“સ્મૃતિસંપદા” ~ ડાયસ્પોરા સર્જકોના જીવનકવનની સંકલિત કહાનીઓ (૧૪) ~ લેખકઃ જગદીશ પટેલ ~ સંપાદકઃ રેખા સિંઘલ


જગદીશ પટેલનો જન્મ નડિયાદમાં ૧૯૪૫ની સાલમાં થયો હતો. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં એંજીન્યરિંગનો અભ્યાસ કરી ૧૯૬૯માં વધુ અભ્યાસ અર્થે અમેરિકા આવ્યા. લાસ વેગાસમાં એન્જિનીયરીંગ તરીકે થોડો વખત કામ કર્યા પછી સ્ટોરના ધંધામાં ઝંપલાવ્યું. ગાંધી વિચાર શૈલી અને સમાજ કલ્યાણની ભાવના સાથે અમેરિકામાં તેઓ પાંગર્યા તેનો તેમને સંતોષ છે. સ્થળાંતરવાસીઓને તેઓ ભાગ્યશાળી માને છે. પૂર્વ અને પશ્ચિમી સંસ્કૃતિનો સુમેળ કરવામાં તેઓ સફળ રહ્યા છે. પોતાની જાતને અમેરીકામાં વસતા એક સાધારણ ગુજરાતી તરીકે ઓળખાવતા જગદીશભાઈ હાલ લાસ-વેગાસમાં નિવૃત જીવન ગાળે છે. પ્રમાણિકતા અને નિખાલસતા સાથે તેઓ જીવનનો આનંદ સ્નેહી-મિત્રો સાથે વહેંચતા રહે છે અને ગુજરાતી વાંચન અને લેખન થકી સાહિત્ય સાથે પણ તેઓ સંકળાયેલ રહ્યા છે. ગોલ્ફ રમવાનો અને પ્રવાસનો તેમને ઘણો શોખ છે. ઊંચી આતિથ્ય ભાવનાને કારણે એમનું મિત્રવર્તૂળ વિશાળ છે જેમાં સાહિત્ય રસિકોનો સમાવેશ પણ થાય છે. Email:
[email protected]

 જીવનનાં ઝરણાં ~ લેખકઃ જગદીશ પટેલ

મારી જીવનયાત્રા લખવાનું શરૂ કરું છું ત્યારે મને મુંઝવણ થઈ છે કે મારી જિંદગી માટે કોઈપણ વ્યક્તિને શા માટે કુતુહુલ થાય કે તેમાં રસ હોય? મારા જીવનમાં ઉપદેશ કે સિદ્ધિ નથી, કે નથી અસાધારણ અનુભવો. મારાં સગાવહાલાં કે મિત્રો સિવાય મને કોઈ ઓળખતું નથી, હું જીવન સંગ્રામ લડ્યો નથી, શિખરો સર કરવાનો પ્રયત્ન પણ ના કર્યો, ઈનામ નથી મળ્યાં. આયુષ્ય વીત્યું છે સરળ વહેતાં ઝરણાં માફક, નહીં કે પુરથી ધસતી નદી. મારી પાસે સાહિત્યિક શૈલી લખાય તેવી આવડતનો અભાવ છે.

ઘણાં કારણો છે ન લખવા માટે, પણ તેવી નકારસૂચક બાબતો મને ક્યારેય રોકી શકી નથી. હું સાચે જ માનુ છું કે ગુજરાતથી અમેરિકા આવેલા મારા સમવયસ્ક સામાન્ય વ્યક્તિઓનો હું એક ચહેરો, એક દર્પણ છું. મારી જીવનયાત્રાને ગુજરાતી-અમેરિકન બંધુઓના સ્વાનુભવોનું દૃષ્ટાન્ત પણ કહી શકાય. કહેવાય છે કે, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. તે પ્રમાણે, પચાસ વર્ષોના પરદેશમાં વસવાટ પછી પણ, હું સ્વયંને અમેરિકન ગણું છું છતાં, મારાં સંસ્મરણો ગુજરાતનું પ્રતિક છે. તેમાં અગણિત ગુજરાતીઓને પોતાના અનુભવોની ઝાંખી થઈ શકે. ખેર, બીજું કશું નહીં તો મારી આત્મકથાને નિરાદ ચોધરીના પુસ્તકની માફક “ઔટોબાયોગ્રાફી ઓફ એન અનનોન ગુજરાતી” કહી શકાય.

ભૂતકાળમાં પગલું ભરું તે પહેલાં આ ઘડીએ વિચાર આવે છે કે જિંદગી કયા સમયે ચાલુ થઈ કહેવાય. જન્મસમય તો પૃથ્વી પર આગમનનો છે, પરંતુ આપણે કેવા માણસ તરીકે જીવન જીવીએ છીએ તેમાં આપણા પૂર્વજોનો મહત્ત્વનો અને કિમતી ફાળો હોય. સંસ્કાર, સંસ્કૃતિ, ડીએનએ વગેરે વ્યક્તિનું નિર્માણ કરે છે, તેમની સતત ઉપસ્થિતિ જન્મથી મૃત્યુ વચ્ચેના ગાળામાં આપણને માર્ગદર્શન આપે છે. આ સમયે મારી ઉંમર વધી છે અને મૃત્યુ નજદીક આવતું હોય તેમ લાગે છે ત્યારે, પૂર્વજો વિશે જે માહિતી છે  તે યાદ કરી મને ખૂબ હર્ષ થાય છે.

અમારું મુળ વતન ચરોતરનુ ધર્મજ ગામ છે. ત્યાં મારા દાદા શિવાભાઈ પટેલ માધ્યમિક શાળાના પ્રિન્સિપાલ હતા. તેઓ પ્રખ્યાત કવિ મણિશંકર રત્નજી ભટ્ટ (કાંત)ના વિદ્યાર્થી, અને પછી સાથી થયા હતા. મુંબઈ, ૧૯૧૫માં કાન્ત, દાદા અને બીજા દસેક બૌદ્ધિક પુરુષોએ ભેગા થઈ “હિંદી સ્વીડનબૉર્ગ સોસાયટી”ની સ્થાપના કરી. ખ્રિસ્તી ધર્મના પાદરીની આધ્યાત્મિકતાથી પ્રેરાઈને તેમણે ચર્ચ નહીં પરંતુ એક સંસ્થા ચાલુ કરી જેથી સ્વીડનબોર્ગના વિચારોનો હિંદમાં ફેલાવો થાય. તે કામ સહેલું ન હતું, પરંતુ અભિલાષા અને આગ્રહથી ભરેલા માણસોનું મંડળ એકઠું થયું અને સોસાયટીની સ્થાપના કરી. દાદા તેના પહેલા સેક્રેટરી થયા. થોડા જ મહિનામાં મુંબઈના વિવિધ ધર્મ અને જાતિના પ્રજાજન તેના સભ્ય થયા. તે સંસ્થા બહુ ચાલી ન હોય તેમ હું માનું છું. છતાં મને તેના કાર્યકર્તાઓની હિંમત અને હોંશિયારી માટે માન છે. દાદાએ ‘જીવન પ્રબોધ’ નામની પુસ્તિકા લખી હતી તે વાંચીને મને નવાઈ લાગે છે કે તે સમયે ધાર્મિક અને આધ્યાત્મિક જ્ઞાનમાં તેમને કેવો રસ હતો, કેવી જિજ્ઞાસા હતી.

મારા માતાના પિતા, આજકાલ જેમને નાના કહેવાય છે, રાવજીભાઈ પટેલ ૧૯૧૦ની આસપાસ દક્ષિણ આફ્રિકા ગયા હતા. થોડા સમય પછી ત્યાં જે ધંધો કરતા હતા તે છોડ્યો અને ગાંધીજી સાથે ફિનિક્સ આશ્રમમાં જોડાઈ ત્યાંના ભારતીયોને જે તકલીફ પડતી હતી તે દૂર કરવાની ચળવળમાં ભાગ લીધો. વર્ષો પછી ભારતમાં આવી બાકીની જિંદગી સાબરમતી આશ્રમમાં અને સ્વતંત્રતાની લડતમાં ગુજારી. તે સમયમાં તેમણે ઘણા પુસ્તકો લખ્યાં. તેમાંથી એક “હિંદના સરદાર”નું નાનું રૂપાંતર કરી ગુજરાત સરકારે લાખો પુસ્તકો ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ ના ભૂમિપૂજનમાં નાગરિકોને મફત વહેચ્યાં હતાં.

રાવજીદાદાએ બે ભાગની આત્મકથા લખી તેમાં એક સુંદર, રસદાયક પ્રસંગનું વર્ણન છે. તે બન્ને દાદાઓના વ્યક્તિત્વની મનોહર ઝાંખી આપે છે.

મારા માતાપિતાના વિવાહ ૧૯૨૦માં નક્કી થયા ત્યારે રાવજીદાદાએ તેમના ભાવિ વેવાઈ શિવાદાદાને ૩૦૧ રૂપિયા આપવા ખિસ્સામાંથી કાઢ્યા હતા. તે પ્રસંગનો અહેવાલ આત્મકથામાં આ પ્રમાણે હતો : “શ્રી શિવાભાઈ જાણે ચમક્યા હોય તેમ બોલી ઊઠ્યા, ‘રૂપિયા, રૂપિયા શાના?”
“ન્યાતના રિવાજ પ્રમાણે સગાઈ થતાં ચાંલ્લો અપાય છે, તેથી સગાઈ નક્કી થઈ ગણાય.”

શ્રી શિવાભાઈતો હસ્યા. તે બહુ મર્મભેદી ભાષા બોલનાર હતા. મજાકી અને આનંદી પણ ખરા. ઉચ્ચ આદર્શપ્રિય જીવનની આવી ભાષા બહુ ગૂઢ અર્થવાળી હોય છે. તે મજાક કરતા બોલ્યા, “ન્યાતનો રિવાજ? ન્યાતનો રિવાજ સાટાનો હોય છે, ચાંલ્લાનો ક્યાં છે? ચાંલ્લો કંકુનો હોય, ચાંદીના ટુકડાનો કેમ? મેં તમને વાછરડો નથી વેચ્યો કે તમારી પાસે સાટાના રૂપિયા લઉં. નાતમાં એવો રિવાજ હશે પણ હું લબાડ માણસ નથી. હું ફરી જઈશ તેમ માનીને મને સાટુ આપીને બાંધો છો? મારું અને મગનભાઈનું વચન પૂરતું છે. હૃદયના વિશ્વાસનું પ્રતિક રૂપિયા ના હોય, એ તો એક બીજા પ્રત્યેની શ્રદ્ધા જ હોય.”

પછી શિવાભાઈ ગંભીરતાપૂર્વક બોલ્યા, “ઠીક થોભો, હું આવું છું.” તે ગયા અને બે જ મિનિટમાં પાછા આવ્યા અને કહ્યું, “લો, મારા પણ ત્રણસો એક. મને લાગે છે કે વરના બાપે પણ કાંઈ કરી છૂટવું જોઈએ. તમે કન્યાના બાપ થયા એટલે બાપડા, બિચારા? હું વરનો બાપ થયો એટલે ટેડુંજી નથી. જો તમે કન્યાને ઉછેરી સમાજના ગુનેગાર થયા છો તો હું પણ તેવો જ છું. આપણે બન્ને સરખા છીએ.”

અંતે વરકન્યાના નામે ૬૦૨ રૂપિયા એક સંસ્થામાં ભેટ આપ્યા.

રાવજીદાદાએ સ્વતંત્રતા પછી ફક્ત સમાજસેવા અને સુધારણામાં રસ લીધો. રાજકારણમાં સહેલાઈથી જઈ શક્યા હોત પણ તેમણે ના પાડી અને ભારત સમાજ સેવકના પ્રમુખ થયા. દેશભક્ત અને સમાજ સુધારક થઈ પાંચ દસકા સુધી સેવા કરી. અંતિમ વર્ષોમાં તેમણે માનવમૂત્ર પીવાના પ્રયોગો કર્યા હતા અને એક પ્રચલિત પુસ્તક લખ્યું હતું, જેના ઘણા ભાષાંતર પણ થયા છે. મોરારજી દેસાઈ દાદાને અંગત રીતે ઓળખતા હતા અને તેમણે પણ મૂત્ર પીવાના પ્રયોગો કર્યા. આજે અમે હસીએ છીએ કે આપણા કુટુંબે ભારતને મૂત્ર પીતા શીખ્વ્યું છે. બહુ જ અગત્યનો ફાળો છે!

મારા પિતાએ પણ જ્યારે ગાંધીજીએ વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરવાની ચળવળ ઉપાડી હતી ત્યારે લંડન જવાનું બંધ રાખ્યું હતું. પછી આખી જિંદગી ખાદીનાં કપડાં જ પહેર્યાં. આવા પૂર્વજોની ત્રીજી થી છઠી પેઢીઓ આજે અમેરિકામાં છે. અમે ઘણીવાર ભેગા મળીએ ત્યારે વાત કરીએ છીએ કે આપણા બાપદાદા જેવા હતા તેમાંથી આપણામાં કશું રહ્યું નથી. સાપ ગયા અને લિસોટા રહ્યા. પરંતુ હકીકત એ છે કે ભલે અમે દેશભક્ત કે સમાજ સુધારક નથી થયા, પૂર્વજના વિચારો, તેમની જિંદગીના દાખલા, રહેણીકરણી વગેરેની અમારી જિંદગીમાં ખૂબ અસર છે. અમારું વર્તમાનના કુટુંબને વારસામાં જે મળ્યું છે તે માટે તેમનું ખૂબ આભારી છે.
****************
પહેલા વિશ્વયુદ્ધ પછી અમારા બાપુજી મુંબઈથી નડિયાદ આવ્યા અને ધંધો ચાલુ કર્યો. ત્યાં પાંચ દિકરી પછી, ૧૯૪૫માં મારો જન્મ થયો. ઘણી રાહ જોયા બાદ, પાંચ પાંચ દિકરીઓ પાછળ, જે દિકરાનો જન્મ થાય તે રાજકુંવર જેવો લાડકો હોય. કુટુંબના બધાં સભ્યો મને ખૂબ સાચવતાં. પહેલાં પાંચ વર્ષ સુધી જૂની અંધશ્રદ્ધાને લઈને મારા માતાએ મને ભિખારી બનાવ્યો હતો. તેથી કોઈના આપેલાં કપડાં જ પહેરવાનાં. ખરેખર તો મારાં કપડાં ભીખ માંગીને નહીં, પરંતુ સગાવહાલાંની ભેટથી મળતાં. મારું નામ પણ પહેલાં ગોપાલ, તે છઠા વર્ષે જગદીશ બન્યું. પાંચ વર્ષ  કામચલાઉ નામ આપવાનું કારણ એમજ કે તે જમાનામાં ઘણાં બાળકો વહેલાં ગુજરી જતાં. તેથી કાયમી નામ મોડું મળ્યું. આજે ૭૬ની ઉમરે કુટુંબીજનો મને ગોપાલથી જ બોલાવે છે.

નડિયાદમાં બાપુજીની સ્પોર્ટના સામાનની દુકાન હતી. તે સમયે નિશાળો, કૉલેજો, વ્યાયામશાળા કે પોળમાં રમાતી રમતોનો સામાન અમારે ત્યાં વેચાતો. હું આઠ-દસ વર્ષનો હતો ત્યારે નબળો અને બીકણ હતો તેથી ક્રિકેટ સારું રમી શકતો ન હતો. પોળના બાળકોની એક ટીમ હતી, તેને અમે પાટી કહેતા. બોલ-બેટ દુકાનમાંથી મને મફતમાં મળતાં તેથી હું ટીમને ભેટ આપતો. તે કારણે ટીમમાં મને કાયમ, યોગ્યતા ન હોવા છતાં, સ્થાન મળતું.

નડિયાદમાં નાત કે વ્યયસાય પ્રમાણે બધી પોળો હતી. જેમકે કંસારવાડ, મોદીસાંથ, શેઠપોળ, વગેરે. અમે મૂળ ધર્મજના અને અમારી અટક પટેલ, પણ દેસાઈવગોમાં બધા દેસાઈઓ વચ્ચે વસવાટ કરેલો. સામાન્ય રીતે નડિયાદના યુવાનો બહુ તોફાની હોય છે, તેવી માન્યતા ત્યારે પ્રચલિત હતી. જેથી મારા બાને ચિંતા થતી કે હું ખરાબ સોબતમાં આવીને બગડી જઈશ. સાચી વાત તો એ હતી કે હું ડરપોક હતો, તેથી બાનો અજંપો અસ્થાને હતો. આજે છ દસકા પછી પણ મને નઠારા સપના આવે છે. જેમ કે હું પતંગ ચઢાવવા છાપરા પર ચઢ્યો છું અને નીચે ઉતરાતું નથી, અથવા કૂતરો મારી પાછળ દોડે છે અને હું પડી જાઉં છું, અને મારું માથું પથ્થર પર અથડાય છે. મહા મહિનામાં નડિયાદના પ્રખ્યાત સંતરામ મંદિરમાં મોટો મેળો થાય તેમાં અમે ચાનો સ્ટોર કરતા અને ટીમ માટે પૈસા બનાવતા. કોઈ વાર સારી ફિલ્મ આવી હોય તો વહેલા વહેલા લાઇનમાં ઊભા રહી ટિકિટો લઈ કાળાબજારમાં વેચતા પણ હતા. ધૂળેટીના દિવસે રસ્તા પર આવતા-જતા લોકોને રંગનો ડર આપી પૈસા ભેગા કરવાનું દર વર્ષે થતું. પછી તે દિવસે ખેતરમાં જઈ માટલાનું ઉંધિયું અને ફરસાણ ખાવાની મજા ઘણી વાર યાદ આવે છે, તેની તીવ્ર ઇચ્છા આજે પણ થાય છે. પોળમાં અમે આધુનિક અને સુધરેલા કુટુંબના હોવાથી અમારું માન હતું. તે સમયના મોટા ભાગના લોકોની જેમ અમે સુખી અને સંતોષી જીવન જીવતા.

પ્રાથમિક અને માધ્યમિક શાળાના અભ્યાસ પછી હું વડોદરા એમ. એસ. યુનિવર્સિટીમાં એન્જિનિયર થવા ગયો. ત્યાં ચાર વર્ષે સહેલાઈથી, સરળ ઝરણાના વહેણની માફક, પસાર થયાં. મારા વિદ્યાર્થી જીવનનો અંત આવ્યો.  પુખ્ત ઉંમરનું પહેલું પાનું પણ લખાયું ન હતું ત્યારે મને જીવનની વાસ્તવિકતાનો અનુભવ થયો. મારી કસોટી થઈ.

કૉલેજના પરિણામ અને સફળતા પછી હું અમદાવાદ મામાને ઘરે હતો ત્યારે સમાચાર આવ્યા કે મારા પિતા હૃદયરોગના હુમલાથી અચાનક મૃત્યુ પામ્યા છે. તે સમયે કુટુંબ રતલામમાં રહેતું હતું. અમે તરત ગાડીમાં નીકળી, લાંબી મુસાફરી કરી સીધા સ્મશાન પર ગયા. ત્યાં મેં મોટા દિકરા તરીકે તેમનો અગ્નિદાહ કર્યો. સ્મશાનમાં મને વિચાર આવવા લાગ્યા. મારી બે કુંવારી બહેનો અને ભાઈ હવે મારા પર નિર્ભર થવાના હતા. મોટાભાઈ તરીકે, પ્રણાલિકા પ્રમાણે, તેમની જવાબદારી મારી ગણાય. બાપુજી ખાધે પીધે સુખી, પણ બધી મિલકત એક પછી એક વેચી, દિકરીઓના લગ્ન પ્રસંગે  સમાજના રિવાજો નીભાવવા, તેમણે અખૂટ ખર્ચો કર્યો હતો. સમાજસુધારા માટે ઘણી પરંપરાનો બહિષ્કાર પણ કર્યો હતો. તેથી મરણના સમયે બાપુજી પાસે મકાન સિવાય બહુ એસેટ નહીં. મને થયું કે સમાજ હવે મારી સ્થિતિ માટે મને દયાપાત્ર ગણશે. મેં નક્કી કર્યું કે મારે જવાબદારી નિભાવવા જે કરવું પડે તે હું મક્કમ મને, ધ્યેય પર નજર રાખી, કોઈ કે કશાની ચિંતા વગર કરીશ. કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે તેમ મારાં ધર્મ અને ફરજ બજાવીશ, મારા કર્મથી.

૧૯૬૭ માં વડોદરાના મોટાભાગના સ્નાતક એન્જિનિયરો અમેરિકા જવા આતુર હતા. મેં પણ મુંબઈ જઈ અંગ્રેજીની પરીક્ષા પાસ કરી કૉલેજમાં એડમિશન માટે અરજીઓ કરી. પરંતુ મારો પ્રથમ વર્ગ ન હોવાથી તકલીફ પડી. તે સિવાય ખર્ચાનો પણ સવાલ. નસીબજોગે મામાએ ટિકીટની, અને મારા ફોઈનો દિકરો દિલીપ જે બે વર્ષ પહેલાં અમેરિકા ગયો હતો તેણે સ્પોન્સરશીપની વ્યવસ્થા કરી. તે સમય દરમ્યાન, એડમિશનની રાહ જોતાં, મેં અમદાવાદમાં એન્જિનિયરની નોકરી મેળવી.

તે પંદર મહિનાના ગાળામાં, અમેરિકા જવા આતુરતાથી વાટ જોઈ રહ્યો હતો ત્યારે, ચાલુ થઈ મારી પ્રેમકથા.
**************
હું નવોનવો ગ્રેજ્યુએટ એન્જિનિયર હતો, નોકરી મળતી નહોતી, અને પ્રયાસ ચાલુ હતો. કોઈ પ્રવૃત્તિ ન હોવાને કારણે મોટા ભાગનો સમય અમદાવાદ મામાના ઘરના વરંડામાં બેસી કોઈ ચોપડી વાંચવામાં કે રેડિયો સાંભળવામાં પસાર કરતો. અચાનક એક દિવસ સામે બંગલામાં નાનું કુટુંબ રહેવા આવ્યું. અમારી સાથે સામાન્ય પરિચય થયા પછી જાણવા મળ્યું કે તેમની  મોટી દિકરી હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી હતી. તેમના નવા મકાનમાં ફોન નહીં હોવાથી અમારા ટેલિફોનનો ઉપયોગ કરવા માટે તેઓ બધાં વારંવાર અમારે ત્યાં આવતાં. તે સમયે મારી પણ એક દુનિયા હતી; સાચી દુનિયાથી અલિપ્ત, જ્યાં દુનિયાદારીનું કોઈ જ્ઞાન નથી, સ્વાર્થ નથી, વ્યવહારનું ભાન નથી. છેલ્લાં ચાર વર્ષ આંકડા અને નકશાઓમાં કાઢયા હતાં. યુવાનીના તે દિવસોમાં કદી કોઈ યુવતી સાથે પરિચય કરવાનો કે, તે માટે પ્રયત્ન કરવાનો પણ, મોકો મળ્યો ન હતો. વિજાતીય આકર્ષણ તો ગુરુત્વાકર્ષણ અને ચુંબકત્વ જેવા કેટલાય ભૌતિક નિયમોમાં ખોવાઈ ગયું હતું. તેવા સમયે મીનાને (પ્રાયવસીને કારણે મીના નામ સાચું નથી) જોઈ અચાનક મારા હૃદયમાં રહેલી શાંતિમાં થોડી હલચલ મચી ગઈ.

શાંત પાણીમાં તરંગ ઉદભવે, મોજાં આવે, અને તોફાન મચી જાય, પરંતુ અંતે તે સમયના વહેણ સાથે મળી જાય છે. મીનાની બાબતમાં પણ એવું જ બન્યું. અસંખ્ય વાર તેના વરંડામાં ફરતી જોઈ અથવા અમારા ઘરે ફોન કરવા આવતી નિહાળી મારી દિનચર્યા આનંદમાં બદલાઈ ગઈ.

મીના સાથે વાત કરવાની ઈચ્છા હૃદયના કોઈ ખૂણે થતી હતી પરંતુ તે પ્રબળ ન હતી. મીનાની શી ઈચ્છા છે તે જાણતો ન હોવાથી તે મારું અપમાન કરે તેવી બીક. નિષ્ફળતાનો અનુભવ ન હોવાથી સ્વમાન હણાય તેવો મોટો ડર. પ્રયોગશાળામાં તો કેટલાય પ્રયોગો વારંવાર પ્રયત્ન કર્યા પછી સફળ થયા હતા પરંતુ જીવનની શાળામાં અખતરા કરવા જેટલી મારામાં હિંમત આવી નહોતી. સચોટ ભૂમિકાની ખાતરી થયા સિવાય આગળ પગલું ભરવું તે સાહસની શક્તિ મારામાં ઓછી હતી.

એક દિવસ મીના શાળાએ જવા નીકળી ત્યારે હું પણ લગભગ તૈયાર થઈ ગયો હતો. જલ્દી જલ્દી સાઈકલ પર તેની પાછળ ગયો. સાથે થઈ જાઉં પહેલાં હ્રદયની ધડકન વધી ગઈ. થોડો  પરસેવો થવા માંડ્યો, એક વાર તો પાછા જવાની મરજી પણ થઈ, પરંતુ આખરે વિજાતીય આકર્ષણનો વિજય થયો અને હું તેની પાસે પહોંચી ગયો.

મીના સાથેની એક મુલાકાત થોડાં દિવસો પછી નિત્યક્રમ થઈ ગઈ. રોજ અમે સાયકલ પર સાથે એકાદ માઇલ જતાં, કોઈ વાર રસ્તાની બાજુએ ઊભા રહી વાતો કરી આનંદ માણતાં. તેની ઉપસ્થિતિ મારા દિવસમાં થોડી જ મિનિટ હતી, પરંતુ મનમાં તે ચોવીસ કલાક છાયી રહેતી. અચાનક, જે સુખની કલ્પના પણ નહોતી કરી તે હું અનુભવવા લાગ્યો.

યુવાનનાં મન અને શરીરને વિજાતીય વ્યક્તિની ભૂખ હોય છે. જ્યારે જ્યારે તે ભૂખ થોડે ઘણે અંશે પણ સંતોષાવા માંડે ત્યારે દિવસ કે રાત, ઘરમાં કે બહાર, સૂતેલાં કે બેઠાં હોઇએ ત્યારે દરેક પળ જુદી જ તૃપ્તિ, આનંદ અને ઉત્સાહ અર્પે છે. હું પણ મીનાની સાથેના સંબંધને કારણે બદલાતો ગયો. કુદરતથી દૂર રહેતા એન્જિનિયરને ચાંદ અને તારામાં રસ પડવા લાગ્યો. મનમાં કાયમ મીનાના નામનું રટણ થવા લાગ્યું. ઑફિસેથી ઘરે પાછા ફરતાં રસ્તામાં સાયકલની સામે કોઈ નાનું છોકરું કે ઘરડાં ડોસા આવી જાય તો ગુસ્સે થવાને બદલે હવે તો બ્રેક મારીને હું હસી પડતો. રસ્તા પર લાલ લાઈટ આવે ત્યારે કંટાળો ન આવતો. મીનાના વિચારોમાં લીલી લાઈટ ક્યારે થઈ જતી હતી તે ખ્યાલ બહાર રહેતું. નહેરુબ્રિજ પરથી પસાર થતાં નદી પરથી આવતો ઠંડો પવન હવે શરીરને ગલગલિયાં કરતો અને નવરંગપુરાના એકાંત રસ્તા પર પણ ઘંટડી વગાડી કોઈ ગીત લલકારવાનું મન થઈ જતું.

ધીમે ધીમે અમારી હિંમત વધી, અને અમે બન્ને કુટુંબોની સમક્ષ વાતો કરતાં થયાં. એક વાર સાથે ફિલ્મ જોઈ, ગુજરાત કલબમાં ગરબા પણ માણ્યા. ક્રમશ: અમે માનસિક રીતે ખૂબ નજદિક આવી ગયાં.

મનુષ્ય ફક્ત પ્રેમથી જીવી શકે તેમ હોય તો દુનિયા જુદી જ હોય. આ જગત તો જરૂરિયાતોથી ભરેલું છે. પ્રેમ તેમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. પણ તે સિવાય અભ્યાસ, નોકરી-ધંધા, સામાજિક સંબંધોની અગત્ય ઓછી નથી. મારે જીવનમાં પ્રગતિ કરી આગળ વધવું હતું, તેથી નોકરી સાથે સાથે બહારનાં કોઈ કામ મળે તો તે કરતો. થોડા સમયમાં વધુ અનુભવ મેળવી સ્વતંત્ર થવાની મારી ઈચ્છા હતી. આગળ અભ્યાસ માટે અમેરિકા જવા માટે મારો પ્રયત્ન ચાલુ જ હતો. હું મેટ્રિકમાં આવ્યો ત્યારથી પરદેશ જવાની મારી ઈચ્છા હતી. અભ્યાસમાં હું સામાન્ય વિદ્યાર્થી કરતાં હોશિયાર હતો, પરંતુ અસામાન્ય બુદ્ધિશાળી ન હતો. પરદેશ જવાની તક મળે તો જતી કરવી ન હતી. હું અમેરિકા જવા આતુર હતો.

સદભાગ્યે ટૂંક સમયમાં મિત્રોની મદદથી મને તેઓ ભણતા હતા તે યુનિવર્સિટીમાં એડમિશન મળી ગયું. મારા આનંદનો પાર ન રહ્યો. વર્ષોથી સાચવીને ઉછેરી મોટા કરેલ મારા ઈચ્છારૂપી વૃક્ષ પર ફળ આવવાનાં ચાલુ થયાં હતાં. આંબા પર બેઠેલો મોર જોઈને તેના ખેડુતને આનંદ થાય તેવી ભાવના મને અમેરિકાથી આવેલા એડમિશન-લેટર જોઈને થઈ.

મને મીના અને કુટુંબીજનો થી દૂર થવાનો નો ઘણો અફસોસ હતો, પરંતુ અમેરિકા જવું જરૂરી હતું. તેથી જાન્યુઆરીમાં પહેલું ક્વાર્ટર ચાલુ થાય તે પહેલાં ઓહાયોની યંગસ્ટાઉન સ્ટેટ યુનિવર્સિટી જવાની જલદી તૈયારી કરી. જુદાઈથી ચિંતિત, પણ ઉત્સાહથી છલકતા હૃદયે ૧૯૬૮ ના છેલ્લા દિવસે ન્યૂયોર્કમાં મેં ‘વેલકમ ટુ ધ યુનાઇટેડ સ્ટેટસ ઑફ અમેરિકા’ ની મોટી સાઈનના દર્શન કર્યા, તેમ કહેવું અજુગતું નથી લાગતું.

એરપોર્ટ પર ઉતર્યો તે જ સમયથી નવા અનુભવની શરૂઆત થઈ ગઈ. મારો મિત્ર લેવા આવ્યો ન હતો. એક મણની બેગ હાથમાં લઈને ટેલિફોનની બાજુ હું ચાલીને જઈ રહ્યો હતો ત્યારે અચાનક જ મારી બેગનું હેન્ડલ, વધુ વજનને કારણે, તૂટી ગયું. હેન્ડલ મારા હાથમાં રહ્યું અને બેગ નીચે પડી ગઈ. આમેય કોઈ ન આવવાથી ગભરાટ તો હતો જ અને બેગ તૂટી જતાં જરા વધુ બેચેની લાગી. હેન્ડલ કોટના ખિસ્સામાં મૂકી દીધું, ચાલીસ શેર વજનની બેગ બગલમાં લીધી અને બીજી એરબેગ ખભા પર નાખી હું ટેલિફોન કરવા ગયો. બુથ પાસે જઈ સામાન મૂકી ડાયરી ખોલી ફોન નંબર ખોળ્યો. મારી પાસે થોડું પરચૂરણ હતું તેમાંથી એક સિક્કો નાખી ફોન જોડ્યો. ટેલિફોન શહેરથી દૂર કરવાનો હોવાથી ઑપરેટરે બીજા પૈસા નાખવા કહ્યું. નવા નવા સિક્કા ઓળખાતા ન હતા તેથી ખબર ન પડી કે કોની કેટલી કિંમત છે. પૈસા નક્કી કરીને નાખું તે પહેલાં લાઈન કપાઈ ગઈ. ફરી વાર ફોન કરવાની મારી હિંમત ન ચાલી તેથી એક અમેરિકન (તે સમયે બધા ધોળા માણસો અમેરિકન લાગતા) ભાઈને પૈસા આપી, નંબર બતાવી ફોન જોડી આપવા વિનંતી કરી.

નસીબજોગે મારો મિત્ર ઘરે જ હતો અને તરત નીકળી એરપોર્ટ પર અમુક જગ્યાએ મને મળશે તેમ કહ્યું તેથી એક ખૂણાની ખુરસી પર બેસી હું તેની રાહ જોવા લાગ્યો. તેને હોબોકોનથી આવવામાં મોડું થયું એટલે મને ગભરામણ થવા માંડી. મારી પાસે બીજા કોઈ મિત્રનું સરનામું ન હતું અને ખિસ્સામાં આઠ જ ડોલર હતા. ખેર, તે સમય મેં નવા નવા લોકોના નિરીક્ષણ કરવામાં કાઢ્યો. સુખી દેખાતા સ્વસ્થ અમેરિકન પુરુષો, લાંબી સપ્રમાણ અને દેખાવડી અમેરિકન યુવતીઓ જોઈ મને આનંદ થયો, સાથેસાથે ઘરડી વૃદ્ધાઓના મેક-અપના લપેડા જોઈ આશ્ચર્ય થયું.

યંગસ્ટાઉન પહોંચી મારા મિત્રો સાથે જ મોટા ઘરમાં રહેવાનું મળ્યું. થોડા સમયમાં જ હું, સહેલાઈથી, અભ્યાસમાં તન-મનથી પરોવાઈ ગયો. શિયાળો ચાલુ થઈ હતો તેથી ઠંડીનું પ્રમાણ સારું એવું હતું. ઘર અને કૉલેજ વગેરે બધાં જ સ્થાન હીટરથી ગરમ રહેતાં હોવાથી બહાર રસ્તા પર જઈએ ત્યારે જ ઠંડી લાગે. જ્યારે થોડા દિવસ પછી પહેલી જ વાર બરફ પડતો જોયો તે સમયે મને ઘણી જ મઝા આવી. સફેદ રૂના નાના ટુકડા જેવો સ્નો આકાશમાંથી પડે ત્યારે બધું જ વાતાવરણ સુંદર લાગે. થોડી વારમાં રસ્તા અને છાપરાં પર સ્નો ભેગો થઈ જાય પછી જો સૂર્ય નીકળે તો ગમે તેવી ઠંડીમાં પણ ઘર બહાર દોડી જવાની ઈચ્છા મને થઈ જતી. મારી રૂમની બારીમાંથી, સવારે ઊઠીને કોઈ કોઈવાર હું રાત્રે પડેલા બરફની તરફ જોઈ જ રહેતો. કોઈ ચાલ્યું ન હોય તેવા રસ્તા પર બરફના થર જોઈને મને કોઈ સુંદર અમેરિકન છોકરીના સફેદ મુલાયમ શરીરની કલ્પના આવતી. જાડાં જાડાં જાકીટ અને માથે ટોપી પહેરી સ્કૂલ જતાં નાનાં બાળકો જોઈ મને બાળપણ યાદ આવતું. દૂર રસ્તા પર નજર ન પહોંચે અને હું વિચારોના વમળમાં ફસાઈ જાઉં ત્યારે મને વરંડામાં ફરતી, વાંચવાના બહાને બેઠેલી અને માથે હાથ ફેરવતી મીના દેખાતી હતી. અચાનક પાછો ભાનમાં આવી જતાં હું એકલો એકલો હસી લેતો.

યંગસ્ટાઉનમાં અનુસ્નાતક અભ્યાસ સહેલો હતો. તે સમયે પણ લગભગ સો ભારતીય વિદ્યાર્થી ત્યાં ભણતા. તેમાંથી ૯૦ જેટલા કદાચ ગુજરાતી હશે. ભાગ્યે જ કોઈ નોકરી કરતું હતું. ખરેખર તો ટ્યુશન ફી અને રહેણીકરણીનો ખર્ચો ખૂબ ઓછો હતો. ચાર હાઉસમેટ્સ વચ્ચે અમે બસો ડોલરમાં એક કાર પણ ખરીદી. થોડા સમય બાદ અમને ખબર પડી કે અમારી કોરવેર અમેરિકાની સૌથી જોખમભરેલી ગાડી ગણાતી. પરંતુ ગાડી હોવાની ખુશીમાં અને યુવાનીની બેદરકારીને લઈ અમને કશી ચિંતા ન થઈ. અમે જાતે જ ખાવાનું બનાવતા હતા અને તે સમયે ઈન્ડિયન ગ્રોસરી મળવાનો તો સવાલ જ ન હતો. એ એન્ડ પી નામના સુપરમાર્કેટમાં જે મળે તેથી ચલાવી લેતા. ધીમે ધીમે અમે માંસ ખાવાનું, બીયર અને વ્હિસ્કી પીવાનું પણ શીખ્યા. જોત જોતામાં ઉનાળાની રજા આવી ગઈ. તે પૈસા કમાવા અને બચાવવાનો મોકો હતો તેથી હું શિકાગો સમર જોબ કરવા ગયો.

શિકાગોમાં વ્હાઇટકોલર નોકરી મળે તે શક્ય ન હોવાથી નાના કારખાનામાં કામ ચાલુ કર્યું. નોકરીની શરૂઆત તો સરળ લાગી પરંતુ મુશ્કેલીનો અંદાજ અનુભવ વગર ન આવે. બે-ત્રણ દિવસ તો ઉત્સાહમાં પસાર થઈ ગયા પરંતુ પછી તકલીફ પડવા લાગી. કાયમ મજૂરીના કામમાં મગજ બિનઉપયોગી થઈ ગયું. કામમાં બુદ્ધિનો ઉપયોગ ન કરવાનો હોય તો આખી દુનિયાના વિચાર જ આવ્યા કરે તેથી મગજ થાકી જતું હોય તેમ લાગતું. ઘણી વાર ઝોકાં આવતાં હોય તો મેં ગાયન ગાવાનું ચાલુ કર્યું.

કામ કરતાં કરતાં ગાયન ગાવાથી મન આનંદિત થતું અને સાચી દુનિયા ભૂલી જતું. થોડા સમયમાં વિચાર પણ ખૂટવા લાગ્યા, મારા જેવાને તો વળી કોઈના અને કેટલા વિચાર કરવાના હોય. હા, મીનાને યાદ કરી થોડો સમય પસાર કરી શકાય પરંતુ તેની સાથેના સંબંધમાં ભવિષ્યના વિચાર ન કરવાના મારા નિયમને કારણે તે ક્ષેત્ર મર્યાદિત હતું. થાકેલા મગજ સાથે ઘેર જઈને ખાવાનું બનાવવાનું કેટલું અઘરું છે તે તો જેને અનુભવ થયો હોય તે જ સમજી શકે છે. અઠવાડિયામાં તો ખાતરી થઈ ગઈ કે જે કામ હાથમાં લીધું છે તે સહેલું નથી.

હું મજૂરીનું કામ કરતો હતો છતાં મેં પણ બીજા ભારતીયોની માફક ઘેર જણાવ્યું ન હતું. મેં પત્ર લખ્યો હતો કે હું શિકાગોમાં એક એન્જિનિયરિંગ કંપનીમાં જોડાઈ ગયો છું. મજૂરીનું કામ કરવામાં મને શરમ ન હતી, પરંતુ તે વાત જાણી બધાં ખોટી ચિંતા કરે તે કારણે સાચી હકીકત જણાવવી યોગ્ય ન માન્યું.

નોકરીમાં થોડા દિવસ થયા હતા અને એક દિવસ સાંજે મારા ફોરમેને બોલાવી પૂછ્યું, “કાલે સવારે તારાથી એક કલાક વહેલું અવાશે?” મને તરત વિચાર આવ્યો કે ઑવરટાઈમ આપવાની વાત છે, મેં કહ્યું, “હા, આવી શકીશ.” તેણે મને એક બાઈ સાથે ભેટો કરાવી આપ્યો અને કહ્યું કે તે તને કાલે સવારે મળશે. બીજે દિવસે સવારે વહેલો ઊઠી ઉત્સાહથી હું નોકરી પર ગયો. પેલી બાઈ મળી, અને તેણે કહ્યું, “હું અહીંયા સવારે વહેલી આવી કામ કરું છું. બે દિવસ પછી બે અઠવાડિયાં માટે વેકેશન પર જવાની છું માટે મારું કામ તું સંભાળજે.”

તે મને કામ બતાવવા લાગી. સવારે ઑફિસ ખૂલે તે પહેલાં બધી રૂમો વેક્યુમ કલીનરથી સાફ કરવાનું, કચરાની ટોપલીઓ ખાલી કરવાની તથા એશ ટ્રે ખાલી કરવાની વગેરે કામ હું તેની સાથે કરવા લાગ્યો. પછી તે મને બાથરૂમમાં લઈ ગઈ, અને કહ્યું કે રોજ અહીંયાના ટૉયલેટ પેપર્સ ભરવાના અને સંડાસ સાફ કરવાનું. મને તો બાથરૂમ અને સંડાસનું કામ જોઈને જ ના ગમ્યુ. અમેરિકામાં સંડાસ સાફ કરવામાં કશી ગંદકી હોતી નથી પરંતુ મારું માનસ તે કામ સહી શકે તેમ ન હતું. એક સામાન્ય યુવાનની માફક મન સમાજ અને તેના વાતાવરણથી દૂષિત થયેલું હતું. પૂર્વજો આ પ્રકારનું કામ કરનાર વ્યક્તિને સ્પર્શ પણ નહોતા કરતા તો હું તેવી નોકરી કેમ કરું? પહેલેથી જ મજૂરીની નોકરી કરવામાં કંટાળો આવતો અને આવું કામ આવતાં તો મને મારા નસીબ પર ખૂબ જ ગુસ્સો આવ્યો. બપોરે ખાવાના સમય સુધીમાં મેં નક્કી કર્યું કે ભલે બીજી નોકરી ખોળતાં બેત્રણ દિવસ બગડે પણ આ નોકરી છોડી દેવી છે. કોઈને કહ્યા વગર હું લંચ સમયે એપાર્ટમેંટ પર જઈ સૂઈ ગયો.

શિકાગોમાં બે મહિના કામ કરી એક હજાર ડૉલર બચાવી ખુશખુશાલ હ્રદયે હું યંગસ્ટાઉન આવ્યો. પાછા આવી બે ક્વાર્ટસના અંતે માર્ચ ૧૯૭૦ માં માસ્ટર્સ ડિગ્રી મેળવી ગ્રેજ્યુએટ થયો.

તે સમયે અમેરિકાની આર્થિક સ્થિતિ બગડવાની ચાલુ થઈ હતી. કૉલેજમાંથી બહાર આવેલા યુવાન-યુવતીઓને નોકરી મળતી ન હતી. તેથી મારા એક મિત્ર અને મેં નક્કી કર્યું કે ન્યુયોર્કમાં એન્જિનિયરીંગ કંપની મોટી સંખ્યામાં છે તેથી તકો વધારે છે, તો ત્યાં જવું.

જગતની રાજધાની ન્યુયોર્ક, ગગનચુંબી મકાનો, પહોળા રસ્તા, વિશાળ ડિપાર્ટમેન્ટ સ્ટોર્સ, ઐતિહાસિક બ્રૉડવે થિયેટર્સ, વૈભવશાળી હોટલો અને યુનાઇટેડ નેશન્સ, તે બધું જ તથા દેશ-વિદેશના મૂર્ખ અને હોંશિયાર, ગરીબ અને ધનિક, ફેશનેબલ અને ચીંથરેહાલ, પ્રમાણિક અને લુચ્ચા, કાળા અને ગોરા, નૈતિક મૂલ્યોને સાચવી રાખનાર ધર્મિષ્ઠ અને રોજ રાત્રે જુદી જુદી વ્યક્તિઓને શરીર સોંપનારી સામાન્ય યુવતીઓ તથા વેશ્યાઓ, ન્યુયોર્કને અમેરિકાનું “ફન સિટી” બનાવે છે.

પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી વખતે યાદ રાખેલાં સ્થળો, જેમ કે સ્વતંત્રતાની દેવીનું પૂતળું, એમ્પાયર સ્ટેટ બિલિડંગ વગેરે જોવા વર્ષોથી ઇચ્છા મનમાં સંઘરી રાખી હતી. મને કદી મોટા શહેરમાં રહેવા ઈચ્છા થઈ નહોતી, પરંતુ થોડા સમય માટે તે વાતાવરણનો આનંદ માણી શકાય તેમ હું માનતો હતો. મનમાં આશા હતી કે ત્યાં નોકરી મળશે, અને તેનો સ્વીકાર કર્યા સિવાય છૂટકો ન હતો. બસમાં સૂતાં, જાગતાં, બગાસાં ખાઈને, બાજુવાળો કાયમ સિગારેટ પીવે તો કંટાળીને, જાગીને તરત ખૂણામાં બેઠેલી સુંદર યુવતી તરફ જોઈને, બાર કલાક પસાર કર્યા પછી ન્યુયોર્ક આવવાનું હોય તેવાં ચિહ્નો દેખાયાં. વસંત ઋતુની શરૂઆત હતી, ઠંડી ઓછી થઈ ગઈ હતી અને ચોખ્ખા આકાશ નીચે, આછા પ્રકાશમાં, દૂર દૂર ઊંચા મકાનો દેખાતાં હતાં. મેનહટનમાં પ્રવેશ કરવા ટનલમાંથી પસાર થઈ અમારી બસ પોર્ટઓથોરીટીના મકાનમાં ગોળ ગોળ ફરી ચોથા માળે ઊભી રહી ત્યારે જ મને ન્યુયોર્કનો આભાસ થઈ ગયો હતો.

ન્યુયોર્ક આવ્યા પછી મને એક જ સપ્તાહમાં ‘સિટી ઑફ ન્યુયોર્ક (મ્યુનિસિપાલટી)માં નોકરી મળી ગઈ. સરકારી જોબ કરવાનું બહું ગમ્યું નહીં પણ બીજો કોઈ વિકલ્પ નથી માનીને મન મનાવ્યું. તે સમયે ગ્રીનકાર્ડ છે કે નહીં તેવા સવાલ પૂછાતા ન હતા. વિએટનામ જવું પડે તે ડર ને લઈ અમે કોઈએ ગ્રીનકાર્ડ માટે અરજી નહીં કરેલી. અમેરિકામાં કેટલો સમય રહેવું છે તેવો વિચાર પણ નહોતો આવ્યો. જિંદગી એક એક દિવસથી આગળ વધતી હતી.

મારું કામ શહેરની લગભગ એક હજાર સ્કૂલના મકાનોમાં એન્જિનિયરની જરૂર પડે તે ડિવિઝનમાં હતું. કામ સહેલું, ઑફિસના બીજા કર્મચારીઓ, સાહેબો વગેરે પ્રોફેશનલ, પગાર સારો, તે બધા કારણોને લઈ મને નોકરી ગમતી હતી. રોજ કામમાં કાયમ વ્યસ્ત ન રહેવાથી નિરસતા પણ લાગે.

સવારે હું ઑફિસ પહોંચું ત્યારે વ્યક્તિઓનાં ત્રણ-ચાર જૂથ પડી ગયાં હોય અને કોઈ ચાલુ વિષય પર વાત ચાલે. ચંદ્રની યાત્રા, ભાવવધારો, ફૂટબૉલની મેચ, પ્રેસિડેન્ટની ચૂંટણી વગેરે વિષયો ચર્ચાતા હોય. હું પેપર વાંચતો જાઉં અને રસ પડે તો ચર્ચામાં ભાગ લેતો. કામના સમયમાં પણ વચ્ચે વચ્ચે અમે વાતો કરતા રહેતા. મોટી ઉમરનો યહૂદી રોબર્ટ, તેની પત્ની, પુત્ર, પુત્રીની વાતો કરતાં થાકતો નહીં તે કારણે ધીરે ધીરે મને તેનો લગભગ આખો ભૂતકાળ ખબર પડી ગયો. ઓગણીસો ત્રીસની મંદીમાં લોકોની હાડમારી, બીજા વિશ્વયુદ્ધ વખતે યુરોપમાં યહુદીઓની યાતના, રોબર્ટની પુત્રી ટ્રક નીચે અકસ્માતમાં મરી ગઈ ત્યારની તેની પરિસ્થિતિ, ભરજુવાનીમાં પુત્રને માનસિક રોગ થતાં લાગેલો આઘાત, વગેરે બનાવો સાંભળીને મને કમકમાટી આવી જતી.

સુખી દેખાતા દુનિયાના લોકો અંદરખાનેથી કેવાં દુ:ખ સહન કરી રહ્યા છે તેનો ખ્યાલ, બધા પ્રૌઢ ઉંમરના કર્મચારીઓ સાથે વાતો કરવાથી આવી રહ્યો હતો. મન પર છાપ ઊભી થવા માંડી કે ભૌતિક પ્રગતિની સાથે સુખ-સગવડતામાં વધારો કર્યા છતાં આપણે મનની શાંતિ માટે કશું કરી શક્યા નથી તેનો દાખલો દરેક અમેરિકન કે યુરોપિયન પૂરો પાડી શકે છે. અત્યારે મારી માન્યતા છે કે પુર્વને ભૌતિક સફળતા માટે બુદ્ધિવાદ અને વ્યવહારિકતા ની જરૂર છે અને પશ્ચિમને મનની શાંતિ મેળવવા આધ્યાત્મિકતા ની. બન્ને સંસ્કૃતિના શીખવાલાયક ગુણોથી વ્યક્તિગત અને સામુહિક સુખ અને શાંતિ પ્રાપ્ત કરી શકાય.

હું વડોદરાથી જાણતો હતો તેવા અમે ત્રણ મિત્રો સાથે ક્વિન્સમાં રહેતા હતા. બીજા પચીસ ત્રીસ ગુજરાતી ન્યુયોર્ક અને ન્યુ જર્સી, ખાસ કરીને હોબોકોનમાં વસતા. તેમનો પણ પરિચય થયો. વાતવાતમાં કોઈ સ્વપ્નશીલ ભાઈએ સૂચન કર્યું, આપણે ગુજરાતી સમાજ બનાવીએ તો કેમ? બધાને તે વિચાર ગમ્યો, ૧૯૭૧ માં બારેક યુવાનોની મિટિંગ અમારા એપાર્ટમેંટમાં ભરાઈ અને અમે અમેરિકાના સૌથી પહેલા ગુજરાતી સમાજની સ્થાપના કરી. આનંદની વાત છે કે આજે પચાસ વર્ષ પછી તે સમાજ સારી રીતે ચાલે છે.

ફકત પંદર મિનિટની સબવેની મુસાફરી, અને ક્વિન્સમાં જ અમારી ઓફિસ હતી. પૈસા તો બચતા જ હતા તેથી મેં બહારની જિંદગીમાં રસ લેવાનું અને તે અનુભવવાનું ચાલું કર્યું. સ્ટોક્ માર્કેટમાં ચાંચ ડૂબાડી, બેઝબોલની ગેમ જોવા પણ જતા થયા. મને નવું શીખવાની જિજ્ઞાસા ઘણી અને સાંજે અને વિકેન્ડમાં સમય ખૂબ રહેતો તેથી મેં વાયએમસીએમાં તરતા શીખવાના લેસન લીધા, એચ આર બ્લોકમાં ઈન્કમટેક્ષ વિશે શીખ્યો. પછી મને નવી નવી નીકળેલી કમ્પ્યુટર ડેટિંગ માટે કૂતુહલ થયું. હું મીનાને પ્રેમ કરતો હતો, ચોવીસે કલાક તેના વિચારો તો આવ્યા જ કરતા, પણ મેં વિચાર કર્યો કે બીજી કોઈ યુવતી સાથે જમવા જવા કે ફિલ્મ જોવાથી મારી મીના માટેની લાગણી ઓછી નથી થવાની. હું ફક્ત અનુભવની અભિલાષા રાખતો હતો, સેક્સ કે સંબંધની ઈચ્છા ન હતી.

મેં ડેટિંગ કંપનીમાં ફોન કરી અંગત વિગતોનું ફોર્મ ભર્યું. થોડા જ દિવસોમાં તેમણે પાંચ યુવતીઓના નામ અને ફોન નંબર મોકલી આપ્યા. તરત જ મેં એકને ફોન કર્યો અને બે દિવસ પછી, શનિવારે, બ્રોંક્સમાં એક સામાન્ય રીતે સુંદર તરુણ યુવતીને મળ્યો. અમે ચાઈનીઝ ડિનર લીધું અને ફિલ્મ જોઈ. તે સાંજના ત્રણેક કલાક અસ્વસ્થતા હોવા છતાં આનંદથી પસાર કર્યા. મને સંતોષ થયો કે મેં કશું નવું કર્યું છે. અઠવાડિયા પછી તેનો ફોન આવ્યો ફરી મળવા માટે. મેં સભ્યતાપૂર્વક ના પાડી.

એકાદ મહિના પછી નવરો બેઠો હતો ત્યારે બીજા નંબર પર ફોન કર્યો. થોડી વાત કરી મળવાનું નક્કી કર્યું ત્યારે મને ખબર પડી કે તે છોકરી બ્રૂકલીનમાં રહેતી હતી. પહેલો વિચાર મને આવ્યો કે તે એરિયા કેવો હશે. ૧૯૭૧ ત્યાં ની ઘણી વસાહતો ભયજનક હતી. મને બીક લાગી પણ જેમ ડેટીંગનો સમય નજદીક આવ્યો તેમ ડર ઓછો થયો.

નક્કી કરેલા સમયે પહોંચવા સબવેમાં બેસી હું જુલીના ઘરે જવા નીકળ્યો. એક પછી એક સ્ટેશન અને નામ વાંચી ખાતરી કરી, અને સાચું સ્ટેશન આવ્યું ત્યારે જ ઉતર્યો. અંધારિયા પ્લેટફોર્મ, અને દીવાલો ગ્રેફિટીના છબરડાથી ભરેલી. હું બહાર નીકળ્યો. સ્ટ્રીટ નંબર વાંચી દિશા પકડી, ચાર-પાંચ બ્લોક નો રસ્તો લીધો. મનમાં થોડો ગભરાટ અને ઉશ્કેરાટ હતો તે કારણે આજુબાજુ નજર કરીને, ખરાબ માણસ પાસે નથી આવતો તેવી સાવચેતી રાખી ચાલ્યો. સામે નાના બગીચાના બાંકડા પર બે ત્રણ નિગ્રો બેઠા હતા, એક ડોશી નજદીક આવતી હતી, અને બાજુમાં કોઈ છોકરો દોડી રહ્યો હતો. પાંચેક મિનીટ પછી જુલીના ઘરની સ્ટ્રીટ આવી ગઈ. જમણી બાજુ વળ્યો અને મકાનમાં નંબર જોઈ અંદર ગયો.

અચાનક મને વિચાર આવ્યો. અહિયાં રહેતી છોકરી કાળી જ હશે. જો તેમ હોય તો હું કેવી રીતે તેની સાથે વર્તન કરીશ કે મને મજા આવશે. ગભરાટમાં થોડો પરસેવો થયો હોય તેમ લાગ્યું. રૂમાલ બહાર કાઢી મોં લૂછ્યું અને શર્ટ સરખું કર્યું. અનિશ્ચિતતાથી ગભરાઇને બીજો કશો વિચાર કર્યા વગર મકાન ની બહાર નીકળી ગયો, અને ત્યાંથી ભાગ્યો. સબવેના સ્ટેશન પાસે આવી મેં જુલી ને ફોન કર્યો અને જુઠ્ઠું બોલ્યો; મારી તબિયત સારી નથી તેથી નહીં આવી શકું.

મને મારી કાયરતા માટે અફસોસ થયો. બાકીની સાંજ અને રાત પશ્ચાતાપ અને જાત પર ગુસ્સામાં પસાર કરી. દુનિયા બેસ્વાદ લાગી, જવાની ભારરૂપ લાગી.

એકાદ વર્ષની નોકરી પછી ભારતીય લોકોમાં વાત ચાલુ થઈ કે ડિગ્રી અને જોબ પરથી ગ્રીનકાર્ડ મળે છે તે બંધ થવાનું છે. ઘેટાના ટોળાની જેમ મેં અને બધા મિત્રોએ પણ તે માટે સમય વેડફયા વગર અરજી કરી. બે-એક વર્ષના રહેઠાણ પછી અમને અમેરિકા ગમી ગયું હતું. પરણેલા જવાનોને ભારતથી પત્નીને બોલાવવાની મરજી તો હતી જ. મને પણ ભારત જઈ મીનાને મળવાની ઈચ્છા હતી. તેની સાથે પત્રવ્યવહારને લઈ અમારી પરસ્પર ભાવના મક્કમ બની. મારી ટેવ મુજબ હું મીના સાથે ભવિષ્ય જીવનના ખ્યાલોમાં ખોવાયેલ ન રહેતો, સ્વપ્ન પણ ન આવતાં, પરંતુ અમારી લાગણી નવી ઊંચાઈએ જઈ ચૂકી હતી.

મીનાએ મને ઈચ્છા દર્શાવી હતી કે હું ભારત પાછો જાઉં અને અમે લગ્ન કરીએ. તેણે જણાવ્યું હતું કે જરૂર પડશે તો તે અમેરિકા આવી તેનો અભ્યાસ પૂરો કરશે. ક્રમશ: અમે નક્કી કર્યું કે મારે વહેલી તકે ઈન્ડિયા જવું, અને અમે તરત લગ્ન કરીશું.  ૧૯૭૧ ના ઑગષ્ટ મહિનામાં મને ગ્રીનકાર્ડ મળ્યું અને મને ભારત જઈ મીનાને મળવાની તાલાવેલી થવા માંડી. તેની સાથેના પ્રેમને લગ્નના રૂપે અનુભવાય તેવી તીવ્ર આશા હકીકતમાં બદલાય તે ચિત્ર નજર સમક્ષ ઊભું થવાનું ચાલુ થયું.

એક દિવસ મને વિચાર આવ્યો કે આજ સુધી અમે અમારા પ્રેમને, છીપમાં મોતી રહે તેમ દુનિયાથી છુપાવી મનમાં જ રાખ્યો હતો, તેને જાહેર કરવાનો સમય આવ્યો છે. તરત જ મેં મામાને પત્ર લખી મારા મીના સાથેના સંબંધની વાત લખી. મારા માનવા મુજબ તેમને સમાચાર જાણી ઘણો આનંદ થશે તે માન્યતા સાચી ઠરી. મામા મારો પત્ર વાંચી ખુશ થઈ, મીનાના મમ્મી પપ્પા ને મળ્યા અને અમારા સંબંધની વાત કરી. તેમણે કહ્યું કે ગોપાલ અમેરિકાથી થોડા દિવસોમાં આવશે, મીના સાથે લગ્ન કરવા.

મારા અને મીનાના બદનસીબે તેના માતા-પિતાને તે વાત ગમી નહીં. કદાચ તેમને થયું હશે કે મીના લગ્ન માટે બહુ નાની છે. શક્ય છે કે તેઓ વાણિયા અને અમે પટેલ તેનો પણ વાંધો હોય. છતાં અમે અમારા નિર્ણયમાં મક્કમ રહયાં અને યોજના પ્રમાણે હું ભારત જવા નીકળ્યો.

ચોવીસ કલાકની ફલાઈટ પછી મુંબઈ પહોંચ્યો અને ટેક્સી લઈ વિક્ટોરીયા ટર્મિનલ જાઈ ડ્રાઇવરને ભાડું ચૂકવવાની સાથે મોટી ટીપ આપી. તેણે મને લળી લળીને સલામ કરી. પરદેશની કમાણી પર હું ભારતમાં છૂટથી પૈસા વાપરી શકું તે કારણે પૈસાનો પ્રતાપ હવે દેખાવા લાગ્યો. પળેપળે બદલાતા વિશ્વમાં ભારત ત્રણ વર્ષમાં કેટલું બદલાયું છે તે જોવા પ્લેટફોર્મ પર ફરવા નીકળ્યો.

એક લાંબા ગાળા પછી હું મારા જેવા જ માણસોની વચ્ચે આવ્યો હોઉં તેવો અનુભવ થયો. સરસ કપડાં પહેરી કોઈને મૂકવા આવેલી સુંદર છોકરીમાં મને મીનાનો ચહેરો દેખાયો, સાંકડું પેન્ટ પહેરી ફરતા કોઈ યુવાનને જોઈ ભાણો યાદ આવ્યો. ઘણા બધાનો પહેરવેશ, ચાલવાની રીત, ચામડીનો ઘઉંવર્ણો તથા શ્યામ રંગ જોઈ આંખોને નવું નવું લાગતું હતું. તાજેતરમાં જ ભારત-પાકિસ્તાનનું યુદ્ધ પૂરું થયું હતું તેથી છાપાં અને મૅગેઝિન વાંચવાની ઈન્તેજારી હું રોકી ન શક્યો. સ્ટોર પર જઈ મેં બે છાપા અને એક મૅગેઝિન લીધું. સમય પસાર કરવાનો જ હતો તેથી ચા પીવાનો વિચાર કર્યો. એક કપ ગરમાગરમ ચા લીધી અને ઠંડી થાય તેની રાહ જોયા વગર રકાબીમાં જ પીવાનું ચાલુ કર્યું. જો હું અમેરિકા ના ગયો હોત અને શરમને ત્યાં ન મૂકી આવ્યો હોત તો કદી જાહેરમાં રકાબીથી ચા ન પીવત. જીવનના વિવિધ પાસાંઓને હવે હું જુદી જ દૃષ્ટિથી જોતો હતો. કોઈ જોશે, શું કહેશે, વિચારશે, તેવી ચિંતા કરવાનો પ્રશ્ન જ ન હતો. એકાદ રકાબી ચા મેં પરાણે પીધી. ઓછા દૂધ અને વધુ ખાંડવાળી ચા બેસ્વાદ લાગી.

ગાડીમાં પેપરના મથાળાં વાંચવાં ચાલુ કર્યા. પાકિસ્તાનને સખત હાર આપ્યા પછી બધે જ વિજયનો આનંદ જણાઈ આવતો હતો. યુદ્ધ દરમ્યાનની નાની મોટી લડાઈઓમાં ભારતીય સૈન્યની વીરતાના ઘણા બનાવોનું વર્ણન અને અમેરિકાની ભારત વિરુદ્ધ નીતિની સખત નિંદાથી સમાચાર ભરાયેલા હતા. ટ્રેન મુંબઈ છોડી બહાર ખુલ્લા મેદાનમાંથી પસાર થઈ. સૂર્યદેવનાં કિરણોએ ધરતી પર પ્રકાશ ફેલાવ્યો તેનો પીળો તડકો ઝાડ પાનમાંથી પસાર થઈ કાચની બારી વાટે ડબ્બામાં પથરાયો. જે માટી ખાઈ હું મોટો થયો હતો, જે વૃક્ષનાં ફળ ચોકીદારની આંખ બચાવી ખાધાં હતાં, જે આકાશ નીચે મારા પ્રેમની શરૂઆત થઈ હતી, તે ભારત દેશમાં આવ્યાનો મને અસીમ આનંદ હતો.

અગિયાર વાગે ડાઈનિંગ કારનો વેઇટર ઑર્ડર લેવા આવ્યો. મને ભૂખ તો લાગી જ હતી, બે દિવસથી પેટ ભરીને જમ્યો ન હતો. આમેય મને બહારનું ખાવાનો શોખ અને લાંબા સમયથી ગુજરાતી ખોરાક ઘરે જ ખાતો હતો તેથી એક થાળીનો ઑર્ડર નોંધાવ્યો. જાડી રોટલી, ખાટું દહીં, કાચો ભાત મેં ધરાઈને ખાધો. સામાન્ય સંજોગોમાં એવું ખાવાનું ભાવે પણ નહીં, છતાં તે દિવસે થાળી ચોખ્ખી કરી.

બારી બહાર દૂર દૂર નજર કરી વારંવાર હું મીનાના વિચારોમાં ખોવાઈ ગયો, કાલે તો આ સમયે મીનાને મળી ચૂક્યો હોઈશ, અમારું સ્વપ્ન સાચું કરવાનું પહેલું પગલું અમે ભરી લીધું હશે.

પરંતું મીનાને મળ્યો ત્યારે તેણે મને લગ્ન માટે રાહ જોવાનું કહ્યું. તેણે તેના મમ્મી-પપ્પા ની બીકથી કે પોતાની મરજીથી લગ્નની તાત્કાલિક જરૂરિયાત માટેનો વિચાર બદલ્યો હશે. મારે રાહ જોવી ન હતી અને મારો તેના પરથી વિશ્વાસ ઉઠી ગયો. અમે બંને છૂટા પડ્યાં.

મીના સાથે લગ્ન કરવાનું, જીવન ગુજારવાનું અને કાયમ માટે સુખી થવાનું સ્વપ્ન ભંગ થઈ ગયું. તે માટે અમે બન્ને જવાબદાર હતા. અમારી પ્રીત સાચી હતી, પણ પરિપકવ ન હતી તેથી સમય અને સ્વાર્થની કસોટી પાર ન કરી શકી.

હું નાસીપાસ થયો, પરંતુ જિંદગીથી હાર્યો હોઉં તેમ મારો જીવનમાંથી રસ નહોતો ઊડી ગયો. મારો સ્વભાવ અને વિચારો એવા હતા કે દરેક અણગમતા અનુભવમાં હું કશું શીખવાની અને આગળ વધવાની તક ખોળું. મને ખબર હતી કે મીનાને હું કદી નહીં ભૂલું પણ મારા જીવનમાં તેના અસ્તિત્વની ગેરહાજરીમાં પણ સુખી થઈ શકીશ. મારા જીવન ઝરણાં મીના વગર આગળ વહેશે. મેં વિચાર કર્યો કે મારે લગ્ન કરવું છે, અને હમણાં કે ભવિષ્યમાં એરેન્જડ મેરેજ જ કરવાનું છે, તો રાહ કેમ જોવી. મારે જીવનસંગિનીની જોઈતી હતી. હું અમેરિકાથી આવેલો, ભણેલો ગણેલો, સારા કુટુંબનો, ગ્રીનકાર્ડ ધરાવતો યુવાન હતો. સમાજમાં મારી કિંમત હતી, તેથી છોકરી શોધવી સહેલું હતું. અમારા ઘણા સગાં અને ઓળખીતા લોકોને સમાચાર મળી ગયા કે હું મીના સાથે લગ્ન કરવાનો નથી. તેથી ત્રણેક અઠવાડિયા બાદ એક ભાઈએ મને અને મારા કુટુંબને પસંદ પડે તેવી યુવતી માટે વાત કરી. અમે બન્ને ફકત દસ મિનિટ માટે મળ્યા અને એક મહિનામાં મારું અમિતા સાથે લગ્ન થયું. મારા સદનસીબે, સ્વપ્નભંગ થવાની બીજી જ ક્ષણે, ભાગ્યનો દરવાજો ખૂલ્યો. મને એવી પત્ની મળી કે જેણે મારું સુખીજીવન શક્ય બનાવ્યું છે.

ન્યુયોર્ક પાછા આવી મેં ઘરસંસારની તૈયારી કરી. એપાર્ટમેન્ટ અને નવી કાર લીધી. નોકરી સારી હતી તેથી બીજી કોઈ ચિંતા કર્યા વગર છ મહિના અમિતાની રાહ જોવામાં જલદી નીકળી ગયા.

૧૯૭૨ ના ઓગષ્ટ મહિનામાં અમિતા અમેરિકા આવી ત્યારે ક્વિન્સમાં થોડા જ ભારતીયો હતા. તે સમયે ત્યાં ઈમીગ્રન્ટ અને એથનીક માણસોની વસ્તી ઓછી. અમારા મિત્રો પણ પત્નીને બોલાવી સેટલ થતા હતા. કોઈનું પોતાનું હાઉસ ના મળે, અને મોટાભાગના યુગલો બાળક વગરના હતા. ધીમે ધીમે પત્નીઓ તેમની આવડત અને ભણતર પ્રમાણે જોબ કરતી થઈ.

અમિતાની માઈક્રોબાયોલોજીમાં ડિગ્રી હતી અને આગળ હોસ્પિટલમાં પેથોલોજીનો અભ્યાસ કર્યો હતો. પરંતુ તેણે ભારતમાં નોકરી ના કરી તેથી તેને ન્યુયોર્ક એરિયામાં સાંજે, વીકએન્ડ, કે ખરાબ વિસ્તારમાં જ જોબ મળે તેમ શક્ય. તે સંયુક્ત કુટુંબમાં ઉછરી મોટી થઈ હતી તેથી તેની બાળકોને સારી રીતે ઉછેરવાની મહેચ્છા, અને તેમના માટે જ, તે મોટા થાય ત્યાં સુધી, હાઉસવાઈફ તરીકે રહેવાની તમન્ના. મને કોઈ દિવસ પૈસા ભેગા કરવાનો મોહ નહીં. મારી ધારણા મુજબ ભૌતિક જીવનની સફળતા અને વાસ્તવિકતા, અને કાયમી પ્રસન્નતા વચ્ચે, ઘણું અંતર હોય. હું પણ માનું કે જરૂર ના હોય તો માતાએ નોકરી કર્યા વગર ઘરે રહી બાળકોને ઉછેરવા તે મહત્ત્વનું અને જરૂરી છે. તેથી અમે બન્નેએ નક્કી કર્યું કે એકાદ બે વર્ષ અમિતા બેંકમાં નોકરી લેશે, ભણતર કામમાં આવે કે બહુ પૈસા મળે તે અગત્યનું નથી. આજે પચાસ વર્ષો બાદ કોઈ સમયે અમિતાને કુતુહુલ થાય કે તે પ્રોફેશનલ બની હોત તો જિંદગીમાં શું ફેર પડત. પરંતુ તેણે જે નિશ્ચય લીધો હતો તેનું દુખ નથી.

યુવાની અને નવા લગ્નજીવનના સુસંગમથી દસ વર્ષ પાણીની માફક વહી ગયાં. અમારા દીકરાનો જન્મ થયો ત્યારે અમે તેનું નામ સત્ય રાખ્યું, કારણ કે હું ગાંધીજીની આત્મકથા ‘સત્યના પ્રયોગો’થી ખૂબ પ્રભાવિત થયો હતો. દીકરીનું નામ અમિતાની પસંદગી પ્રમાણે સીતા પાડ્યું કેમ કે સીતા એક આદર્શ દીકરી અને પત્ની હતી. બાળકોના ભણતર અને ભવિષ્યનો વિચાર કરી અને મારી જોબમાં સારી તક મળે તે કારણે અમે ન્યુયોર્ક છોડી હ્યુસ્ટન ગયા, અને પછી ૧૯૮૨માં લાસવેગાસ સ્થાળાંતર કર્યું.

લાસવેગાસ ત્યારે જુગાર માટે પ્રખ્યાત, પણ નાનું શહેર હતું. તે સમયે મોટા મોટા વૈભવશાળી કસીનો ન હતા, મારી નોકરી એક એન્જિનયરીંગ કંપની જેનો અણુધડાકાના પ્રયોગો કરવાના કામ માટે કોન્ટ્રાકટ હતો તેમાં. તે પ્રયોગો ભયજનક, તેથી કોઈ શહેર પાસે ના થઈ શકે. લાસવેગાસથી ૬૫ માઇલ દૂર આવેલી નવાડા ટેસ્ટ સાઈટમાં બધું કામ થતું. અમેરિકાની રશિયા સાથેની હરિફાઈ અને શત્રુતામાં અમારા કામની બહુ કિંમત ગણાય તે કારણે મારી સાથે કામ કરતા લોકો કહેતા કે અમે લોકશાહીને બચાવવાનું કામ કરીએ છીએ. ટેસ્ટ સાઈટ પર કામ કરવા સિક્યોરિટી કલીયરન્સની જરૂર પડે, તેથી ફક્ત અમેરિકન સિટીઝન ત્યાં નોકરી લઈ શકે. પરવાનગી માટે તમારા ભૂતકાળની પૂરી ચકાસણી થાય. વર્ષો પહેલાના પાડોશીને પણ તમારા વિશે પૂછપરછ કરે. આવી જરૂરિયાતોને કારણે ત્યાં પરદેશ જન્મેલા બહુ ઓછા કાર્યકર્તા હોય છે. ખાસ કરીને તે સમયે મારી કંપનીમાં બહું ઈમીગ્રેન્ટ ન હતા.

લાસવેગાસ જતા પહેલાં મને એવું ભાગ્યેજ થતું કે મારી ઈન્ડિયન એક્સેન્ટ ભારરૂપ હોઈ શકે. ન્યુયોર્ક આંતરરાષ્ટ્રીય મેગાસિટી છે. ત્યાં દુનિયાના દરેક દેશના નાગરિકો આવીને વસે, તેથી બધાના કાન જુદી જુદી એક્સેન્ટથી ટેવાયેલા હોય છે. અમારી કંપનીના કર્મચારી પરદેશીઓનું કે બીજા દેશો વિશે બહુ ઓછું જ્ઞાન ધરાવતા. થોડા સમયમાં જ મને લાગવા માંડ્યું કે હું બધા કરતાં જુદો છું. રોજ દિવસમાં એક વાર કોઈ વ્યક્તિ કે પ્રસંગ મને મારી ભારતીયતાનું ભાન આપે. અજુગતું લાગવા છતાં તે વાતનું મને દુ:ખ ન થતું કે ગુસ્સો ન આવતો.

જેમ સમય પસાર થતો ગયો તેમ મારા બોસ અને સહકર્મચારીઓ મને ઓળખતા થયા. મારા કામથી પરિચિત થયા અને તેમને મારા માટે થોડું માન થવાનું શરૂ થયું. એકાદ વર્ષમાં મને ફાવી ગયું અને મારા આત્મવિશ્વાસમાં વધારો થતાં મેં મારા સ્વભાવ પ્રમાણે દલીલો કરવાનું અને અભિપ્રાયો બતાવવાનું ચાલુ કર્યું.

દરેક જગ્યાએ માણસો સરખા ના હોય. મારા એક સુપરવાઇઝરને મારું સ્વત્રંતતા ભરેલું વર્તન બળવાખોર જેવું લાગ્યું. હું તેને ગમતો નહીં. તેણે મને એક દિવસ કહ્યું કે તું ભારતમાં રહ્યો હોત તો તારી ખરાબ દશા હોત. મારા રિપોર્ટમાં લખ્યું કે મને અંગ્રેજી પાકું કરવાની જરૂર છે. બન્ને બાબત ખોટી હતી તેથી મને ગુસ્સો આવ્યો અને મેં હ્યુમન રિસોર્સમાં તેની ફરિયાદ કરી. તે ડિપાર્ટમેન્ટના માણસોએ આવી બધી તપાસ કરી, મારી સાથે કામ કરતાં વ્યક્તિઓના ઇન્ટરવ્યુ લીધા. કોઈએ મારા સુપરવાઇઝરને સાથ ના આપ્યો, અને મારા પ્રત્યેની વર્તણુકથી તેની બદલી થઈ. આ દાખલો બતાવે છે કે અમેરિકા કેમ સામાન્ય માણસો માટે દુનિયામાં શ્રેષ્ઠ દેશ છે. કોઈ પણ ઓળખાણ કે લાગવગ વગર મને જે ન્યાય મળ્યો, તે ક્યાંય પણ શક્ય હોય તેમ મને નથી લાગતું.

પરમાણુશસ્ત્રોના પ્રયોગો તેમની વિશ્વાસપાત્રતા અને સલામતી જાણવા માટે થાય. શસ્ત્રની યોજના કરી, તૈયાર થાય ત્યારે નવાડામાં લાવવામાં આવે. ત્યાં આઠથી દસ ફૂટના વ્યાસનો એક માઈલ ઊંડો કૂવો હોય તેમાં નીચે ઊતારી તેને રેતી, સિમેન્ટ અને કોંક્રિટના થર કરી દાટી દેવામાં આવે. જ્યારે તેનો ધડાકો થાય ત્યારે કેબલ્સ મારફતે ડેટા વંચાય, તે શસ્ત્રોને સમજવામાં બહુ ઉપયોગી હોય છે. કોઈ પણ દેશ આવા પ્રયોગો સિવાય ન્યુક્લીયર નેશન ના બની શકે. ૧૯૯૯ માં જ્યારે પાકિસ્તાન અને ભારતે આઠેક પ્રયોગો ચાર દિવસમાં કર્યા હતા ત્યારે દુનિયામાં ઘણો વિવાદ થયો હતો. ત્યારે મેં ભારતના બચાવમાં લાસવેગાસના દૈનિકમાં લખ્યું હતું કે અમેરિકાએ ભારતની પરિસ્થિતિ, ભારતીયોના તેના પાડોશી દુશ્મનનો ડર, અને લાગણીનો વિચાર કરવો જોઈએ. અમેરિકા પાસે હજારો અણુશસ્ત્રો છે અને તેણે બીજા વિશ્વયુદ્ધમાં તેનાથી જાપાનમાં વિનાશ પણ કર્યો હતો. અમેરિકાની ‘હું કહું તેમ કરો, હું કરું તેવું નહીં” તેવી સલાહ અયોગ્ય છે.

લાસવેગાસમાં શરૂ શરૂમાં પચ્ચીસેક ગુજરાતીઓ અને બીજા ભારતીય કુટુંબો હતા. જેમ જેમ વસ્તી વધી, અને આજે ચાર ગણી થઈ ગઈ છે ત્યારે હજારો છે. ઘણાં યુગલો સાથે અમારે વર્ષોથી ગાઢ સંબંધ છે. પણ જ્યારે અમારા બાળકો પ્રાથમિક શાળમાં હતાં ત્યારે તેમની સ્કૂલમાં બીજા કોઈ ઘઉંવર્ણા કે કાળા વિદ્યાર્થી નહોતા ભણતા, સત્ય અને સીતાના બધા મિત્રો ધોળા. તે સમયે લાસવેગાસમાં મોર્મન લોકોની વસતી પ્રમાણમાં વધુ અને તેમની રાજકીય ક્ષમતા ઘણી. અમારી દીકરી સીતાની લગભગ બધી મિત્રો મોર્મન અને કોઈ કોઈ વાર તે ચર્ચમાં મિત્રો સાથે જતી. હું તો નાસ્તિક અને અમિતા થોડી ધાર્મિક, પણ તે ચુસ્ત પ્રણાલિકા અને રીતરિવાજોથી દૂર હતી. અમારા બેમાંથી કોઈને અજુગતું ન લાગ્યું કે સીતા બીજા ધર્મના પ્રભાવ નીચે આવી રહી હતી.

દીકરો અને દીકરી જોતજોતામાં મોટા થઈ ગયા. હાઈસ્કૂલમાં ડાન્સ, ડેટિંગ વગેરે બધી પ્રવૃત્તિમાં ભાગ લીધો. અમે, માતાપિતાએ, બાળકોને જિંદગી અનુભવવા અને તેમાંથી શીખવા માટે પ્રોત્સાહિત કર્યા હતાં. ગુજરાતમાં અમારાં, ભૂતકાળના, બાળપણ સાથે સરખામણી કરવાની અમને ટેવ ન હતી. તેથી બન્ને બાળકોમાં ભારતીયતા ઓછી. અમે તેમને બધી છૂટ આપી હતી અને તેમનું વર્તન જવાબદારી ભરેલું હતું. તેઓ ભણવામાં હોશિયાર અને કોઈ દિવસ અમને ચિંતા ન કરાવી. ગ્રેજ્યુએટ થયા પછી સત્ય ફિલોડેલ્ફીયા અને સીતા સોલ્ટ લેક સિટી કૉલેજમાં ગયાં.

અમે ૧૯૯૯માં સીતાના કૉલેજના ગ્રેજ્યુએશનમાં તેની યુનિવર્સિટીમાં ગયા ત્યારે તેના મિત્રોને ડિનરમાં લઈ ગયા હતા. તેમનો પરિચય થવાથી અમને સંતોષ હતો કે સીતાના મિત્રો, યુવાન છોકરી અને છોકરા, સારા ઘરના અને સભ્ય હતા. આનંદ થયો કે દીકરી ભણી છે પણ કાયમની માફક જવાબદારી અને શાણપણથી કૉલેજના ચાર વર્ષ ગુજાર્યા છે.

એકાદ વર્ષ પછી હું ફોન પર વાત કરતો હતો ત્યારે સીતાએ કહ્યું, “ડેડ, મોમને બીજી લાઇન પર મૂકો.” મને તે ક્ષણે જ થયું કે કશી મહત્ત્વની વાત કરવી હશે. શી હશે તેનો ખ્યાલ ન હતો.

સીતા ધીમેથી બોલી, “મેં એક છોકરાને પસંદ કર્યો છે, મને તેની સાથે વિવાહ કરવાની ઈચ્છા છે.”

તે સમયે તેની ઉંમર ફક્ત ૨૨ વર્ષની હતી. અમે તો તેના લગ્ન માટે વિચાર પણ નહીં કરેલો. તે વર્ષોમાં કોઈ પચીસ વર્ષની ઉંમર પહેલાં પરણતું ન હતું. જો કે અમે વાતવાતમાં સત્ય અને સીતાને કહ્યું હતું કે તમે જાતે કોઈને ખોળો તો અમને વાંધો નથી. મદદની જરૂર હોય ત્યારે અમને જણાવજો. અમે ન્યાતજાતમાં પણ માનતા નહીં, પરંતુ મનમાં એમ હતું કે તેઓ ગુજરાતી કે પછી છેલ્લે ભારતીયને પરણે.

સત્ય અને સીતા હાઈસ્કૂલમાં ધોળા મિત્રો સાથે ડેટ પર ગયેલા. મારું અને અમિતાનું માનવું હતું કે બે-ચાર વર્ષમાં સત્ય કોઈને ખોળશે અને પછી સીતા. તેથી તેની વાત સાંભળી અમને ખૂબ નવાઈ લાગી.

મેં કહ્યું, “ખરેખર, કોણ છોકરો છે ?”

તેણે કહ્યું, અમે સોલ્ટ લેક સિટી ગયા ત્યારે તેના એક નવા મિત્ર ઓસ્ટીનને મળ્યા હતા. તે મોર્મન મિશન પર જર્મની જઈ તાજો ઘરે પાછો ફર્યો ત્યારે ‘વેલકમ હોમ’ પાર્ટીમાં તેને પહેલી વાર મળી, અને હવે પરિચય વધ્યો છે.

ધીમેધીમે અમે બધી વિગત પૂછી. ઓસ્ટીનના ભણતર અને કુટુંબ વિશે પણ પ્રશ્નો કર્યા. મિશનમાં બે વર્ષ જવાથી તે હજુ કૉલેજમાં જ હતો અને પાર્ટટાઈમ નોકરી કરતો હતો. સીતાએ ઉમેર્યું કે તે લગ્ન માટે મોર્મન ધર્મ અપનાવશે.

અમે સીતાને અભિનંદન આપ્યા પણ મનમાં, ખાસ કરીને અમિતાના દિલમાં, થોડી હલચલ મચી ગઈ.

પછીના થોડા દિવસોમાં વારંવાર ફોન પર વાત કરી ઘણી વાતો કરી. અમે સીતાને ના કહીએ તે સવાલ જ ન હતો. મને શાંતિ થઈ કે ઓસ્ટીનનું કુટુંબ સ્થાયી અને ધાર્મિક છે. અમે બન્ને જાણતા હતા કે મોર્મન લોકોની રહેણી-કરણી અને જીવનના નિયમો સારા અને સાદા હતા. તેમના ધર્મ વિશે થોડી માહિતી હતી પરંતુ તેની ઊંડી વિગતો અમારા માટે બહુ અગત્યની નહીં. સીતા ધર્મપરિવર્તન કરે તેથી અમિતાને થોડો સંકોચ હતો, ખાસ કરીને સગાંવહાલાં શું વિચાર કરશે તેનો. અમારા બન્નેના કુટુંબોમાં કે અમારા જાણીતા કોઈ લોકોમાં તે સમયે એકપણ યુવતીએ ધર્મપરિવર્તન કરી, દેશની બહાર, લગ્ન કર્યું હોય તે અમારા જાણવામાં નહીં, અને સીતાની ઉંમર થોડી કાચી તેવી કશ્મકશ અમિતાને રહી. મને તો ફકત ઓસ્ટીનની વ્યક્તિગત માહિતીમાં રસ અને તેઓ કેવી રીતે જીવન ગુજારો કરશે તે જાણવાની જિજ્ઞાસા. અંતે અમે નક્કી કર્યું કે આપણને સીતાની નિર્ણયતા અને જવાબદારી માટે વિશ્વાસ છે. તેને જે કરવું છે તેનો વિરોધ કરવાનું કોઈ કારણ નથી. અમે ખુશીથી તેને સંમતિ આપી. ફક્ત એટલી જ માગણી કરી કે મોર્મન ટેમ્પલ પછી તેણે હિંદુ વિધિથી લાસ વેગાસમાં લગ્ન કરવું. સીતા તરત જ તે માટે રાજી થઈ.

તે વાતને આજે ૨૧ વર્ષ થયા છે. સીતા અને ઓસ્ટીન આનંદથી તેમના ત્રણ બાળકો સાથે સુખી જીવન વિતાવે છે. દીકરા સત્યએ પણ તેની મેળે એક ગુજરાતી પટેલ યુવતીને ખોળી, અને તે પણ હર્ષની જિંદગી જીવે છે.

૧૯૯૨માં અમેરિકા અને રશિયા એ અણુધડાકાના પ્રયોગો ન કરવાની સંધિ કરી. તેથી અમારું મુખ્ય કામ મોભે મૂકાયું. તે છતાં અમેરિકાને પ્રયોગો કરવાની આવડત અને અનુભવની જરૂર હતી તેથી બીજા કામમાં અમે પરોવાયા. થોડા વર્ષો તે ચાલ્યું તે દરમ્યાન મેં એક મોટા કન્વીનયન્સ સ્ટોરમાં પૈસા રોકયા. મારે અને મારા મિત્ર ભાગીદારોએ ત્યાં કામ કરવાનું નહીં. તેથી નોકરી પણ ચાલુ જ રાખી.

ધંધાની આવક વધતી રહી અને જોબ પર કામનો કંટાળો પણ વધુ થવા લાગ્યો. મારા મગજમાં એક વિચારે ઘર કરવા માંડ્યું કે મારે નોકરીની જરૂર નથી. પહેલેથી જ મારી માન્યતા હતી કે સુખી થવા માટે અખૂટ ધનની જરૂર નથી, સંતોષની છે. તેવી વિચારધારણા લઈને જ મેં રિટાયરમેન્ટ અને બેનિફિટની ચિંતા કર્યા સિવાય ૧૯૭૮માં ન્યૂયોર્ક સીટીની જોબ છોડી દીધી હતી.

હું ખાનગી કન્સલ્ટિંગ કંપનીમાં ફકત સારા કામના અનુભવ માટે ગયો હતો. ૫૧ વર્ષની ઉંમરે મેં નક્કી કર્યું કે મારે રિટાયર થઈ શાંતિથી, ઇચ્છા મુજબ રહી બાકીની જિંદગી ગુજરાવી છે. મારું તે પગલું ઘણા ઓળખીતાને અજુગતું લાગ્યું. હું ઘરડો ન હતો અને મારી પાસે અઢળક મિલકત પણ નહીં, છતાં મેં નોકરી મૂકી દીધી.

એન્જિનયરનું લાયસન્સ રદ કરાવ્યું અને નિવૃત્ત થઈ ગયો. શરૂઆતના વર્ષોમાં મને કોઈ નવી વ્યક્તિ મળે અને સાધારણ રીતે પૂછે છે કે તમે શું કરો છો, ત્યારે મારો જવાબ સાંભળી તેમને નવાઈ લાગતી. કોઈ કોઈને એમ પણ થાય કે માણસ બેકાર હશે તેથી રિટાયર થયો તેમ કહે છે. પાંચ-સાત વાર મને તેમ લાગ્યું પછી કોઈ કોઈ વખત હું હસીને જવાબ આપતો કે હું જોબ ખોળું છું પણ મને કોઈ નોકરી આપવા તૈયાર નથી.

તે વાતને આજે ચોવીસ વર્ષ થયા. વાનપ્રસ્થાશ્રમના વર્ષોમાં અમે થોડું વોલીંટયર કામ કર્યું. મેં નવા અને નાના ધંધાના વેપારીઓને સલાહ આપવાનું, અને અમિતાએ નાના બાળકો જેમને કેન્સર થયું હોય તેમણે મદદ કરવાની સંસ્થા માટે. છ વર્ષ પહેલાં અમે બન્ને અમદાવાદ ગાંધીઆશ્રમમાં માનવ સાધના નામની એનજીઓ છે ત્યાં એક મહિના માટે સેવા આપી. હવે અમિતા અને હું પાંચ બાળકોના બા-દાદા થયા છે. લાસવેગાસમાં મિત્રો સાથે મજા કરીએ છીએ, તેમ કહેવામાં અતિશયોક્તિ નથી. વિશ્વના પચાસ દેશોમાં મુસાફરી કરી છે, અને સાતે સાત આધુનિક આશ્ચર્યજનક સ્થળો જોયા. સગાવહાલાં અમેરિકામાં પુષ્કળ છે તેમને મળીએ છીએ.

ગુજરાતમાં અમેરિકા આવવાની ઈચ્છા અને લોભનો વંટોળ ૧૯૭૦ના દસકાથી ચાલુ છે. અમારું કુટુંબ મોટું, ભાઈ-બહેનો બધાં થઈને આઠ હતાં. હું અમેરિકા પહેલો આવ્યો અને સિટિઝન થયો પછી કુટુંબના દરેક સભ્યને અમેરિકા આવવાની ઉમેદ હતી. એક પછી એક મેં બધાને સ્પોન્સર કર્યા, તેમને ગ્રીન કાર્ડ મળ્યાં. વડીલો, યુવાનો, બાળકો, સહિત મોટી આશા અને ઉત્સાહ થી ભરાયેલા મન લઈ એક પછી એક કુટુંબ અહિયાં આવ્યું. આજે અમારી ચાર પેઢીના લગભગ ૯૦ કુટુંબીજનો અમેરિકામાં રહે છે.

નિવૃત્તિના વર્ષોમાં મને ઈચ્છા થઈ કે કુટુંબનું રીયુનિયન લાસવેગાસમાં કરવું જોઈએ. ભાઈ, બહેનો, ભાણા, ભાણીઓ વગેરેનો અભિપ્રાય માગીને મેં નક્કી કર્યું કે ૨૦૧૮માં સંમેલન કરીએ. તે સમયે પ્રેસિડન્ટ ટ્રમ્પ ઇમિગ્રેશનની વિરુદ્ધ રોજ ભાષણો કરતા અને નવાનવા નિયમો બહાર પાડતા હતા. અમે એક થી નેવું થયા તે નવાઈની વાત ન હતી પણ દરેક માણસની રાજકારણીય દૃષ્ટિ અને વિચાર પ્રમાણે તેવી હકીકત સારી કે નરસી બની શકે. કાયદા ભાંગીને પ્રવેશતા લોકો સાથે સાથે ઈંડિયન-અમેરિકન પ્રજા તરફ ઘણા સફેદ માણસો અણગમો બતાવતા થયા હતા. મને તેથી થયું કે અમારા રીયુનિયન વિશે કોઈ પેપરમાં લેખ લખાય તો તે રસપ્રદ ઘટના તરીકે છપાવાય.

ન્યૂયોર્ક ટાઈમ્સ દુનિયાનું સૌથી સારું અને મહત્ત્વનું દૈનિક ગણાય છે.

ઈમિગ્રેશન તેના માટે, તે સમયે, સૌથી મોટો વિવાદાસ્પદ વિષય હતો તેમ કહી શકાય. હું પચાસ વર્ષથી નિયમત ટાઈમ્સ વાંચું. મને વિચાર આવ્યો કે અમારા રીયુનિયન વિશે ન્યૂયોર્ક ટાઈમ્સમાં આર્ટિકલ આવે તો સારું, પણ તે લગભગ અશક્ય લાગ્યું. છતાં મેં મહેનત કરીને ટાઈમ્સના ઈમિગ્રેશન રીપોર્ટરનો સંપર્ક સાધ્યો. અમે ઘણી ઈમેઈલ એકબીજાને મોકલી અને તેણે લાસવેગાસ અમારા સંમેલનમાં આવવાનું નક્કી કર્યું. પણ છેલ્લા દિવસે મેક્સિકન બોર્ડર પરથી મોટા રીપોર્ટ માટે તેને ત્યાં જવાનું થયું. મને નિરાશા થઈ. પણ રીયુનિયન કર્યું તેમાં ૭૫ કુટુંબીજનોએ ભાગ લીધો અને અમે ખૂબ આનંદ કર્યો.

રીયુનિયનના ત્રણેક મહિના પછી અચાનક રીપોર્ટરનો ફોન આવ્યો. તેણે કહ્યું કે તે બીજે દિવસે લાસવેગાસ અમારી ઘેર ફોટોગ્રાફર સાથે ત્રણ-ચાર કલાક માટે આવી શકે છે. તે સમયે અમારો ઈન્ટરવ્યુ લેશે અને ફોટા પાડશે. મારા આનંદનો પાર ના રહ્યો. મારા જીવનમાં વાંચનનું ખૂબ મહત્વ રહ્યું છે તેથી ન્યૂયોર્ક ટાઈમ્સ અમારા કુટુંબ વિશે લખે તે ચમત્કાર જેવું કહેવાય. આખી રાત મારા ઉત્સાહ, અસ્વસ્ત્થા અને ઉશ્કેરાટનો પાર ન રહ્યો.

અમેરિકા, અને દુનિયાને, સામાન્ય, સફળ, અને સુખી, ઈંડિયન-અમેરિકન કુટુંબનો પરિચય આપવાની મોટી જવાબદારી મારી થઈ. હું શું કહું, કેવી રીતે વાત કરું, અમિતા કેવી રીતે વાત કરે, કયા વિષયમાં રિપોર્ટરને રસ હોય, શું પહરેવું, તેવી નાની નાની બાબતોથી મગજ છવાઈ ગયું.

ચિંતા હોવા છતાં, સમય આવ્યો ત્યારે દિવસ સહેલાઈથી પત્યો. રિપોર્ટર અને ફોટોગ્રાફરને અમારા કસ્ટમ હાઉસ, મંદિરમાં રાધા-કૃષ્ણની આરસપાણની ઊંચી મૂર્તિ, હોમથિયેટર, બાર, વગેરેમાં બહુ રસ પડ્યો, તે વિષે પ્રશ્નો કર્યા, વિવિધ ફોટા લીધા. તેઓ કાયમ ઈલીગલ ઈમિગ્રેન્ટની મુશ્કેલી અને હાલતોનો અહેવાલ આપતા હોય તેથી કદાચ તેમની અમારી જિંદગી વિષેની ધારણા  ભિન્ન હશે. અંતે મને સંતોષ થયો કે ઈન્ટરવ્યુ સારો ગયો.

પછીના રવિવારે ટાઈમ્સના ડિજિટલ એડિશનમાં સૌથી ઉપર મારા ફોટા અને  ‘ઈમિગ્રેશનનો એક ચહેરો’ તેવા હેડિંગ નીચે લાંબો લેખ આવ્યો. સોમવારે પ્રિન્ટ એડિશનમાં પહેલા પાના પર તે જ આર્ટિકલ અને ત્રણ-ચાર ફોટા છાપયા. મારું એક સ્વપ્ન સાકાર થયું.

અમેરિકામં પ્રેસિડન્ટ રેગનના સમયથી વધુ ચર્ચા થઈ રહી છે કે અહીંયા વસતા બધા વ્યક્તિઓ અમેરિકન કહેવાય કે બે જોડકા નામ (જેમ કે ઇન્ડિયન-અમેરિકન) કે પછી ફક્ત એક જ (જેમ કે હિસ્પેનીક) પ્રમાણે ઓળખાવા જોઈએ.

ડોનાલ્ડ ટ્રમ્પ મોટાભાગે ઇમિગ્રેશનના પ્રશ્નને કારણે જીત્યો હતો. અહીંયા રહેતા ભારતીયોમાં તે વિષે ઘણી અંદરઅંદર તે ચર્ચા થાય છે. વર્ષોથી અમેરિકામાં રહેવાં છતાં અણગણિત ભારતીયો હજુ રહે છે, તે દેશની સારી વસ્તુઓ કબૂલ નથી કરી શકતા. મારું માનવું છે કે એકતા અને રાજકીયતા માટે આ દેશમાં વસતા બધા માણસો અમેરિકન કહેવાવા જોઈએ. હું મારી જાતને અમેરિકન જ માનું છું.

અમેરિકન વ્યક્તિની વ્યાખ્યા કે પરિચય હોઈ શકે? મોટાભાગના ભારતીયોના માનવા મુજબ અમેરિકન એટલે આ દેશમાં રહેતો ધોળો માણસ. ભલે ને તે આપણા જેવો બહારથી આવેલો હોય. તેથી હું કહું કે “હું અમેરિકન છું” ત્યારે ઘણા લોકો મને તિરસ્કાર કે દયાને પાત્ર ગણે છે. કહે છે કે મારો દેખાવ, રીતભાત કે ભાષા દેશી જેવાં છે. તેથી હું અમેરિકન ન કહેવાઉં. તે લોકો પૂછે છે, “અમેરિકનો તને દેશી નથી માનતા?”

આ વાત તો થઈ બહારના દેખાવની. પરંતુ હકીકત શું છે? આ દેશમાં હું વર્ષોથી રહું છું અને સુખી છું તે કરતાં ય વધુ અગત્યની હકીકત એ છે કે અમેરિકાના બંધારણ, સિદ્ધાંતો, રાજકીય અને સામાજિક જીવનને મેં અપનાવ્યા છે. મને અમેરિકાની માણસાઈ, નિષ્પક્ષતા, ન્યાય, વ્યક્તિ સ્વાતંત્ર્ય, લોકશાહી, તાજગી અને હા, સમૃદ્ધિ પસંદ છે.

અમેરિકાની સમાજરચના, રાજકીય પદ્ધતિ, અદાલતો, વ્યવસાય, અને વ્યવહાર દરેક વ્યક્તિ માટે સરખા ઉપયોગી છે. અહીં બંધારણનો ફકત અભ્યાસ કે વાર્તાલાપ જ નહીં, રોજિંદા જીવનમાં અમલ થાય છે. અમેરિકામાં મારી કિંમત મારા પૂર્વજો પર આધારિત નથી. મારાં કાર્યો જ મારી સફળતા કે નિષ્ફળતા માટે જવાબદાર છે.

અહીં મારાં સુખની વ્યાખ્યાઓનો સર્જક હું જ છું. તે પ્રાપ્ત કરવાનો રસ્તો મારે જ ખોળવાનો છે. અહીં મારી જિજ્ઞાસા અને રુચિ સંતોષવાની અનેક તકો છે. સારી કે નરસી, પ્રાચીન કે અર્વાચીન, લોકપ્રિય કે અસ્પૃશ્ય, મારી પસંદગી મુજબ હું મારી જીવનચર્યા ઘડી શકું છું. સ્વાર્થી બન્યા વગર સ્વતંત્રતા કેળવવાનું, સમૃદ્ધ થવાનું, અહીં શક્ય ને સહેલું છે. અહીં હું લાંચરુશ્વત વિના પ્રામાણિક નોકરી કે ધંધો કરી શકું છું. મહેનત અને થોડું નસીબ, સફળતા માટે પૂરતાં છે.

અમેરિકામાં પણ બદી છે. જાતિવાદ, ગુના, ગરીબી, કુટુંબોનું વિભાજન વગેરે. પરંતુ પ્રશ્ન એ છે કે તેનું પ્રમાણ કેટલું છે ? અમેરિકા સ્વર્ગ નથી, પણ અન્ય દેશો કરતાં સામાન્ય નાગરિક માટે સ્વર્ગની નજીક છે. મને ભારત માટે પણ લાગણી છે. જે દેશમાં જન્મ થયો, જ્યાં ઊછર્યો, તે માતૃભૂમિને ભૂલવી કે અવગણવી શક્ય નથી. હું એવી દીકરી જેવો છું જેને મનગમતી સાસરી મળી છે. મને ‘પિયર’ યાદ આવે છે પરંતુ મારું જીવન માતૃભૂમિના વિયોગ પર નહીં, આજના ઉત્સાહ અને આવતી કાલની અપેક્ષા પર આધારિત છે. હું અમેરિકન એ કારણે છું કે મારે અમેરિકા સાથે માનસિક અને શારીરિક સુમેળ છે અને આ દેશને મેં મારો માની સ્વીકાર્યો છે.

ભારતે મારા જીવનનો પાયો ચણ્યો અને અમેરિકાએ મારું જીવન સાર્થક કર્યું છે. મેં બહુ ભૌતિક સફળતા કે મહત્વતા પ્રાપ્ત નથી કરી પરંતુ સુખી જીવન ગાળ્યું,  તે માટે મારી માતૃભૂમી ભારત અને અપનાવેલ દેશ અમેરિકાનો કૃતજ્ઞ છું. મારી આવતીકાલની હયાતીની અપેક્ષા-થેલી ખાલી છે. એક દિવસ મારા જીવનનાં ઝરણાં મૃત્યુ રૂપે સમુદ્રમાં મળી જશે ત્યારે, છેલ્લી ક્ષ્ણોમાં, હું સ્થિતપ્રજ્ઞ રહું તે ઉમેદ સાથે વાંચકનો આભાર માનું છું, તેમની વિદાય લઉં છું.

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.