દરિયાનો લાલ: પ્રકરણ: ૫ (ગુણવંતરાય આચાર્યની જીવનકથા) ~ લે. વર્ષા અડાલજા
(શબ્દો: ૨૨૨૦)
`સૌરાષ્ટ્ર’ના ડેલામાં જ પ્રેસ અને કર્મચારીઓને રહેવાનું પણ ત્યાં. જાણે સંયુક્ત કુટુંબનો મેળો. રાજ-રજવાડાંઓની ખટપટો, હરિજનો પર અત્યાચાર, સ્ત્રીઓને અન્યાય, પરદેશી હકૂમત સામેનો રોષ એમ અનેક વિષયો પર એમની કલમ કશી શેહશરમ વિના ફરી વળતી અને `સૌરાષ્ટ્ર’ની નીતિ અનુસાર આ લેખો પ્રગટ થતા.
પોતાને ગમતું કામ, `સૌરાષ્ટ્ર’નું ખુલ્લું વાતાવરણ અને મેઘાણી એમના સાથીદાર-સહકાર્યકર – એવો આ ત્રિવેણી સંગમ એમના માટે હતો.
જે યુવાનને બગસરામાં ખાટે હીંચકતો મારા પિતાએ જોયો હતો એ હવે પ્રસિદ્ધ, ગજબનો લોકપ્રિય કવિ, લેખક, સંશોધક હતો. એમનાં જોશીલાં ક્રાંતિકાવ્યો અંગ્રેજો સામે જાણે રણશિંગુ ફૂંકતાં, મડદાંનેય બેઠાં કરે એવા પ્રાણવાન હતાં.
એનું નામ ઝવેરચંદ મેઘાણી.
પિતા અને મેઘાણી વચ્ચે અતૂટ સ્નેહસબંધ અહીં બંધાયો. સહકાર્યકરો અને મિત્રો પણ.
એ સમયે ફોનની સગવડ તો ક્યાંથી હોય? `સૌરાષ્ટ્ર’ માટે સમાચારો મેળવવા, સમાચારોની ખરાઈ ચકાસવા જાતે ગામડાંઓ ખૂંદવા પડતાં.
મેઘાણીના અવસાન પછી મારા પિતાએ ચુનીલાલ મડિયા સાથે `મેઘાણી સ્મૃતિઅંક’ પ્રગટ કરેલો. (પ્રકાશક શ્રી બગસરા વિકાસ સમિતિ, મુંબઈ કેન્દ્ર, કિંમત રૂ. 3) એમાં વીસેક લેખકોના સ્મૃતિઅંજલિ લેખો છે.
મારા પિતાએ એમના `સ્વ.બાપુ’ સ્મૃતિલેખમાં મેઘાણી અને `સૌરાષ્ટ્ર’ સાથેના અનુભવો વિગતે લખ્યા છે. મારા પિતા લખે છે : “મારા પ્રત્યે બાપુની મમતા ઘણી, એના નાના-મોટા ઘણા પ્રસંગો છે પણ હું અહીં બે-ત્રણની વાત કરીશ.”
કાઠિયાવાડના એક સંસ્થાનના દરબારસાહેબ સામે વસ્તીની સ્ત્રીઓ ઉપર અત્યાચાર કરવાની ઘણી ફરિયાદો ઊઠી હતી. એની હકીકતો મેળવવાનું કામ મારા પિતાને સોંપાયું. એમણે ગામડાંઓ ફરતાં તપાસ આદરી. દરબારસાહેબને ખબર પડી કે `સૌરાષ્ટ્ર’નો ખબરપત્રી એમના વિરુદ્ધ પુરાવા એકઠા કરે છે. એમણે ધમકી ઉચ્ચારી, “હું આચાર્યને ફૂંકી દઈશ.” બાપુને ચિંતા થઈ. એક ઊંટ ભાડે કરી, સાથી પત્રકારને શોધવા નીકળી પડ્યા.
“આજ પણ મને એ સમયે એમની થયેલી મુલાકાતનું દૃશ્ય નજરે પડે છે. દૂરથી ઊંટ દોડ્યો આવતો હતો અને એના પર પેગડામાં પગ ભરાવી ઊંચા થઈ બાપુ ચોમેર નજર કરતા મને શોધતા દેખાયા.”
બીજો પ્રસંગ :
“1930માં બાપુને પુરબહારમાં ખીલેલા જોયા. હૈયામાં સંઘરેલી વાતોને કવિ જાણે સાકાર બનીને અવની પર ઊતરતી જોઈ રહ્યો હતો. પારાવારનો ઉમંગ એમના હૈયામાં ઊછળતો.”
વર્ષોથી કાઠિયાવાડનાં ગામ-ગામડાંનાં દુઃખોની વાતો અમે લખેલી, લખતાં કલમ કંપી ઊઠે ને હૈયું ધ્રૂજી જાય એવી જુલમકથાઓ સાંભળેલી અને એ બધું મૂંગે મોંએ બરદાસ્ત કરી લેતાં લોકો જોયેલા. કાઠિયાવાડની પ્રજામાં અસલી ખમીર નથી રહ્યું એવી બાપુની રોજની ફરિયાદ `સૌરાષ્ટ્ર’ના ઓટલે કરતા.
ત્યાં 1930ની હાકલ પડી અને રાણપુરને પાદર કાઠિયાવાડના જુવાનોનો મોરચો રચાયો. રોજ-રોજ ગામડેથી કંઈક જુવાનો નીકળી આવ્યા. ત્યારે બાપુની છાતી ગજ-ગજ ફૂલતી, રોજ છાવણીઓમાં જાય, વાતો કરે. એના અહેવાલો લખે અને રંગમાં આવી લલકારે.
મૂળુ મૂછે હાથ, બીજો તલવારે તવાં,
હત જો ત્રીજો હાથ, નર અંગ્રેજ આગળ નમત
પણ આ બધું લાંબું ન ચાલ્યું. આ ગાનારો, જુવાનો કરતાં અંગ્રેજોને વધુ ભયરૂપ લાગ્યો હશે. બરવાળા મુકામે એક રાતે સરદાર વલ્લભભાઈની પૉકેટ એડિશન જેવા વજુભાઈ દવેએ ભાષણ કર્યું. બરવાળા છાવણીના સૂબેદાર મનુભાઈ જોધાણી. એમના નામનું વૉરંટ, જોધાણી એટલે મેઘાણી એમ સમજી મેઘાણી પર બજાવ્યું અને મેઘાણીની ધરપકડ કરી.
રાણપુરમાં સન્નાટો. આસિસ્ટન્ટ કલેક્ટરની અદાલતમાં, ધંધુકે આખું ગામ ભેગું થયું. બચાવ કરવાની બાપુની અનિચ્છા. રાણપુરમાં સેંકડો ભાઈઓ જેઓ કાયદાને સત્યની કસોટીએ કસવા આવ્યા હતા એમાં મારા પિતા પણ એક. છેલ્લે આરોપીને બયાન આપવાનો સમય આવ્યો ત્યારે બાપુએ બયાન આપ્યું, પોતાની હિલચાલનું નહીં પણ હૃદયનું. એમના મોરલી જેવા બુલંદ, મીઠા ઘેરા અવાજે મેઘાણીએ ગાયું,
`હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ’
મારા પિતા લખે છે, “એ સમયની એમની મૂર્તિ… રાષ્ટ્રની વિટંબણાઓનો પૈગામ લઈને પ્રભુના દરબારમાં ઊભેલો શાયર… એ સમયે એની આંખમાંથી ઊડતા જાણે અગનના ફુવારા… ચહેરા પર દેદીપ્યમાન અપાર્થિવ ઝલક… જીવનનાં અમુલખ સંભારણાં જેવી એ સમયની એમની સૂરત-મૂરત આજે પણ આંખો બંધ થતામાં સામે ખડી થાય છે.”
એ ક્ષણ, એ ક્ષણમાં ત્યાં હોવું, એ દૃશ્યના સાક્ષી બનવું, કેવી ધન્ય હશે એ ક્ષણ!
અમારે ઘરે એ સમયમાં દુર્લભ ગણાતું ગ્રામોફોન હતું. લાકડાના ડબ્બામાં રેકૉર્ડ રહેતી. ‘હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ’ એ રેકૉર્ડ અમારે ઘરે ખૂબ વાગતી. અર્થ તો મને ત્યારે ક્યાંથી સમજાય! પણ નાનપણમાં એ રેકૉર્ડ અમે બહુ સાંભળી છે. બાની પણ એ પ્રિય રેકૉર્ડ.
પિતાએ મેઘાણી સ્મૃતિઅંકમાં મેઘાણી સાથેનો એક રમૂજી પણ મજેદાર પ્રસંગ લખ્યો છે. રાત્રે ઘરે ઘણી વાર મારા પિતા ડાયરો જમાવતા અને રસતરબોળ થઈ, ઘણી વાર તો આ એક જ વાત જુદી-જુદી રીતે અમને કહેતા અને દરેક વખતે એટલી જ અમને મજા પડતી.
1930ની લડતનો પહેલો હપતો ગાંધી-ઈરવીન કરાર વચ્ચે પૂરો થયો. બધા જેલમાંથી છૂટ્યા, બાપુ પણ છૂટ્યા અને `સૌરાષ્ટ્ર’ના પુનઃઆરંભના પહેલા અંકમાં પહેલી કવિતા છપાઈ `કોઈનો લાડકવાયો’. ગુજરાતી વાંચનમાળામાં જેટલા છંદો આવેલા એટલા વિશે જ મારી માહિતી. એથી વિશેષ સંગીત કે રાગ, કવિતાનું મને જ્ઞાન નહીં.
બાપુને આ કવિતાનો રાગ ગાઈ બતાવવા કેટલી વિનવણી કરી જોઈ પણ મારા જેવા અનાધિકારીને પોતાના અમર થવા સર્જાયેલા કાવ્યનો રાગ સંભળાવવા બાપુને લાગ્યું હશે કે ભેંસ આગળ ભાગવત ક્યાં કરવું! કે પછી કામ હશે, એમણે હસતે મોંએ વાત ટાળી દીધી.
એટલે મને એક ટીખળ સૂઝું. મેં એક મારવાડી ગીત સાંભળેલું, કંઈક આવા શબ્દો….,
જોધપુરી જામો પહેરી
થને પરણવા આવું જી,
સેકન કલાસની ટિકિટ કપાવી
થને પરણવા આવું જી.
હું છાપખાનામાંથી મોટે રાગે, સ્વર-માત્રા, આરોહ-અવરોહ, લયતાલ એવા હરકોઈ બંધનથી સદંતર આઝાદ એવો મારો અવાજ બુલંદ. બાપુનું રક્ત ટપકતી સો-સો ઝોળીવાળું ગીત મારવાડી લગ્નના રાગે ગાતો ચાલ્યો આવું, વચ્ચે સેકન કલાસની ટિકિટ ખાસ બોલું.
સિંહ ઘવાયો હોય અને પોતાની સિંહણ, બચ્ચાંને ગુફાનાં આમરણાંત રક્ષણ માટે જેમ પ્રચંડ ગર્જના કરે એમ એ ભાઈ–આચાર્યભાઈ… એમ બૂમો પાડતા. બાપુ ખુરશી પરથી ઊઠ્યા, કાનમાં આંગળીઓ ખોસતા દોડતા આવી મારે મોઢે હાથ દઈ દીધો.
“મારા લાડકવાયાનું આમ ખૂન કાં કરો? હાલો, રાગ સંભળાવું બાપલા.”
ત્યારપછી નિયમ તરીકે અમે સાથે રહ્યા ત્યાં સુધી જ્યારે પણ બાપુ કાવ્ય લખે એ અચૂક ગાઈને સંભળાવે.
ભાંગતી રાત્રે, નાના ગામની નીરવ સ્તબ્ધતામાં મેઘાણીની સામે બેસી, એમના બુલંદ સ્વરે `કોઈનો લાડકવાયો’નું પ્રથમ જ ગાન સાંભળવું, એ સાંભળનારાઓ માટે જીવનનો કેવો અમૂલ્ય લહાવો હશે! અવિસ્મરણીય અનુભવ.
અમે મોટા થયા પછી બાની પાસેથી આ વાત ઘણી વાર મેં સાંભળી હતી, મેઘાણીભાઈ એમની કવિતા અમને સંભળાવે અને એમની સામે શરત, ત્યારે નીલાબહેને મને ભજિયાં ખવડાવવાનાં. બા કહેતી, ઘણી વાર કવિતા સાંભળવા મેં રાત્રે બે વાગ્યેય ભજિયાં તળ્યાં છે અને અમે ઉજાણી કરી છે.
`સૌરાષ્ટ્ર’માં જોડાયા પછી પણ કપરી આર્થિક ભીંસના લોઢ ઊછળતા જ રહ્યા હતા. તોય ન મનમાં કશો રંજ કે એનાં રોદણાં!
આ તો હજી કસોટીની શરૂઆત. નિર્મળાબહેનને ક્ષયની અસાધ્ય બીમારી લાગુ પડી. સાવ પથારીવશ. એ સમયે આટલી દવાઓ ક્યાં શોધાઈ હતી! ક્ષય તો જાણે રાજરોગ. શિશિર નાનો, સતત તનાવમાં જકડી રાખતું અખબારનું પડકાર જેવું કામ, તેય મિશનરી ઝીલથી લખવાનું. નિર્મળાબહેનની બીમારી અને પોતાનું પણ લેખન. સમયને રબ્બરની જેમ તો ખેંચી શકાતો નથી.
એમના એ સમયના કાર્યકરો લખે છે, “ `સૌરાષ્ટ્ર’નો ડેલો કાયમ ધમધમતો રહેતો, એમાંય મારા પિતા તો ડાયરાનાં માણસ. કહેણીની કળા અને વાર્તારસને ઘૂંટવાનો કસબ એ તો શૈશવથી કોઠે ચડેલા. એ વાર્તારસનો કસુંબો ઘૂંટે એમાં ક્યાંય એમની મુશ્કેલીઓનો અણસાર પણ ન હોય. વાતોની એવી જમાવટ કે લોકશાસ્ત્રથી કોકશાસ્ત્ર સુધીની ચર્ચા ચાલે તે એયને કૂકડો બોલે સવાર. દેન છે કોઈની ઊઠે!”
*
ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમની શુભ શરૂઆત, ગુજરાતી પત્રકારિત્વના ઇતિહાસમાં અહીંથી થઈ, એમ કહીએ તો એ જરાય ખોટું નથી!
`સૌરાષ્ટ્ર’માં સમાજસેવા માટેનું ખાસ દફતર હતું, `સૌરાષ્ટ્ર સેવા સમિતિ’. `સૌરાષ્ટ્ર’ની સુવાસ પછી તો એવી ફેલાઈ કે બળ્યાજળ્યાને ઠરવાનું કામ બની ગયું. અન્યાયની, શોષણની અનેક સામાજિક સમસ્યાઓ લઈ લોકો આવે. સમાજનાં બંધનોમાં જકડાયેલી, રૂઢિ કે અત્યાચારનો ભોગ બનેલી પતિ અને સાસરિયાથી દાઝેલી ઘણી સ્ત્રીઓ પણ ત્યાં આવતી અને નિઃસંકોચ હૈયું ઠાલવતી. પિતા પત્રકાર તરીકેની વગનો ઉપયોગ કરીને પણ મદદ કરવા સદા તત્પર. પોલીસ સાથે તો છાશવારે પનારું પડે. `સૌરાષ્ટ્ર’ જાણે મહિલાઓનું પિયર.
એકવાર ગુજરાતી સાહિત્ય પરિષદનું જ્ઞાનસત્ર કોઈ નાના ગામમાં હતું. પ્રવચનો ચાલતાં હતાં અને હું મંડપમાં બેઠી હતી. ત્યાં કોઈએ મને કહ્યું, બહાર એક બહેન તમને મળવા આવ્યાં છે. મને કુતૂહલ થયું. હા, કદાચ કોઈ. વાંચક હશે! હું બહાર આવી. તો એક વયસ્ક બહેન લાકડીને ટેકે આવેલાં. એમણે મને કહ્યું,
“તું આચાર્યભાઈની દીકરી ને! તારા પિતા આચાર્યસાહેબને માથે વૉરંટ હતું. એટલે મુસલમાની ટોપી પહેરી, વેશપલટામાં ગાડીના પાટિયા નીચે છુપાઈને જૂનાગઢ અમારે ત્યાં આવેલા. પંદરેક દિવસ અમારે ત્યાં છુપાયેલા.
રોજ રાત્રે બારી-બારણાં બંધ કરી, ફાનસ ફરતે મારું કુટુંબ બેસતું પછી આચાર્યભાઈ વાતોનો રંગભર્યો ડાયરો એવો જમાવે, અને ઝમ-ઝમ રાત વહેતી જાય. સવાર પડ્યાનું પણ ઓસાણ ન રહે. એ સમયે મારા જીવનમાં હું દુઃખદ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી હતી, નિરાશ હતી ત્યારે આચાર્યભાઈની સાહસ અને શૌર્યની જોમભરી વાતોથી મને જીવવાનું બળ મળ્યું હતું.
મને ખબર પડી, જ્ઞાનસત્રમાં આચાર્યભાઈની દીકરી આવી છે, તને મળવાનું, તારી સાથે તારા પિતાને યાદ કરવાનું બહુ મન થયું.”
હું સ્તબ્ધ હતી. પિતાએ એમના જીવનની આવી કેટલીયે વાતો, પ્રસંગો હશે જે અમને પોતે પોતાની પીઠ થાબડતાં કદી કહ્યાં નહોતાં, ન ક્યારેય એમની કૉલમોમાં લખ્યું.
મારી આંખ ભીની થઈ ગઈ, એ બહેન મને ભેટીને રડી પડ્યાં. શાનાં આ આંસુ હતાં ખબર નથી, પણ બંનેનું હૈયું ભરાઈ આવ્યું. અમે બે કદી મળ્યાં નહોતાં, મળવાનાં પણ ન હતાં. તો આ લાગણીનો તંતુ શેનો હશે! આવા કેટલા લોકોનાં જીવનને મારા પિતાએ સ્પર્શ કર્યો હશે!
એમનો લડાયક મિજાજ, રૂઢિભંજક સ્વભાવ અને ભીડેતીડે મિત્રો અને અજાણ્યાઓને પણ પડખે ઊભા રહેવું એ જાણે એમનો જીવનમંત્ર હતો. જીવનની અનેક નિર્ણાયક પળોમાં અડીખમ ઊભા હતા. જય અંબહેનું નિર્ભયતાનું વરદાન તેમનું આજીવન રક્ષાકવચ બની રહ્યું.
*
ગુજરાતી પત્રકારત્વ સાહિત્યરંગી સ્વરૂપ પામ્યું, સાથે-સાથે તેને સંગ્રામના શસ્ત્રનો ઘાટ આપવામાં પાયાના પથ્થરો જેવા મેઘાણી, કકલભાઈ અને પિતા જેવા જાંબાઝ પત્રકારો હતા. એ પત્રકારત્વમાં ઊર્મિસિંચન કરવાની દૃષ્ટિ વિકસાવવામાં પણ એ લોકોએ જે કામ કર્યું તે પત્રકારત્વના ઇતિહાસનું એક ઉજ્જવળ સોનેરી પ્રકરણ છે.
`સૌરાષ્ટ્ર’ કાઠિયાવાડનાં રજવાડાંઓમાં ધાક જમાવી ચૂક્યું હતું. એટલે એની પર અંગ્રેજ સરકારની અવારનવાર તવાઈ આવતી. એટલે એના કર્મચારીઓને છૂટા ન કરવા પડે એ માટે `બહુરૂપી’ `સૌરાષ્ટ્ર’ના પ્રેસમાં છપાતું.
આખરે થવાનું હતું એ થઈને જ રહ્યું. અંગ્રેજોની લાલ આંખ થઈ. ભીંસ વધારી અને `સૌરાષ્ટ્ર’ બંધ પડ્યું. હંમેશાં ગાજતો રહેતો ડેલો શાંત પડ્યો, પણ ક્રાંતિની મશાલ જ્વલંત રહી. લોકસેવાનો મુદ્રાલેખ કાયમ રહ્યો.
1930માં મીઠાના સત્યાગ્રહનો કાર્યક્રમ યોજાયો ત્યારે `સૌરાષ્ટ્ર’ જૂથની શક્તિ પર આધાર રાખી મહાત્માજીએ ધોલેરાને આ સત્યાગ્રહનું એક કેન્દ્ર બનાવ્યું. સૌરાષ્ટ્રભરમાંથી ધોલેરા બંદર પર સત્યાગ્રહીઓની ટુકડીઓ ઊતરી પડી. મેઘાણી, કકલભાઈ કોઠારી, અમૃતલાલ શેઠ એ બધા જેલમાં ગયા અને મારા પિતાને ખાસ કારાવાસની બહાર રાખ્યા. પ્રેસ, કામદારોની જવાબદારી અને સઘળાનું સંચાલન કરવાનો હવાલો સોંપ્યો. પિતાને તો યોગક્ષેમ વહામ્યહમ્ જેવો ઘાટ. આ અઘરું કામ હતું! એક બાજુથી નિર્મળાબહેનની તબિયત લથડતી ચાલી, દવા કરાવવા સોનગઢ રહ્યાં. અંતે એમનું અવસાન થયું.
બ્રિટિશ સરકારે `સૌરાષ્ટ્ર’ને બંધ કરાવ્યું. તો શું થયું! એ કંઈ ગાંજ્યા જાય એવા ક્યાં હતા! બીજું સાપ્તાહિક શરૂ કર્યું, `ફૂલછાબ’. મેઘાણી પછી મારા પિતા તંત્રી બન્યા. પત્રકારત્વનાં એમણે જોયેલાં સપનાં સાકાર થયાં. મેઘાણીનાં પ્રથમ પત્નીની તબિયત સારી ન રહેતી એટલે એ બોટાદ વધુ રહેતા. લેખો લેવા-મૂકવા માટે પિતા અને મેઘાણી વચ્ચે ખેપિયો દોડતો રહેતો.
પ્રેસને જડબેસલાક તાળું, પણ બહાર મોટું ચોગાન. ત્યાં એક વૃક્ષ નીચે ટેબલ-ખુરશી મૂકી પિતા લખતા, ધૂંઆધાર કલમ ચાલતી રહેતી. બહારના પ્રેસમાં મેટર છાપવાનું એટલે પઠાણી ઉઘરાણી કરતો સાઇકલસવાર સામે ઊભો હોય. પિતા સડસડાટ લખી પાનું આપે અને પૈડાં દોડતાં થઈ જાય, જાણે નિયતિ સામે હોડ લાગી હોય!
`સૌરાષ્ટ્ર’માંથી `રોશની’ અને `ફૂલછાબ’એ અવતાર ધારણ કર્યો. દમનનો દોર પુરબહારમાં. તેથી એ સાપ્તાહિકોનું સ્વરૂપ સાહિત્યનું રાખ્યું છતાં ધ્યેયલક્ષી રહ્યું જ. ક્રાંતિકારી લેખો સાથે સામાજિક નવલકથાઓ પણ પ્રગટ થાય.
મેઘાણી સાથે પિતાએ સમાચારો મેળવવા ગામડાંઓ ખૂંદ્યાં હતાં ત્યારે ગ્રામસમાજનો, લોકોનો ચહેરો જોયો હતો. એમની સામાજિક નવલિકાઓ સ્પષ્ટ રીતે સમાજના અન્યાય સામે પડકાર કરતી હોય. મેઘાણી–આચાર્યનું આ રીતે જોડિયું નામ લેવાતું. આ પ્રકારની સામાજિક નવલિકાઓનો `ફૂલછાબ’માં જ આરંભ થયો હતો.
નિર્મળાબહેનની માંદગી, શિશિરની દેખભાળ, રાણપુર, બોટાદ અને સોનગઢની આવનજાવન. અનેક અવરોધો વચ્ચે પણ મારા પિતાની કલમ સતત ચાલતી અને `રોશની’, `ફૂલછાબ’, `પ્રજાબંધુ’ વગેરેનાં ભેટ પુસ્તકો પણ લખ્યાં. ઘરકામ અને રાંધવાનું પણ સાથે ખરું. આવી આર્થિક તંગીમાં નોકર રાખવો તો ક્યાંથી પરવડે! જિંદગીભર જાતમહેનત ઝિંદાબાદ.
પિતા લખે છે,
“….. મારે મન પ્રિય એવું ઐતિહાસિક કથાક્ષેત્ર ઓળંગીને સામાજિક વાર્તાઓ લખવાની થશે એવો ખ્યાલ પણ ન હતો, પણ સંજોગો જ એવા ઊભા થયા કે `ફૂલછાબ’નો જન્મ થયો એ માટે ચાલુ વાર્તાની જરૂર હતી અને તંત્રી તરીકે અનેક વાર્તાઓ લખવાનું મારે ભાગે આવ્યું.”
પત્નીના અવસાન પછી એ દુઃખને તો બિલ્લાની જેમ લગાડીને ફરતા નહીં. એમની વિનોદી ટીખળીવૃત્તિથી સામી વ્યક્તિને દુઃખ કળાય પણ નહીં. મિત્રોના આગ્રહથી અને ખાસ તો શિશિરને એક માતાની જરૂરત હતી, એટલે બીજા લગ્નનું નક્કી કર્યુંં. એક મહિલાને પણ નવું જીવન આપવાનો ઉદ્દેશ ખરો.
વિધિના લેખ પણ કેવા અકળ છે!
મારાં નાનીમા–બાની બા, જયાબા, લખતરના ખૂબ ગરીબ બ્રાહ્મણ કુટુંબનાં વિધવા. પાંચ સંતાનોનાં માતા. હવેલીનાં કૂવે પૂજાનું પાણી ભરી ઘરનું ગુજરાન ચલાવે પણ ખમીરવંતા. કદી કોઈ પાસે હાથ લાંબો નહીં કરવાનો.
મોટો પુત્ર ગિરીશ, ત્રીસીના દાયકામાં છેક કલકત્તા પ્રેસનું કામ શીખવા ગયેલો. પાછાં ફરતાં `બહુરૂપી’માં ચંદુભાઈએ નોકરી આપી, ત્યાં એ મારા પિતાને મળ્યા. એ પણ `બહુરૂપી’માં રહસ્યકથા લખતા.
સ્વભાવે રૂઢિભંજક અને પ્રગતિવાદી વિચારોવાળા પિતાને એમની બહેન સાથે એમણે લગ્નની વાત મૂકી. માંડ બે-ચાર ચોપડી ભણીને માત્ર અક્ષરજ્ઞાન ધરાવતી, ગરીબ વિધવામાતાની પુત્રી લલિતા સાથે મારા પિતાએ લગ્ન કર્યાંં.
સૌરાષ્ટ્ર’માં કામ કરતાં, ગામડાં ખૂંદતાં એમણે સ્ત્રીઓની કષ્ટભરી જિંદગીનો મોંમેળો ક્યાં નહોતો કર્યો! એટલે એક સ્ત્રીને નવજીવન આપવાની પણ તીવ્ર ઇચ્છા. નાનો શિશિર અને પત્રકારત્વનું જોખમી અને પઠાણી ઉઘરાણી જેવું કામ. રસોઈ સાથે પોતાનું લેખન, એ માટે પણ એક સાથીદારની જરૂર હતી અને ધૂમકેતુ વ. મિત્રવૃંદનો અતિ આગ્રહ.
એ વખતના પરંપરાગત સમાજમાં એમણે કૉર્ટ-મેરેજ કર્યાંં. ધૂમકેતુ, મનુભાઈ જોધાણી વ. મિત્રોએ સહી કરી અને બાઇબલ પર હાથ રાખી શપથ.
થઈ રહ્યું! નાગરી નાતમાં જબરો ઊહાપોહ, આ શું! જ્ઞાતિબહાર લગ્ન! તેમાંય `ફૂલછાબે’ `ક્રાંતિકારી લગ્ન’ મથાળે આ સમાચાર છાપ્યા. અત્યાર સુધી પોતાના જાણીતા સાહિત્યકાર ગનુભાઈ પર ગર્વ કરતી નાગરી નાત સખત નારાજ થઈ.
ગનુએ ભલે બ્રાહ્મણ પણ નાગર નહીં એવી સ્ત્રી સાથે લગ્ન અને કૉર્ટ-મેરેજ કર્યાંં. ગનુએ નાતનું નામ બોળ્યું. અને પિતાને નાતબહાર મૂક્યા. પણ એમને શો ફરક પડે? એ તો સેતાવાડમાં હતા ત્યારે પણ જ્ઞાતિનાં રીતરિવાજો, પરંપરાઓની સુધારણા માટે હસ્તલિખિત માસિક ચલાવતા. અમદાવાદમાં લગ્ન રજિસ્ટર કરાવી, નવી જિંદગીનું નવું નામ લલિતામાંથી નીલા રાખ્યું.
રાણપુરમાં લગ્ન પછી ઘરબહાર નીકળે તો ઘણી વાર ડંડો સાથે રાખતા, ગમે ત્યારે કોઈ હુમલો કરે તો!
પણ પડછંદ મજબૂત શરીર, લડાયક મિજાજ અને પત્રકારની અસિધારા જેવી કલમ હાથમાં. આમ પણ નિર્ભયતાનું વરદાન તો શૈશવમાં જ પિતા પાસેથી મળ્યું હતું. જેના અચૂક નિશાબાજ પોલીસ ઑફિસર પિતાએ એક ગોળીએ સિંહને વીંધી નાંખ્યો હતો, લૂંટારાઓની ટોળીનો સામનો કર્યો હતો, એમને વળી શેનો ડર!
આમ, મારી બા રાણપુર આવી. એને માટે આ અજબ દુનિયા હતી પત્રકારત્વની. જીવન પણ ઘણું કઠિન, પણ એ હંમેશાં, જિંદગીભર પતિના ખભેખભા મિલાવી ઊભી રહી. આવતાંવેંત નાનકડા શિશિરને છાતીએ ચાંપ્યો.
એ અમારી બા! માતા-પિતાનું આજીવન પ્રસન્ન અખંડ દાંપત્ય, અમારા સહુનાં જીવનને પણ અજવાળતું રહ્યું.
(ક્રમશ:)