લીલાછમ ટહુકાનું એક નામ -વર્ષા અડાલજા ~ અભ્યાસ લેખ ~ લેખિકાઃ પન્ના ત્રિવેદી

(“વર્ષાબહેન અડાલજા પર શ્રી સંજય વૈદ્ય એક ડોક્યુમેન્ટ્રી બનાવી રહ્યા છે. એમની એ ડોક્યુમેન્ટ્રીનું Teaser ઔદાર્યથી “આપણું આંગણું” ને વાપરવા આપ્યું એ બદલ, “આપણું આંગણું”ની સમસ્ત ટીમ તરફથી અમે એમનાં ઋણી છીએ.”- જયશ્રી મરચંટ.  મેં જ્યારે સંજયભાઈને આ મૂકવા માટે પરવાનગી માગી તો એમણે પુત્રપ્રેમથી કહ્યું કે તમે હકથી આ ટીઝર “આપણું આંગણું” માટે લઈ શકો છો. સંજયભાઈ જેવા વ્યક્તિ જ્યાં સુધી સાહિત્ય અને કલાજગતમાં છે ત્યાં સુધી ગુજરાતી ભાષાનો વાળ પણ વાંકો થવાનો નથી અને ગુજરાતીભાષા સોળે શણગાર સજેલી નવયુવતી સમી શોભતી રહેશે. સંજય, દીકરા, આભાર.)

જૂન ઊતરવામાં છે. વરસાદ હજી આવ્યો નથી. ભારે ઉકળાટ છે. વાતાવરણમાં ઉમસ છે. વરસાદ આટલો મોડો પડ્યો હોય એવું કદાચ ઘણાં વર્ષે બન્યું છે. ‘ચાતક નજર’નો શબ્દશ: અર્થ મનમાં વધારે ઘૂંટાય છે. મોરના ટહુકા તો ક્યાંથી સંભળાય? ત્યાં જ દૂર… દેશાવરથી જયશ્રી મર્ચન્ટનો મીઠો ટહુકો આવ્યો – ‘આપણું આંગણું’ માટે વર્ષાબેન પર કંઇક લખી આપો ને!… અરે વાહ ! બિન બાદલ વર્ષા ! મનના આંગણમાં શબ્દોના લીલાછમ ટહુકા ફૂટી નીકળ્યા. વર્ષાને તો જોઈએ આખુંય આકાશ પણ જ્યાં એક કોરા કાગળનું આકાશ હોય ત્યાં ય બે આંખો વરસી શકે, ગાઈ શકે એક વર્ષા ગીત. એમાં જે ભીંજાય છે તે જ જાણે છે ભીંજાવવાનો અર્થ.

કાગળ સામે છે. પેન હાથમાં છે પણ કાન તો સાંભળે છે એક ટેલિફોન – હેલો…હેલો… પન્નાબહેન… હું વર્ષા… મજામાં? તમારી વાર્તાઓ…કાવ્યો…અનુવાદો…. ચર્ચા…ચર્ચા..અને ચર્ચા… બે પેઢી વચ્ચેનું, પુરોગામી અને સમકાલીન એવી લેખિકાઓ વચ્ચે નર્યું વ્હાલ નીતરતું ભાવસૌન્દર્ય. મારી વાર્તાઓનાં પાત્રો, નવાં વિષયો માટેનો એમનો અખૂટ રાજીપો. અત્યારનો સમય, સંવેદના અને અનુભૂતિનું જગત…લાંબી ચર્ચા વચ્ચે એક ક્ષણ ચુપ્પી અને પછી એકાએક એ અનુભૂતિ વિશ્વમાંથી સરી પડેલી એક ઉદાસી. વાત જાણે એમ હતી કે એમની એક નવલકથા પરથી ધારાવાહી તૈયાર થયેલી હતી. ઉમળકો, હોંશ, ઉત્સાહ… અને ત્યાં જ ચાર-પાંચ એપિસોડ પછી એ ધારાવાહી બંધ થયેલી. – ‘પન્નાબહેન, એક સ્ત્રી બીજી સ્ત્રીનો હાથ પકડી તેને આગળ લાવી શકે… એક વહુ પણ સાસુ માટે દૃઢતાથી ઊભી રહી શકે, પળે પળે હડધૂત થતી સાસુનાં સન્માન માટે લડત આપી શકે, જીવન બદલવા મથી શકે, છબિ બદલી શકે એ વાતમાં કોઈને રસ પડતો નથી. આજેય આપણા દર્શકોને કદાચ રસોડાનાં રાજકારણમાં વધારે રસ પડે છે. સાસુ-વહુ, દેરાણી-જેઠાણીનાં કંકાસમાં મજા આવે છે. સ્ત્રી દર્શકોને ય… કેવું દુઃખદ..!!!’ તો આ વર્ષા બહેન ! ત્યારે ઉંમરનું એંશીમું પગથિયું ચઢતાં હતાં  પણ સમાજની ચિંતા હૈયે અકબંધ.

વર્ષા અડાલજાનાં નામનું પ્રથમ સ્મરણ મારા ચિત્તમાં આજેય અકબંધ છે. કૉલેજનું પ્રથમ પગથિયું હજી ચઢી જ હતી તે વેળાએ કૉલેજ આવતાં-જતાં એમ.એ.માં અભ્યાસ કરતી એક છોકરીના સંગાથે આ નામનો પરિચય કરાવેલો. – ‘અમારે તો ભણવામાં આ વખતે વર્ષા અડાલજાની ‘મારે પણ એક ઘર હોય..’ નોવેલ છે. તમારે?’ નવલકથાનું નામ સાંભળી હું એક ક્ષણ ચૂપ રહી ગયેલી. આવું કેવું નામ? મારે પણ એક ઘર હોય એટલે? ઘર તો ઘર હોય ને? એમાં મારે ને તારે એ કેવું? મેં કહેલું : ‘ઘર તો બધાંને હોય…!’ તે હસી પડેલી; ‘હા, મનેય એ જ વિચાર આવેલો. પણ જો ઘણીવાર ઘર હોય પણ બેઘર હોઈએ એવું ય હોય છે !’ હું વિચારમાં પડી ગયેલી. ત્યાં વળી તેણે બીજું વાક્ય ફંગોળ્યું; ‘ગયા વરસે ‘માટીનું ઘર’ હતું.’ ‘એ ય એમની નવલકથા છે?’ મેં પૂછ્યું હતું. મનમાં થયેલું આ લેખિકાનાં પુસ્તકોનાં ‘ઘર’ આમ માટીનાં કેમ હશે? પણ સાહિત્યના પ્રવેશ પછી ધીમે ધીમે સમજાયું કે આ લેખિકા તો નર્યા અને ગરવાં એવાં માટીનાં માણસોની છે!

૧૦ એપ્રિલ, ૧૯૪૦ના દિવસે પ્રસિદ્ધ સાહિત્યકાર ગુણવંતરાય આચાર્યને ત્યાં દીકરીનો જન્મ થયો. નામ વર્ષા. માતા નીલાબહેન. ઈ.સ. ૧૯૬૦માં મુંબઈ યુનિવર્સિટીમાંથી ગુજરાતી સંસ્કૃત સાથે સ્નાતક થઈને ઈ.સ. ૧૯૬૨માં સમાજશાસ્ત્રમાં એમ.એ. થયાં. ઈ.સ. ૧૯૬૨થી ૧૯૬૫ના વર્ષોમાં તેમની વાણી આકાશવાણી રૂપે ગુંજતી રહી. આ વાણી તેમને ક્યાં ક્યાં દોરી ગઈ? નાનકડા રૂપકોની પગદંડીથી લઈને લઘુકથા, વાર્તા, નવલકથા, એકાંકી, નાટક, નિબંધ, પ્રવાસ, અનુવાદના રાજમાર્ગો સુધી વિસ્તરતી ગઈ. આ યાત્રા ‘સુધા’ અને ‘ફેમિના’ જેવા સામયિકોના તંત્રી-સંપાદકથી લઈને વર્તમાનપત્રોમાં કટારલેખન તરફ પણ લંબાઈ.

રંગભૂમિ પર નાટક ભજવતાં વર્ષા અડાલજાએ ટી.વી. સિરીયલોની પટકથા તથા સંવાદ લેખનમાં પણ રૂપેરી પડદે સોનેરી અક્ષરોમાં નામ નોંધાવ્યું. લેખન અને કળા ક્ષેત્ર માટે સાહિત્ય અકાદમી, સાહિત્ય પરિષદ, ગુજરાત સાહિત્યસભા, ભારતીય ભાષા પરિષદ (કલકત્તા) દિલ્હી સાહિત્ય અકાદમી, સોવિયત લેન્ડ નહેરુ એવોર્ડ, કૈનૈયાલાલ મુનશી એવોર્ડ, રણજીતરામ સુવર્ણ ચંદ્રક, નંદશંકર મહેતા ચંદ્રક, સરોજ પાઠક સન્માન, રામનારાયણ પાઠક એવોર્ડ, ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક, દર્શક એવોર્ડ, સ્વાતંત્ર્ય સૈનિક રસિકભાઈ એવોર્ડ, મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી એવોર્ડ, ભગવતીકુમાર શર્મા લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ, જીવન ગૌરવ પુરસ્કાર, કાકાસાહેબ કાલેલકર એવોર્ડ…..અધધધ….(ગણ્યા ગણાય નહીં…) પુરસ્કારો પ્રાપ્ત થયાં. જોકે ગુજરાતી સાહિત્યમાં પિતા-પુત્રી બંને રણજિતરામ સુવર્ણચંદ્રક દ્વારા પોંખાયા હોય એવી તો આ એક જ વિરલ ઘટના..! તાજેતરમાં જ એમને પન્ના નાયક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં છે તેની નોધ પણ સહર્ષ લેવી ઘટે.

વર્ષાબહેનના મોંએ ગુણવત્તાસભર લેખન માટેની પ્રતિબધ્ધતા અંગેનો એક પ્રસંગ સાંભળેલો ને એમણે ઘણાંને સંભળાવેલો. કુંદનિકા કાપડિયાની નવલકથા ‘સાત પગલાં આકાશમાં’નું દૂરદર્શન પર ધારાવાહી રૂપે રજૂ થઇ હતી. જેની પટકથા વર્ષા અડાલજાએ લખી હતી. એ નિમિત્તે કુંદનિકાબહેન અને મકરંદભાઈને નિરંતર મળવાનું બનતું. એક દિવસ ત્યાં પહોંચતાં મોડી રાત થઇ ગયેલી. દીવાલ કૂદીને નંદિગ્રામમાં પ્રવેશવું પડેલું. સવારે મકરંદભાઈએ આ જાણ્યું ત્યારે કહેલું; ‘હવે આવો ત્યારે ભોગળો ભાંગીને આવજો.’ આ ‘ભોગળ ભાંગીને’ પ્રવેશવાની વાત તેમણે ગાંઠે બાંધી લીધી. સ્મૃતિ તર્પણ કરવાનો વિચાર મનમાં ઘોળાતો હતો. દરિયાકિનારે વસતી આ લેખિકાએ જાણે કે દરિયાને શબ્દમાં બાંધવાની નેમ લીધી અને છેવટે ભોગળ ભાંગીને સાહિત્યમાં પ્રવેશી જ. પ્રવેશ કર્યો એટલું જ નહીં સાહિત્યના અગ્રિમ હરોળમાં અડીખમ રહ્યાં.

સાહિત્યિક પ્રવેશ પૂર્વેની એ ક્ષણો પણ વિરલ જ. જ્યાં એક વર્ષા બીજી વર્ષાને મળી. એ ય સાવ આકસ્મિક. વર્ષા આચાર્ય નામની એક સ્ત્રી નવલકથા વાંચી રહી છે. નવલકથા ખૂબ જ કંટાળાજનક લાગી રહી છે. ‘ટાઈમપાસ’ માટે પણ એ નવલકથા ચાલે એમ નથી એવી ફરિયાદ આ સ્ત્રી તેના પતિ સામે કરી રહી છે અને પતિ તરત જવાબ આપે છે; ‘મોટા ગજાંના લેખકની દીકરીને લખતાં ન આવડે એવું બને? લખી તો જો!’ પતિના શબ્દોએ જાણે કે એમની ભીતર નવી ઊર્જાનો સંચાર કર્યો અને પ્રથમ રહસ્યમયી નવલકથા લખાઈ – ‘પાંચ ને એક પાંચ.’ એટલે વર્ષા આચાર્યને લેખિકા વર્ષા અડાલજા બનવા માટે, લેખન માટે બળ પૂરું પાડનાર કોણ? એ પ્રશ્નનો ઉત્તર ભાવકોને વર્ષાબહેનનાં પતિના આ સવાલમાં જ મળી રહે.

ઉત્સાહથી લેખનનો આરંભ થયો. પશ્ચિમના એક લેખકની અસર હેઠળ સૌ પહેલી લખાઈ તે એક રહસ્યમય કથા. પણ પ્રકાશકે તો કહ્યું કે માંગ તો સામાજિક નવલકથાઓની છે. તેવું કંઇક લખો.. અને વર્ષા બહેન વળ્યાં સામાજિક નવલકથા લેખન તરફ. આ સૂચન નવભારત સાહિત્ય મંદિરના પ્રકાશક ધનજીભાઈ શાહનું હતું – ‘સામાજિક નોવેલ આપો. આજકાલ એ બહુ ચાલે છે.’ તો હવે સામાજિક નવલકથા લખવી કેવી રીતે? ત્યારે શૈશવમાં જોયેલી જેમિની, એવીએમ જેવી મદ્રાસી ફિલ્મનિર્માણ સંસ્થાની સામાજિક ફિલ્મોનું સ્મરણ થઇ આવ્યું.  એનો પ્રભાવ અને એનો સ્વીકાર પણ આ લેખિકાએ સહજ ભાવે કર્યો છે. માત્ર એક મહિનામાં જ એક સામાજિક નવલકથા આ લેખિકાને હાથે લખાય છે. પ્રકાશકને નવલકથા આપવા જાય છે ત્યાં સંયોગથી ચુનીલાલ મડિયા સાથે મળવાનું બને છે. નવલકથાના પૃષ્ઠો ઉથલાવતાં શીર્ષક આપે છે – ‘શ્રાવણ તારાં સરવડાં’. એ રીતે જોઈ શકાય કે પ્રથમ નવલકથાનું લેખન ‘પાંચ ને એક પાંચ’ રૂપે થયું છે પણ પ્રકાશિત પ્રથમ નવલકથા બને છે ‘શ્રાવણ તારાં સરવડાં.’ એવી જ રીતે ન્યાયધીશને અપરાધી ઠેરવતી રૂપે કૃતિ મળે છે – ‘તિમિરના પડછાયા.’

વર્ષાબહેને સાહિત્ય ધરતીને  ભીંજવી છે. ભીંજવી છે તે કરતાં એમ કહેવું ય યોગ્ય લાગે છે કે પરિશ્રમ-પુરુષાર્થ અને ઈમાનદારીથી સીંચી છે. એટલે જ એમનાં શબ્દોની મહેકથી આજેય ભાવકોને તેમની અર્થસૃષ્ટિમાં રમમાણ રહેવું ગમે છે. ભીતર સંવેદનનો અમી ઝરો છે. સંવેદ્નના વાહક બનીને નિરંતર અંધારિયા ખૂણાઓને લેખિની દ્વારા અજવાળતા રહ્યાં છે.  મોટા ભાગે એમનું સર્જન સત્યકથાઓ કે સાચુકલાં અનુભવ વિશ્વમાંથી આવ્યું છે. અલબત્ત એનો અર્થ એ નહીં કે કળાના તત્ત્વ વિશે તેમની વિચારણા લગીરેય ઓછી છે. તે કહે છે; ‘કોણજાણે કેમ પણ સત્ય ઘટનાત્મક કથાને કે કોઈ જીવંત વ્યક્તિત્વના જીવન પરથી સર્જાયેલાં ચરિત્રને ભાવકો અહોભાવથી કે અંજાઈને જોવા ટેવાયેલાં છે….પરંતુ હું આવાં કૃતિ કે ચરિત્રો વિશે થોડો સાશંક રહું છું તે એટલાં માટે નહીં કે એમાંનાં સત્ય વિશે મારા મનમાં કોઈ દ્વિધા છે પણ એટલા માટે કે જે સત્યનો કૃતિમાં આધાર લેવાયો છે તે, તેને જ રૂપે રજૂ થયું છે કે એ કળાનું સત્ય બનવા તરફ પણ ગતિશીલ છે? વારુ, જે કંઈ પરિવર્તન પાત્ર કે ઘટનામાં સર્જકે કર્યું છે તે નવલકથાની સહજ ગતિને ઉપકારક છે કે અવરોધક છે? તે પણ તપાસવાનું રહે. આપણે ભાવકોએ એ વાતે સ્પષ્ટ થઇ જવું જોઈએ કે આત્મકથા કે જીવનચરિત્રમાં ખપમાં લેવાયેલાં પાત્રો કે ઘટનાનું વ્યવહાર જગતનું સત્ય, એવાં જ પાત્રો કે ઘટના પર આધારિત હોય તો પણ, એ અને એ જ નવલકથાનું સત્ય નથી જ નથી.’ (શબ્દસૃષ્ટિ નવેમ્બર ૨૦૦૫, પૃ. ૨૦૭) એ રીતે કહી શકાય કે વ્યવહાર જગતમાંથી જડતી કાચી સામગ્રી કઈ રીતે રૂપાંતર પામી કળા ધર્મ બની શકે તેની ખેવના નિરંતર સર્જકે રાખવી પડતી હોય છે. એમ થાય તો અને તો જ કોઈ કલાકૃતિ અંગત અનુભવોને વળોટી બિનઅંગત સુધી વિસ્તરી શકે. જેની અનેક ભાવકોએ પ્રતીતિ કરી જ હશે.

વર્ષા અડાલજા ભાવક ચિત્તમાં નવલકથા અને વાર્તા રૂપે અધિક ઝીલાયાં. તેનું કારણ શું? તેનો જવાબ એક જ વિધાનમાં કહેવાનો હોય તો તે એ કે અનુભૂતિનું સાચુકલું વિશ્વ. પીડિતો, વંચિતો પરત્વેની ઊંડી અનુકંપા. તેમની સાહિત્ય સૃષ્ટિ વૈવિધ્ય સભર છે. ઉપેક્ષિત સમાજ અને સ્ત્રી જીવન આ બંને તેમનાં સાહિત્યના બે મુખ્ય આધારસ્તંભો  રહ્યા છે. વર્ષાને શ્રાવણ ફળે નહીં એમ તે કેમ બને? ૧૯૬૮માં પ્રગટેલી ‘શ્રાવણ તારાં સરવડાં’ એમની પ્રથમ નવલકથા. પણ પછીની નવલકથાઓય જાણે કે ભાવકને સંવેદન વિશ્વની રીતિએ પ્રથમ તાજગીનો અનુભવ કરાવતી રહે. યુધ્ધે હંમેશા સંવેદનશીલ હૃદયને ઝંકૃત કર્યું છે. અડધી ઊંઘમાંથી જાગી ગયેલી નાનકડી દીકરીને સુવડાવતા સુવડાવતા ‘લાઈફ’ સામયિકોના પૃષ્ઠ ફેરવાયાં અને વિયેતનામ યુદ્ધના દૃશ્યો જોઈ આંખો ભીની થઇ. એ ભીનાશે સર્જી ‘આતશ’ જેવી નવલકથા. પોતાની દીકરી તો પોતાની પાસે છે પણ એવી માતાઓનું શું જેમની પાસે હવે તેમનાં સંતાનો નથી. એ નિર્દોષ બાળકો જે ઘૃણાના અગ્નિમાં હોમાઈ ચૂક્યા હોય! જેમના સંતાનો અમેરિકાએ એક સ્કૂલ પર ફેંકેલા બોમ્બમાં મૃત્યુ પામ્યા હતાં એ માતાઓને વળતર ચૂકવવા કયા જગતનું સામર્થ્ય છે? આવા જ કોઈ વિચાર માત્રએ જગતભરની એવી તમામ માતાઓને જાણે કે એક કારુણ્ય રેખા પર લાવીને મૂકી દીધી હશે. એવા કારુણ્યને ઉજાગર કરતી કૃતિના શબ્દને સજીવ બનાવવો એ રમત વાત નથી જ નથી. વળી, એ નવલકથા લખાઈ તે સમય કંઈ માહિતીના વિસ્ફોટનો યુગ નહોતો. શબ્દને સજીવતા અર્પવા, પ્રાણવાન બનાવવા કેવા કેવા પ્રયાસ કર્યા આ લેખિકાએ! પુસ્તકાલયો, અખબારો, મુલાકાતો… હાથ લાગી તે તે સામગ્રી… આવી અનેક સંવેદનાને આકાર આપવા માટે મથામણ આદરી. ઉમાશંકર જોષીના લખાણમાં વાંચેલો એક શબ્દ મને ખૂબ ગમે છે  – સમ-સંવેદન. વર્ષાબહેન પણ આવી અગણિત સંવેદનાના સહયાત્રી બન્યાં છે.

મધ્યપ્રદેશના ઝાબુઆ જીલ્લાના અલીરાજપુર જઈને આદિવાસીઓ માટે કર્મઠ એવા ચૂનીલાલ મહારાજની જીવનકથા  પર આધારિત ‘ગાંઠ છૂટ્યાની વેળા’ લખાય. મહારાષ્ટ્રમાં સોપારી-નાળિયેરનો વ્યવસાય કરનારા વ્યાપરી ચુનીલાલ એકાએક વિનોબા ભાવેના પ્રભાવ હેઠળ આવી જઈને સર્વોદય કાર્યાલય બનાવવા છોટાઉદેપુર નજીક આવેલ કઠીવાડા ગામમાં આશ્રમ બનાવી  વસવાટ કરેલો. પ્રત્યક્ષ મુલાકાત લઈને તેની સાચુકલી અનુભૂતિ આલેખીને નવલકથા લખવી, મુશ્કેલ તો બન્યું જ હશે પણ એથી વધુ કઠિન તો તેમને આદિવાસીઓનું જીવન લાગ્યું હશે. એથી જ તેમણે લખ્યું ; ‘મને પડેલી રાઈના દાણા જેટલી હાડમારી વિશે વિચારતાં લાગ્યું કે આદિવાસી પ્રજાની હાડમારી તો કેટલી પ્રચંડ છે. ત્યાં જઈને લાગ્યું કે શહેરમાં આપણને બધું જ મળી રહે છે છતાં આપણે સતત ફરિયાદો જ કરતાં રહીએ છીએ. વરસાદની મોસમમાં મહુડાના બી શેકીને દિવસો સુધી એના પર જીવતી એ પ્રજા જેમની કુટુંબદીઠ માસિક આવક માંડ આઠથી દસ રૂપિયા હોય. આંબલીના પાંદડાં બાફીને ખાઈ લેવા પડે. કાળી મજૂરી, વેઠ, અત્યાચાર, શોષણ, ભૂખમરો, બળાત્કાર …આ બધું જાતે જઈને જોયું અને પછી એમાંથી નિપજી ‘ગાંઠ છૂટ્યાની વેળા’ નવલકથા.’

એવો જ એક સવાલ તેમની ભીતર સતત જાગતો હતો. તે એ કે એવી કઈ અસહ્ય ક્ષણ હશે જ્યાં સ્ત્રી અપરાધી બનતી હશે? ભયાવહ વાસ્તવને કંડારવા મુંબઈની આર્થર રોડ જેલમાં કેદી સ્ત્રીઓની મુલાકાતો.. અને આકારિત થઇ – ‘બંદીવાન.’ અપંગ અને માનસિક ખોડખાંપણવાળા બાળકો પર શી વીતતી હશે? જ્યાં એક કોળિયો હાથમાં લઈને મોંમાં મૂકવા જેવી નાની સામાન્ય ક્રિયા શીખવા માટે પણ કેટલાંય દિવસો લાગી જાય. આ પીડા કેવી હશે?  એક સવાલ અને જવાબ રૂપે મળી – ‘ખરી પડેલો ટહુકો.’ સ્ત્રી સમાજ માટે પ્રથમ પગથિયું કેમ નહીં? બહુધા તેની નિયતિ અશ્રુ, ફરિયાદ, અસંતોષભરી જ શા માટે? એ મથામણે કંડારાઈ ‘રેતપંખી’, ‘એક પળની પરખ’, ‘મારે પણ એક ઘર હોય’, ‘તિમિરના પડછાયા’, ‘માટીનું ઘર’.

ધર્મના નામે યુગોથી શોષણનું મુખ્ય સાધન સ્ત્રી રહી છે. આ પ્રકારના શોષણને શબ્દબંધ કરતી નવલકથા લખાય ‘શગને સંકોરું.’ એ જ રીતે ‘શ્રમમંદિર’ તરફથી નીમાંન્ત્ર્ણ મળે કે ‘તમે રક્તપિત્ત’ વિશે કશું લખો તો? આ રોગ પ્રત્યે સૌનું ધ્યાન દોરી શકાય અને એ અંગેની ભ્રામક માન્યતાઓ સામેની લડતમાં યત્કિંચિત સહાય પણ મળે.’ આ સંસ્થાની પત્રિકાઓમાં પ્રગટ થયેલાં સાચા અનુભવોમાંથી પસાર થઈને એક પાત્ર પસંદ થાય છે – રૂપા. જેમાંથી સર્જાય છે એક ટૂંકી વાર્તા – ‘હરિ મને આપો એકાદી એંધાણી.’ પણ આટલું પૂરતું ક્યાં હતું? આવા દર્દીઓ તરફની સમાજની ઉપેક્ષા, અવહેલનાની સીમા ક્યાં હતી? કોઇપણ અપરાધ વિના ઘરનાં બારણાં સદા માટે બંધ થઇ જાય એવી વીતકકથાઓ માટે  એટલે જ ટૂંકી વાર્તાનું નાનું ફલક પૂરતું નહોતું, નવલકથાના ફલકની અનિવાર્યતા જણાઈ.  રક્તપિત્તના દર્દીઓની પીડાઓને શબ્દસ્થ કરવા રક્તપિત્તની સારવાર કરતાં આશ્રમમાં રહીને લખાય ‘અણસાર.’  ‘શિકાર ગળી જઈને ધરાયેલા અજગર જેવી હોસ્પિટલ’માં રૂપાની ગળતી, ઓગળતી કાયાએ ગુજરાતી વાચકોને ઝંકૃત કર્યા છે.

આ જ વણથંભી યાત્રામાં મહાનવલ રૂપે વળી એક છોગું ઉમેર્યું તે ‘ક્રોસરોડ’ રૂપે. ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ અને ભારતીય ઈતિહાસને આલેખતી બૃહદ ફલક પર લખાયેલ નવલકથા એમની ઊર્જા અને લેખનપ્રેમ પરત્વેની પ્રતિબધ્ધતાનો વધુ એક પૂરાવો આપે છે. સ્ત્રીઓની ત્રણ ત્રણ પેઢીઓની કથા સાંકળી લઈને બદલાતાં સામાજિક મૂલ્યોને કુનેહથી ગૂંથી લેતી આ નવલકથા એક દસ્તાવેજી ચિત્રણ બની રહે છે. આજે જ્યારે ઠેર ઠેર ‘વાચકો છે જ ક્યાં?’ એક જ ચિંતા, એક જ સવાલ પડઘાયા કરે છે ત્યારે આ લેખિકાએ જીવનસંધ્યાએ પણ આવી દળદાર નવલકથા લખીને સાહિત્યના વાચકો પરત્વે શ્રધ્ધાનો દીવો પ્રજ્વલિત રાખ્યો છે. લગભગ ૧૯૨૩થી ૧૯૭૫ સુધીના વિશાળ ફલકને આવરી લેતી આ નવલકથા જુદી જ ભાત રચી આપે છે. ક્રાંતિ અને ક્રાંતિકારીઓ, ગાંધીજીનો સંઘર્ષના તાણાવાણા ગૂંથીને સમાંતરે પુરુષપ્રધાન સમાજની બેડીઓમાંથી મુક્તિ મેળવવાના સ્ત્રીઓના સંઘર્ષ વિશેની ધ્યાનાકર્ષક અભિવ્યક્તિ જોઈ શકાય છે. આ મહાગાથા તત્કાલીન સમયના કેટકેટલાં સ્થળવિશેષ અને સમયવિશેષમાં આપણને દોરી જાય છે તે આ કૃતિમાં આલેખાયેલ યુગકર્મ થકી સહેજે પામી શકાય.

વર્ષા અડાલજાના લેખનનું મુખ્ય કેન્દ્ર એટલે સમાજ, માનવીય સંબંધોની સંકુલતા, પ્રણયના વિધવિધ રૂપો. રંગભૂમિ સાથે જેણે કામ પાર પાડ્યું હોય તેવા સર્જનમાં દૃશ્યાત્મ્કતા અને નાટ્યાત્મક અસર ન જન્મે તો જ વિસ્મય! આ લેખિકાની અનેક નવલકથાઓ અને ટૂંકી વાર્તાઓ પરથી ટી.વી. સિરિયલ બની છે, નાટ્ય રૂપાંતરણો પણ થયા છે. જેમ કે ‘બંદીવાન’ પરથી ‘આ છે કારાગાર’. જે દ્વિઅંકી નાટક છે. હમણાં હમણાં વર્ષ ૨૦૨૫માં  તેમનો પંદરમો વાર્તાસંગ્રહ ‘તારી આંખોમાં’ પ્રકાશિત થયો છે. આ સંગ્રહની વાર્તાઓમાં પરિવર્તિત થતાં જતાં સમયના સંવેદનો વાર્તા રૂપે આકાર પામે છે. કહી શકાય કે આ ‘આજની’ વાર્તાઓ છે. આ વાર્તાઓ પાત્રકેન્દ્રી વાર્તાઓ નથી કિંતુ ભાવાત્મક કથાવસ્તુ મૂળમાં હોવાથી ભાવપ્રવાહનું એક અનુભૂતિવિશ્વ સાંપડે છે.

કેટલીક વાર્તાઓમાં પ્રલંભ સમયપટ આવરી લેવાયો છે તો કેટલીક વાર્તાઓમાં એકાદ દિવસની એકાદ ઘટનાનો ટૂંકો સમય. અહીં રચનારીતિના અવનવાં પ્રયોગો જોવા મળતા નથી પણ વાર્તા અને વાચકોનાં મનમાં સીધા જ પ્રવેશ કરવાની સાદગીસભર રીતિ સ્પષ્ટપણે દેખાઈ આવશે. વળી, મોટાભાગની વાર્તાઓમાં શહેરી પરિવેશ આલેખાયો છે. એમની વાર્તાઓ બદલાતાં સમાજનું પ્રતિબિંબ ઝીલતી વાર્તાઓ છે. યુવાનોની બદલાતી વિચારસરણી તથા બદલાતાં જીવનમૂલ્યોની સૂક્ષ્મ નોંધ આ લેખિકાની કલમે લેવાતી રહે છે. ક્યાંક ક્યાંક દર્શનાત્મક ‘વન લાઈનર’ આસ્વાદ્ય બને છે.એ પૂર્વે ‘હરિકથા અનંતાં’, ‘અનુરાધા’, ‘તને સાચવે પારવતી’, બીલીપત્રનું ચોથું પાન’, ‘એંધાણી’, ‘કોઈવાર થાય કે…’ ઈત્યાદિનો સમાવેશ થાય છે. માનવસંબંધોની આંટીઘૂંટી આલેખતી તેમની વાર્તાઓનું બહેન ઈલા આરબ મહેતા દ્વારા ‘વર્ષા અડાલજાની શ્રેષ્ઠ વાર્તાઓ’ સંપાદન પણ થયું છે.

જે અનુભવી શકે છે તે જોઈ શકે છે અને જે જોઈ શકે છે તે અનુભવી શકે છે. આ વાત ખૂબ નાની લાગશે પણ ધ્યાનથી વિચારશો તો પ્રતીત થશે કે આ બંને ગુણવત્તા કોઈ એક જ માણસમાં હોય એવું ઓછું બનતું હોય છે. વર્ષા બહેનમાં આ ગુણવત્તા હતી. એટલે જ તો તેઓ ‘પૃથ્વીતીર્થ’, ‘આખું આકાશ એક પિંજરામાં’ જેવા નિબંધસંગ્રહો આપ્યાં છે તો ‘ઘૂઘવે જળ’, ‘નભ ઝૂક્યું’, ‘શિવોહમ’, ‘શરણાગત’ શુકન ઈજીપ્ત’ની જેવાં પ્રવાસવર્ણનો આપ્યાં છે. આ વર્ણનો પ્રત્યક્ષ અનુભૂતિનું દર્શન છે. એમણે સત્તરેક દેશોનો પ્રવાસ કરેલ છે. દુનિયા અને પ્રકૃતિને જોવા માણવાની એમની અલાયદી દૃષ્ટિ અહીં પમાયા વિના નહીં રહે.

દસ વર્ષની ઉંમરે નાટકમાં કામ કરવાનો આરંભ કરનાર વર્ષા બહેન પાસેથી નાટ્યસૃષ્ટિ પ્રાપ્ત થવાની જ હતી. આ એ સમય હતો જ્યારે સ્ત્રીઓ બહુધા રંગભૂમિથી કે મંચથી દૂર રહેતી. ‘અલ્લાબેલી’, ‘મૃચ્છકટિકમ’, ‘પૂર્ણિમા’, ‘કવિ દયારામ’, ‘કાકાની શશી’, ઝેર તો પીધાં છે જાણી જાણી’… કેટકેટલાં નાટકોમાં અભિનય કરી મંચ જીવંત કરેલું. એ તો એ સમયના સદભાગી પ્રેક્ષકો જ કહી શકે. અતીતનું સ્મરણ યાદ કરતાં તેમણે કહ્યું હતું ; ‘હું ક્યારેય લખીશ એવી તો મને કલ્પના પણ નહોતી કારણ કે નાટકો મારા શ્વાસ અને પ્રાણ હતાં. અમારા ઘરમાં આજથી સાઠ વર્ષ અગાઉ પણ મુક્ત વાતાવરણ હતું. આજે પણ કેટલાંય પરિવારો મા-દીકરીઓ પર જાતભાતના પ્રતિબંધો હોય છે, પણ અમને મમ્મી-પપ્પાએ પૂરી સ્વતંત્રતા આપી હતી. મને યાદ છે બાર વર્ષની ઉંમરે મેં ‘જાગતા રહેજો’ નાટકમાં ભૂમિકા ભજવી હતી. એ નાટકમાં પડદો ખૂલે એટલે મારે લટકા – મટકા કરીને ગાવાનું હતું. મેં મમ્મીની સાડી પહેરી હતી અને હાથમાં પર્સ લીધું હતું. એવામાં સાડીની પાટલી છૂટી ગઈ. મેં તરત જ કહ્યું, જરા ઊભા રહેજો હોં ! થોડીક ક્ષણો માટે નાટક થંભી ગયું. આ રિયલ કોમેડીને પ્રેક્ષકોએ મન ભરીને માણી.’ ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ નાટકમાં રોહિણીની યાદગાર ભૂમિકા તેમણે ભજવેલી, જે જોવા માટે શ્રી મોરારજી દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. સ્વેચ્છાએ રંગભૂમિને વિદાય આપી ત્યારે ભીતર ન કોઈ અફસોસ ન કોઈ રંજ… કારણ? કારણ કે તેઓ બખૂબી જાણતા હતાં કે માધ્યમ બદલાયું છે, ઉદેશ્ય નહીં. કઈ લલિતકળા એવી નથી કે જ્યાં પરકાયા પ્રવેશ નથી? વર્ષાબહેને દૃશ્યને વર્ણનમાં ફેરવી જાણ્યું. રંગમંચને બદલે પાત્રોને પુસ્તકોના પૃષ્ઠો પર જીવતાં કર્યા.

ગુજરાતી સ્ત્રીઓ પાસે આપણને આત્મકથાઓ ઓછી જ સાંપડી છે. આ અલ્પધન સાહિત્યમાં ઉમેરણ કરતી આત્મકથા એટલે ‘પગલું  માંડુ અવકાશમાં’. સમજણનો પ્રથમ પડાવ કયો? માટુંગા વસવાટ દરમિયાન માતા-પિતાની કાર્યપ્રીતિનો પ્રભાવ નિરંતર ઝીલાતો રહ્યો. એ જમાનામાં તેમની માતા મહિલા મંડળ સાથે જોડાયેલાં. એ નિમિત્તે થતાં નાટકોમાં નાનકડી વર્ષાએ પહેલી વાર ભૂમિકા ભજવીને તખ્તાપ્રવેશ કરેલો. જામનગરના જામસાહેબે ગુણવંત આચાર્યને પ્રેસ સંભાળવાની જવાબદારી સોંપતા જામનગર રહેવાનું થયું. પિતાની બીમારી બાદ એકાએક જામનગર છોડીને રાજકોટ જવાનું થયું. રાજકોટથી વળી મુંબઈ. ઘાટકોપરના નાનકડા ઘરમાં રહેવાનું બન્યું. માતૃભાષાની સેવા કરવા બદલ માતૃભાષા પ્રેમીએ ઘર રહેવા આપે છે. અત્યંત સંઘર્ષ પછી આરંભાયેલ જીવનની એક નવી યાત્રાની વાતમાંથી પસાર થવાનો આનંદ ભાવક ચિત્તમાં ક્યાંય લગી સચવાઈ રહે.

નોંધવું ઘટે કે વર્ષા અડાલજાએ કેવળ ફિક્શન રૂપે જ સ્ત્રી ગૌરવની વાતો નથી લખી જાણી પણ સમસ્ત સભામાં દેખાડી પણ જાણી છે. લેખન કારકિર્દીનો આરંભ જ હોય અને પુરુષ વક્તાઓમાં એક સ્ત્રી વક્તા હોય, ગુલાબદાસ બ્રોકર જેવા વરિષ્ઠ લેખક સમાપન માટે હાથમાં માઈક લઈને બોલતા હોય; ‘વર્ષા તો સરસ બોલી પણ હમણાં ઘરે જઈ કામે વળગી જશે.’ પુરુષ વક્તાઓમાંથી એક વક્તા ટિપ્પણી કરતા હોય; ‘બિચ્ચારા ! એનાં વરનું શું થતું હશે! એણે દહીંવડાં ખાવા હોય તો શું કરે?’ સ્ત્રી વક્તાને હાડોહાડ લાગી આવે છે. પુરુષ વક્તાની આવી છીછરી ટિપ્પણી અસહ્ય બને છે. સ્ત્રી વક્તા ઊભી થાય છે અને ગુલાબદાસ બ્રોકરના હાથમાંથી માઈક લઈને પોતાની વાત નક્કર અવાજમાં કહે છે; ‘આપણે સર્જકતાની અને સાહિત્યની વાત કહેવા ભેગાં થયા છીએ કે રસોઈ અને વાસણ ઊટકવાની! સોરી, તમને દહીંવડાંની રેસિપી આપવા હું નથી આવી.. હું સર્જક તરીકે આવી છું અને એ જ વાત થાય તો સારું.’ આ સ્ત્રી વક્તા એટલે કે વર્ષા અડાલજાએ સ્પષ્ટ કરી આપ્યું કે સર્જન એ સર્જન છે અને સર્જક એ સર્જક છે. ‘સર્જક્ત્વ’ની વાત થતી હોય ત્યાં સ્ત્રીનાં ઘરેલું કાર્યો અંગેની ટિપ્પણીનો શો અર્થ રહે છે? આવી અલાયદી સ્ત્રીઓ જ તો અવકાશમાં પગલું માંડી શકે ને !

‘સ્વમાનથી વધુ આ દુનિયામાં કશું નથી’ એમ ઉપદેશ આપીને શીખવવા કરતાં વર્ષાબહેન એમની દીકરીઓ સમક્ષ એક જીવંત દાખલો મૂકીને શીખવે એ એમનાં વ્યક્તિત્ત્વને જોતાં સહજ લાગે. જે માટે ‘મારે પણ એક ઘર હોય’ નવલકથાના શીર્ષક અંગેનો એક કિસ્સો અહીં ટાંકવો પૂરતો થઇ રહેશે. નિષ્ફળ મરાઠી નાટકના ગુજરાતી રૂપાંતરને શોના આગલાં દિવસે ‘મારે પણ એક ઘર હોય’ શીર્ષક આપનાર ફિલ્મ પ્રચારક તારકનાથ ગાંધી વિરુદ્ધ કોર્ટમાં જઈ જીત મેળવી. ‘શીર્ષક ગમ્યું તે લઇ લીધું, જાઓ થાય તે કરી લો’ની ઉદ્ધતાઈનો બોધપાઠ આ સ્ત્રીએ સાહસથી શીખવ્યો છે. જીવમાત્ર માટે અપાર કરુણાનો વારસો એમનાં સંતાનોને આપ્યો છે. દીકરીના ડિવોર્સ પછી એક મા એક સખી બની રહે છે.  પિતા અને પતિ બંનેનો સહકાર એક સ્ત્રીને મળે છે ત્યારે જગતને પોતાના યોગદાનથી એક સ્ત્રી કઈ રીતે સમૃદ્ધ કરી શકે તે સમાજે પણ અવલોકવા જેવું છે.

વર્ષા અડાલજાના આ શબ્દો તેમનાં સર્જક કર્મ વિશેનો હિસાબ છે; ‘સર્જકનું કામ સમાજના અંધારા ખૂણામાં દીવો પ્રગટાવવાનું છે. આજનો માનવી અંતરિક્ષના ગ્રહો વિશે જાણકારી ધરાવે છે પણ બાજુમાં ઊભેલા માણસના રુંવાડાને પણ ઓળખતો નથી.’ આ માણસાઈની ‘ઓળખ’ માટેનો પરિશ્રમ છે. કદાચ એટલે જ વર્ષા અડાલજાને આ પૃથ્વી પરનો એક એક વેદનાગ્રસ્ત માનવી ‘હરિની એંધાણી’ લાગ્યો હશે ! અહીં મને ‘અણસાર’ નવલકથાનું એક વિધાન પણ યાદ આવે – ‘જ્યારે તું સંપૂર્ણ વીખરાઈ જઈશ, ત્યારે અસ્તિત્ત્વમાં આવીશ.’ લેખિકા વર્ષા અડાલજાએ પોતાના જીવનને શબ્દમાં ઓગાળી દીધું એટલે જ એક દૃઢ, નક્કર અને ગરિમાપૂર્ણ અસ્તિત્ત્વ આપણને મળી શકાયું છે. આ શબ્દકર્મ  જ એમને સત્યમ-શિવમ-સુન્દરમના ધર્મ ભણી દોરી ગયો છે તો એવા વાચન થકી ભાવકોને પણ સર્જકના એ શબ્દે સત્યમ-શિવમ-સુન્દરમના કર્મ તરફ વાળ્યો છે. આ ઉમદા કાર્ય બદલ શબ્દસેવી વર્ષા અડાલજાનું નામ સદૈવ સ્મરણીય રહેશે.

*******************

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.