પોશનૂલનું પુનરાગમન ~ કાશ્મીરી વાર્તા ~ મૂ. લે. ચંદ્રકાંતા ~ અનુવાદ : પન્ના ત્રિવેદી
જૂની, થીંગડાવાળી રજાઈ જેવાં વાદળાં વચ્ચેથી થોડું ચોંકીને સૂર્યએ બરફની કબરમાં દટાયેલી ધરતીને જોઈ તો નળિયાંવાળાં છાપરાંની નમેલી છતો પરથી લટકતાં પાણીદાર મૂળિયાં જેવી સફેદ શિશિર ગાંઠો ઉષ્ણતાના સ્પર્શથી પીગળવા માંડી.
કાબરચીતરા થીંગડાવાળી ‘બંડપૂરી ચાદર’માં લપાયેલા મહદૂએ ચંદ્રની ચમક જોઈ કે બંને હાથ ઉપર ઉઠાવી માથું ઝૂકાવ્યું. ‘તારો ઉપકાર પરવરદિગાર… છેક બે મહિને તારા બંદાઓ પર રહેમનજર તો કરી..!’
ચોક વચ્ચે બેઠેલી ખદીજા ચોખાના લોટની પડવાળી રોટલીઓ બનાવી રહી હતી. ધણીના શબ્દો સાંભળતાં જ તવી પર હથેળીના ટેરવાંથી રોટલી થપથપાવતી અકારણ જ તમતમી ઊઠી : ‘અલ્લાહ રે અલ્લાહ ! વરસોવરસ આકાશ તાકી રહેનારને કોઈ પૂછે કે કઈ ઘડીએ સૂરજ ગાંધારબલમાં સંતાયો ને કઈ ઘડીએ હરમુખ પાછળથી નીકળ્યો, તો એ તે જ ક્ષણે કહી નાંખવાનો.’
મહદૂએ પતરાંનો એક ટુકડો લઈને સગડીની ઓલવાતી જતી આગ જરા સંકોરી, વચ્ચોવચ્ચ ગોઠવીને સરખી કરી અને ગરમાગરમ ફૂલકાંમાંથી આવતી સોડમથી ખુશ થઈ જઈને હસી પડ્યો : ‘તને કોણ રોકે છે આકાશ જોતાં ને દિવસ કે ઘડીઓ યાદ રાખતા, હેં?’
‘મને શું ખાખ યાદ રહેવાની દિવસ કે ઘડીઓ? ખદીજાએ ઉકળતા કડવા ઉકાળા જેવો એક નિશ્વાસ નાંખ્યો: ‘આપણા નસીબમાં તો દિવસના ચારેય પ્રહર મજૂરી જ લખાઈ છે…’
મહદૂએ દયાથી ખદીજાના કરચલીવાળા ચહેરા પર લીંપાયેલી ઉદાસીભરી નારાજગી જોઈ અને અનુમાન કરી લીધું કે સવાર સવારમાં દીકરા કે વહુ સાથે કંઈક ખટપટ થઈ લાગે છે.
રોટલી ઉથલાવતી ખદીજા જાત સાથે વાતે વળગી : પરોઢિયે આંખ ખોલું ત્યારની તે છેક રાતના છેલ્લા પ્રહરની છેલ્લી ઘડી લગી લાકડું બની ગયેલી કેડ સીધી કરું છું તો ય ગામ આખું બળે છે, મારા નસીબથી. છોકરાં જણ્યાં છે તે ! પણ છોકરાંની આવતીકાલ જો સોનેરી દેખાતી હોત તો હું ય આકાશ ભણી તાકી રહેતી ના હોત !’
‘અરે છોડ ને આ તો રોજેરોજનું છે ! મન મોટું રાખ. તારા જ કૂખે જન્મેલાનું ખોટું લગાડીશ તો ગામ આખું એકમાં ચાર જોડી નાંખી તમાશો જોશે. છેવટે તો છોકરો છે ને! જાતે સમજી જ જશે.’
‘સમજી જશે અનુભવોથી.’ મહદૂ આમ જ કહે છે, જ્યારે પણ ખદીજા સંતાનોની ફરિયાદ કરે છે. આ એક જ જવાબ પણ મહદૂ જાણે છે કે સંતાનો ભણીગણીને સમજદાર થઈ ગયાં છે. મા-બાપની દરેક વાતમાં મીનમેખ શોધવાને પોતાનો અધિકાર સમજે છે. ઘરનાં કુલ પાંચ જણામાં સવારથી સાંજ લગી આવી ફાલતુ કચકચ ચાલતી જ રહે છે. નવી વહુ બપોર લગી પથારી છોડતી નથી. રાતના મોડે સુધી ચોપડીઓ ખોલીને બેસી રહે છે. ભણેલી ગણેલી છે તે ! તેનેય પોતાના શોખ છે. પોતાની પસંદ છે. ગાય દોહતા આવડતું નથી. ગાયના આંચળને અડતાં જ કંપી ઊઠે છે. ગામડું-ઘરનો ચૂલો તેને સહેજેય ગમતાં નથી. છાણાંના ધુમાડાથી વહુની આંખો કડવીવખ બની જાય છે, શહેરના ગેસના ચૂલાની ટેવ છે તે ! ખદીજા એકલી જ અંદર-બહારનું બધું ય સંભાળે છે. સો ઝંઝટ. ઉપરથી વહુને ‘શીર–ચા’ ભાવતી નથી. એ તો ઇન્ગ્રેજી લપટન ચા જ પીશે. જાણે તેની સાત પેઢીઓએ એ જ ચા પીધી હોય! હજી બારમું ધોરણ ભણી જ છે ત્યાં તો મગજ ભમી ગયું છે. તારિખના મોંમાં તો મગ ભર્યા છે. બીતો હશે. શહેરની છોકરી પરણી લાવ્યો છે. ઊંચ–નીચ થોડું જ કંઈ સાંભળવાની છે..!
એક આપણી નૂરી છે, શહેરમાં પરણાવી છે. દસ જણના વસ્તાર સાથે ઊછરી છે નૂરી. સભ્ય લોકો સાથે ઊઠ-બેસ છે. ખોટાં કામ થોડી જ કરે છે કંઈ! વહુ તો ચાર અક્ષર ભણીને બગડેલીઓ સાથે બહેનપણા બાંધી બેઠી, તો સંગતની અસર તો પડવાની જ ને! -મહદૂએ વિચાર્યું આવું કહી નાંખે, પણ ટાળી દીધું. નકામી દલીલ. વાત વધારવાની મહદૂને ટેવ નથી.
વાત બદલવા માટે જ મહદૂ ઢોરોનાં વાડા ભણી ચાલ્યો ગયો. તાજી જ વિયાવેલી ગાયનું વાછરડું ભાંભરી રહ્યું હતું. તેની સુંવાળી કાયા જોતા વેંત જ મહદૂ ચોંકી ઉઠ્યો. અંદરની છતમાંથી ટપટપ પાણી ટપકવા માંડ્યું હતું. મહદૂએ વાછરડાને થાબડીને, પંપાળીને ઉઠાડ્યું. જૂની ગોદડી પાથરીને તેને કોરી જગ્યાએ સુવડાવ્યું અને જ્યાં જ્યાંથી છત ટપકતી હતી ત્યાં ત્યાં નીચે તાસ-તગારાં મૂકી આવ્યો.
તારિખને કહેલું છત પર ઘાસના પૂળા દસ-વીસ નાંખી આવજે. નાલાયકે આ કાનથી સાંભળ્યું નથી ને પેલા કાનેથી કાઢ્યું નથી. છાપરું ટપકે તો છે જ, પણ બરફના ભારથી નીચે સરકવા ય માંડ્યું છે. હવે શું બરફ ખેરવવાનો એ લાટ સાહેબ!’
‘લો, સાંભળો! સ્કૂલ – કૉલેજ જનારા લોકો આવતાં–જતાં તમારો આ વાડો ફેંદતા રહેશે, મજૂરોની જેમ બરફ ખસેડાવતા રહેશે. આવી અક્કલ તો તને ઘરડે ઘડપણ જ સૂઝી!’ બેજવાબદાર છોકરાઓ પરનો બળાપો ખદીજા પતિ પર કાઢવા માંડી.
‘અક્કલ તો બળી હતી જ ક્યાં? તારા તીસમારખાં છોકરાઓને જ પૂછ ને. જેની મૂછો પલળી નથી કે બાપ અક્કલમઠો થયો નથી… તો ય ઉપરવાળાની દયા… ચાલ, પકડાવ આ તગારું.’ તેણે થોડો બરફ ખેરવી નાંખી છાપરાનું વજન ઓછું કરી નાંખ્યું. આ મૂઆઓની રાહ જોવા જોવામાં જ જો એકાદ બરફનું ચોસલું નીચે આવી પડ્યું તો મૂંગા ઢોરાં મરી જશે.’
પગથિયાં પર કાળજીથી પગ મૂકીને મહદૂ વાડાની છત પર ચઢી ગયો. પાવડા ભરી ભરીને બરફ ફેંકતી વખતે તેને અંદરથી સતત કશુંક વીંધતું રહ્યું. જ્યારે જ્યારે તે તારિખ અને ફઝલ વિશે વિચારતો તેનો અંતરાત્મા તેની પર ફિટકાર વરસાવતો : ‘મહદૂ, તને તારું કુટુંબ સંભાળતા ના આવડ્યું.’
વિચારોના જંગલમાં ઘેરાયેલા મહદૂને ત્યારે સંસારચંદની વાતો યાદ આવી જતી : ‘મહદૂ, તું ચાર દા’ડા માટે ગામડે ગયો નથી કે મારા ઘરની ડિસિપ્લીન બગડી નથી. છોકરાઓને ઓર્ડરમાં રાખતા તો તને જ આવડે છે હોં ! ’
પણ મહદૂના છોકરાઓ તેના ઓર્ડરમાં ક્યાં હતા? છોકરાઓ મોટી સ્કૂલોમાં ભણવા ગયા કે નાના બાપના સંસ્કારો જૂનાં કટાયેલાં ઓજાર જેવાં નકામાં બની ગયાં.
પહાડોનાં શિર સફેદ તાજના અભિમાનથી આકાશ સ્પર્શી રહ્યા હતાં. બર્ફીલી હવાઓની ઝપેટમાં આવી ગયેલું આંગણું સાવ ઠુંઠવાઈને ઊભું હતું. ચકલી, કાબર, બુલબુલ દૂર દૂર સુધી કોઈ પંખી નજરે નહોતું ચડતું. નગ્ન ડાળખીઓ બરફના ગુચ્છાથી લદાઈ, સંકોચાઈને ઊભી હતી, ઉદાસ …!! વસંતની ઋતુમાં આ જ શેતૂરનું વૃક્ષ સફેદ, ગુલાબી અને લાલ રસ ભરેલાં ફળોથી મહેકતું રહે છે ત્યારે શરમાળ પોશનૂલ (પોશનૂલ – પંખીનું કાશ્મીરી નામ) નાનાં નાનાં પર્ણોની ઓથે સંતાઈને કલબલાટ કરે છે. મહદૂ એ વસંત કદી ભૂલી શકવાનો છે જ્યારે બબલાલ બાળકોને લઈને તેની ઘેર આવેલો ! છોકરીઓ તો આ વૃક્ષો સાથે લાગણીથી બંધાઈ ગયેલી. ખાટાંમીઠાં રસભર્યાં શેતૂર અને ડાળખીઓની ઓથે સંતાકૂકડી રમતાં પીળા-સોનેરી રંગવાળા પોશનૂલ હઈ…યો…હઈ…
‘મહદૂકાકા, આ પોશનૂલ શું કહે છે ?’
‘પોશનૂલ કહે છે : શ્રીકૃષ્ણ ગૂપિયો, વોડિ છય ન ટૂપિયો…
નાના નાના હાથથી તાળી વગાડતી કમલી મહદૂના માથેથી ઈરાની ટોપી ખેંચતી બોલી : ‘ચાલો જાવ હવે, આ તે કંઈ રમત કહેવાય?’
મહદૂ આંખોમાં બનાવટી ગુસ્સો દેખાડતા કહે છે. ‘તારા સમ. મેં તો કંઈ નથી કર્યું.’
દુર્ગી પાછળ ટોપી સંતાડતી નિર્દોષતાથી જુએ છે : ‘એ તો પોશનૂલ લઈ ગયા…’
‘ધત! પોશલૂન કંઈ વાંદરા છે કે ટોપી લઈને ભાગી જાય!’
મહદૂ દુર્ગીની પીઠ પાછળ સંતાડેલી ટોપી ખેંચીને, પોતાના કુર્તાથી લૂછી નાંખીને માથે મૂકે છે: ‘ગાંડી છોકરી ! પોશનૂલ તો એવું યાદ અપાવે છે કે ટોપી પહેરો. ટોપી હયા બક્ષે છે. જેમ પાઘડી ઈજ્જત બક્ષે તેમ.’
પછી પાઘડી અને ટોપી વચ્ચેનો ભેદ સમજાવતો મહદૂ છોકરીઓને લાજ–મર્યાદાની વાતો કરતો. પંખીઓના અર્થહીન ધ્વનિઓના અર્થ ઉકેલતો. એ પછી મજાલ છે કે કમલી અને દુર્ગીએ ક્યારેય ટોપીને હાથ પણ અડાડ્યો હોય !
કમલી-દુર્ગી હવે મોટી થઈ ગઈ છે, છૈયાંછોકરાંવાળી. દૂરના દેશોમાં પોતપોતાનો સંસાર લઈને ગોઠવાઈ ગઈ છે પણ મહદૂની નજરે તે હજી નાની છોકરીઓ જ છે. તે જ યાદો, તે જ દૃશ્યો આંખ આગળ તરવર્યાં કરે છે. આવા જ જામી ગયેલા બરફમાં મહદૂ કમલી-દુર્ગી માટે કૂતરાં–બિલાડાંથી લઈને જાત-ભાતનાં પ્રાણીઓ બનાવતો. કમલીનું દૂધિયું કપાળ બર્ફીલી હવાઓથી ચમચમ ચમકતું.
‘તમે ‘રાહચોક* જોયું છે મહદૂકાકા?’ (*રાહ્ચોક : કાશ્મીરી લોકમાનસમાં એક એવો વિશ્વાસ છે કે ‘રાહ્ચોક ‘ નામનું એક પ્રેત છે જે સૂમસામ જગ્યાએ કોઈ યાત્રીનો રસ્તો ભુલાવી દે છે અને કોઈ ખોટા જ રસ્તે ધકેલી દે છે.)
‘હાસ્તો ! બર્ફીલી રાત્રે તે નદી–નાળાં પાર કરે છે. હાથમાં દીવો લઈને ઊંધા પગે ચાલે છે.’
‘ના રે… બીકણ લોકોને બીવડાવે છે. જે બહાદુર હોય છે તેનાથી ડરીને તો જાતે જ નાળામાં ભરાઈ જાય છે.’
દુર્ગી – કમલીને વાર્તાઓ સાંભળવાનો ભારે ચસકો હતો. દુનિયાભરનાં પંખીઓની વાર્તાઓ. સાંજ ઢળતાં જ આકાશી પક્ષીઓનું એક સરઘસ નીકળતું, મહદૂને કોઈ પણ જગ્યાએથી શોધીને તે લઈ આવતી : ‘ક્યાં જાય છે આ ચકલીઓ મહદૂકાકા?’
‘ચકલીઓ આ ટાણે તેમના ઘેર પાછી જાય છે.’
‘મોટા અખરોટના ઝાડ પર? ત્યાં કોણ રહે છે મહદૂકાકા?’
‘ત્યાં તેમનાં બચ્ચાં રહે છે. ચાંચ ખોલી દાણાની રાહ જુએ છે. મા આવશે, બાબા આવશે, દાણા–પાણી લાવશે. નાની નાની ચકલી ખાશે.’
‘સાવ કાચા દાણા ખાશે? તેને પેટમાં નહીં દુખે?’ દુર્ગી આશ્ચર્યથી સવાલ પર સવાલ પૂછતી.
મહદૂ તેનાં વાક્યોમાં સુધારો કરતો. કાચા દાણાની વાત તેણે આ પહેલાં ય કરી હતી. કમલી વીણ્યા વિનાના ચોખાના ઢગલામાંથી જ મુઠ્ઠા ભરી ભરીને ફાકવા માંડી હતી. કાકની મા વઢી તો બોલી : ‘ચકલીઓ પણ કાચા દાણા ખાય છે. મહદૂકાકા કહે છે.’
કાકની માએ મહદૂને બોલાવીને પૂછેલું : ‘કેમ મહદૂ, આ ચકલીઓ કાચા દાણા ખાય છે તો પેટમાં નહીં દુખે?’ મહદૂ ઈશારો સમજી ગયો.
‘હા કાકની મા, ચકલી, પહેલાં તો ચૂલો સળગાવે છે. ચકલો સળી – તણખલાં લાવે છે ત્યારે ચકલી ખીચડી રાંધે છે ને પછી જ બચ્ચાંને ખવડાવે છે.’
‘ચકલી પાસે હાથ તો નથી ! કેવી રીતે ખવડાવશે?’
દુર્ગી સફેદ દંતપંક્તિ ઝળકાવતી મહદૂના અધકચરા જ્ઞાનને પડકારતી.
‘એ તો ચાંચથી ખવડાવે છે. જોઈ છે ને તેં? ચકલીઓ બધું જ કામ ચાંચથી કરે છે.’
દુર્ગી – કમલી કેટલાં હળીભળી ગયેલાં મહદૂ સાથે ! કોયલ જોઈને તો છોકરીઓ ખુશીથી ઊછળી પડેલી. ઊંચા ચિનારનાં નકશીદાર પર્ણો વચ્ચે મીઠા સૂરે આલાપતી કોયલનાં ગીતોનો અર્થ મહદૂ સિવાય બીજું કોણ ઉકેલી શકવાનું હતું? મહદૂ બંને હાથોનો ગલ્લો બનાવી શંખ વગાડવાના અંદાજમાં એવી રીતે ફૂંક મારતો કે સંગીતમય અવાજો ફૂટી નીકળતા. અદ્દલ કોયલનો અવાજ – ગુ – ગુ – ગુ… ગુ ગુ ગુ…!
‘શું કહે છે આ કોયલ મહદૂકાકા?’ કમલી રણકતી.
ત્યારે મહદૂ કહેતો કે કઈ રીતે કોયલ વેદનાભર્યા સૂરોમાં પોતાના ઘાની ફરિયાદ કરે છે. ‘ ગુ ગુ ગુ… ગુ ગુ ગુ માજિ લાંયનમ, કાજ્વારે સૂત્ય, વ્યનિ લોયનમ યનિ કાનિ સૂત્ય…’
******
‘સાચે જ માએ ખલનો દસ્તો માર્યો?’
‘તો ના મારું? રસોડામાં ભાત રાંધતા મારી કડછી એંઠી કરી નાંખી તે..!’
‘બહેન, કેમ માર્યું?’
‘બહેન ચરખો કાંતી રહી હતી તો કંતાઈ ગયેલી પૂણીઓ લઈલઈને રમવા માંડી. તમે જ કહો, ગંદી ના થઈ જાય પૂણીઓ? તું જ કહે તો, આ કંઈ રમત કહેવાય?’
તારિખે દૂરથી જ બાબાને બરફ ઉતારતા જોયા અને ગુસ્સે થઈ ગયો. વજનદાર ભીના બૂટ બહાર ઓશરીમાં જ કાઢતાં કાઢતાં માને કહેવા માંડ્યો : ‘બાબા જાતે જ બરફ કેમ ઉતારે છે? ઠંડી ભરાઈ જશે તો મુસીબત ઊભી કરશે પાછાં. આમે ય આખો દિવસ છાતીમાં ખો–ખો થયા કરે છે.’
મહદૂ લંગડાતી ચાલથી સુન્ન થઈ ગયેલા પોતાના પગને ઝટકારતો જમીન પર ટેકવી રહ્યો હતો. જાણે કે ઘૂંટણ નીચેનો ભાગ બરફ જ બની ગયો હોય ! છોકરાની વાત સાંભળીને જડબામાં ઝણઝણાટી થઈ આવી: ‘કેમ, શું છે ’લા તારિખ, હવે ગરીબોય તેમનું કામ નોકરો પાસે કરાવશે, એમ?’
‘..પણ બાબા.. તમને પહેલેથી જ શરદી થઈ ગઈ છે… નાહકના…’
‘એ તો છે જ…પણ કરવાનું તો મારે જ હતું ને…’
મહદૂના ગંભીર અવાજે તારિખનો ગુસ્સો વધારે ભડકાવી દીધો : ‘જરૂરી નહોતું બાબા… પણ તમારી તો જિંદગીભરની ટેવ ખરી ને ચાકરી કરવાની…!’
‘જિંદગીભરની..?’ મહદૂનો ગંભીર ચહેરો વધારે તંગ બની ગયો. લમણાની લીલી નસો ફડકવા લાગી : ‘તું એમ જ કહેવા માંગે છે ને કે મેં આજીવન ગુલામી જ કરી? હા, કરી જા… પણ આ ચાકરી જો તેં કરી હોત તો તનેય માલિક થવાની ઈચ્છા મનમાં ક્યારેય ન થાત..’
ખદીજાએ આંખના ઇશારાથી જ છોકરાને વધારે જીભાજોડી કરતાં અટકાવી દીધો.
ચૂલાના સળગતા લાકડાના અંગારાથી ખદીજાએ મહદૂની સગડી તપાવી દીધી. ઠંડીથી સુન્ન પડી ગયેલા હાથ મહદૂએ શેકી લીધા. આંચથી મીઠી ખણ અનુભવતું તેનું મન અતીતની ઘાટીઓમાં ભટકવા માંડ્યું – હા કરી છે મહદૂએ ચાકરી. સંસારચંદની – ના, બબલાલની. નામ લેતાં જ અપરાધ કર્યાની અનુભૂતિ થાય છે. તારિખ સાવ ખોટો ય નથી. તે એને ચાકરી જ માનશે. પહેલા પટાવાળો ને પછી ઘરનો નોકર.
દૃષ્ટિદૃષ્ટિનો ફેર. લોકોએ મહદૂની ચાકરી જોઈ, બબલાલનો વ્યવહાર ન જોયો. ખાતાં ખાતાં મહદૂની ‘બુશકાબ’માં ડોકિયું કરી તૃપ્ત થતા બબલાલની નિરાંત ન જોઈ. તેમણે બબલાલને યખની અને રોગન* જોશના (* યખની અને રોગન – એક પ્રકારની માંસાહારી વાનગી) સ્વાદની પ્રશંસા કરતા મહદૂને ન સાંભળ્યો. અને કાકની માનો મમતાભર્યો જવાબ : ‘જો મહદૂ, કાલથી તું તારા બબલાલ સાથે બેસીને જ જમજે. તને ઘડીએ ઘડીએ પૂછી પૂછીને મારી દાનત પર શંકા કરવાનો કોઈને ગુનો તો ન કરવો પડે!’
શરમ અને અભિમાનથી મહદૂના કાનની બૂટ લાલ લાલ થઈ જતી: ‘કાકની મા! માલિક અને નોકરને એક સાથે જમવા બેસાડીને મને નરકમાં ધકેલવા માંગો છો કે શું?’
‘ના મહદૂ ના…’ બબલાલ હુક્કાની નળી મોમાંથી કાઢી નરમ અવાજે બોલ્યો : ‘તું તો મારો ભાઈ છે. તારા ઉપકાર આ જન્મે ભૂલીશ તો પરલોકે દુર્ગતિ પામીશ..’
મહદૂનો ઉપકાર બબલાલ ભૂલ્યો નહોતો, પણ શું મહદૂએ સાચે જ બબલાલ પર કોઈ ઉપકાર કરેલો? કાકનીને તો પોતે મા સમજતો હતો અને દુર્ગી-કમલી શું પોતાની નૂરીથી જુદી હતી?
જુદી હોત તો મહિના લગી મહદૂના ગામડે રહી પડવાથી અકળાતી હોત? વરસતા બરફમાં ઠંડીથી ઠુંઠવાઈ ગયેલી બારીમાં બેસી રહેતી હોત? ક્યારેક ક્યારેક પરદેશ ગયેલા બબલાલને બોલાવતી હતી બરાબર તેવી જ રીતે? : ‘શીના પ્યાતો કાકા ! યિતો યિતો …(વરસતા બરફ તું અહીંથી જા… કાકા આવી જાવ… જલ્દી આવી જાવ…)
મહદૂ જ્યારે પણ પાછો ફરતો, કાકની મા છોકરીઓની વાતો તેને અત્યંત ભાવથી સંભળાવતી. દુર્ગી – કમલીની લાગણીએ સહજ રૂપે જ મહદૂને કાકાના આસન પર બેસાડ્યા હતા.
એકાએક સમય ક્રૂર બની ગયેલો. અંગ્રેજ ગાદી છોડીને જતાં દેશનું વિભાજન કરતા ગયા. ભાઈ-ભાઈ ક્રૂર રાક્ષસ બનીને એકમેકના લોહી તરસ્યા બન્યા હતા. એ જ રમખાણ મુજફ્ફરાબાદના રસ્તે થઈને બારામુલ્લા સુધી પહોચી ગયું હતું. તે દિવસોમાં બબલાલ બારામુલ્લાની હાઈસ્કૂલમાં હેડમાસ્તર હતા અને મહદૂ એક પટાવાળો. ઘર–ગામ દૂર હોવાના કારણે મહદૂ સાહેબના ઘરે જ રહેતો અને બાળકોને રમાડતો.
તે રાત મહદૂ કઈ રીતે ભૂલી શકે? અષાઢ–કાર્તિક માસની આછી આછી ઠંડીથી વીંટળાયેલી મૂંગી રાત. દૂધિયા ચાંદનીમાં કોઈ બાળકની જેમ સૂતેલો આખો કસબો. અડધી રાત્રે અચાનક સન્નાટાનું કાળજું વીંધી નાંખતી બંદૂકો અને ગોળીઓના અવાજો ધરતી ધ્રુજાવી ગયેલાં. બંગલાની ઓશરીમાં સૂતેલો મહદૂ રઘવાયો થઈને જાગી ગયેલો. એક ક્ષણમાત્રમાં જ આખો કસબો પશુઓના પંજા – નહોર અને નિર્દોષોની ચીસો વચ્ચે હાંફવા લાગ્યો હતો. શું થયું તે જાણવા તે ગલીમાં ગયો ત્યારે તેના શ્વાસ જ થંભી ગયા. દહેશત તેના પર હાવી થઈ ગઈ. ગભરાઈ જઈને ભાન ભૂલી જઈને લોકો ભાગી રહ્યા હતા અને ભાગવાના પ્રયાસોમાં ગોળીઓનો શિકાર બની રહ્યાં હતાં. અનાજની કોઠીઓ અને ભોંયરાઓમાં સંતાયેલી સ્ત્રીઓને રાક્ષસો ખેંચી ખેંચીને પીંખી રહ્યા હતા.
એ જ સમયે રસૂલ મિયાં, લતીફ બેગ અને ગફાર મહદૂ તરફ આવી ગયેલા : ‘મહદૂ, તારા માસ્તરનો જીવ બચાવવા માંગતો હોય તો તેની વહુને બહાર મોકલ અને તેની છોકરીઓને ય.’
છોકરીઓનું નામ સાંભળતાં જ મહદૂનું લોહી ઊકળી ઊઠેલું. સહુએ પોતાનો જીવ બચાવવા માટે ધર્મના નામે દુશ્મનો સાથે સાંઠ-ગાંઠ કરી લીધેલી. તેઓ ‘જર, જમીન અને જોરુ’ ભૂખ્યા કાબુલીઓને સ્ત્રીઓ સોંપી રહ્યા હતા. એમની દાનત સમજી જઈને તે પાછાં પગલે અંદર આવ્યો અને અંદરથી બારણું બંધ કરી દીધું.
અંદર, બબલાલ રાખ જેવા ચહેરાથી તેને તાકી રહ્યો હતો. તેણે પોતાની પાઘડી મહદૂના પગમાં મૂકી દીધી. એ વખતે ભૂકંપથી વધારે તો તેને બબલાલની યાચનાભરી આંખો ધ્રુજાવી ગઈ હતી.
તેણે પાઘડી ઊંચકીને ઝડપથી માથે મૂકી દીધી અને બબલાલના માથે હાથ ફેરવ્યો. પછી તેમને માથા પરનું ચંદન લૂછી નાંખવા અને જનોઈ ઉતારી દેવાનો ઈશારો કર્યો. તેણે પોતાના કમીજ-સલવાર બબલાલને પહેરાવી દીવાલ કુદાવી શ્રીનગરના રસ્તે મોકલી આપ્યા. પોતે કમલી-દુર્ગી અને કાકનીને લઈને પાછલા બારણે નીકળી ગયો. મા-દીકરીઓને ઘરમાં સંતાડી દીધાં. બે દિવસ તો દુર્ગી-કમલીને નૂરીનાં કપડાં પહેરાવી દીધાં અને કાકની માએ ફિરન છોડીને ખદીજાનાં કપડાં પહેર્યાં ત્યારે મહદૂની આંખો ભોંયમાં ખોડાઈ ગઈ : ‘કાકની મા, તમારા માટે હું અલ્લાહ પાસે ઈમાન અને ઈજ્જતની સુરક્ષા માંગીશ. તે આ અત્યાચારો ખિલાફની લડતમાં મને સાથ આપે.’ કાકની મા ચોધાર આંસુએ રડતાં રડતાં મહદૂને ભેટી પડી.
થોડા દિવસો પછી જ્યારે દિલ્લીથી આવેલા સેનાના વીર જુવાનોએ કાબુલીઓને મુજફ્ફરાબાદ સુધી પાછળ ખદેડી દીધા ત્યારે મહદૂ તે બધાંને લઈને શહેર પાછો ફર્યો હતો.
ગફાર અને લતીફના હાથે મહદૂ અપમાનિત થયો હતો. તેમણે મહદૂને દીનોઈમાનફરાશ અને કાફિર સુધ્ધાં કહી નાંખ્યો હતો. ‘એવી તે કેવી કર્તવ્યનિષ્ઠા? દુશ્મનોને જો જરાક સરખી પણ ખબર પડત તો આખા ય ઘર અને મહોલ્લાના ટોળાને ગોળીઓથી વીંધી ન નાંખત? જાન હૈ તો જહાન હૈ.”
મહદૂ પોતાની જાત-બિરાદરીથી કપાઈ રહ્યો હતો. તેની સમજણમાં દીનથી ય વધારે એવી કોઈક ચીજ હતી જે તે લોકોને સમજાવી નહોતો. શકતો.
શા માટે સહ્યું આ બધું મહદૂએ? બસ, કેવળ માલિક-નોકરના સંબંધે જ? મહદૂ તારિખને આ જ સવાલ પૂછવા માંગે છે. તે તો ભણેલો ગણેલો છે, બુદ્ધિશાળી છે ! પણ ના, મહદૂ નહીં પૂછે. થોડાં વરસ પછી તારિખેય બાપને આ જ વાત પૂછી જોઈ પણ જરાક સારા શબ્દોમાં.
મહદૂ આશ્ચર્યથી દીકરાને જોતો રહ્યો. ભીડની વાતોની તેણે ક્યારેય પરવા નહોતી કરી. ભીડને ન તો દિમાગ હોય છે ન તો કાન, પણ તેનો પોતાનો જ દીકરો તારિખ? જે બબલાલની મહેરબાનીથી જ જ્ઞાનનો હકદાર બન્યો, તેમણે જ તારિખના ભણતરનો ખર્ચ ઉઠાવ્યો, સાહેબ બનાવ્યો, આજે તેમની જ મહેરબાનીથી તારિખ એક મોટી સ્કૂલમાં સાહેબ બની ગયો છે… નહીં તો મહદૂ કદી ય વિચારી શકત કે તેના જેવા અંગૂઠાછાપનો છોકરો આમ બીજા પર આળ નાંખે! પણ તારિખના શબ્દોમાં બાપના વિચારોની અસર કેમ નહોતી? આવા જ્ઞાનનો શો ફાયદો જે પોતાનાં સ્વજનોને જ ન ઓળખી શકે?
મહદુ સમજી શકતો નહોતો કે બે-ચાર ચોપડી ભણીને માણસ કઈ રીતે વૃદ્ધોના અનુભવોને ખોટા ઠેરવી શકતા હશે?
‘કેવી કેળવણી છે આ?’ મહદૂ દીકરાને કહ્યા વગર ન રહી શક્યો : ‘પ્રેમ, ઈમાન અને માણસાઈ જેવા શબ્દો તારી ચોપડીઓમાં નથી લખ્યા કે? અમે તો જીવનભર…’
તારિખ પિતાના હિસાબ-કિતાબમાં પ્રેમ, ઈમાન અને માણસાઈની પૂજા સિવાય કોઈ સાચો ઉત્તર ન આપી શક્યો. માન નથી મેળવી શક્યો. જીવનભરની ભાગદોડનું કોઈ તો પરિણામ હોય ! કંઈક એવું મેળવેલું જે માત્ર પોતાનું હોય…
પિતાની વાતને તે તર્કની કસોટીની એરણે ચઢાવે છે – ‘પ્રેમ, સ્નેહ. આદર, ઈમાનનો હિસાબ બરાબરીવાળા સાથે બંધ બેસે છે બાબા. આમ, જીવનભર માથું ઝુકાવીને પારકાંની ગુલામી કરવાને પ્રેમ, આદર કહેવાનો જમાનો હવે નથી રહ્યો. લાગણીવેડા છોડી દો બાબા, તમે જીવનભર સંસારચંદના નોકર જ રહ્યા ! અને તેમના માટે એ જ ગુલામી હજી ય તમારી અંદર ભરેલી છે. તમે એમ માનો છો કે તેમના બાળકો તમને યાદ કરતા હશે? આટલાં વર્ષોમાં તો તેઓ એ પણ ભૂલી ગયા હશે કે ક્યારેક તમે તેમને ઉછેર્યાં હતાં?..’
તારિખ પિતાને આશ્વસ્ત કરતું સ્મિત આપે છે – ‘તમે પેલા નવાબની વાર્તા કહેતા હતા ને કે જે દર મહિને એક સોનામહોર અને બીજાને થપ્પડ ઈનામમાં આપતા હતા ! થપ્પડ ખાનારો નોકર ઉતાવળો અને કામચોર હતો અને સોનામહોરવાળો મહેનતુ અને પ્રમાણિક, પણ હતા તો નોકર જ ને ..!’
મહદૂ હવે દલીલ બંધ કરી દે છે. બાપનાં જૂતાં દીકરાના પગમાં બંધબેસતા આવી જાય ત્યારે દીકરાનો પણ થોડો આદર કરવો પડે છે. વળી મહદૂ એ પણ જાણે છે કે પુસ્તકિયું જ્ઞાન જિંદગીભરના મેળવેલા અનુભવથી અલગ હોય છે. ઉંમરના અનુભવનો રંગ તેની પર ન ચઢે તો એક ઉણપ તો રહે જ છે. હવે તો પોતે પણ બબલાલની ગુલામી ક્યાં કરે છે? બબલાલ-કાકની બંને એકાદ વર્ષ આગળ પાછળના સમયમાં જ પોતાના ઘેર જતા રહ્યા. જતાં પહેલા મહદૂના નામે ખેતર લખતા ગયા. છોકરીઓ તો પહેલા જ લગ્ન કરીને દેશ-વિદેશ વસી ગયેલી. દીકરો નિકો પણ નોકરી માટે રાજધાનીમાં રહી ગયેલો, તો કાકની માના ગયા પછી મહદૂ હંમેશા માટે ગામ પાછો આવી ગયો, જીવનભરની યાદો લઈને.
તે પોતાનાં સંતાનોની અપરિચિત અનુભવાતી દુનિયામાં દખલ નથી આપતો. પરિવર્તનથી તેને કોઈ વાંધો ય નથી. પરિવર્તન જરૂરી છે, કુદરતે બનાવેલી ઋતુઓ પણ બદલાય છે! વસંતમાં ઘટાદાર વૃક્ષો પાનખર આવતાં જ ઠૂંઠા બની જાય છે, પણ એ ઠૂંઠામાંય બરફ પડ્યા પછીય નવી કૂંપળ ફૂટે છે ! મહદૂનાં સંતાનો આટલી સરળ વાત કેમ નથી સમજી શકતાં? તે લોકો ‘જિસ્મ’ અને ‘રૂહ’ની આઝાદીની વાત કરે છે અને મહદૂ તે આઝાદીની ઝલક તેમની આંખોમાં જોવા ઈચ્છે છે, પણ તેમની આંખોમાં કશું જ નથી દેખાતું ત્યારે તે ઝભ્ભાના ગજવામાંથી દુર્ગી-કમલીનો એ જ ફોટો જોવા માંડે છે, જેમાં તે તેના ખોળામાં બેસીને ચમકતી આંખોથી પોશનૂલનો કલરવ સાંભળી રહી છે. મહદૂનો માંહ્યલો ત્યારે હવામાં તરવા લાગે છે. હોઠ એકદમ જૂનું ગીત ગણગણવા માંડે છે – ‘આઝાદ બુલબુલ બાશે કરાન પોષ ડલન મંજ. (આઝાદ બુલબુલ ફૂલોની ખીણોમાં કલરવ કરે છે…’)
‘વારિમુઠ્ઠી ભાત’ ખાઈને મહદૂ ચલમ પીવા બેઠો ત્યારે તારિખે તમાકુની પડીકી સાથે એક કવર પકડાવી દીધું: ‘સ્કૂલેથી આવતો હતો ત્યારે રસ્તામાં અહદાએ આપ્યું. દસ ઘર ફરીને આ ચિઠ્ઠી તેના સુધી પહોંચી. સરનામું બરાબર નથી લખ્યું…’
‘કોની છે?’ મહદૂએ વિચાર્યું, ગુલની જ હશે. હવે તેને કોણ ચિઠ્ઠી લખવાનું? તે કહ્યા કરતો હતો કે તારિખને કહોને કે તેને સ્કૂલમાં નાની મોટી કોઈ નોકરી અપાવે!’
‘હા, તારિખ કોઈ સરકારી ઑફિસરની ખુરશી પર બેઠો ખરો ને પાછો..! – જાણે કે ફોન કર્યો કે નોકરીઓ હાજર!’
તારિખ સમસમીને રહી ગયો, ‘આ ચિઠ્ઠી કલકત્તાથી આવી છે – કમલા રૈનાની.’
‘કમલી દીકરીની?’ મહદૂ ચોંકીને ઊછળી પડ્યો. જાણે ધરતીને આકાશ સ્પર્શ્યું હોય : ‘આટલાં વર્ષો પછી? ભલા કેમની યાદ આવી તેને મહદૂ કાકાની… જરા વાંચ તો… વાંચ…વાંચ…’
તારિખ હસતાં હસતાં વાંચવા માંડ્યો અને મહદૂના દેહ પર હજારો કાન ઊગી નીકળ્યા. વસંત આવતાં જ કમલી તેનાં બાળકો સાથે વતન આવશે. બાળકો પહેલી જ વાર કાશ્મીર જોશે. તે મહદૂ કાકાનેય મળવા આવશે. કમલીએ તેનાં બાળકોને મહદૂકાકાએ કહેલી અનેક વાર્તાઓ સંભળાવી છે. તે જાણવા ઉત્સુક છે કે મહદૂકાકા કોણ છે, શું સંબંધ છે આપણો? કમલી વર્ણવી શકતી નથી. કેટલાક સંબંધો એવા હોય છે ને જે બધા જ સંબંધો કરતાં ઉપર હોય છે. તે સંબંધ મહદૂકાકા જ સમજાવી શકશે. અને ખબર છે, બાળકોનાં શું નામ છે? દીકરીનું કોકિલા અને દીકરાનું પોશનૂલ.
ચિઠ્ઠીના એક એક અક્ષરોમાં મહદૂ ભીંજાતો રહ્યો. હુક્કાનો એક લાંબો કશ ખેંચતો તે ખડખડાટ હસ્યો : ‘લે સાંભળ ! અંગ્રેજી ભણેલા બાળકોનાં નામ કોકિલા અને પોશનૂલ..! તારિખ, કમલી કશું જ નથી ભૂલી. કશું જ નહીં… પોશનૂલ….!.’
બોલતાં બોલતાં મહદૂને સખ્ખત ઉધરસ ઉપડી. ખોં–ખોં કરતાં કરતાં તે ઓશરી સુધી આવી પહોંચ્યો. આંખો છલકાતી રહી. કાનમાં ગૂ-ગૂના અવાજો ગુંજવા લાગ્યા. પણ થંભી થંભીને આવતાં શ્વાસ છતાં ય તેણે બરફ આચ્છાદિત શેતૂરનાં વૃક્ષો જોયાં. લાગ્યું કે જાણે ક્ષણભરમાં જ નગ્ન ડાળખીઓ વસંતના ભારથી લચી પડી હોય. હવે જલદી જ પોશનૂલ આવશે અને આ સુગંધી ડાળખીઓ પર બેસીને ગાશે – શ્રીકૃષ્ણ ગૂપિયો, વોડિછય ન ટૂપિયો..’
*********

કાશ્મીરી લેખિકા ચંદ્રકાંતાનો પરિચયઃ જન્મ: ૩ સપ્ટેમ્બર, ૧૯૩૮; શ્રીનગર, કાશ્મીર, શૈક્ષણિક લાયકાત: એમ.એ., બી.એડ.
પ્રકાશિત પુસ્તકો: ૧૩ વાર્તાસંગ્રહો, ૫ વાર્તાસંચયો અને ૭ નવલકથાઓ. આ ઉપરાંત “યહીં કહીં આસપાસ “(કાવ્યસંગ્રહ), “હાશિયે કી ઇબારતેં “(આત્મકથાત્મક સંસ્મરણો) અને “મેરે ભોજપત્ર “(સંસ્મરણો અને લેખો).