દેહદાન ~ હિન્દી લઘુ વાર્તા ~ મૂળ લેખકઃ રંજના જાયસ્વાલ ~ ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

આસ્થા- કેવું સરસ નામ ! પપ્પાએ દીકરીનું નામ આસ્થા રાખ્યું ત્યારે તેમને મનથી અગાધ વિશ્વાસ હતો કે, આસ્થા ક્યારેય કોઈ પણ સંજોગોમાં પાછી નહીં પડે કે જરાય કમજોર નહીં પડે.

આસ્થા હતી જ એવી. મસ્ત મજાની ખુશહાલ, રમતિયાળ પ્રકૃતિની આસ્થાને વરસાદમાં નહાવું ખૂબ ગમતું. વરસાદનું પાણી તનની સાથે મનને પણ તાજગી આપતું, પ્રફુલ્લિત કરી દેતું.

એ આસ્થા છેલ્લા કેટલાય સમયથી મનથી તૂટતી જતી હતી. અંદરથી અને અંતરથી વેરાઈ રહી હતી. લગ્ન પછી વરસાદમાં નહાવાની વાત તો દૂર હાથમાં વાછટ ઝીલવાની પણ તાકાત રહી નહોતી. લગ્ન અને સંસાર નામની બેડીઓથી પગ બંધાઈ ગયા હતા.

“આ શું? આવી રીતે ખુલ્લેઆમ ભીના થવાનું તને શોભે છે, આસ્થા? ભીના શરીર પર ચોંટી ગયેલા કપડામાં કોઈ જુએ તો કેવું લાગે?” શિવમનો ચીઢ ભરેલો અવાજ સાંભળીને આસ્થા મન મારીને ઘરમાં કામે વળગતી.

શિવમની મરજી એની પર થોપાતી રહી અને આસ્થા શિવમની મરજીના ભાર નીચે દબાતી, કચડાતી રહી. હંમેશાં…હંમેશાં
********
“આસ્થા, કાલે ગુડ્ડુનો ફોન આવ્યો હતો. કાકાજીની તબિયત જરા વધુ પડતી જ નરમ થતી જાય છે, એ તો ઠીક જાણે, ઉંમર ઉંમરનું કામ કરે, પણ કોણ જાણે કેમ એવું લાગે છે કે એમનો જીવ કશામાં અટવાયો છે. શેમાં, એ ખબર નથી પડતી ! વળી ગુડ્ડુએ બીજી જ એક નવાઈ લાગે એવી વાત કરી.” આસ્થા પોતાનું કામ અટકાવીને શિવમ સામે જોઈ રહી.

“ગુડ્ડુ કહેતો હતો કે, કાકાજીને મૃત્યુ પછી પોતાની આંખો કોઈ જરૂરિયાતવાળાને દાન કરવી છે અને એમનો દેહ મેડિકલ કૉલેજમાં વિદ્યાર્થીઓના અભ્યાસ માટે સોંપી દેવો છે.” આસ્થાએ જોયું કે, આ વાત કરતાં કરતાં શિવમનો ચહેરો ગર્વથી ચમકી રહ્યો હતો.

એ રાત્રે આસ્થાને ઊંઘ ન આવી. કાકાજીએ કેટકેટલું જોઈ લીધું હતું ! કાકીનું અવસાન, જુવાનજોધ દીકરીનું વૈધવ્ય, છોકરાઓ વચ્ચે મિલકતની વહેંચણી, હવે શું બાકી રહી ગયું હશે?

આસ્થા છેલ્લે કાકાજીને મળવા ગઈ હતી ત્યારે એ ખૂબ રડ્યા હતા. “આસ્થા, મારે છોકરાઓ પાસે એક ફૂટી કોડી પણ નથી જોઈતી. મને તો એમની પાસે ચિતાની આગની પણ અપેક્ષા નથી, પણ જમીન-જાયદાદ માટે એકબીજા સાથે ઝગડે નહીં એટલું તો કોઈ એમને સમજાવો..” તો શું કાકાજીએ એટલા માટે આંખ અને દેહદાન ઈચ્છ્યું હશે?

આજે આસ્થા ખૂબ રડી. આખી રાત કાકાજીની લાચારી પર વિચાર કરતી રહી. ઢળતી ઉંમરે વ્યક્તિ શારીરિક રીતે પીડાય તો એનો ઉપાય મેડિકલ સાયન્સ પાસે છે, પણ મનથી પીડાતી વ્યક્તિ માટે શું?

વિચારોમાં ને વિચારોમાં માંડ રાત પસાર થઈ. સવારે પથારીમાંથી ઊભી થઈ અને બારીની બહાર નજર પડી. બહાર વાવાઝોડાને લીધે આસોપાલવના ખરી પડેલાં પાંદડા આસ્થાના ઘરના બારણે એકઠા થયા હતા. કદાચે બારણું ખૂલેને આશ્રય મળી જાય એમ ઊડી ઊડીને બારણે આવેલું એક એક લીલું, પીળું-સૂકાઈ ગયેલું પાંદડું એની સામે તાકી રહ્યું હતું. હજુ એમને વાવાઝોડાથી બચવાની આશા હશે !

ગુમસૂમ આસ્થાએ એકઠા થયેલાં પાંદડાંની સામે તાકી રહી. કોને કહે કે, એના મનમાં અત્યારે કેવું વાવાઝોડું ફૂંકાઈ રહ્યું છે? કેવી રીતે કહે કે, પોતે પણ એમની જેમ તૂટીતૂટીને વેરવિખેર થઈ છે?

દર વર્ષે દીકરાની આશામાં શિવમે કેટલી નિર્મમતાથી દીકરીઓની ભૃણહત્યા કરાવી છે? કાકાજીનું તો એમનાં મૃત્યુ પછી દેહદાન થશે તે સમયે શિવમ કોણ જાણે કેટલુંય ગૌરવ અનુભવશે!! પણ, પોતે તો જીવતેજીવ કેટકેટલી વાર પોતાના સંતાનનું, પોતાની મમતાનું, પોતાના આત્માનું દાન કરી ચૂકી હતી ને ખબર નહીં ક્યાં સુધી કરતી રહેશે!!

ક્યારેય શિવમને એનું ભાન થશે ખરું!
***********

લેખિકાનો પરિચયઃ  રંજના જાયસ્વાલ : સ્ત્રી-સંવેદનાની સશક્ત કલમ


સમકાલીન હિન્દી સાહિત્યમાં રંજના જાયસ્વાલનું નામ એવી સર્જિકાઓમાં અગ્રપંક્તિમાં લેવામાં આવે છે, જેમણે પોતાની કલમ દ્વારા સ્ત્રીના અંતર્જગત, માનવીય સંબંધોની જટિલતા અને સમાજની બદલાતી માનસિકતાને ઊંડી સંવેદના અને કલાત્મક પ્રામાણિકતા સાથે અભિવ્યક્ત કર્યા છે. તેઓ માત્ર વાર્તાકાર જ નથી, પરંતુ કવયિત્રી, નવલકથાકાર અને ચિંતક તરીકે પણ હિન્દી સાહિત્યમાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે. ૩ ઑગસ્ટ, ૧૯૬૮ના રોજ ઉત્તર પ્રદેશના પડરૌના (હાલનો કુશીનગર જિલ્લો)માં જન્મ. રંજના જાયસ્વાલના સર્જનમાં ભારતીય સમાજનું બદલાતું સ્વરૂપ, સ્ત્રીના આત્મસન્માનની શોધ, પારિવારિક સંબંધોની સૂક્ષ્મ ઉષ્મા, એકલતા, આંતરિક વિખંડન અને માનવમૂલ્યો પ્રત્યેની અડગ આસ્થા અત્યંત કલાત્મક રીતે વ્યક્ત થાય છે. તેમની ભાષા સરળ છે, પરંતુ સાદી નથી; તેમાં કાવ્યાત્મક લય, મર્મસ્પર્શી સંવેદના અને માનસિક ઊંડાણનો સુમેળ જોવા મળે છે. તેઓ ઘટનાથી વધુ મનુષ્યના મનને લખે છે. તેમની વાર્તાઓમાં નાટકીયતા કરતાં જીવનની નિર્ભેળ સચ્ચાઈ વધુ પ્રબળ બને છે. પાત્રો લાંબા સમય સુધી વાચકોની સાથે જીવતા રહે છે. કવિતા, વાર્તા અને નવલકથાના ક્ષેત્રે તેમણે અનેક નોંધપાત્ર કૃતિઓ આપી છે. તેમની રચનાઓ દેશની અગ્રણી સાહિત્યિક સામયિકોમાં પ્રકાશિત થઈ છે અને તેમના સર્જન પર સંશોધનકાર્ય પણ થયું છે. વિવિધ પ્રતિષ્ઠિત સાહિત્યિક સંસ્થાઓ દ્વારા તેઓ સન્માનિત થયા છે. રંજના જાયસ્વાલની વિશેષતા એ છે કે તેઓ સ્ત્રી-વિમર્શને ગૌરવપૂર્ણ અસ્મિતા, આત્મબળ અને સંવેદનાના પરિપ્રેક્ષ્યમાં રજૂ કરે છે. તેથી તેમની વાર્તાઓ કોઈ વિચારધારાનો ઘોષણાપત્ર બની રહેતી નથી; તે જીવનના અનુભવોમાંથી ઊગેલો આંતરિક સંવાદ બની જાય છે.

પ્રસ્તુત વાર્તા ‘આસ્થા’ પણ એ જ પ્રકારની મર્મસ્પર્શી કૃતિ છે. જીવનના અસહ્ય સંજોગોમાંથી પસાર થતી એક સ્ત્રીની અંદર રહેલી અવિનાશી શક્તિ, આત્મસન્માન અને પુનર્જીવનની શક્યતાને લેખિકાએ અત્યંત સંયમપૂર્વક અને કલાત્મક સંવેદનાથી વ્યક્ત કરી છે. વાર્તા પૂર્ણ થયા પછી પણ તેનો પ્રતિધ્વનિ લાંબા સમય સુધી વાચકના અંતરમાં સંભળાતો રહે છે—અને કદાચ એ જ સાચા સાહિત્યની ઓળખ છે.

 

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.