|

વરસાદી કવિતા (ભાગ-૨) ~ ૧૭ મુક્તક ~ ૧૭ કવિ

(નોંધ: વરસાદી કવિતા : ભાગ-૩ અંતર્ગત ગઝલો પ્રસ્તુત થશે.)

1.
રૂપિયાની  લાહ્યમાં ભૂલી ગયો
યાદ આવે એ વતન વરસાદમાં
સાડલો  માથા ઉપર ઢાંકી અને
માવડી કરતી જતન વરસાદમાં
~ પાયલ ઉનડકટ

2.
આજ લીલીછમ બની હું, એક તારા સ્પર્શથી
રાખવાની છે સબર વરસાદ વરસે છે જુઓ
જિંદગી પણ એ ઘડીને માણવા ઓછી પડી
પ્રેમ સાથેની સફર વરસાદ વરસે છે જુઓ
~ ભારતી કાંતિલાલ ગડા, મુંબઈ

3.
આભ મૂશળધાર વરસે, રાત છે વરસાદની
ભીંજવે છે બેઉ જણને, વાત છે વરસાદની
બે ઘડી ઊઘાડમાં જો પાન લીલાંછમ બધે
આ ધરાની ઓઢણીમાં, ભાત છે વરસાદની
~ ભાર્ગવી પંડ્યા

4.
કોઈ ચોમાસું નથી ખપતું મને
વીજળી થઈને કરો મારો તમે
આભ મૂશળધાર વરસે તોય શું?
મારે મન મોસમનો વર્તારો તમે
~ ભાવના રાવલ, અમદાવાદ

5.
કયાં સુધી પુરાઈ રહેશે આભનાં કોરા ભવનમાં!
આસમાની નાત છોડી ઊતરી આવી છે હેલી
સપ્તરંગી કાચબીનાં હિંચકે ઝુલતી ઉછળતી,
છન છનન છન નાદ કરતી ઊતરી આવી છે હેલી
~ કાજલ શાહ ‘કાજ’

6.
વહાવી દો બધી ઝરમર ભલે રણમાં કે સાગરમાં
તમારે નામ જે કીધો અમે વરસાદ સાચવજો
કલમ, કાગળ, ગઝલ, એકાંત ને વરસાદનો છાંટો
અમારી આટલી મિલકત અમારા બાદ સાચવજો
~ અંકિતા મારુ ‘જીનલ’

7.
ધરાની પ્યાસને બૂઝાવવા તું આવ ધરતી પર
નદીમાં નીરને છલકાવવા તું આવ ધરતી પર
સમયસર આવ ના જો તું, કસમ છે દેવ દરિયાની
હૃદયના પ્રેમને અપનાવવા તું આવ ધરતી પર
~ ભરતસિંહ સોલંકી ‘વાંસવા’

8.
નૌકા લઈને કાગળોની બાળપણ આવી ચડે
નિર્દોષતાની નાવ પણ તરતી રહે વરસાદમાં
મધ્યમ સ્વરે વર્ષા તણા ઝાંઝર રણકતા હોય ને-
હૈયે અનાહત નાદ સાંભળતી રહું વરસાદમાં
~ જિજ્ઞા ત્રિવેદી, ભાવનગર

9.
ટીપે ટીપે ઊભું છે અંજળ વરસાદી
તારી મારી વચ્ચે ઊભી પળ વરસાદી
અમથા તો ક્યાં સંકેલાતા સળ ધરતીના?
આકાશી વાદળથી ટપકે બળ વરસાદી
રાજીવ ભટ્ટ ‘દક્ષરાજ’,  ભાવનગર

10.
વહેતી આ પાંપણ અમસ્તા અમસ્તા
સરકતી રહે ક્ષણ અમસ્તા અમસ્તા
નજર રાહ તાકે છે ચાતક બનીને
ના વરસે ઘટા પણ અમસ્તા અમસ્તા
~ આરતી રાજપોપટ

11.
નટખટ નર્તન, અનહદ ગર્જન
બે હૈયાનાં અવસર ગાજે
મોસમના પહેલાં વરસાદે
ધરતી સારી જબ્બર ગાજે
~ નિશિ

12.
ભીતરે લઈને તરસ તાક્યા કરે
ચાતકો તરસી રહ્યા વરસાદમાં
ટપ ટપા ટપ ટપ કરી લયબદ્ધ થઈ
છાપરાં ટપકી રહ્યા વરસાદમાં
~ મૃદુલ શુકલ

13.
કેટલું રોકી, છતાં એ‌ સ્હેજ પણ માની નહિ
યાદ ભીની થઇ,‌ ભટકતી હું રહી વરસાદમાં
આભ વરસે, મેઘ બારે થઈ ગયાં ખાંગા સજન
તોય તારાં વિણ તરસતી હું રહી વરસાદમાં!
~ ધૃતિ સોની “કૃષ્ણા”

14.
કળા કરતા થઈ છે મોરને ચિંતા જરા
જુલાઈના શરૂ દા’ડા હવે તો તું વરસ
ગુનો તો કહેને અમદાવાદનો તું આખરે
તપીને કેટલા દાઝયા, હવે તો તું વરસ
~ નિરાલી રશ્મિન શાહ ‘સ્વસા’

15.
કશે સુકું કરી નાખ્યું કશે વરસાદ વરસે છે
હમેશા એકસરખો ક્યાં બધે વરસાદ વરસે છે
અનાયાસે હૃદયમાં પણ સળગતું હોય છે સહરા
નજર ઊંચકીને તું જુએ અને વરસાદ વરસે છે
~ રિદ્ધિ પરમાર “ઓજસ”

16.
સાવ ખોટો આજ ગોરંભો હતો, ન્હોતી ખબર
મૂળ મુદ્દે પાણીનો તોટો હતો, ન્હોતી ખબર
હું અપેક્ષા રાખતી’તી છાંટણાની આભથી
ઝાંઝવાનો એ સમયગાળો હતો, ન્હોતી ખબર
~ સ્વાતિ રાજીવ શાહ

17.
કોમળ ફલકથી આવીને ધારદાર વરસો
અકબંધ જીવતરની થઈ આરપાર વરસો
છે એટલી જ મંછા, વરસો તો એવું વરસો
બારેય મેઘ ખાંગા થઈ અનરાધાર વરસો
~ મયુરિકા લેઉવા-બૅન્કર

(ક્રમશ:)

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.