ચાર ગઝલો ~ ભાવેશ ભટ્ટ
ગઝલ* ૧ઃ “….છે કે નહીં….!”
આંચકો મોટો કે નાનો છે નહીં
એને ખોયાનાં નિશાનો છે નહીં
કૈંક લાશો છે દુખી આ શહેરમાં
ઝેરની કોઈ દુકાનો છે નહીં !
જો છે કુલ વિસ્તાર એના જેટલો
એટલે ઘરમાં પિયાનો છે નહીં
બારણાં સાવધ રહે છે દસ ગણાં
જેમના પણ ત્યાં યુવાનો છે નહીં
એને પૂછોને કે શું વાંધો પડ્યો ?
મારો શા માટે જમાનો છે નહીં !
વાંચનારાની અપેક્ષા વાંચજો
પત્રમાં કોઈ વિધાનો છે નહીં
લૂંટવાની આગ ભડકી હોય તો
મોતથી મોટો ખજાનો છે નહીં
– ભાવેશ ભટ્ટ
*ગઝલ* ૨ઃ “…..જેવી રીતે…!”
હાલ પણ આજ તો પૂછાય છે જેવી રીતે
માર્ગ પર ચીજ ખરીદાય છે જેવી રીતે
એક પછી એક થતા જાય કુપોષણના શિકાર
આજના લોક દયા ખાય છે જેવી રીતે
મોતિયા બાબતે ના થાય કદીયે એવું ?
મોતિયા રોજ મરી જાય છે જેવી રીતે
થાય તૈયારીઓ કોઈના છૂટા પડવાની
ઊંઘમાં રાત સમેટાય છે જેવી રીતે
એક બે શબ્દ પ્રશંસાના બહુ ભોંઠા પડ્યા
કોઈ વિસ્તારથી શરમાય છે જેવી રીતે
બેઉને ભળવું ગમે છે કે નહીં જોને જરા !
રંગમાં રંગ ઉમેરાય છે જેવી રીતે
હોત પાસેનો આ ઉત્પાત સુરક્ષિત એવો
દૂર તોફાન કોઈ થાય છે જેવી રીતે
પામવા એને વિખેર્યા છે વિચારો સઘળા
કૈંક ખોવાયેલું શોધાય છે જેવી રીતે
– ભાવેશ ભટ્ટ
*ગઝલ* ૩ઃ “……આવશે નક્કી…!”
વચનના કાયદા સચવાઈને પણ તૂટશે નક્કી
તને જોઈને ના જોવાની આદત લાગશે નક્કી
સુદર્શન ક્યારનું રઝળ્યાં કરે એની દિશા ભૂલી !
બિચારું બીકમાં પાછા જવાનું ટાળશે નક્કી
વરસવાની હરીફાઈ ભલે છે વાદળો વચ્ચે
સિતારાઓને આખી રાત ઝાંખા રાખશે નક્કી
ગળાની દાદાગીરી ચાલવા દેશે નહીં ઉંમર
તરસને આંખના વિસ્તારમાંથી કાઢશે નક્કી
ક્ષણો પોતાને ન્યાયાધીશની ઓલાદ સમજે છે
તમે માંગો કે ના માંગો ચુકાદો આપશે નક્કી
છે એને ટેવ વાતેવાતે હળવો ધક્કો દેવાની
કદી મળવા અગાશી પર મને બોલાવશે નક્કી
ઝઝૂમ્યું છે સદાયે મોત મારા જીવતેજીવત
મર્યાની બાદ એની હારને સ્વીકારશે નક્કી
મને જો મંચ પરથી સાંભળ્યો તો બહુ મજા આવી !
મને વાંચો તો એનાથી વધારે આવશે નક્કી
– ભાવેશ ભટ્ટ
*ગઝલ* ૪ઃ “……..અમુક વખતે….!”
ગરીબો બાબતે કચવાયેલો લાગે અમુક વખતે
વજન કાંટો જરા વટલાયેલો લાગે અમુક વખતે
ભલેને હોય ખોબા જેટલો ચહેરો બિચારાનો
સમંદર જેટલો મૂંજાયેલો લાગે અમુક વખતે
ખરીદી લે પ્રમાણિકતા તને તારી જ પોતાની
ને તારો આત્મા વેચાયેલો લાગે અમુક વખતે
હજી પણ શિસ્ત બંધારણની આવડતી નથી સરખી
તરસનો છંદ વણખેડાયેલો લાગે અમુક વખતે
બહુ રાજી થશે બેચાર ફૂલો ચીમળાયેલા
બગીચો કોઈને કરમાયેલો લાગે અમુક વખતે !
મળીને એમ ચોંકે છે કે ચોંકાવી દે તમને પણ
ઝબકતો એમ કે ઝડપાયેલો લાગે અમુક વખતે
જરા ઊણપ નજરમાં છે કે ઓછપ હાજરીમાં છે !
મળે સામે અને ભૂલાયેલો લાગે અમુક વખતે
જુએ જો જુલ્ફમાં એ છાપ મારી આંગળીઓની
તમારો કાંસકો ગિન્નાયેલો લાગે અમુક વખતે
– ભાવેશ ભટ્ટ