સાત સમંદર પાર~ભાગ ૧૮~ “બતક”~ કાવ્યઃ મૂળ લેખકઃ ગેરાલ્ડ બુલેટ ~આસ્વાદ: ઉદયન ઠક્કર
બતક
કશી ગતાગમ નથી તેને
કે શું હશે તળાવની પેલે પાર
થરથરતા કાચમાં ક્યાંથી ઝીલી શકવાની તે
અલપઝલપ આકારલીલા આકાશની?
ગતાગમ છે તેને માત્ર એક મૂગા આહ્લાદની.
ટાઢતાપ, દિવસ ને ઓસભીની રાત,
છાતીને થપથપાવતો શીતળ તરંગલય,
આને માળાનો માતૃત્ત્વથી લથબથ દિલાસો,
આથી વધુ તેને જોઈએ છે પણ શું?
તે વસે છે ઘાસ વચ્ચે દ્વીપ જેવી,
ઈંડાં મૂક્યાં પછી દિવસરાત
એકલી સેવે છે.
ક્યારેક આવી ચડે ગાડું હાંકતા માણસો, હરાયાં ઢોર
ક્યારેક હાકોટા પાડતા પોરિયાઓ ધ્રૂજાવી મૂકે ડાળી.
ત્યારે વળાંક પરના પડછાયાની જેમ
અનામી આતંક તેનું કાળજું વલોવી નાખે.
તોય સારી-નરસી વેળાને
તે ધીરજથી ખમી લે છે.
જો કોક રખડેલ તેના કબીલાને ચૂંથી ખાય,
તેના વ્યસ્ત હ્રદયનો આનંદ લૂંટી જાય,
તોય બધું ગયું પાણીમાં
એવી ફરિયાદ કે પડપૂછનું ડહાપણ ડહોળ્યા વગર,
ઈશ્વરની આ અબૂધ નવવધૂ,
પોતાના લોહી સામે લાચાર,
ફરી પાછી સોંપી દેશે જાત, માતૃત્ત્વ માટે.
– ગેરાલ્ડ બુલેટ
બંધનની મર્યાદા અને બંધનના સુખનું આ કાવ્ય છે. આકાશમાં સેલારા લેતું પંખી મુક્ત હોય, પણ બતક સરોવર સાથે જળરજ્જુથી બંધાયેલી, એટલે કવિએ પોતાની વાત કહેવા માટે અન્ય કોઈ પંખીને નહિ અને બતકને જ પસંદ કરી.
સરોવર વિરાટ હોતું નથી, તમે તેને બંધિયાર કહી શકો, તેનું ગજું શુ કે આકાશને દર્પણ ધરે? સરોવર એટલે બતકની સૃષ્ટિઃ ન વ્યાપક, ન ઊંડી. બતક સપાટીનો જીવ. રાજહંસ, મોર, નાઈટિગલ, કે દેવહુમા જેવા અદ્ભૂત પંખી પસંદ ન કર્યા કવિએ, (મૂળ અંગ્રેજી કવિતામાં તળાવકાંઠે વસતી નાની કૂકડીની વાત છે.) બલ્કે બતક જેવું ગરીબડું પંખીડું પસંદ કર્યું.
બતક તપસ્વી નથી. બાળમુકુંદના શબ્દોમાં; “તે વેમાનની રાહ નથી જોતી કે વૈંકુઠને કાજ આંસુ નથી ખોતી.” બસ, પંડમાં તે રાજીરાજી. ગલગલિયાં કરતું જળ તેને ગમી જાય છે. ઠંડી-ગરમી, ઝાકળ, પડછાયા – આ સૌ તેને માટે આડવાતો નહીં પણ ઘટનાઓ છે. નાના પક્ષીની નાની વાત કરવા માટે કવિએ મૂળ કાવ્યમાં ટૂંકો લય અને દર બીજી લીટીએ પ્રાસ એવી સાદીસીધી પદ્ધતિ સ્વીકારી.
ઈંડા મૂકવાં, સેવવાં, અને બચ્ચાનું સંવર્ધન કરવું, એ બતકનું અવતારકાર્ય. આહાર, નિદ્રા, ભય, મૈથુન – “પશુઓને તો આટલું જ આવડે” – કહી કવિ તુચ્છકારભાવે હસતા નથી. ‘મૂગો આહ્લાદ’, ‘વ્યસ્ત હ્રદયનો આનંદ’, ‘માતૃત્ત્વથી લથબથ દિલાસો’ જેવા વર્ણનોથી તેમનો સમભાવ છતો કરે છે. બચ્ચાનું રક્ષણ કરતી મરઘી કૂતરાનેય બાઝે. શેરી નાકે પડછાયો જોઈ આપણે ચોંકીએ તેમ, ઈંડાને સેવતી બતકી અજ્ઞાત ભયથી ફફડતી રહે છે.
પછી ક્યારેક તેનું કલબલતું કુટુંબ વધેરાઈ જાય છે. પીરિયડ…! તેના કલ્પાંતમાંથી કરૂણરસનું કારખાનું ઊભું કરવાની કવિની કામના નથી. બતક ખરખરો કરવા ન બેસે. વિષાદનું લખલખું આવે લગાર, અને ચાલી જાય.
દરેક મોત પર જિંદગી નિઃશ્વાસ તો નાખે છે, પણ શ્વાસ રોકી નથી લેતી. મોતની બીજી જ પળે બતક નવા માતૃત્ત્વ તરફ વળે છે, પ્રભુનું તેને માટે આ જ ફરમાન, અને તે યુગે-યુગે ઈશ્વરની અબૂધ નવવધૂ બની રહે છે.
હરિવંશરાય બચ્ચને લખ્યું;
“કયા હવાએં થી કે ઉજડા પ્યાર કા વહ આશિયાના
કુછ ન આયા કામ તેરા શોર કરના, ગુલ મચાના….
જો બસે હૈં વે બિછડતે હૈં પ્રકૃત્તિ કે જડ નિયમ સે
પર કિસી ઉજડે હુએ કો ફિર બસાના કબ મના હૈ?
હૈ અંધેરી રાત, પર દીયા જલાના કબ મના હૈ?”
********************

મૂળ લેખક ગેરાલ્ડ બુલેટ — સંક્ષિપ્ત પરિચયઃ
ગેરાલ્ડ વિલિયમ બુલેટ (Gerald William Bullett) વીસમી સદીના જાણીતા અંગ્રેજ લેખક, કવિ, નવલકથાકાર, વાર્તાકાર, નિબંધકાર અને સાહિત્યવિવેચક હતા. તેમનો જન્મ 30 ડિસેમ્બર 1893ના રોજ લંડનમાં થયો હતો અને 3 જાન્યુઆરી 1958ના રોજ ચિચેસ્ટરમાં તેમનું અવસાન થયું. તેમણે કેમ્બ્રિજની Jesus Collegeમાં અભ્યાસ કર્યો હતો.
બુલેટનું સર્જનક્ષેત્ર અત્યંત વૈવિધ્યપૂર્ણ હતું; તેમણે નવલકથાઓ ઉપરાંત કવિતા, ટૂંકી વાર્તાઓ, બાળસાહિત્ય, રહસ્યમય અને અતિપ્રાકૃતિક કથાઓ તેમજ સાહિત્યવિવેચન લખ્યાં હતાં. કેટલીક રચનાઓ તેમણે Sebastian Fox ઉપનામથી પણ પ્રકાશિત કરી હતી. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન તેમણે Royal Flying Corpsમાં સેવા આપી હતી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેઓ BBC સાથે સંકળાયા અને યુદ્ધ પછી રેડિયો બ્રોડકાસ્ટર તરીકે પણ કાર્ય કર્યું. તેઓ Times Literary Supplement માટે પણ લખતા હતા.
તેમની જાણીતી કૃતિઓમાં The Progress of Kay, Mr Godly Beside Himself, The History of Egg Pandervil, The Quick and the Dead, Eden River, The Jury અને The Daughters of Mrs Peacockનો સમાવેશ થાય છે. કવિ તરીકે પણ તેમનું નોંધપાત્ર પ્રદાન હતું; Mice and Other Poems, Poems in Pencil, News from the Village અને મરણોત્તર પ્રકાશિત Collected Poems તેમના કાવ્યસર્જનનો પરિચય આપે છે.
બુલેટની રચનાઓમાં માનવીનું સામાન્ય જીવન, પ્રકૃતિ, કલ્પના, રહસ્ય, કરુણા અને આધ્યાત્મિક સંવેદના સહજ રીતે એકબીજા સાથે ભળી જાય છે. ‘બતક’ જેવી કવિતામાં પણ એક સામાન્ય પક્ષીના જીવન દ્વારા માતૃત્વ, ભય, વિયોગ, ધીરજ અને જીવનની અવિરતતા જેવા વિશાળ માનવીય અનુભવો વ્યક્ત થતા જોવા મળે છે. આ અર્થમાં બુલેટ એવા સર્જક હતા, કે, જેમની નજર અસાધારણ કરતાં સામાન્ય જીવનમાં રહેલા અસાધારણ અર્થને શોધવામાં વિશેષ રસ ધરાવતી હતી.
લંડનની National Portrait Gallery પાસે ગેરાલ્ડ વિલિયમ બુલેટના 15 જેટલા અધિકૃત portraits સંગ્રહિત છે; તેમાં 1926 અને 1954ના Howard Coster દ્વારા લેવાયેલા સુંદર શ્વેત-શ્યામ ફોટોગ્રાફ્સ પણ સંગ્રહિત છે.