કબૂતરની કવિતામાં ઊડાઊડ ~ ભાવિન ગોપાણી

 “कैसे आकाश में सूराख़ नहीं हो सकता
  एक पत्थर तो तबीअ’त से उछालो यारो”
        – दुष्यंत कुमार
આ લોકપ્રિય શેર એટલે યાદ કર્યો કે પહોંચવું છે આ જ ગઝલના બીજા એક શેર સુધી જેમાં આજે જેની વાત કરવી છે એની વાત આવે છે
“दर्द-ए-दिल वक़्त को पैग़ाम भी पहुँचाएगा
इस कबूतर को ज़रा प्यार से पालो यारो “
હા કબૂતર…
કબૂતરની વાત કરવી છે
કબૂતર અને કવિતા
કવિતામાં મોટાભાગે બે ભૂમિકામાં કબૂતર વધારે આવે … એક શાંતિના પ્રતીક તરીકે અને બીજું સંદેશવાહક તરીકે…જો કે આ સિવાય પણ અનેક રીતે કબૂતરનો કવિતામાં પ્રવેશ થતો જ રહ્યો છે  …
પહેલા શાંતિદૂત તરીકે કબૂતર વિશે વિવિધ શાયરોએ કહેલા અમુક શેરમાંથી પસાર થઈએ…
“શાંતિના  ભાસથી  ટળશે  નહીં  સંભવ યુદ્ધનો
નભમાં  ફંગોળો  નહીં  શ્વેત  કબૂતર  ખાલી. “
            –  અમૃત  ઘાયલ
“અરાજક રહ્યું શહેર શાસનમાં જેના,
જુઓ રોજ સાંજે કબૂતર ઉડાવે.”
            – રાહુલ બી. શ્રીમાળી
“ધોળાં કબૂતરોને ઊડવું નહીં પડે,
ટાણે ઊડે જો થોડા છાંટા સફેદના.”
            – મધુસૂદન પટેલ ‘મધુ’
“સર્વત્ર છે, સફેદ કબૂતરનાં ઝુંડ, પણ
લોહીલુહાણ દ્રશ્ય બધાં ચિત્તન્યસ્ત છે”
             – ચિંતન પરીખ
“મેં એની પાંખ પર લોહીના ડાઘા જોયા છે કિન્તુ,
અહિંસા નામનું ભોળું કબૂતર જૂઠ બોલે છે.”
              – જુગલ દરજી
“मसअला ये है मैं दुश्मन के क़रीं पहुँचूँगा
और कबूतर मिरी तलवार पे आ बैठेंगे”
               – जि़या मज़कूर
“મંદિર, મસ્જિદ, ગુંબજ ઉપર મોત અજાણ્યું ફરક્યું’તું,
શાંતિ નામે લાલ કબૂતર, માણસ માથે ચરક્યું’તું.”
              – સૌમ્ય જોશી
હવે જોઈએ સંદેશવાહકની ભૂમિકામાં કબૂતર 
“એક રણકો ફોન ઉપર આવશે,
લૈને સંદેશો કબૂતર આવશે.”
             – બાલુભાઈ પટેલ 
“સમયનું ધૈર્ય ખૂટ્યું છે, કથાનો અંત છે બાકી,
કબૂતર ઝટ ગયું ઊડી , લઈ કાગળ શિખર પર જો.”
             – ભાર્ગવી પંડ્યા
“લખી ચિઠ્ઠી આજે કબૂતરને મેં તો,
થશે રાજી ચિઠ્ઠીનો ચાકર, કસમથી.”
            – રીના વિ. પરીખ 
ઉપર કહ્યું એમ સંદેશવાહક અને શાંતિના પ્રતીક સિવાય પણ કબૂતરોની ઊડાઊડ ઘણી સારી રીતે કવિતામાં થતી જ રહે છે 
સૌપ્રથમ કવિ મીનપિયાસીનું “કબૂતરોનું ઘૂઘૂઘૂ” યાદ કરવું જ પડે અને પછી જોઈએ યાદ આવે છે એવા કેટલાક શેર …
“नई हवाओ की सोहबत बिगाड़ देती है,
कबूतरों को खुली छत बिगाड़ देती है,”
            – राहत इंदौरी 
“ઘરની  અમુક વસ્તુ થઈ  જાય  છે  કબૂતર
પરિપાક રૂપે  એના  આવી  વસે  છે પિંજર”
           – સંજુ વાળા
“કબૂતર જેવી મારી લાગણીને ચણ બતાવીને,
અજાણ્યા મહેલનું પ્રાંગણ નવો પડકાર ફેંકે છે.”
           – સંજુ વાળા
“છૂટેલ તીર શિકારીનું જોઈ હરખાયું
જરા ખસ્યું ન કબૂતર, અને અવાચક સૌ”
           – ભાવેશ ભટ્ટ 
“ઊડી જાશે કબૂતર, તો ઘડીભર ચૂપ રહેજે યાર,
થશે સૂના ફળી-ઘર, તો ઘડીભર ચૂપ રહેજે યાર”
           – સુધીર પટેલ
“अब वो अरमान हैं न वो सपने
सब कबूतर उड़ा गया कोई”
           – कैफ़ी आज़मी
“શિશુઓનો કલકલ નથી આંગણે
કબૂતર ત્યાં આવી રમી જાય છે”
          – ભરત વિંઝુડા
કબૂતરને કબૂતર કહીએ કે પારેવું સરખું જ વ્હાલું લાગે 
“મનમાં માળો બાંધી બેઠું,
પારેવું ચંચળ રૂપાળું.”
          – રીના વિ. પરીખ
“એક  પારેવું  છે મારા હાથમાં
લાગણી જેવું છે મારા હાથમાં
ઋણ એના સ્પર્શનું ચુકવાય ના
કેટલું  દેવું  છે  મારા  હાથમાં”
          – રિષભ મહેતા
આજે કબૂતર યાદ આવવાનું કારણ કહું તો વર્ષો પછી આજે ઈન્સ્ટા પર ૧૯૯૨માં આવેલી ફિલ્મ ‘વિરોધી’નું ગીત સાંભળ્યું જેના શબ્દો હતા “નૈન કબૂતર ઊડ ગયે દોનો” … જો કે આ ફિલ્મ આવી એના ત્રણ વર્ષ પહેલા “ મૈને પ્યાર કિયા”માં “કબૂતર જા જા જા”એ બધાના ટેપરેકોર્ડરમાં અને રેડિયોમાં તોફાન મચાવી જ દીધું હતું …
બીજા પણ ઘણાં ગીતો, ઘણી કવિતામાં કબૂતર સ્થાન પામ્યા જ હશે …
આપ જાણતા હોવ એ જણાવજો …
“એક બારીનો કાચ ફૂટ્યો છે 
છે કબૂતરની આવજાવ હવે”
✍🏻ભાવિન ગોપાણી
(તસવીર: મૂવી – પરિંદા , કબૂતરખાના વાળો scene ના સૌજન્યથી )

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.