દોઢ હજારની ચિઠ્ઠી ~ હિંન્દી વાર્તા ~ મૂળ લેખકઃ ગજેન્દ્ર રાવત ~ ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
રાત્રે એક વાગ્યાનો સમય. નિઃસ્તબ્ધ વાતાવરણમાં અંધકાર વધુ ગાઢ બનીને પ્રસરી રહ્યો હતો. દૂર ઝાડની વચ્ચે દેખાતો પ્રકાશ જાણે એનાં અસ્તિત્વનો લોપ થવાનો હોય એમ ઝાંખો પડતો જતો હતો. મેદાનને ગ્રસી રહેલું ધુમ્મસ આગળ વધીને જેલ સુધી આવી રહ્યું હતું. જેલની કોટડીમાં બંધ કેદીઓમાં અજાણ ભય વ્યાપેલો હતો, છતાં કેટલાક કેદીઓ ઊંઘી રહ્યા હતા.
એક માત્ર નદીમની આંખમાં ઊંઘનું નામનિશાન નહોતું. દૂર ધુમ્મસની પેલે પાર કશું જોઈ રહ્યો હતો. એને પ્રતીક્ષા હતી, નાઇટ ડ્યૂટી પરના સંત્રીના આવવાની. એ અહીંથી પસાર થાય તો કંઈક વાત બને.
એટલામાં જાડો ઓવરકોટ ચઢાવીને ચોખેલાલ ત્યાંથી પસાર થયો.
“એક બીડી પીવડાવ.” નદીમે સળિયા વચ્ચેથી હાથ લાંબો કર્યો.
“આ લે અને પછી ઊંઘી જા. ” કહીને ચોખેલાલે બીડી સળગાવીને આપી.
“મારે તમારી સાથે કામની વાત કરવી છે.” નદીમે ધીમેથી કહ્યું.
ચોખેલાલે સ્ટૂલ પાસે લીધું.
“બાબા, મને પાકી કોટડી આપો. બેરકમાં નથી રહેવું. ઠંડી જમીન પર સૂઈને કમર એવી પકડાય છે કે, પછી આખી રાત ઊંઘી નથી શકતો.”
“તને ખબર છે ને કે અહીં કોઈ કામ કરાવવા અરજી કરવી પડે અને એકલી અરજીથી ક્યાં કામ થાય? એની પર વજન મૂકવું પડે.” ચોખેલાલે ચોખવટ કરી.
“બાબા, વજન મૂકીશ. તમારે મારાં ઘેર જઈને રૂપિયા લાવી આપવા પડશે.”
“ના ભાઈ ના હોં.. મારે કોઈના ઘેર ભાગાદોડી કરવી નથી. દોડું હું ને માલ ખાય ડેપ્યુટી ! તને ખબર છે ડેપ્યુટીનું પેટ કેટલું મોટું છે?”
“કેટલા જોઈશે એ જાણી લાવો, બાબા. હું અમ્મીને ચિઠ્ઠી લખી દઈશ.” નદીમે આજીજી કરી.
જવાબ આપ્યા વગર ચોખેલાલે ચાલવા માંડ્યું. નદીમને ખબર હતી કે ક્યાંય કોઈ કામ એમ થતું નથી. એ થાળ ધરવા તૈયાર હતો, પણ વધુ પૈસા જોઈશે તો અમ્મી સગવડ કરી શકશે કે કેમ એની ચિંતા હતી.
આ એક જ ચિંતા ક્યાં હતી? રેહાનાએ બાળકને જન્મ આપી દીધો હશે ? અમ્મીએ નવું સરનામું મોકલ્યું છે, એનો અર્થ પહેલાંના મકાનમાલિકે એને કાઢી મૂકી હશે ?******
બેત્રણ દિવસ પછી ચોખેલાલ ચિઠ્ઠી લઈને જૂની દિલ્હી તરફ રવાના થયા. ગલીએ ગલીએ ફરીને ચોખેલાલના પગ ભરાઈ આવ્યા.
“આ જ તો માથાકૂટ છે, જૂની દિલ્હીની ! ગલીમાં ગલી ને વળી એમાંયે ગલી ! અંત જ નથી આવતો. આ તો ઠીક છે નદીમ સાથે મન મળી ગયું છે તે કામ માથે લીધું બાકી આવી ટાંટિયાતોડ થશે એવી ખબર હોત તો કામ માથે ના લેત.”
મન મળવાની સાથે દોઢ હજારમાંથી એક હજાર ડેપ્યુટીને આપીને પાંચસો પોતાને મળવાના હતા, એ વાત યાદ કરીને ચોખેલાલના પગમાં જોમ આવ્યું.
ખાસ્સી બધી દડમજલ કર્યા પછી એ નદીમના ઘર સુધી પહોંચ્યો. ‘આને ઘર કેવી રીતે કહેવાય’ એની મૂંઝવણ મ્હોં પર તરી આવી.
“અરે કોઈ છે?” ચોખેલાલે બૂમ મારી.
થોડી વાર પછી વાળમાં પૂરેપૂરી સફેદી લઈને એક વૃદ્ધા આવી. “કોણ છે ?”
“જેલમાંથી આવ્યો છું. નદીમની ચિઠ્ઠી લઈને.”
“આવ ભાઈ, અંદર આવ.” વૃદ્ધાએ આવકાર આપ્યો.
ચોખેલાલે માથું નમાવીને ઓરડામાં પ્રવેશ કર્યો. સાવ નાનકડા ઓરડાની દશા તદ્દન જર્જરિત હતી. ક્યાંક ક્યાંક દીવાલ પરથી ચૂનાની પોપડીઓ ખરવાં માંડી હતી ત્યાંથી રેતી ખરતી જ હશે એવું લાગતું હતું. એક ખૂણામાં સ્ટવ, ચાર વાસણ અને મેલાં જેવા પ્લાસ્ટિકનાં વાસણ નજરે પડ્યાં. ઓરડાની વચ્ચે એક પાતળા પડદા જેવી આડશ હતી ત્યાં આ બાજુ પીઠ કરીને એક બાઈ સૂતેલી દેખાઈ.
“નદીમની મા છો ને તમે ?”
“હા, દીકરા. હું જ એ અભાગી છું.” એની આંખમાં પાણી ભરાયાં.
“એ જ તો એક અમારો ટેકો હતો. માંડ આઠ મહિના થયા છે. એક એક દિવસ કેવી રીતે પસાર થાય છે એ મન જાણે છે.” સાલ્લાની કોરથી એ આંખ કોરી કરવા મથી.
“સાચું કહું છું હોં, એ ચોર નથી. એણે ચોરી નથી કરી. એની પર ખોટો આરોપ મુકાયો છે. જોજેને, મારી હાય આરોપ મૂકનારને લાગશે. એનું ક્યારેય ભલું નહીં થાય.” પછી ક્ષણેકવાર રોઆકી અને કહે, “માંડ માંડ આ નાનકડો ઓરડો મળ્યો છે. બે દિવસ પહેલાં વહુને બાળક થયું. હું ન ખાઉં તો ચાલે, પણ કેમેય કરીને એને તો ખવડાવવું તો નાનકડો જીવ એમાંથી કંઈક પામે. હશે ભાઈ જેવા અમારાં નસીબ. તેં કહ્યું’તું ને કે તું નદીમની ચિઠ્ઠી લઈને આવ્યો છું જરા વાંચી સંભળાવીશ.”
ચોખેલાલની કાપો તો લોહી ના નીકળે એવી સ્થિતિ હતી. આ બીચારી દોઢ હજાર રૂપિયા ક્યાંથી લાવશે ? નદીમની મા એની સામે તાકીને જોઈ રહી છે, એ ખ્યાલ આવતા એણે ચહેરાની આડે ચિઠ્ઠી ધરી દીધી. નિરક્ષરતાનોય ક્યારેક લાભ મળી જાય. નદીમની મા’ની નિરક્ષરતાનો લાભ લઈને ચોખેલાલે ચિઠ્ઠી વાંચવા માંડી.
“તમને સલામ કહ્યા છે. લખે છે કે, મા’ને કહેજો કે મારી ચિંતા ના કરે. વકીલ સાથે વાત થઈ છે. જેમ બને એમ જલદી જમાનત મળી જશે. ફરી આવે ત્યારે ખુશખબર લઈને આવજે.” માંડ ચિઠ્ઠી પૂરી કરીને ચોખેલાલે મા સામે નજર કરી. એની આંખો જોઈને ચોખેલાલની પત્થર જેવી આંખમાં ભીનાશ વળી.
“તમે ચિંતા ના કરતા. નદીમને કહીશ. મા-બાળક બંને બરાબર છે. નદીમનો દોસ્ત છું. કંઈ પણ કામ હોય તો ચોક્કસ કહેવડાવજો.
“આ રૂપિયા નદીમે મોકલાવ્યા છે. કહેતો હતો કે, આવા સમયે ખર્ચો વધારે થશે.” ઊભા થતા ચોખેલાલે ખીસ્સામાંથી પાંચસો રૂપિયા મા’ના હાથમાં મૂક્યાં.
માએ ઊભા થઈને ચોખેલાલના માથે હાથ મૂક્યો. “દીકરો જેલમાં છે એવા સમયે તું એનો દોસ્ત મદદગાર બનીને આવ્યો છું. અલ્લા તને ખુશ રાખે.”
મા’ની આંખમાંથી સરસર પાણી વહી રહ્યાં.
“અમ્મી, રડો નહીં. હું ફરી આવીશ. તમારું અને આ બંનેનું ધ્યાન રાખજો.” સૂતેલી બાઈ તરફ આંગળી કરીને ચોખેલાલ સડસડાટ ઓરડાની બહાર નીકળી ગયો. એની પણ આંખોથી સરસર પાણી વહી રહ્યાં હતાં તે……
*************
મૂળ લેખક ગજેન્દ્ર રાવતનો પરિચયઃ
ગજેન્દ્ર રાવત સમકાલીન હિન્દી સાહિત્યના વાર્તાકાર, કવિ અને સ્વતંત્ર લેખક છે. તેમનો જન્મ ૨૫ ઑક્ટોબર, ૧૯૫૮ના રોજ નવી દિલ્હીમાં થયો હતો. તેઓ વિજ્ઞાનના સ્નાતક છે. તેમની વાર્તાઓ, કવિતાઓ અને લેખો વિવિધ હિન્દી સાહિત્યિક સામયિકોમાં પ્રકાશિત થતા રહ્યા છે. એક જૂના પરિચય અનુસાર તેઓ સરકારી હોસ્પિટલમાં નોકરી સાથે સ્વતંત્ર લેખન કરતા હતા; તાજેતરના લેખક-પરિચયમાં તેમનો વ્યવસાય સ્વતંત્ર લેખન દર્શાવવામાં આવ્યો છે.
તેમનાં પ્રકાશિત પુસ્તકોમાં ‘बारिश ठंड और वह’, ‘धुआँ-धुआँ तथा अन्य कहानियाँ’, ‘लकीर’, ‘झूठ के पाँव’, ‘मेरी चयनित कहानियाँ’, ‘छोटी कहानियाँ बड़े कथानक’ અને ‘पच्चीस कहानियाँ’ જેવા વાર્તાસંગ્રહોનો સમાવેશ થાય છે. ‘मुँह और कान’ તેમનો કાવ્યસંગ્રહ છે. તેમની વાર્તાઓમાં સામાન્ય માણસનું રોજિંદું જીવન, આર્થિક-સામાજિક અસમાનતા, પારિવારિક સંબંધો અને માનવીની અંદર છુપાયેલી સંવેદના વિશેષ રૂપે વ્યક્ત થાય છે.