દરિયાનો લાલ: પ્રકરણ: ૬ (ગુણવંતરાય આચાર્યની જીવનકથા) ~ લે. વર્ષા અડાલજા  

(શબ્દો: ૨૦૦૫)

મારા પિતાની સામાજિક વિદ્રોહના સૂરનું વિષયવસ્તુ ધરાવતી સંખ્યાબંધ ટૂંકી વાર્તાઓ `ફૂલછાબ’માં પ્રસિદ્ધ થતી. આ વાર્તાઓ અને નવલકથાઓ એટલી લોકપ્રિય થઈ કે ઘણા વાચકો તો એને મેઘાણીભાઈની જ કલમની પ્રસાદી ગણતા.

ખુદ મેઘાણી આ અંગે લખે છે, 

“ભાઈ ગુણવંતરાય આચાર્યે લખેલી આ વાર્તાઓ જેમ-જેમ `ફૂલછાબ’માં બહાર પડતી ગઈ, તેમ-તેમ તેની કીર્તિને મારા નામ પર ચડાવનારા પત્રો મને મળતા ગયા.

એક વિદ્વાન સ્નેહીએ તો કટાક્ષમાં વીંટીને અભિનંદન લખ્યાં કે આ નવી કલમના અવતારથી તમે ઈર્ષ્યાથી સળગી ઊઠશો. સાચે જ આ લેખિનીની ઈર્ષ્યા થવી એ પણ શોભસ્પદ છે. ભાઈ આચાર્યને હું ઘણી વાર લીવિંગ એન્સાયક્લોપીડિયા કહી બોલાવું છું. સોરઠી ઇતિહાસ માટે એ છેક ગ્રીક લોકોનાં લખાણો સુધી પણ પહોંચ્યા છે. સરકારી સર્વસંગ્રહો પણ તપાસ્યા છે. એમાંથી આધાર લઈ આ કથાઓ એમણે ઊભી કરી છે.

મારું ચાલે, મારી પાસે સાધનસંપત્તિ હોય તો આ કલમને રાજકારણી પત્રકારત્વમાં ઘસાતી અટકાવી આ એક જ ધર્મકાર્ય પર લગાવી દઉં. સોરઠી ઇતિહાસની સાચી દૃષ્ટિવાળી કલમ અત્યારે દુષ્પ્રાપ્ય છે.”

આમ મેઘાણી અને મારા પિતાના સંબંધો મિત્રતાના, નિખાલસતાના. એકવાર એ બંને મહારથીઓ વચ્ચે ટક્કર થઈ. (ઊર્મિ નવરચના. મેઘાણી સ્મૃતિઅંક, ઑગસ્ટ 1972)

મેઘાણી `ફૂલછાબ’માં `જેલની બારી’ નામે એક લેખમાળા લખતા. એ વિશે મિત્રો સાથે ચર્ચા ચાલી, એમાં મારા પિતાએ કહ્યું, “આ લેખમાળા બંધ થવી જોઈએ” અને એ લેખમાળા એમણે બંધ કરી. પછી પસ્તાવો થયો, ના આ તો ખોટું થયું! એટલે મેઘાણી પાસે ફરી માગણી કરી. 

મેઘાણી કહે, “કેમ તમને ગમતી નથી તો હું સુધારી નહીં શકું, તમને એમ ને એમ ગમતું નથી, પછી!”

“આપની સામે હું બોલ્યો છું.”

“તમે ગભરાઈ જશો તો કેમ કામ થશે! મનમાં જે વસ્તુ ન ગમે તે માટે બહારથી ખોટો વિવેક શા માટે કરવો? મને ખોટું લાગ્યું હોય એવું તમે ક્યાંય જોયું?”

મારા પિતા મેઘાણીને ગુજરાતના શ્રેષ્ઠ કવિ ગણતા હતા. મેઘાણીએ એમની પાસેથી વચન લીધું, તમે આમ કહી ન્હાનાલાલ, પ્રેમાનંદ, ઉમાશંકરને અન્યાય કરો છો. મારી હયાતીમાં તમારે કોઈ દિવસ ક્યાંય આવું લખવું કે બોલવું નહીં, પણ જોગાનુજોગ એકવાર `ગુજરાત સમાચાર’ના પત્રકારને ઇન્ટરવ્યૂમાં પિતાએ કહ્યું, “બાપુને હું પોતે ગુજરાતના સર્વશ્રેષ્ઠ કવિ ગણું છું.”

અને એના આઠ જ દિવસમાં મેઘાણીભાઈનું અવસાન થયું, ત્યારે પિતાને મનમાં રંજ રહી ગયો, એ લખે છે,

“કોણ જાણે કયે કાળ ચોઘડિયે મારાથી આ બોલાયું! શું આ આગમનાં એંધાણ હશે!”

`સૌરાષ્ટ્ર’ માત્ર સમાચાર-પત્ર નહોતું. એ લોકજાગૃતિની મશાલ બનવા સર્જાયેલું હતું. રજવાડાંઓના કાવાદાવા ખુલ્લા પાડવા, ઉપરાંત રાષ્ટ્રીય સંગ્રામના આંદોલનને આગળ ધપાવવાનું કામ પણ એ કરતું.

પત્રકારે ક્યારેક સૈનિક કે સેનાપતિ પણ બનવું પડે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્રનાં સદ્‌ગુણોને સાંકળવા પડે છે, અન્યાય સામે સતત ઝઝૂમવું પડે છે. વિચાર, માહિતીને લોકજાગૃતિના યજ્ઞમાં વાળવાં પડે છે.

આ ક્રાંતિજ્યોત પ્રગટાવવામાં મેઘાણી, કકલભાઈ કોઠારી સાથે મારા પિતા પણ હતા એ સમય અમારા કુટુંબ માટે અત્યંત ગૌરવપ્રદ ઘટના છે. સમસ્ત ગુજરાતી પ્રજાને જગાડવા આ લોકોએ નર્મદની જેમ ડાંડિયો હાથમાં લીધો હતો, બુંગિયો ફૂંક્યો હતો. 

`ફૂલછાબ’ના કાર્યકાળ દરમિયાન મારા પિતાનું સહુથી મોટું પ્રદાન તો એમની હાસ્યકટાર `હું, બાવો અને મંગળદાસ’ રૂપે મળ્યું. ગુજરાતી સાહિત્યમાં વિશિષ્ટ કટાર હતી. 19મી સદીના ઉત્તરાર્ધમાં મુંબઈથી પ્રગટ થતાં અખબારોમાં હાસ્યરસ જોવા મળતો પણ બાવો અને મંગળદાસ જેવા સ્ટોક કેરેક્ટરને લઈ રાજકીય હાસ્યકટાક્ષ કરનાર એમની કૉલમ પ્રથમ જ હતી.

એ કટારમાં વિનોદ અને કટાક્ષનાં બાણ ચલાવ્યાં તે અદ્વિતીય હતાં. અમે મુંબઈ આવ્યા પછી `પ્રવાસી’માં પણ એ કટાર હતી. એના અનુસરણરૂપે ચુનીલાલ વ. શાહે `હું, શાણી અને શકરાભાઈ’ શરૂ કરી હતી. પાછળથી મધુસૂદન પારેખે સંભાળી. તારક મહેતાની અત્યંત લોકપ્રિય કટાર, `દુનિયાને ઊંધાં ચશ્માં’નાં પાત્રો પણ એમની કટારની શૈલી પર આધારિત ગણાય.
*
મારા પિતાને `ફૂલછાબ’, એમના સંતાનને સોંપી દઈ, અમૃતલાલ શેઠ, મેઘાણી વ. સહુ જેલવાસ ભોગવતા હતા. પિતા એકલે હાથે રેતીમાં વહાણ હંકારતા હતા. ખુલ્લા આકાશ નીચે ખીજડાને છાંયે ઢાળિયું ટેબલ મૂકી દોડતી ગાડીની ઝડપે પિતા લખતા અને લીંબડીથી ભાઈ મિયાં સૈયદ પાસેથી ભાડે લીધેલા ટ્રેડલ પ્રેસમાં બધું છપાતું.

મારી બા તો નાનકડા ગામમાં અનેક અભાવો વચ્ચે ઊછરી હતી એને પત્રકારત્વ અને સાહિત્ય વિશે શી ખબર કે સમજણ હોય! એને માટે આ એક નવી જ દુનિયા હતી. ઘડી-ઘડી આંગણે પોલીસો, નોટિસો અને માથે ધરપકડની લટકતી તીખી ધારની તલવાર…

એવા માહોલમાંય બાએ કદી મારા પિતાને પાછી પાની કરવાનું ન કહ્યું. ઊલટાનું ભાઈ શિશિર અને હવે નાની બિંદુને સંભાળી પિતાના સંસારનો ભાર ખભે લઈ, એમને લેખન માટે મોકળાશ આપી હતી. ફરિયાદનો એક સૂર નહીં.

આર્થિક મૂંઝવણને લઈને પિતાએ મદદનો શીશો દરિયે તરતો મૂક્યો હતો. જે આફ્રિકાવાસી, ગુજરાતી સાહસિક અને સખાવતી ઉદ્યોગપતિ નાનજી કાલિદાસ મહેતાને પહોંચ્યો.

પિતાએ એમને પત્ર લખ્યો હતો, સ્વાતંત્ર્‌યસંગ્રામના અમે પાછલી હરોળના સૈનિકો છીએ, ભીડમાં છીએ, વહાર મોકલો. તો ઠેઠ યુગાંડાથી એમણે રામુ પરમાનંદ ઠક્કરને રાણપુર મોકલ્યા. ખબર કાઢો, અમૃતલાલ શેઠ, મેઘાણી, આચાર્ય, કકલભાઈ વ. કેમ રહે છે? એનો ખર્ચ કેમ ચાલે છે?

રામુ ઠક્કર લખે છે, “હું રાણપુર ગયો, જોયું તો `સૌરાષ્ટ્ર’ના મકાનને લોખંડી તાળાં અને માથે મોગલ સરકારી અધિકારી! શેઠ, મેઘાણી સાબરમતી જેલમાં. `સૌરાષ્ટ્ર’ના મોટા મકાનની અંદરનું આંગણું કામદાર કારીગરોને બેસવા માટે વપરાતું હતું, ત્યાં હું અને નાનજી કાલિદાસનો માણસ અમે પહોંચ્યા.

એ વખતે ત્યાં બાંકડા પર બેઠેલા ઊંચા, ખડતલ, રૂપાળા અને મીઠાબોલા યુવાને ઊઠી અમને આવકાર આપ્યો. અમને વિગતો અને માહિતી આપી. હોટલમાંથી ચા અને પાન આવ્યાં. `સૌરાષ્ટ્ર’ના કાર્યાલયમાં હું અગાઉ ઘણી વાર ગયેલો, આ યુવાનને કદી દીઠેલો નહીં. કોઈએ આંગળી ચીંધી – આ ગુણવંતરાય આચાર્ય.

આચાર્ય સાથે પહેલી પિછાન 1930ના નવેમ્બરની 24મી તારીખે થઈ. (આ તારીખ એમની ડાયરીમાંથી એમને મળી ગઈ)

એ ભાઈએ આચાર્યની ઓળખ કરાવી અને કહ્યું, `સૌરાષ્ટ્ર’ના તંત્રીખાતામાં કામ કરે છે અને કર્મચારીઓને રોજી મળે એટલે સ્વાશ્રય મુદ્રણાલય ઊભું કરી તેમાં `બહુરૂપી’ નામનું એક ડિટેક્ટિવ સાપ્તાહિક પ્રસિદ્ધ કરવામાં આવે છે. તેમાં ડિટેક્ટિવ કથાઓ પણ લખે છે. 

આચાર્ય સાથેની આ પહેલી મુલાકાત પૂરા પાંત્રીસ વર્ષ સુધી ચાલતી રહી. અમે ગાઢ મિત્રો, સહકર્મચારીઓ બન્યા. સાથે વસ્યા, લડ્યા, ઝઘડ્યા, અબોલા લઈ પાછા પાક્કા દોસ્ત બની રહ્યા. એકદમ દિલાવર આદમી. પૈસા પાસે હોય તો બીજા માટે ઘસાઈ જાય. ગમે તેવી ગરીબીમાં – આવતા અઠવાડિયાનો ખર્ચ ક્યાંથી નીકળશે તેની ખબર ન હોય ત્યારે પણ એ જ દિલાવરી અને હસમુખો સ્વભાવ. આંખે ઊડીને વળગે એવો ગુણ ને નિર્ભયતા.”

`ગ્રંથાગાર’નાં જે બે-ચાર પાનાં મારી પાસે છે, એમાં ચંદ્રશંકર બૂચ-સુકાની – જેમણે `ધુડાકિયો બાણ’ અને `દેવો-ધાધલ’ જેવી ઉત્તમ સાગરકથાઓ આપી. અનેક ખલાસીઓના મિત્ર. એમનું સુંદર શબ્દચિત્ર અને એમની સાથેની મુલાકાતનો લાંબો લેખ લખ્યો છે;

“­સિન્ધિયા કંપનીની કરાંચીની ઑફિસમાં સુકાની મૅનેજર. અડધા આફ્રિકાવાસી. આજથી દોઢસોએક વર્ષ પહેલાં જંગબારમાં જેરામ શિવજીની મોટી પેઢી, એ વિશે મેં `દરિયાલાલ’માં લખ્યું છે, એ પેઢીમાં ચંદુભાઈના પૂર્વજો ભાગીદાર–મુનીમ હતા. વતન કચ્છ.

કરાંચીમાં ડૉ. પટ્ટાભી સીતારામૈયાનાં પ્રમુખપદે ઑલ ઇન્ડિયા સ્ટેટ્‌સ  પીપલ કૉન્ફરન્સની બેઠકમાં હું `સૌરાષ્ટ્ર’ના પ્રતિનિધિ પત્રકાર તરીકે ગયો હતો. એમની ઑફિસ એટલે આખો દિવસ આગબોટોના ભરત ને કાર્ગોની ધમાલનો અડ્ડો. ઘર એટલે પહેરવાનાં કપડાંય ન મળે એવું ગ્રંથાલય. વેદ, ભાષ્ય, વ્યાકરણ, ઉપનિષદ, ભવભૂતિ, કાલિદાસ… ઓરડાની શોભા વધારતા દેખાય. એક શબ્દ ક્યાં-ક્યાં કયા અર્થમાં વપરાયો છે… એક વિચાર જુદા-જુદા યુગમાં કેવી-કેવી રીતે રૂપાંતર પામ્યો…. વાળની ખાલ ઉતારે એવી ઝીણવટ એમની.

કરાંચીના મારા ચાર દિવસનો સમય કોઈ અમલદારના ઘરમાં નહીં જાણે કોઈ પંડિતની પર્ણકુટીમાં વીત્યો.

ચંદુભાઈ હિન્દી વહાણવટાના વિકાસ માટેની સરકારી કચેરીમાં ડેપ્યુટી ડિરેક્ટર. 1955-56. મને એમણે બોલાવ્યો. વર્ષો પછી આ બીજી મુલાકાત. ઑફિસમાં દાખલ થતાં મેં જોયું ટેબલની બાજુમાં આરામખુરશી. એમાં ચંદુભાઈની સૌમ્યમૂર્તિ. જરા નીચા કદનું, બેવડા બાંધાનું શામળું દેહસૌષ્ઠવ. સાદો પોશાક.

એમની ચારે બાજુ બંધ, ઉઘાડી ચોપડીઓ. પોતાના જમણા હાથની આંગળી લાંબી કરી કોઈ વાજાના સંગીતમાં તાલ પુરાવતા હોય એમ ઊંચી-નીચી કરતા, બંધ આંખો `लींगम अशिष्यम्‘ બોલ્યા કરતા હતા. હું આ પંડિત ખારવાને જોઈ રહ્યો. પટાવાળાએ ધીમેથી કહ્યું, સાહેબ…

આંખ ખોલી, મને તરત ઓળખી લીધો. મેં પૂછ્યું `लींगम अशिष्यम्‘ શું છે?

“તમારી એક વાત વાંચી મનમાં ખટકો થયો, એ યાદ આવ્યું. તમે સાગરકથાઓમાં દરિયાનાં તરંગો માટે `મોજું’ શબ્દ વાપરો છે, પણ એ તો નાન્યતર જાતિ! દરિયાનો મોજો ઊછળતો લાહોલાહ સામે ચાલ્યો આવે. અરે એનામાં તો `વીજળી’, `ટાઇટેનિક’ જેવાં જંગી સફરી જહાજોને એક ઝપાટે ગરદ કરવાની તાકાત, એ માટે મરદ જાતિનો શબ્દ જોઈએ. એટલે મને પતંજલિનું વ્યાકરણસૂત્ર યાદ આવ્યું.

ખેર, એ વિશે બહુ લાંબી વાત થઈ. મને એમણે યાદ કર્યો હતો બીજા કામે. ત્યારે મને સાગરકથાના લેખક તરીકે ખ્યાતિ મળી ગયેલી. ચંદ્રશંકર ત્યારે હિન્દી વહાણવટાના વિકાસ માટેની કચેરીમાં ડેપ્યુટી ડિરેક્ટર જનરલના હોદ્દા પર. ખારવાઓના મંડળમાં સલાહકાર તરીકે, એ લોકોને સમજી શકતા હોય એવા માણસો બોર્ડ પર લેવા. ખારવાઓમાં સંસ્કારિક, સાહસિક પ્રવૃત્તિઓ થાય એ માટેના સલાહકાર તરીકે મારી વરણી કરવી હતી. આવું કામ માંડવીમાં જયંત ખત્રીને સોંપેલું.

પણ આપણે ત્યાં ઘણી યોજનાઓ સરકારી ફાઈલોમાં પડી રહે છે. એમ આનું પણ થયું. અનેક ખટપટોથી કંટાળી ચંદ્રશંકરે રાજીનામું આપી દીધું. એક ઉમદા કામ કોરાણે રહ્યું, પણ એમનો સ્વાધ્યાય તો ચાલુ હતો. હિન્દી વહાણવટાની પ્રાચીન પરંપરાની શોધખોળ માટે એ વહાણવટાને લગતાં પુસ્તકો એકઠા કરતા હતા. એક અલભ્ય પુસ્તક `વસુદેવ ટીંડી’ મારી પાસેથી માગી લીધેલું.

ફરી પેલી ખારવા વિકાસ સમિતિ અંગે હું મળવા જવાનો હતો, ત્યાં જ અચાનક એમનું અવસાન થયું. ખારવાઓનો વિકાસ અને બહેતરીન જિંદગી માટે મને કશુંક કરી શકવાની તક તો હાથમાંથી સરી જ ગઈ, એ રંજ તો ખરો પણ ગુજરાતે એક સાચો વિદ્યાવ્યાસંગી ગુમાવ્યો, એક સાગરપ્રેમી ગુમાવ્યો એનું દુઃખ મને વિશેષ રહ્યું.”

મારા પિતાને એક વાત સદા ખૂંચતી, વિસ્મિત કરતી, આટલો સમૃદ્ધ આપણો દરિયાકાંઠો અને પ્રાચીન વહાણવટાની પરંપરા પણ સાગરઘેલા લોકો કેમ ઝાઝા પાક્યા નહીં!
*
1928માં `સૌરાષ્ટ્રમિત્ર’માંથી મારા પિતા `સૌરાષ્ટ્ર’માં જોડાયા. પત્રકાર  તરીકે એમના કામનો ઊજળો હિસાબ આપ્યો. અનેક જોખમી કામ કર્યાંં. `સૌરાષ્ટ્ર’નો જન્મ જ દેશી રાજ્યોની પ્રજાને જાગ્રત કરવા માટે, એમને થતા અન્યાય સામે વિદ્રોહનો સૂર તારસ્વરે સંભળાવવા માટે તો થયો હતો. પત્રકારત્વ એ સમયે સેવાવ્રતની દીક્ષા હતી.

જ્યારે આખું તંત્રીમંડળ જેલમાં હતું ત્યારે એકલે હાથે ખુલ્લા આકાશ નીચે બેસી એમણે સતત લખ્યું. `સૌરાષ્ટ્ર’ના પ્રતિનિધિ તરીકે અનેક કૉન્ફરન્સમાં વિગતવાર અહેવાલ માટે હાજરી આપી, બાપુની દાંડીકૂચમાં પણ પત્રકાર તરીકે જોડાયા હતા. 

1937 સુધી સન્નિષ્ઠ પત્રકાર અને લેખક તરીકે કામ કર્યું હતું પણ એ વિશે `ફૂલછાબ’ના સુવર્ણજંયતી અંકમાં એમના પર, એમના કામ પર ખાસ કોઈ સામગ્રી જ નથી! એ એક મોટું આશ્ચર્યચિહ્‌ન છે. જાણે કે એ હાંસિયામાં ધકેલાઈ ગયા. માત્ર રવિભાઈ મહેતાએ `ફૂલછાબ’નો ઇતિહાસ લખતાં આ પ્રમાણે નોંધ કરી છે,

“મારા ખ્યાલથી, `સૌરાષ્ટ્ર’ના એ નવા અવતારનું નામ `ફૂલછાબ’ હેતુપૂર્વક રાખવામાં આવ્યું હતું. લડતનું વાજિંત્ર એને બનાવવાનો ત્યારે ઇરાદો ન હતો. એને નિમિત્તે `સૌરાષ્ટ્ર’ કાર્યાલય અકબંધ રહે એટલો જ હેતુ હતો. તેથી જ એના સંપાદનકાર્યમાં ગુણવંતરાય આચાર્ય અને રામુ ઠક્કર જેવા બીજા રાજકારણી લેખકો અગ્રસ્થાને હતા.” (`ફૂલછાબ’ સુવર્ણજયંતી અંક પૃ. 43)

શું `સૌરાષ્ટ્ર’માં મારા પિતાનું કોઈ પ્રદાન જ નહોતું? એની નોંધ સુધ્ધાં નહીં! બધા જ તંત્રી જ્યારે જેલમાં હતા ત્યારે જોશભેર ફૂંકાયેલા ઝંઝાવાતમાં મારા પિતાએ `સૌરાષ્ટ્ર’ની નાવડીને તરતી રાખી હતી. એટલું જ નહીં મારા પિતાની અને મેઘાણીની દોસ્તી અને સહકર્મચારીઓનો સંબંધ પણ નેવે મુકાયો! આ તે કેવો અન્યાય!

`ફૂલછાબ’ની સુવર્ણજયંતી નિમિત્તે ડોક્યુમેન્ટરી તૈયાર થઈ હતી એ મેં હોંશભેર જોઈ હતી પણ એમાં મારા પિતા ક્યાંય દેખાયા જ નહીં. બ્રિટનની ગુજરાતી સાહિત્ય અકાદમીના વિપુલ કલ્યાણી પણ એ સમયે સભાગૃહમાં મારી સાથે હતા, ત્યારે જ એમણે મને કહ્યું,

“બરાબર એક વર્ષ અગાઉથી, અહીંથી જ અત્યારથી મારું આમંત્રણ. આવતા વર્ષે 2000માં ગુણવંતરાય આચાર્યને સમર્પિત અમારી ત્રિ-દિવસીય ભાષાપરિષદ ઊજવશું, તમને બંને બહેનોને મારું આમંત્રણ છે. દરિયાપારના દેશોને, ગુજરાતી પ્રજાની સાહસિકતાને એમણે બિરદાવી છે. દરિયાપારના દેશો સાથે આપણા ગુજરાતીઓનાં વેપારવાણિજ્ય માત્ર એમણે જ ઉજાગર કર્યાં છે, એવા એ એકમાત્ર સર્જક છે. અમને એનું ગૌરવ છે.”

વિપુલભાઈએ એમનું વચન પાળ્યું અને વર્ષ 2000માં ખરેખર ત્રણ દિવસ ધામધૂમથી, હા ધામધૂમથી જ એ અવસર ઊજવાયો હતો, જેમાં હું અને ઇલા સામેલ હતાં.
*
1934માં શ્રી અમૃતલાલ શેઠે મુંબઈથી `સન’ નામનું અંગ્રેજી દૈનિક શરૂ કર્યું હતું. ત્યારે ખોટને આંબી જવા `જન્મભૂમિ’ સાંધ્યદૈનિક ગુજરાતી પણ શરૂ કર્યું હતું. એનું સંચાલન કકલભાઈને સોંપાયું હતું પણ પરદેશી હકૂમતે જાતભાતના કાયદા લગાડી કકલભાઈ સામે ધરપકડની બંદૂક તાકી, એટલે એમણે મુંબઈ છોડ્યું. એ ઠરીઠામ થઈ બેસે એવા તો હતા નહીં. વિદ્રોહનો સૂર અકબંધ હતો. 

અમદાવાદમાં `નવસૌરાષ્ટ્ર’ દ્વિસાપ્તાહિક સ્વરૂપે પ્રસિદ્ધ થતું રહ્યું.

1937માં `ફૂલછાબ’ના તંત્રીમંડળમાં ગંભીર મતભેદો થયા. જેણે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. આજ સુધી હેતપ્રીતથી સંયુક્ત કુટુંબની જેમ જોડે રહેતા, સૌરાષ્ટ્રનો બૂંગિયો એવો ફૂંક્યો હતો કે અંગ્રેજોને પણ ડરીને `સૌરાષ્ટ્ર’ના ડેલે તાળાં મારવાં પડ્યાં હતાં. એ એકતામાં ઊભી તિરાડ પડી ગઈ. કકલભાઈ અને અમૃલાલ શેઠ વચ્ચે જબરી તકરાર થઈ.

`એ ઝઘડો ગાંધીજીને સોંપવામાં આવ્યો હતો અને એ ચુકાદાને અનુસરીને આચાર્ય, કકલભાઈ અને હરગોવિંદ પંડ્યાનું તંત્રીમંડળ છૂટું થઈ ગયું.’ (કપિલભાઈ ઠક્કર – `ઝવેરચંદ મેઘાણી જીવનકથા’ પૃ.-85)

ઝઘડો તો એ હદે વધી ગયો કે કકલભાઈ પોલીસ લઈ `ફૂલછાબ’ કાર્યાલય પર આવ્યા હતા. આખરે રાણપુરની એ સંસ્થામાંથી સહુ છૂટા થઈ ગયા. રાણપુર છોડી દીધું. નિરાશ થઈ અમૃતલાલ શેઠ જાહેરજીવનમાંથી નિવૃત્ત થઈ ગયા.

`સૌરાષ્ટ્ર’ના સિંહની ડણક બંધ પડી ગઈ. એક વખતના જાની દોસ્તો, અનેક જોખમી કામો નિર્ભયતાથી પાર પાડનારામાં અંટસ પડી ગયો. સરવાળે સૌરાષ્ટ્રને જ ખોટ પડી ગઈ. સૌરાષ્ટ્રનું સેવા સમિતિનું દફતર સમેટાઈ ગયું.

ખરી રીતે તો સ્વાતંત્ર્‌ય આવ્યું ત્યારે અને પછીની ચૂંટણીઓ વખતે `સૌરાષ્ટ્રે’ જ્યાં-જ્યાં જરૂર પડી હોત ત્યાં માંધાતાનો પણ કાન આમળ્યો હોત. કારણ કે સ્વાતંત્ર્‌ય પછી પત્રકારત્વનું સ્વરૂપ પલટાવા લાગ્યું અને એ ઉદ્યોગ બની ગયો. 

આજે કોઈ અખબારમાં `સૌરાષ્ટ્ર’ જેવા `સેવા સમિતિ દફતર’ની કલ્પના પણ કરી શકાય? કોઈ-કોઈ વીરલા પત્રકારો ઝઝૂમે છે પછી શું થાય છે તે આપણે જાણીએ જ છીએ ને! જાબાંઝ પત્રકારોનાં ખૂન પણ કેટલાં થયાં છે! થઈ રહ્યાં છે!

(ક્રમશ:) 

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.