સાહિત્યકારની ભૂમિકાઃ અંધકારના કપાળે અક્ષરનો દીવો ~ લેખ ~ અનિલ ચાવડા
કોઈ પણ યુગ તે સમયના રાજકીય ઇતિહાસ પરથી નહીં, પણ સાહિત્ય પરથી સમજવો જોઈએ. સત્તાના શિલાલેખોમાં વિજયોની નોંધ હોય છે, સાહિત્યમાં માણસે ચૂકવેલી કિંમતની. ઇતિહાસ કહે છે કઈ સાલમાં કયું યુદ્ધ થયું, પરંતુ કવિતા કહે છે એ યુદ્ધમાં મૃત્યુ પામેલા સૈનિકની પત્નીનો વલોપાત કેવો હતો, માતાનો ધ્રાસકો કેવો હતો, બાળકની ચીસ કેવી હતી. આંકડા બતાવશે દુષ્કાળમાં કેટલા મર્યા, વાર્તા કહેશે કે એક બટકું રોટલો કેવી રીતે વહેંચાયો.
એક રીતે જોઈએ તો સાહિત્યકાર પોતાના સમયના અંતરાત્માની હસ્તપ્રત તૈયાર કરતો હોય છે. આજનો સમય જરા વિચિત્ર છે. આપણી પાસે પહેલાં કરતાં સાધનો વધારે છે, પણ એકબીજા સુધી પહોંચવાના રસ્તા ઓછા છે. મેસેજ સેકન્ડમાં પહોંચી જાય છે, સ્નેહ પહોંચતાં વર્ષો લાગે છે. સમાચાર એટલી ઝડપથી આવે છે કે શોક પૂરો અનુભવાય એ પહેલાં નવી ઉત્તેજનાની ધૂળ છવાઈ જાય છે. આવા સમયે સાહિત્યકારની મુખ્ય ભૂમિકા છે માણસને ફરી માણસ સાથે જોડવો. આજનો સમય હકીકતોના અભાવનો સમય નથી, હકીકતોના કોલાહલનો છે. ચોતરફથી અવાજો આવે છે. દરેક ઘટના અભિપ્રાયમાં ફેરવાઈ જાય છે, અભિપ્રાય આરોપમાં અને આરોપ ફેસલામાં. ભાષા પુલ બનવાને બદલે સરહદ બનતી જાય છે. ત્યારે સાહિત્યકારનું કામ ભીડમાં એક વધુ બૂમ ઉમેરવાનું નથી; ભીડની બૂમાબૂમ નીચે દબાઈ ગયેલા અવાજને સાંભળવાનું છે.
સાચો સાહિત્યકાર સમાજનો ભાટ નથી કે દરેક વિજયની પ્રશસ્તિ લખે. તે સમાજનો શત્રુ પણ નથી કે બધાનો માત્ર તિરસ્કાર કરે. તે ઘરના એવા વડીલ જેવો છે, જે દીવાલમાં પડેલી તિરાડ બતાવે અને તેને સાંધવા પ્રયત્ન પણ કરે. પોતાના સમયને ચાહતો સાહિત્યકાર તેની સુંદરતા ગાય છે, પરંતુ તેની ક્રૂરતાને શણગારીને રજૂ કરતો નથી. તે પરંપરાને નમન કરે છે, પણ પરંપરાના નામે કોઈનું ગળું દબાતું હોય તો ચેનથી બેસી શકતો નથી. સાહિત્યકારની સૌથી મોટી નિષ્ઠા કોઈ પક્ષ, પંથ કે સત્તા પ્રત્યે નહીં, મનુષ્ય પ્રત્યે હોવી જોઈએ. સત્તા, સૂત્રો અને શાન બદલાતા રહે છે; માણસની ભૂખ, પ્રેમ, ભય, આશા અને અપમાનની પીડા બદલાતી નથી.
જે સર્જક મનુષ્યને છોડીને વિચારધારાનો થઈ જાય, તેની કલમ જાહેરખબરનું સાધન બની જાય છે. વિચારધારા આંખને દિશા આપી શકે, પણ દિશા દૃષ્ટિ બની જાય તો દેખાવાનું બંધ થઈ જાય. સાહિત્યકારનું સ્થાન તૈયાર ઢાંચામાં નથી. પણ ત્યાં છે, જ્યાંથી તે સિંહાસન પણ જોઈ શકે અને તેની નીચે કચડાતો અવાજ પણ. આજના સમયમાં સત્ય છુપાવવામાં નથી આવતું, પણ તેને એટલાં બધાં અર્ધસત્યો વચ્ચે મૂકી દેવામાં આવે છે કે ઓળખી ન શકાય. અસત્ય હવે કાળા વસ્ત્રો પહેરીને નથી આવતું; તે આકર્ષક ચિત્ર, મધુર સૂત્ર, ચમકતી જાહેરાત કે દેશહિતના વાઘા પહેરીને આવે છે. સાહિત્યકાર પાસે તપાસ એજન્સીની સત્તા ન હોઈ શકે, પણ અસત્યની ગંધ ઓળખતી સંવેદના જરૂર હોઈ શકે.
તેણે પ્રચાર અને પ્રાર્થના વચ્ચેનો, ગૌરવ અને અહંકાર વચ્ચેનો, દેશપ્રેમ અને દ્વેષ વચ્ચેનો, વિકાસ અને વિનાશ વચ્ચેનો સૂક્ષ્મ ભેદ ઓળખવાનો પ્રયત્ન કરવો જોઈએ. સાહિત્યકાર ન્યાયાધીશ નથી, પણ તેણે અન્યાયની નોંધ લેવી જોઈએ. તે ક્રાંતિકારી હોય કે ન હોય, પણ ક્રાંતિનો વિચાર જગવી શકે. એ ભલે રોટલો વહેંચી ન શકે, પણ ભૂખને સમાજની સામે એવી રીતે મૂકી શકે કે ધરાયેલો માણસ કોળિયો ગળે ઉતારતાં પહેલા વિચારે. કદાચ, સાહિત્યનું ક્રાંતિકારી કાર્ય આ જ છે. જોકે સાહિત્યકારનું કામ માત્ર દુઃખનાં ગાણાં ગાવાનું નથી. સતત ઘા બતાવનાર સર્જક માણસને નિરાશાના અંધારામાં ધકેલી શકે. સાહિત્યકાર ઘા ઓળખે, તો તેની રૂઝ તરફ પણ આંગળી ચીંધે. અંધકારનું વર્ણન કરે; તો અંધકારમાં પ્રગટતી નાનકડી દીવડી પણ દેખાડે.
આજના સમયમાં ટેકનોલોજીએ દરેક વ્યક્તિને અભિવ્યક્તિની તક આપી, તો ઝડપનું વ્યસન પણ આવ્યું. ‘કેટલા લોકોએ જોયું?’ એ પ્રશ્ન ક્યારેક ‘કેટલાના હૃદય સુધી પહોંચ્યું?’ કરતાં મોટો બની જાય છે. આવા સમયે સાહિત્યકારે યાદ રાખવું જોઈએ કે લોકપ્રિયતા અને સાત્વિકતા એક જ વસ્તુ નથી. મોટો ફટાકડો એક પળ માટે આખું આકાશ ભરી દે છે, જ્યારે તારો સદીઓ સુધી એક જ જગ્યાએ શાંતિથી પ્રકાશે છે. લેખકે તાળીઓનો તિરસ્કાર કરવાની જરૂર નથી, પરંતુ તાળીઓ માટે પોતાનો સૂર પણ બદલવાનો નથી. ભીડની પસંદગી ક્ષણિક હોય છે; સર્જનની જવાબદારી લાંબી. સાહિત્યકારને પોતાના સમયના પ્રચલિત નાયકોથી સાવધાન રહેવું જોઈએ. સમાજ જેમને સન્માન આપે, તેમની કથા લખવી સરળ છે; પણ જેમને હાંસિયામાં ધકેલી દે તેમની પાસે બેસવું કઠિન છે.
સાહિત્યકાર પાસે એ વિનમ્રતા હોવી જોઈએ કે તે પોતાના અનુભવને સમગ્ર માનવજાતનો અનુભવ ન માને. તેણે સાંભળવાં પડે — સ્ત્રીને, દલિતને, આદિવાસીને, મજૂરને, બાળકને, વૃદ્ધને, વિસ્થાપિતને, પરાજિતને, આરોપીને, ભૂલ કરનારને અને એવો અવાજ ધરાવનારને પણ, જેની સાથે તે સહમત નથી. સાંભળ્યા વિના લખાયેલું સાહિત્ય ઘણીવાર લેખકનો પડઘો બનીને રહી જાય છે. પરંતુ પીડિત વિશે લખવું અને પીડિતની પીડાનો ઉપભોગ કરવો આ બંને વચ્ચે ઊંડી રેખા છે. કોઈના આંસુને પોતાની પ્રસિદ્ધિનો શણગાર બનાવવો પણ યોગ્ય નથી. સર્જકે દુઃખ પાસે નમ્રતાથી જવું જોઈએ. મંદિરમાં પ્રવેશતા પહેલાં પગરખાં બહાર ઉતારવામાં આવે છે, તેમ બીજાની વેદનામાં પ્રવેશતા પહેલાં લેખકે પોતાનો અહંકાર બહાર મૂકવો જોઈએ.
દરેક મોટું પરિવર્તન પહેલાં કોઈકના મનમાં કલ્પના તરીકે જન્મ્યું હતું. સમાનતા કાયદાની કલમ બનતાં પહેલાં કવિના સ્વપ્નમાં આવી હતી. સ્વતંત્રતા રાજકીય ઘટના બનતાં પહેલાં ગીતમાં ધબકી હતી. અન્યાય સામે ઊભા રહેવાની હિંમત રસ્તા પર દેખાય તે પહેલાં વાર્તાના પાત્રોમાં જન્મી હતી. કલ્પના ભાગી છૂટવાનું સાધન નથી; પણ પ્રયોગશાળા છે. જે સમાજ ન્યાયી દુનિયાની કલ્પના ગુમાવી દે છે, તે અન્યાયને સ્વાભાવિક ગણવા લાગે છે. તેથી સાહિત્યકારે સ્વપ્ન જોવાનું બંધ ન કરવું જોઈએ. માણસ વિરોધાભાસોથી બનેલો છે. જે હાથ કોઈને ઘા આપે, એ જ હાથ બાળકને બચાવે પણ ખરો. જે સભામાં ન્યાયની વાત કરતો હોય, તે ઘરમાં અન્યાય પણ કરી શકે. આ સત્યને તેની સંપૂર્ણ ગૂંચવણ સાથે રજૂ કરવું સાહિત્યનું કામ છે. સત્યથી લાભ થાય ત્યારે તો સૌ બોલે. કસોટી ત્યારે થાય જ્યારે સાચું લખવાથી મિત્રો ઓછા થાય, પુરસ્કારો દૂર જાય અને સત્તા નારાજ થાય.
સાહિત્યકારનું સાહસ માત્ર મોટા શાસક વિરુદ્ધ લખવામાં નથી; પોતાની અંદરના પૂર્વગ્રહ વિરુદ્ધ લખવામાં પણ છે. બહારના અત્યાચારને ઓળખવો સહેલો છે, પોતાના લાભને ટેકો આપતા અન્યાયને ઓળખવો કઠિન છે. જે કલમ પોતાને તપાસી શકતી ન હોય, તે દુનિયાની તપાસ નથી કરી શકતી. સાહિત્યકારની ભૂમિકા અનેક છે. તે સ્મૃતિનો રખેવાળ છે, ભાષાનો માળી છે, અસત્ય સામેનો સાક્ષી છે, હાંસિયે રહેલા મનુષ્યનો સહયાત્રી છે, સમાજના ચહેરા સામે ઊભેલો અરીસો છે અને ભવિષ્યની બારી ખોલતો સ્વપ્નદ્રષ્ટા છે. પરંતુ આ બધાથી ઉપર તે માનવતાનો વિશ્વાસુ છે. જ્યારે દુનિયા માણસને ગ્રાહક, મતદાર, કર્મચારી, અનુયાયી કે આંકડામાં ફેરવે ત્યારે સાહિત્યકાર યાદ અપાવે છે કે તે આ બધાથી પહેલાં એક સંવેદનશીલ મનુષ્ય છે, જેને પ્રેમ જોઈએ છે, સન્માન જોઈએ છે, ન્યાય જોઈએ છે.
આપણી સભ્યતા કદાચ વિશાળ મકાનો, ઝડપી યંત્રો અને અદ્ભુત શોધોથી ઓળખાશે; પરંતુ એની સાચી ઊંચાઈ એના પરથી નક્કી થશે કે તેણે સૌથી નબળા માણસના રુદનને કેટલું સ્થાન આપ્યું. એ રુદન ક્યારેક રાજસભા સુધી પહોંચતું નથી, સંસદના દસ્તાવેજમાં નોંધાતું નથી, બજારને તેમાં નફો દેખાતો નથી. ત્યારે એક સાહિત્યકાર પોતાની નાનકડી મેજ પાસે બેસે છે, કાગળ સામે ઝૂકે છે અને એ રુદનને શબ્દ આપે છે. કદાચ તેને ખબર પણ નથી હોતી કે તેની પંક્તિ ક્યાં પહોંચશે. છતાં તે લખે છે, કારણ કે ન લખવું એટલે પોતાના સમયના અન્યાયમાં ભાગીદાર થવું. સદીઓ પછી કોઈ સિંહાસન કદાચ નહીં રહે. આજના ગૌરવભર્યા મહેલો ધૂળમાં ભળી ગયા હશે; પરંતુ જો કોઈ સાચા સાહિત્યકારે પોતાના યુગનું સાચું ચિત્ર નિષ્ઠાથી શબ્દમાં સાચવ્યું હશે, તો એમાં આપણો આખો સમય જીવતો રહશે. અને કદાચ ભવિષ્યનો કોઈ વાચક તે શબ્દ વાંચીને એટલું કહેશે, આ યુગમાં અંધકાર હતો, પણ કોઈક હતું, જે અંધકારના કપાળે અક્ષરનો દીવો મૂકતું હતું.