ફફડાટ ~વાર્તા ~ ગિરિમા ઘારેખાન
ડોરબેલના અવાજથી સંતોષ ભરઊંઘમાંથી ઊઠ્યો. દર શનિવારની જેમ કાલે રાત્રે પણ ઘેર આવતાં મોડું થઈ ગયું હતું. કાલે રવિવાર છે અને શાંતિથી ઊઠીશ એમ માનીને નિરાંતે સૂતો હતો અને આ કોણે ઉઠાડી દીધો?
સંતોષે ઘડિયાળમાં જોયું. સાડાસાત થયા હતા. એટલું બધું વહેલું પણ ન હતું. પણ અત્યારમાં આવ્યું કોણ? અને રંજના કેમ બારણું ખોલતી નથી?
એ થોડી વાર સુધી તો ‘રંજના ખોલશે’ એમ વિચારીને પડ્યો જ રહ્યો. પણ ડોરબેલ વાગવાની ચાલુ રહી અને રંજનાનો અણસાર ન દેખાયો એટલે ‘બાથરૂમમાં હશે’ એમ વિચારીને ના છૂટકે સંતોષ ઊઠ્યો. અવાજમાં કંટાળા સાથે ‘કોણ છે?’ એમ પૂછતાં એણે બારણું ખોલ્યું તો સામે રંજના જ ઊભી હતી.
‘તું અત્યારમાં ક્યાં જઈ આવી? અને ગઈ તો ચાવી લઈને કેમ ન ગઈ? ભરઊંઘમાંથી ઊઠાડ્યો! તને ખબર તો છે કે રવિવારે હું મોડો ઊઠું છું!’ સંતોષે રંજનાનો ઉધડો લઈ નાખ્યો. આવી પરિસ્થિતિમાં કાયમ સામે બાચકાં ભરતી રંજના પર અત્યારે સંતોષના ગુસ્સાની કોઈ અસર ન હતી થતી. એના ચહેરા ઉપર કોઈ જુદો જ ઉશ્કેરાટ હતો.
‘ઊંઘ ઊંઘ શું કરો છો? હમણાં હું જે કહું ને એ સાંભળીને તમારી બધી ઊંઘ ફરરર કરતી ઊડી જશે.’
‘એવું તે શું થયું છે?’ સંતોષને રંજનાનો અત્યારનો મૂડ કઈ જુદો જ લાગ્યો.
ઘરમાં એ બે જણ એકલા હતા તો પણ જાણે કાનમાં કહેતી હોય એવા અવાજમાં રંજના બોલી, ‘અરે આપણી સોસાયટીમાં કચરાપેટીની બાજુમાં કોઈ છોકરું મૂકી ગયું છે. એકાદ મહિનાનું હશે. શું સરસ છોકરું છે? તમારા જેવી મોટી મોટી આંખો, ગોરો રંગ અને શરીરે તગડું પણ છે. આપણો રજત નાનો હતો ત્યારે કેવો લાગતો હતો! એવું જ લાગે.’
સંતોષ આંખો પહોળી કરીને સાંભળી રહ્યો. આમ છોકરું કોણ અહીં મૂકી ગયું હોય? પેલી—-! એના પેટમાં ગુડગુડ થવા માંડ્યું. મગજમાં મહિનાઓની ગણતરી થઈ ગઈ. કાનમાં એની સેક્રેટરી પૂર્વી ચાવડાના શબ્દો સંભળાઈ રહ્યા-“ સંતોષ સર, તમે મને છેતરી છે. વાઇફને છૂટાછેડા આપીને મારી સાથે લગ્ન કરી લેશો એવો ગોળ મારી કુણીએ ચોંટાડીને મારો ઉપયોગ કર્યો છે. અને હવે તમે કહો છો કે એ શક્ય નથી? ઓફીસ ખાલી થઈ ગયા પછી કામના બહાને મને રોકતા હતા ત્યારે તમારી આબરૂ આડે ન’તી આવતી કે અત્યારે સમાજ અને આબરૂની વાતો કરો છો?’
‘પોતે ટેબલના ડ્રોઅરમાંથી કોરો ચેક કાઢીને એની સામે ધર્યો હતો, ‘લે, લાખ, બે લાખ, કેટલા જોઈએ છે તારે? રકમ ભરી લે તારી જાતે.’
પેલીએ એમના હાથમાંથી ચેક ઝુંટવીને એના ટુકડા કરીને હવામાં ઉરાડી દીધા હતા. ‘પૈસા જોઈતા હોત તો દર વખતે મોટી રકમ માંગી લેતી હોત. પણ આ પૂર્વી ચાવડા કોઈ બજારુ સ્ત્રી નથી. તમે મને ઓળખી નથી. આ બાળક હું પડાવવાની નથી. એને જનમ આપીને તમારા માથે ઠોકી જઈશ. જોઉં છું કેવા નથી રાખતા એને?’
પેલીનું આ સ્વરૂપ જોઇને પોતે થોડું ડરી તો ગયા હતા, તો પણ રૂવાબ છાંટવાનો છેલ્લો પ્રયત્ન કરી જોયો હતો, ‘જા,જા. તું શું કરી લેવાની હતી? છોકરું મારું નામ એના કપાળ ઉપર કોતરાઈને આવવાનું છે?’
પૂર્વી તિરસ્કાર ભર્યું હસી હતી. પછી ચીપીચીપીને બોલી હતી, ‘ડી.એન.એ.- આવું કંઈક હોય એ ખબર છે ને? એ ટેસ્ટમાં તમે બાપ પુરવાર થઈ જાઓ પછી કપાળ ઉપર નામ નહીં કોતરાવવું પડે.’
એ વખતે એમના પેટમાં ગુડગુડ થવા માંડ્યું હતું. એમણે બાજી સંભાળવાનો પ્રયત્ન કર્યો હતો. જે કુશળતાથી એ પૂર્વીને પટાવતા એવા જ હાવભાવથી એ એની પાસે ગયા અને અવાજમાં સાકર ભેળવીને બોલ્યા, ‘હજુ મોડું નથી થયું પૂર્વી. શું કામ આપણા બન્નેની જિંદગી ખરાબ કરવા માંગે છે? હું તને સારામાં સારો ડોક્ટર શોધી આપીશ. પડાવી નાખને!’ પછી એ એના ખભા ઉપર હાથ મૂકવા ગયા હતા પણ એનાથી તો પેલીની કમાન વધારે છટકી હતી.
‘ખબરદાર જો મને હાથ લગાવ્યો છે તો! ઘરની બહાર મૂકી જાઉં પછી પંપાળજો તમારા પીંડને!’
લાલચોળ થયેલું મોં લઈને પૂર્વી ત્યાંથી ચાલી ગઈ હતી. તો શું આ પૂર્વીએ —? સંતોષને ફફડાટ થવા માંડ્યો. એ વળી ક્યાં એનામાં ફસાયો? પણ પછી તરત બીજો વિચાર આવ્યો, ‘એમ મૂકી જવાથી શું હું એના પર દયા ખાઈને એને રાખી લેવાનો હતો? મૂર્ખી!’
‘શું વિચારમાં પડી ગયા?’ રંજનાના શબ્દોએ સંતોષને ઢંઢોળ્યો.
‘હેં? ના, કંઈ નહીં. હું તો વિચારતો હતો કે હવે આ બાળકનું શું થશે? પોલીસને ફોન કર્યો?’
અરે, એની મા બધું વિચારીને અહીં મૂકી ગઈ છે. થયું એવું કે સવારમાં આપણો વોચમેન—–’.
સંતોષને પેટમાં કાલ રાતની વ્હીસ્કી વલોવાતી હોય એવું લાગ્યું. એને ઘરની બહાર પોલીસ ઊભેલી દેખાઈ, ઘર છોડીને જતી રંજના દેખાઈ, એની તરફ નફરત ભરેલી નજરોથી જોતો રજત દેખાયો. એને લાગ્યું કે એ રંજના સામે વધારે સમય ઊભો નહીં રહી શકે. ‘હું નાહી આવું.’ કહીને એ બાથરૂમમાં એવી રીતે ઘૂસ્યો જાણે આ આખી વાતનું નાહી નાખવા માંગતો હોય. રંજનાને થયું કે એ પૂરી વાત નહીં કહે ત્યાં સુધી એ બીજું કંઈ કામ કરી જ નહીં શકે. એણે બાથરૂમની બહાર ઊભા રહીને બાકીની વાત પતાવી. ઉકળાટ ભરેલા મનને ઠંડુ કરવા સંતોષ શરીર ઉપર ઠંડુ પાણી રેડતો રહ્યો.
*************************************
વિરલનું છાપું લગભગ વંચાઈ ગયું ત્યાં સુધી નીપાની ‘નાસ્તો તૈયાર છે, આવી જા’ એવી બૂમ સંભળાઈ નહીં એટલે એ ઊભો થઈને રસોડામાં ગયો. નીપા ત્યાં ન હતી. બાથરૂમમાં પણ ન હતી. ‘રવિવારે સવાર સવારમાં ક્યાં જતી રહી? અઠવાડિયાનું શાક લેવા તો એ સાંજે જાય છે. તો પછી?’- વિરલ બેચેનીથી વિચારતો રહ્યો. એને ભૂખ લાગી હતી અને રસોડામાં હજુ પલાળેલા પૌંવા જ દેખાતા હતા. નીપાનો મોબાઈલ પણ પ્લેટફોર્મ ઉપર પડ્યો હતો. કોનો ફોન આવ્યો કે બધું એમનું એમ મૂકીને દોડી? વિરલને કંઈ સમજાતું ન હતું.
એ બાલ્કનીમાં જઈને નીચે જોવાનો વિચાર કરતો હતો ત્યાં જ નીપા આવી. વિરલની ભૂખનો ઉકળાટ એના શબ્દોમાં નીકળ્યો, ‘ક્યાં જતી રહી હતી આમ કશું કહ્યા વિના? બારણું ય ખુલ્લું હતું!’
‘તું નહાવા ગયો હતો અને સમાચાર એવા હતા કે હું તો સાંભળતા વેંત દોડી.’ નીપાના અવાજમાં કંઈક અજબ ઉત્તેજના હતી.
પણ એવા તે શું સમાચાર હતા? અને તને વળી ક્યારથી બૈરાની ગોસીપમાં રસ પડવા માંડ્યો કે તું આમ ભાગી?’ વિરલનું આશ્ચર્ય હજી સંતોષાયું ન હતું.
‘ગોસીપ નહીં વિરલ, હકીકત છે. આપણી સોસાયટીમાં કચરાપેટી પાસે એક છોકરું પડ્યું છે.’ નીપાએ બટેટાના નાના નાના ટુકડા કરતાં જણાવ્યું. ‘ઓ ગોડ! એટલું સરસ છે! તારા જેવું ગોરું ગોરું અને પાછું ગોળમટોળ. હાથપગ હલાવીને રમતું હોય ત્યારે તો આપણને એને ઉપાડીને રમાડવાનું મન થઈ જાય.’
‘તે આવા બાળકને કોણ મૂકી ગયું હશે?’ વિરલને પણ વાતમાં રસ પડ્યો હતો.
‘શી ખબર એની માનો જીવ કઈ રીતે ચાલ્યો હશે! હશે કોઈ મજબૂરી બિચારીની. તમારા પુરુષોના જુલમ કંઈ ઓછા હોય છે? આનો બાપ તો પકડાઈ જ જવો જોઈએ.’ નીપા તેલમાં મીઠો લીમડો નાખતાં બોલી.
‘તે એમ છોકરું મૂકી જવાથી બાપ પકડાઈ જતો હશે?’ વિરલ બોલ્યો તો ખરો ધ્રુજતા અવાજે. ચહેરાના હાવભાવ નીપાની નજરમાં ન આવી જાય એટલે એ રસોડાની બહાર જતો રહ્યો. નીપા બંનેની નાસ્તાની ડીશ લઈને આવી. વિરલને આજે બટાટાપૌવા ભાવતા ન હતા. પણ ન ખાય તો નીપાના હજારો સવાલોનો સામનો કરવો પડે. એટલે એણે એક પછી એક ચમચી મોંમાં ઓરવા માંડી. ખાતે ખાતે નીપાનું બોલવાનું તો ચાલુ જ હતું.
‘વિરલ, એ પુરુષ ચોક્કસ પકડાઈ જશે. એ બાળકની સાથે મૂકેલી થેલીમાં દૂધના પાવડરનો ડબ્બો, દૂધ પાવાની બોટલ અને એક ચિઠ્ઠી પણ હતી.’
‘ચિઠ્ઠી!’ વિરલના મોમાંથી પૌવા પાછા આવ્યા.
‘ચિઠ્ઠીમાં કંઈક એવું લખ્યું છે કે એ છોકરાનો બાપ આ સોસાયટીમાં રહે છે. કાલ સુધીમાં જો એ છોકરાને નહીં લઈ જાય તો એની મા પોલીસમાં ફરિયાદ કરશે અને કેસ કરીને એને બદનામ કરી નાખશે.’
‘ઓ ગોડ!’ વિરલ નાસ્તો મૂકીને ઊભો થઈ ગયો.
‘હવે કાલે જે થાય એ ખરું. હું તો ઓફિસમાં હોઈશ,’ નીપા ઊભી થતાં બોલી. પછી એકદમ એને યાદ આવ્યું, ‘અરે હા વિરલ, પપ્પાએ કંઈક અગત્યના ડોક્યુમેન્ટ્સ આપણને કુરિયર કર્યા છે. કાલે કુરિયર આવવું જોઈએ. કાલનો દિવસ તું ‘વર્ક ફ્રોમ હોમ’ કરીશ?’
વિરલ કંઈ જવાબ આપ્યા વિના બાલ્કનીમાં જતો રહ્યો.
‘વર્ક ફ્રોમ હોમ’ માંથી તો આ બધી મોંકાણ થઈ’તી. એ વખતે કોઈ કારણસર વિરલ ઘેરથી કામ કરતો હતો. એમની કામવાળી આમ તો સવારે જ આવીને કામ કરી જતી. પણ નીપા વાતવાતમાં બોલી ગઈ કે હમણાં સાહેબ ઘેરથી કામ કરવાના છે, એટલે ગામડેથી આવેલી એની નાની બહેન પન્નાને બપોરે કામ કરવા મોકલતી હતી.
પન્ના ચંચળ હતી, સુંદર હતી, ગામડેથી શહેરમાં આવી હતી એટલે ડબલ શહેરી દેખાવાનો પ્રયત્ન કરતી હતી. એને આ કોમ્પ્યુટર ઉપર કામ કર્યા કરતા સાહેબ સાથે ચપચપ વાતો કરવાનું બહુ ગમતું. સાહેબ શું કરે છે એ જોવા એ એમની ખુરસીની બાજુમાં આવીને ઊભી રહેતી. એ પછી કોમ્પ્યુટરની નજીક મોં લાવતી. એમાં એક દિવસ કોમ્પ્યુટર બાજુએ રહી ગયું હતું અને બીજી વિન્ડોઝ ખૂલી ગઈ હતી. જો કે એમાં વિરલની જરાયે જબરજસ્તી ન હતી. ઊલટું પન્ના જાણે સમર્પિત થવા જ આવી હોય એવું લાગતું હતું.
જબરજસ્તી તો એ પછી પન્નાએ કરી હતી. એક રવિવારે સાંજે નીપા શાક-ભાજી લેવા ગઈ ત્યારે આવી ધમકી હતી અને એની અસ્સલ ભાષામાં ધમકીભર્યા સૂરમાં બોલી હતી, ‘ સાબ, મારા પેટમાં તારું સોરું સે, એનું હું કરવાનું સે?’
વિરલ ડઘાઈ ગયો હતો. આવું કંઈ બનશે એવું તો એણે વિચાર્યું પણ ન હતું.
પછી પન્ના એની મોટી આંખો વધારે મોટી કરીને વિરલ સામે હાથ લાંબો કરીને બોલી હતી, ‘તું એમ ના માનતો અભણ સુ. મને બધીય ખબર સે. પટકી જઈસ તારા ઘરે. હજુ તો મેં મારી બુનને તારું નામ નથી કીધું. બે દા‘ડા પસી આઈસ. પાંચ લાખ તૈયાર રાખજે, નહીં તો——’.
વિરલને ખાત્રી હતી કે આ છોકરીની પાછળ કોઈનો દોરી સંચાર છે. એ થોડો ડરી તો ગયો હતો. પણ એમ એક ગામડાની છોકરી મૂરખ બનાવીને પાંચ લાખ માંગે તો થોડા આપી દેવાય? આખી ઘટનામાં એનો વાંક તો હતો જ નહીં! એ છોકરી જ ગળે પડી હતી. આ છોકરું એનું જ હશે એની શી ખાતરી? અરે એના પેટમાં છોકરું જ હશે કે નહીં કોને ખબર? ખાલી એને ધમકી આપીને પૈસા પડાવવા હશે.
વિરલે એને ‘થાય તે કરી લેજે’ કહીને ભગાડી દીધી હતી. પણ આ આફત તો સાચોસાચ બારણે આવીને બેસી ગઈ. હવે તો ગામડાના માણસો પણ બહુ હોશિયાર થઈ ગયા છે. આ એણે અને એના સાગરીતે એમનાથી “થયું” એ કર્યું હતું? હવે?
વિરલને એનું પ્રમોશન, કદાચ નોકરી પણ હાથમાંથી સરતી દેખાઈ. નીપા, એમના બધા સગાં-સબંધીઓ, મિત્રો, એના ઉપર થૂ થૂ કરતા દેખાયા. નીપાના પપ્પાની એક કરોડની મિલકત હવામાં ઊડી જતી દેખાઈ. એના ગળામાંથી પૌવા પાછા નીકળ્યા. એ બેઝીન તરફ દોડ્યો.
***************************************************
સૌમિલ ક્યારેય એના ફ્લેટની પાછળની બાલ્કનીનું બારણું ખોલતો ન હતો. નીચે જ કચરાપેટી હતી અને એના પહેલા માળની બાલ્કની સુધી એની વાસ પહોંચી જતી. એના મમ્મી-પપ્પા એક દિવસ એનું ઘર જોવા અહીં આવ્યા હતા ત્યારે મમ્મીને તો એ ઘર ગમ્યું જ ન હતું. પણ પપ્પાએ કહી દીધું હતું, ‘બધી પરિસ્થિતિથી ટેવાવું પડે. જી.આર.ઈ. ક્લીયર કરીને એ યુ.એસ. જશે તો ત્યાં તો એક ફ્લેટમાં ત્રણ-ચાર જણાએ સાથે રહેવું પડશે. પપ્પા ડોક્ટર હોય અને મમ્મી સ્કૂલમાં પ્રિન્સીપાલ હોય તો એણે પણ કંઈક થઈને તો બતાવવું પડશે ને! સંઘર્ષ વિના કંઈ મળતું નથી.’
‘મને ખાતરી છે કે આપણો સૌમિલ આપણું નામ રોશન કરશે.’ મમ્મીએ સૌમિલના માથે હાથ ફેરવતાં કહ્યું હતું. સૌમિલ પણ મન લગાવીને જી.આર.ઈ.ની તૈયારી કરતો હતો. એ માટેના ક્લાસ ભરવા માટે તો એ ખાસ આ શહેરમાં આવ્યો હતો. બે દિવસ પછી પરીક્ષા હતી એટલે આજે એ વાંચવા માટે વહેલો ઊઠી ગયો હતો.
ક્યારેય નહીં ને આજે એને પાછળની બાલ્કની બાજુથી બહુ શોરબકોર સંભળાતો હતો. આખી સોસાયટી ત્યાં ભેગી થઈ હોય એવું લાગતું હતું. સૌમિલથી પણ ન રહેવાયું. બાલ્કનીનું બારણું ખોલીને એણે નીચે નજર નાખી. એમનો વોચમેન હાથમાં એક સાવ નાનું બાળક લઈને ઊભો હતો. નીચેવાળા આંટી એને કહેતાં હતાં, ‘આજે તો તું જ સાચવ ભઈ. કંઈ જરૂર પડે તો અમને બોલાવજે. આપડે જોઈએ કે પેલા નાલાયકના હૈયામાં રામ જાગે છે કે નહીં.’
બીજા એક આંટી બોલ્યા, ‘હા, આપડી સોસાયટીમાં આવડા બાળકને કંઈ થઈ જાય તો આપણને પાપ લાગે. આજનો દા’ડો સાચવી લે ભાઈ.’
વોચમેન તો જતો રહ્યો પણ ત્યાં ઊભેલી સ્ત્રીઓની ચર્ચાઓમાંથી સૌમિલને આખી વાત સમજાઈ ગઈ. એ બાલ્કનીનું બારણું બંધ કરીને અંદર આવી ગયો. કોફી બનાવીને પીધી. પછી ચોપડી હાથમાં લીધી પણ એમાં છપાયેલા કાળા અક્ષરોને બદલે એને લીનાની આંસુથી ભરેલી કાળી આંખો જ દેખાતી હતી. સૌમિલે એને ઘણી સમજાવી હતી કે ‘એકવાર ભૂલ થઈ ગઈ. હવે એને પકડીને થોડું બેસી રહેવાનું હોય! ભૂલ સુધારીને આગળ વધવાનું!’ એણે એને પ્રેક્ટીકલ થઈ જવાનું કહ્યું હતું. ‘જી.આર.ઈ. ક્લીયર કરીને હું તો પહોંચીશ અમેરિકા. તારી સાથે લગ્ન કરું, આટલી નાની ઉંમરમાં ફાધર બની જાઉં, પછી મારી કેરિયરનું શું? ચલ, કાલે જ કોઈ સારા ગાયનેક પાસે જઈ આવીએ.’
પણ લીના સમજવા તૈયાર જ ન હતી અને પ્રેમનું ગાણું ગાયા કરતી હતી. ‘તારી કેરિયર માટે થઈને હું શું કામ મારા બાળકને મારી નાખું? મારે ભલે પપ્પા નથી પણ મમ્મીનો પૂરેપૂરો સપોર્ટ છે. એ કહે છે કે તું તારે બાળકને જન્મ આપ. પછી આપડે એના બાપને ઊઘાડો પાડીએ છીએ. જોઉં છું કેવો લગન નથી કરતો! એ ડોક્ટર અને પ્રિન્સીપાલ પણ એમના દીકરાનું પરાક્રમ તો જાણે.
‘આ રીતે એ લોકો ઉઘાડો પાડવાના હતા?’ સૌમિલ વિચારતો હતો. એ આખો દિવસ બિલકુલ ભણી ન શક્યો.
આ સોસાયટીમાં બાળક મળવાની વાત જોતજોતામાં વાઈરલ થઈ ગઈ. સોસાયટીની એક ઉત્સાહી સ્ત્રીએ તો વળી આ ખબરની સાથે વોટ્સએપ ઉપર બાળકનો ફોટો પણ મૂક્યો હતો. એ દિવસે શહેરમાં કેટલાયે બોસ, પાડોશીઓ, જીજાજીઓ અને બીજા ઘણા લાગતા વળગતા પુરુષોને એ બાળકના ફોટામાં પોતાના અણસાર દેખાયા અને બધાનો દિવસ ઘણી બેચેનીમાં વીત્યો.
*********************************************************
બીજે દિવસે સવારે સોસાયટીમાં વધુ એક ગરમાગરમ ખબર ફેલાઈ- રાત્રે વોચમેને પેલા બાળકને એની કેબીનમાં સુવડાવ્યું હતું અને પોતે બહાર ખુરસીમાં બેઠો હતો. પણ એ રાતમાં બાથરૂમ જવા ગયો એટલી વારમાં બાળકને કોઈ ઉપાડી ગયું હતું! સોસાયટીની બધી સ્ત્રીઓ જીવ બાળતી હતી. એક ખાલી વોચમેન ખુશ હતો. એક બાળકને અનાથાશ્રમમાં મૂકી આવવાના આટલા બધા પૈસા! એ પણ ત્રણ ત્રણ જણ આપી જાય!
[ચિત્રલેખા દીપોત્સવી અંકના સૌજન્યથી સાભાર.]