચઢીને કુરાન લઈને ઊભો હતો, હું કુરાનનાં સાચા નીચેથી પસાર થઈને ઇલોલ જવા બસમાં બેસી ગઈ.

એક અજાણી વ્યક્તિ અને એક અજાણ્યા ગામની સફર ની શરૂઆત થઇ ગઈ હતી. રાત્રે નવ વાગે અમદાવાદ પહોંચ્યા. ત્યાં પેરામાઉન્ટમાં શરીફે મને જમાડી. ત્યાંથી સીધા અમે ઇલોલ પહોંચ્યા. ઇલોલ પહોંચ્યા ત્યારે રાતના બે વાગ્યા હતા. અમારું ઘર મેં પહેલીવાર જોયું. બહેને રસ્તો રોકી ભાઈ પાસેથી મેખના પૈસા લીધાં, ઘરમાં દાખલ થવા માટે આ એક રિવાજ હતો. રાતે બે વાગે લગભગ ઘણાં લોકો ઘરમાં આવી ગયાં . હું કોઈ એલિયન હોઉં એવી રીતે બધા મને તાકી રહ્યાં હતાં . મારા વચેટ જેઠાણી મને બીજા ફ્લોર ઉપર લઈ ગયાં, ત્યારે બધાં વિખેરાયાં.

નવા જીવનની મહેક!

બીજા દિવસે ઘરે ઘરે મળવા જવાનું હતું. મેં લીલા રંગની સાડી પહેરી હતી. ગામમાં આવી રીતે સાડી પહેરીને કોઈ નીકળતું નહોતું. શરીફે રિક્ષા બોલાવી હતી છતાં ગામના છોકરાનું ટોળું અમારી રિક્ષા ની પાછળ પાછળ દોડતું હતું. વરસાદની ઋતુ હોવાથી સિમેન્ટ અને ડામર વગરના માટીનાં રસ્તા પર કીચડ થઇ ગયેલો અને હું જ્યાં ઉતરતી ત્યાં સાડી ઊંચી લેવી પડતી હતી. મારા સેન્ડલ પણ ગારાથી ખરડાઈ ગયેલા. ઘરે ઘરે ચા પીવી ફરજિયાત હતી. ઘરે આવી ત્યારે શરમને મારી જે ચા પીધેલી એ બધી ઉલ્ટી વાટે બહાર આવી ગઈ. બિચારા મારા સાસુ કહેવાં લાગ્યાં, મારી સુંદર વહુને નજર લાગી ગઈ છે. ખરેખર હું ત્યારે ઘણી સુંદર દેખાતી હતી. કોલેજમાં મને લીના ચંદાવરકર, અને તનુજા કહીને બોલાવતાં. મા એ નજર ઉતારી. મને બહાર જવાની ના કહી. મને હાશ થઇ હતી. કારણકે એ લોકોની ભાષા હું જાણતી ના હતી, અને લોકો સાથે હળવા મળવાનો મને શોખ ના હતો. મા મને ખૂબ ચાહતાં હતાં . તેથી મા હંમેશા મને સંભાળી લેતાં.

ત્રીજા દિવસે શરીફ મને ગાંધીનગર લઇ આવ્યો. ત્રણચાર દિવસ ત્યાં રહ્યાં. પછી અમે હનીમૂન માટે આબુ ફરવાં ગયાં. અમે ત્રણ દિવસ રોકાયાં હતાં. દેલવાડાના ડેરા જોયાં , નખી તળાવ જોયું. ત્યાં જાતજાતના રંગબેરંગી પક્ષીઓ દૂર દૂરથી આવે છે. પક્ષીનો મધૂર અવાજ કાનમાં સંગીત ઘોળી દે! ત્યાંની પર્વતની હારમાળા જોવાનો એક લહાવો લીધો. દૂર દૂર સુધી હરિયાળી છવાયેલી છે. એમાં જો મનગમતો સાથ હોય તો સફર ઔર હસીન થઇ જાય છે. ખાસ કરીને વહેલી સવારે સૂર્યોદય જોવો એક લહાવો છે. ત્યાંની સુંદરતાએ મને મંત્રમુગ્ધ કરી દીધી હતી. એ પછી તો ઘણીવાર અમે આબુ જઈ આવ્યા, હનીમૂનના પ્રેમની જે સુવાસ હૃદયમાં પ્રસરી એ હજુ સુધી બાકી છે. મધૂર મધૂર દિવસો હતાં.

ત્રણ દિવસ પછી અમે ગાંધીનગર આવ્યા. ગાંધીનગર પહોંચતા જ યુસુફભાઇએ સમાચાર આપ્યા કે મારા દાદા જે બીમાર હતા તે ગુજરી ગયા છે. ફક્ત મારા લગ્ન થવાની જ રાહ જોતા હતા. મારા લગ્ન પછી અઠવાડિયામાં ગુજરી ગયા.

અમે મહુવા જવાં રવાનાં થયાં . દાદાની ઝિયારત કરી શરીફ મારા જન્મપત્રક અને મારા લગ્ન સર્ટિફિકેટ બનાવવાની ધમાલમાં પડી ગયો. જેમાં કાકાના મેનેજર મનહરભાઈએ મદદ કરી. આ બધાં પેપરનું મહત્વ હવે મને સમજાઈ છે. શરીફ બે મહિના માટે આવેલો. અમે પેપર્સની ફાઈલ બનાવી હતી. શરીફ અમેરિકા જઈને પછી મારા માટે વિઝા માટે એપ્લાય કરવાનો હતો. શરીફ અમેરિકા જવાનો હતો ત્યારે હું એને બોમ્બે મૂકવા ગઈ. મારું દિલ ખૂબ ઉદાસ થઇ ગયું હતું. બે મહિનામાં શરીફે મને ખૂબ પ્રેમ આપ્યો. એરપોર્ટ પર હું એને વળગીને ખૂબ રડી પડી. એ મને આશ્વાસન આપતો રહ્યો કે જલ્દી બોલાવી લઈશ. અને હું એને ભીડમાં અદ્રશ્ય થતો જોઈ રહી! હું ગાંધીનગર પાછી આવી. એના વગર મને ખૂબ એકલું લાગતું હતું.

ગાંધીનગરમાં રહીને અમદાવાદમાં મેં કી પંચિંગ ના કલાસ ચાલુ કર્યા . અમદાવાદમાં મારે દેવયાની સાથે મુલાકાત થઇ. દેવયાની સુરેન્દ્રની પત્ની. અને સુરેન્દ્ર શરીફનો પાકો મિત્ર. એ બંને અમેરિકામાં અને હું અને દેવયાની બંને વીઝા ની રાહ જોતાં ભારતમાં. અમારે સરસ મેળ પડી ગયેલો. બંને સાથે ક્લાસ કરીએ, ફિલ્મ જોઈએ, ભેળપૂરી ખાઈએ અને અમદાવાદની ગલીઓમાં રખડીએ. થોડા સમય પછી મને ગાંધીનગરના હેન્ડલુમ હાઉસમાં સેલ્સ ગર્લની જોબ મળી ગઈ. 800 રૂપિયા મહિને પગાર હતો. મને પહેલેથી પગભર થવું ગમતું. કોઈ પાસે પૈસા માંગવા ના ગમે. પણ ખાવા પીવાના બહું ઠેકાણા પડે નહિ એટલે મારું વજન ઉતરવા લાગ્યું હતું. બા પપ્પા એકવાર કાણોદર ગયેલા ત્યાંથી એ લોકો ગાંધીનગર મને મળવાં આવ્યાં. મને જોઈને બા તો રડી જ પડયાં.એમની મમતા ઉમટી આવી!

શરીફે વિઝા માટે એપ્લાય કરી દીધું હતું. અને લગ્ન પછી નવ મહિને વિઝા કોલ આવ્યો. હું ખુશીથી ઉછળી પડી! લગ્ન સમયે મારી ઉંમર 24 વર્ષની હતી. જિંદગી પ્રત્યે હું ગંભીર ના હતી.છોકરમત હતી. અમેરિકાને પણ મેં ગંભીરતાથી લીધું ના હતું. લોકો અમેરિકા જવા માટે પડાપડી કરતાં હતાં. ત્યારે સહેલાઈથી મળેલી તક ને હું સમજી શકતી નહોતી.વિઝા લેવા હું બોમ્બે આવી. બૉંમ્બેમાં માસુમાબેનને ઘરે ઉતરી હતી. વિઝા લઈને હું મહુવા બધાને મળવા ગઈ. બધાથી છેલ્લીવાર વિદાઈ લઇ લીધી. પપ્પાને ભેટીને હું ખૂબ રડી! પપ્પા બોમ્બે સુધી મૂકવા આવેલા. એ મને દૂર સુધી એરપોર્ટ પર અદ્રશ્ય થતી જોઈ રહેલા. એમની આંખોના આંસુ મને દૂરથી પણ દેખાતાં હતાં.

અમેરિકાની સફર!

શરીફે એરફ્રાન્સ ની ટિકિટ મોકલેલી. મારે પેરિસ થઈને અમેરિકા જવાનું હતું. મારા બંને હાથમાં મહેંદી મુકેલી હતી. પ્લેનમાં ઘણાં ગોરા લોકો હતાં. અને એજ પ્લેનમાં રાજેન્દ્રકુમાર બૉલીવુડ ના હીરો પણ હતા. લાંબી મુસાફરીમાં એકવાર હું અને રાજેન્દ્રકુમાર વોશરૂમની લાઈનમાં સાથે થઇ ગયાં . એમણે મને પૂછ્યું “અમેરિકા જાઓ છો?” મેં કહ્યું,”હા.” બાજુમાં એક ગોરો ઉભો હતો એણે મને પૂછ્યું,” વ્હોટ ઇઝ ઈન યોર હેન્ડ?” રાજેન્દકુમારે હસતા હસતા કહ્યું ,”ઇટ્સ કોલ્ડ હેના. શી મસ્ટ બે ગોઈંગ ટુ સી હર હસબન્ડ.” અને ફરીથી ખડખડાટ હસી પડ્યા. હું પણ શરમાઈ ગઈ. આટલી વાતો થઇ ત્યાં સુધી મને ખબર ના પડી કે આ રાજેન્દ્રકુમાર છે. પણ હું મારી સીટ પર પાછી ફરી તો મારી બાજુમાં બેઠેલી એક ભારતીય સ્ત્રીએ પૂછ્યું,”શું કહેતો હતો રાજેન્દ્રકુમાર?” ત્યારે મને ખબર પડી કે એ રાજેન્દ્રકુમાર હતો.

મારા આવ્યા પહેલા શરીફ ફાર્મસી માં જોબ શોધતો હતો. અમેરિકા આવ્યા પાછી શરીફે ફાર્મસીની પરીક્ષા આપી ના હતી. તમારી પાસે ફોરેનની ફાર્મસીની ડિગ્રી હોય તો 3000 કલાકની ઇન્ટરશીપ કરવી પડે પછી તમે ફાર્મસીની પરીક્ષામાં બેસી શકો. અંતે વોટકિન્સ ફાર્મસીમાં ગયો. તે ફાર્મસીનો માલિક ફ્રેડ વુલ્ફ હતો. શરીફે એને કહ્યું કે હું તારી ફાર્મસી માં મફતમાં કામ કરીશ પણ તું મને થોડા કલાક રોજના આપ. ફ્રેડને વિશ્વાસ આવતો નહોતો. શરીફે પ્રમાણિકતાથી મફતમાં કામ કરવા માંડ્યું. શરીફના ગણિત થી અને શરીફની ચપળતાથી ફ્રેડ ખૂબ પ્રભાવિત થયો હતો. હવે બંને દોસ્ત બની ગયાં હતાં . એની વાઈફ મરીન પણ શરીફને ખૂબ ગમાડતી હતી. આ દોસ્તી અમારી હજુ કાયમ છે. દોસ્તી માટે ધર્મ, જ્ઞાતિ અને રંગના વાડા નડતાં નથી. જીવ થી જીવ મળવો જોઈએ. માણસ ખરાબ હોતાં જ નથી. આખા વિશ્વમાં ફરી વળો, આ પંડિત અને મૌલવી અને પાદરીએ દીવાલો ઊભી કરી છે. બાકી દરેકના શરીરમાં એજ લાલ રંગનું લોહી છે, અને છાતી નીચે સંવેદનશીલ હૃદય હોય છે.

હું એપ્રિલ 21,1978 ના દિવસે શિકાગોના એરપોર્ટ ઓહેર પર ઉતરી ત્યારે મને ગ્રીનકાર્ડ એરપોર્ટ પર જ આપી દીધેલું. શરીફ મને લેવા આવેલો, પણ પહેલી નજરે હું એને ના ઓળખી શકી! કારણકે એને મૂંછ રાખેલી. મેં સિલ્કની સાડી અને ફક્ત એક સ્વેટર પહેરેલું હતું, પગમાં સેન્ડલ હતા. શિકાગોની કાતિલ ઠંડીનો પરચો પહેલે દિવસે જ મળી ગયો. અંબાલાલ પટેલની કારમાં શરીફ મને એરપોર્ટ લેવા આવેલો. શરીફે ખાસ અંબાલાલને વિંનતી કરીને “બહારો ફૂલ બરસાવો મેરા મહેબૂબ આયા હૈ” ની કેસેટ મૂકાવેલી. આ વાત હું ક્યારેય નહિ ભૂલું. શરીફ મારો વ્યાકુળતાથી ઇન્તેઝાર કરી રહ્યો હતો. અને પ્રેમના પુષ્પોથી એને મારું અમેરિકામાં સ્વાગત કર્યું.

અંબાલાલ અમને શંકરભાઇ અને શાંતીભાભીને ઘરે મૂકી ગયા. શરીફ એની કૉલેજના મિત્ર શંકરના ઘરે રહેતો હતો. બે બેડરૂમ કિચન અને એક વોશરૂમનું સરસ મોટું એપાર્ટમેન્ટ હતું. મને ખાવાનું બનાવવાનો ખૂબ શોખ હતો. હું જાતજાતનું ખાવાનું બનાવતી , શાંતીભાભી મને મદદ કરતાં. શરીફ અને શંકરભાઇ બંને ગુલ્ડ કંપનીમાં કામ કરતા હતા. ફિલ્ડની જોબ ના હતી. ઓડ જોબ હતી. બંને કવોલિટી કંટ્રોલ ઇન્સપેકર હતાં . હજુ મારા આવ્યાને અઠવાડિયું પણ નહોતું થયું ને શરીફે મને દસ ડોલર આપી સામેથી દૂધ, દહીં, ઈંડા, બ્રેડ વિગેરે લઇ આવવા કહ્યું. હું જવા માટે તૈયાર ના હતી. પણ શરીફે દબાણ કરીને મને મોકલી. હું લગભગ રડી પડી. કારણકે ગોરા લોકોની સાથે કેવી રીતે વાત કરવી, ડોલર અને કોઈન શી રીતે ગણવા એ મને આવડતું ના હતું. હું કાર્ટ લઈને ગ્રોસરી સ્ટોરમાં ગઈ. શરીફે બિલ લાવવાનું કહેલું. હું ગ્રોસરી લઈને આવી તો શરીફે દસ ડોલરનો હિસાબ અને બિલની સાથે કિંમત જોઈને ગણતરી કરી. હું પૈસા બરાબર લઇ આવી હતી. શરીફે મને શાબાશી આપી અને કહ્યું,” આ તારું પહેલું લેસન હતું. અહીંના પૈસાની જાણકારી રાખવી જરૂરી છે, હું ના હોઉં તો તું આટલું તો હેન્ડલ કરી શકે.” ત્યારે ફક્ત દસ ડોલરમાં આટલી બધી વસ્તુ આવતી હતી. અને હવે આટલી ગ્રોસરી માટે પચાસ ડોલર પણ ઓછાં પડે.

એક દિવસ ફ્રેડ અને મરીન અમારે ઘરે આવી ગયાં. ત્યારે સેલફોનનો જમાનો ના હતો,પણ લેન્ડલાઈન હતી. ફ્રેડે શરીફને કહ્યું કે ચાલો આપણે બાનુ ને ડાઉન ટાઉન શિકાગો જોવા લઇ જઈએ. અમે ફ્રેડની કારમાં શિકાગો ડાઉન ટાઉનમાં ખૂબ ફર્યા. ફ્રેડ અમને સરસ રેસ્ટોરન્ટમાં જમવા લઇ ગયો. હું ખૂબ શરમાતી અને અચકાતી હતી. કારણકે ઈંગ્લીશ બોલવું મારા માટે ખૂબ અઘરું હતું. અને ફ્રેડ અને મરીન કાંઈ પૂછે તો એના જવાબ આપી શકતી નહોતી. પણ એ એ દિવસે શિકાગો મને એટલું બધું સુંદર લાગેલું કે મને થયું કે જો જન્નત છે તો અહીં જ છે. ઊંચી ઊંચી કાચની બિલ્ડીંગ્સ, પહોળાં રસ્તાં. લેઈક મિશિગન જોઈને મને મહુવાનો દરિયો સાંભરી આવ્યો. શિકાગોની સ્કાય લાઈન! ઉફ શિકાગો ની બ્યુટી! આજ સુધી એ કાર રાઈડ હું ભૂલી નથી. હજુ સુધી શિકાગોની એ સુંદરતાનું પિક્ચર મારા હૃદયમાં બેઠેલું છે.શિકાગો નો નજારો દરેક ઋતુમાં રોમાંચક હોય છે.

“कभी हरी चादर, कभी सफेद ,तो कभी पीली
ए जमीं तेरा क्या खूब नजारा है इस शहरमे!”

એક મહિનામાં તો અમે અમે જૂની ઇમ્પાલા કાર ખરીદી. જે ફક્ત અમને અઢીસો ડોલરમાં મળેલી. સરસ કન્ડિશનમાં હતી. શરીફે એમાં ડ્રાઇવિંગ શીખી લીધું. આમ તો એ ભારતથી ડ્રાઇવિંગ શીખીને આવેલો. પણ ડાબી સાઈડ અને જમણી સાઈડના ભેદને લીધે અહીં ફરીવાર શીખવું પડ્યું. હવે શરીફ અને શંકરભાઇ બંને સાંજની શિફ્ટમાં કામ કરે એટલે હું અને શાંતિભાભી એકલા પડીએ. બ્લેક એન્ડ વાઈટ ટીવી જોઈએ. હું શરીફ પાસે જીદ કરવા લાગી કે મારે જોબ કરવી છે. ત્યારે ડિવોન એવન્યુ એટલું વિકસેલું ના હતું. બે કે ત્રણ ભારતીય સ્ટોર હતા. જેમાં ઇન્ડિયા સારી પેલેસ પણ હતું. એક દિવસ શરીફ મને સાડી અપાવવા ત્યાં લઇ ગયો. ત્યાંના મેનેજર પંજાબી હતા. મેં એમને પૂછ્યું,” આપની પાસે સેલ્સ ગર્લની જોબ છે?” એમણે હા પાડી. અને મને ત્યાં ને ત્યાં હાયર કરી લીધી. હું ત્યાં જોબ કરવા લાગી. મારે ઘરેથી બસ લઈને આવવું પડતું. યુવાની હતી , જોશ પણ હતો. ઠંડી કે ગરમી હું બસમાં ચડી જતી. અહીં મારે ઘણાં લોકોની ઓળખાણ પણ થઇ. એ સિવાય બોલીવુડના હીરો અને હીરોઇન્સ સાડી લેવા આવે એટલે સેલિબ્રિટી સાથે મુલાકાત પણ થતી. મેં છ મહિના ત્યાં જોબ કરી. પણ મારો પે ખૂબ ઓછો હતો અને મજૂરી ખૂબ કરાવે!

મેં શરીફને કહ્યું કે એની કંપનીમાં જોબ અપાવે દે, શરીફ ના પાડે કે તું આ કામ નહિ કરી શકે, પણ મેં જીદ ના છોડી! અંતે શરીફે એના બોસ મિસ્ટર મરફીને વાત કરી. એ ભલા માણસે મને જોબ આપી દીધી. આમ તો એક કુટુંબના બે માણસોને જોબ આપતા ના હતા, પણ શરીફનું માન ખૂબ હોવાથી મને જોબ મળી ગઈ. ચાર ડોલર કલાકના મળતાં હતાં . હું મશીન ઓપરેટર તરીકે કામ કરતી હતી. પાર્ટ ઉપર થ્રેડ બનાવવાના, હોલ બનાવવાના! આ કામ મોટાં મોટાં મશીન પર થતાં. મારી કૂણી અને નાજુક આંગળીઓમાં લોખંડ અને પિત્તળની ચિપ્સ ઘૂસી જતી અને હું રાતે પ્લકર લઈને આંગળીમાંથી એ ચિપ્સ ખેંચી કાઢતી. અમેરિકા ફક્ત સુખ અને સાહ્યબી જ નથી પણ તકલીફનો સામનો પણ કરવો પડે છે. જીવનમાં મુશ્કેલીઓ પણ વેઠવી પડે છે. કોઈએ નથી કહ્યું કે જીવન ગુલાબની શૈયા છે . એમાં કાંટા પણ હોય છે. ભારતીયને જો એમ લાગતું હોય કે ડોલર ઝાડ પર ઉગે છે અને તોડી લેવાના છે તો એવું નથી! શરીફ મને શા માટે આ જોબ માટે ના કહેતો હતો તે મને સમજ પડી ગઈ! હું અને શરીફ સાથે જ જોબ પર જતાં , સાથે લંચ લેતાં, સાથે અમારી ઇમ્પાલામાં ઘરે આવતાં. શરીફે મને લર્નિગ લાયસન્સ પણ લઇ આપેલું. અમે રાતે દસ વાગે જોબ પરથી છૂટતાં, તે સમયે રાતે દસ વાગે રસ્તાં સૂમસામ રહેતાં . ત્યારે આટલો બધો ટ્રાફીક પણ નહોતો. એટલે શરીફ મને ઇમ્પાલા ચલાવવા આપે. અને હું એમ કરતા ડ્રાઇવિંગ શીખી ગઈ. શરીફના સાથને લીધે એ દિવસો પણ યાદગાર બની ગયાં. “તું જહાં જહાં ચલેગા મેરા સાયા સાથ હોગા!”

છ મહિના અમે શંકરભાઇ સાથે આલ્બનીના એપાર્ટમેન્ટમાં રહ્યાં, પછી અમે અમારું એપાર્ટમેન્ટ શોધવાં લાગ્યાં . મોઝાર્ટ પર મગનભાઈની મલ્ટી સ્ટોરી બિલ્ડીંગ હતી. અમે એમાં એક બેડરૂમનું એપાર્ટમેન્ટ ભાડે રાખી લીધું. 175 ડોલર ભાડું હતું. શંકરભાઇ અને ભાભી ખૂબ પ્રેમાળ હતા. પણ તો પણ મારે અલગ રહેવું હતું. 1979 માં અમે મોઝાર્ટ પર રહેવા આવી ગયાં. બસ ત્યારે અમારું ફોક્સ ફક્ત પૈસા કમાવાનું હતું. શરીફની ઈચ્છા હતી કે 20 લાખ રૂપિયા ભેગા થાય તો વતનમાં પાછું જવું. જિંદગીની રફ્તાર ટ્રેનના પાટા પર ટ્રેન ચાલે એવી વેગે ચાલી રહી હતી. શરીફ મને ખૂબ સારી રીતે સાચવતો હતો કારણકે એ એવું સમજતો હતો કે અહીંયા મારું કોઈ નહોતું અને હું વતન છોડીને એની પાછળ પાછળ આવી હતી. શિકાગોની ઠંડીનું વર્ણન કરવું આવશ્યક છે. શિકાગોની ઠંડીમાં જો ઉકળતું પાણી હવામાં ફેંકવામાં આવે તો બરફના ટુકડાં થઈને જમીન પર પડે. આવી ઠંડીમાં હું પગમાં સ્લીપર પહેરીને નીચે લોન્ડરી કરવા ગઈ. લોન્ડરી બેઝમેન્ટમા હોવાથી દાદર બહારની સાઈડ હતો, જેમાં બરફ જામેલો હતો.શરીફે આ વાત તરત મારા પપ્પાને લખી નાખી. પપ્પાએ મારા પર ગુસ્સો કર્યો અને કહ્યું “શરીફભાઇ કહે તેમ કરો.” આ પ્રસંગ મને યાદ રહી ગયો કારણકે શરીફ મારી હદથી વધારે કાળજી રાખતો હતો. શિકાગોમાં બરફ ખૂબ પડે, સવારે ઉઠ્યા હોઈએ ત્યારે આઠ દસ ઇંચ બરફ પડી ગયો હોય. સવારે જોબ પર જવાનું હોય સ્ટ્રીટમાં પાર્ક કરેલી ઇમ્પાલાને કાઢતા અડધી કલાક લાગી જાય! બરફ ખસેડીએ, કાર સાફ કરીએ, અને ધક્કા મારીને કાર કાઢીએ! ત્યારે જોબ પર પહોંચીએ! પણ એ દિવસોની મજા કૈક ઔર હતી.

અમેરિકામાં સંઘર્ષ!

અમારા લગ્નને ત્રણ વર્ષ થઇ ગયા હતા. અમારી જોબ પણ સારી ચાલતી હતી પણ શરીફને આ જોબ કાયમ નહોતી કરવાની. તેથી એને ફાર્મસીનો અભ્યાસ કરવાનો ચાલુ કર્યો અને ફ્રેડને ત્યાં વૉલીનટીયર તરીકે કામ પણ ચાલુ રાખ્યું. એના ઇન્ટરશીપના 3000 કલાક પૂરાં થવાં આવ્યાં હતાં. આ સમય દરિમયાન અમને ઉસ્માનભાઈ મળી ગયા. ઉસ્માનભાઈનું ટુ સ્ટોરી મકાન હતું. જેમાં ઉપરના ફ્લોરને એમને ભાડે આપવો હતો. આમ એપાર્ટમેન્ટ હતું, પણ સગવડતા બધી હાઉસ જેવી હતી. મોઝાર્ટની લીઝ અમારી પૂરી થતી હતી. તેથી અમે ઉસ્માનભાઈના એપાર્ટમેન્ટમાં જવાનું નક્કી કર્યું. ઉસ્માનભાઈ અને મહેરુનબેન ખૂબ પ્રેમાળ હતા. અમને ઘરના સભ્યોની જેમ ટ્રીટ કરતા હતા. આ એપાર્ટમેન્ટ ફ્રાન્સિસકો એવન્યુ પર હતું.

શિકાગોનો એક હ્રદયદ્રાવક પ્રસંગ યાદ આવી ગયો.શરીફની કૉલેજના એક મિત્ર યુસુફભાઇ વોહરા શિકાગો સાઉથ સાઈડમાં જોબ કરતા હતા. 1979 માં એમને પાંચ ડોલર માટે એક આફ્રિકન અમેરિકને ગોળીઓ મારી. જખ્મી હાલતમાં હોસ્પિટલમાં દાખલ કર્યા. બે મહિના એમને હોસ્પિટલમાં રહેવું પડ્યું. પછી અમે એમને અમારે ઘરે લઈ આવ્યા. અમે એમની ખૂબ સેવા કરી એમને ફરી જીવન તરફ વાળ્યાં. એમણે મને બહેન માની હજુ સુધી એ સંબંધ જાળવી રાખ્યો છે. લાગણીના સબંધ એવી વેલ જેવા છે જે કદી સુકાતાં નથી!

શરીફે હવે દિલથી ફાર્મસીની જોબ શોધવાનું ચાલુ કર્યું અને નસીબથી અમારા ઘરની નજીક જ એને એક પ્રાઇવેટ ફાર્મસીમાં જોબ મળી ગઈ. ફાર્મસીનું નામ હતું, ગોલ્ડનરુલ ફાર્મસી. ફાર્મસીના ઓનર નેથન પોટકિન્સ અને નાન્સી પોટકિન્સ હતું. નેથન વર્ષોથી ફાર્માસીસ્ટ હતા અને અને એમણે ડેન્ટિસ્ટની ડિગ્રી પણ લીધેલી તેથી એમને ફાર્મસી સંભાળવા એક ફાર્મસી ટેક્નિશ્યન ની જરૂરત હતી. ફાર્મસી ફક્ત નસિંગહોમના પ્રિસ્ક્રિપશન ભરતી હતી. એટલે શરીફ બધી દવાઓ ભરીને રાખે, મી. પોટકિન્સ સાંજે આવી બધી દવા તપાસીને નર્સિંગહોમમાં મોકલી આપે. શરીફને પણ આ જોબમાં મજા આવી ગઈ. મી. પોટકિન્સે શરીફને કાર પણ આપેલી. અને ઘરની નજીક વળી ફાર્મસીનો અનુભવ પણ મળી રહ્યો હતો. નાન્સી મારી ‘ગોડ મધર’ બની ગયાં હતાં . એ અમને એમના ઘરે પણ બોલાવતાં . એમના સ્વિમિંગ પુલમાં નહાવાં પડતાં, બાર્બેક્યૂ કરતાં અને ખૂબ મજા કરતાં. પ્રેમ મેળવવા માટે પ્રેમાળ હૃદય જોઈએ.

શરીફે ફાર્મસીની એક્ઝામ આપવા માટે તૈયારી કરી દીધી. પણ પહેલી વાર એ ફેઈલ થઇ ગયો. પણ એક ફાયદો થયો, એમને હેમંત વોરા જેવા મિત્ર મળી ગયા. અમે વિજાપુરા અને હેમંત વોરા એટલે શરીફ અને હેમંતભાઈનો નંબર એક બેન્ચ પર આવેલો. અને હેમંતભાઈના મમ્મી મહુવાનાં એટલે અમારે સરસ મિત્રતા બંધાઈ ગઈ. અને હેમંતભાઈને મેં રાખડી બાંધી સ્નેહના ધાગાથી બાંધી લીધાં. હજુ પણ હેમંતભાઈ સાથે એવોજ સ્નેહનો સંબંધ છે. બાનું અવસાન 2015માં 3 જૂનના દિવસે થયું હતું.

બીજી વખતે શરીફે અને હેમંતભાઇએ મળીને સ્ટડી કર્યો અને બંનેએ ફાર્મસી ની એક્ઝામ 1981 માં પાસ કરી દીધી. પપ્પા પણ ભારત આવવા માટે આગ્રહ કરતાં હતાં. શરીફને પણ મા યાદ આવેલા! શરીફે તો ગુલ્ડ કંપની ક્યારની છોડી દીધી હતી. અમે ભારત જવાનું નક્કી કર્યું અને અમારી ફલાઇટ રવિવારની હતી અને કંપનીએ મને શુક્રવારે લેઈડ ઓફ આપી દીધો. હું ઘરે આવી એટલે હું અને શરીફ તરત અનએમ્પ્લોયમેન્ટ ઓફિસમાં જઈને ફાઈલ કરી આવ્યા કે મને લેઈડ ઓફ મળ્યો છે. અને અમે ભારત જઈએ છીએ એ પણ જણાવ્યું. અમે ભારતથી આવ્યા એટલે તરત મને અનએમ્પ્લોયમેન્ટ ના પૈસા મળવાં લાગ્યાં. શરીફ એક ડૉક્ટર ની ઓફિસ મિશિગન ગાર્ફીલ્ડ ફાર્મસીમાં કામ કરવા લાગયો. ત્યાં બે ડૉક્ટર કામ કરતાં હતાં. ડૉક્ટર સ્મિતા શાહ, અને ડૉક્ટર શાહિદ અન્સારી. ઓનર ડૉક્ટર અન્સારી હતા. શરીફે થોડો સમય ત્યાં કામ કર્યું, ડૉકટર અન્સારી ને શરીફ ગમી ગયો અને એને ફાર્મસી શરીફને વેચવાનું નક્કી કર્યું. આમ શરીફ ફાર્મસીનો ઓનર બની ગયો. હું તો જોબલૅસ હતી, તેથી મેં ફાર્મસી ટેક્નિશ્યનનું લાયસન્સ લઇ લીધું અને હું શરીફની ટેક્નિશ્યન બની ગઈ. ધંધો જોરદાર ચાલતો હતો. ત્યારે ગવેર્નમેન્ટ પબ્લિક એઇડ લેવાવાળાને દવાના ખૂબ પૈસા આપતી હતી. શિકાગોમાં શરીફનો આખો કલાસ સેટલ્ડ થયેલો. ઘણીવાર દિવાળી પાર્ટીમાં આખો કલાસ ભેગો થાય. શરીફના કલાસે ફાર્મસી એશોશિયન બનાવેલું. એને ઘણા મિત્રો ફાર્મસી બોર્ડમાં મોટા મોટા હોદ્દા પર પહોંચી ગયાં હતાં. કલાસમાં સંપ ખૂબ હતો. એકબીજાને જોબ અને ધંધા માટે મદદ કરતાં . આમ એક મીની ભારત શિકાગોમાં વસી ગયું હતું.

ઝિલમિલ સિતારોંકા આંગન હોગા,
રીમઝીમ બરસાતા સાવન હોગા!

આ સુંદર સપનું પૂરું થયું, અમે 1982માં સ્કૉકીમાં ઘર ખરીદ્યું. આ અમારું બંનેનું એકસાથે પહેલું ઘર હતું જે અમારું પોતાનું હતું. જિંદગી સપના જેવી સુંદર વીતી રહી હતી, પણ એક ખોટ હતી. સંતાનની ! અમારા લગ્નને સાત વર્ષ થવા આવ્યા હતા. અલ્લાહે અમને ઔલાદ આપી ના હતી. મારી નાની બહેન બશીરાના લગ્ન 1981 માં થયા, અને નવ મહિનામાં સમાચાર આવ્યા કે એને દીકરો થયો છે. આ સમાચાર મારી છાતીની આરપાર તીરની માફક ઉતરી ગયા. એ દિવસે હું ખૂબ રડી હતી. એટલાં માટે નહીં કે મારી બહેનની મને ઈર્ષા હતી. પણ અલ્લાહે મારી ગોદ શા માટે ખાલી રાખી! અલ્લાહ પાસે ખૂબ ફરિયાદ કરી! બધા ભાઈ બહેનોને ઘરે ત્રણ ત્રણ સંતાન થયા હતા મારા સિવાય! અલ્લાહે મારી ઝોળી કેમ ખાલી રાખી! ત્યારબાદ કોઈપણ ના પ્રેગ્નેટ હોવાના સમાચાર આવતા તો મારા ગળે ડૂમો બાઝી જતો. ડૂસકાંઓ હૃદયમાં અટવાઈ જતા. અમે ઘણાં ડોક્ટરને બતાવ્યું, પણ કોઈ દોષ નજર આવતો ના હતો. બસ સમય લાગી રહ્યો હતો.

ડૉક્ટર અન્સારી પોતાની ક્લિનિક વેચીને હોસ્પિટલમાં જતા રહ્યા. આ ક્લિનિક ડૉક્ટર શાહે ખરીદી લીધી. ડોક્ટર અન્સારીના ગયા પછી શરીફનું દિલ આ ધંધા પરથી ઉતરી ગયું. અમારે હજ કરવા પણ જવું હતું. અમે હેમંત વોરાને ફાર્મસી ચલાવવા આપી અને હજ કરીને ભારત ગયાં. હજમા સંતાન માટે ખૂબ દુઆ કરી. ઉપરવાળાંને ત્યાં દેર છે અંધેર નથી એ વિશ્વાસ હતો. ભારત પહોંચ્યાં પછી શરીફને પાછું અમેરિકા આવવાનું મન ના હતું. પણ 1984 માં અમે પાછાં અમેરિકા આવ્યાં. હેમંત વોરાને ફાર્મસી વેચીને ફરી ભારત તરફ પ્રયાણ કર્યું. મા પાસે રહ્યાં . અમે ગાંધીનગર યુસુફભાઇ સાથે રહેવા લાગ્યાં. અમારી પોતાની કહી શકાય એવી કોઈ જગ્યા ના હતી. આમ બીજાના ઉપર ભારરૂપ થઈને રહેવાનું દિલમાં ખટકતું હતું. ગામમાં મકાન હતું પણ ગામમાં રહીને શું કરીએ? કોઈ કામકાજ તો શોધવું પડે એમ હતું. અમે 1985માં ભારત ગયાં ત્યારે અમાનતનું આંદોલન ચાલતું હતું. મોટે ભાગે કર્ફયુ અને ગુજરાત બંધના એલાન થતા હતા. શરીફ પાસે સિટીજનશિપ હતી. પણ મારી પાસે ગ્રીનકાર્ડ હતું, જે અગ્યાર મહિને રીન્યુ કરાવવું પડતું. એટલે શરીફે મને એકલીને અમેરિકા મોકલી આપી.

હિંમતે મર્દા ,તો મદદે ખુદા!

આ વખતે હું હિંમત કરીને અમેરિકા આવી ગઈ. શરીફ ભારતમાં હતો તે છતાં!! કારણકે અહીં હવે ઘણાં મિત્રો બની ગયા હતા. અને જે લગ્ન પહેલાની બાનુમા હતી એ બાનુમા હવે હું નહોતી. અમેરિકાએ બીજી ઘણી વસ્તુ સાથે હિંમત પણ આપી હતી. અને શરીફે મને જમાના સામે ઊભી રહેતા શીખવાડી દીધું હતું. હું મિત્રોની સાથે રહી. મેં અમેરિકા આવીને શરીફને કોલ કર્યો કે અમેરિકામાં ફાર્મસીની જોબ ખૂબ મળે છે. ભારતમાં તો આપણાં નસીબ ના ખૂલ્યાં, તું અહીં આવી જા. આમ પણ મને ભારતમાં મજા નહોતી આવતી.પોતાના ઘર વગર જાણે બીજાને બોજારૂપ હોઈએ એવું લાગતું હતું. ભલે એ લોકો અમને ખૂબ સારી રીતે રાખતાં હતાં. શરીફ ફરી અમેરિકા આવી ગયો. અમાનતના આંદોલનથી જે સેટલમેન્ટ ગવર્નમન્ટ એ કર્યું હતું એનો અમલ ગવર્નમેન્ટ કરી શકી ના હતી. ત્યારે શરીફને લાગેલું કે પોતે કરેલા વાયદા પાળી શકતી નથી એવી સરકારનો કેટલો ભરોસો કરાય?

અમેરિકા ઓપોર્ચ્યુનિટી નો દેશ છે એમાં કોઈ વિવાદ નથી. સરકાર તરફથી સલામતી પણ છે. સોશિયલ દબાણ પણ નથી. આ દેશમાં તમને જો સંતાન નહિ હોય તો કોઈ મેણાં તો નહીંજ મારે કદાચ સહાનુભૂતિ વ્યકત કરશે. અને સંતાન નથી તે માટે ફક્ત સ્ત્રીને જ દોષી નહીં માને. ભારતમાં પ્રેમ, લાગણી અને સંબંધની મીઠાશ છે. પણ ઘણીવાર લોકો તમારી પર્સનલ વાતને પબ્લિક ઇસ્યુ બનાવી દેતા હોય છે.

1986 માં શરીફે રિટેઇલ ફાર્મસીમાં જોબ કરી અમે બે મહિના મુસબજી મિયાજીના એપાર્ટમેન્ટમાં રહ્યાં કારણકે એ લોકો ભારત જતાં હતાં. 1987માં શરીફે ડોલટન મેડિકલ સેન્ટરમાં જોબ ચાલુ કરી. તે ભરત આચાર્યની ફાર્મસી હતી. એક દિવસે એ ફાર્મસીનો ધંધો બંધ કરીને જતો રહ્યો. ડૉકટર દવે એ શરીફને એ ફાર્મસી આપી દીધી. મેં વોલ્ટ ગ્રોસરી સ્ટોરમાં કેશિયરની જોબ સ્વીકારી લીધી હતી.

1988 માં બશીરાનો ફ્રાન્સથી ફોન આવ્યો કે એ લોકો અમેરિકા ફરવા આવે છે. હું ખૂબ ખુશ થઇ ગઈ. મારા ઘરની પહેલી વ્યક્તિ હતી જે પહેલીવાર મારે ઘરે અમેરિકા આવતી હતી. ત્યાં સુધીમાં બશીરાને ત્રણ બાળકો થઇ ગયાં હતાં. અકીલ, સુકેના અને અબ્બાસ. બશીરા અને શબ્બીરભાઈ પોતાના ત્રણ બાળકો સાથે અમેરિકા આવી ગયાં. અમારી પાસે બે બેડરૂમનું એપાર્ટમેન્ટ હતું. એ લોકો પાંચ જણા એક રૂમમાં સૂઈ જતાં અને અમે એક રૂમમાં! ઘર અમારું નાનું પણ દિલ મોટું હતું અને પ્રેમ એના કરતા પણ મોટો હતો તેથી સાત જણા સમાઈ ગયાં. બશીરાને અમે કેનેડા અને સેન્ટ લૂઇસ ફરવાં પણ લઇ ગયાં. અમેરિકામાં પણ ખૂબ ફેરવી. બશીરા અને એની ફેમેલી બે મહિના અમેરિકા રહ્યાં.

અમારી ટ્રીટમેન્ટ ચાલતી રહી હજુ અમે સંતાનની આશા છોડી ના હતી. ઈશ્વરને જો બાળક આપવું હોય તો મોટી ઉંમરે પણ આપે છે. 1989 માં અમે ફાર્મસી મુસબજીને વેચી નાખી અને શરીફે રોઝલેન્ડ હોસ્પિટલમાં જોબ લઇ લીધી. સાથે સાથે વોલગ્રીનમાં જોબ લીધી હવે શરીફ બે જોબ કરતો હતો. શરીફને વોલગ્રીનમાં ફાર્મસી મેનેજર બનાવી દીધો. શરીફે હંમેશા મને નવું ઘર અપાવ્યું છે. અમે ટીનલી પાર્કમાં ઘર શોધતા હતા અને અમને એક મોડેલ હોમ મળી ગયું. એ જમાનામાં ચાર બેડરૂમ , ત્રણ બાથ , લિવિંગ રૂમ , ફેમેલી રૂમ, કિચન ડાઇનિંગ રૂમ અને ફૂલ બેઝમેન્ટ વાળું બ્રાન્ડ ન્યુ ઘર અમને ખાલી 180,000 માં મળ્યું હતું. સુંદર લેઆઉટ અને સરસ એરિયા. 1989માં આ મકાનમાં રહેવાં આવ્યાં મેં બાજુના ઓમની સ્ટોરમાં કેશિયર તરીકેની જોબ સ્વીકારી લીધી.

એક ફર્ટિલિટી સ્પેશ્યલિસ્ટ સાથે અમારી ટ્રીટમેન્ટ ચાલુ હતી. 1989 નવેમ્બર મહિનામાં મેં પ્રેગ્નેસી ટેસ્ટ કર્યો અને પોઝેટીવ હતો. હું તો નાચી ઉઠી! અલ્લાહ તારો શુકર! હું અને શરીફ સજદામાં પડી ગયાં . અલ્લાહે અમારી દુઆ સાંભળી હતી. હવે મારા આંગણમાં પણ કોઈ પાપા પગલી કરશે ! દીકરો કે દીકરી ગમે તે હોય એ મારી આંખનો સિતારો બની જશે! ચારે તરફ ખુશી જ ખુશી હશે! “જીવનકી બગિયા મ્હેકેગી .લહેકેગી ચહેંકેગી , ખુશીયોંકી કલીયા જૂમેગી જૂલેગી ફૂલેગી!”આટલા વર્ષની સબરનો બદલો મળ્યો હતો. ત્યારે મારી ઉંમર સાડત્રીશ વર્ષની હતી. લગ્નને તેર વર્ષ થયા હતા. ઘણાં વરસો મેં રડી રડીને કાઢ્યાં , શરીફના પ્રેમે મને જીવતી રાખી હતી. પણ અમે બંને એટલા ઉત્સાહમાં આવી ગયાં કે ભારત જવાનું નક્કી કરી નાખ્યું. જાન્યુઆરી મહિનામાં અમે ભારત જવાં ઉપડયાં ત્યારે અમને ખબર ના હતી કે અમારું શું થવાનું હતું!

મુંબઈ પહોંચી ગયાં. એક મિત્રને ત્યાં દાવત ખાવા જવાનું થયું. ત્યાંથી આવ્યાં, મને બ્લીડીંગ ચાલુ થઇ ગયું. મારી બહેન માસુમાએ તરત ડોક્ટર ગુલરાજાનીને કોલ કર્યો. બ્લીડીંગ બંધ જ થતું ના હતું. મારી આંખમાંથી આંસુ દડી રહ્યાં હતા. મારા બાળકને કોઈપણ રીતે બચાવવું હતું. ડોક્ટર ગુલરાજાનીએ એમની હોસ્પિટલમાં દાખલ કરવાનું કહ્યું. હું હોસ્પિટલમાં દાખલ થઇ ગઈ.શરીફને દવાની જાણકારી એટલે બધી દવા એ વાંચે કે કઈ છે. દવાની સાઈડ ઇફેક્ટ પણ એને ખબર હોય. એને ચિંતા થવા લાગી કે ખબર નહીં આ ડોક્ટર કેમ આવી દવા આપતી હશે? પણ ગુલરાજાની એક પણ વાત ના માની અને દવા કરતી રહી. અને મારો ગર્ભ ટકી ગયો. વીશ દિવસે હું ઘરે આવી. ડોકટરે ગામમાં જવાની તેમજ મુસાફરી કરવાની ના પાડી. અમેરિકા આવવાની પણ રજા જો એને યોગ્ય લાગે તો જ આપશે એવું કહ્યું. હું માસુમાને ઘરે રોકાઈ ગઈ. માસુમાએ મારી ખૂબ સેવા કરી મને પથારીમાંથી ઊભી ના થવા દીધી. બે મહિના થઇ ગયાં. હું ઇલોલ ના ગઈ, હું મહુવા ના ગઈ. બધાં મને મળવાં મુંબઈ આવ્યા. બા બિચારા અસ્થમાના પેશન્ટ પણ બોમ્બે આવી ગયાં. મારા નણંદ અને નણંદોઈ પણ બોમ્બે આવી ગયાં. બે મહિના પછી ગુલરાજાનીએ અમેરિકા આવવાની રજા આપી. હું ગુલરાજાનીનો જેટલો એહસાન માનું, તેમજ માસુમા અને ગુલામઅબ્બાસનો જેટલો એહસાન માનું એટલો ઓછો. એ લોકોની મહેનતથી શબ્બીરને બચાવી શકી. અને નિરાશામાંથી બહાર આવી શકી.

અમેરિકા આવી મેં ડોક્ટરની સૂચનાથી બેડરેસ્ટ કર્યો. જુલાઈ 31, 1990 ના દિવસે સવારે મને લેબરપેઈન ચાલુ થયું. શરીફ વોલગ્રીનમાં જોબ કરતો હતો અને સવારે એને સ્ટોર ખોલવાનો હતો એટલે એ મારી સાથે હોસ્પિટલ આવી ના શક્યો. મારી મિત્ર મને હોસ્પિટલ લઇ ગઈ. સાંજના ચાર વાગ્યા સુધી શબ્બીરનો જન્મ ના થયો, પછી ડોકટર હેડવેંગીએ સર્જરી કરવાનું નક્કી કર્યું. શરીફ હજુ સુધી આવ્યો ના હતો તેથી મારે જ નિર્ણય લેવો પડ્યો. નર્સ મને ઓપરેશન થિયેટરમાં લઈ જતી હતી, એટલામાં શરીફ આવી ગયો. સાંજનાં 4.31 એ નર્સે મારા હાથમાં શબ્બીરને આપ્યો! ઓહ અલ્લાહ! આનાથી સુંદર કોઈ ચીજ નથી. કેવો સુંદર ! કેવો મીઠો! જાણે કોઈએ ચાંદને મારા હાથમાં મૂકી દીધો. મારી તથા શરીફની આંખો ખુશીથી છલકાઈ ગઈ! અત્યારે મારો શબ્બીર 31 વરસનો થઇ ગયો છે, એને ફાતિમા સાથે લગ્ન કર્યા છે અને એના ઘરે પણ દીકરો આવ્યો છે જેનું નામ ઇહાન છે ઇહાન નો અર્થ શરદપૂનમ છે. જેને અમારા જીવનમાં ચંદ્ર જેવું નૂર ફેલાવી દીધું છે. ફરી એકવાર અલ્લાહે મારા હાથમાં ચાંદ મૂકી દીધો છે!

મેરા રાજદુલારા,

વોહ જીવન પ્રાણ હમારા દિનકા વોહ સૂરજ હૈ રાતોકા ચાંદ સિતારા ,થોડાં હમારાં થોડાં તુમ્હારા આયા ફિરસે બચપન હમારાં! શબ્બીરે અમારાં જીવનમાં નવા રંગ ભરી દીધા! એના જન્મ પછી મેં જોબ કરી નહિ. પણ શરીફ ત્રણ જોબ કરતો હતો. શબ્બીર મને મા કહીને બોલાવે છે. એ બે વર્ષનો થયો એટલે અમે એક ઇન્ડિયન ગ્રોસરી સ્ટોર ખરીદ્યો. એમ કહું તો ચાલે કે ખરીદવો પડ્યો. અમે એ સ્ટોર ભારતથી આવતા અમારા એક નજીકના મિત્રના જમાઈ માટે લીધેલો. એમને વિઝા માટે એપ્લાય કરેલું અને આવીને ગ્રોસરી સ્ટોર સંભાળશે એવું નક્કી થયું હતું. પણ એમને વિઝા મળી નહિ. એટલે સ્ટોર મારે સંભળવો પડ્યો. પણ મેં એમ્પ્લોયી રાખેલો.એનું નામ રઝાક હતું. એ પ્રમાણિકતાથી સ્ટોર સંભાળતો હતો હું શબ્બીરને કારમાં બેસાડી સામાન લેવા જતી. જેમકે વેજીટેબલ્સ , મૂવીની વિડિઓ કેસેટ , સમોસા ખમણ વિગેરે. એક દિવસ તો ટાયર ફ્લેટ થઇ ગયું હતું. હાઇવે પર એક દેવદૂત જેવા મેક્સિકને ટાયર બદલી લીધું, મેં એને દસ ડોલર આપવા પ્રયત્ન કર્યો, તો મને કહે, “તું ‘ગોડ’માં માને છે?” મેં હા કહ્યું, તો કહે ,” બસ અમારા માટે દુઆ કરજે! “ગરીબ લોકોમાં પણ કેટલી દયા , કરુણા અને ખુદ્દારી હોય છે! અને એકવાર ડિવોનથી આવતા ખૂબ વરસાદને લીધે બધે પાણી ભરાઈ ગયેલા. આમ તો મારા ઘરથી ડિવોન 45 મિનિટ્સ નું ડ્રાઈવ હતું, તે દિવસે હું શબ્બીરને લઈને પાંચ કલાકે ઘરે પહોંચી. શબ્બીર મારો ખૂબ ધીરજવાળો હતો. દૂધની બોટલ પણ ખલાસ થઇ ગયેલી અને પાણી પણ ના હતું! ત્યારે કારમાં જી.પી.એસ પણ ના હતા. સેલ ફોન પણ નહીં !પણ અલ્લાહની મહેરબાનીથી પાંચ કલાકે ઘરે પહોંચી ગઈ. મેં એ સ્ટોર બે વર્ષ ચલાવ્યો. પછી વેચી નાખ્યો.

1994 માં મારા વચેટ જેઠનો વિઝાકોલ આવી ગયો. શરીફને ખબર હતી કે મારા જેઠની ઉંમર થઇ ગઈ હોવાથી એ ક્યાંય ઓડ જોબ નહિ કરી શકે! એમણે ડિપ્લોમા ફાર્મસી કરેલું હતું. શરીફે એ લોકોને સેટ કરવા માટે એટલાન્ટામાં બે હોટલમાં પાર્ટનરશીપ રાખી. પાર્ટનર અમારા મિત્ર જ હતા. શરત એટલી રાખી કે તમારે અમારા ભાઈ ભારતથી આવે એટલે એમને જોબ આપવાની. મિત્ર કબૂલ થઇ ગયા. યુસુફભાઇ, ઝોહરાભાભી અને આબીદ અમેરિકા આવી ગયાં . એમનો મોટો દીકરો તાહિર 21 વરસનો થઇ ગયો હતો તેથી તેને વિઝા ના મળી. અમે એમને એટલાન્ટા ડ્રાઈવ કરીને લઇ ગયાં . એટલાન્ટા ટીનલી પાર્કથી દસ કલાકનું ડ્રાઈવ થાય. શબ્બીર ત્યારે ચાર વરસનો હતો. શરીફ મૂકીને ફ્લાય કરીને ટીનલી પાર્ક પાછો ગયો. હું એમની સાથે રોકાઈ. હોટલમાં એપાર્ટમેન્ટ હતું તેમાં તેમને રહેવાનું હતું. પણ ભારતમાં આરામની જિંદગી જીવેલા અને દિકરાથી કદી જુદાં થયેલાં નહીં તેથી મારા જેઠાણી તો રડ્યાં કરે, યુસુફભાઇ પણ બેચેન ફર્યા કરે. અઠવાડિયામાં એમણે નિર્ણંય લઇ લીધો કે એમણે અમેરિકા નહીં ફાવે. અમે એમને ત્રણ મહિના ફેરવી પરત ભારત મોકલી આપ્યા. એવી જ રીતે ત્રણ મહિનામાં બીજા જેઠ હાસમભાઇ મદિનાનાભાભી , મહંમદ અને નજમા આવ્યાં. એમના દીકરાને તો સ્કૂલમાં દાખલ કર્યો, દીકરીને પણ દાખલ કરી પણ એ લોકોને ભાષાનો મોટો પ્રોબ્લેમ લાગતો હતો. દીકરો તો સ્કૂલ જતા ગભરાતો હતો. અને એમને પણ ભારત જવાનું નક્કી કર્યું. આપણો દેશ સારો છે! એવું કહેવા લાગ્યાં. એ પણ ભારત પાછાં ફર્યા.

શબ્બીર ધીરે ધીરે મોટો થઇ રહ્યો હતો. એના શિક્ષણનું હું જ ધ્યાન રાખતી હતી. એને સન્ડે સ્કૂલમાં લઇ જતી હતી અને ઇસ્લામિક એડ્યુકેશન અપાવતી હતી. શરીફ વોલગ્રીન અને રોઝલેન્ડ હોસ્પિટલમાં બીઝી હતો. . સાથે સાથે સ્ટોક માર્કેટમાં પણ રસ લેતો હતો.1995 અને 1996 માં ઇન્ટરનેટ આવી ગયું. કોમ્પ્યુટરનું મહત્વ વધવા લાગ્યું. સોશિયલ મીડિયા ચાલુ થઇ ગયું. દુનિયા નાની બનતી ગઈ. પારકા પોતાના થઇ ગયાં અને પોતાના દૂર થતાં ગયાં. જિંદગીનું વહેણ બદલાઈ ગયું. દરેક વ્યક્તિ પોતાનામાં મસ્ત રહેવા લાગી. આ સમય દરમ્યાન ક્યારેક ક્યારેક અમે ભારતની મુલાકાત લઇ આવતાં હતાં. શબ્બીરને દેશનું વાતાવરણમળે, અને સગાંવહાલાંને ઓળખે તે માટે!

1999ની સાલમાં અચાનક મારા જેઠનો કોલ આવ્યો કે મા ગુજરી ગયાં. માને કોઈ બીમારી ના હતી. મા ખૂબ તંદુરસ્ત હતાં. ચોરાણું વર્ષની ઉમરે પણ કોઈપણ જાતની મેડિસિન લેતાં નહોતાં. એમણે આખી જિંદગી કામ ખૂબ કર્યું. ચોત્રીસ વર્ષની નાની ઉમરે પતિને ગુમાવ્યાં. આઠ બાળકોની જવાબદારી એમના પર આવી ગઈ. ખેતી સિવાય કોઈ આવકનું સાધન ના હતું. તેથી નસીરભાઇ જે થોડા મંદ બુદ્ધિના હતા એમને લઈને ખેતરમાં કાળી મજૂરી કરી અને બાળકોને ભણાવ્યાં. દીકરીઓના લગ્ન કર્યા. બધાં સંતાનોના લગ્ન કર્યા, પોતાના બાળકો માટે ખૂબ કુરબાની આપી હતી. ‘મધર ઇન્ડિયા ‘નું બિરુદ ખરેખર એમને મળવું જોઈતું હતું. એ મા દુનિયાથી ચાલ્યાં ગયાં હતાં. મેં શરીફની ટિકિટ બુક કરાવી અને એને કહ્યું નહીં કે મા આપણને છોડીને જતાં રહ્યાં છે. એમને પ્લેનમાં બેસાડી હું ખૂબ રડી પડી! મા એ મને પ્રેમ આદર, સન્માન બધું આપેલું. હું એમની ફેવરિટ દીકરાની વહુ હતી. હવે એમને હું કદી જોઈ નહિ શકું!

2000ની સાલમાં ભારતથી ભાઈનો કોલ આવ્યો કે બા સખત બીમાર રહે છે અને એમના છેલ્લાં દિવસો છે. તારે મળવું હોય તો આવી જા. હું જુલાઈ મહિનામાં શબ્બીર સાથે ભારત પહોંચી ગઈ. બાને જોઈને બાના ખોળામાં માથું રાખીને પોકે પોકે રડી પડી. બાને ઘણાં વર્ષે જોયાં હતાં. બા દસ વર્ષથી પથારીમાં હતાં. એ મોટાભાઈને ઘરે રહેતાં હતાં. બા જિંદગીભર શરીરે ભરાવદાર હતાં. પણ જ્યારે આ સમયે હું ભારત ગઈ તો બાની દુબળી કાયા અને ઢીલા ઢીલા કપડાં જોઈને મારા મોઢામાંથી ચીસ નીકળી ગઈ. “બા,બા તમારી આ હાલત શી રીતે થઇ?” બાની આંખોમાં કેટલાય કિસ્સા હતા. બા મૌન રહ્યાં. મારી હિંમત પણ ના હતી પૂછવાની! મારા સવાલનો બા પાસે જવાબ ના હતો. પણ જવાબ ની આશા પણ ના હતી. એ એક મહિનો બા સાથે સમય કાઢ્યો. પણ અમેરિકાએ મારી બા નો સાથ છીનવી લીધો હતો. આમ તો દીકરીના લગ્ન થાય એટલે માબાપનો સાથ છૂટી જતાં હોય છે. પણ નજીક હોય તો મુલાકાત થયાં કરે! મહિના પછી હું અમેરિકા પાછી આવી. બા ત્યારે જીવિત હતા. પણ એજ વર્ષે સપ્ટેમ્બરની ચોથી તારીખે બાના મૃત્યુના સમાચાર મળ્યા. અને એ દિવસથી માની દુઆ થી વંચિત થઇ ગઈ!

मां जबसे छोड गई है इस जहाँको
दामन और दिल दोनों महेरुम दुआसे रहे

શબ્બીર દસ વર્ષનો થઇ ગયો હતો.

પાંચમા ધોરણમાં આવી ગયો હતો. એટલે મેં એન.એલ .એસ. બી બેંકમાં કેશિયર તરીકેની જોબ લીધી હતી. 2000 થી મેં જોબ ચાલુ કરી હતી. શબ્બીરની સ્કૂલનો સમય આઠ વાગ્યાનો હતો હું પણ આઠ વાગે જોબ પર જવા નીકળતી અને શબ્બીરના આવવાનો સમય ત્રણ વાગ્યાનો હતો અને હું બે વાગે ઘરે આવી જતી. એટલે બધું સરસ ગોઠવાઈ ગયું હતું. આ બેંકમાં ઘણી ગોલમાલ ચાલતી હતી. એ જમાનામાં તમે જોબ પર પહોંચો એટલે કાર્ડ પંચ કરવાનું હોય. અહીં કાર્ડ પંચ કરીને સ્ટાફની ગોરી છોકરીઓ બહાર નીકળી જતી. પોતાના કામ પતાવીને શાંતિથી પાછી આવે. આના લીધે મારા પર કામનો બોજો વધી જાય. કોઈ કેશિયર હાજર ના હોય. કસ્ટમરની મોટી મોટી લાઈન થઇ જાય. હું રોજ શરીફને આવીને કકળાટ કરું. એક દિવસે શરીફે બેંકના સી ઈ ઓ ને નનામો લેટર લખી નાખ્યો કે આ બેંકમાં આવું બધું ચાલે છે. સીધો શક મારા પર આવ્યો કારણકે હું એ લોકો સાથે ભળેલી નહોતી. બેંક ચેતી ગઈ. સી ઈ ઓ એ મિટિંગ બોલાવી અને બ્રાન્ચ મેનેજર સાથે બાવીશ લોકોને ફાયર કર્યા. નવો સ્ટાફ આવી ગયો. અને નવી બ્રાન્ચ મેનેજર મેરિઓન આવી ગઈ. એ મને ખૂબ માન આપવા લાગી. મને ઓફિસમાં બોલાવીને કહ્યું “તું કાઈપણ ગોલમાલ થાય તો મને જણાવી દેજે.” બેંકે એટલી પ્રગતિ કરી કે એ એક મોટી બેંક સાથે જોડાઈ ગઈ હવે મારી બેન્કનું નામ હૅરિસ બેંક હતું.

એ સપ્ટેમ્બર 11 , 2001ની તારીખ હતી. હું સવારે જોબ પર જવા નીકળી હતી. રોજની જેમ મેં રેડિયો પર ન્યુઝ મૂકેલા. હું સમાચાર સાંભળતી હતી. અને અચાનક બ્રેકીંગ ન્યુઝ મેં સાંભળ્યા કે વર્લ્ડ ટ્રેડ સેન્ટર સાથે એક પ્લેન અથડાયું અને ટાવર ડેમેજ થઇ ગયો છે. તરત બીજું પ્લેન આવ્યું અને બીજી તરફથી ટાવર સાથે અથડાયું. અને ત્રીજા પ્લેને પેન્ટાગોન પર હુમલો કર્યો. એક પ્લેન પેન્સિલ્વિનયામાં પણ અથડાયું. મુસલમાન ટેરોરિસ્ટનું નામ આવ્યું. 2977 માણસો ગુજરી ગયા. જેમાં 19 લોકો હુમલો કરવાવાળા પણ હતા. 6000 લોકો ઘાયલ થયાં હતાં. ઉસામા બિન લાદીનનું નામ આવી રહ્યું હતું. ઈસ્લામ જે પરદા પાછળ છુપાયેલો હતો, એ ચર્ચામાં આવી ગયો.

અમેરિકન મુસ્લિમ પ્રત્યે જુદી દ્રષ્ટિથી જોવા લાગ્યા. હિજાબ પહેરેલી સ્ત્રી કે દાઢીવાળા પુરુષને ટેરોરિસ્ટ ગણવા લાગ્યા! એમની તરફ શંકાથી જોવાં લાગ્યાં. મસ્જિદ તરફ કડક નજર રાખવામાં આવતી. પણ આ ધડાકાથી એક રિવર્સ અસર પણ આવી. ઈસ્લામની અવગણના કરવાવાળા ઈસ્લામને જાણવાં સમજવાં માટે કુરાન ખરીદવા લાગ્યા! હજારોની સંખ્યામાં કુરાન વેચાવાં લાગ્યાં. હજારોની સંખ્યામાં લોકો મુસલમાન પણ બનવાં લાગ્યાં. આફ્રિકન અમેરિકન અને ગોરા લોકો ઈસ્લામને સ્વીકારવાં લાગ્યાં. કુરાનમાં એક આયાત છે કે ” જો કોઈએ એક માનવીને માર્યો, તો એણે આખી માનવજાતને મારી, અને જો કોઈએ એક માનવીને બચાવ્યો તો એણે આખી માનવજાતને બચાવી.” સુરા માએદા આયાત 32. ઇસ્લામ શાંતિપ્રિય ધર્મ જ છે. અસ્સલામો અલયકુમનો અર્થ પણ “તમારા ઉપર સલામતી થાય.” એવો થાય છે. તો ઉસામા બિન લાદીન ઈસ્લામમાં નથી, પણ ઉસામા ઈસ્લામનો દુશમન છે એમ કહી શકાય! શબ્બીરના બાળમાનસ પર આ પ્રસંગની અસર થઇ હતી. ઈસ્લામને સમજવાની કોશિશ કરવા લાગ્યો. હું પણ ઈન્ટરફેઈથ કાર્યક્રમમાં જવા લાગી. શિકાગો ડાઉન ટાઉનમાં એક મોટો ઈન્ટરફેઈથ કાર્યક્રમ થયેલો. જેમાં એક ક્રિશ્ચન અને એક મુસ્લિમ એમ બેસાડવામાં આવ્યાં હતાં. મારી સાથે એક ક્રિશ્ચન શિક્ષિકા હતી. અમે બંનેએ ખૂબ વાતો કરી અને અંતમાં માનવધર્મ સૌથી શ્રેષ્ઠ છે, અને એને ફોલો કરવો જોઈએ. તેમજ કોઈ પણ ધર્મ હિંસા શીખવતો નથી. એમ માનીને શેક હેન્ડ કરી અમે છૂટા પડયાં હતાં. લોકોમાં એકતા પણ આવી. લોકોનો ઇસ્લામ પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલાયો.

પપ્પા હવે એકલા પડી ગયા હતા.

જોકે બા પપ્પાને બંને જીવતાં હતા ત્યારથી જ જુદાં પાડી દેવામાં આવ્યાં હતાં . બાગબાન મુવી જેવી હાલત થઇ હતી. બાગબાનમાં છેલ્લે અમિતાભ અને હેમા માલિની મળી જાય અને અને ‘બાગબાન’ પુસ્તકમાંથી લાખો રૂપિયા કમાય છે પણ અહીં એવું કાંઈ બન્યું નહિ.એ થૅન્ક્સ ગિવિંગ નો સમય હતો , ભાઈનો કોલ આવ્યો,” પપ્પાની તબિયત સારી નથી. તું ભારત આવી જા, છેલ્લીવાર પપ્પાનો મોઢું જોવા માટે!”મને ભારતની ટિકિટ મળતી નહોતી . મેં બેગ તૈયાર રાખેલી અને શરીફનો મારી જોબ પર કોલ આવ્યો કે તને આજ રાતની ટિકિટ મળે છે તું જલ્દી ઘરે આવી જા. મેરીઓન મારી બોસ ખૂબ સારી હતી. એને કહ્યું ,”બાનુ, તું જા અમે તારું ડ્રોઅર બેલેન્સ કરી લઈશું.” અને હું નીકળી ગઈ. પ્લેનમાં હું રડતી રહી. ભારત મને હતું એના કરતા પણ દૂર લાગ્યું. હું ભારત પહોંચી તો પપ્પા મને ઓળખી પણ ના શક્યા. એમને ઓલ્ઝાઇમર થઇ ગયું હતું. એમણે મને પૂછ્યું,” તમે કોણ બહેન ?” પણ આંખો બંધ કરીને બોલતા હતા કે “બાનીયાને બોલાવો એ અમેરિકા છે.” મેં પપ્પાને હલાવીને કહ્યું,” પપ્પા, હું તમારો બાનીઓ પપ્પા આંખો ખોલો, પપ્પા મને ઓળખો! હું જ તમારો બાનીઓ ! ” પણ પપ્પા ના ઓળખી શક્યા. પપ્પાએ ખાવા પીવાનું મૂકી દીધું હતું. બસ ખાલી શ્વાસ ચાલતાં હતાં. ફરી એકવાર મને મજબૂર થઇ અમેરિકા પાછું ફરવું પડ્યું કારણકે રિટર્ન ટિકિટ લઈને આવી હતી. સત્તર ડિસેમ્બર 2002ના દિવસે પપ્પાને આવી હાલતમાં મૂકીને અમેરિકા પાછી ફરી. 21 ડિસેમ્બરે એમણે પ્રાણ છોડી દીધા. બાનીયાના પપ્પા બાનીયાને આ દુનિયામાં એકલી મૂકીને જતા રહ્યા.

મેં સગાવહાલા પાસેથી સાંભળ્યું કે પપ્પાની તબિયત થોડી સારી હતી ત્યારે પપ્પા ઘૂંટણિયે ચાલતા ચાલતા ભાઈના ઘરમાંથી બહાર નીકળી જતા અને કહેતા કે મારે 299 માં જવું છે. પણ એમને યાદ ના હતું કે એ ક્યાં આવ્યું છે. મરતા મરતા પણ એમને 299 માં રહેવા જવું હતું! એવો પ્રેમ હતો એ બંગલા સાથે! પપ્પા તમે હવે નથી, 299 પણ નથી ત્યાં એક ખાલી મેદાન છે. પપ્પાનો માળો વિખેરાઈ ગયો. એક એક તણખલું લઈને એમણે બાંધ્યો હતો. હવે પપ્પાના બધાં અરમાન એક મેદાન બની ગયા છે . ત્યાં હવે રાતરાણી, ગુલાબ કે ચંપો મહેકતા નથી. ત્યાં હવે બોગનવેલ નમીને સલામ કરતી નથી. ત્યાં નાળિયેરી દીકરીઓની રાહ જોતી નથી.ત્યાં ‘પપ્પા પપ્પા , બા બા” નો કલરવ સંભળાતો નથી. બસ એક સૂનું મેદાન છે. ખુલ્લા મેદાનમાં પપ્પાના પગલાં પણ નથી! 1970 માં બંધાયેલા એ માળાના તણખલાં 2017માં વેરવિખેર થઇ ગયાં!

બસ નથી ગમતું હવે ‘સપના’ અહીં
આજ  પપ્પા  એ જ લખવાનું  હતું.

સમય તો વહેતો જ જાય છે. 2003 માં અમે લોકોએ યુરોપની ટૂર લીધી. શબ્બીર તેર વરસનો થયો હતો. અમે ફ્રાન્સ ઘણીવાર જઈ આવેલાં. યુરોપની ટૂરમાં અમે સત્તર દેશ જોયાં. જેમાં સ્વિઝર્લેન્ડ , ઇટલી, ફ્રાન્સ, બ્રિટન, જર્મની, ઓસ્ટ્રિયા વિગેરે હતાં. 2004 જુલાઈમાં અમે ફરી ભારતથી અમે મલેશિયા, સિંગાપુર, અને થાઈલેન્ડ ફરવા ગયાં હતાં. અમે જ્યારે ભારત જતાં ત્યારે એક દેશ જોઈને જતાં. જેમાં કેનેડા,ટરકી, સ્પેન, મસ્કત, મોરોકો , ઈજીપ્ત ,ઓમાન, દુબઇ, સીરિયા, ઈરાન, ઇરાક, અબુધાબી આવે છે. આમ શરીફે કુદરતની બનાવેલી આ અદભૂત ધરતી પર 32 દેશ દેખાડીને મને મંત્રમુગ્ધ કરી દીધી છે. દુનિયા જોવાનો મારો શોખ એ હજુ પણ પૂરો કરી રહ્યો છે. પ્રકૃતિ એટલે ઈશ્વર! અવની આટલી સુંદર છે તો જેને આ અવની બનાવી છે તે કેટલો સુંદર હશે ! આ પહાડ, આ ફૂલો, આ જંગલ, વહેતી નદીઓ, આ સમુદ્ર, આ અવનવા પ્રાણીઓ, અને આ રંગબેરંગી પક્ષીઓ! અહો ઈશ્વર કેવી કરામત કરી આ અવની બનાવીને !!

આસમાની ચૂંદડી ઓઢી ધરા સોળે સજી
ચાંદની પણ પાથરી તે કેટલો સુંદર હશે!

2004 માં શરીફે વોલગ્રીન છોડીને સીવીએસમાં જોબ લીધી. અમે ટીનલી પાર્ક છોડી ને શ્યામબર્ગ રહેવાં આવી ગયાં. એ ઘર મસ્જિદથી નજીક હતું અને શરીફની જોબથી પણ નજીક હતું. ટીનલી પાર્ક માં અમે સોળ વર્ષ રહ્યાં. એ ઘર છોડતાં ખૂબ દર્દ થયું. એ ઘરમાં હતાં ત્યારે મા , બા અને પપ્પાને ગુમાવ્યાં હતાં. વળી અમારા પડોશી બધાં અમને ખૂબ ચાહતાં હતાં. શબ્બીરના જન્મથી શબ્બીરને 14 વર્ષનો થતા જોયો હતો. શબ્બીરનો ખાસ મિત્ર માઈકલ અને માતાપિતા ઓસ્કાર અને લીઝ જે અમારી બાજુમાં રહેતાં હતાં. પાછળ મેટ અને બની રહેતાં હતાં, સામે રહેતાં એલ અને વેરોનિકા અમારા સુખદુઃખના સાથી બની ગયાં હતાં . એ બધાને છોડીને જવાનું ખૂબ દુઃખ હતું. ભલે એમની સાથે લોહીનો સંબંધ ના હતો. પણ લાગણીનો સંબંધ જરૂર હતો.

શ્યામબર્ગ આવતા મારે બેન્કમાંથી પણ બદલી કરાવવી પડી. 2004 થી બેરીંગ્ટનની હેરિસ બેંકમાં કામ ચાલુ કર્યું. તે 2008 સુધી કામ કર્યું. ટીનલી પાર્કના ઘરમાં એક વખત હું દાદર પરથી પડી ગઈ હતી. અને મારા ગોઠણની ગાદી તૂટી ગઈ હતી. તેથી મને ચાલવામાં ખૂબ તકલીફ પડતી હતી. ડોકટરે ‘ની રિપ્લેસમેન્ટ’ કરવાની સલાહ આપી હતી. શરીફને પણ લાગતું હતું કે આટલી નાની ઉંમરે આવી જિંદગી શી રીતે જીવાય? સ્ટોર માં જવાનું પણ હું ટાળતી. ચાલી જ નહોતી શકતી. 2008 ની જૂન મહિનાની 21 તારીખે નોર્થવેસ્ટ હોસ્પિટલમાં મારાં બંને ગોઠણની સર્જરી થઇ. સર્જરી તો થઇ ગઈ પણ મને લગભગ બધી પેઈન કિલરની એલર્જી હતી, એટલે કોઈ પણ પેઈન કિલર લઇ શકતી નહોતી. અને આ સર્જરીનો દુ:ખાવો સખત હોય છે. મને નવ મહિના લાગ્યા રિકવર થતા. પણ શરીફે અને શબ્બીરે મારું ખૂબ ધ્યાન રાખ્યું. હું રિહેબ માં ત્રણ અઠવાડિયા રહી તો શરીફ મને વ્હીલચેરમાં નાખી અને રસ્તા પર ફેરવ્યા કરે કારણકે દર્દ એટલું થાય કે પથારીમાં સુઈ પણ ના શકું. આ રિકવરીને લાંબો સમય લાગ્યો એટલે મારી બેંક ની જોબ છૂટી ગઈ અને મારે ડિસેબિલિટી પર જવું પડ્યું. આ લાંબા સમયના દુ:ખાવાના લીધે હું ડિપ્રેશનમાં ગઈ હતી. જીવવાની બિલકુલ ઈચ્છા નહોતી. બસ એમ થાય કે ક્યારે આ દુ:ખાવાથી છૂટકારો મળે.

બચપણથી મને લખવાનો શોખ હતો. મારી બહેન નજમા ઉર્દુમાં શાયરી લખતી, હું હિંદીમાં અને ગુજરાતીમાં લખતી. સૌરાષ્ટ્ર સમાચારમાં મારી કવિતાઓ આવતી. આ નિરાશાએ મારા હાથમાં ફરી કલમ પકડાવી દીધી. મારી વરસોથી છૂટી ગયેલી મારી સહેલી જાણે મળી ગઈ! વર્ષોથી ગુંગળાતાં શબ્દો કાગળ પર નાચવાં લાગ્યાં. મારું દુઃખ ,મારી હતાશા અને મારી અંદર છૂપાયેલો પ્રેમ શબ્દ થકી વહેવા લાગ્યો. શબ્દો મારી આસપાસ ગુંજતાં રહેતાં અને હું એને પકડીને કાગળ પર મૂકી દેતી! શબ્બીરે મને બ્લોગ બનાવી દીધો. એનું નામ મેં રાખ્યું,”કાવ્યધારા” 2010 માં હું ગઝલ લખતાં શીખી. અને 2010 માં મારો પહેલો ગઝલ સંગ્રહ ” ખૂલી આંખનાં સપનાં ” પ્રકાશિત થયો. જેનું વિમોચન કવિ શ્રી કૃષ્ણ દવેએ કરેલું. 2014 માં મારો બીજો સંગ્રહ “સમીસાંજના સપનાં ” ઇમેજ પ્રકાશને પ્રિન્ટ કર્યો. અને એનું વિમોચન સ્વ કવિ શ્રી ખલીલ ધનતેજવી સાહેબે કર્યું. એક નવલકથા પ્રકાશિત થઇ છે. જેનું વિમોચન કવિ શ્રી અઝીઝ ટંકારવી સાહેબે કર્યું હતું. કવિ શ્રી ભાગ્યેશ જહાં એ હાજરી આપેલી! હજુ સાહિત્યની સફર ચાલુ છે. હાલમાં એક નવલકથા પૂરી થઇ જેનું નામ ” અધૂરાં સપનાં “છે. અલ્લાહ કરે ઝોરે કલમ ઔર ઝ્યાદા! આ સાહિત્ય સફર દરમ્યાન ઘણાં સુપ્રખ્યાત કવિઓ સાથે મુશાયરો કરવાનો મોકો મળ્યો. જેમકે કવિ શ્રી ખલીલ ધનતેજવી સાહેબ, કવિ શ્રી આદમ ટંકારવી સાહેબ, કવિશ્રી રઈશ મણિયાર સાહેબ, કવિ શ્રી વિવેક ટેઈલર સાહેબ, કવિ શ્રી અશરફ ડબાવાલા, કવયિત્રી શ્રીમતી મધુમતી મહેતા. અને હું બાનુમામાંથી ‘સપના’ ક્યારે બની ગઈ એની મને ખબર પણ ના પડી. આ શબ્દોએ મારું ડિપ્રેશન પણ દૂર કર્યું અને જીવવા માટે લક્ષ આપ્યું. હું ગુજરાતીને એ રીતે પ્રેમ કરું છું , જે રીતે દીકરી પોતાની માતાને પ્રેમ કરે! તેથી જે તેને માતૃભાષા કહેતા હશે!

નિવૃત્તિ તરફ!

પછી 2010 માં મને ટી. સી. એફ બેંકમાં જોબ મળી. શરીફે પણ સી વી એસ છોડીને વોલમાર્ટ માં જોબ લીધી હતી. શબ્બીર ડિપોલ કોલેજમાં સોફ્ટવેર એંજિનીઅરિંગનું ભણતો હતો.

શરીફને વોલમાર્ટ માં મેનેજરની પોઝિશન મળતી હતી, તેથી એ લોરેન્સવીલ મુવ થવું પડ્યું. એ પહેલીવાર મને છોડીને ગયો હતો. ત્યાં નાનું એવું ઘર રાખીને ત્યાં જોબ કરવા લાગ્યો. લોરેન્સવીલ શ્યામબર્ગથી છ કલાકનું ડ્રાઈવ હતું. એક સુંદર મજાનું ગામ હતું. ફક્ત ચારસો જેટલા ઘર હતા. લોકો બધાં લગભગ ખેડૂત હતાં, ખૂબજ માયાળુ પણ ખરાં! એ બે અઠવાડિયે ઘરે આવતો. શબ્બીરને ડાઉન ટાઉન શિકાગોમાં શરીફે કોન્ડો લઇ આપેલો, શબ્બીર ત્યાં રહેતો હતો અને વીકેન્ડમાં ઘરે આવતો. અમે ત્રણે એકલા એકલા રહેતા શીખી ગયા. પ્રેમમાં થોડી દૂરી જરૂરી પણ છે. એકબીજાની કદર થાય. શરીફની લોરેન્સ વીલ થી ચાર્લસ્ટનમાં બદલી થઇ. 2011 થી 2013 સુધી ત્યાં જોબ કરી, ફરી શિકાગો આવી ગયો. 2014માં શરીફે રિટાયરમેન્ટ લઇ લીધું. મારી જોબ ચાલું હતી. શબ્બીરે એંજિનીઅરિંગ કર્યું. શબ્બીર સ્કૂલમાં હતો ત્યારથી એપલ માટે ‘એપ’ બનાવતો હતો. એટલે હજુ એને એંજિનીઅરિંગ પૂરું નહોતું અને ફેઈસબૂકના રિક્રુટરે કોલ કરીને રેઝ્યૂમી મોકલવા કહ્યું. દસ ઇન્ટરવ્યૂ પછી એને ફેઈસબૂકે હાયર કરી લીધો. શબ્બીર એંજિનીઅરિંગ પછી કેલિફોર્નિયા મુવ થઇ ગયો અને ફેઈસબુકમાં જોબ કરવા લાગ્યો. શબ્બીર હવે મારાથી દૂર થઇ ગયો હતો. મેં હાથ ઉઠાવીને દુઆ કરી!

કલેજાના ટૂકડા ઊડવા ઊંચે ગગન આપું
અને ખુશ્બુ પ્રસરે દૂર પાંખોમાં પવન આપું

સદા હસતો તું રહે હાથ ઊઠાવી દુઆ માંગુ
જગત ભૂંસી ના શકે સ્મિત એ તારે વદન આપું

ચડે જીવનમાં પ્રગતિના નવાં સોપાન ઉતરોતર
થશે પૂરાં સર્વ સૂનેહરા સપના નયન આપું

ખજાના કોઈ નથી સપનાની પાસે દીકરા મારાં
કદી ના કરમાય એવાં હું શબ્દોનાં કવન આપું

શબ્બીર અને ફાતિમા બંને ડિપોલમાં સાથે ભણ્યાં અને બંનેની દોસ્તી થઇ ગઈ હતી. 2014 માં અમે ફાતિમાનાં માબાપને મળવાં ગયાં. એ લોકો પાકિસ્તાનથી છે. પહેલા અમને અચકાટ થયો કે પાકિસ્તાની છોકરી હોય તો ભારત તો છૂટી જવાનું! કારણકે ભારતની ગવર્નમેન્ટ પાકિસ્તાનીને વિઝા નથી આપતી! પણ દીકરાની મહોબત સામે અમે નમતું જોખ્યું. એમનું ખાનદાન ખૂબ સરસ હતું. ઑગષ્ટની એકવીશની તારીખે બંનેનાં ગ્રેડ્યુએશન અને એન્ગેજમેન્ટ ની પાર્ટી અમે હોલીડે ઈનના હોલમાં રાખી. અને ફાતિમાને અમારી દીકરી તરીકે વધાવી લીધી. ભારત પાકિસ્તાનની વચ્ચે ગમે તેટલી દુશ્મની હોય અમારી વચ્ચે ખૂબ પ્રેમ અને સદભાવ છે. જૂન 5, 2015ના દિવસે એ લોકોના લગ્ન થયા. લગભગ 1000 માણસોને અમે આમંત્રણ આપેલું. ખૂબ ભવ્ય રીતે શબ્બીરના લગ્ન થયા. લોકો કહેતાં હતાં કે, “વેડિંગ ઓફ સેન્ચ્યુરી” અમે પણ શબ્બીરના લગ્ન પતાવી શ્યામબર્ગનું ઘર વેચીને કેલિફોર્નિયા આવી ગયાં. એ વાતનો અફસોસ છે કે ફાતિમા શબ્બીરને ભારત જવું હોય તો ફાતિમાને વિઝા નથી મળતા! એટલે શબ્બીર પણ ભારત જવાનું ટાળે છે!

2016 થી આજ સુધી અમે કેલિફોર્નિયામાં જ છીએ. શબ્બીરનું અલગ ઘર છે. અમે એની નજીકમાં નવ માઈલના અંતરે અમારું ઘર લીધું છે. અમેરિકન માબાપે સંતાનથી દૂર રહીને જીવવાનું શીખી લીધું છે. સંતાનને પોતાની જરૂરિયાત અને પ્રવૃત્તિ અને જોબ ના લીધે સ્થળાંતર કરવું પડે છે. અમારા આશીર્વાદ સદા એમની સાથે છે. શબ્બીર અને ફાતિમાએ અમને એક સુંદર પૌત્રથી નવાજી દીધાં છે. ઇહાન કેવું પ્યારું નામ છે! ‘પૂનમનો ચાંદ’ આમ પણ મને ચાંદથી ખૂબ પ્રેમ છે. ચાંદને હું પ્રેમની નિશાની સમજુ છું! હું તો કવિહૃદય એટલે મને ખૂબ ગમ્યું. જાન્યુઆરી 1, 2022 ના દિવસે ઇહાન એટલે કે ‘ફૂલ મૂન’ એ અમારા ઘરને રોશન કરી દીધું છે.હવે અમારા ઘર ઉપર હંમેશા ચાંદની પથરાયેલી રહેશે! ભલે અમાવસ હોય તો પણ!

પુરાની કિતાબ હું, જરા સંભલકર પઢા કરે!
બિખરનેમે દેર નહિ લગતી!
    મુમતાઝ મર્ચન્ટ

એક એક પાનું મારી કથાનું જર્જરિત છે! એને સાચવીને ખોલજો! એવું ના બને કે એક એક પત્તુ વિખેરાઈ જાય! જિંદગી આપણને ભૂતકાળમાં પાછાં જઈને આપણે કરેલી ભૂલો સુધારવાનો અવસર નથી આપતી,પણ આવનારા દિવસોને વીતેલા દિવસો કરતા બેહતર બનાવવાનો મોકો જરૂર આપે છે. એટલે આવનારી પેઢીએ સમજવા જેવું છે કે કોઈ માણસ માસૂમ નથી દરેકથી ભૂલો થાય છે, નિરાશ થયાં વગર આવનાર દિવસોને બેહતર બનાવો. તમારા માટે આખું વિશ્વ બાહો પ્રસારીને રાહ જોઈ રહ્યું છે. એ જિંદગી ગલે લગા લે!

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.