“સ્મૃતિસંપદા” ~ ડાયસ્પોરા સર્જકોના જીવનકવનની સંકલિત કહાનીઓ (૧૫) ~ લેખકઃ અરવિંદ થેકડી ~ સંપાદકઃ રેખા સિંઘલ

અરવિંદ થેકડી

ગુજરાતના સાંબરકાંઠા જિલ્લાના રૂપાલ ગામમાં ૧૯૪૧માં જન્મેલા અરવિંદભાઈ ૧૯૬૭માં અમેરીકા આવ્યા. પંચાવન વર્ષો દરમ્યાન અમેરિકાનાં અનેક રાજ્યો બદલ્યા પછી નિવૃત થઈ તેઓ એમના પત્ની મંજુલાબેન સાથે સુગરલેન્ડ( ટેક્ષાસ )માં રહે છે અને પરિવારના સભ્યો અને અનેક મિત્રો સાથે આનંદની લ્હાણી કરતા રહે છે.

અમદાવાદની શાળામાં વિદ્યાર્થી જીવન શરૂ  કર્યા બાદ તેઓ તત્કાલીન સામાજિક મુદ્દા તથા તકનીકી વિષયોના જાહેર વક્તા બની ચૂક્યા છે. એમની ઝળહળતી કારકિર્દીને અંતે E3MInc કંપનીમાંથી નિવૃત્ત થયા બાદ અમેરિકા, ભારત તથા બીજા દેશોની અનેક સેવાસંસ્થાઓમાં પ્રવૃત્ત છે.

જાસૂસીકથા અને અન્ય સાહિત્યનું વાંચન, સામયિકો માટે લખવું, વર્તમાન વિષયોની સમાલોચના કરવી વગેરે તેમની મનગમતી પ્રવૃત્તિ છે. ઉપરાંત, વધારામાં તે અને તેમના પત્ની દિવસનો સારો એવો સમય આરોગ્યની કાળજી રાખવામાં ગાળે છે. આ માટે લાંબુ અંતર ચાલવું, સ્થાનિક અખાડાની મુલાકાત લેવી અને યોગાસન વિગેરેમાં પ્રવૃત હોય છે. કોઈને મદદની જરૂર જણાય તો તેમની પડખે ઊભા રહે! ખૂબ જ સાલસ સ્વભાવના આ દંપતિ પર્યટનો દ્વારા જીવનના આનંદને માણવાનું પણ ચૂકતા નથી.

અમદાવાદથી અમેરિકા                      

પ્રસ્તાવના

આ ભારતમાં ઉછેરલા યુવાનની એક વિદ્યાર્થી તરીકે, નોકરીયાત તરીકે, નોકરી આપનાર તરીકે અને અમેરિકામાં રહીને ધંધાકીય રીતે સફળ, ત્રણ સંતાનોને ઉછેરનાર માતાપિતા તરીકે થયેલા અમેરિકાના અનુભવની કથા છે. એમાં 55 વર્ષ કરતાં વધુ વર્ષના અમેરિકા દેશના તેમજ અમેરિકન અને આંતરરાષ્ટ્રીય જગતના લોકોના અવલોકન અને અનુભવ ઉપરાંત દુનિયાના 25 કરતાં વધુ દેશોની મુલાકાત અને ત્યાં કરેલાં કામની રસભરી વિગતો પણ સમાવિષ્ટ કરી છે.

પશ્ચાદ્ભૂ

આ એક એવા યુવાન દંપતિની કથા છે જેમણે જીવનના ત્રીજા દશકની મધ્યમાં યુવાન વયે ઉચ્ચ અભ્યાસ કરવાના ધ્યેય સાથે એક અજાણ્યા પણ તકદાયી દેશમાં જવા માટે 1967માં ભારત છોડ્યું.

હા, આ વાત મારી છે. મારું નામ છે અરવિંદ થેકડી અને મારાં પત્નીનું નામ છે મંજુલા થેકડી. અમે જીવનનો મોટા ભાગનો સમય, નિશ્ચિત રીતે કહું તો 55 વર્ષ, અમેરિકામાં વીતાવ્યો છે અને ભાગ્યશાળી છીએ કે અમને અદ્ભૂત પરિવાર તથા મિત્રવર્તુળ મળ્યાં છે. મારી અમેરિકાના જીવનની કથા વર્ણવું એ પહેલાં ભારતમાં જે જીવન વીતાવ્યું તેનો નાનકડો ઈતિહાસ પ્રસ્તુત કરું છું.

મારો જન્મ ગુજરાત રાજ્યના સાબરકાંઠા જીલ્લાના રૂપાલ નામના નાનકડા ગામમાં થયો હતો. 10 વર્ષની ઉંમરે અમદાવાદ તરફ ગમન કર્યું, ત્યાં સુધી મારું બાળપણ ગામઠી વાતાવરણમાં વીત્યું. અમારો એ વખતનો સર્વસામાન્ય મધ્યમ વર્ગનો પરિવાર હતો જેની આવક અને જેની પાસે મોટા શહેરમાં રહેવા માટે જરૂરી બીજાં સાધનો મર્યાદિત હતાં..હું અમદાવાદની માધ્યમિક તથા ઉચ્ચ માધ્યમિક શાળામાં ભણ્યો અને 1958માં એસએસસી પાસ કરી. એ વખતે ગુજરાત મુંબઈ રાજ્યનો ભાગ હતું. મુંબાઈની એસએસસી બૉર્ડની પરિક્ષામાં વિજ્ઞાનના વિષયમાં હું પહેલા નંબરે હતો એટલે ઘણાં બધાં ઈનામો અને શિષ્યવૃત્તિ મળ્યાં, જેથી હું ગુજરાત કૉલેજમાં અને પછી અમદાવાદની એલ.ડી.કૉલેજ ઓફ એન્જિનીયરીંગમાં ભણી શક્યો. હું જ્યારે ઉચ્ચ માધ્યમિક શાળા અને ગુજરાત કૉલેજમાં હતો ત્યારથી જ એટલે કે 1960 પહેલાંથી જ ગુજરાત રાજ્યને અલગ પાડવા માટે આંદોલન ચાલી રહ્યું હતું. બનવાકાળ હું પણ વિદ્યાર્થીચળવળોમાં ભાગીદાર હતો. મિકેનિકલ એન્જિનીયરીંગમાં ડિગ્રી મળ્યા બાદ હું આઈઆઈએસસી(બેંગલોર)માં પાવર એન્જિનીયરીંગના વિષયમાં માસ્ટર્સ કરવા માટે ગયો. પછી અમેરિકા આવતા પહેલાં મુંબઈમાં એક અમેરિકન કંપનીમાં કામ કર્યું.

1947માં સ્વતંત્રતા મળ્યા પછીનાં વર્ષોમાં, ખાસ કરીને 1950 અને 1960ના દાયકામાં, સામાજિક અને રાજકીય વાતાવરણમાં ઝડપથી થતાં ફેરફારોના અમે સાક્ષી બન્યા. આ ફેરફારોથી યુવાન છોકરા-છોકરીઓ માટે કેળવણીની તકો ઊભી થઈ. અમે આ મોજાના જ ભાગ હતા, જેમને ઉચ્ચ શિક્ષણ સાઘારણ અથવા નહિવત્ ખર્ચમાં મળ્યું. હું એવા વિદ્યાર્થીઓમાંનો એક છું કે જે પરિવાર પાસે મર્યાદિત આર્થિક સાધનો હોવા છતાં ઉચ્ચ કક્ષાની શાળા તેમજ કૉલેજની કેળવણી પામી શક્યા. જે કેળવણી અને તાલીમ ભારતમાં અમને યુવાન વયે મળી એ અમેરિકામાં અમારા જીવનનો પાયો હતો. અમને ભારતમાં જે શિક્ષણ મળ્યું તેના માટે સાધનો ઊભાં કરવાની અને પ્રોત્સાહન આપવાની દીર્ઘદ્રષ્ટિ દાખવનાર મહાનુભાવોના અમે આભારી છીએ.

1950 અને 1960ના દાયકામાં અમદાવાદ અને ભારતમાં જે જીવનનો અનુભવ થયો તે જીવનની પાયાની જરૂરિયાતોના અભાવે મુશ્કેલી ભરેલો હતો. ખાદ્યપદાર્થ, અનાજ, દૂધ, બળતણ, સ્વચ્છ પાણી, ગુણવત્તાભરી વૈદકીય સારવાર સહિત લગભગ બધી ચીજોની અછત હતી. પણ અમારામાંથી ઘણાં એવું જીવન જીવતાં શીખ્યાં,  જેથી સખત મહેનત, કેળવણીને પ્રોત્સાહન અને અમારું તથા ભવિષ્યની પેઢીનું જીવન સુધરે. એ માટે તત્કાલીન પરિસ્થિતિને બદલવાનો દ્રઢ નિર્ણયો કેમ કરવા એનાં પાઠ શીખવા મળ્યા. અમે અમેરિકામાં રહેતા હતા ત્યારે સખત મહેનત, આગળ વધવાની અને જીવનમાં સફળ થવાની તમન્ના અમારાં ચાલકબળ બની ગયાં.

પરદેશગમન

મારો અમેરિકામાં અભ્યાસ, ત્યાંનું નિરીક્ષણ તથા અનુભવની શરુઆત થઈ 1963માં જ્યારે હું ઘણા અમેરિકન અધ્યાપકોને તથા બેંગલોર(અત્યારે બેંગલુરુ)ની ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સમાં આવેલા અમેરિકામાં તૈયાર થયેલા અધ્યાપકોને મળ્યો. મને મુંબઈમાં અમેરિકાની ફાયરસ્ટોન ટાયર એન્ડ રબર કંપનીમાં અમેરિકનો સાથે કામ કરવાનો મોકો મળ્યો ત્ચારે આ અનુભવમાં ઉમેરો થયો.

પછી તો છેલ્લાં 55 વર્ષથી અમેરિકાનાં અલગ અલગ રાજ્યોમાં રહેતાં રહેતાં અમેરિકા, અમેરિકન લોકો તથા આંતરરાષ્ટ્રીય લોકોનું નિરીક્ષણ કરવાનો અને તેમના અનુભવો જાણવાનો લાભ મળ્યો. મારો પરિવાર નસીબદાર હતો કે તેને અમેરિકાનાં વિવિધ રાજ્યોમાં રહેવાનો, દુનિયાભરના લોકોને મળવાનો અને તેમની સાથે કામ કરવાનો લાભ મળ્યો. આ વાત છે પહેલાં વિદેશી વિદ્યાર્થી, પછી નોકરિયાત, પછી નોકરીએ રાખનાર અને પોતપોતાના ક્ષેત્રમાં ઝળકનાર ત્રણ બાળકોના માતપિતાના અમેરિકાના અનુભવની. દુનિયાના લગભગ 25 દેશોનો પ્રવાસ કરવાથી તથા ત્યાં કામ કરવાથી મળેલા અનુભવની રસદાયક વિગતો પણ તેમાં વણી લીધી છે.

અમેરિકા સાથે પરિચય

મારા અમદાવાદના રહેઠાણ દરમિયાન 1963માં મિકેનિકલ એન્જિનીયરીંગમાં બી.ઈ.ની ઉપાધિ મળી, ત્યાં સુધીમાં અમેરિકા વિષે થોડીઘણી માહિતી કોર્નેલ યુનિવર્સિટીમાં ભણીને અમદાવાદની એલ.ડી.એન્જિનીયરીંગ કોલજમાં પાછા આવેલા એક અધ્યાપક પાસેથી મળેલી. તે ઉપરાંત અમેરિકન એમ્બેસીએ મોકલેલ સ્પાન નામનું માસિક અને કેટલાંક પુસ્તકો વાંચવાથી તેમજ અમેરિકા વિષેનાં થોડાંક પ્રદર્શનોમાંથી અમેરિકાનો વધારે પરિચય થયો. આ બધું બન્યું અમેરિકા અને રશિયા વચ્ચેના શીત યુદ્ધ્ના સમયે જ્યારે તેઓ ભારત જેવા વિકસતા દેશોના યુવક-યુવતીઓનું હ્રદયપરિવર્તન કરી માનસિક બદલાવ લાવવા પ્રયત્ન કરતા હતા. મારા ઈજનેરી કોલેજનાં વર્ષો દરમિયાન હું અમેરિકા અને તેની શિક્ષણપ્રણાલી વિષે માહિતી એકઠી કરતો હતો કારણ કે મારે પણ વધુ અભ્યાસ માટે મારા બીજા મિત્રોની જેમ અમેરિકા જવું હતું. પણ મારી આર્થિક પરિસ્થિતિ એન્જિનીયરીંગની ઉપાધિ મળ્યા પછી  તરત જ અમેરિકા જવા જેટલી સારી ન હતી. પરંતુ 1963માં મિકેનિકલ એન્જિનીયરીંમાં બી.ઈ.ની ઉપાધિ મળ્યા પછી મને બેંગલોરની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સમાં આકર્ષક શિષ્યવૃત્તિ સાથે પાવર એન્જિનીયરીંગમાં માસ્ટર્સ કરવા માટે એડમિશન મળ્યું. આ એક સન્માન હતું કેમકે તે વખતે આઈઆઈએસસીમાં પોસ્ટગ્રેજ્યએશનમાં દરેક રાજ્યમાંથી એક ડિપાર્ટમેન્ટમાં એક જ વિદ્યાર્થી લેવામાં આવતો હતો.

અમેરિકાનો સાચો પરિચય અને અનુભવ તો બેંગલોરમાં હતો ત્યારે જ થઈ ગયો હતો. કેમ કે, ત્યાં હું એવા અનેક અધ્યાપકોને મળ્યો જે અમેરિકા સહિત ઘણા દેશોની વિખ્યાત વિદ્યાપીઠોમાંથી પ્રવાસી અધ્યાપકો તરીકે આવતા હતા અથવા અમેરિકન વિદ્યાપીઠમાં ભણીને ભારત પાછા આવ્યા હતા.

1960ની આસપાસનો સમયગાળો ભારત માટે ઉત્તેજનાપૂર્ણ હતો. સ્વતંત્ર ભારતની અનેક શૈક્ષણિક સંસ્થાઓ નવા શૈક્ષણિક ક્ષેત્રોમાં પ્રવેશ કરી રહી હતી. તેમાં આઈ.આઈ.એસસી.ના વિખ્યાત વૈજ્ઞાનિકો અગ્રેસર હતા..રોકેટ વિજ્ઞાની તરીકે પ્રખ્યાત થયેલા શ્રી સતીષ ધવન એ વખતે આઈ.આઈ.એસસી.ના ડાયરેક્ટર હતા. તદુપરાંત સી.વી.રામન, હોમી ભાભા, વિક્રમ સારાભાઈ જેવા પ્રસિદ્ધ વૈજ્ઞાનિકો આઈ.આઈ.એસસી.માં અવારનવાર આવતા અને પદાર્થવિજ્ઞાન, ઉડ્ડયનશાસ્ત્ર, અણુવિજ્ઞાન, અવકાશવિજ્ઞાન વિગેરે ક્ષેત્રોમાં સંશોઘનના વિકાસ માટે ઈન્સ્ટિટ્યુટની સગવડ તથા સાધનોનો ઉપયોગ કરતા. આમાંના કેટલાક અમેરિકા, ઈંગ્લેંડ, જર્મની જેવા પશ્ચિમી દેશોની મુલાકાત લેતા અને તેમના વક્તવ્યમાં પોતાના અનુભવોનું વર્ણન કરતા તથા આપણે તેમની પાસેથી શું શીખી શકીએ તે બતાવતા. તેમાં પણ અમેરિકાને દાખલારૂપ ગણાવતા. અમેરિકા જઈ આવેલા કેટલાક વિદ્યાર્થોઓ અને અધ્યાપકોએ મેળવેલી માહિતીથી આ જ્ઞાનમાં ઉમેરો થતો. આઈ.આઈ.એસસી.ની શિક્ષણપ્રણાલી શરૂઆતમાં બ્રિટીશ પ્રણાલીને અનુસરતી હતી. પણ સ્વતંત્રતા મળ્યા પછી તે પ્રણાંલી લગભગ અમેરિકા જેવી થતી જતી હતી. આઈ.આઈ.એસસી.માં ગાળેલાં બે વર્ષોએ, અમેરિકા જઇને જાત-અનુભવ મેળવવાની મારી મનોકામના દ્રઢ કરી.

આઈ.આઈ.એસસી.માંથી પાસ થયા પછી અમેરિકાની ફાયરસ્ટોન એન્ડ રબર કંપનીમાં કામ કર્યું. ત્યાં વહીવટ કરનાર કાં તો અમેરિકન હતા અથવા અમેરિકામાં તૈયાર થયેલા હતા. મારા જેવા યુવાન ઈજનેર માટે તો આ શીખવા માટેનો અમૂલ્ય અવસર હતો. ત્યાંનો કામ કરવાનો માહોલ 1960ના ભારતમાં મળવો મુશ્કેલ હતો. પગાર ઉપરાંત મેડિકલ ઈન્સ્યોરન્સ તથા ટ્રાન્સપોર્ટનો લાભ તો ખરો જ. પણ ત્યાંનો માહોલ વિચારવાની, સૂચનો કરવાની તથા ઉત્પાદનપદ્ધતિ સુધારવાની કે નવી પદ્ધતિ અંગે ચર્ચા કરવાની અને અમલમાં મૂકવાની સ્વતંત્રતા આપતો હતો. આ વાત મહત્વની હતી કેમ કે એ વખતે મશીનરી કે તેના ભાગો આયાત કરવાની મુશ્કેલી હતી અને ઉત્પાદક કંપનીઓને દેશમાં મળતાં સાધનોનો ઉપયોગ કરવો પડતો હતો. વહીવટીતંત્ર ઈજનેરોને નવતર ઉપાયો શોધવા માટે ઉત્તેજન આપતું હતું

ફાયરસ્ટોનમાં કામ કરવું એ અમેરિકા સાથેનો પરિચય હતો-એક અલગ સપાટીએ, એટલે કે અમેરિકા જેવા કામ કરવાના માહોલમા અમેરિકનો જોડે કામ કરવું અને શીખવુ. આ પશ્ચાદ્ભૂમિ સાથે પેન્સિલવેનિયા સ્ટેટ યુનિવર્સિટી(પેન સ્ટેટ)માં આસિસ્ટન્ટશીપ સાથે એડમિશન મળતાં હું 14 જુન, 1967ના રોજ અમેરિકા પહોંચ્યો.

યુનિવર્સિટીમાં

પેન સ્ટેટ યુનિવર્સિટી, પેન્સિલવેનિયા રાજ્યની મઘ્યમાં, વર્ષના મોટા ભાગના સમયમાં બરફથી ઢંકાયેલા રહેતા પર્વતો વચ્ચે હેપી વેલી તરીકે ઓળખાતા પ્રદેશના સુંદર વાતાવરણવાળા સ્થાને છે. યુનિવર્સિટી પાર્ક તરીકે ઓળખાતા તેમના મુખ્ય કેમ્પસમાં 50,000 વિદ્યાર્થીઓ હતા- આઈ.આઈ.એસસી.માં મેં જોયેલી સંખ્યા કરતાં લગભગ 100 ઘણા. તેનું કેમ્પસ પાંચ ચોરસ માઇલના વિસ્તારમાં ફેલાયેલું હતું. તેમાં ઘણાં જૂનાં અને નવાં મકાનો છૂટાંછવાયાં બંધાયેલાં હતાં. ભારતમાં ન જોઈ હોય એવી ટેનિસ કોર્ટ, ફૂટબોલનું મેદાન, મોટું સ્ટેડિયમ વિગેરે જેવી સગવડો ત્યાં હતી. મારા માટે બધું નવું હતું. દુઃખની વાત એ હતી કે એ સગવડોનો લાભ લેવાનો મારી પાસે સમય ન હતો. મારો મુખ્ય હેતુ પીએચ.ડી.ની પદવી મેળવવાનો અને મોટા ઉદ્યોગગૃહમાં કામ કરવાનો હતો. એટલે મોટા ભાગનો સમય જરૂરી કોર્સ લેવામાં અને ડિપાર્ટમેન્ટની પ્રયોગશાળામાં સંશોધન કરવામાં ગાળતો.

જે પ્રયોગશાળામાં મેં કામ કર્યું તેમાં અમેરિકાનાં વિવિધ રાજ્યોમાંથી અને દુનિયાના બીજા દેશોમાંથી આવતા વિદ્યાર્થીઓ પણ હતા. મારા સંશોધનને એક ખાનગી નેચરલ ગેસ વેચતી કંપનીનો ટેકો હતો. કંપનીનો હેતુ એ જાણવાનો હતો કે પોલાદ, કાચ, એલ્યુમિનિયમ જેવા ઉદ્યોગોની મોટી ભઠ્ઠીઓમાં બળતણ તરીકે વાપરવામાં શું સસ્તું પડે-તેલ કે નેચરલ ગેસ. ભારતમાં ખાનગી કંપની યુનિવર્સિટીને સંશોધનમાં સહાય કરતી હોય એવું ઈન્સ્ટિટ્યુટમાં સાંભળ્યું ન હતું. કંપનીનો હેતુ બજારમાં પોતાનો ધંધો વધારવાનો અને મોટો નફો મેળવવાનો હતો. જો આ સંશોધન એમ પ્રતિપાદિત કરે કે નેચરલ ગેસ તેલની સરખામણીમાં વધારે ફાયદાકારક છે તો કંપનીનો હેતુ સિદ્ધ થાય. પણ આવાં પરિણામો મોટી સંખ્યાની ભઠ્ઠીઓમાં મળવાં જોઈએ અને એને વૈજ્ઞાનિક ગણત્રીથી પૂરવાર કરવું પડે. તે કામ કંબશન, હીટ ટ્રાન્સફર, ફ્લુઇડ ડાયનેમિક્સ, રિએક્શન કાયનેટિક્સ, મશીન ડિઝાઇન, સિમ્યુલેશન મોડેલિંગ અને તેને આનુશાંગિક કોમ્પ્યુટર પ્રોગ્રામિંગથી કરવું પડે. એ વખતે મેં કોમ્પ્યુટર વિષે વાંચેલું પણ જોયું ન હતું કે ન તેને વાપરતાં આવડતું હતું. આ કામમાં તો સંશોધનને પ્રોગ્રામના રૂપમાં રજૂ કરવું પડે અને મારે તો ઘણા થોડા સમયમાં ઘણું બધું શીખવું પડે. આ એક પડકાર હતો અને તક પણ. જો સફળતા મળે તો મારી આ ક્ષેત્રના નિષ્ણાત તરીકે ગણત્રી થાય અને અનેક મોટા ઉદ્યોગગૃહોમાં નોકરી મળવાની તકો પણ ઊભી થાય.

સંશોધન માટે ઉપકરણો બનાવવા માટે મારે વેલ્ડિંગ, પતરાનું કામ, ઈંટોનુ ચણતર અને જેનાં નામ ક્યારેય સાંભળ્યાં ન હતાં એવાં ટેસ્ટિંગનાં સાધનોની સ્થાપના એ બધું કરવાની જરૂર પડે. આ સગવડ ઊભી કર્યા પછી મારે ઘણા પ્રયોગો કરવા પડે, ડેટા ભેગો કરવો પડે અને તેનું પૃથક્કરણ કરી એ ડેટાનો સીમ્યુલેશન મોડેલીંગથી ભાખેલા થીયરેટિકલ આંકડા સાથે મેળ બેસાડવો પડે. એને માટે કૉમ્પ્યુટર પ્રોગ્રામિંગનું જ્ઞાન જરૂરી હતું કેમકે જૂની પદ્ધતિની ગણતરીથી એ શક્ય ન હતું. મેં કૉમ્પ્યુટર પ્રોગ્રામિંગના વર્ગ ભર્યા અને રાત્રે કૉમ્પ્યુટર પ્રોગ્રામિંગ શરૂ કર્યું. ડેસ્કટૉપ કે લૅપટૉપ કૉમ્પ્યુટરની કોઈએ કલ્પના કરી ન હતી. યુનિવર્સિટીમાં મોટા ઓરડામાં સમાય એવું એક મોટું આઈ.બી.એમ. મેઈનફ્રેઈમ કોમ્પ્યુટર હતું. તેમાં પંચકાર્ડનો ઉપયોગ થતો હતો. વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીના સંચાલકો તેનો  ઉપયોગ કરતા હતા. એ વખતે પ્રોગ્રામ લખવા ફોરટ્રાન લેંગવેજનો ઉપયોગ થતો હતો. પ્રોગ્રામ લખે, કોમ્પ્યુટર કેન્દ્રમાં જાય( મોટેભાગે રાત્રે ), કાર્ડ પંચ કરે, પ્રોગ્રામ ચલાવવા કાર્ડ આપે અને જાય. આ કાર્ડ હજારો નહિ તો સેંકડોની સંખ્યામાં “પ્રોગ્રામ ચલાવવા” વપરાય. બીજા દિવસે સવારે વિદ્યાર્થીઓ પાછા આવે અને પ્રોગ્રામ રન ન થયો હોય કારણ કે એકાદ થપ્પી કાર્ડ પંચ કરવામાં નાનકડી ભૂલ કરી હોય. એણે ભૂલ શોધવાની, ભૂલ સુધારવાની અને આશા રાખવાની કે બીજીવાર એવું નહિ થાય. પ્રોગ્રામ રન થયો હોય તોપણ તમે જે જોવા માગતા હતા એવું પરિણામ મળે એની ખાત્રી નહિ. આવું તો કેટલાય અઠવાડિયાં સુધી ચાલે. જે માણસે દિવસરાત સખત મહેનત ન કરી હોય એના માટે આ નવતર અનુભવ હતો. અને એ પણ શિયાળામાં કે જ્યારે કેટલાય ઈંચના જાડા બરફના થરમાં ચાલીને કોમ્પ્યુટર સેન્ટર પર જવાનું હોય અને તાપમાન થીજાવી દે એવું હોય. પણ મને ફાયદો એ થયો કે ઘણાં વિદ્યાર્થિઓને મળવાનું થયું, મિત્રો બનાવ્યા અને જુદા જુદા દેશો તથા અમેરિકાનાં રાજ્યોમાંથી આવેલા વિદ્યાર્થીઓ સાથે કામ કરવાની તક મળી. ખાસ તો બધા એકજ પ્રકારની સમસ્યાનો સામનો કરતા હતા. આ એવો અસામાન્ય અનુભવ હતો, જે, આજના વિદેશથી અમેરિકા આવતા વિદ્યાર્થીઓને ભાગ્યે જ થાય.

હજુ સુધી વાંચવાથી કે અમેરિકા જઈ આવેલા લોકો સાથે વાતચીત કરવાથી હું જે કંઈ જાણતો હતો તે પારકો અનુભવ હતો. પેન સ્ટેટનો અનુભવ સાવ જુદો પણ જાતઅનુભવ હતો અને તે પણ ખાસ કરીને શૈક્ષણિક ક્ષેત્રની તથા બુદ્ધિજીવી વર્ગની અમેરિકન પ્રજાના સંસર્ગમાં આવવાથી થયેલો હતો. એટલું જ નહિ, અહીં બધા આર્થિક સ્તરના લોકોના વાસ્તવિક જીવનનું નિરીક્ષણ કર્યું અને અનુભવ લીધો. અહીં એવા વિદ્યાર્થી હતા જે ધનિક પરિવારમાંથી આવતા હતા, વિશાળ ઘરોમાં રહેતા હતા અને મોંઘી ગાડીઓ ધરાવતા હતા. તો બીજી બાજુ કેટલાય કોર્સ લેવાની સાથે બે છેડા મળવવા ભોજનાલય, સ્ટોર કે કેમ્પસમાં પાર્ટટાઈમ કામ કરવા ઝઝૂમતા વિદ્યાર્થી પણ હતા. મેં સમય કાઢી એમાંનાં કેટલાક જોડે વાત કરી અને આસપાસનાં રાજ્યો તથા મોટાં શહેરોની મુલાકાત લીધી. હું માની ન શક્યો કે થીજાવી દેતી ઠંડીમાં શેરીઓમાં રસ્તા પર જીવતા લોકો પણ હતા. એ સમજવું મુશ્કેલ હતું કે દુનિયાના સૌથી વધુ શ્રીમંત અને શક્તિશાળી દેશમાં આવું કેમ બની શકે. એ તો મોંઘાં સામયિકોમાં અને પ્રદર્શનોનાં વિશાળ પોસ્ટરોમાં બતાવેલું શ્રીમંત અમેરિકા હોવું જોઈતું હતું.

1960ના દશકાનો મધ્યભાગ અને તે પછીનો સમય અમેરિકા માટે ઝંઝાવાતી હતો. આ દેશ વિયેતનામમાં પૂરેપૂરો સંડોવાયેલો હતો અને પેન સ્ટેટ સહિત અનેક કોલેજોના કેમ્પસ પર યુદ્ધ સામેના દેખાવો રોજની વાત હતી. હિપ્પી ચળવળ પૂર જોશમાં હતી અને યુવાનોમાં એલ.એસ.ડી. જેવા નશાકારક  ડ્રગનો ઉપયોગ સામાન્ય બાબત હતી. ચોથી એપ્રિલ,1968ના રોજ માર્ટિન લ્યુથર કિંગની હત્યા સામે આખા અમેરિકામાં વિરોધ જાગ્યો. વોશિંગ્ટન ડીસી સહિત અનેક શહેરોમાં મોટા પાયા પર માલમિલ્કતને નુકશાન થયું અને દિવસો સુધી આખેઆખાં શહેરો બંધ રહ્યાં. આ ઓછું હોય તેમ સેનેટર કેનેડી( પ્રમુખ શ્રી જોન કેનેડીના અનુજ ) ની કેલિફોર્નિયાના ચૂંટણીપ્રચાર દરમિયાન છઠ્ઠી જુન,1968ના રોજ થયેલી હત્યાના સમાચાર આવ્યા. એની સામે પ્રતિભાવ પત્યો તો ઓગષ્ટ,1968ના અંતમાં શિકાગોમાં ડેમોક્રેટિક પાર્ટીના કન્વેન્શનમાં દેખાવો થયા. ટીવી પર આ બનાવો જોયા તો મારા અને ભારતીય વિદ્યાર્થીઓના માન્યામાં નહોતું આવતું. અમે આવા દેખાવો અને વિરોધ ભારતમાં જોયા હતા પણ વિનાશનું પ્રમાણ સમજની બહાર હતું.

1968 એ પ્રમુખની ચુંટણીનું વર્ષ હતું. વિયેટનામમાં જે બની રહ્યું હતું તે અને દેશમાં ફેલાયેલી અશાંતિ જોઈ તે વખતના પ્રમુખ જહોન્સને ફરીથી પ્રમુખપદની ચૂંટણી લડવાનું માંડી વાળ્યું. ડેમોક્રેટિક પક્ષના ઉમેદવાર રોબર્ટ કેનેડીની હત્યા થઈ હતી, જ્યારે ઉપપ્રમુખ હુબર્ટ હમ્ફ્રી બહુ નરમ રાજકારણી ગણાતા હતા. રિપબ્લિકન પક્ષના ઉમેદવાર રિચાર્ડ નિક્સન પ્રમુખપદ માટેના અગ્રેસર ઉમેદવાર તરીકે ઉભરી રહ્યા હતા.

1968ના વર્ષ દરમિયાન રાજકારણ, રમતગમત, મનોરંજન ક્ષેત્ર( ફિલ્મો,સંગીત,નૃત્ય વિ. ), સામાજિક કાર્યો અનૈ એવાં બીજાં ઘણાં ક્ષેત્રોના નામાંકિત લોકોનાં પ્રવચનો અને સભાઓ પેન સ્ટેટના કેમ્પસમાં થયાં. હું કેમ્પસ પર યોજાતી ઘણી સભાઓ, મોરચા, રમતો., પ્રવચનો કે વર્કશોપમાં ગયો. ભારતમાં મોટું કેમ્પસ ધરાવતી આઈ.આઈ.એસસી. જેવી સંસ્થામાં પણ મેં આવું જોયું ન હતું. રિચાર્ડ નિક્સન( તેમના કાકા પેન સ્ટેટમાં પ્રોફેસર હતા ), નેલ્સન રોકફેલર, એડવર્ડ કેનેડી( જેને લોકો પ્રમુખ કેનેડીના બેબીભાઈ તરીકે ઓળખતા ), ડ્વાઈટ આઈઝન હોવર( એમનો ભાઈ પેન સ્ટેટનો પ્રમુખ હતો ) વિગેરેની સભામાં જવું, એ યાદગાર પ્રસંગો હતા.  પંડિત રવિશંકર એ વખતે અમેરિકામાં જાણીતા હતા. હું જ્યારે ત્યાં હતો ત્યારે તે પેન સ્ટેટની મુલાકાતે આવેલા. મને સ્પષ્ટ યાદ છે કે ભારતીય વિદ્યાર્થીઓ અને રહેવાસીઓ સાથેની તેમની સભામાં તેમની સાથે વાત કરવાનો મોકો મળેલો. મેં એ પણ જોયું કે દરેક વિષય માટે, પછી તે ટેક્નિકલ હોય, રાજકીય હોય કે સામાજિક, તેનું મંડળ કે સમાજ, સ્થાનિક શાખાઓ, નિયમિત સભાઓ, સમાચારપત્રો કે સામાયિકો, શો કે પ્રદર્શનો વિ. ત્યાં હતાં..

કેમ્પસમાં ઘણા વિદ્યાર્થીઓ પોતનો ઘણો સમય પેન સ્ટેટમાં સૌને ગમતી ફૂટબોલ, બેઝબોલ, બાસ્કેટબોલ કે આઈસસ્કેટિંગ જેવી રમતો રમવામાં કે જોવામાં ગાળતા હતા. પણ મારી પાસે આવી પ્રવૃત્તિ માટે સમય ન હતો. મને એ વાતનો રંજ છે કે આમાંના ઘણી રમતો સાથે સંકળાયેલા કાર્યક્રમોમાં ભાગ લેવાની કે રમતો શીખવાની તકોનો હું લાભ ન લઈ શક્યો. પણ વિદ્યાર્થીગણ સાથે રહેવાથી મને દુનિયાભરના વિદ્યાર્થીઓને મળવાનો મોકો મળ્યો. મોટાભાગના સામાન્ય વિદ્યાર્થી હતા અને થોડાક ડોક્ટરેટ પછીના ફેલો કૈ શિક્ષકગણના સભ્ય. એક જ જગ્યાએ રહેવા છતાં દુનિયાના વિવિધ ભાગોમાં રહેતા હોઈએ એવો આ અનુભવ હતો. મારી પત્ની અને પુત્રી માટે તો લોકોની વિવિધતા જોવાનો, અલગ અલગ પ્રકારના ખોરાકનો સ્વાદ માણવાનો, ઘણા દેશોના ઉત્સવો ઉજવવાનો અને અલગ અલગ સંસ્કૃતિ વિષે જાણવાનો અવસર હતો. થયું એવું કે સ્નાતક વિદ્યાર્થીઓનાં ઘર પેન સ્ટેટ ફૂટબોલ સ્ટેડિયમની બાજુમાં હતાં એટલે અમે વિખ્યાત ફૂટબોલ કોચ, જો પેટર્નોને અમારા ઘર પાસેથી પસાર થતા અને બાળકોને હલ્લો કહેતા અમે જોઈ શકતા હતા. મને લાગે છે કે ઉપાધિ મેળવવા માટે જ્યાં બધાની આર્થિક સ્થિતિ એક સરખી હોય એવા કેમ્પસના સ્નાતકઘરમાં રહેવાની તક લાખોમાં એક હતી.

એ વખતે અમેરિકાનું જીવન  એવી ઘણી સુખસગવડો પૂરી પાડતું હતું જે આપણે ભારતમાં મોટા શહેરમાં રહેતા હોઈએ તો પણ ન વિચારી શકીએ કે ન આપણને પોસાય. અમેરિકામાં અમે એવા વાતાવરણમાં રહેતા હતા જ્યાં દરેક પાસે એક કે બે ગાડી, રોજની જરૂરિયાતની વસ્તુઓનો અમર્યાદિત પૂરવઠો, .ટેલિફોન સર્વિસ, ટીવી, વિશ્વાસપાત્ર ઈલેક્ટ્રિક પાવર, સ્વચ્છ પાણી, કચરારહિત શેરીઓ, ગરમાવેલાં ઘર અને દફતરો, પોસાય એવા મનોરંજન અને રમતગમતના કાર્યક્રમો, દેખીતી રીતે કેળવણી માટે અમર્યાદિત તકો વિગેરે હતાં.આ બધું મર્યદિત આવકવાળા વિદ્યાર્થીના પરિવારને પણ મળતું હતું.

છતાં પણ ભારતમાં ભોગવેલી ઘણી વસ્તઓ અહીં મળતી ન હતી. ઊંચી જાતના ચોખા, ઘઉંનો લોટ, દાળ, છૂટી ચા, રસોઈના મસાલા અને એનાથી પણ વિશેષ કેરી, ચીકુ, બોર વિ. જેવાં મનગમતાં ફળ જેવી ખાવાની વસ્તુઓ માટે અમે ભૂખ્યા હતા. અમારી જાણકારી પ્રમાણે ભારતથી આયાત કરેલી આમાંની કેટલીક ચીજો વેચનારા આખા અમેરિકામાં માત્ર બે સ્ટોર હતા, કલુસ્તાન અને ઈન્ડિયા-જાવા. તે ન્યુ યૉર્ક શહેરમાં હતા અને ત્યાં જવું સરળ ન હતું. મોટાં શહેરોમાં કરિયાણાના એ એન્ડ પી ( એટલાન્ટિક એન્ડ પેસિફિક ) નામના સ્ટોરની શૃંખલા હતી જ્યાં થોડાક ઉંચા ભાવે પણ થોડા પ્રમાણમાં સારી ચા, ચોખા વિ.. ક્યારેક મળી જાય. એટલે કંઇક નવું કરવાની આવડતવાળી ભારતીય ગૃહિણીઓ .કેટલીક સામગ્રી બદલીને મળતી સામગ્રી વાપરી “કહેવા પૂરતી” વાનગીઓ બનાવતી, જેવી કે મકાઈના લોટમાંથી હાંડવો, મકાઈ-ઘઉંના લોટમાંથી ઢોંસા, ચોખા સાથે કોઈ પણ દાળ મેળવી ખીચડી, ઘરમાંજ મેળવેલું દહીં અને એનો શ્રીખંડ, મીઠા વગરના માખણમાંથી ઘી, થીજેલા વટાણામાંથી સમોસા વિગેરે. પાપડ, ખાખરા, અથાણાં, છુંદો કે ગાંઠિયા, સેવ, ચકરી, ફાફડા જેવાં ફરસાણ મળવાનો તો સવાલ જ ન હતો. અમારામાંથી કોઈક છુપી રીતે ભારતથી શાકનાં બી લઈ આવ્યા અને ઘરની પાછળ વાવ્યાં. આ તો જે કંઈ મળે તેનો ઉપયોગ કરીને થોડીક કલ્પના અને થોડુંક સાહસ કરીને ભારતીય ભાણું બનાવવું પડે એવો સમય હતો. ઘણા પરિવારો જોઈતી રસોઈ બનાવવા માટેની સામગ્રી, તેજાના વિગેરેનાં પાર્સલ દરિયામાર્ગે પણ મંગાવતા. જોકે આવતાં બે મહિના કરતાં વધારે સમય લાગતો.

ભારતના સમાચાર મેળવવાનું લગભગ કોઈ સાધન ન હતું. માહિતી મેળવવાનું એક માત્ર સાધન ઈન્ડિયા ન્યુઝ હતું જે ભારતીય દૂતાવાસ પ્રગટ કરતું હતું અને જે માગે તેને મફત  આપતું હતું. સ્વાભાવિક રીતે તેમાં એવા સમાચાર આવતા જે ભારત સરકાર ઈચ્છતી હોય કે દુનિયા જાણે. ક્યારેક રાષ્ટ્રીય ટીવી પર કે મોટા પ્રમાણમાં વંચાતાં ન્યુ યૉર્ક ટાઈમ્સ, વૉશિંગ્ટન પોસ્ટ, બૉસ્ટન ગ્લોબ, ક્રિશ્ચિયન સાયન્સ મૉનિટર વિ. જેવાં વર્તમાનપત્રોમાં ભારત વિષે સંવેદનશીલ વાતો વાંચવા કે જોવા મળે. પેન સ્ટેટના પુસ્તકાલયમાં ટાઈમ્સ ઓફ ઈન્ડિયા પોસ્ટમાં આવતું એટલે 10-15 દિવસ જૂના સમાચાર વાંચવાનું નસીબમાં હોય. તેમાં એક આશાનું કિરણ હતું ભારતીય દૂતાવાસ દ્વારા અપાતી ભારતીય ફિલ્મ. કેમ્પસનું સ્થાનિક ભારતીય વિદ્યાર્થી મંડળ દૂતાવાસનો સંપર્ક કરે એટલે તેઓ ફિલ્મની નકલ મોકલે જેને કેમ્પસના નાટ્યગૃહમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે બતાવવામાં આવતી. આજુબાજુનાં હેરિસબર્ગ જેવાં ઘણાં શહેરોમાં વસતા ભારતીયો પણ એ જોવા આવતા. સ્થાનિક ભારતીય નારીઓ ત્યાં મળતી સામગ્રીમાંથી કોઈક ફરસાણ બનાવીને ત્યાં વેચે એટલે આવો પ્રસંગ સામાજિક સમારંભ બની જાય.

ભારતમાં રહેતા પરિવાર અને મિત્રો સાથે સંપર્કમાં રહેવા માટે સસ્તામાં સસ્તું સાધન હતું હવાઈ પત્ર( એર મેઈલ ) જે દસ-પંદર દિવસે પહોંચે. ફોન કરવો હોય તો કૉલ બુક કર્યા પછી કલાકો રાહ જોવી પડે. કૉલ જોડાય તો પણ અવાજની ગુણવત્તા ખરાબ હોય. મોટા ભાગનો સમય “હલ્લો– હલ્લો” કરવામાં જાય. મને યાદ છે ત્યાં સુધી મિનિટના 2-3 ડોલર લાગતા હતા. તાકીદના સમાચાર મોંકલવા હોય તો વેસ્ટર્ન યુનિયન દ્વારા તાર મોકલવો પડે. પણ 2-4 લીટીના સંદેશા માટે કેટલાય ડોલર ખર્ચવા પડે. અમેરિકાની અંદર દૂરનો ફોન કરવો હોય તો પણ વિદ્યાર્થીને તે ન પોસાય એટલો મોંઘો હોય. તેનો ભાવ બે જગાઓ વચ્ચેના અંતર પ્રમાણે હોય અને એના માટે લાંબા અંતરની ખાસ લાઈન લેવી પડે જેના પૈસા અલગથી લાગે. ઘણાં શહેરોમાં ઘણાં ઘરોમા સંયુક્ત લાઈન હતી જેમાં એકજ લાઈન બે કે વધારે ફોનધારકો વાપરી શકે. એટલે ફોન કરવા માટે ફ્રી લાઈન મળવી જોઈએ. ઘણીવાર ફોન કરવા માટે રાહ જોવી પડે.

ન્યુ યૉર્ક, બૉસ્ટન કે શિકાગો જેવાં શહેરો કે જ્યાં લોકલ ટ્રેઈન કે બસો મળતી હતી, તેમને બાદ કરતાં શહેરોની અંદર પબ્લિક વાહનવ્યવહાર નહિવત્ હતો. મોટા ભાગનાં નગરોમાં ફરવા માટે તમારી પાસે ગાડી હોવી જોઈએ. અમેરિકા અને કેનેડામાં બે શહેરો વચ્ચેની અવરજવર મોટભાગે ગ્રેહાઉન્ડ બસ લાઈનથી થતી હતી. શહેરો વચ્ચે ટ્રેઈન ચાલતી હતી અને મોટા શહેરોને જોડતી લાંબા અંતરની ટ્રેઈનોમાં સ્લીપર કોચ તેમજ જમવાની સગવડવાળા ડબા રહેતા. અમુક પસંદગીનાં શહેરો વચ્ચે હવાઈયાત્રાની સગવડ હતી. પણ હવાઈયાત્રા ન પોસાય એટલી મોંઘી હતી. એનો ઉપયોગ જાહેર જનતા ભાગ્યેજ કરતી. ગાડીમાં સફર એક સામાન્ય બાબત હતી. ગાડીઓ પોસાય એવા ભાવમાં( 2,500 થી 5,000 ડોલર ) મળતી હતી. પેટ્રોલ સસ્તું હતું( ગેલનના 25 સેન્ટ ). ટૉલ આપવો પડે એવા રસ્તા ભાગ્યેજ દેખાતા હતા. પેટ્રોલ પંપ પર જાઓ તો કોઈક પેટ્રોલ ભરે, વિન્ડશિલ્ડ સાફ કરે, એન્જીનનું તેલ તપાસે( જો તમે ઈચ્છો તો ) અને વધારામાં ગ્લાસનો સેટ ભેટ આપે. તદુપરાંત “ગ્રીન સ્ટેમ્પ” આપે જેનો ઉપયોગ તમે સ્ટોરમાં ખરીદી કરવા કરી શકો. લેવડદેવડ માત્ર રોકડેથી થતી. જો તમે ડાઈનર્સ ક્લબ જેવી મોંઘી ક્લબના મેમ્બર ન હો તો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ નહિવત્ હતો.

એક વાહનવ્યવહારની રીત જે ઘણા પશ્ચિમના દેશોમાં લોકપ્રિય હતી, પણ ભારતમાં કદી સાંભળી ન હતી તે હતી હીચ-હાઈકિંગ. વિદ્યાર્થીઓ ઉપરાંત ઘણ યુવાન લોકો, રસ્તાપર જતા અજાણ્યા લોકો જે અંગૂઠો ઉંચો કરીને કઈ તરફ જવું છે તેની સાઈન કરે તેને ગાડીમાં બેસાડે, તેમની પાસે રાઈડ લઈને મુસાફરી કરતા. ગાડી ચલાવનાર તેમને અનુકૂળ એવા વચલા સ્થળે ઉતારે જ્યાંથી રાઈડ લેનારના ગંતવ્ય સ્થળ તરફ જતું બીજું કોઈક તેમને પોતાની ગાડીમાં બેસાડે. આવી અનેક રાઈડ લઈને તે પોતાના ગંતવ્ય સ્થાને પહોંચે. અમને એ સાંભળીને નવાઈ લાગેલી કે ઘણા વિદ્યાર્થી આવી રીતે દેશના એક છેડેથી ( દા.ત. ન્યુ યૉર્ક) બીજા છેડે ( દા.ત. લૉસ એન્જેલ્સ ) મુસાફરી કરતા. ગાડી ચલાવનારને રાઈડ આપતાં જરા પણ હિચકિચાટ ન થતો અને વિદ્યાર્થી તેના પર વિશ્વાસ કરતો. ત્યાં ભય કે જોખમ ન હતાં, માત્ર માનવજાત પર વિશ્વાસ હતો. .યાદ રાખજો કે તે વખતે મોબાઈલ ફોન ન હતા. થોડાક પૈસા આપીને વાપરી શકાતા ફોન હતા. બનાવટ કરવાના બનાવ જવલ્લે જ બનતા. આજના જમનામાં એ માની શકાય એવું નથી.

મારું નસીબ સારું હતું કે હું જ્યારે અમેરિકા આવ્યો ત્યારે યુનિવર્સિટીએ આપેલી આસિસ્ટન્ટશીપની નિર્ધારીત આવકનું સાધન હતું અને પેનસ્ટેટમાં એક મિત્ર પણ હતો. ઘણા ભારત અને અન્ય દેશોમાંથી આવતા વિદ્યાર્થીઓ પાસે મર્યાદિત પૈસા હતા તેમજ અહીં કોઈને ભાગ્યેજ ઓળખતા હતા. યુનિવર્સિટીનો આંતરરાષ્ટ્રીય છાત્ર વિભાગ વિદ્યાર્થીને સ્થાયી થવામાં થોડી મદદ કરે પણ આર્થિક સહાયતા ન મળે. વિદ્યાર્થીઓને ભારતથી આવતા પૈસા કે બીજી કોઇ આર્થિક સહાય પર આધાર રાખવો પડે. કેટલાકને કેમ્પસ પર જ કામ મળે અને એમાંથી થોડુંક કમાઇ લે. પરંતુ મોટા ભાગના વિદ્યાર્થીઓ, ખાસ કરીને અન્ડરગ્રેજ્યએટ, એટલા નસીબદાર ન હતા. ઘણીવાર જે પોર્ટપર ( મુખ્યત્વે ન્યુ યૉર્ક શહેર ) ઉતર્યા હોય ત્યાંથી ગ્રેહાઉન્ડ બસ લઈ પ્રવાસ કરે અને પહેલી રાત એકથી વધારે શહેરોમાં વાયએમસીએમાં ગુજારે. ભાગ્યજોગે સ્થાનિક પ્રજામાંથી ભારતીય મૂળના રહેવાસીઓ તેમને મદદ કરતા. સ્થાનિક ફોનબુકમાંથી પટેલ, શાહ, રાવ, સિંઘ જેવી પોતાના જેવી અટકવાળાં નામ શોધી તેમની મદદની માગણી કરવી, એ સ્વાભાવિક વાત હતી. મોટે ભાગે કોઇક માણસ તમને લેવા આવે, પોતાના ઘર કે એપાર્ટમેન્ટ પર લઈ જાય અને તમને સ્થાયી થવામાં મદદ કરે. તમે કોઇપણ ભરતીય વ્યક્તિને જુઓ તો તે કે તેણીં ઊભી રહેશે, પોતાની ઓળખાણ આપશે અને કોઈ મદદની જરૂર હોય તો પૂછશે.

ઘણા વિદ્યાર્થીઓને કેમ્પસની બહાર પાર્ટ ટાઈમ કામ મળે. વિદ્યાર્થીને બસબૉય તરીકે કે  રેસ્ટોરન્ટમાં ડીશ ધોવાનું કામ મળે એમાં શરમાવા જેવું ન હતું કારણ કે એ કામમાંથી તેને જોઈતા પૈસા મળતા હતા. મને લાગે છે કે એ વખતે કલાકના એકથી દોઢ ડોલર મળતા હતા. એનાથી પણ અગત્યની વાત એ હતી કે કામ કરતાં કરતાં બધા પ્રકારના લોકોને મળવાનું થાય, “અમેરિકન ઢબે” અંગ્રેજી બોલવાની આદત પડે, તે રહેતા હોય એ સમાજની માહિતી મળે અને કદાચ વધુ સારી નોકરી પણ મળે. ભારતમાં આવું નથી બનતું. આમ કરવાથી એમને પૈસાની કિંમત સમજાઈ અને જાણવા મળ્યું કે થોડા ડોલર કમાવા પણ કેટલું મુશ્કેલ છે. વિદ્યાર્થીઓને આવો જ પાઠ ઉનાળાની રજાઓમાં ખાસ કરીને કારકખાનાઓમાં કામ કરતાં શીખવા મળ્યો, જ્યાં એ વખતે એમને કલાકના પાંચ કરતાં વધારે ડોલર મળતા હતા. ઉનાળાની રજાઓમાં વિદ્યાર્થીઓને તેઓ ક્યાં રહે છે એ હિસાબે કામ કરવાની છૂટ હતી. તે પિટ્સબર્ગ, ક્લિવલેન્ડ, ડેટ્રોઈટ, બર્મિંગહામ, આટલાન્ટા, શિકાગો, હ્યુસ્ટન, એલ.એ. વિ. જેવાં ઔદ્યોગિક શહેરોમાં જતા અને નોકરી કરતા. ભારતીય વિદ્યાર્થીઓમાં પ્રવર્તમાન બડી સિસ્ટમ તેમને હંગામી નિવાસ મેળવવામાં અને આવવાજવામાં મદદરૂપ થતી. અગાઉ બતાવ્યું એમ નવા આવનારને સ્થાનિક ભારતીય રહેવાસી કે સાથી વિદ્યાર્થી કર્મચારીની મદદ મળે તે સામાન્ય બાબત હતી

એ વખતે જીવનનિર્વાહનો ખર્ચ સાધારણ કક્ષાનો હતો. સાથે મળીને રહેવાના ઘરના ભાડા સહિત ( ટ્યુશન ફી બાદ કરતાં ) વિદ્યાર્થીને મહિને કદાચ 100 ડોલરની જરૂર પડે અને તે આરામદાયક વિદ્યાર્થીજીવન જીવી શકે. અમારો બે પુખ્ત વયની વ્યક્તિ અને એક બાળક ધરાવતો પરિવાર મહિને 250 ડોલરના બજેટની અંદર જીવતો હતો જેમાં ભાડાના 100 ડોલર વત્તા ઈલેક્ટ્રિક પાવર જેવી જરૂરિયાતો, ગાડીનો ખર્ચ, પાઠ્યપુસ્તકોનો ખર્ચ, બેબીની જરૂરિયાતની ચીજો અને થોડોક પ્રવાસનો ખર્ય આવી જાય.

યુનિવર્સિટીમાં હતો ત્યારે હું જીવનનાં બધાં ક્ષેત્રોના ઘણા અમેરિકનોને મળ્યો હતો. તે ખૂબ જ મદદગાર હતા. હું ઘણા દાખલા આપી શકું..થોડાક અહીં આપ્યા છે. જ્યારે અમેરિકન અને ભારતીય મિત્રોને ખબર પડી કે મંજુલા આવવાની છે અને અમારે ઘણી ઘરગથ્થુ ચીજો ખરીદવાની જરૂર પડશે ત્યારે.બધાએ અમને ફર્નિચર, ઉપકરણો, વાસણ, તાસકો અને હિના માટે પારણું લાવવામાં મદદ કરી.

આંતરરાષ્ટ્રીય છાત્રસંઘ ગામ છોડીને જતા વિદ્યાર્થીઓ કે પ્રોફેસરો જે ચીજો છોડીને જતા હોય કે જે ચીજોની તેમને જરૂર ન હોય એવી ચીજોને ભેગી કરતો એટલે ઘણી બધી ચીજો છાત્રસંઘમાંથી આવી. ઘણી ચીજો જાહેર જનતા કે સ્ટોરવાળાએ ભેટમાં આપેલા બૉક્સમાં હતી. અમારા પાડોશીઓએ મંજુલાને બાળકની સંભાળ લેતાં શીખવામાં મદદ કરી, કારણ કે નવા દેશમાં એવી ઘણી બધી જરૂરિયાતો હતી, જે ભારતમાં કદી સાંભળી ન હતી. જ્યારે પણ અમારે કંઈક મદદ કે માહિતી જોઈતી હોય ત્યારે સ્ટોરમાં, શેરીમાં કે બીજી જગાએ ઘણા લોકો પાસેથી મળી રહેતી. વધારાનો ચાર્જ લીધા વગર સ્ટોરવાળાએ કરિયાણું અમારા ઘરે પહોંચાડ્યું. સામાન પહોંચાડનાર કેટલાક છોકરાઓ, ખાસ કરીને વિદ્યાર્થીઓ, અમારે બરફ કે વરસાદમાં ચાલવું ન પડે એટલે પોતાનું કામ મૂકીને પણ અમને સ્ટોરમાં જવા-આવવા માટે રાઈડ આપતા. રસદાયક વાત એ છે કે મોટા ભાગની ભારતીય મહિલાઓ અને વિદ્યાર્થીનીઓ સાડી કે બીજો ભારતીય પોશાક પહેરતી એટલે ખબર પડી જાય કે તે ભારતીય છે. જો અમને સ્ટોરમાં કે બીજે જવા ચાલતા જુએ તો ગાડી ઊભી રાખે અને એમના રસ્તા પર ન આવતો હોય તો પણ સ્ટોર પર જવા રાઈડ આપે.

મારી પ્રયોગશાળામાં ટેક્સાસની અમેરિકન સાથી વિદ્યર્થીની શ્રીમતી મેરી લીન જોન્સન હતી. તે અને તેનો પતિ જિમ્મી જોન્સન બન્ને પીએચ.ડી.નાં વિદ્યાર્થી હતાં અને ગામમાં જ બે યુવાન બાળકો સાથે રહેતાં હતાં. 1968માં મંજુલા મારી સાથે રહેવા આવી પછી મૅરીએ અમને શિયાળાની મધ્યમાં કે જ્યારે રસ્તા પર કેટલાક ઈંચ જાડો બરફનો થર જામેલો હતો ત્યારે કરિયાણાસ્ટોર તરફ ચાલીને જતા જોયા. બીજે દિવસે જિમ્મીનો ફોન આવ્યો અને એણે કહ્યું કે શિયાળામાં સાઈડવૉક પર ચાલવું પણ જોખમકારક છે અને અમારે ગાડી ખરીદવી જોઈએ. મેં એને કહ્યું કે મને ગાડી ચલાવતાં નથી આવડતું કે નથી મારી પાસે ડ્રાઈવિંગ લાયસન્સ. વધુમાં ગાડી ખરીદવા માટે પૈસા નથી અને મને ખબર પણ નથી કે કઈ ગાડી ખરીદવી. એણે કહ્યું કે ચિંતા ન કર. બીજા અઠવાડિયે જિમ્મી અને મૅરી લીન અમારે ઘેર આવ્યા અને મર્ક્યુરી કોમેટ ગાડી અમારા ઘરની સામે ઊભી રાખી. જિમ્મીએ કહ્યું કે તેણે એક વપરાયેલી પણ સારી રીતે ચાલતી ગાડી અમારા માટે ખરીદી હતી અને જ્યાં સુધી પોસાય નહિ ત્યાં સુધી પૈસા પાછા આપવાની ચિંતા કરવાની નહિ. હું મારી પોતાની ગાડી હોય, અને એ પણ મોટી રકમ આપ્યા વિના એ વાત માની શક્યો નહિ કારણ કે ભારતમાં તો મોટા ભાગના લોકો માટે તે સ્વપ્ન હતું. મારી પાસે એનો આભાર માનવા માટે શબ્દો ન હતા. બીજે દિવસે બીજા પાડોશીએ મને ડ્રાઈવિંગના પાઠ આપવાના શરૂ કર્યું અને અમને લાઈસન્સ મેળવવામાં મદદ કરી. પછી જિમ્મીએ મને કહ્યં કે તેણે ગાડી 125 ડોલરમાં ખરીદી હતી. મેં લગભગ છ મહિનામાં એના પૈસા પાછા આપ્યા.

અમે પેન સ્ટેટ અને પછી ટોલેડો, ઓહાયોમાં હતા. એ દરમિયાન એ ગાડી ત્રણ વર્ષ વાપરી. એ વખતે ગાડીમાં બાંકડા જેવી સીટો હતી ( આજની ગાડીઓમાં હોય છે એવી પોચી સીટો નહિ ) અને એ પણ બેલ્ટ વગરની. વિન્ડશિલ્ડ જ્યારે ચાલતાં હોય ત્યારે એક જ ગતિથી ચાલે. પાવર સ્ટિયરીંગ ન હતું. બેબીસીટને બાંધી રાખવા માટે સગવડ ન હતી. એન્જીન ઓઈલનું સ્તર અને ટાયરમાં હવાનું દબાણ જ્યારે પેટ્રોલની ટાંકી ભરાવીએ ત્યારે ચેક કરાવવાનું. 25,000 માઈલ ચલાવ્યા પછી ગાડીનો સ્પાર્ક પ્લગ બદલવો પડે અને ગાડીને ટ્યુન અપ કરાવવી પડે. શિયાળો આવે એટલે ઉનાળનાં ટાયર બદલીને બરફ માટેનાં ટાયર લગાવવાં પડે. જેમ જેમ જરૂર પડી તેમ તેમ આ બધું અમે જાતે કરતાં શીખ્યા. ઘણીવાર ગાડી રસ્તા વચ્ચે બંધ પડી જાય, ખાસ કરીને શિયાળામાં જ્યરે રસ્તા બરફથી ઢંકાઈ ગયા હોય. પણ બીજા વાહનચાલકો ગાડીને ચાલુ કરવા ધક્કો મારતાં ખંચકાય નહિ. જાતે પેટ્રોલ ભરી શકાય એવા પેટ્રોલપંપ ન હતા એટલે ત્યાંનો માણસ ટાંકી ભરી આપે અને અગાઉ જણાવેલ સેવા પણ આપે. એ વખતના બહુ જાણીતા સ્ટોર હતા સીઅર્સ અને રોબક તથા “ડાઈમ સ્ટોર” કહેવાતા ક્રેસ્ગી અને વુલવર્થ. આવા સ્ટોરોમાં ખરીદી કરવી એ પણ અનોખો અનુભવ હતો.

નાતાલ, થેંક્સગિવિંગ, સ્વતંત્રતાદિન વિ. જેવી રજાઓમાં મિત્રો, સાથી વિદ્યાર્થીઓનાં માતાપિતા, પ્રોફેસરો વિ. પોતાને ઘેર અથવા બહારની પાર્ટી કે પિક્નિકમાં બોલાવે. અમને નાતાલ વખતે સ્થાનિક દેવળમાં ચર્યસર્વિસ કે મધ્યરાત્રિના માસમાં હાજરી આપવા બોલાવે. ખ્રિસ્તી ધર્મ વિષે જાણવાનો આ એક અનોખો અનુભવ હતો. એક નોંધઃ અમારું ધર્મપરિવર્તન કરાવવા માટેની મનિષા કે દબાણ કરવાનું ધ્યેય ન હતું. તેઓ મોટે ભાગે હિંદુધર્મ વિષે વધુ જાણકારી મેળવવાનો પ્રયત્ન કરતા અને હિંદુધર્મના રીતરીતરિવાજોનો આદર કરતા. આવા મિલનસમારંભ લોકોને મળવાનાં અને અમેરિકાના સામાન્ય રહેવાસીનું જીવન તેમજ અમેરિકન સમાજ વિષે ઘણું બધું જાણવા માટેનાં સરસ સ્થળ હતાં. યુનિવર્સિટી સ્ટાફ ( પ્રોફેસરો, મંત્રીઓ, વિદ્યાર્થીઓ અને કેમ્પસના સેવકો )ની આતિથ્યભાવના અને ઉદારતાના આ થોડાક દાખલા છે.

મેં માર્ચ, 1970માં પીએચ.ડી.ની પદવી માટેની જરૂરિયાતો પૂરી કરી અને ટોલેડો,ઓહાયોમાં મિડલેન્ડ રોસ કોર્પોરેશનના સરફેસ કમ્બશન વિભાગમાં કામ કરવા માટે જવા નીકળ્યો.

ખરું કામ અને દુનિયાનો અનુભવ

ટોલેડો,ઓહાયોની સરફેસ કમ્બશન કંપનીએ નોકરીએ રાખેલો હું ભારતીચ મૂળનો પહેલો માણસ હતો. એ વખતે ટોલેડો કાચની નગરી કહેવાતું કારણકે દુનિયાની સૌથી મોટી કાચ કંપનોઓનાં હેડક્વાર્ટરો ત્યાં હતાં. તદુપરાંત ચાર ગાડી બનાવતી કંપનીઓ ( જનરલ મોટર્સ, ફોર્ડ, ક્રાઈઝલર અને અમેરિકન મોટર્સ) અને કેટલીય મોટી ગાડીના પુર્જા બનાવતી કંપનીઓંનાં કારખાનાં ત્યાં હતાં. પણ એ યુનિયનનગર હતું કેમ કે ઉદ્યોગોમા શહેરના મજદૂર સંઘોની મજબૂત પકડ હતી. ત્યાંનું સામાજીક માળખું અને વસ્તી અમે જ્યાં રહેતા હતા તે કૉલેજનગરથી ભિન્ન હતાં. હું જે કંપનીમાં કામ કરતો હતો તેની પાસે ભણેલા અને અનુભવી ઈજનેરો તથા બીજો સ્ટાફ હતો અને કારખાનામાં યુનિયનપરસ્ત કામદાર વર્ગ પણ. દફતરમાં બધા ગોરા લોકો હતા. કારખાનાના કામદારોમાં પણ થોડા કાળાઓને છોડીને બધા ગોરા લોકો હતા. હું હતો પરદેશી અને પાછો ગોરો પણ નહિ. એટલે દફતર અને કારખાનામાં કામ કરતા લોકોનો વિશ્વાસ જીતવામાં સમય લાગ્યો. પણ હું ખુશ હતો કે એક વખત વિશ્વાસ જીતી લીધા પછી મને તેઓ તેમનામાંનો એક ગણતા થયા, સિવાય કે એક બાબતમાં. હું હતો પાકો શાકહારી અને કાફેટેરિયામાં કે આજુબાજુના વિસ્તારમાં આવેલાં ભોજનાલયોમાં જાત જાતનો ખોરાક મેળવવાનું મુશકેલ હતું. મારા સહકર્મચારી કે ગ્રાહકો કે જેને હું મળ્યો તેમને નવાઈ લાગતી હતી કે માંસ, ઈંડાં કે માછલી ખાધા વગર હું જીવતો હતો અને તંદુરસ્ત દેખાતો હતો. ભારતીય શાકાહારી ખોરાકમાં જરૂરી પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ ક્યાંથી અને કેવી રીતે મળતાં હતાં તે સમજાવતાં વાર લાગતી. મેં મારા સૌથી નજીકના કામ કરતા સાથીઓને અમારે ઘેર ડિનર માટે બોલાવ્યા અને મંજુલાએ જાતજાતની ભારતીય વાનગીઓ બનાવી. મેં દરેક વાનગીનું વર્ણન કર્યું અને સમજાવ્યું કે અમને જરૂરી પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, સાકર વિ. ક્યાંથી મળતાં હતાં. આ ડિનરના અનુભવ પછી એમને સમજાયું કે જીવવા માટે કોઈએ માંસ, ઈંડાં કે માછલી ખાવાં એટલાં જરૂરી નથી.

થોડા સમયમાં હું શીખ્યો કે લોકો જોડે તેમની “ભાષા”માં વાત કરવી અને તેમના કામમાં, ખાસ તો તેઓ કેઈ ગંભીર સમસ્યામાં ફસાઈ ગયા હોય ત્યારે મદદ કરવી એમાં જ અમેરિકા સહિત દુનિયાભરના લોકોની જેમ આ “પરદેશી” પણ સમજદાર( જ્ઞાની ), ચાલાક અને મદદગાર હોઈ શકે છે એવી છાપ ઉભી કરવાની ચાવી હતી. એક વખત મેં એમનો વિશ્વાસ જીત્યો પછી દફતર અને કારખાનામાં તેમનામાંનો એક બનવાનું મુશ્કેલ ન હતું. મેં એ પણ શોધી કાઢ્યું કે કામ કરતા કે અમારા પાડોશમાં રહેતા લોકોને ભારત વિષે બહુ જાણકારી ન હતી. ભારત વિષે થોડું ઘણું જાણનાર લોકોને ત્રણ વિભાગમાં વહેંચી શકાય.

  1. કેટલાક સૈન્યના નિવૃત્ત સૈનિકો કે અધિકારીઓ જેઓ પૂર્વ ભારતમાં ( એટલે કે કલકત્તા અથવા કોલકાતા ) કે ચીનમાં બીજા વિશ્વયુધ્ધ વખતે મિત્રદળોના ભાગરૂપે ગયા હોય.
  2. સરફેસ કમ્બશન અને બીજી કંપનીઓમાંથી સેલ્સમેન કે ઈજનેરી કામ કરવાવાળા જે ભારત કે એશિયાના બીજા દેશોમાં ગયા હોય કે ત્યાંના લોકોના સંપર્કમાં હોય. તેમાં ભારત જઈ આવ્યા હોય કે ત્યા ઘણાં વર્ષો રહી આવ્યા હોય તેવા થોડા ખ્રિસ્તી મિશનરીઓ પણ આવી જાય.
  3. અહીંની મોટા ભાગની વસ્તી જે ભારતને રખડતા હાથી અને ઢોર, મદારી તથા જેની પાસે ખાવા માટે કંઈ ન હોય અને અમેરિકા તેમને જીવવા માટે અનાજ મોકલતું હોય એવા ગરીબોના ટોળાંના દેશ તરીકે જાણતી હોય.

આ છેલ્લા વિભાગના લોકોને જ્યારે જાણવા મળે કે ભારત પાસે ગાડીઓ, ટ્રેઈનો, વિમાનો, પાકા રસ્તા, સુખસગવડવાળી હોટલો, સિનેમાગૃહ કે નાટ્યગૃહ અને જ્યાં મારા જેવા અમેરિકા આવતા પહેલાં ભણ્યા હોય એવી કોલેજો તથા વિદ્યાપીઠો છે ત્યારે તેમના આશ્ચર્યનો પાર ન રહે.  કેટલીક વાર એવું પૂછે કે અમે કઈ આદીવાસી કોમના સભ્ય છીએ. જ્યાં સુધી અમે અમેરિકન ઈંડિયન વિષે અને અમેરિકાની અંદર જ વસેલાં તેમનાં રાષ્ટ્રો કે રીઝર્વેશનો વિષે જાણ્યું ત્યાં સુધી તેમનો છેલ્લો પ્રશ્ન અમને પજવતો રહ્યો. અમારે માથે પીંછાં બાંધેલાં ન હતાં કે “ઈંડિયનો”ને અગ્નિજળ યાને કે દારૂ ધરવો એ મજાક બની ગઈ. અમને પણ એ આનંદદાયક લાગી.

ફરીથી કહું છું કે મોટા ભાગના સહકર્મચારી અને કારખાનાના કામદારોનું વર્તન મિત્રતાભર્યું હતું અને તેઓ મદદ કરવા તત્પર રહેતા. દા.ત. એ વખતે ( 1970ની શરૂઆતમાં ) લગભગ બધા જ ભારતીય પરિવારો એપાર્ટમેન્ટમાં રહેતા.પોતાનું ઘર હોવું એનો તો વિચાર સરખો પણ ન કરી શકાય. અમને કહેતા કે ઘર હોય તો ઘણું કામ રહે – લૉન કાપવી પડે, બરફ ખસેડવો પડે, ઘરમાં સમારકામ કરવું પડે વિ. મારા સહકર્મચારીઓમાંથી એકે એટલે કે મારા ખાસ મિત્ર ટૉમ કૈઝરે મને ઘર ખરીદવા પ્રોત્સાહિત કર્યો. દેખીતી રીતે ઘર માટે આપવાના પૈસા મારી પાસે ન હતા અને એ માટે લોન મેળવવાની ચિંતા હતી. એ વખતે અમદાવાદ જેવાં શહેરો કે ભારતમાં હોમ લોનની પ્રથા પ્રચલિત ન હતી. મને થયું કે હું અહીંનો નાગરિક ન હતો, મારો કોઈ ક્રેડિટનો ઈતિહાસ ન હતો કે ન એ લોકો મને ઓળખતા હતા. તો મને એ લોન શા માટે આપે. ટોમે મને ખાત્રી આપી કે જો બેંક મારા જેવા ભણેલા અને આવક ધરાવતા લોકોને લોન ન આપે તો તેમના દરવાજા બંધ કરવા પડે. એટલે તેણે લોન માટે અરજી કરવામાં મને સહાય કરી. મને લાગ્યું કે તેમનો જવાબ આવતાં વખત લાગશે. પણ ટોમ સાચો હતો. બે દિવસમાં બેંકે મને બોલાવ્યો અને કહ્યું કે લોન પાસ થઈ ગઈ છે. ભારતીય સમાજ માટે તે વાતોનો વિષય બની ગયો. ટોમે મને ઘર ખરીદવામાં મદદ કરી. એટલું જ નહિ પણ ઘરમાં બધું વ્યવસ્થિત કરવાની મને તાલીમ આપવાની સાથે પોતે પણ મહેનત કરી. પીએચ.ડી.ના વિદ્યાર્થી તરીકે મને જે તાલીમ મળેલી તે કામમાં આવી.

તદુપરાંત મારો એક સાથી અને મિત્ર ફ્રૅન્ક વેરિક, જે ઈજનેર તરીકે કામ કરતો હતો અને કિસાન પણ હતો તેની પાસે દસ એકર જમીન હતી. એક વખત એના ઘરે ગયો તો સામે કચરાની થેલીઓ ખડકેલી હતી. અમે જ્યારે એ થેલીઓ વિષે પૂછ્યું તો તેણે કહ્યું કે એમાં નકામા નાના બટાટા ભરેલા હતા. મંજુલાએ કહ્યું કે નાના બટાટા તો ભારતીય રસોઈમાં જોઈતી ચીજ હતી અને પૂછ્યું કે શું તે થોડા બટાટા લઈ જઈ શકે. એણે તો બધીજ થેલીઓ ગાડીની ડીકીમાં ભરી દીધી. બીજે દિવસે મંજુલા તો ભારતીય મહિલાઓમાં સૌથી લોકપ્રિય વ્યક્તિ બની ગઈ કારણ કે તેણે આ બધા બટાટા ભારતીય પરિવારોમાં વહેંચી દીધા. બીજી વાર ફ્રૅન્ક અને તેની પત્ની ગેઈલ અમારે ત્યાં આવ્યાં અને ડિનર લીધું. મંજુલાએ બટાટાવડાં તેમજ ભરેલા બટાટા અને ભરેલાં રીંગણ બનાવ્યાં હતાં. તેઓને નવાઈ લાગી કે કહેવાતી ફેંકી દીધેલી ખાવાની ચીજમાંથી સ્વાદિષ્ટ ભોજન બની શકે છે. તે પછી ફ્રૅન્ક અને ગેઈલને ભારતીય ભોજન ગમવા લાગ્યું. એટલું જ નહિ પણ જ્યારે યુરોપનાં ઘણાં શહેરોમાં ( ખાસ કરીને યુ.કે.માં લંડન અને બર્મિંગહામમાં ) સાથે ગયા ત્યારે મને ભારતીય ભોજનાલય શોધવા કહ્યું. ફ્રૅન્ક એક “સદગૃહસ્થ” કિસાન છે એવું જાણતા હોવાથી મંજુલાએ તેને પૂછ્યું કે અમને ગમતાં શાકભાજીનાં બીજ તેના ખેતરના ખૂણામાં નાખીએ તો તેને વાંધો છે. તે તૈયાર થયો અને પછી તો અમને જોઈએ એટલાં કોથમીર, મેથી, ફૂદીનો તેમજ રીંગણ, ટામેટા જેવાં શાક ઉનાળામાં મળવા લાગ્યાં. ઝાડોને કાપવાની અને તેમના ચીરા કરવાની મહેનત બધી ફ્રૅન્કે કરી. બાળવાનાં લાકડાં જે અમે ફાયરપ્લેસમાં વાપરતા હતા તે તેના ત્યાંથી આવતાં હતાં. અમારા ટોલેડો ક્ષેત્રના નિવાસ દરમિયાન અનેક વાર અમને મદદ કરનાર મારા સાથીઓ અને મિત્રોની ઉદારતાના ઘણા દાખલાઓમાંનો આ એક જ છે.

ટોલેડોમાં હતા ત્યારે શરૂઆતમાં જીજ્ઞાસુ અને ચેતતા રહેતા પણ અંતે તેણીના મિત્ર બનનાર અમારા પાડોશીઓ પાસેથી મંજુલા ઘણી વસ્તુઓ બનાવતાં શીખી. ત્યાં સુધીમાં તેણે પશ્ચિમી પહેરવેશ અપનાવ્યો

અને આડોશપાડોશની પાર્ટીઓમાં ખુશીથી જવા લાગી તેમજ ભારતીય વાનગીઓ બનાવવાની રીત પાડોશીઓને બતાવવા લાગી.  એમને ધન્ય  છે કે જે બધાએ પોતાના રસોડામાં કેટલીક ભારતીય વાનગીઓ શીખીને બનાવવા પ્રયત્ન કર્યો અને સમય કાઢ્યો. 1972માં જ્યારે અમારી પુત્રી હિના પાંચ વર્ષની થઈ ત્યારે નજીકની પ્રાથમિક શાળામાં જવા લાગી. એ પહેલી “વિદેશી” હતી જેને ત્યાંનાં ભૂલકાં અને શિક્ષકો મળ્યા હોય. પણ બધાએ ખૂબ સહકાર આપ્યો અને એમનામાંના એક તરીકે સ્વીકારી લીધી. હિનાએ શાળાનાં વર્ષો દરમિયાન જીવનભરનાં ઘણાં મિત્રો બનાવ્યાં.

ટોલેડોમાં ભારતીય લોકો થોડા જ હતા. કદાચ 50-60 પરિવાર અને ટોલેડો યુનિવર્સિટીના ઘણા બધા વિદ્યાર્થીઓ. તેઓ ભારતના વિવિધ પ્રાંતોમાંથી આવતા હતા. પણ ભારતીયતા તેમને એકબીજા જોડે બાંધી રાખતી હતી. મોટા ભાગના ભારતીયો કાંતો ઈજનેર હતા કે પછી દાક્તર. બધા ઘણું કરીને તેમના વ્યવસાયમાં નવા હતા, નજીક નજીક રહેતા હતા અને આર્થિક રીતે સમાંતર ધોરણે હતા-કોઈ ગરીબ કે તવંગર ભારતીય ન હતા, હતા સહુ માત્ર ભારતીય. તમને સાડી પહેરેલી મહિલા કે ભારતીય ઢબે બોલતી ઘઉંવર્ણા ચહેરાવાળી વ્યક્તિ દેખાશે તો તમે થોભશો અને તેમની જોડે વાત કરવાની શરૂ કરશો. તે તરત જ તમારા મિત્રો બની જશે. મને યાદ આવે છે બે ભારતીય પરિવાર જેમાં પતિ ભારતીય અને પત્ની અમેરિકન હતી જે બધી જ ભારતીય પ્રવૃત્તિઓમાં ભાગ લેતી.અને એકે ( લિન્ડા જોષી ) ભારતીય લાડુ અને સમોસા જેવી શાકાહારી વાનગીઓ બનાવવાનું પણ શીખી લીધું હતું.

ઈંટરનેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ટોલેડો નામની એક સંસ્થા હતી જે વાર્ષિકોત્સવ રાખતી અને એમાં બધી જ “પરદેશી” કોમો ભાગ લઈ શકતી. તેમાં દુનિયાભરના ( લગભગ 30 દેશોના ) લોકો આવી જાય. બે દિવસનો ઉત્સવ ભારતીય લોકોને મળવાનો તથા અંગત સંબંધો કેળવવાનો અવસર પૂરો પાડતો. આ સંબંધો પછીના ઉત્સવોથી ગાઢ બનતા. ભારતીય લોકો રાસ-ગરબા, ભાંગડા, શાસ્ત્રીય નૃત્ય, બોલીવુડનાં નૃત્ય વિ. જેવા મનોરંજનના કાર્યક્રમોમાં ભાગ લેતા. અમારું એક બૂથ હતું જ્યાં ભારતીય ફાસ્ટફૂડની યીજો જેવી કે સમોસા, ભજીયાં, લાડુ, ખમણ-ઢોકળાં, સૂકી પુરી વિ. વેચતા. બધી ચીજો સ્વયંસેવક ભારતીય મહિલાઓ અને પુરૂષો પોતાના ઘરમાં કે બીજા કોઈના ગરાજમાં સાથે મળીને બનાવતા. ઉત્સવ બે દિવસ ચાલે અને અન્ય દેશોના લોકો સાથે મિત્રતા કેળવવાની મોટી તક પૂરી પાડે. દુઃખની વાત એ છે કે જેમજેમ હિજરતીઓની સંખ્યા વધી તેમતેમ તેમાં જૂથ પડી ગયાં એટલે દરેક જૂથ પોતાની રીતે અલગ ઉત્સવ ઉજવે. પરિણામે મુખ્ય ઈન્સ્ટિટ્યુટ મળતો આર્થિક ટેકો ઘટવા લાગ્યો, તેની પ્રવૃત્તિઓ ઘટવા લાગી અને મારી જાણકારી પ્રમાણે ઈન્સ્ટિટ્યુટ બંધ થઈ ગઈ.

નવરાત્રી વખતે ભારતીય લોકો રાસ-ગરબાનો કાર્યક્રમ ગિરજાઘરમાં રાખે અને આજુબાજુના શહેરોમાં રહેતા ભારતીય લોકો તથા થોડાક અમેરિકનો એમાં જોડાય. દિવાળી શાળાના કાફેટેરિયામાં કે પછી ગિરજાઘરના મોટા સભાગૃહમાં ઉજવાય અને તેમા ઘણા અમેરિકન મિત્રોને બોલાવીએ.

જેમ જેમ ભારતીય લોકોની સંખ્યા વધતી ગઈ અને જ્યારે હિજરતીઓ વિખ્યાત દાક્તર, ઈજનેર કે ઉદ્યોગપતિ-વ્યાપારી બની ગયા ત્યારે એમને લાગ્યું કે પોતાનાં બાળકોને ધર્મ, સંસ્કૃતિ, ઈતિહાસ વિ. શીખવવાં જોઈએ. એટલે અમે ઈંડિયા એસોસિએશનની સ્થાપના કરી, બાળકો માટે સપ્તાહના અંતે લેવાતા વર્ગો શરૂ કર્યા, માસિક સમાચારપત્ર શરૂ કર્યું અને યાત્રી ભારતીય નિષ્ણાતો, ધાર્મિક વડા વિ.નાં પ્રવચનો ગોઠવ્યાં. પરિણામે ટોલેડોમાં હિંદુ મંદિર સ્થપાયું. તેનો વિકાસ થયો અને અત્યારે સંપૂર્ણ હિંદુ ઘાર્મિક સંસ્થા તરીકે ચાલે છે. મંદિર દર વર્ષે ફેસ્ટિવલ ઓફ ઈંડિયાનું આયોજન કરે છે. અત્યારે તે ટોલેડો ક્ષેત્રનો મુખ્ય વાર્ષિકોત્સવ બની ગયો છે.

અમે અમેરિકા આવ્યા તેનાં પાંચ વર્ષમાં અમે થોડા ભારતીય કરિયાણા સ્ટોર, 220-110 વોલ્ટનાં ઉપકરણોનો સ્ટોર, ભોજનાલયો અને સાડી સ્ટોર શિકાગો, ક્લિવલેન્ડ વિ. જેવાં નજીકનાં મોટાં શહેરોમાં ખુલતા જોયા. અમેરિકામાં રહેતા ભારતીયો માટે તો આ મોટો ફેરફાર હતો. હવે કહેવા પૂરતી ભારતીય વાનગીઓ બનાવવાની જરૂર નહિ પડે.

અંગત રીતે, મેં રિસર્ચ એન્જીનીયર તરીકે કામ કરવાનું શરૂ કર્યું 1970માં અને 1986 સુધીમાં ટોલેડોના  મિડલેન્ડ રૉસ ટેક્નિકલ સેંટરમાં ટેક્નિકલ ડાયરૅક્ટરની પદવી પર પહોંચ્યો. જ્યારે સરફેસ કંબશનમાં કામ કરતો હતો ત્યારે બાઉલિંગ ગ્રીન યુનિવર્સિટીમાંથી એમ.બી.એ. કર્યું. કંપનીના વહીકવટકર્તાઓની ભલામણથી મેં ડેલ કાર્નેગીમાં કોર્સ કર્યો. લોકો સાથે કામ પડે ત્યારે અને જાહેરમાં બોલવાનું હોય ત્યારે આત્મવિશ્વાસ કેળવવા માટે તે મહત્વનું પગલું હતું અને ભવિષ્યની કારકિર્દી માટે કામ  આવવાનું હતું. કંપનીમાં ઝડપી પ્રગતિથી મને ખાત્રી થઈ કે અમેરિકાના શેઠિયા મોટો ભેદભાવ રાખ્યા વગર તક્નિકી જ્ઞાન  તથા સખત મહેનતની કદર કરે છે. “મોટો” એટલા માટે કે મારા અનેક અનુભવો બતાવે છે કે જ્યારે મને લાગ્યું કે મારી સાથેનું વર્તન બરાબર નથી ત્યારે પણ મને કોઈ ભેદભાવ દેખાયેલો નહિ. મને લાગ્યું કે સામાન્ય માણસનો એ સ્વભાવ હતો- તમને કોઈ લોકો ગમે અને કોઈ ન ગમે. એનું કારણ એ હોઈ શકે કે ભારતમાં એવા કિસ્સા જોયા કે અનુભવ્યા હોય જેમાં એક વ્યક્તિ કોઈ એક જણની “લાડકી” બની જાય પણ બીજા ઘણાની “ઓરમાન”. પાછલા અનુભવને જોતાં એવા ઘણા પ્રસંગો યાદઆવે છે જેમાં મને ઊંચી પોસ્ટ માટે કે એવૉર્ડ માટે કે “હોદ્દેદારોની કતાર”માં અમુક હોદ્દેદારની જગા લેવા માટે પસંદ ન કરવામાં આવ્યો હોય. પણ મને એમાં કદી ભેદભાવ દેખાયો નહિ. કદાચ એ વખતે મારા શબ્દકોશમાં “ભેદભાવ” જેવો શબ્દ નહિ હોય.

1986માં મેં એ કંપની છોડી દીધી અને ટોલેડોમાં ઈંદુગેસ નામની નવી કંપની શરૂ કરવા મારા બૉસ સાથે જોડાયો. આ કંપનીએ થર્મલ એન્જીનીયરિંગનાં ઘણાં ક્ષેત્રોમાં સંશોધન કર્યું અને નવી ટેક્નોલોજીઓ વિકસાવી. મોટા ભાગના સંશોધનનો ખર્ચ ખાનગી કંપનીઓ, ઈલેક્ટ્રિક પાવર ઉદ્યોગ અને અમેરિકાના ડીપાર્ટમૅન્ટ ઓફ એનર્જીએ ઉપાડી લીધો. આ ટેક્નોલોજીઓને આધારે જે કંઈ માલ બન્યો તેમાંનો કેટલોક વેચવા માટે અને બજારમાં મૂકવા માટે અમે થરમોટેક ઇંડસ્ટ્રીઝ નામે કંપની શરૂ કરી તેમજ લી વિલ્સન નામની બીજી કંપની ખરીદી લીધી.

1997માં મેં ટોલેડો છોડ્યું અને રૉકફૉર્ડ( ઈલીનોઈસ )માં આવેલી ઈપ્સન અબાર કોર્પોરેશન નામની મોટી ફરનેસ કંપની માટે સંશોધનની સગવડ વિકસીત કરવાની વિશિષ્ટ જવાબદારી સ્વીકારી. આ જવાબદારી પત્યા પછી હું વૉશિંગ્ટન ડીસી બાજુ ગયો. ત્યાં પ્રોસેસ હીટિગમાં ખાસ પ્રોગ્રામ વિકસિત કરવા ડીપાર્ટમેન્ટ ઓફ એનર્જી સાથે કામ કરવા માટે એક કંપની ઊભી કરવા મને પ્રોત્સાહિત કરવામાં આવ્યો. મેં ઈ3એમ.ઇન્કોર્પોરેટેડ ( એનર્જી એન્ડ એન્વિરૉનમેન્ટ એફિસીયન્સી મેનેજમેન્ટનું ટૂંકું નામ ) નામની કંપની શરૂ કરી. આ જવાબદારી પડકારરૂપ હતી. એમાં બધી પ્રકારની ઔદ્યોગિક હીટિંગ સીસ્ટમમાં એનર્જીની બચત કરવાના પ્રયત્નો વચ્ચે એકસૂત્રતા લાવવી પડે. અગાઉ ક્યારે પણ આવું કામ કરવામાં આવ્યું ન હતું અને ખનીજ તેલ, રસાયણ, લોહ અને પોલાદ, એલ્યુમિનિયમ, કાચ, સીમેન્ટ, જંગલની પેદાશ વિ. અનેક ક્ષેત્રોની ઘણી મોટી ઔદ્યોગિક કંપનીઓ સાથે સહયોગ કરવો એ મોટો પડકાર હતો. એની સાથે અનેક મોટા હીટિંગ ઈક્વિપમેંટના ઉત્પાદકો અને ઘણા બધા ઔદ્યોગિક ક્ષેત્રોને સેવા આપતાં અનેક વ્યાપારી-તક્નિકી સંગઠનો સાથે સહયોગ કેળવવો જરૂરી હતો.

હું નસીબદાર હતો કે મને ડીપાર્ટમેન્ટ ઓફ એનર્જીમાંથી અનેક લોકો, ઓક રીઝ નેશનલ લેબોલેટરી જેવી સંશોધન પ્રયોગશાળા અને ઉદ્યોગોની દોરવણી તથા સહકાર મળ્યાં. હજુ પણ ઈ3એમ કંપની યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન ( યુએનઆઈડીઓ ) અને ડીપાર્ટમેન્ટ ઓફ એનર્જી ( ડીઓઈ ), ઈપીએ, સ્ટેટ ડીપાર્ટમેન્ટ, ડીફેન્સ ડીપાર્ટમેન્ટ વિ.ને સેવા આપે છે. અમારાં એનર્જી અને એન્વિરોનમેન્ટ ક્ષેત્રનાં કાર્યોએ મને અમેરિકાનાં બધાં જ 50 રાજ્યોમાં જવાની તક પૂરી પાડી. એને લીધે હું દુનિયાના પાંચે ખંડોના દેશો, ખાસ કરીને એશિયા ( ચીન, ભારત, જાપાન, ફિલિપાઈન્સ, થાઈલેન્ડ, મલયેશિયા, ઈન્ડોનેશિયા વિ. ), આફ્રિકા, દક્ષિણ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, યુરોપ વિ.માં જઈ શક્યો. આ દુનિયાને જાતે જોવાની અને જાણવાની મહાન તક હતી.

મેં જે મહત્વનું દર્શન કર્યું તે એ કે દર વર્ષે કેટલાય લાખ ડોલરના બજેટના વહીવટ માટે જવાબદાર પ્રોજેક્ટ કે પ્રોગ્રામ મેનેજરો જેવા ઘણી નજરે ન દેખાતી પદવીપર સેવા આપતા મોટા ભાગના સરકારી કર્મચારી પ્રમાણિક અને મહેનતુ છે. પોતાના કામથી કંઈક “ફરક પડશે” તેનો તે ગર્વ અનુભવે છે અને પોતાની અંગત તેમજ વ્ચવસાયિક જવાબદારીને ગંભીરતાથી લે છે. પણ ઘણીવાર તેમના કામ બાબતમાં રાજકીય નિમણૂક પામેલા તેમજ કોંગ્રેસ કે સેનેટના સભ્યો રોકી શકે છે, કંટ્રોલ કરી શકે છે કે તેમના પર દબાણ લાવી શકે છે. બજેટ પણ રાજકીય અને નીતિવિષયક બાબતોને ધ્યાનમાં રાખીને કામમાં વાપરવા દબાણ કરવામાં આવે.

મને એ પણ જાણવા મળ્યું કે સરકારી અમલદારશાહીને ભેદવી બહુ જ મુશ્કેલ છે. એવી ઘણી સ્થાપિત અને પહોંચેલી કંપનીઓ છે જે લગભગ બધાં સરકારી ખાતાઓમાં પગદંડો જમાવીને બેઠેલી છે. એમની પાસે નિર્ણય લેવા માટે જરૂરી એટલી બધી ઐતિહાસિક માહિતી હોય કે સરકારી પૂછપરછનો ફટાફટ જવાબ આપવામાં કામ લાગે. એમના કૉન્ટ્રેક્ટ કે સર્વિસ બંધ કરાવવાનું ખૂબ જ મુશ્કેલ છે. મને ખાત્રી થઈ કે કન્સલ્ટિંગ કંપનીઓ અને માલના વ્યાપારી લોબીઈસ્ટ સાથે મળીને એટલી બધી લાગવગ ધરાવે છે ( સારી કે ખરાબ ) કે સરકારી મશિનરી એમના ટેકા વગર ચાલી જ ન શકે. મારે આ હકીકત જોડે સમાધાન કરવું જ રહ્યું. પણ, થોડાક પ્રમાણિક સરકારી કર્મચારીઓનો પાડ માનવો રહ્યો જેમને હું જે કંઈ આપવા માગતો હતો તે અને મારું પાછલું કામ તથા તેની સફળતાનું મહત્વ સમજાયું. પરિણામે હું પણ થોડા સમયમાં ખૂબ નાના પાયે કન્સલ્ટન્ટ તરીકે સ્થાપિત થયો.

2000 થી 2016 દરમિયાન હું અનેકવાર ઘણા દેશોના પ્રવાસે ગયો અને ત્યાંની સરકારી સંસ્થાઓ તથા ખાનગી ઉદ્યોગો સાથે કામ કર્યું. આ પ્રવાસોએ મને લોકોની જરૂરિયાતો અને ઈચ્છાઓને સમજવાની તક આપી. દરેકને શીખવાની અને આગળ વધવાની ઈચ્છા હતી – મોટે ભાગે જીવનધોરણને અમેરિકાની તોલે લાવવાના ધ્યેયથી..આ પ્રવાસોએ મને શીખવ્યું કે માનવજાત બધે સરખી જ હોય છે. જ્યાં સુધી તમે તેમની સાથે માનપૂર્વક વર્તશો અને મદદ કરવા પ્રયત્ન કરશો તેઓ તેમની રીતે એવોજ પ્રતિભાવ આપશે. મારી પાસે એના ઘણા દાખલાછે. જેવા કે ઉત્તર ચીનમાં મારા માટે શાકાહારી ભોજન લાવવા માટે એક કંપનીએ કોઈકને 50 કિલોમીટર દૂર મોકલ્યો અને મારા ડિનર માટે ફ્રેંચ ફ્રાઈઝ પણ મંગાવી. અથવા હું જ્યારે અઠવાડિયા માટે પેકિંગમાં હતો ત્યારે મારા આશ્ચર્ય વચ્ચે એક જર્મન રસોઈયો મારા માટે સરસ ભારતીય ખાણું બનાવવાનો હતો.

પેન્સિલવેનિયાની સ્ટેટ કોલેજમાં આવ્યાને ત્રીસ વર્ષ થયાં પછી એટલે કે 1997માં અમે વૉશિંગ્ટન ડીસી ગયા. અને ભાન થયું કે ઘણું બધું બદલાઈ ગયું હતું. અમેરિકામાં 1967ના દસવીસ હજારની સરખામણીમાં ભારતીય મૂળના લોકો વીસ લાખ કરતાં વધારે થઈ ગયા હતા.

સામાજિક વાતાવરણમાં ઘણો મોટો ફરફાર થયો હતો. એ દિવસો ગયા કે જ્યારે કહેવા પૂરતો ભારતીય ખોરાક બનાવવો પડતો અને ખાવો પડતો, ટપાલથી ઓર્ડર આપીને હોંગકોંગથી સાડીઓ મંગાવવી પડતી, ભારતથી મંગાવેલા મસાલા અને મીઠાઈઓ માટે પાર્સલની રાહ જોતા, ભારતમાં પ્રિયજનો સાથે વાત કરવા ટેલિફોનની લાઈન મેળવવા કલાકો રાહ જોતા વિ. હવે તો ત્યાં ઘણા ભારતીય સ્ટોર, ભોજનાલયો, મંદિરો, ભારતના વિવિધ પ્રાંતોનું પ્રતિનિધિત્વ કરતાં સંગઠનો, ભારતીય વર્તમાનપત્રો અને સામયિકો, ભારતના વિખ્યાત કલાકારો ( અભિનેતા, ગાયકો, નૃત્યકારો વિ. ) ઉપરાંત ઘણા ધાર્મિક સંતો અને મહારાજના મનોરંજન કાર્યક્રમો, ભારતના ટીવી કાર્યક્રમો હતા. સાથે મફતમાં સામસામે અમર્યાદિત વાતચીત કરવા અને મળવા માટે વૉટ્સએપ તો ખરું જ. મોટાં, જોવાં ગમે એવાં બીએપીએસ મંદિર સહિત મોટાં શહેરોમાં અનેક મંદિરો છે. ઘણા ભારતીય મૂળના લોકો રાજ્ય વિધાનસભામાં યુ.એસ.કોંગ્રેસના સભ્યો તરીકે રાજકારણના ભાગ બન્યા છે અને યુવાન ભારતીયો મોટા ગજાના રાજકારણીના સ્ટાફમાં મહત્વનાં પદ સંભાળે છે. અમેરિકાભરની બધી મોટી યૂનિવર્સિટીઓમાં મોટી સંખ્યામાં ભારતીય મૂળના વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો છે. નોબેલ પુરસ્કાર જીતનારા પણ છે. પ્રાથમિક રીતે સૉફ્ટવેર વિકસિત કરતો સંપૂર્ણ આઈટી ઉદ્યોગ મોટે ભાગે ભારતીય મૂળના લોકો પર આઘાર રાખે છે.

આમ કેવી રીતે બન્યું? અમને આ ક્રાંતિ લાવવામાં ભાગ ભજવનાર ઘણાં પરિબળો દેખાયાં.

  1. આઈઆઆટી, આઈઆઈએસસી અને બીજી ઘણી યુનિવર્સિટીઓ જેવી વિખ્યાત ભારતીય શિક્ષણ સંસ્થાઓમાંથી યુએસએમાં આવતો વિદ્યાર્થીઓનો અવિરત પ્રવાહ. આ મહેનતુ વિદ્યાર્થીઓએ બધાં ક્ષેત્રોની આગળ પડતી કંપનીઓમાં કામ કરવાનું શરૂ કર્યું અને સખત મહેનત તથા નીતિમત્તા સાથે સરસ કામ કરીને પોતાની આવડત પૂરવાર કરી. એમને બઢતી મળી અને આગળ જતાં ઊંચો હોદ્દો પણ તેમને આપવામં આવ્યો.
  2. 1960 અને 70ના દાયકામાં આવેલા હિજરતીઓની પહેલી પેઢીનાં સંતાનો મોખાની યુનિવર્સિટોઓમાં દાખલ થયાં અને ગ્રેજ્યુએટ થઈને મેડિકલ, એન્જીનીયરિંગ, ફાઈનેન્સ કે મેનેજમેન્ટ ક્ષેત્રમાં અથવા સ્વતંત્ર ધંધાની દુનિયામાં દાખલ થયાં.
  3. ભારતના ઘણા હિજરતીઓએ હોટેલ અને મોટેલ ઉદ્યોગમાં પોતાનો ધંધો શરૂ કર્યો કે ફાસ્ટ ફૂડ ( સેવન ઈલેવન, ડંકિન ડોનટ્સ, મેક્ડોનાલ્ડ વિ. ), ફાર્મસી વિ.ની ઘણી જાણીતી ફ્રાન્કાઈઝીઓમાં પૈસા રોક્યા.
  4. ઘણા યુવાન ઈજનેરો અનેક ઉદ્યોગોને આઈટી ક્ષેત્રમાં પ્રાથમિક રીતે સેવા આપવા માટે વર્ક વિસા લઈને ભારતથી અમેરિકા આવ્યા અને આઈટી ખાતાના મુખિયા બન્યા, તથા કેટલાક કેસોમાં સીઈઓ, સીટીઓ, સીએફઓ જેવી પોસ્ટ પર પહોંચ્યા.

આજે તો બ્રોડકાસ્ટિંગ, જર્નાલિઝમ, ફાઈનેન્સિયલ સર્વિસ, જાતે ઊભા કરેલા ઉદ્યોગો અને મોટા ભાગની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં પણ ભારતીય મૂળના પુરુષો તથા મહિલાઓ દેખાય એ સામાન્ય બાબત છે.

અમારું પારિવારિક જીવન

એક કહેવત છે કે “દરેક સફળ પુરુષની પાછળ મહિલા હોય છે” અને હું એને બદલીને કહીશ કે “દરેક સફળ પરિવારની પાછળ મહિલા અને માતા હોય છે”. મારા પરિવારમાં આ મહિલાનું નામ છે મંજુલા થેકડી જે અમારા અમેરિકાના આટલાં વર્ષોના નિવાસ દરમિયાન અમારા સામજિક જીવનની આર્કિટેક્ટ, ડિઝાઈનર અને બિલ્ડર રહી છે. અમે પેન સ્ટેટમાં હતા ત્યારે, અમેરિકામાં વિવિધ જગાએ રહ્યા ત્યારે અને અમારા વિદેશ પ્રવાસ દરમિયાન તેણે દુનિયાભરના લોકો સાથે જીવનભરની મિત્રતા કેળવી. અમારો પરિવાર ઊભો થયો એ દરમિયાન અમે એવા પાડોશમાં રહ્યા જ્યાં ભાગ્યેજ કોઈ રહેવાસી પરદેશમાં જન્મેલો હતો. એટલે પાડોશી માતાઓને પગલે ચાલીને તેણી 15 વર્ષ સુધી સૉકર, ફૂટબૉલ, ચર્ચાસભા, નૃત્યસભા વિ. જેવી બાળકોની પ્રવૃત્તિઓને ટેકો આપીને સાચા અર્થમાં અમેરિકન માતા બની. આમ કરવાથી એ ખચકાટ વગર સરળ અંગ્રેજી બોલતી થઈ અને ભારતીય પત્ની અને માતાના મૂળભૂત ગુણો જાળવી રાખીને પણ અમેરિકન જીવનપદ્ધતિના ઘણાં રીતરિવાજો શીખી. જે સમયે તેણી શાળા અને પાડોશની પ્રવૃત્તિઓમાં વ્યસ્ત હતી ત્ચારે તેણે ભારતીય સામાજિક વર્તુળની પ્રવૃત્તોઓમાં પણ ભાગ લીધો. તેણી આંતરરાષ્ટ્રીય સંસ્થાની પ્રવૃત્તિઓ, ભારતીય ઉત્સવોની ઉજવણી, ફોગાના જેવા બાળકોના સાંસ્કૃતિક કાર્યક્રમો, ધાર્મિક પ્રવૃત્તિઓ, મહિલાસભાઓમાં જવું વિ.માં પ્રવૃત્ત રહી.

જ્યારે અમારી પુત્રી પ્રાથમિક શાળામાં દાખલ થઈ ત્યારે એ શાળામાં ઘઉંવર્ણી ચામડી, લાંબા વાળ અને બોલવાની ભારતીય લઢણવાળી પરદેશમાં જન્મેલી પહેલી બાળકી હતી. જ્યારે અમારાં એ પછીનાં બે બાળકો શાળામાં હતાં ત્યારે એમના વર્ગમાં ફક્ત થોડાં જ ગેર-અમેરિકન બાળકો હતાં. મંજુલા શાળાના બધા કાર્યક્રમોમાં ગઈ ત્યારે તેમના વર્ગનાં બીજાં બાળકોનાં માતપિતા સાથે મિત્રતા બંધાઈ અને જરૂર પડી ત્યારે ભારતીય પરિવારો દ્વારા પળાતી ઘણી પરંપરા અને પ્રણાલિકા વિષે સમજણ આપી. પાડોશની ઘણી અમેરિકન માતાઓની સાથે વ્યવહાર કરતાં કરતાં એ પાડોશનાં મોટા ભાગનાં બાળકો માટે શૉફર, પરિચારિકા, ખુશી બતાવવામાં અગ્રેસર અને ખાસ તો નાસ્તો આપનાર બની.

તેણીનો એક “શોખ” હતો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી વિનિમય કાર્યક્રમમાં ભાગ લેવાનો. અમારી પુત્રી અનિતા આ કાર્યક્રમ હેઠળ એક વર્ષ જર્મની રહી આવી. એના અનુસંધાનમાં, તેણીના આગ્રહથી અમે શાળાના એક વર્ષ દરમિયાન એક જર્મન વિદ્યાર્થીના યજમાન બન્યા. આ પૂરા સમય દરમિયાન પાડોશીઓએ તેણીને પ્રોત્સાહન આપ્યું અને અમરિકાની જીવનપધ્ધતિ વિષે ઘણું શીખવ્યું. અમે દેવળની સેવામાં, લગ્નોમાં તથા ઘણી પાર્ટીઓમાં ગયા અને અમેરિકાના રીતરિવાજો શીખ્યા. પણ અમે “ભિન્ન” હતા તેને કારણે જરા સરખી ભેદભાવની લાગણી કે ઈશારો ન હતાં.

અમારાં બાળકોએ હાઈસ્કૂલ પૂરી કરી પછી અમે ઓહાયોમાં હતા ત્યારે જ મંજુલાએ બેંકમાં કામ કરવાનું શરૂ કર્યું અને જીવનનાં વિવિધ ક્ષેત્રોમાંથી ગ્રાહકો જોડે કામ પાડવાનો અનુભવ કર્યો. અમે 1997માં વૉશિંગ્ટન ડીસી તરફ ગયા ત્યારે તેણીએ ડેટા એનાલિસ્ટ તરીકેની તાલીમ લીધી અને 2010માં નિવૃત્ત થઈ ત્યાં સુધી એક કન્સલ્ટિંગ કંપનીમાં કામ કર્યું. કામ કરતી હતી ત્યારે દુનિયાના ઘણા દેશોના લોકોને તે મળી. આ અનુભવ તેના સિલ્વાનીયા કે ટોલેડો ઓહાયોથી સાવ નોખો હતો. પણ એણે બધું સંભાળી લીધું. હંમેશ મુજબ તેણીએ ઘણા સહકર્મચારીઓને મિત્રો બનાવ્યા અને સાથી કર્મચારીઓ સાથે પોતાની ખાસ વાનગીઓ, એ બનાવવાની રીત તથા રિવાજો  અને પહેરવેશની માહિતી શૅર કર્યાં. હું ખૂબ પ્રવાસ કરતો હતો એટલે તેણીએ પોતે કામ કર્યું ત્યાં અને અમે જ્યાં રહ્યા ત્યાં મોટું મિત્રવર્તુળ બનાવ્યું અને સામાજિક સંબંધો વિકસાવ્યા. એના અત્યારના શોખ છેઃ પ્રાયોગિક શેફ બનવું, અનેક સ્થાનિક સંસ્થાઓની પ્રવૃત્તિઓમાં ભાગ લેવો, યોગની પ્રેક્ટિસ કરવી અને માઈલો સુધી ચાલવું.  જેમ વૉટ્સએપે તેણીનો સમય પસાર કરવામાં ગજબનો ભાગ ભજવ્યો છે, મને ખાત્રી છે કે તમારામાંના ઘણા તમારી પત્નીના જીવનમાં આવું થતું જોતા હશો.

સામાજિક વ્યવહાર

અમારાં બે સંતાનોની નજીક હોવાના આશયથી અમે 2011થી સુગરલેન્ડ, ટેક્ષાસમાં રહીએ છીએ. અમે સ્નાતક વિદ્યાર્થી પરિવાર તરીકે  કે આ દેશના બીજા ભાગોમાં રહેતા હતા તેના કરતાં સુગરલેન્ડમાં અમારું સામાજિક જીવન તદ્દન જુદું હતું. સુગરલેન્ડમાં એવું લાગતું હતું કે જાણે અમદાવાદથી લાવીને અમેરિકામાં બેસાડી દીધેલા ભારતીય સમાજની વચ્ચે જીવી રહ્યા છીએ- અમારા માટે એ જીવનનો સાવ જુદો તબક્કો હતો. છેલ્લાં 55 વર્ષોમાં જે ફેરફાર અમે નીરખ્યા કે અનુભવ્યા તે ખરેખર ક્રાંતિકારી હતા. કેટલાંક નિરીક્ષણો અને તેમાંથી લીધેલા બોધપાઠ નીચે વર્ણવ્યા છે.

50 વર્ષ પહેલાં અમેરિકા આવેલા બધા ભારતીય પરિવારોની જેમ અમને અમેરિકામાં રહેતાં રહેતાં ઘણી તકલીફો પડી, પણ દરેક તબક્કે અમે જોયું કે સ્થાનિક પાડીશીઓ અને સહકર્મચારીઓ-મિત્રો મદદ કરવા તત્પર હતા. સામાન્ય રીતે અમેરિકાના લોકો ઘણા મદદરૂપ હોય છે અને જ્યારે કોઈને મદદની જરૂર પડે ત્યારે પોતાનું કામ બાજુમાં મૂકવા પણ તૈયાર હોય છે. મોટે ભાગે સ્થાનિક સમાજના સભ્યોએ કોઈપણ જાતના દેખીતા ખચકાટ વગર અમેરિકન અને ભારતીય એમ બે સંસ્કૃતિઓ વચ્ચેનો તફાવત સ્વીકારી લીધો હતો. તેમણે તેમની પોતાની જીવનપધ્ધતિ અપનાવવાનું દબાણ કર્યા વગર આપણા રીતરિવાજો તથા આપણી માન્યતાઓને માન આપ્યું. તો અમે પણ અમેરિકન જીવનની ઘણી રીતભાત અને આદતોને અનુકૂળ થયા. અમે તેમના ખોરાક, પહેરવેશ, ઉત્સવો, ધાર્મિક અને સામાજિક શિસ્ત વિ.માં રસ લીધો. અમારાં સંતાનો સાથેનું તેમનું વર્તન દેખીતા ભેદભાવ વગરનું અને તટસ્થ રહ્યું છે. એનું કારણ એ હોઈ શકે કે અમે સરખામણીમાં નાની જમાતો વચ્ચે રહ્યા છીએ કે જ્યાં લગભગ દરેક જણ શિક્ષિત અને આર્થિક રીતે સધ્ધર હતો. અને નોકરી માટે હરિફાઈ પણ ન હતી. ઘણી વાર અમે જોયું કે લોકોને મળીને વાત કરવાની પહેલ અમારે કરવી પડશે. જેને અમે મળ્યા લગભગ એ બધા અમારી વાત કરવા અને વખત જતાં મિત્રતા બાંધવા તૈયાર હતા. પદાર્થપાઠ એ કે બહારની વ્યક્તિએ લોકો સાથે વાતચીત કરવા પ્રયત્ન કરવો પડે છે અને તેનાથી કામ થઈ જાય છે.

હજુ સુધી અમે જોએલી અને અનુભવેલી મોટે ભાગે હકારાત્મક વસ્તુઓનું મેં વર્ણન કર્યું. એટલે સ્વાભાવિક રીતે સવાલ થાય કે હલબલાવનારી કે ભેદભાવવાળી હોય એવી બાબતોને અમે જોઈ ખરી? જવાબ છે, હા, એવી ઘણી બાબતો હતી જેને આપણે ભેદભાવવાળી કે અસ્વીકાર્ય ગણી શકીએ. શરૂઆતના દિવસોમાં આ દેશમાં અમે ભાગ્યેજ ભેદભાવ જોયો કે અનુભવ્યો. બીજા લોકોની સરખામણીમાં ક્યારેક જુદો વ્યવહાર અમે જોયો કે અનુભવ્યો છતાં અમને ભેદભાવ શું ચીજ છે તેની ખબર ન હતી. એનું કારણ એ હોઈ શકે કે આવું તો ભારતમાં બધે જોયું હતું. ત્યાં જન્મસ્થળ, ધર્મ, જાત, સામાજિક કે આર્થિક મોભો, લાગવગ, સગાંવાદ વિ. પર આધારિત પક્ષપાત થતો જોવો એ સામાન્ય બાબત હતી. શરૂઆતમાં અમને લાગ્યું કે આ તો જીવનનો એક ભાગ છે અને કોઈ નુકશાન વેઠ્યા વગર એની સાથે જીવી નાખ્યું.

અમે આ દેશમાં સ્થાયી થયા, અમારી કાર્યકુશળતાને આધારે નોકરીમાં આગળ વધવા કામ કર્યું અને હવે અમેરિકન સમાજના ભાગ બનતાં અમને જાણવા મળ્યું કે ઉપરના કેટલાક દુર્વ્યવહારો સામે કાયદા પણ છે. એટલે અમે આ દુર્વ્યવહારોનો વિરોધ કરવાનું અને મના કરવાનું ચાલુ કર્યું. અમે બધા, ખાસ તો અમારાં સંતાનો, આ કાયદાઓને વધારે સારી રીતે જાણે છે અને દુર્વ્યવહારો પ્રત્યે સજાગ છે. કોલેજ માં દાખલો લેવામાં કે તેમના વ્યવસાયમાં થતા ભેદભાવ સામે કાયદેસરની કાર્યવાહી કરવા જેવાં અનેક પગલાં તેમણે લીધાં છે. ભાગ્યવશ, અમારા અમેરિકન જીવનમાં અમને અંગત રીતે દુશ્મનાવટ કે તોફાનનો કોઈ અનુભવ થયો નથી. પણ જ્યાં ભારતીય લોકોનો ભરાવો થયો હોય ત્યાં હિંદુ અને ભારતીય કોમ સામે તોફાન અંગે અમને જાણવા મળ્યું. દા.ત. ન્યુ યૉર્ક-ન્યુ જર્સીમાં ચાંલ્લો કરતી ભારતીય મહિલા સામે તિરસ્કાર દર્શાવવા ડૉટ બસ્ટર્સ ઊભા થયા, મંદિરો અને બીજાં ધાર્મિક સ્થાનો પર હુમલા વધ્યા અને મોટા શહેરી વિસ્તારોમાં હિંદુ, મુસ્લિમ, શિખ વિ. સામે ગુનાહિત તોફાનો સામાન્ય બાબત બની ગઈ. આ શરૂ થયું 1990ના દાયકાની શરૂઆતથી મધ્ય સુધીમાં કે જ્યારે ભારતીય કોમની હાજરી નજરે ચઢી અને નોકરી માટે ભારતીય યુવાનો સ્થાનિક યુવાનો સાથે હરિફાઈ કરવા લાગ્યા.

અંગત રીતે એક પ્રસંગને બાદ કરતાં મોટે ભાગે મને ભેદભાવનો અનુભવ થયો નથી. મને થયેલા ભેદભાવના અનુભવનો દાખલોઃ એક ગોરા સહકર્મચારીને બાજુપર રાખીને મને ડાયરેક્ટર ઓફ રીચર્સ તરીકે બઢતી આપવામાં આવી ત્યારે મારા માર્ગમાં રોડાં નાખવામાં આવ્યાં. એટલે મેં રાજીનામું આપ્યું અને એક જર્મન મિત્રની ભાગીદારીમાં મેં મારી પોતાની કંપની શરૂ કરી.

આજે સુગરલેન્ડ, ટેક્ષાસ જેવા માનવસમૂહ વચ્ચે રહેતાં અમને દેખાય છે કે આ શહેરમાં ગોરાઓ કરતાં વિદેશી મૂળના લોકોની વસ્તી વધારે છે. આ સ્થિતિએ એની પોતાની સમસ્યાઓ ઊભી કરી છે. હવે ભારતના નવાગંતુકો માટે અમેરિકન લોકો સાથે ભળવાની અને તેમની સંસ્કૃતિ, તેમનો ધર્મ કે તેમની જીવનપદધ્ધતિ વિષે જાણવાની બહુ ઓછી તકો કે જરૂરિયાત છે. ઘણીવાર ધાર્મિક કર્મકાંડ અને સ્વસ્તિક જેવા ધાર્મિક પ્રતિક વિષે પણ ગેરસમજણ ઊભી થાય છે. મને ડર છે કે આપણે જાતે ઊભી કરેલી આ દિવાલ ભવિષ્યની પેઢી માટે સમસ્યાઓ ઊભી કરી શકે છે.

છતાં બીજી પેઢી એટલે કે છેલ્લાં 50 વર્ષ દરમિયાન ભારતથી આવેલા લોકોનાં સંતાનો યુનિવર્સિટીમાં હતા ત્યારે કે સાથે કામ કરતા હતા ત્યારે કે પછી બીન-ભારતીય કોમનાં પુત્ર-પુત્રી સાથે પરણીને અમેરિકન સમાજ સાથે ભળી રહ્યા છે. મારા ઘણા દેશોના પ્રવાસ દરમિયાન મેં વિવિધ પશ્ચાતભૂમિવાળા લોકો સાથે સમય ગાળ્યો છે અને મને લાગે છે કે પરદેશી હિજરતીઓને લાગેવળગે છે ત્યાં સુધી અમેરિકા શ્રેષ્ઠ રાષ્ટ્ર છે. આશા રાખીએ કે અત્યારની પેલરાઈઝેશન (અંતિમવાદીઓનાં જુથોનું નિર્માણ )  અને ગોરાઓની શ્રેષ્ઠતાની ચળવળ છતાં એ બદલાશે નહિ.

સારાંશ – પાયાની વાત

અમેરિકાનાં છેલ્લાં 55 વર્ષનાં મારાં નિરીક્ષણો અને અનુભવોને આધારે મારી ટિપ્પણી રજૂ કરું છું. પણ એ મારો અંગત અભિપ્રાય છે.

અમે જોયું કે સામાન્ય રીતે અમેરિકન લોકો ખૂબ મદદગાર અને બીજાની લાગણીને સમજનારા હોય છે, પછી તે વ્યક્તિ ગોરી અમેરિકન હોય કે પરદેશમાં જન્મેલી. માત્ર આપણે લોકોને મળવાનો પ્રયત્ન કરવામા, વાતચીત શરૂ કરવામાં, તેમનામાં અને તેમની પ્રવૃત્તિઓમાં રસ લેવામાં અને સારા સંબંધો તથા મિત્રતા કેળવવા માટે પરસ્પર અનુકુળ બનવામાં પહેલ કરવાની જરૂર છે.

મને ખાત્રી થઈ ગઈ કે મેં જે કંઈ મેળવ્યું છે, કમાયો છું અને જે કંઈ ભોગવી રહ્યો છું તે હું આ દેશમાં હતો તેનું પરિણામ છે. દુનિયાના સૌથી વધુ શ્રીમંત દેશમાં પણ એવા ઘણા લોકો છે જે અમારા જેટલા ભાગ્યશાળી નથી અને તેમને સહારાની જરૂર છે..મારે પણ શક્ય હોય એટલું સમાજને પાછું આપવું જોઈયે.

ભૂતકાળમાં આપણી પેઢીએ સારા ઉદ્દેશથી આપણાં સંતાનોને દાક્તર કે ઇજનેર બનવા પ્રોત્સાહિત કર્યા અને કેટલાક કેસોમાં દબાણ કર્યું..પણ હવે સમય આવ્યો છે કે જર્નાલિઝમ, બ્રૉડકાસ્ટિંગ, રાજકારણ, સામાજિક સેવા, મેનેજમેન્ટ વિ. ક્ષેત્રોમાં નવી પેઢીએ પોતાની હાજરી નોંધવીને પોતાની વ્યવસાયિક ક્ષિતિજનો વિસ્તાર કરવાની જરૂર છે. આપણી પાસે ઘણા ઈજનેરો તથા દાક્તરો, આર્થિક સલાહકારો અને અધ્યાપકો છે.

આપણે સમજવું જોઈએ કે થોડીક પેઢીઓ સુધી એક જાતનો ભદભાવ હતો અને રહેશે. આઈરીશ, પોલીશ, ચાઈનીઝ, જાપાનીઝ, યહુદી અને કેથોલિક એ બધા પરદેશીઓનાં જે કોઈ જુથો આ દેશમાં આવ્યાં એ બધાએ ઘણી પેઢીઓ સુધી કોઈક જાતના ભેદભાવનો અનુભવ કર્યો હતો. આમાંથી છટકવાનો એકજ રસ્તો છે – શિક્ષિત બનો, વ્યવસાયિક બનો, વિવિધતાને ટેકો આપો અને ઘણી બધી સ્થાનિક પ્રવૃત્તિઓમાં ભાગ લો, પછી તે રાજકીય હોય કે સામાજિક.

મેં જે કંઈ જોયું છે કે થોડેક અંશે અનુભવ્યું છે એને આધારે મને લાગે છે કે આ દેશ ખૂબ નિખાલસ અને સાચવી લેનારો છે. આ તેનો ઈતિહાસ બતાવે છે. અત્યારે જે બની રહ્યું છે જેવું કે પોલરાઈઝેશન ( અંતિમવાદી જુથોનું નિર્માણ ), ગોરાઓની શ્રેષ્ઠતા માટેની ચળવળ વિ. ચિંતાજનક છે અને આશા રાખું છું કે ભૂતકાળની જેમ એ લાંબું નહિ ટકે. હું આશાવાદી છું.

આભારદર્શન

મૂળ લેખ મેં અંગ્રેજીમાં લખેલો. પણ ભારતના ઘણા મિત્રો અને પરિવારજનોએ એનું ગુજરાતીમાં ભાષાંતર કરવા વિનંતિ કરી. હું એ જાતે કરી શકું તેમ ન હતો. મેં જ્યારે મારા ચિરકાળના મિત્ર નવનીત ડી. શાહને આ બાબતે વાત કરી તો એમણે કહ્યું કે એમને મદદરૂપ થવામાં અને ભાષાંતર કરવામાં આનંદ આવશે. તેઓ ઉત્તમ ગુજરાતી લેખક છે. તેઓ ગુજરાતી જ્ઞાતિમાસિક “ખડાયતા યુવક”ના ઘણાં વર્ષો સુધી તંત્રી રહી ચૂક્યા છે અને એમણે ઘણા લેખો લખ્યા છે. એમણે એમના કૉમ્પ્યુટર પર ગુજરાતી લખવા માટે ખાસ સગવડ ઊભી કરવા માટે પગલાં લીધાં અને લેખનું ભાષાંતર કર્યું. મને અને વાચકોને આ વિશેષ ભેટ આપવા બદલ નવનીતભાઈનો સહ્રદય આભાર.

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.