વરસાદી કવિતા (ભાગ-૩) ~ ૧૦ ગઝલ ~ ૯ કવિ
1.
માટી બનાવે અત્તર અત્તર, એવો પહેલો મેઘ મુબારક
ધરતી બનતી આખી મનહર, એવો પહેલો મેઘ મુબારક
હરિયાળીથી આખી ધરતી, જાણે નવ અવતાર ધરે છે
પ્રેમિકા શી લાગે સુંદર, એવો પહેલો મેઘ મુબારક
દૃષ્ટિ કરો તો સમજાશે કે, સઘળે જીવન જીવન છે બસ
કાવ્ય લખે છે નિર્જીવ પથ્થર, એવો પહેલો મેઘ મુબારક
વૈજ્ઞાનિક સિદ્ધાંત કહે છે, વસ્તુ પલળી ભારે થાતી
તોય ઉડાડે તમને અધ્ધર, એવો પહેલો મેઘ મુબારક
આહ્લાદક એ યાદ અપાવે, સઘળા સપના સાથે લાવે
ફેલાવે ખુશીઓની ચાદર, એવો પહેલો મેઘ મુબારક
ઝરમર ઝરમર ઝીણી બુંદો, ને સાંબેલાધાર ગજબની
સો વાલમનાં હેત બરાબર, એવો પહેલો મેઘ મુબારક
શબ્દ ‘અમર’ છે પાણી રૂપે, બુંદ કવિતા રૂપે વરસે
આમ જુઓ તો મોટો કવિવર, એવો પહેલો મેઘ મુબારક
~ અમર સુનિલ કઠવાડિયા ‘અમર’, વડોદરા
2.
થાય છે ઉતાવળી ભીની થવા વરસાદમાં
માંડ છત્રીને મળી તક ઘૂમવા વરસાદમાં
આશ છે ઉગશે ફરી પર્ણો નવા વરસાદમાં
એટલે હરખાય સૂકા ઝાડવાં વરસાદમાં
આભ ફાટે તે છતાં ડરતી નહોતી હું કદી
“મા” હતી પાલવ મને ઓઢાડવા વરસાદમાં
વાદળે સૂકી નદીઓની વ્યથાને સાંભળી
જળ ઉતાર્યું નભથી પાછું આપવા વરસાદમાં
ચાલવા લાગી કલમ, ધરતી લીલીછમ જોઈને
સ્ફૂરે મનમાં શેર તાજા, અવનવા વરસાદમાં
વ્હેતી બે કાંઠે નદી સાગરને મળવા જાય છે
તું ખબર નહિ ક્યારે આવીશ, ભેટવા વરસાદમાં
સાવ કોરાકટ “શીતલ”ને રહેવું ગમતું તો નથી,
પણ સમય ક્યાં? મન ભરીને માણવા વરસાદમાં
~ શીતલ ભાડેશિયા
3.
વરસવું ના વરસવું, એ તો છે વરસાદની મરજી;
ભલેને મોરલા ટહુકાકરી, દેતા રહે અરજી.
છો કાળા વાદળો ઘેરાય, ને નર્તન કરે વીજળી
છતાં વરસાદ કહે છે, એ બધાં તો લાગે છે ફરજી
સતત મલ્હાર પણ ગાયો, અપેક્ષા એની રાખીને
પછી પણ ના થયો રાજી, કહોને શું કરું હરજી
કરે છે ગડગડાટી પણ વરસતો એ નથી ક્યારેય
વરસવું હોય ના એને, તો શાને એ રહ્યો ગરજી
અષાઢી વાદળાઓ ફાટું ફાટું થઈ રહ્યા હો ને;
અગર ફાટી પડ્યા તો સાંધનારો ક્યાં મળે દરજી
~ દેવેન્દ્ર જોશી
4.
દર્દ હો બેબાક તો વરસાદ પડવો જોઇએ
આંસુઓને ઢાંકતો વરસાદ પડવો જોઇએ
એમની આંખો ઝરે, કાં તો રડે મારું હૃદય
બેઉમાંથી ક્યાંક તો વરસાદ પડવો જોઇએ
શ્વાસ અટકી જાય એ પહેલા વિરહની આગમાં
થાય સપનાં ખાક, તો વરસાદ પડવો જોઇએ
છે પગે છાલા ઘણાં તોયે સતત ઘૂમી રહી
ખાય ધરતી થાક, તો વરસાદ પડવો જોઇએ
આશ હેલીની ન રાખે ‘દીપ’, પણ એના ઘરે
બહુ નહી, નવટાંક તો વરસાદ પડવો જોઇએ
~ દીપક ઝાલા’અદ્વૈત’, નૈરોબી
5.
દૂરથી જોયા કરું વરસાદને
આંખમાં કાયમ ભરું વરસાદને
એને જોવું હોય ખુદનું મુખ અગર
હું હથેળીમાં ધરું વરસાદને
એમને મળવાનું મન જો થાય તો
મનમાં ને મનમાં સ્મરુ વરસાદને
છેતરે છે એ ઘણી વેળા મને
હું શી રીતે છેતરું વરસાદને
જો પ્રભુ આપે મને વરદાન તો
હું કહું થઇ જા શરૂ વરસાદને
તાપ ‘સંગત ‘લાગે ના બસ એટલે,
રાહમાં હું પાથરું વરસાદને
~ જીગ્નેશ ક્રિસ્ટી ‘સંગત’
6.
સંતાઈને ઓથે ઊભા રહી તાકીએ છે આપણે
બાળક બની વરસાદને ક્યાં માણીએ છે આપણે
જે બાળપણની મોજ મસ્તીના ભર્યા ખાબોચિયા,
છબછબ કરીને ત્યાં હવે ક્યાં નાચીએ છે આપણે?
આતુરતાથી રાહ જોતા’તા કદી વરસાદની
આજે હવે પલળી જવાથી ભાગીએ છે આપણે
કાગળની હોડી ક્યાં હવે જઈ મૂકીએ નાના થઈ,
મોટા થયા કે બોજ માથે નાખીએ છે આપણે
બાળકની પાસે પણ હવે તો છીનવ્યું છે બાળપણ
બસ, રેસમાં દોડાવીએ, હંફાવીએ છે આપણે
વરસાદ ભીની સાંજનું જે ચિત્ર આંખોમાં વસ્યું
આ ફોન પરની સ્ક્રીનમાં ક્યાં પામીએ છે આપણે?
ખેતર ને ડુંગર પણ કરે છે સાદ લીલાછમ બની
ત્યાં મન ભરીને મોજથી ક્યાં મ્હાલીએ છે આપણે
વાદળ ગરજતા સોડ જેની શોધતા’તા દોડતા
એ માવડીની વેદના શું જાણીએ છે આપણે?
ચોધાર વરસાવ્યું હતું જે પ્રેમમાં પાગલ થઈ,
આંખોનું ચોમાસું હવે સંતાડીએ છે આપણે.
~ હેમાક્ષી શાહ
7.
મેઘ વરસ્યા રાતભર વરસાદ અનરાધાર છે
આભ, ધરતી તરબતર વરસાદ અનરાધાર છે
મોર તું ટહુકા જ કર વરસાદ અનરાધાર છે
ક્યાં તને લાગે નજર વરસાદ અનરાધાર છે
બીજ પોંખ્યાની અસર વરસાદ અનરાધાર છે
મોલ આવ્યાની ખબર વરસાદ અનરાધાર છે
ભીંજવી રહેશે સતત સુક્કી ધરાની ગોદને
સ્પર્શ થ્યો માટી ઉપર વરસાદ અનરાધાર છે
વાદળો આ પાર, પેલી પારની રમતો રમે
એ જ છે એની સફર વરસાદ અનરાધાર છે
~ ભારતી કાંતિલાલ ગડા, મુંબઈ
8.
(ડબલ કાફિયા ગઝલ)
મૌન આભેથી ઝરે, તું સાદ થઈ વરસાદમાં
ને, પછી ટપક્યાં કરે, તું યાદ થઈ વરસાદમાં
ધ્યાન ભીતર જ્યાં ધરું, તારાપણાનું ને તરત
આભથી ટપકી સરે, તું નાદ થઈ વરસાદમાં
શબ્દ તારાં, ભાવ તારાં, ને વળી વિચાર પણ
નિત્ય અંતરથી સ્ફૂરે, તું દાદ થઈ વરસાદમાં
સ્હેજ ટપક્યાં બુંદ બે, જો યાદમાં તારી પછી
ગાલથી હોઠે ઠરે, તું સ્વાદ થઈ વરસાદમાં
સેજ સૂની, બાહુ ખાલી, ને વિરહ વિંઝાય ત્યાં
આંસુડાં માફક ખરે, તું બાદ થઈ વરસાદમાં
વાયદા ખોટાં ઠર્યા, આખર મિલનના એ પછી
આવી સપને કરગરે, તું વાદ થઈ વરસાદમાં
બુંદ જે ગિરનાર ગોદે, જ્ઞાનધારા થઈ વહ્યાં
ગોખ ગેબી સંચરે, તું હાર્દ થઈ વરસાદમાં
~ દિલીપ ધોળકિયા,”શ્યામ”, જૂનાગઢ
9.
તું મળે જ્યાં રૂબરૂ વરસાદમાં
હું પછી જળ થૈ ભળું વરસાદમાં
આંસુઓ લઈ ગોદ જાણે દર્દની
જાળવે બસ આબરૂ વરસાદમાં
રાતભર ભીંજાય પંખી ઝાડ પર
ક્યાં મળે છે છાપરું વરસાદમાં?
એટલે કાગળ કે ના’વે સાદ પણ
એમ ક્યાં હું સાંભરુ વરસાદમાં?
છત નથી ના હૂંફ છે જે ભાગ્યમાં
ત્યાં રઝળતું આયખું વરસાદમાં.
કોઈ અભ્યાગતને બનવા આશરો
અધખૂલ્લું છે બારણું વરસાદમાં
~ દિલીપ ધોળકિયા “શ્યામ”, જૂનાગઢ
10.
બસ હવે આશા ફળે વરસાદમાં
કયાંક તું આવી મળે વરસાદમાં
એમને જોવા ઊભો છું દ્વાર પર
શક્ય છે પાછા વળે વરસાદમાં
જે રીતે એકાંતમાં બે બારણાં
એમ તું વળગે ગળે વરસાદમાં
તું નથી ને યાદ તારી પણ નથી
રાત ઉપરથી કળે વરસાદમાં
કાઢવી છે આ ઉદાસીને હવે
તું જો આવીને ભળે વરસાદમાં
રોજ અડકે છે અને અળગા કરે
સ્પર્શ એવા પણ બળે વરસાદમાં
તું હતી કે રુહ તારી ત્યાં હતી
જે મને કાયમ છળે વરસાદમાં
યાદ જ્યાં નસનસ વહે છે એમની
એ જ અંદર ઓગળે વરસાદમાં
~ ઘનશ્યામ કુબાવત, વડોદરા
***