“એકાંતિક મૌન સાથે શબ્દોની ગોષ્ઠિ” ~ (૨) ~ પૂર્વી મોદી મલકાણ
આકાશમાં અટકેલી એક રાત
૩ ડિસેમ્બર, ૨૦૨૫
વિમાનમાં લાંબો સમય પસાર કર્યા પછી મારી આજુબાજુના સૂતેલા મુસાફરોની આંખો હવે ધીમે ધીમે ખૂલવા માટે તત્પર હતી. કોઈ પોતાની સીટ સીધી કરી રહ્યું હતું, કોઈ ધીમેથી હાથ-પગ હલાવીને લાંબી ઊંઘ પછી શરીરને જાગૃત કરી રહ્યું હતું, તો કોઈ હજુ પણ ઊંઘ અને જાગૃતિ વચ્ચેના એ અજાણ્યા પ્રદેશમાં હતું.
જે મુસાફરો જાગી ગયા હતા તેમની ધીમી ધીમી સળવળ શરૂ થઈ ગઈ હતી. કોઈ બારીની બહાર જોઈ રહ્યું હતું, કોઈ પોતાના સામાનને ગોઠવી રહ્યું હતું, તો કોઈ આવનારી ધરતી પર ઉતરવાની તૈયારી સાથે પોતાના મનને પણ તૈયાર કરી રહ્યું હતું.
વિમાનની અંદરની લાઇટો ચાલુ કરી દેવામાં આવી હતી. અંધકારમાં શાંત પડેલ અને આકાશમાં અટકેલી એ લાંબી રાત પૂરી થવાની કગાર પર હતી. જ્યારે વિમાનમાં રહેલું એ નાનું વિશ્વ હવે ધીમે ધીમે જાગવા લાગ્યું હતું.
પણ હું…હું હજુ પણ એ ક્ષિતિજની પેલી પાર જોઈ રહી હતી.
બારીની બહાર ફેલાયેલા અનંત આકાશમાં મને માત્ર તારાઓ જ દેખાતા નહોતા; પણ મારા પોતાના વિચારોના પડછાયા પણ તારાઓ રૂપે દેખાતા હતા. આકાશની વિશાળતા વચ્ચે પણ ક્યારેક મનના પ્રશ્નો એટલા નજીક હોય છે, કે તેનો સહજ અનુભવ થવો સામાન્ય હોય છે.પણ થોડી જ વારમાં ભારતની ધરતી દેખાવાની હતી… આ વિચાર સાથે હૃદયમાં એક અજાણી લાગણી જન્મી રહી હતી. એક તરફ ભારત
ની ધરતીને સ્પર્શવાનો આનંદ હતો, તો બીજી તરફ કઈ અંદરની યાત્રામાં અવરોધ આવવાનો હતો તેનો ડર હતો.
કેટલીક યાત્રાઓ વિમાનના પાંખોથી પૂરી થતી નથી. તે તો મનના કોઈ અજાણ્યા દરવાજા ખોલીને આગળ વધતી રહે છે અને કદાચ આ જ ક્ષણે, આકાશમાં તરતી આ અવકાશીય સફરમાં, મારા અંદરના અવાજો ફરી મારી સાથે વાત કરવા લાગ્યા હતા…
“મારા અંદરના અવાજો
મારા અંદરના અવાજો ક્યારેય થાકતા નથી,
એ બોલે છે, ટકરાય છે,
અને મને જ પૂછે છે—
“તને ડર શાનો છે?”
મૌન મેં પસંદ કર્યું નથી,
મૌન મને પસંદ કરી લે છે.
હોઠ બંધ રહે છે,
કારણ કે ક્યારેક સત્યને
અવાજ આપવો પણ મુશ્કેલ બની જાય છે.
લખવા બેસું ત્યારે જ
શબ્દો હાથમાં આવે છે,
પણ અર્થ
આંખોમાં ક્યાંક અટવાઈ જાય છે.
કાગળ બધું ઝીલી લે છે,
પણ હું
મારો જ ભાર
ક્યાં ઉતારું એ નથી જાણતી.
અને ક્યારેક…
ન લખાયેલું જ
લખાયેલા કરતાં
વધુ સાચું હોય છે—
કારણ કે તે શબ્દોમાં નહીં,
હૃદયના કોઈ ઊંડા ખૂણામાં
શાંતિથી જીવે છે.”