સ્વસ્થ માણસ (વાર્તાઃ કટાક્ષિકા) ~ શીતલ દેસાઈ, વડોદરા
‘ખરેખર એ જાણવું બહુ જરૂરી છે કે આપણે ભલે સાજા-સારા દેખાઈએ, પણ સ્વસ્થ છીએ ખરા?’ મારા મિત્રને ત્યાં વેલ-કેર એજન્સી ચલાવતાં શ્રીમાન જે છેક બેંગલોરથી પધારેલાં તેમણે કહ્યું. ત્યાર પછી શરીરને પ્રોટીન, વિટામિન વ. ની કેટલી જરૂર છે અને કઈ વસ્તુમાંથી આ બધુ કેટલું મળે વ. નું વિષદ પ્રેઝન્ટેશન કર્યું. છેલ્લે વેધક સવાલ કે ચાર્ટમાં દર્શાવ્યા મુજબની યોગ્ય માત્રામાં જરૂરી તત્વો આપણે લઈએ છીએ ખરા? આ જ કારણથી માણસ નાના-મોટાં રોગનો ભોગ બને છે. ત્યાં ઉપસ્થિત દરેક વ્યક્તિને કોઈ ને કોઈ શારીરિક તકલીફ હતી. કોઈને પગે સોજા, કોઈનું હિમોગ્લોબિન ઓછું, કોઈને અસ્થમા તો ઘણાને બી. પી.હતું. દરેક માટે અલગ અલગ સપ્લીમેંટ્સ તેમના પાસે હતા. આ બધી જ બહુ સારી અને તરત જ અસર કરનાર ગોળીઓ હતી કારણ તે ઘણી મોંઘી હતી. મહેશ ચૂપચાપ બધાને સાંભળતો હતો. ભાઈ શ્રીમાન તેના તરફ વળ્યા: ‘તમે તો કઈ કહ્યું જ નહીં?’
‘મને ખાસ કઈ તકલીફ નથી.’
‘ખરેખર એ જાણવું બહુ જરૂરી છે કે આપણે ભલે સાજા- સારા દેખાઈએ, પણ સ્વસ્થ છીએ ખરા?’
‘યોગ્ય પોષણ ન મળે તો આજે નહીં ને કાલે આપણને તકલીફ પડશે અને પડશે જ. ‘
‘અને આમ પણ અમારાં પ્રોડક્ટની કોઈ આડ અસર નહીં. શરીર નીરોગી રહે, મન પ્રફુલ્લિત રહે. તમે ખાલી એક મહિનો અમારી ‘ઓલ પર્પઝ’ ટેબલેટ ટ્રાય કરો. એ તમારા જેવા લોકો માટે સ્પેશિયલ લોન્ચ થઈ છે.’
‘પણ..’
‘આ ટેબ્લેટ કઈ તકલીફ ન હોય તો પણ દરેક તકલીફમાં કામ લાગે.’
મહેશે આ વાત સમજવા માથું ખંજવાળ્યું . ત્યાં તો શ્રીમાને રૂપકડી ડબ્બી મિત્ર તરફ સરકાવી અને મિત્રએ મહેશ તરફ. મહેશને મિત્રની આંખની શરમ નડી. તેણે વોલેટનાં બધા ખાના ફંફોસીને પૈસા કાઢી ને ચૂકવ્યા. શ્રીમાન આ આખી પ્રક્રિયા નિહાળી રહ્યાં હતાં.અને ચૂપ રહ્યા હતા. છેલ્લે પૈસા લેતાં બોલ્યાં,
‘એવું હોય તો પછી પૈસા આપી દેશો તો પણ ચાલશે. આ તો હમણાં કંપનીએ ડિસકાઉન્ટ આપ્યું છે એટલે સસ્તામાં પડે. આમ પણ આપણી હેલ્થથી વધારે મોંઘું બીજું શું છે, હે!’ તેઓએ ખી ખી ખી કર્યું. ખેર, મહેશ ને થયું આટલા બધા લોકોને ફાયદો થયાનો દાવો કરે છે તો મારે પણ એકાદ વખત ટ્રાય લેવામાં શું વાંધો? તેણે પ્રાઇઝ ટેગ પર ભૂલેચૂકે નજર ન જાય તેનું ધ્યાન રાખીને રોજ એક ગોળી ચાલુ કરી. બે-ચાર દિવસે તેને લાગ્યું જાણે ભૂખ નથી લાગતી અને પેટ તો કાયમ ભરેલું જ લાગે. હા, થોડીક સ્ફૂર્તિ રહેતી હતી ખરી.
મહેશે શ્રીમાનને ફોન લગાડ્યો તો શ્રીમાન પાસે ઉત્તર તૈયાર જ હતો: ‘શરૂમાં બોડીને આદત ન હોય એટલે એવું લાગે. ગોળી લેવાનું છોડી ન દેશો. તમને ખરેખર તાજગી લાગશે.’
મહેશને વાત સાચી લાગી. આમ પણ તાજગી તો લાગતી જ હતી. તેવામાં મહિના પછી મિત્ર મળ્યાં: ‘મારૂ તો વજન વધ્યું. તને કેમ લાગે છે?’
‘ખાસ કઈ ખબર નથી પડતી.’
‘પણ તારા ચહેરા પર તેજ લાગે છે, હોં! આખર શક્તિની દવા કામ તો કરે જ ને!’
પછી તો ધીમે ધીમે મહેશને પણ લાગ્યું કે આ જમાનામાં ખૂબ કામ રહેતું હોય, ખાવા-પીવાનાં સમય ન સચવાય, વળી ચોખ્ખા અનાજ-પાણી મળતા જ નથી, ત્યારે આવી ગોળીઓ બહુ સારી પડે. જો કે મહેશના બોડીને હજી દવાની ટેવ નહીં પડી હોય કે કોણ જાણે કેમ છ-સાત મહિના થઈ ગયા, પણ ભૂખ ઘટતી ચાલી હતી. તેણે મનને મનાવ્યું: ‘શરીરની બધી જરૂરિયાત મળી રહે છે એટલે જ ભૂખ નહીં લાગતી હોય.’ ધીમે ધીમે ખાવા-પીવાનું ઘટતું ચાલ્યું. પણ શ્રીમાને કહ્યા પ્રમાણે તેમના સેન્ટરમાં નિયમિત મેડિકલ તપાસ કરાવતો રહેતો. તેમાં પ્રોટીન, વિટામિન બધાનું પ્રમાણ બરાબર હતું. શ્રીમાનનાં કાઊન્સેલિંગ પ્રમાણે દવા-ગોળીમાં થોડા ઘણા ફેરફાર થયા કરતાં. મહેશને સંતોષ થતો. ચાલો. પચાસીએ પહોંચવા આવ્યા છતાં શરીર સ્વસ્થ છે. સમય પસાર થતો ગયો. મહેશના સપ્લીમેંટ્સ ઉંમરની સાથે વધતાં ગયા અને ખોરાક બાળક જેટલો થતો ગયો. ખાવાનું ઘટ્યું એટલે પાણી પીવાનું પણ ઘટ્યું. એક કે બે નંબર જવાનું પણ ઘટ્યું.
પણ વાંધો નહીં. શરીરને બધી વસ્તુઓ યોગ્ય રીતે મળતી રહે છે ને? પછી ચિંતા નહીં.
અચાનક એક દિવસ તેને શ્વાસ જેવુ લાગ્યું. તાત્કાલિક દવાખાનામાં દાખલ કરવામાં આવ્યો.ડોક્ટર ભારે મોઢે બોલ્યાં ‘ઓક્ષિફિકેશન નો પ્રોબ્લેમ છે.’ જાત જાતની દવા ચાલી અને નાક પર ભૂંગળા લગાડી ઓક્સિજન આપવામા આવ્યો. આઠ-દસ દિવસ દવાખાનામાં કાઢી તે ભારે હૈયે અને હળવા ખિસ્સે ઘેર આવ્યો. હવે ગોળીઓની સાથે ઓક્સિજન માસ્ક પણ દિવસમાં બે વાર કલાક-બે કલાક માટે ફરજિયાત હતું.
મહિનાના આરામ પછી હરતો ફરતો થયો. માસ્ક અને નબળાઈની ગોળીનો ડોઝ થોડો વધ્યો. ખોરાક તો હવે બાળકનાં બદલે શિશુ જેટલો બની ગયો.
પણ વાંધો નહીં. બોડી ને જરૂરી પોષણ મળી રહેતું હતું. સપ્લીમેંટ્સ ચાલુ હતા ને?
ધીમે ધીમે ચહેરો બેસી જવા લાગ્યો.કાયા કૃશ થઈ ગઈ. તે ચામાચીડિયા જેવો થઈ ગયો છે અને હજી સાઠ પર પણ પહોંચ્યો નથી પણ એંસીનો લાગે છે. ઘણા મેડિકલ ટેસ્ટ કરાવ્યાં. પણ કારણ પકડાયું નહીં. છેવટે એક નામાંકિત અને નવી ટેકનૉલોજિ ભણેલા ડોક્ટરની એપોઇંટમેંટ લીધી. જાત-જાતનાં અને ભાત-ભાતનાં ટેસ્ટ થયા. પેટની સોનોગ્રાફી ને તેના અલગ અલગ ભાગની સોનોગ્રાફી ચાલી. આગલા દાંતની તપાસ અને રાક્ષસી દાંતની તપાસ પાછી અલગ. ઘણુય કર્યા પછી ડોક્ટરે નિદાન કર્યું: ‘એચ ટુ ઓ ની કમી છે. પાણી પીવડાવો. પણ મહેશનું બોડી પાણીને રેસિસ્ટ કરી ન હતું શકતું. પાણી પીતાં જ પેટમાં સખત દુખાવો થાય. તેના મિત્રએ શ્રીમાન ને ફોન કર્યો, ‘પાણી માટે કોઈ ટેબ્લેટ છે?’
‘હાલ તો નથી. અમારું રિસર્ચ ચાલુ છે. બહુ ઓછા સમયમાં આ મહત્વની ટેબ્લેટ લોન્ચ કરવામાં અમે સૌથી પહેલાં હઈશુ….’
મહેશ પથારીવશ છે. હવે ઊભા થવાનું તેના માટે મુશ્કેલ છે. સાકર માટેની સિરિંજ અને ઓક્સિજન માટેનાં ભૂંગળાથી વીંટળાયેલ છે. અને હા, પેટ પર વિષદ્રવ્યોનાં નિકાલ માટેની નળી તો ખરી જ. પહેલાંવાળી ગોળીઓ ઉપરાંત મિનરલ્સ વ. ની અન્ય ગોળીઓ લેવાની ચાલુ છે….! બોડીમાં પ્રોટીન-વિટામિન-કાર્બોહાઈડ્રેટ વ. નું પ્રમાણ પરફેક્ટ છે. મહેશના મેડિકલ તપાસ નાં રિપોર્ટ પ્રમાણે તે સ્વસ્થ છે…..!