અગિયાર હાઈકુ ~ પન્ના નાયક
૧.
સમી સાંજના
ઘાસ ચમેલી કરે
વિશ્રંભ કથા
૨.
તારા જતાં જ
ઘર પચાવી પાડ્યું
ઉજાગરાએ.
૩.
પરોઢ કરે
નિત કંકુતિલક
આકાશભાલે
૪.
આવ લગીર
બેસ, પતંગિયાના
પડછાયામાં
૫.
પાંખ ફેરવે
કૅલેન્ડરનાં પાનાં –
દીવાલ મૌન
૬.
જળમાં તરી
તરી થાકેલું મીન
ક્યાં જઈ ઠરે?
૭.
ભીંતે તડકો
લઈ પવન પીંછી
ચિત્રો ચીતરે
૮.
કોણ કરે છે
પ્રહારો? હાથ દીસે
પરિચિતોના
૯.
કલરવતું
ઝરણું, ગીચ વૃક્ષો
ખાલી બાંકડો
૧૦.
ઈચ્છામૃત્યુ જો
મળે, મળે કવિતા
બાહુપાશમાં
૧૧.
થયો સમય-
કપડે ચોંટ્યું ઘાસ
ખંખેરવાનો