બૅગ ખાલી કરતી વખતે… ~ હાસ્યલેખ ~ કલ્પના દેસાઈ

(લેખિકા પરિચય: કલ્પના દેસાઈ જાણીતાં ગુજરાતી હાસ્યસાહિત્ય સર્જક છે. ૨૦૦૦ની સાલથી જાણીતાં ગુજરાતી સામયિકો, કુમાર, નવનીત સમર્પણ, શબ્દ સૃષ્ટિ, અખંડ આનંદ, છાલક, પરબ, નવચેતન વગેરેમાં હાસ્યલેખન અને વિવિધ અખબારોમાં હાસ્યકટારલેખન કર્યું. ‘ગુજરાતમિત્ર’ની સન્નારી પૂર્તિમાં ‘જિંદગી તડકા મારકે’ અને અમદાવાદ-વડોદરાના ‘લોકસત્તા’માં ‘લપ્પન છપ્પન’ કૉલમ. હાલમાં સંદેશની નારી પૂર્તિમાં ‘કોઈને કહેતાં નહીં’ નામે કૉલમ. અભિયાન મૅગેઝિનમાં વ્યંગલેખોની કૉલમ લખી. khabarchhe.com પર ટૂંકી વાર્તાની કૉલમ, ‘ગુજરાત ગાર્ડિયન’ અખબારમાં દર ગુરુવારે હાસ્યમિશ્રિત પ્રવાસની કૉલમ અને રવિવારે ‘દુનિયાકી સૈર’ કૉલમ લખી.
સિંગાપોર, બૅંગકૉક, કેરળ, એમ પી-ભાગ ૧ અને ૨, કાશ્મીર અને ટર્કીની પ્રવાસકથાઓ લખી છે.
પુસ્તકો : લપ્પન–છપ્પન’. હાસ્યનિબંધો, ‘હાસ્યાત્ સદા મંગલમ્’. હાસ્યલેખો, ચાલતાં ચાલતાં સિંગાપોર’. હાસ્યમિશ્રિત પ્રવાસનિબંધો, ‘પંચ ત્યાં પરમેશ્વર’. હાસ્યલેખો, ‘પંદરમું રતન’. હાસ્યલેખો, ‘આજનું કામ કાલે’ – હાસ્યલેખો, ‘અમારી હસાહસ યાત્રા’ હાસ્ય મિશ્રિત પ્રવાસલેખો, ડૉક્ટર અને પેશન્ટના અનોખા સંબંધોનું પુસ્તક પ્રકાશિત થયું છે, *’કૅરી ઑન પેશન્ટ’. – મોટા ભાગનાં પુસ્તકોની એક થી વધુ આવૃત્તિઓ થઈ છે
પારિતોષિકઃ
* કૅન્સર રિસર્ચ સોસાયટી તરફથી બહાર પડેલી પુસ્તિકા ‘રંગ વ્યંગ–છોડો વ્યસન સંગ’માં લેખ બદલ ગુજરાતના રાજ્યપાલ તરફથી સન્માનપત્ર તથા સ્મૃતિચિહ્ન.–૨૦૦૬
* સાહિત્ય ક્ષેત્રે પ્રદાન બદલ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ તથા રાજ્યપાલના હસ્તે સન્માનપત્ર.–૨૦૦૮
* ‘પંજો’ હાસ્યલેખને ડૉ. એની સરૈયા નિબંધલેખન પારિતોષિક–સાહિત્ય પરિષદ દ્વારા. ૨૦૦૮
* ‘ચાલતાં ચાલતાં સિંગાપોર’ પુસ્તકને સાહિત્ય પરિષદ દ્વારા–શ્રી જ્યોતીન્દ્ર દવે પારિતોષિક–૨૦૧૨ (વર્ષાબેન અડાલજા હસ્તક)
*અમારી હસાહસ યાત્રા* બેંગકોક પ્રવાસને નર્મદ સભા સુરત તરફથી જયોતીન્દ્ર દવે ચંદ્રક.

કલ્પનાબહેન, “આપણું આંગણું” માં  આપનું સ્વાગત કરતાં હું આનંદ અનુભવું છું. આપ સૌ વાચકો એમના સર્જનોને વધાવી લેશો એની મને ખાત્રી છે.)

કેટલાય દિવસોથી ઘરના એક ખૂણામાં એક બૅગ પડી રહેલી. એ બૅગ કોઈ સાદી સીધી બૅગ નહોતી પણ એ મારાં કપડાં ભરેલી બૅગ હતી. એની સામેથી જ્યારે જ્યારે હું પસાર થતી, ત્યારે ત્યારે દર વખતે જાણે મને એ આજીજી કરતી હોય એવું જ લાગતું. આખો દિવસ સાવ નકામી વાતોમાં વ્યસ્ત રહેનારને, કોઈ નિર્જીવ બૅગની આજીજી ક્યાંથી સંભળાય? હું દર વખતે એની સામે જોયું ન જોયું કરીને પસાર થઈ જતી.

આ એ જ બૅગ હતી, જેને મેં થોડા દિવસો પહેલાં જ હોંશે હોંશે કબાટ પરથી ઉતારીને સાફ કરી હતી. આ એ જ બૅગ હતી, જે મેં ખાસ પ્રવાસ માટે જીદ કરીને નવી જ લેવડાવી હતી. આ બૅગ હું પહેલી વાર જ વાપરવાની હોવાથી, ખૂબ જ ઉત્સાહમાં હતી. એને જરાય ડાઘ ન લાગે કે એને જરાય ઈજા ન થાય એની કાળજી રાખવામાં મેં જરાય કસર નહોતી છોડી. સરસ રંગ અને ડિઝાઇનનું એક કવર પણ મેં બૅગની સાથે ખરીદી જ લીધેલું, જેથી એ વર્ષો સુધી એવી ને એવી જ દેખાય.

કશેક જવાનું થાય તો બૅગ ઉતારીને તરત ગોઠવી દેવાની મને ટેવ નથી. બૅગ તો નજર સામે રહે ને ધીમે ધીમે, એમાં યાદ આવતી જાય તેમ એક એક વસ્તુ મુકાતી જાય તો જ મજા આવે. તેથી જ, બેડરૂમના એક ખૂણામાં એને સામે દેખાય એમ જ મૂકી રાખેલી. કોઈ કોઈ દિવસ તો હું વિચારોમાં ડૂબી જતી. બૅગમાં શું શું મૂકીશ? કયા અને કેટલાં કપડાં મૂકીશ? પ્રવાસ ભલે ને એક અઠવાડિયા માટે જ હોય પણ બૅગ ભરવાના ઉત્સાહમાં ઓટ ન આવવી જોઈએ. દિવસના 50 કામની વચ્ચે પણ બૅગમાં શું શું લેવાનું તેના વિચારો તો ચાલુ જ રહેવા જોઈએ, નહીં તો પ્રવાસની તૈયારીનો અર્થ શું? ‘બૅગ તૈયાર કરવામાં વળી શું કરવાનું? એ તો એક જ દિવસમાં તૈયાર થઈ જાય’ એવી નકામી વાતો વિચારીને છેલ્લી ઘડીએ ગભરાટ કરવાનો કોઈ અર્થ ન હતો. એવા અનુભવો હું બે ત્રણ વખત લઈ ચૂકી હોવાથી, આ વખતે તો મેં પહેલેથી જ તૈયારી શરૂ કરવા માંડેલી.

બૅગમાં ભરવાનાં કપડાં કબાટમાં જુદા મૂકી દીધેલાં. વધારાના બૂટ કે ચંપલ એક થેલીમાં બરાબર બૅગની બાજુમાં જ રાખેલા, જેથી ભૂલી ન જવાય. દર વખતે ટૂથપેસ્ટ કે ટૂથ બ્રશ ભૂલી જવું, એ સારા પ્રવાસીનાં લક્ષણ નથી, એટલે આ વખતે તો એનું પણ પાઉચ બનાવીને બૅગમાં મૂકવાનું છે, એમ લિસ્ટમાં લખેલું. જરૂરિયાતની દવાઓ રહી જાય તો શું થાય? એનો અનુભવ ભૂતકાળમાં લીધો હોવાથી, આ વખતે તો પહેલેથી જ દવાનું બૉક્સ તૈયાર કરી રાખેલું. એક વખત ચાનાસ્તો કશે પણ મળી રહેશે પણ દવાનો કોઈ ભરોસો નહીં. ઓહો! 8 દિવસ ફરવા જવાના તેમાં કેટલુંક યાદ રાખવાનું? જવા દો, હવે ફરવા જવાના ઉત્સાહમાં આ બધી નાની નાની વાતો તો ચલાવી લેવી પડે.

ફરીને આવ્યા પછીનો આજે દસમો દિવસ છે અને એ જ ભરેલી, અળખામણી બૅગ રૂમના ખૂણામાં પડી પડી, ફરી એક વાર ખાલી થવાની રાહ જોઈ રહી હતી. કોણ જાણે કેમ પણ આ વખતે બૅગ ખાલી કરવાનું મને મન જ નથી થતું. એમ તો દર વખતે જ નથી થતું પણ હાલમાં પ્રવાસ પૂરો થવાના તાજા તાજા  દુઃખદ દિવસો ચાલી રહ્યા છે. એટલે દિવસમાં દસ વાર બૅગ જોવા છતાં એને ઊંચકવાનું મન નથી થતું! ગમે ત્યારે તો બૅગ ખાલી કરવી જ પડશે ને એ વિચારે આખરે આજે બૅગ પરની ધૂળ ઝાપટીને બૅગ ખાલી કરવા બેઠી છું.

પ્રવાસના થોડા દિવસો અગાઉથી ખૂબ હોંશે હોંશે ભરેલી બૅગ પ્રવાસેથી પાછા ફર્યા બાદ, એક દિવસ આમ ખાલી પણ કરવી પડશે એવું તો મેં સપનેય વિચાર્યું નહોતું.

જે બૅગમાં થોડા દિવસો પહેલાં જ ખુશી ખુશી, વ્યવસ્થિત રીતે કપડાં ગોઠવીને મૂકેલાં, કઈ કઈ વસ્તુ જોઈએ છે તેના લિસ્ટમાં જોઈ જોઈને બાકીની વસ્તુઓ મૂકેલી, એ બધી પણ જાણે નિરાશ થઈ ગઈ હોય એવી બૅગની હાલત જોઈ મારી આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. થોડા દિવસો પહેલાંના જ ઈસ્ત્રીબંધ કપડાં ડૂચા જેવાં, જેમ તેમ દબાઈને મૅચિંગના ઠેકાણાં વગર ગોઠવાયેલાં દેખાયાં. બાકીની વસ્તુઓ પણ જે તરત જ મળી જાય એમ ગોઠવેલી, તે બૅગના ખૂણે ખૂણેથી ગમે તેમ દબાઈને પડેલી ને લાચાર થઈને જાણે મારી સામે જોઈને કહેતી હોય, તેં અમારી આવી હાલત કરી?’ જતી વખતે તો, બૅગના ઢાંકણમાં કંઈ જ નહોતું મૂક્યું, તેમાં પણ જેમ તેમ દબાઈને કેટલાય પાઉચ પડી રહેલા. મારી સાથે એ સૌ પણ લાચાર!

હવે આ બધું ખાલી કરીને ધોવાનું? સાફ કરવાનું? હે ભગવાન! ક્યારે કરી રહીશ આ બધું કામ? કોણ મારી મદદ કરશે? ભરેલી બૅગ ખાલી જ કરવાની હોય, તો જરાક વારમાં થઈ જાય અને થઈ પણ ગઈ હોત ક્યારની પણ બૅગ ખાલી કર્યા પછી શું? પછી કોણ? પછી ક્યાં? કોઈ જ ન દેખાય! જે લોકો ફરવા જવા પહેલાં મારી ફરતે ફરતાં હતાં, મારા નામના સતત પોકારો કરતાં હતાં, એ બધાં કોણ જાણે ક્યાં અલોપ થઈ ગયાં! બેગ ભરવાની સત્તર સલાહો ચાલુ રાખી, તો બૅગ ખાલી કરવામાં કોઈ મદદ નહીં?

મેં બીજા પર આધાર રાખ્યો, બીજાની આશા રાખી તેનું જ આ પરિણામ. આ લોકોએ તો પોતાની બૅગ બીજા દિવસે જ ખાલી કરી દીધેલી, કોઈનીય મદદ વગર! જ્યારે મને બધી ખબર જ હતી તો પછી મેં બૅગ ખાલી કરવામાં કેમ આળસ કરી?

હે દુઃખી મન! તું તારી મેળે બૅગ ખાલી કરવા જ માંડ. આ ભરેલી બૅગ, આજે નહીં તો કાલે તો ખાલી કરવાની જ છે. ત્યારે શી ખબર, અચાનક જ કશેક જવાનું નક્કી થઈ જાય તો? જેવો આ વિચાર મનમાં આવ્યો, કે મારા મગજમાં ઝબકારો થયો. એ જ ઘડીએ હું બૅગ પાસે પહોંચી ગઈ. વહેલી વહેલી બૅગ ખોલી ને એક પછી એક કપડાં, વસ્તુ ખાલી કરવા માંડી. હવે પછી ક્યાં જવાનું થશે કોણ જાણે પણ ત્યાં આ કપડાં તો નહિ જ લઈ જાઉં. નવા પ્રવાસમાં નવાં કપડાં દર વખતે લેવા પડે એ વાતમાં બાપ દીકરાનું મન માનતું નહીં. જોકે, મને કોઈ વાતની પડી નહોતી. છો બબડતા!

‘દર વખતે નવાં કપડાં લેવાનાં એવું છે?’ એ લોકો કેમ સમજતા નહીં હોય કે સાત દિવસમાં સાત કપડાં તો જોઈએ ને? સોશિયલ મીડિયા પર ફોટા મૂકું, તો જોવાવાળાને એમ જ થાય, કે આ એકના એક કપડાં દર વખતે પહેરે છે! વરસમાં એક વાર તો સાત આઠ જોડી કપડાં જોઈએ કે નહીં? એ કંઈ વધારે કહેવાય? જવા દો, એ લોકો સાથે કોણ માથું દુખવે? મારુ મન તો નવા પ્રવાસના વિચારોમાં અહીંથી ત્યાં દોડતું થઈ ગયેલું. એ બહાને…

ચાલો, આ બધા વિચારોમાં બૅગ તો ખાલી થઈ ગઈ! ને મને ખબરેય ન પડી.

હાશ! એક મોટું કામ પત્યું….!
**********

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.