રખડતા જીવ ને કોક્રોચનો ઉપચાર લાવો ~ કટાર: અર્ઝ કિયા હૈ (ગુજરાતી મિડ-ડે) ~ હિતેન આનંદપરા
આપણા નાનકડા ઘરમાં કોક્રોચની સમસ્યા હોય તોય એને ઉકેલવી ભારી પડે. કોક્રોચ જનતા પાર્ટીએ તો રાજકીય અને રાષ્ટ્રીય સ્તરે જંતરમંતર ખાતે આંદોલન કરીને હાહાકાર મચાવી દીધો. નવી પેઢી પાસે શક્તિ છે, અભિવ્યક્તિ છે અને આંદોલન કરવાના સચોટ કારણ પણ છે. યુવા આંદોલનકારીઓ સામે કેન્દ્ર સરકારે ખાસ્સો સંયમ રાખ્યો.
આવું જ આંદોલન ચીન, રશિયા, ઈરાન, ફ્રાન્સ, જર્મની કે અમેરિકામાં થયું હોત તો પોલીસ રિસ્પોન્સ કેવો હોય એનો ચતુર કરો વિચાર. મનીષા દુધાત બે પક્ષ વચ્ચેનો સઘર્ષ પ્રગટ કરે છે.
હસતાં ખુલ્લેઆમ નરાધમ
હીબકાં ભરતું જંતરમંતર
`મૈ ભી અંધા, તું ભી અંધા‘
કેવો છે આ ખોફનો મંજર
ભારતમાં આંદોલનો પ્રસંગોપાત થતા રહ્યા છે. ૨૦૨૦-૨૧માં થયેલા ખેડૂત આંદોલને આખું દિલ્હી માથે લીધું હતું.

લોકશાહી ફાયદા સાથે ગેરફાયદા પણ ધરાવે છે. લોકશાહીમાં શાંતિપૂર્ણ પ્રદર્શન કરવાનો બધાને અધિકાર છે પણ મોટાભાગના આંદોલનો અશાંતિપૂર્ણ પૂરવાર થતા હોય છે. વ્યક્તિગત રીતે નબળો લાગતો માણસ પણ ટોળામાં શૂરોપૂરો બની જાય. પોલીસ સ્ટેશનમાં એકલો હોય તો મિયાની મિંદડી થઈને અર્ચના કરતો માણસ ટોળામાં સિંહની ગર્જના કરતો થઈ જાય. ટોળાની માનસિકતા સંયમ અને નિયમની ઐસીતૈસી કરી નાખે છે.

રાજેન્દ્ર આર શાહ `સ્વપ્નિલ’ બંને પક્ષને આડે હાથે લે છે…
પેપરોની સાથ કોની કોની નિષ્ઠા પણ ફૂટી
કોણ ક્યાં લેવાલ? તથ્યો માપવાની વાત કર
છાત્રને ઉશ્કેરવાનો એ જ મંતર છે ગલત
કોનું જંતર એ બન્યા! ઉઘાડવાની વાત કર
પેપર ફૂટવાની ઘટનામાં ટીચર્સ પણ સંકળાયેલા હોય એ શરમજનક વાત છે. જેનું કામ નવી પેઢીમાં સંસ્કારસિંચન કરવાનું છે એ લોકો પૈસાના લોભે આવા કાંડમાં સંડોવાય છે.
સંતાનોને ભણાવવા માટે માબાપ મોટી લૉન લેતા હોય છે. વિદ્યાર્થીઓ સારા માર્ક્સ મેળવવા દિવસરાત એક કરી નાખે છે. આવા સંજોગોમાં પેપર લિક જેવી ઘટના કાળી ટીલી છે. જ્યાં વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થાય એની સામે આવો આક્રોશ ફૂટી નીકળે એ સ્વાભાવિક છે. જિજ્ઞેશ ક્રિસ્ટી `સંગત’ કહે છે એમ ચળવળ અને આંદોલનનો રાહ દેખાડનારને કેમ ભૂલી શકાય?
મારીને રોકી નહીં શકો સૌને, ના બાંધીને
રોકી શક્યું છે કોઈ જગતભરમાં આંધીને?
કેવી મહાન વ્યક્તિ હશે એ વિચારજો
કરવા પડે છે આજેય અહીં યાદ ગાંધીને
ગાંધીજીએ હંમેશાં ઉપવાસ અને આંદોલનનો મહિમા કર્યો છે પણ સાથેસાથે હિંસાનો પારાવાર વિરોધ કર્યો છે એ વાત દેખાવકારો સહજતાથી ભૂલી જાય છે.

સોનમ વાંગચૂકે ઉપવાસ કર્યા ત્યાં સુધી બધું સમૂસુતરું હતું, જેવો સીજેપી પક્ષ જોડાયો કે નવી પેઢીની સાથે જૂના તોફાનીઓ પણ જોડાવા લાગ્યા. આંદોલનકારીઓના ફોટા જુઓ તો એમાં વિદ્યાર્થીઓની સાથે એમના બાપની કે મોટા કાકાની ઉંમરના લોકો પણ હતા. એમાંના કેટલાક પેધેલા અને પીધેલા લોકો બધા જ આંદોલનોમાં સહર્ષ દેખાશે.

નવી પેઢીએ કોનાથી બચવું જોઈએ એ પણ શીખવા જેવું છે. રશ્મિ જાગીરદાર મુદ્દાનો પ્રશ્ન પૂછે છે…
તણખલું પણ જડે નહીં જ્યાં,
આ પથ્થર, આવ્યા ક્યાંથી ત્યાં?
કર્યા ઘાયલ જો પોલીસો
એ ગદ્દારો પછી ગયા ક્યાં?
ફેસ રેકગનિઝન સિસ્ટમ દ્વારા દિલ્હી પોલીસે ૯૮૯ ચહેરા તારવ્યા જે ખૂન, ચોરી, લૂંટફાટ, અપહરણ, બળાત્કાર, તોફાન, ડ્રગ્સ વગેરે ગુનાઓમાં સંડોવાયેલા હતા. કોણ લાવ્યું આ બધાને? કોણ આવા લોકોને ફાઈનાન્સ કરે છે? વિદેશમાં કઈ માલેતુજાર અને પહોંચેલી માયાઓ છે જે નેપાળ અને બાંગ્લાદેશની જેમ ભારતમાં પણ સરકાર ઉથલાવવા માગે છે? પેપર લિકની સમસ્યા જેટલી સાચી છે એટલી જ ચિંતા ઉપરના પ્રશ્નો માટે પણ સાચી છે. ભારત કંઈ બોડીબામણીનું ખેતર નથી કે ભારાડી આખલાઓ આવીને ચરી જાય.

ડૉ. ધીરજ એસ. બલદાણિયા જેન-ઝીને ચેતવે છે…
ખોખલું ભણતર થયું છે
ગાળનું કલ્ચર થયું છે
જેમ જેમ ઊંચે ચડયાં સૌ
એમ નીચું સ્તર થયું છે
લાસ્ટ લાઈન
ન લાવો સઘળું તો એનો ફકત અણસાર લાવો
અમે ક્યાં કીધું છે કે સત્યની ભરમાર લાવો
અરીસા જેમ અમને ના બતાવો રોજ ખાડા
બને તો શોધી એના મૂળનો આધાર લાવો
ખરેખર સાફ ઘર છે, તો પછી ઉપદ્રવ છે કેમ?
રખડતા જીવ ને કોક્રોચનો ઉપચાર લાવો
બૂમો પાડી તમે ના વાતનું કરશો વતેસર
જરા લેખનમાં સાચી વાતનો સંચાર લાવો
ને સત્યાગ્રહ કરી માંગ્યું અમે ક્યાં આખું ઉપવન
અરે… ફૂલો નહીં તો પાંખડી બેચાર લાવો
~ કૈલાશ પરમાર `અજનબી’