દરિયાનો લાલ: પ્રકરણ: ૧૦ (ગુણવંતરાય આચાર્યની જીવનકથા) ~ લે. વર્ષા અડાલજા
(શબ્દો: ૧૫૪૭)
ખેર, વાત મેં મારા પિતાની ફિલ્મની કારકિર્દીની માંડી હતી. એમની વાર્તાઓ પરથી ઘણી હિન્દી, ગુજરાતી ફિલ્મો બની હતી પણ મારી પાસે કોઈ માહિતી નહોતી. ફિલ્મોના ઇતિહાસમાં સંશોધક, જૂની ફિલ્મોના પ્રેમી અને શોખીનોને હું શોધતી રહેતી.
`સ્ત્રીજીવન સ્મૃતિ અંક’માં રણજિત ફિલ્મના એક દિગ્દર્શક ચતુર્ભુજ દોશીનો લેખ છે. બંનેએ સાથે કામ કરેલું પણ ફિલ્મ વિશે લખવાને બદલે મારા પિતાની પ્રતિભાથી કેટલા મુગ્ધ થયા હતા એવા પ્રકારનો જ લેખ છે.
હા, એમણે લખ્યું છે કે, “એમને રણજિતમાં વાર્તાલેખકમાંથી દિગ્દર્શક તરીકે પહેલી ફિલ્મ મળી એ ગુરુજીની વાર્તા `દેખ મછંદર ગોરખ આયા’ હતી. પછી વર્ષો સુધી વાર્તાના વમળમાં અમે તણાતાં રહ્યાં. કોઈ વાર કોઈ વાત રુચિકર હોય, તો કોઈવાર મનને મનાવી લેવું પડતું હોય. એવા કપરા પ્રસંગો સિનેમાની સૃષ્ટિમાં આવવાના જ પણ ગુરુજીમાં વિશિષ્ટતા એ હતી કે એમણે સરળતા ન છોડી, ઘમંડ તો જરાય નહીં પણ ફિલ્મસૃષ્ટિની મર્યાદાઓ માપી લેતાં એમને જરાય વાર ન લાગી. એટલે એમણે સાહિત્ય પ્રવૃત્તિનો સંકેલો ન કર્યો, કલમ સતત ચાલતી રહી.
ફિલ્મની ઝાકઝમાળ દુનિયાનો જાદુ તો કોણ નથી જાણતું! પણ એમની ઇચ્છાનુસાર ન બને તો વાતનો વળાંક બદલીને બીડીની એક ફૂંકના ધુમાડા સાથે મનનો કચવાટ કાઢી નાંખતા. એમણે સિનેમાને ઘણું આપ્યું પણ સિનેમા ક્ષેત્રમાંથી પોતે કંઈ જ અપનાવ્યું નહીં, જલકમલવત્. નિર્લેપ. થોકબંધ પૈસાના મોહમાંય અંજાયા નહીં, પણ સાહિત્યને સંપૂર્ણ વફાદાર રહ્યા.”
ચતુર્ભુજ દોશી નિખાલસતાથી લખે છે કે, “હું લેખનપ્રવૃત્તિને લક્ષ્ય બનાવું એવી એમની ઇચ્છા, પણ હું પગારના સહજ પ્રાપ્ત થતી આમદનીના પ્રલોભનની નાગચૂડમાં ફસાયો, આચાર્ય અલિપ્ત રહ્યા પણ હું ફસાયો, પરિણામે સહજ આવતી લક્ષ્મી એનાં દૂષણો સાથે લઈને આવી. મને એ મોટાભાઈ કહેતા, એ સંબોધનની મર્યાદામાન જાળવી એમણે મને ક્યારેય ઉતારી ન પાડ્યો, ન મારી નિંદા સાંભળી.”
આ આખી ઘટનાના પાછલા ચરણનું મારું કુટુંબ સાક્ષી છે.
રણજિત સ્ટુડિયોવાળી વાતોની તો મને ક્યાંથી ખબર હોય? મારો તો જન્મ પણ નહીં!
વર્ષોની ખાઈ કુદાવીને પછીનાં વર્ષોમાં બનેલો આ પ્રસંગ ;
1952-53ની આસપાસથી લગભગ 1958 સુધી અમે ઘાટકોપર હતા. માટુંગાની હસીખુશીની મસ્ત જિંદગીમાંથી ઘાટકોપર શી રીતે આવી ગયા એની પણ રોચક, અજીબ કહાણી છે, જે એક ફિલ્મ જેવી જ છે, પર વો બાદ મેં.
એક મોડી સવારે અમારા ઘાટકોપરના નાનકડા ઘરે ચતુર્ભુજ દોશી આવ્યા. અમે પૂછ્યું, `બા આ કોણ?’ અમને એમ કે કોઈ વાચક ઘણી વાર ઘર શોધતા આવી પહોંચતા. બા કહે, `મોટાભાઈ’.
બસ એટલું જ. આગળપાછળ કંઈ નહીં. ચા ટ્રેમાં લઈ અમારામાંથી કોઈ આપવા ગયું. નાનું ઘર, બધું સંભળાય. વૃદ્ધ લાગતા એ ભાઈ રડી રહ્યા હતા અને વારંવાર મારા પિતાની માફી માગતા હતા.
આ વળી નવું જ દૃશ્ય! ખૂબ રસ પડ્યો સાંભળવામાં. મારા પિતાની એક નવલકથા પરથી (ઉઠાંતરી કરીને) એમણે ફિલ્મ પોતાના નામે લખી હતી. ફિલ્મ થિયેટરમાં રજૂ થવાની હતી ત્યારે એમનો સૂતેલો અંતરાત્મા જાગ્યો. જાગ્યો તો જાગ્યો પણ વીંછી જેવો ડંખ્યોય ખરો! એટલે ઘણે વખતે એ ઘર શોધતા આવ્યા હતા. માફી માગવા અને માફી માગતાં રડી રહ્યા હતા, `મને ક્ષમા કરો, મારાથી ભૂલ થઈ ગઈ છે.’
પિતા એમના બે હાથ પકડી લઈ શાંતિથી કહી રહ્યા હતા, `તમને મોટાભાઈ કહ્યા છે. તમારે માફી માગવાની હોય! મને જરાય ખોટું નથી લાગ્યું અને ન કોઈને કહીશ, લખીશ પણ નહીં કૉલમમાં. કૉર્ટે ચડવું તો દૂરની વાત છે.’
માંડ છાનાં રહેતા કંઈ આવા મતલબનું કહેતા હતા;
`તમે પહેલેથી જ મોટા મનના છો અને સમયસર ફિલ્મી ચક્રવ્યૂહમાંથી બહાર પણ નીકળી ગયા, હું લેખન પર જ ધ્યાન આપું એ તમારી સલાહ મેં ન માની. તમે મારી ટીકા, નિંદા કશું ન કર્યુંં. આજે હું આર્થિક સંકડામણમાં છું અને તમારી વાર્તા લઈને….’
પણ બા જેનું નામ. ચૂપચાપ પાણીનો ગ્લાસ મૂકી ગઈ.
થોડી વારે આશ્વસ્ત થઈ એ ગયા. પણ પતિ-પત્નીનું કેવું ઐક્ય! આર્થિક સંકડામણની ભીંસમાં તો અમેય હતાં. પણ બાએ કશું પિતાને ન કીધું કે કેમ એમને માફ કર્યા? રૉયલ્ટી અને ક્રેડિટ માગવી હતી ને!
એટલાં વર્ષોમાં `મોટા મનના ગુરુજી’ની ઉદારતા ને સરળતાના કેટલાય પ્રસંગોની બા સાક્ષી હતી, એ વાત જેમ અમે મોટા થતાં ગયાં તેમ-તેમ અમને સમજાઈ. પછી તો અમેય એવા પ્રસંગોના સાક્ષી બન્યાં હતાં.
હેન્રી શાસ્ત્રીએ `મુંબઈ સમાચાર’માં ખાસ્સું ફંફોસીને મારા પિતાની ફિલ્મ કારકિર્દી વિશે લખ્યું છે;
`ચતુર્ભુજ દોશીએ 1930થી મૂક ચિત્રો માટે પટકથાલેખક તરીકે શરૂઆત કરી. ફિલ્મ દિગ્દર્શનમાંય સફળ થયા. ગુણવંતરાય આચાર્ય અને દોશીએ વૈયક્તિક સફળતા તો અંકે કરી હતી પણ બંનેએ ફિલ્મોમાં પણ સાથે નોંધપાત્ર કામ કર્યુંં છે. કેટલીક વાતો જાણી હરખાવા જેવું છે.
આમ તો આચાર્યનું નામ પડે કે સાગરકથાઓ અને ઐતિહાસિક કથાઓ યાદ આવે પણ એમણે ફિલ્મો માટે લેખન કર્યું છે એની કમનસીબે વિગતો વ્યવસ્થિત સચવાઈ નથી અને ગુજરાતે પણ નોંધ નથી રાખી.
આચાર્ય વાર્તાલેખક, દોશી પટકથા-સંવાદ-લેખક એમ જોડી હતી. 1938માં આચાર્યની કથા `ગોરખ આયા’ પરથી દોશીને દિગ્દર્શક થવાનો પ્રથમ મોકો મળ્યો. સંવાદ પી.એલ. સંતોષી (રાજકુમાર સંતોષીના પિતા). આ લેખક બેલડીની અન્ય બે ફિલ્મ વિશેષ મહત્ત્વ ધરાવે છે, જેની જાણકારી ફિલ્મરસિકોને હોવી જોઈએ.
પહેલી ફિલ્મ `સસુરાલ‘ (1941) જેમાં મુખ્ય કલાકારોમાં એ સમયે અતિ પ્રસિદ્ધ એ સમયનાં મોતીલાલ, માધુરી (બેરીલ કલાસેન) નૂરજહાં. ના…! અહીં હિન્દી ફિલ્મોમાં નામદામ મેળવી પાકિસ્તાન ચાલી ગયેલી નૂરજહાં નહીં; પરંતુ આ નૂરજહાં પણ લોકપ્રિય અદાકારા હતી.
ફિલ્મની કથા તો હેન્રીએ લાંબી લખી છે પણ ટૂંકમાં પિતાની ફિલ્મ `સસુરાલ’ મિસ્ટેકન આઇડેન્ટિટીની છે. પછી મિસ્ટેકન આઇડેન્ટિટીની ફિલ્મોની ભરમાર ચાલી. રાજશ્રી પ્રોડક્શને ઠેઠ 1976માં `ચિત્તચોર’ અને ફરી આ જ કથા પરથી `મેં પ્રેમકી દીવાની હૂઁ’ વર્ષ 2003માં બનાવી.
આ જ કથાતંતુ `લાપતા લેડીઝ’ હતો, જોકે પછી કથા મહિલા સશક્તિકરણ અને બીજા વાર્તાવળાંકોને જોડે છે. 1943, 1976 અને 2003માં આ જ કથાવસ્તુને લઈને ફિલ્મો બની હતી. પણ આ કથાબીજની સહુથી પહેલી ફિલ્મ આચાર્ય-દોશીની જોડીની હતી. આ ફિલ્મને અનેક પારિતોષિકો મળ્યા હતા.
રણજિતનો સિતારો અસ્ત થઈ રહ્યો હતો, ત્યારે પણ નવી ફિલ્મની જાહેરાત કરી ભવ્ય પાર્ટી યોજી હતી. જેમાં અમને પિતા લઈ ગયા હતા. સ્ટાર્સને નજીકથી જોવા એ સમયે તો બહુ મોટી વાત હતી. અમે બહેનો તો ફૂલીને ફાળકો! એટલી ઝાકઝમાળ પાર્ટીમાં મારા પિતાને જે માન મળતું હતું એ જોઈ અમે ખુશ થઈ ગયાં હતાં. `સબસે બડા રૂપૈયા’ પછી બની નહીં, પણ પાર્ટી અમે માણી.
ઘણી વાર એક જ બીજમાંથી કેવી જુદી-જુદી કૂંપળો ફૂટે છે!
મારા માટે એક બીજી આશ્ચર્ય અને આનંદની ઘટના;
ચતુર્ભુજ દોશી દિગ્દર્શિત `ભક્ત સુરદાસ’ (1942)માં બની પણ કથા મારા પિતાની હતી.
![]()
આ ફિલ્મની વિશેષતા એ હતી કે કુંદનલાલ સાયગલ કલકત્તા છોડી મુંબઈ આવ્યા પછી આ એમની પહેલી ફિલ્મ. ખુર્શીદ બેગમ અને મોનિકા દેસાઈ મહત્ત્વનાં પાત્રોમાં હતાં. ફિલ્મનાં બે ગીત, `મધુકર શામ હમારે ચોર’, અને `નૈનહીન કો રાહ દીખા પ્રભુ’ આજે પણ સાયગલ શોખીનોને યાદ છે.
મારા પિતાની ફિલ્મમાં સાયગલ! વાઉ! એમનાં બધાં ગીતોની રેકૉર્ડઝ બાના ખજાનામાં કેટલીય વાર સાંભળી છે, આજેય મોબાઇલમાં જ્યુથિકા રૅ, સાયગલ અને પંકજ મલ્લિક સાંભળવા મને ગમે. પણ રેડિયો પર એ ગીત ઘરમાં વાગતું હોય, પપ્પા ત્યાં જ લખતા હોય કે ઘરમાં આટાં મારતા હોય, એક પણ વખત આટલાં વર્ષોમાં સાયગલની પ્રથમ ફિલ્મ મારી લખેલી એ મારી ફિલ્મ એવું ભૂલેચૂકે બોલ્યા નથી.
મેં હેન્રી શાસ્ત્રીના લેખ પરથી જાણ્યું. હું રોમાંચિત થઈ ગઈ. સાયગલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના આઈકોનીક ફિગર, એ સમયે અત્યંત લોકપ્રિય. મારા પિતાએ એ વિશે લખ્યું તો નથી પણ અમારી પાસે ઉલ્લેખ સરખો પણ નહીં!
એવી જ ફિલ્મસૃષ્ટિની એક હરખ થાય એવી વાત જાણવા મળી.
આજથી લગભગ પંચ્યાસી વર્ષ પહેલાં ગુજરાતી ત્રિપુટીએ સાયન્સ ફિક્શન ફિલ્મ બનાવી હતી.
આજે પણ આ પ્રકારના વિષયનું હિન્દી ફિલ્મોમાં નજીવું કામ થયું છે. શેખર કપૂરની `મિ. ઇન્ડિયા’, રોશનની `કોઈ મિલ ગયા’ કે પછી `રા-વન’ છૂટીછવાઈ કોઈ ફિલ્મ બની હોય તો ઠીક, પણ ફિલ્મોદ્યોગ ધમધમતો હોય ત્યારે ગણીગાંઠી જ સાયન્સ ફિક્શન ફિલ્મ બની છે.
ગુજરાતી ત્રિપુટીમાં નિર્માતા ચંદુલાલ શાહ, દિગ્દર્શક મણિભાઈ વ્યાસ અને લેખક ગુણવંતરાય આચાર્યના સહિયારા સાહસથી `પ્રોફેસર વામન એમ.એસ.સી’ (1938) નામથી સાયન્સ ફિક્શન ફિલ્મ બની હતી.
વાર્તાના સાર પરથી ફિલ્મ ચોક્કસ જકડી રાખે એવી બની હશે. જોકે દુઃખની વાત એ છે કે સાચવણીના અભાવે 1930ના દાયકાની, ત્યાર પછીની પણ ઘણી ફિલ્મોનું કોઈ નામોનિશાન નથી રહ્યું. કાળનો ઘસારો પણ લાગે ને!
ફિલ્મનું પોસ્ટર સરસ છે, એની પર લખેલું `રણજિત સાઇન્ટિફિક મિસ્ટરી ડ્રામા’ – A Picture full of thrills, chills and pills.

ફિલ્મ રહસ્યપૂર્ણ, વૈજ્ઞાનિક સાથે નાટ્યાત્મક હોવાનો અણસાર આપવામાં આવ્યો હતો. વાર્તાના પ્લૉટ અનુસાર, હરનામ ચંદ્રકિરણોની મદદથી એક એવું પ્રવાહી તૈયાર કરે છે જે માણસને ખૂની જાનવરમાં રૂપાંતર કરવાની શક્તિ આપે છે. વાર્તા અનેક નાટ્યાત્મક વળાંકો લેતી, ઉત્સુકતા જગાડતી રહે છે.
કોઈની સાડીબારી ન રાખતા બાબુરાવ પટેલે `ફિલ્મ ઇન્ડિયા’ એ સમયે જાણીતાં ફિલ્મ મૅગેઝિનમાં આ ચિત્રપટનો સરસ રિવ્યૂ પ્રગટ કર્યો હતો.
આઠ દાયકા પહેલાં ત્રણ ગુજરાતીઓની ત્રિપુટીએ હિન્દીમાં સાયન્સ ફિક્શન ફિલ્મ બનાવી અને સફળ પણ રહી. એ મારા માટે તો ખરી, ગુજરાતીઓ માટે પણ ગૌરવની ઘટના છે.
મારા પિતા રણજિતમાં વાર્તાવિભાગમાં સર્વેસર્વા હતા અને હિન્દી, ગુજરાતી અનેક સફળ ફિલ્મો આપી હતી, છતાં અન્ય ગુજરાતી લેખકોને ફિલ્મમાં તક મળે એ માટે પણ પ્રયત્નશીલ રહેતા. પન્નાલાલ પટેલની `માનવીની ભવાઈ’ પરથી `ઉલ્ઝન’ ફિલ્મ બનાવવામાં એમણે મદદ કરેલી. નવનીત સેવક, દામુ સાંગાણી, પીતાંબર પટેલને પણ તક મળે એ માટે કોશિશ કરતા રહેતા.
જૂની ફિલ્મોના રસિયા, સંશોધકો અને ડોક્યુમેન્ટેશન માટે સતત શોધખોળ કરતા લોકોએ મને મારા પિતાની ફિલ્મોની યાદી બનાવી આપી.
(1) `સેક્રેટરી’ (દિગ્દર્શક – ચતુર્ભુજ દોશી – 1938)
(2) `બાજીગર’ (મણિભાઈ વ્યાસ – 1938)
(3) `સંત તુલસીદાસ’ (દિગ્દર્શક – જયંત દેસાઈ – 1939)
(4) `ગોરખ આયા’ (દિગ્દર્શક – ચતુર્ભુજ દોશી – 1938)
(5) `દિવાલી’ (1940)
(6) `શાદી’ (1941)
(7) `ભક્ત સુરદાસ’ (1942)
(8) `પ્રો. વામન એમ.એસ.સી’
(9) `છીન લે આઝાદી’ (1947)

(10) `જોગીદાસ ખુમાણ’ (1948)
(11) `મંગળફેરા’ (1941)
(12) `દાદુ મકરાણી’ (દિગ્દર્શક – મનહર રસકપૂર)
(13) `મૂળુ માણેક’ (દિગ્દર્શક – મનહર રસકપૂર – 1955)
(14) `જીવણો જુગારી’ (દિગ્દર્શક – દિનેશ રાવળ – 1963)
(15) `ચેતમછંદર’
આમ તો ચૌદેક ફિલ્મનું પગેરું શોમાં ઘણું ખોઈ દીધું હતું, રણજિત સ્ટુડિયો પણ આગમાં બળીને ખાખ થઈ ગયો હતો. ત્યારે પણ ફિલ્મો નાશ પામી હશે.
રણજિતનો અધ્યાય તો પિતા માટે પૂરો થઈ ગયો.
વર્ષો પછી અમારા કૉલેજકાળમાં અમે ઘાટકોપર હતાં ત્યારે નાટક-ફિલ્મ જગતના કોઈ ને કોઈ ઘરે આવી ચડતાં, લેખક બીજા, ફિલ્મ કોઈની હોય અને એ ભાઈ સ્ક્રિપ્ટ લઈને આવતા.
`ગુરુજી, ફિલ્મમાં આ સીન બરાબર જામતો નથી, જરા જોરદાર સંવાદ લખી આપો ને!’
કાં તો તરત મારા પિતા ઊભાઊભ લખી આપતા અને ત્યારે એ ભાઈ નિરાંતે ચા પીતા સામે બેઠા હોય, નહીં તો બીજે દિવસે.
`ગુરુજી પ્રણામ’, કહીને એ ભાઈ થાય ચાલતા. ક્રેડિટ કે પૈસા એટલે વળી શું? એવી તો કેટલીયે ગુજરાતી ફિલ્મોમાં એમનાં લખેલાં દૃશ્યો હશે, તે પણ `જોરદાર’. ક્રેડિટ કીસ ચિડીયાં કા નામ હૈ? ઔર પૈસા તો હાથોં કા મૈલ!
(ક્રમશ:)