શેરીની સમયયાત્રા ~ નિબંધ ~ લેખિકાઃ ગીની માલવિયા
શેરી શબ્દ મનમાં ઊગ્યો એવી જ યાદોની શેરીમાં મુલાકાત થયેલી શેરીની યાદો સપાટી પર આવી ગઈ.
ક્યાં મૂકાઈ ગયો હતો આ શબ્દ શેરી? આજે મનમાં ઊગ્યો એ સાથે કેટકેટલી સ્મૃતિઓ એકસામટી લઈ આવ્યો.
દરેક શેરીની સાથે સંકળાયેલી યાદો નહીં સાફ થયેલા ભંડકીયાનાં ખૂણેથી સાવ સામે આવીને ઊભી રહી. પછી ઊભી તો ના રહી, મનેય હાથ પકડીને ઘસડી ગઈ એ બધી શેરીઓનાં પ્રવાસમાં ફરી એક વાર. ફરી એક વાર, ત્યાં, જ્યાં હું મુગ્ધભાવે પસાર થઈ હતી અને એ શેરીઓ જે મારામાંથી પસાર થઈ હતી.
કેટકેટલી શેરીઓ મનમાં ઊગી અને એની લીલપમાં મને સાંગોપાંગ ભીંજવી રહી હતી…..!
ધક્કામુક્કી કરતી એ શેરીઓને થોડી પુસ્તકની અનુક્રમણિકામાં ગોઠવવાની હતી?
તે આવવા દીધી અને તેનો હાથ ઝાલી તેની ઝડપ સાથે તાલ અને ચાલ મેળવતી હું પણ જોડાઈ ગઈ એ ગત યાદોનાં પ્રવાસમાં.

અમદાવાદની ગાયોથી ઉભરાતી કોઠારી પોળ હોય કે જર્મનીની સુઘડ રોથેનબર્ગ કે વેનિસની સાંકડી શેરી.
એ બધી શેરી ભલે નાની હતી પણ આ ઘડીએ તો મારા મનમસ્તિષ્કનું આખુંય ફલક આવરીને મને મંત્રમુગ્ધ કરી રહી હતી. અમદાવાદની કોઠારી પોળની અંધારી શેરી, બપોર વાગોળતી ગાયો, ટોળટપ્પાંથી જીવંત ઊંચા ઓટલા અને વઘારની સોડમથી મઘમઘતો માહોલ.
જમણી બાજુનાં ઊંચા ઓટલા પર બે બહેનોની સોયની ગતિ જાણે ભરતકામ થતી સાડીમાં સ્થગિત થઈ હોય એવું કેમ લાગે છે?
ગાયો, સ્કૂટર અને પોળવાસીઓની અવરજવર ફક્ત દેખાતી નથી પણ સંભળાય પણ છે.
પગ ક્યાંક ફાટેલાં પતંગ અને તેનાં દોરામાં અટવાય છે ત્યારે નજર ઊપર જાય છે.
સાંકડી શેરીમાં આકાશનો એટલો જ ટુકડો દેખાય છે કે જાણે લગનનાં માંડવામાં બાંધેલો ભૂરો ભૂખરો ચંદરવો.
પોળનાં જમણે ખૂણે મારા વહાલાં માસીનું ઘર.વહાલનો વિસામો અને મને ચડેલી પાકકલાની પાકી પાઠશાળા.
બધુંય ભેગું થઈને કંઈ અજબ મોહિની ઊભી કરી રહ્યું હતું મારા મનમાં. હજી હું આ ક્ષણમાં, આ મોહિનીમાં ઓગળું અને ઊંડો શ્વાસ લઈ આ યાદને ભરું ત્યાં તો હાથ ઝાલીને મને ઘસડી જર્મનીમાં.
એક તીખી બપોર, નહિવત્ થતો મારા સ્નીકર્સનો પગરવ,કેમેરામાં કંડારાતી સ્મૃતિઓ જેનાં ફોકલ પોઈન્ટમાં હતા પગથિયાં પર સૂતેલી બિલાડી કે સદીઓ જૂનાં ટાવર ઘડિયાળ નાં કાંટા. પવન પડી ગયાં પછીની નીરવ શાંતિ.

જૂજ પ્રવાસીઓની અવરજવર, આસપાસનાં શાંત મકાનો કે જેની પાસે સંજોગો સામે લડીને ઊભા રહેવાનો ઈતિહાસ, અનુભવ અને વિજય હતો.
કોબલસ્ટોનની સુરેખ ભાતમાં ચોખ્ખાઈ અને કલાસૂઝ બંને ચૂકાય એવાં નહોતા.
રોથેનબર્ગ, સીડેડ બેગલ સેન્ડવીચનો સ્વાદ એવો તો વળગેલો મનનાં કોઈ ખૂણે કે સ્વાદેંદ્રિયોને ઝંકોરતી એ પળ મારી સામે પ્લેટમાં હતી.

હતી…? નહોતી… કારણકે હું રોથેનબર્ગ નહી, વેનીસમાં આવીને ઊભી હતી. બે હાથ પહોળા કરું તો બંને દીવાલોને અડી શકાય એવી સાંકડી શેરી.

શેરીઓ અને એમાં આવતાં અઢળક નાનકડાં બ્રીજ પર ચડવા ઉતરવાનો વેનિસની આંટીઘૂંટીનો એ પગપાળા પ્રવાસ, આજેય વેનિસનાં વહેતાં પાણીની જેમ મને આંદોલિત કરી દે છે.
શેરીમાં આવતાં નાનકડાં રેસ્ટોરન્ટ અને ફૂલોથી સજાવેલાં આંગણાં એવા તો સોહામણાં લાગતાં હતાં કે એંગલ ગોઠવાય કે ના ગોઠવાય તો પણ કેમરાનું મેમરી કાર્ડ ઝીલતું રહેતું હતું એ બધી આસપાસની પળોને.
તરતાં નગરમાં હું ય તરતી રહી યાદોની હોડીમાં હાલક ડોલક.યાદોને હાથ છોડાવી કોણે મારા હાથમાં હલેસાં પકડાવી દીધા? ક્યાં જવા આ હલેસાં હંકારી રહ્યાં છે મને?

ઓહો! આ તો બાર્સેલોના! હા સ્પેનમાં જ.હલેસાં મૂકી નગરનો પગપાળા પ્રવાસ. વિશાળ રાજમાર્ગથી નાનકડી શેરી ભણી જતો રસ્તો.
અહાહા! ચોખ્ખી ચણાક શેરી અને ઝરૂખામાંથી લચી પડતાં ફૂલો અને વેલીઓને જોઈ મન હરખાઈ જાય છે.
પણ મને ગમતીલી ક્ષણ અને ગમતીલું દ્રશ્ય બંધ દુકાનનાં શટર પરની ગ્રેફિટી અને ગેલેરીમાં સૂકાતાં કપડાં.

દરવાજાને અઢેલીને પાર્ક થયેલાં દ્વીચક્રી વાહનો. આ સૂકાયેલાં કપડાં અને ટૂવ્હિલર મારાં મનનું ક્યાં અનુસંધાન કરી દે છે? ક્યાં તે? અમદાવાદની શારદા નગર સોસાયટીમાં.
ઝાટકીને તાર પર સૂકવાતાં કપડાંની ઝીણી વાંછટ મારા અસ્તિત્વને નહીં પણ મારાં મનને પણ જરાતરા ભીંજવી દે છે. સ્કૂટરનાં ગિયર બદલાવાનો કે પાર્ક થવાનો અવાજ માત્ર સાંભળીને પપ્પા આવી ગયાનો સંદેશ હજી પણ મનમાં સંઘરાઈ રહ્યો છે. શારદા નગરનાં ઘરમાં ઊગેલી પીળી કરેણનો રંગ જાણે કે યાદોનો ધીમો ઝગતો અંગારો કેમ લાગે છે?
ગુલાબી કરેણ અને બદામનું ઝાડ ક્યાં?


“શેરી વળાવી સજ્જ કરું, હરિ આવોને….” મમ્મીનો સ્વર કાને પડતાં જ હું આખીય ઝંકૃત થઈ જાઉં છું. શારદા નગરની શેરીમાં કચરો વાળતી રાજુએ ઊડાડેલી ધૂળ હવે ઠરીઠામ થઈ ગઈ છે.

બસ, બધી શેરીઓ આમ જ સાફ થઈ સજ્જ થતી રહે.
પણ હું ક્યાં છું હમણાં? કહું તમને. અરે હોડી તો નાંગરી ગઈ છે, પ્રિન્સટનમાં, સ્કારલેટ ઓક ડ્રાઇવની શેરીનાં વળાંક પર. ચા પીતાં પીતાં મારાં ઘરનાં બેકયાર્ડમાં મેપલનાં વૃક્ષો ખચિત શેરીને નજર ભરી માણી રહી છું.

મારા શેરીનો પ્રવાસનો પડાવ અહીં અટક્યો છે, પણ મારામાં પસાર થતી શેરીનો કાફલો અવિરત વહેતો રહ્યો છે.