“સ્મૃતિસંપદા” ~ ડાયસ્પોરા સર્જકોના જીવનકવનની સંકલિત કહાનીઓ (૧૦) ~ લેખકઃ રેખા સિંઘલ ~ સંપાદકઃ રેખા સિંઘલ
રેખા સિંઘલ
ટેનેસી રાજ્યમાં ઘરમાં જ ગણિત જેવા અઘરા વિષયના વર્ગો ચલાવતાં રેખા સિંધલ ૧૯૮૯માં અમેરિકા આવ્યાં તે પહેલાં વેરાવળ(સોમનાથ)ની માધ્યમિક શાળામાં ગણિત-વિજ્ઞાનનાં શિક્ષિકા તરીકે કાર્ય કરતાં હતાં. સ્ત્રી કેળવણી જ્યારે નહિવત્ હતી તે સમયમાં શિક્ષણ દ્વારા જાગૃતિને પ્રાધાન્ય આપીને શૈક્ષણિક રીતે પછાત એવા રબારી સમાજમાં નવી કેડી કંડારી હતી. માઈક્રોબાયોલોજીમાં સ્નાતક થઈ શિક્ષકા તરીકેની તાલિમ લીધા પછી અમેરીકામાં રહી વર્ષો બાદ એમણે ગુજરાતી વિષયમાં અનુસ્નાતકની પદવી મેળવી. તેમનો જન્મ ૧૯૫૬માં વેરાવળમાં થયો હતો. છાપાં અને રેડિયો પર તેમની કૃતિઓ તેઓ દેશમાં હતાં ત્યારે પણ પ્રગટ થતી રહેતી. અમેરિકા આવ્યા પછી આ પ્રવૃતિને વેગ મળ્યો. હરિફાઈઓમાં ક્યારેક વિજેતા થતી તેમની કૃતિઓ થકી લેખિકા તરીકેની ઓળખ જળવાઈ રહેતી. દરિયાપારનાં સાહિત્ય સર્જનમાં એમને વિશેષ રસ છે. વર્ષોના વાંચનની ફલશ્રુતિરૂપે તેઓ દ્વિદેશી સાહિત્યના રસજ્ઞ અને મર્મજ્ઞ સિદ્ધ થયા છે. કવિ સંમેલનો, નાટકો, એકપાત્રીય અભિનય જેવા અનેકવિધ કાર્યક્રમોના આયોજક તરીકે તેઓનું નામ જાણીતું છે. સાહિત્યક્ષેત્રે તેઓ નિવૃતિકાળમાં પણ સક્રિય છે. તેમનું વધુ પ્રદાન સામાજિક સંસ્થાઓમાં સેવા તથા બાળકોને ગણિત દ્વારા આત્મવિશ્વાસ કેળવવા ક્ષેત્રે રહ્યું છે. ઘમ્મર વલોણાથી માખણ ઉતારવાથી માંડીને રીસર્ચ લેબમાં DNA Cloning સુધીના કાર્યો કરતાં કરતાં પૂર્વીય ગ્રામ્ય સંસ્કૃતિથી શરૂ કરી પશ્ચિમી શહેરી સંસ્કૃતિ સુધીની જીવનસફર તેમણે ખેડી છે. એટલું જ નહિ, વાંચન-લેખનનો રસ સતત જાળવી રાખી વિવિધ રીતે સાહિત્યના ક્ષેત્રમાં સક્રિય રહ્યાં છે. એમના બ્લોગનું એડ્રેસ www.axaypatra.wordpress.com છે.
Email: [email protected]
શૂન્ય થી અનંતની સફર ~ લેખિકાઃ રેખા સિંધલ
અમેરીકામાં પ્રવેશ અને સંઘર્ષ
બોસ્ટનના લોગન એરપોર્ટ પર ૧૩મી મે ૧૯૮૯ના રોજ ઈમીગ્રેશનની લાંબી લાઈનમાં પતિ અને ત્રણ દીકરીઓ સાથે હું ઊભી હતી. ચારેબાજુની ખુશનુમા ચહલપહલ નિહાળીને મારાં ચહેરા પર આપોઆપ પ્રસન્નતાની એક ઝલક ઊભરી આવી હતી. વિમાનની યાત્રાનો આ મારો પ્રથમ અનુભવ હતો. એ પણ ખૂબ લાંબી અને દરિયાપારની! ઘડિયાળના કાંટા સમયનો ફેરફાર દર્શાવતા હતા. લગભગ બાવીસ કલાકની આ મુસાફરીમાં મોટી રાહત એ હતી કે મારી બહેનનો પરિવાર અમારી સાથે હતો અથવા કહો કે અમે એમની સાથે હતાં. તેઓ બોસ્ટનમાં બે વર્ષ રહી ચૂક્યાં હતાં આથી એમને આસપાસના માહોલની કોઈ નવાઈ ન હતી. ઊડીને આંખે વળગતી સ્વચ્છતા અને ઘોંઘાટ વગરની શિસ્તબદ્ધ મેદનીને હું વિસ્મયથી નિહાળી રહી. આજુબાજુના લોકોના સ્મિત રેલાવતા ચહેરાઓમાં મારાં એટલે કે એક પરદેશીના સ્વીકારની ભાવનાનું પ્રતિબંબ પડતું હોય એવું અનુભવાયું. પાસપોર્ટ પર પ્રવેશની મંજૂરીનો સિક્કો મારનાર અફસરના સ્મિતથી આ ભાવના દ્રઢ થઈ. એ સમયે મને લાગ્યું કે સ્મિત આપવામાં આપણે ભારતીયો ઘણા કંજૂસ છીએ. આ કારણે થોડી નાનપ પણ અનુભવી. એટલામાં એક બાળક એની માતાનો હાથ પકડીને મારાં કપાળ તરફ આંગળી ચીંધવા લાગ્યો જ્યાં મેં લાલ ચાંદલો કર્યો હતો. સ્લીવલેસ ટોપ અને સ્કર્ટ પહેરેલી એ માતાની નજર મારી સાડીના રંગો પર પણ ફરી વળી. એક આખી સંસ્કૃતિને સાડીના પાલવમાં વીંટીને હું મારી સાથે લાવી હતી.
આ સમયે મારી ઊંમર ૩૨ વર્ષની હતી. બે ટીનએજર જોડિયા દીકરીઓ અને ત્રીજી સૌથી નાની દીકરી ત્રણ વર્ષની હતી. મારાં પતિ પ્રતાપને દેશમાં ટેલીફોન ઓપરેટરની નોકરી હતી. હું માધ્યમિક સ્કૂલમાં ગણિત-વિજ્ઞાનની શિક્ષિકા હતી. મારાં મોટાં બહેને અમારાં માટે ગ્રીનકાર્ડની અરજી કરેલ તેથી અમે આવી શક્યાં હતાં.
અમને લેવા એરપોર્ટ પર મારાં મોટાભાઈ, તેની પત્ની જે મારાં પતિની સગીબહેન થાય તે અને તેમનો પુત્ર આવ્યાં હતાં. એમની કારમાં બેસી અમે દરિયાની ખાડી નીચેથી પસાર થતા લાંબા ભૂગર્ભમાર્ગની બહાર નીકળ્યાં. ઘોંઘાટ વગરનાં અનેક વાહનોનો અસ્ખલિત પ્રવાહ પહોળા રસ્તાઓ પર વહેતો હતો. બંને બાજુએ ઊંચા વૃક્ષોની હારમાળા ઊભી હતી પણ દૂર સુધી ક્યાંય કોઈ માનવસંચાર નહીં. આ દ્રશ્ય પણ કલ્પનાતીત હતું. અમેરીકાની ભૂમિના સેવેલા સ્વપ્નોમાં આ વાસ્તવનો ક્યાંય અણસાર ન હતો. અહીંના જાહેર રસ્તાઓ ખૂબ સ્વચ્છ હતા. અહીં આવતાં પહેલાં અમેરીકા વિષે ઘણું સાંભળેલું એ થકી બંધાયેલા ખોટા ખ્યાલો અચરજમાં પલટાઈને નવી દુનિયાનો પરિચય આપતા હતા.
ભાઈના ઘરે પહોંચીને અમે બેગો ઉતારતાં હતાં ત્યારે સૂર્ય પશ્ચિમ ભણી ગતિ કરી રહ્યો હતો. ફક્ત ૪૦ ડોલરની મૂડી લઈ અમે અહીં પ્રવેશ્યાં હતાં પણ સહોદરના સ્મિતભર્યા મધુર આવકારને કારણે નચિંત હતાં. ભાઈના હુંફાળા ઘરમાં સ્નાન અને ભોજન બાદ પથારીમાં આડાં પડ્યાં ત્યારે ખબર ન હતી કે આજનાં આ બધાં જ સુખદ આશ્ચર્યોને સ્થાને એક મોટો દુઃખદ આંચકો બીજે દિવસે અમને હચમચાવી મૂકવાનો હતો.
બીજે દિવસે રવિવાર હતો. સવારના પહોરમાં પડોશીઓને ખલેલ ન પડે તે ધ્યાન રાખવા ભાઈએ ખૂબ ધીમા અવાજે વારંવાર કહ્યું પણ વર્ષોની આદત એકદમ તો કેમ છૂટે? ચાર બાળકો અને ચાર મોટાં થઈ અમે આઠ જણાં બે બેડરૂમના એપાર્ટમેંટમાં વિસ્મય અને આનંદથી આંખો ચોળતા કલબલાટ કરતાં હતાં. નળની ચકલી એકબાજુ ફેરવીએ તો ગરમ પાણી અને બીજી બાજુ ફેરવીએ તો ઠડું પાણી આવે જેવી સાદી વાત પણ એ સમયે તો નવાઈ પમાડતી હતી. દસ બેગોમાં અમે મગ, તુવેર, મસાલા, લોટ અને કપડાં વિગેરે ભરીને લાવ્યાં હતાં. અને બીજો કેટલોય સામાન હૈયાના ખૂણાઓમાં ભરીને લાવ્યા હતા. વાતોમાં અને સામાન ગોઠવવામાં સાંજ પડી ગઈ. સાંજે જમીને નિરાંતે બેઠા હતા ત્યારે અમને જાણ થઈ કે ઊજળા ભવિષ્યની આશાએ જે ઘરની છત નીચે અમે આશરો લીધો છે તે ઘર તૂટી રહ્યું છે. ભાઈ-ભાભીના છૂટાછેડાનો કેસ કોર્ટમાં ચાલે છે. આ અણધાર્યા સમાચારે અમને વિહવળ કરી મૂક્યા.
આ છૂટાછેડાથી મારાં પિયર અને સાસરા વચ્ચેના સંબંધો તૂટી રહ્યા હતા. બંને પક્ષના વડીલોના આધિપત્ય નીચે દેશમાં છૂટાછેડા શક્ય ન હતા. સંયુક્ત કુંટુંબમાંથી વિભક્ત થવાથી અમેરીકામાં એમનો મેળ વધશે એવી ધારણા ખોટી પડી હતી. વાત કોર્ટ સુધી પહોંચી હતી તે ખબર હોત તો અમે કદાચ અમેરીકા આવ્યાં જ ન હોત. એટલુ સારૂં હતું કે છૂટેછેડા સુધી વાત પહોંચી હોવા છતાં બંનેને એકબીજા પ્રત્યે દુર્ભાવ ન હતો. લગ્ન એમના માટે પરાણે પ્રીતનું બંધન હતું એટલે છૂટાછેટા એ બંને માટે મુક્તિ હતી.
કોર્ટે મારાં ભાઈને એપાર્ટમેન્ટ છોડવાનો આદેશ આપ્યો. ભાઈ ન્યૂયોર્ક એના મિત્ર પાસે જવાના હતા. ભાભી-નણંદનો સામસામો સંબંધ હોવાને કારણે અમે પ્રતાપની બહેન સાથે રહી શકીશું તેવી આશા હતી. પ્રતાપની બહેનના કહેવાથી કોર્ટ અમને પણ એપાર્ટમેન્ટ છોડવાનો આદેશ આપ્યો તેનું અમને ખૂબ આશ્ચર્ય થયું. પ્રતાપે પરદેશમાં નાનીબેનને એકલી મૂકી દીધી તેવી અફવા દેશના અમારાં સમાજ અને કુંટુંબમાં ફેલાઈ ગઈ જ્યારે અહીં પરિસ્થિતિ વિપરીત હતી. અમારે ક્યાં જવું તે વિકરાળ પ્રશ્ન ઓચિંતો જ સામે આવ્યો હતો. હું વિહ્વળ થઈ ગઈ. અમેરીકા આવતા જ બહારની દુનિયા તો બદલાઈ પણ ભીતરની દુનિયા પણ કોર્ટના નિર્ણયથી અચાનક જ બદલાઈ ગઈ. નવી દુનિયામાં ગોઠવાયા પહેલાં જ જૂની દુનિયામાંથી ફેંકાઈ ગયા.
જે દિવસે અમે કોર્ટની નોટિસ વાંચી તે સાંજે અમે પતિ-પત્ની નજીકમાં આવેલ એક શોપીંગ સેંટરને ખૂણે હાથમાં હાથ ભીડી ક્યાંય સુધી વેદના ઠાલવતાં ઊભાં રહ્યાં. હવે શું થશે? વિચારતા આંખમાં ઝળઝળિયાં આવી જાય. અમે ક્યાં જઈને રહેશું? એ ચિંતા સાથે ઘરમાં પાછાં આવ્યાં. આ છૂટાછેડાને કારણે હું પિયર અને સાસરા એમ બંને કુંટુંબમાંથી વિખૂટા પડી ગયાની સ્થિતિ અનુભવતી હતી.
દેશ પાછાં જવા માટે ટિકિટના પૈસા ન હતા. મારૂં સાસરૂં અને પિયર બંને શ્રીમંત હોવા છતાં અહીં આવવા માટે અમારે સોનાના દાગીના બેંકમાં ગીરવે મૂકી લોન લેવી પડી હતી. બે વેવાઈઓની સામસામે દીકરીની લેવડદેવડના સંબંધમાં મારી નણંદ અને મારાં ભાઈ વચ્ચેના અણબનાવને કારણે સાસરીમાંથી મને અને મારાં પતિને જાકારો મળ્યો હતો અને પિયરની મહેમાન થઈ હું અમેરીકા આવી હતી. ભૂંસાયેલી ઓળખ, નિષ્ફળતા અને હજારો રૂપિયાના કરજ સાથે દેશમાં પાછાં ફરવા કરતાં મરી જવું સારૂં એવો એક તરંગ પણ મનમાંથી પસાર થઈ ગયો હતો.
ક્ષણાર્ધ માટે મનમાં પ્રવેશેલા આ આત્મઘાતી વિચાર માટે આજે મને શરમ ઉપજે છે. સામે સિંહ આવે તો ય ગભરાટ ન થાય તે રીતે ગીરના જંગલમાં હું ઊછરી છું. આ જંગલમાં સૌ પ્રથમ મારાં બાપુજીએ વાવેલો કેસર કેરીનો બગીચો અમારૂં વેકેશન હોમ હતું. આ આંબાના બગીચામાં પ્રવેશતા પહોળા રસ્તાની ધારે ધારે બંને બાજુ લગભગ વીસ જેટલાં નાળિયેરીનાં વૃક્ષોની હારમાળા અને વચ્ચે ગુલાબના છોડ જોવા મળે. ઘરના ખૂલ્લા પ્રાંગણમાં ગુલાબ અને મોગરા સાથે બીજા કેટલાંક ફૂલોના ક્યારાઓ હતા. ફૂલોને છોડથી અલગ કરવાનું મન ન થાય એવા શોભતા હોય. આ વિશાળ વાડીના આંબાની ડાળ સાથે રમતાં રમતાં મેં ઘણા પુસ્તકો વાંચ્યાં છે. ચારેય દિશામાં દૂર સુધી આંબાના ઝાડ સિવાય કંઈ ન દેખાય. આજુબાજુ ટહૂકતા મોરની કળા જોવાની નવાઈ નહીં. કોયલના ટહુકા હજુ ય મનમાં પડઘાય છે. જંગલી પ્રાણી કઈ બાજુથી ક્યારે આવે તે નક્કી નહીં તેથી ડર વગર સતર્ક રહેવાની ટેવ નાનપણથી પડી હતી. ગીરનારના પર્વતો અહીંથી બહુ દૂર નહીં. જન્મસ્થળ વેરાવળમાં અરબી સમુદ્ર નજીક પણ એક વિશાળ બંગલો હતો. સ્કૂલ ચાલુ હોય ત્યારે ત્યાં રહેવાનું. ઘરની અગાશીમાંથી દરિયાના ઊછળતા મોજાં જોઈ શકાય. રેતીમાં રમતાં રમતાં આ મોજાઓની ખારાશને પીધી છે. તે સમયે કલ્પના પણ ન હતી કે દરિયાપારની સ્વર્ગ જેવી આ અજાણ ભૂમિ પર એક દિવસ હું ગીરના જંગલને ઝંખીશ.
મારાં ભાઈએ અમારાં માટે એપાર્ટમેન્ટ ભાડે રાખ્યું. બીજે મહિનેથી અમે ત્યાં રહેવાં ગયાં. કર્જનો આંકડો વધતો જતો હતો અને નોકરીની આશા ઘટતી જતી હતી. એક રવિવારની સવારે ભાઈ મને નજીકની એક સ્કૂલના મેદાનમાં લઈ ગયા. “લે ગાડી ચલાવ અહીં ડ્રાઈવરની સીટ પર આવી જા.” એટલું કહી દરવાજો ખોલી ઊતરી ગયા અને મારાં ઊતરવાની શાંતિથી રાહ જોવા લાગ્યા.
“અરે પણ મને…” મારાં આ વાક્યને વચ્ચેથી કાપીને કહે,” તું જો તો ખરી, કાંઈ અઘરૂં નથી. હું છું ને તારી બાજુમાં” ભાઈએ મને હિંમત આપી.
ગભરાતાં ગભરાતાં મેં સીટ બદલી સ્ટિયરીંગ વ્હીલ પર હાથ મૂક્યો. શરીરમાંથી ધ્રૂજારી પસાર થઈ ગઈ. પેડલ દબાવતા પગે પાણી ઉતર્યું. સ્પીડ વધે એટલે ડર વધે અને જોરથી બ્રેક પર પગ મૂકાઈ જાય. એકાદ કલાકની પ્રેક્ટીસ પછી અમે ઘરે પહોંચ્યાં ત્યારે આતુરતાથી મારી રાહ જોવાતી હતી. એ સમયે હજુ સેલ ફોનનું ખાસ ચલણ ખાસ નહોતું.
પતિની આંખમાં પ્રશ્નો, દીકરીઓની આંખોમાં કૂતુહલ અને મારી આંખોમાં આશા અંજાયેલી હતી. નાની દીકરી દોડીને મને વળગી પડી. પરિવાર પ્રત્યેના ભરપૂર પ્રેમના ઉછાળાએ મને ભીંજવી દીધી. ભારત પાછાં જવાના વિચારને ધકેલી મક્કમતાથી મેં પાછળનો દરવાજો બંધ કર્યો. જીવનની ગાડી હંકારવાની હિમંત મને આ પહેલાં લેશનમાં મળી ગઈ.
સંજોગોનો સ્વીકાર કરવાનું તો ફરજીયાત હતું પણ હાર સ્વીકારવાનું નહીં. “ડગલું ભર્યુ કે ના હઠવું” કવિ નર્મદની આ પંક્તિ મનમાં અંકિત હતી.
પ્રથમ અમારે આર્થિક સ્વાતંત્ર્ય માટે તક શોધવાની હતી. જોબ માટે કેટલીય જગ્યાએ એપ્લાય કરીએ. કોઈક ઈંટરવ્યુ માટે બોલાવે તો ખુશ થઈ જઈએ. ઈંટરવ્યુમાં શું પૂછે છે તે સમજ્યા વગર ‘યસ’ અને ‘નો’ કહીને ઉદાસ ચહેરે ઘરે પાછાં આવીએ. ભાષાના અજ્ઞાને મુશ્કેલીમાં ઊમેરો કર્યો. નોકરી મેળવવાનું તો મુશ્કેલ હતું જ પણ દેશમાં પાછાં જવું એથી ય વધારે મુશ્કેલ હતું. કેટલાય પ્રયત્નો પછી ડીપાર્ટમેંટલ સ્ટોર્સમાં નોકરી મળી. ‘રસેલ’માં ફૂલટાઈમ અને ‘બ્રેડલીઝ’માં પાર્ટટાઈમ એમ બે જોબ મળી. પ્રતાપને લાકડાના બોક્ષ બનાવતી એક કંપનીમાં ઓવરટાઈમવાળી જોબ મળી ગઈ. ભાષાનો પ્રશ્ન ધીરે ધીરે હલ થતો રહ્યો.
જોબ મળી પણ દીકરીઓનો પ્રશ્ન મોઢું ફાડીને સામે જ ઊભો હતો. ડે કેરનો ખર્ચ પોસાય તેમ ન હતો. હું જોબ પર હોઉં ત્યારે દીકરીઓનું બેબીસીટીંગ મારી નાની બહેન કરતી પણ અમારી સમસ્યાનો આ કાયમી ઉકેલ ન હતો. હું અને પ્રતાપ સવારના છ વાગ્યે ઘરેથી નીકળીને રાતે ૯ વાગ્યે પાછાં આવીએ. સવારે જોબ પર જતી વખતે મારી સૌથી નાની દીકરી મને વળગીને એટલી રડે કે હું પણ રડી પડું. રાત્રે ઊંઘમાં પણ એના ડૂસકાં સંભળાય. અમે સ્વાવલંબી થઈ શકીશું કે કેમ? નવા જીવનની શરૂઆત અઘરી જ હોય પણ આટલું અઘરૂં પડશે તે ધાર્યું ન હતું.
થોડા સમય પછી એક મેડિકલ લેબોરેટરીમાં વધારે આવકવાળી રાતની નોકરી મળી. આવક વધી અને દીકરીઓને સાચવવાનો પ્રશ્ન હલ થયો પણ અરણ્યમાં કેડી કંડારવા જેવા વિદેશના વસવાટ દરમ્યાન હજુ તો અમારે ઘણી મુશ્કેલીઓ વેઠવાની હતી. એકતાએ એકવખત ઘરલેશનમાં સ્કૂલમાં એમને પડતી મુશ્કેલીઓ વિષે લખ્યું હતું તે વાંચીને તેની શિક્ષક રડી પડી તે જાણ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે બાળકોને પણ સ્કૂલમાં ઘણી મુશ્કેલીઓ હતી. આ નવા પ્રદેશના અજાણ્યા અને અણસમજુ બાળકો વચ્ચે તેમની શી સ્થિતિ છે તેની વાત સાંભળવા માટે સમયનો અભાવ હતો. હોમવર્ક અને ઈતરપ્રવૃતિમાં પણ સમય ઓછો પડતો. અભ્યાસમાં તેઓ પાછળ ન રહી જાય તે માટે જોબ પર અડધા દિવસની રજા લઈને પણ હું તેમની ગાઈડંસ કાઉંસીલર પાસે અવારનવાર જતી હતી. મિસિસ વીકોવીચ નામની એક શિક્ષિકા તેમને અંગ્રેજી શીખવાડવા ઘરે આવતી. બાળકોને બીજી ભાષા શીખવામાં પડતી મુશ્કેલીઓ ઉપર તે પી.એચ.ડી. કરતી હતી. સંશોધનના પ્રયોગાત્મક પરિણામો માટે તેણે મારી પાસે ગુજરાતી શીખવાનું શરૂ કરેલ. એકવાર તે મને કહે, “Do not compare your daughters’ results with each other. Compare their past results with current results and focus on their progress rather than grades” (દીકરીઓના પરિણામને એકબીજા સાથે નહીં પણ તેના અગાઉના માર્ક સાથે સરખાવી પ્રગતિ પર ધ્યાન આપ પરિણામ પર નહીં). જેને હું તંદુરસ્ત હરિફાઈ ગણતી હતી તે કેટલી અયોગ્ય છે અને સરખામણીના કેટલા ગેરફાયદા છે તેનો વિચાર કરવા હું એને કારણે પ્રેરાઈ. આથી એક જુદી જ દિશામાં મારાં વિચારો વિકસ્યા. તેની પાસેથી મને અહીંની સ્કૂલની પદ્ધતિ કેટલી જુદી અને વિધેયાત્મક છે તે પણ જાણવા મળ્યું.
દેશમાં વ્યવસાયે હું શિક્ષક હતી અને અહીં કારકીર્દીની શરૂઆત લેબોરેટરીમાં થઈ. બીજા જ મહિને ભૂલભરેલા રીઝલ્ટ્સ પર મારી સહી માંગતા સહકાર્યકર સ્કોટ સાથે વાંધો પડ્યો. ટેસ્ટીંગ મશીનમાં તેણે સેંપલ્સની આખી Rack અવળી મૂકી હતી તેથી ૬૦ દર્દીઓના રીઝલ્ટ ખોટા હતા. આ મારાં ધ્યાનમાં આવ્યું તેથી મેં સહી કરવાની ના પાડી. કામ અમને બંનેને સોંપવામાં આવેલ તેથી તે ગુસ્સે થઈ ગયો. હું દલીલ કરવા લાગી. આજુબાજુની બેચ પર બીજા સહકાર્યકરો ચૂપ રહીને સાક્ષીભાવે અમને સાંભળતાં હતાં. તેમના દ્વારા આખી વાત સુપરવાઈઝર પાસે પહોંચી. શીફ્ટ પૂરી થતી હતી તેથી અમને બંનેને તેની ઓફિસમાં બીજે દિવસે મળવાનું કહ્યું. નોકરી હજુ કાયમી નહોતી થઈ અને સ્કોટ નામના આ ગોરા અમેરીકન યુવાન સાથે માથાકૂટ થઈ. હવે નોકરી કાયમી થશે કે કેમ તે શંકા સાથે ઘરે જઈને મેં ભાઈને આ વાત કરી. તે કહે, “આ કારણે તારી નોકરી જશે તો તારો રેકર્ડ ખરાબ થઈ જશે. તને બીજે મેળવવામાં પણ મુશ્કેલી થશે દેશમાં પાછાં જવું હોય તો વિચારી જોજે.”
બીજે દિવસે સુપરવાઈઝરને મળવા જતાં પહેલાં વોશરૂમમાં જઈને હું ખૂબ રડી. ઢાળેલી આંખો સાથે હું ઓફીસમાં ગઈ. સુપરવાઈઝરે કહ્યું, “સ્કોટને આજે હું બરતરફ કરવાની છું. તેની ભૂલો થાય છે પણ મારી પાસે પુરાવો નહોતો. તારી કોઈ ભૂલ નથી, સહી ન કરી તે સારૂં થયુ. કોઈ તકલીફ હોય તો મને કહેજે.” “થેંક યુ વેરી મચ” કહેતા મારી રડેલી આંખો હસી ઊઠી. હ્રદય ફરીથી ભરાઈ આવ્યું પણ હવે ખુશીને કારણે! તે રાતે સ્કોટ જોબ પર આવ્યો ન હતો અને હવે આવવાનો પણ ન હતો. પગમાંથી મણની બેડી નીકળી ગઈ હોય તેવી ત્વરાથી હું લેબમાં કામ કરવા લાગી. ત્રણ મહિનામાં કંપનીએ સ્પોકન ઈંગ્લીશના ક્લાસ ભરવા માટેની ફીના પૈસાની મંજૂરી સાથે મારી નોકરી કાયમ કરી. બીજે વર્ષે ઝડપી અને સારૂં કામ કરવા માટે એવોર્ડ પણ મળ્યો.
અહીં ટકી શકાશે એમ લાગ્યું એટલે કપડાં ખરીદવાની જરૂર લાગી. અહીંનો પહેરવેશ અપનાવવો જરૂરી હતો. બોસ્ટનની ઠંડીને કારણે પેન્ટ-કોટ પહેરવાં પડ્યાં તેનો સંકોચ દૂર થતા થોડી વાર લાગી. પહેલીવાર પેન્ટ શર્ટ પહેરવાનું બહુ વિચિત્ર લાગેલ. દેશમાં છેલ્લાં બાર વર્ષોથી હું ગુજરાતી સાડી પહેરતી હતી. દેશમાં કોઈ મને ફોટામાં પણ પેંટ-શર્ટમાં ન જોઈ જાય તેનો ખ્યાલ હું શરૂઆતમાં રાખતી હતી. ગુજરાતીઓ સાથે નવરાત્રીના કાર્યક્રમો અને બીજા મેળવડાઓમાં સાડી જ પહેરતી. ધીરે ધીરે ગુજરાતી પરિવારો સાથે પણ પરિચય વધતો ગયો. આ પારકા પ્રદેશમાં અમે એકલા નથી એવો ભાવ પોષતી ગુજરાતી સંસ્થાઓમાં પણ જોડાવાનું થયું. જીવન વ્યસ્ત હતું પણ સાથે ખુશીની ઝરમર શરૂ થઈ હતી. કયારેક જનની અને જન્મભૂમિની યાદોના આંસુ પણ છલકી ઊઠે. આવી એક યાદના એક અવિસ્મરણીય અનુભવ પરથી લખેલ મારી કૃતિ થોડા ફેરફાર સાથે અહીં મૂકું છું. આ કૃતિને ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રોત્સાહક ઈનામ મળ્યું હતું.
1992માં બાર્સેલોનામાં રમાતી ઓલિમ્પિક રમતોને ટી.વી પર નિહાળતી મારી પંદર વર્ષની બંને જોડિયા દીકરીઓ એક રમતવીરની જીતની ખુશીથી એકબીજાને તાલી આપી ફૂદરડી ફરતી ઝૂમી ઊઠી ત્યારે મેં કૂતુહલ સાથે પૂછ્યું હતું, “ઈંડિયા જીત્યુ? કઈ રમતમાં?”
“નો….. મધર!” ‘નો’ પર ભાર મૂકીને એકતા કહે “અમેરીકા!”
જવાબ સાંભળી હું આશ્ચર્યમાં ડૂબી ગઈ હતી.
બંને દીકરીઓની આંખોમાં વિસ્મયનો ભાવ મને વંચાયો. તેમાં આટલી સાદી સમજ મને કેમ ન પડી તે લખ્યું હતું પરંતુ મારાં વિસ્મયને સમજનાર તે સમયે ત્યાં અન્ય કોઈ હાજર ન હતું.
ઓહ! તો આટલા ટૂંકા સમયમાં એક છત્ર નીચે રહેતો અમારો પરિવાર અજાણપણે બે દેશો વચ્ચે વહેંચાઈ રહ્યો હતો. જાણે બે પેઢી વચ્ચે અદ્રશ્ય સીમારેખાઓ અંકાઈ રહી હતી અને અમને કોઈને તેની જાણ સુદ્ધાં ન હતી. ઓચિંતુ જ આ નગ્ન સત્ય નજર સમક્ષ ઉપસ્થિત થયું અને મારું હ્રદય ખળભળી ઉઠ્યું હતું. એક તરફ સાંજનો ઢળતો સૂર્ય ભારતમાં રહેતા માબાપની યાદ આપતો હતો અને બીજી તરફ ઉગતા સૂર્યને સંતાનો અમેરીકાની ધરતી પર નિહાળતા હતા. આ આથમતી અને ઉગતી પેઢી વચ્ચે સેતુ બનીને ઉચ્ચક મનથી અહીં વસતા સ્થળાંતરવાસીઓ અમે ક્યાંના…? તે પ્રશ્નનો ખોવાયેલ ઉતર આ પ્રસંગને અવિસ્મરણીય બનાવી મનના અતલ ઊંડાણ સુધી લઈ જાય છે
માતૃભૂમિથી દૂર પારકા પ્રદેશમાં એટલે કે અમેરીકા આવ્યાને હજુ અમને ત્રણ વર્ષ થયાં હતાં. અમારી જીવનનાવ હજુ હાલકડોલક હતી. થોડા વર્ષો પછી કાયમ માટે વતન પાછાં ફરવાની ઈચ્છા તીવ્ર હતી પણ એ પહેલાં તો બસ એક જ લક્ષ્ય હતું કે વિકસવાની જે તકો અમને મળી ન હતી તે બાળકોને મળે તેમ કરવું અંને એ માટે રાત-દિવસ અમે મથ્યા કરતાં હતાં.
અહીં નોકરી મેળવવાનું કે કરવાનું અઘરૂં ન હતું પણ પશ્ચિમના દેશમાં પૂર્વની સંસ્કૃતિ કેમ જાળવવી? તે સમસ્યા અમને સતત મુંઝવતી. સ્કૂલમાંથી બાળકો રોજ નવા વિચારો લઈને આવતાં અને તેનાથી ક્યારેક મન ગૌરવ અનુભવતું તો ક્યારેક ચિંતાથી ઘેરાઈ જતું.
અમેરીકામાં પ્રવેશતાં જ સંઘર્ષની સાથે સાથે વિકાસની તકો પણ મળતી રહી.
મારી વિદ્યાયાત્રા
૧૯૫૬માં હું જન્મી ત્યારે ગુજરાત અલગ રાજ્ય ન હતું. કોમવાદી વાતાવરણમાં અમારી અભણ રબારી જ્ઞાતિની કોઈ ગણના નહીં. જ્ઞાતિમાં સ્ત્રી શિક્ષણ તો દૂરની વાત પણ ભાગ્યે જ કોઈ પરિવારમાં કોઈકને લખતાં વાંચતા આવડે. ગીર અને બરડાના ડુંગરોમાં વિચરતી આ જ્ઞાતિના વાડાઓ શહેરોમાં પણ અલગ હોય. પશૂપાલન અને ખેતી સાથે વણાયેલી ગ્રામ્ય સંસ્કૃતિનો મેળ શહેરી સંસ્કૃતિ સાથે કરવાનું મુશ્કેલ. દીકરી તો ઠીક, દીકરાને ભણાવવાનો વિચાર પણ અભણ માબાપ માટે અઘરો હતો. એવા સમયમાં અમે ભાઈબહેનોએ પ્રાથમિક શિક્ષણ પ્રાયવેટ સ્કૂલમાં મેળવ્યું હતું.
સ્કૂલના ટ્રસ્ટીની દીકરી જેને આપણે નયના કહીશું તે મારાં વર્ગમાં હતી. સ્કૂલમાં તેનાં ઘણાં મિત્રોમાંની હું એક હતી પણ ઘરલેશન અમે હંમેશાં સાથે કરતાં. મોટેભાગે એણે મારાં લેશનની કોપી કરી હોય. હોંશિયાર ન હોવા છતાં તે પરિક્ષામાં પ્રથમ નંબરે પાસ થતી તેનું કારણ એટલું જ કે તે ટ્રસ્ટીની દીકરી હતી. મારી લાયકાત હોવા છતાં મારો નંબર ઘણો પાછળ રહેતો. અભ્યાસમાં એની પ્રગતિ મારે કારણે નહીં પણ મારી એને કારણે હોય એમ અમારાં માબાપને પણ લાગતું. અમારાં બંનેના માબાપ વચ્ચેના ગાઢ સંબંધોને કારણે નયનાનું વર્ચસ્વ મારાં પર ખૂબ હતું. એનું વર્તન તુચ્છતાભર્યું હોવા છતાં મારે ફરજીયાત એની સાથે લેશન કરવું પડતું. મારી વિદ્યાયાત્રાની શરૂઆતમાં સૌથી મોટો અવરોધ નયના હતી. બીજા શબ્દોમાં કહું તો શિક્ષણસંસ્થાની ગેરરીતિ અને જ્ઞાતિવાદ હતા. હાઈસ્કૂલમાં દાખલ થઈ પછી સરકારી સ્કૂલમાં સિદ્ધાંતવાદી આચાર્યાને કારણે સારા અને સાચા ગુણાંક મળવા લાગ્યા અને નયના મારાંથી દૂર થતી ગઈ. હાઈસ્કૂલ દરમ્યાન હું NCC (National Cadet Corps)ની મેંબર થઈ એ પછી ‘હિમાયલ સળગ્યો’ નામે દેશભક્તિના નાટકમાં કર્નલનો રોલ ભજવતી વખતે દેશભક્તિના બીજ રોપાયાં હતાં. સામાન્ય જ્ઞાનની હરિફાઈઓમાં ભાગ લેવાને કારણે દેશદુનિયા વિષે જ્ઞાન વધતું ગયું. સારા માર્કસ માટે ક્યારેય વધારે મહેનત કર્યાંનું યાદ નથી. ગણિત મારો સૌથી પ્રિય વિષય. હું દશમાં ધોરણમાં હતી ત્યારે ગણિત-વિજ્ઞાનના શિક્ષક ભટ્ટ સાહેબની દીકરી મારાં વર્ગમાં અભ્યાસ કરતી હતી. એને ગણિત બહુ આવડે નહીં. તેની સાથે મારી પણ પ્રગતિ થાય એમ વિચારી ભટ્ટસાહેબ એક દિવસ અમારાં ઘરે આવ્યા. મારાં માબાપની મંજૂરી લઈ S.S.C. માં મને હાયરમેથ્સ રાખવા સમજાવીને ફ્રી ટ્યૂશન આપવા તૈયાર થયા. કોલેજમાં ગઈ ત્યાં સુધી હું નિયમિત એમને ત્યાં જતી. તેઓ મને ગણિત શીખવતા અને હું તેની દીકરી તથા બીજી વિદ્યાર્થીનીઓને ગણિત શીખવતી. એક ઉત્તમ શિક્ષક પાસેથી શિક્ષક થવાની કેળવણી મળવાની શરૂઆત પણ ત્યારથી થઈ હતી. ભટ્ટ સાહેબે જો તે દિવસે ઘરે આવીને મને હાયરમેથ્સ રાખવા પ્રોત્સાહિત ન કરી હોત તો ગણિત ક્યારનું ય વીસરાઈ ગયું હોત. એમની આપેલી આ વિદ્યા હું આજે પણ ગણિતના વર્ગો દ્વારા વહેંચતી રહું છું. व्यये कृते वर्धत एव नित्यम् विद्या धनं सर्व धनम् प्रधानम् ॥(બધા ધનમાં શ્રેષ્ઠ એવું વિદ્યાધન વહેંચવાથી હંમેશાં વધતું રહે છે.)
તેઓએ મને ગણિત ઉપરાંત અંગ્રેજી અને વિજ્ઞાનમાં પણ મદદ કરી. યુનિવર્સીટીની વિજ્ઞાન શાખામાં અરજી કરવાની તેમણે મને પ્રેરણા આપી. મારાં જીવનનો રાહ આથી બદલાઈ ગયો. રાજકોટની મહિલા કોલેજ અને હોસ્ટેલમાં એડમીશન મળ્યું. તે સમયમાં ઘરથી લગભગ ૩૦૦ કિલોમીટર દૂર શહેરની હોસ્ટેલમાં રહીને ભણવા મોકલતી વખતે ગ્રામ્ય કન્યાના પિતાને કેટલી ચિંતા થઈ હશે તે આજે સમજાય છે. પિતાની અભ્યાસની રૂચિ મને વારસામાં મળી હતી. અમારાં વિશાળ પરિવારના બાળકોમાં કોણ ક્યાં ધોરણમાં છે તે તેને ભૂલાઈ જાય પણ જરૂર હોય તેને ભણાવવા શિક્ષક ઘરે આવે. સદભાગ્યે મારે એવી જરૂર નહોતી. કોઈ પણ વિષયની ગાઈડ ઠોઠ વિદ્યાર્થીઓ માટે હોય એવી એક માન્યતા એટલે ગાઈડ થકી ગોખણપટ્ટી નહીં, પણ સમજીને અભ્યાસ કરવાની આદત નાનપણથી પડી હતી. વેકેશનમાં શેરીના બાળકો સાથે દોડાદોડી કરવી મને ગમે નહીં તેથી ગણિતના કોયડાઓ, ઐતિહાસીક શોર્યકથાઓ અને ક્યારેક કવિતાઓ વાંચીને સમય પસાર કરતી. મારી બા એના લગ્ન પછી લખતાં વાંચતાં શીખી હતી. અમારાં સમાજમાં સામાજિક વ્યવહાર કુશળતા જેનામાં હોય તે હોશિયાર ગણાય! એ રીતે હું ઠોઠ ગણાતી. સારા માર્કસનું કોઈ મૂલ્ય નહીં તેથી તેની કોઈ વિશેષ ખુશી નહીં.
૧૯૭૫માં મારાં લગ્ન થયાં. બીજા જ દિવસે મહેંદી રંગ્યા હાથે કોલેજના ત્રીજા વર્ષની પરીક્ષા આપવા હું રાજકોટ ગઈ. મારો અભ્યાસ ચાલુ રાખવા અંગે મારાં માબાપે સાસરા પક્ષ સાથે લગ્ન પહેલાં જ વાત કરી હતી. હોસ્ટેલમાં રહી બીજે વર્ષે ૧૯૭૬માં માઈક્રોબાયોલોજી વિષય સાથે B.SC.ની ડીગ્રી મેળવનાર સૌરાષ્ટ્રમાં અમારી જ્ઞાતિની હું પ્રથમ કન્યા હતી. ગર્વ સાથે જ્યારે સર્ટીફિકેટ લઈને ઘરે આવી ત્યારે બાએ કહ્યું કે “હવે તારી જવાબદારી વધે છે. આપણા અભણ સમાજમાં હવે તું ઉદાહરણરૂપ છો. એ માટે તારે વધુ ધ્યાન રાખવું પડશે. સાસરીમાં પણ બહુ સંભાળીને રહેજે. તારી કૌટુંબિક ફરજોમાં ક્યાંય ઊણપ ન આવે તે જોજે. નહીંતર બીજી દીકરીઓને માબાપ નહીં ભણાવે” સંતાનોને ભણાવીએ એટલે તેઓ સ્વછંદ થઈ જાય તેવી ખોટી માન્યતા કેટલાય અભણ લોકોમાં ફેલાયેલી હતી. મારાં માબાપે મારાં માટે કંડારેલી આ કેડી પર આજે અમારાં સમાજની હજારો કન્યાઓ ચાલીને ગર્વ લે છે. ભણેલી કન્યાઓને તેમની કૌટુંબિક ફરજો પ્રત્યે ધ્યાન દોરવા એમના વડીલો મારૂં ઉદાહરણ આપે ત્યારે મારી બા ગર્વ અનુભવતી. તે જોઈને મને ઘણી ખુશી થતી. કોઈ દીકરીને કોલેજમાં જવાની માબાપ ના પાડે તો મારી પાસે આવે અને વિનંતીકરે કે હું એના માબાપને સમજાવું. ૧૯૮૧માં B.Ed.ની ડીગ્રી મેળવી ત્યારે હું બે દીકરીઓની મા બની ચૂકી હતી. ગણિત વિજ્ઞાનની શિક્ષિકા તરીકે મેં નોકરી શરૂ કરી. મારી વિદ્યાયાત્રા ચાલુ રહે તે માટે M.Ed.ના વેકેશન કોર્ષમાં મેં એડમીશન લીધું. એ માટે વેરાવળથી ભાવનગર જઈને રહેવું પડે તેમ હતું. ત્યાં રહેવાની વ્યવસ્થા તો થઈ ગઈ પણ દીકરીઓને સાચવવાની વ્યવસ્થા થઈ ન શકી. પ્રતાપને પણ એટલી રજા ન મળે એટલે વિચાર પડતો મૂક્યો. આ સાથે શિક્ષણ ક્ષેત્રે Ph.D કરવાની ઈચ્છા પણ કચડાઈ ગઈ.
અમેરીકા આવીને મેડિકલ અને પછી રીસર્ચ લેબોરેટરીમાં કામ શરૂ કર્યુ. વર્લ્ડ એજ્યૂકેશન સર્વીસીસ થકી ક્રેડિટ ટ્રાન્ફસફર કરી. બોર્ડની પરીક્ષા માટે વિજ્ઞાન વાંચવું ફરજીયાત થયું. એ દરમિયાન એક યાદગાર પ્રસંગ બન્યો. નેશવીલ, ટેનેસીની વેન્ડરબેલ્ટ નામની પ્રખ્યાત મેડિકલ રીસર્ચ ઈંસીટ્યૂટમાં બાળકોના હ્રદયરોગના વિશ્વવિખ્યાત ડોકટર સ્ટ્રાઉસની લેબોરેટરીમાં હું જોબ કરતી હતી. ડો. સ્ટ્રાઉસના હાથ નીચે કામ કરતો ડો. વર્નેટ મારો સુપરવાઈઝર હતો. મેડિકલ લેબોરેટરીની મારી પહેલી નોકરીના શરૂઆતના દિવસોમાં બોસ્ટનમાં સ્કોટ સાથે બનેલા બનાવનો એ સાક્ષી હતો. તેની પત્ની થાઈલેંડમાં જન્મેલી ભારતીય હતી. અમારી મૈત્રી શરૂઆતથી વિકસી હતી. અમે એકબીજાને ઘરે પણ આવતા જતાં. તે ત્યારે મેડિકલ કોલેજનો વિદ્યાર્થી હતો. હવે બાળકોના રોગોનો નિષ્ણાંત બનીને વૈજ્ઞાનિક બનવા તરફ જઈ રહ્યો હતો.
મારો ભાણેજ ચૈતન્ય પણ ઈંડીયામાં બાળકોના રોગોનો નિષ્ણાત થઈને ત્યારે નવો નવો આવ્યો હતો. અમારી લેબોરેટરીમાં રીસર્ચનું કામ શીખવાની વર્નેટે તેને છૂટ આપી હતી. ચૈતન્યના કહેવા પ્રમાણે આપણા દેશમાં બાળકોના હ્રદયરોગ પરના સંશોધનની આવી તક મળવી દુર્લભ હતી. ડોક્ટર વર્નેટનું રીસર્ચ પેપર પ્રગટ થતા પહેલાં ડોકટર સ્ટ્રાઉસે ફરી ચકાસી જવાનું હતું. એમાં રીસર્ચ આસીસ્ટંટ તરીકે મારૂં પણ નામ હોવાથી મારી કસોટી થવાની હતી જેની મને ખબર ન હતી. અમેરીકાની પ્રખ્યાત હોસ્પીટલના વિશ્વવિખ્યાત વૈજ્ઞાનિકના હાથ નીચે કામ કરતાં છ ડોકટર્સની હાજરીમાં મારે મારાં કામનું વિડિયો પ્રેઝન્ટેશન કરવાનું હતું.
તે દિવસે જીવનમાં પહેલીવાર મારાં પગ જરાં ધૃજ્યા હતા. DNA એટલે શું તે હજુ ય જેમને ખબર નથી અને સમજી પણ ન શકે એવા કેટલાય સગાઓ મારાં નજીકના વર્તુળ છે. હાઈસ્કૂલમાં હતી ત્યારે cloningનો વિચાર ચંદ્રની મુસાફરી જેટલો દૂર લાગે. DNA cloning થકી રંગસૂત્રોમાં ફેરફારના જે પ્રયોગો મેં કર્યા હતા તેનું સ્લાઈડ્સ સાથે વર્ણન કરવા કરી મોટાભાગના પ્રશ્નોના જવાબો હું આપી શકી. “આ બધુ આધુનિક વિજ્ઞાન તેં ક્યારે વાંચ્યું?” ડો. વર્નેટે બીજે દિવસે આશ્ચર્યથી મને પૂછ્યું હતું. દરેક બાબતમાં હું શું અને શા માટે કરૂં છું તે સાથે મારી સંભવિત ભૂલોના પરિણામો જાણવાની જીજ્ઞાસાવૃતિને કારણે જ મેં આ બધુ ગુગલ મહારાજ પાસેથી જાણ્યું હતું.
પ્રયોગોના ઈંક્યૂબેશન પિરિયડ દરમ્યાન કોમ્યુટર પર હું ઓનલાઈન નિબંધો વાંચતી રહેતી. એક પ્રખ્યાત વૈજ્ઞાનિકને હું સાચા જવાબો આપી શકી. તે દિવસે મારાં ગર્વનો પાર ન હતો. પર્વતની ટોચ પર હોઉં એવી ખુશી સાથે હું ઘરે આવી. ઘરે આવતા મોડું થયું હતું. અદિતિ આતુરતાથી મારી રાહ જોતી હતી. ખુશીથી તે થનગનતી હતી. બારણુ ખૂલતા જ હાથમાં પત્ર સાથે તે દોડી આવી. ચંદ્ર પર પગ મૂકનાર પ્રથમ અવકાશયાત્રી નીલ આર્મસ્ટ્રોંગ જે યુનિવર્સીટીમાં ભણ્યો હતો તેમાં તેને એડમીશન મળ્યું હતું. મારી ખુશી એની ખુશી સાથે ભળી ગઈ. કોલેજમાં જવાના એના ઉત્સાહ નીચે મારી જોબની સફળતાની વાત સરકી ગઈ. મારી પ્રગતિને બદલે અદિતિની પ્રગતિ પર ધ્યાન આપવું જરૂરી હતું. કોલેજમાં જવાની તૈયારી માટે તેને જોઈતો સમય હું આપી શક્તી નહીં. થોડા દીવસો બાદ મેં જોબ છોડી દીધી. સમયની ખેંચ સિવાય એક બીજું કારણ એ હતું કે સંશોધન માટે ઊંદરોનો જીવ લેવાય તે હું જોઈ શક્તી નહીં. ઉનાળાના વેકેશન પછી અદિતિ યુનીવર્સીટીના કેમ્પસ પર રહેવા ગઈ. દીકરીઓ વગરના ઘરમાં હું સૂની પડી ગઈ. મારી દિનચર્યા બદલાઈ ગઈ. Empty nest syndrome દેખાવા માંડ્યાં.
એમાંથી બહાર આવ્યાં પછી Ph.D કરવાની ઈચ્છા મનમાં ફરી સળવળી. હવે મને ડાયાસ્પોરા ગુજરાતી સાહિત્યમાં વધુ રસ હતો. તે માટેની લાયકાત માટે માસ્ટર્સની ડીગ્રી જરૂરી હતી. મુંબઈની S.N.D.T.Universityમાં distance learning program દ્વારા ગુજરાતી લિટરેચરમાં બે વર્ષનો કોર્ષ કરી માસ્ટર્સની ડીગ્રી મેળવી. Ph.D.ની વિદ્યાર્થીની તરીકે એડમીશન અપાવવા માટે નૂતનબેન જાનીએ મારાં માટે ઘણા પ્રયત્નો કર્યાં પણ એડમીશન ન મળ્યું. યુનીવર્સીટીના સહકાર વગર પણ એમણે માર્ગદર્શન આપવાનું ચાલુ રાખ્યું આથી ડાયાસ્પોરા સાહિત્ય અંગે હું સ્વતંત્રપણે સંશોધન કરી શકીશ એવી આશા હતી. અચાનક નૂતનબેને આ દુનિયામાંથી વિદાય લઈ લીધી. એમની સાથે બે દિવસનો ટુંકો પરિચય છતાં મને એમના મૃત્યુની ખોટ ખુબ સાલી.
એ પછી મારો રસ ગણિત ભણાવવા તરફ વળી ગયો. સાચી વિદ્યાયાત્રા હવે શરૂ થતી હતી. ઈંડીયામાં ગણિત ભણાવવાનો અનુભવ હતો છતાં કાયદાઓની આંટીઘૂંટીને કારણે મને અહીં સ્કૂલમાં ગણિત ભણાવવા માટે લાયસન્સ ન મળ્યું. આથી મેં મારાં ઘરે વર્ગો શરૂ કર્યા. થોડા સંઘર્ષ બાદ વિદ્યાર્થીઓની સંખ્યા વધતી ગઈ. કોઈ યુનિવર્સીટી ન શીખવી શકે તેવા પાઠો આ વિદ્યાર્થીઓ સાથેના અનુભવો મને શીખવે છે. ઈશ્વરના રૂપો વિશેની મારી સમજણ પણ બદલાઈ ગઈ છે. હ્રદયમાં રહેલા ભાવોના અલગ અલગ સ્વરૂપમાં સૌથી પવિત્ર સ્વરૂપ એ જ પરમ તત્ત્વ છે. બાળકોમાં મને આ જોવા મળે છે. આ સ્વરૂપને સ્થાયી કરવાના પ્રયત્નોની નિષ્ફળતામાંથી પ્રગટતા નિષેધભાવને શેતાની તત્ત્વ કહી શકાય. આ બાળકોમાં મને નવા વિશ્વના દર્શન થયા.
સ્વતંત્રતાની આ ભૂમિ પરના સ્વતંત્ર મિજાજી બાળકોના મન અહીંથી ત્યાં ઊડાઊડ થતા હોય ત્યારે ગણિતના દાખલાઓમાં તેમનું મન પરોવવું, તે કેટલીકવાર લોઢાના ચણા ચાવવા બરાબર થઈ રહેતું. આ સાહસ શરૂ કર્યું તેના પહેલાં જ દિવસે પંદર વર્ષની એક અમેરીકન વિદ્યાર્થિની ભણવા બેસતાંની સાથે જ ગુસ્સાથી બોલી ઊઠી કે, “હું ઠોઠ છું, તે કબૂલ કરૂં છું અને મારે કંઈ શીખવું નથી. માટે કાલથી તારે આવવાની જરૂર નથી.” છેલ્લાં ત્રણ મહિનામાં હું તેની પાંચમી ટ્યૂટર હતી. તેનો ગુસ્સાને અવગણી કાલની વાત કાલ પર મૂકી. જુદા જુદા પ્રકારના નંબરની વ્યાખ્યાઓથી મેં તેને ગણિત ભણાવવાની શરૂઆત કરી. થોડા દિવસો બાદ દાખલો ગણતી વખતે એને મુંઝાતી જોઈ હું કંઈ કહેવા જાઉં તો કહેવા લાગે,’’ ના…ના… મને મારી મેળે કરવા દે, જરૂર પડશે તો હું પૂછીશ.” તેને ગણિતમાં રસ જાગ્યો, તેની મને ખૂબ ખુશી થઈ. તેની સાથે સાથે મારો પણ આત્મવિશ્વાસ વધ્યો. બહુ ઓછા સમયમાં તે D ગ્રેડમાંથી નીકળી A સાથે પાસ થઈ. એ પછી તેની મિત્રને પણ એણે મારી પાસે મોકલી અને પ્રચાર થતો ગયો અને વિદ્યાર્થીઓમાં હું લોકપ્રિય થતી રહી.
એક વખત એક વિદ્યાર્થી પહેલા જ દિવસે પુસ્તકનો ઘા કરી ઊભો થઈ ક્લાસરૂમમાં આંટા મારવા લાગ્યો. શું કરવું તે મને સમજાયું નહીં. મૌન જ ઉત્તમ લાગ્યું. તેની મા કલાક પછી લેવા આવવાની હતી. થોડીવારમાં તે તેની મેળે જ શાંત થયો. સાથે લાવેલ પાણીની બોટલમાંથી પાણી પીને મને કહે, “સોરી, હું તમારી પર ગુસ્સે નથી. મને નથી આવડતું, એટલે અકળાઈ જાઉં છું.” શિક્ષક અકળાઈ જાય તે તો સમજાય. વિદ્યાર્થી શિક્ષક પર અકળાય તે અનુભવ પણ નવો ન હતો. પણ વિદ્યાર્થી પોતાની જાત પર પણ ગુસ્સો કરે તે સ્થિતિનો સામનો કરવાનો મારો આ અનુભવ નવો હતો. મેં તેને મદદ કરવાની ખાતરી આપી, પ્રયત્ન કરવા સમજાવ્યો. દર અઠવાડીયે એકવાર તે નિયમિત આવતો રહ્યો. તેની અકળામણ અને મારી ધીરજ ક્યારેક ટકરાયાં કરતી પણ મારી ધીરજની જીત થતી. એક વર્ષ બાદ તેની મા એ એક ઈમેલમાં લખ્યું કે તેણે મને ‘ધ બેસ્ટ ટીચર’ કહી છે. સંધર્ષને અંતે સફળ થયાનો જે આત્મસંતોષ મળે છે તે અમૂલ્ય હોય છે. વિદ્યાર્થીઓ સાથેના અનેક અનુભવોએ મને જીવન વિશે ઘણું જ્ઞાન આપ્યું.
મારાં ફેમીલી ડોકટરની પુત્રી, જાણીતી બેંક ઓફીસરનો પુત્ર. અજાણ્યા ખેડૂતની પુત્રી, મિત્રના મિત્ર એવા સૈનિકનો પુત્ર, આરબ પડોશીની પુત્રી, ગુજરાતી, બંગાળી, તામિલી, પંજાબી આમ અલગ અલગ વર્ગ અને અલગ અલગ સંસ્કૃતિના બાળકો, કોઈના વંશજો રશિયાના તો કોઈના પેરૂદેશના, કોઈ ચીનથી સ્થળાંતર થયા હોય તો કોઈ ઈરાકથી, અહીંના કોઈ કાળા તો કોઈ ગોરા અમેરીકન વિદ્યાર્થીઓ……. અને તેમના વાલીઓ થકી વિશ્વબંધુત્વના શ્રેષ્ઠ પાઠો જે મને શીખવા મળ્યા તે માટે આ વિદ્યાર્થીઓ અને વાલીઓની હું આભારી છું. આ વ્યવસાય થકી મારી દ્રષ્ટિ અને હ્રદય બંને વિશાળ થયાનો મને અહેસાસ થયો. લેવા કરતાં આપવાનો આનંદ વિશેષ હોય છે તે સમજણ અનુભવે દ્રઢ થઈ.
હું ખાત્રીથી કહી શકું કે નિરાશાને કારણે હીનતા અનુભવતા વિદ્યાર્થીઓ માટે ગણિત માનસિક સારવારનું સાધન બની શકે. તામિલ શિલ્પશાસ્ત્રે ગણિતને કલાને દરજ્જો આપ્યો છે અને લખ્યું છે કે સંગીત દ્વારા ધ્વનિમાં, નૃત્ય દ્વારા શરીરમાં, કવિતા દ્વારા શબ્દોમાં, સ્થાપત્ય દ્વારા અંતરિક્ષમાં, શિલ્પ દ્વારા આકૃતિમાં અને ગણિત દ્વારા વૈચારિક દિવ્યતા પામી શકાય છે.
વ્યવસાય અને કલા પરસ્પર જોડાઈને આત્મનિર્ભર થવામાં સહાયક થાય ત્યારે આનંદની અનુભૂતિ સહજ બને છે. આ આનંદ વિદ્યાર્થીઓ સાથે વહેંચી તેમને ગણિતમાં રસ લેતા કરવાની પ્રતિબદ્ધતા સદાય જળવાઈ રહેશે, તે શ્રદ્ધા વ્યવસાયને ભક્તિ સાથે જોડવાની મને પ્રેરણા આપે છે અને ભક્તિ હંમેશાં આપણને સંઘર્ષનો સામનો કરવાની શક્તિ આપે છે. હું પણ આજીવન એક વિદ્યાર્થી છું તે અહેસાસ મને શિક્ષક હોવાથી થતો રહ્યો. ઓનલાઈન શિબિરો દ્વારા ભાષાનું કૌશલ્ય કેળવવા હજુ ય ઉત્સુક છું. ભાષાશાસ્ત્રી બાબુ સુથાર કે મધુ રાય જેવા કસબીઓ પાસેથી લેશન લઈ મારી કલમની સારી રીતે ચલાવતાં શીખતી રહું.
મારી લેખન યાત્રા
ઓપરા વિન્ફ્રીના કહેવા મુજબ ‘રોજ સવારે ઊઠીને તમને જો લખવાનો વિચાર આવતો હોય તો સમજો કે તમે લેખક છો’ લખવાની પ્રબળ ઈચ્છા રોજ સવારે મારાં મનમાં ઊઠે અને મને સર્જક થવા પ્રેરે. રોજ એમ થાય કે જોબ પર જવાનું ન હોત તો લખવાં બેસી જાત. જોબ પરથી આવીને રસોઈ, બાળકોના હોમવર્ક અને ઓવરટાઈમ કરીને આવેલા પતિની સંભાળમાંથી પરવારૂં ત્યાં આકાશમાં તારા દેખાવા માંડે અને સર્જક થવા મથતું મારૂં હ્રદય પ્રસવની પીડા સાથે ડાઈનીંગ ટેબલ પર કાગળ પેન લઈને બેસે. કોઈક એકાદ કૃતિ ક્યારેક અવતરે અને ક્યારેક દિવસ દરમ્યાન હ્રદયના ગર્ભમાં જ મરણને શરણ થઈ ચૂકી હોય. પીડાની શાહીથી ચિત્કારીને મદદ માટે પોકાર કરૂં. ડાયરીમાં દટાયેલો એવો એક પોકાર હજુ ઊંહકારા કરે છે. આ રહ્યો એ પોકારઃ
ગર્ભમાં જ મૃત્યુને શરણ થયેલી મારી કવિતાના
ખેંચી ખેંચીને બહાર કાઢેલા
પ્રાણ વિનાના શબ્દો,
કબ્રસ્તાન જેવી મારી નોટબુકના પાનામાં અહીં તહીં
દટાયેલા પડ્યા છે.
હે મિત્ર કવિજનો, મને કહેશો કે
ગર્ભપાત પછીની પીડા તમે પણ અનુભવી છે?
અથવા તો કહો કે ચાહકોને પ્રસન્ન કરી મૂકતી
તમારી આ ધબકતી કવિતાઓને તમે
ક્યા ક્યા ઓસડિયાં પાયા છે?
આવા ઓસડિયાં આપવા તૈયાર હોય તેવા કવિ મિત્રોમાં બે નામ તરત યાદ આવે. નીલમ દોશી અને ચંદ્રકાંત શાહ. બીજા ઘણાં સહયાત્રીઓને મળી છું પણ આ બંનેએ સક્રિય રસ લઈ મારી કૃતિઓના અવતરણમાં ફાળો આપ્યો છે. કલમ હાથમાં લેવાની પ્રેરણા નીલમની મૈત્રી થકી થઈ. કોલેજકાળ દરમ્યાન અમે હોસ્ટેલમિત્રો. લગભગ રોજ રાત્રે એને લખતી જોઈને મને એનું લખાણ વાંચવાનું મન થાય. ક્યારેક તે વંચાવે પણ ખરી! કોલેજની વાર્તા સ્પર્ધામાં નીલમ મને આગ્રહ કરીને લઈ જાય. વાંચનની તીવ્ર ભૂખ નાનપણથી. ઘરમાં બાલસંદેશ કે ફૂલવાડી જેવું બાળ સાહિત્ય અઠવાડિયે એકવાર વાંચવા મળે. રોજના છાપાથી ભૂખ સંતોષાય નહીં. ગામની વચ્ચે આવેલી લાયબ્રેરીમાં બાળકોથી જવાય નહીં. બાપુજી માટે આવતા સામાયિકો વાંચુ અને મિત્રો પાસેથી પણ વાંચન સામગ્રી શોધ્યા કરૂં. ગુજરાતી મિડીયમની હાઈસ્કૂલમાંથી ઈંગલીશ મિડિયમની સાયન્સ કોલેજમાં ગઈ તેથી ભાષા અઘરી થઈ. એચ. જી વેલ્સની વાર્તાઓ અભ્યાસક્રમનો ભાગ હતી. તે વાંચવી ગમે પણ બાયોલોજી અને કેમેસ્ટ્રી અંગ્રેજીમાં અઘરાં પડે તેથી તેના અભ્યાસમાં સમય વધારે આપવો પડે. આમ કોલેજ દરમ્યાન ગુજરાતી સાહિત્ય સાથે મર્યાદિત સંપર્ક રહ્યો.
વેકેશનમાં મારી વાંચનપ્રવૃતિમાં મારી માતા રસ લેતી અને કવિતાઓ કે ઐતિહાસિક વાર્તાઓ તેને હું ક્યારેક વાંચી સંભળાવતી. તે ધ્યાન દઈ રસપાન કરતી અને મંતવ્ય પણ આપતી. આમ છતાં બૂકવોર્મની જેમ આખો દિવસ મને ચોપડીમાં ડૂબેલી જોઈને બાને મારાં સાસરવાસના ભવિષ્યની ચિંતા થાય. ગ્રેજ્યૂએટ થઈ તે પહેલાં મારાં લગ્ન થઈ ગયાં હતાં. ‘હશે’ ને બદલે ‘હહે’ બોલતા પરિવારમાં મારી ભાષા શુદ્ધિ ચાગલઈ ગણાય. અંગ્રેજી શબ્દ ભૂલથીય હોઠેથી સ્ફૂટે તો અભિમાન ગણાય. “છંદે શું ચડી છે?” એવું મને કહેવામાં ન આવ્યું હોય તોપણ એટલી બધીવાર કાને પડ્યું છે કે છંદ કદી શીખવાનું મન જ ન થાય. આવા વાતાવરણમાં સમયની પાબંદી છતાં મારાં પતિ મારી આ યાત્રાને આગળ વધારવામાં સહાયરૂપ થયા. આ અરસામાં મારે ફાધર વાલેસ સાથે નિયમિત પત્રવ્યવહાર અમેરીકા આવી ત્યાં સુધી ચાલુ રહ્યો. આ દરમ્યાન વર્ષમા એકાદ બે વાર લખીને ‘ફૂલછાબ’ ‘સ્ત્રી’ કે ક્યાંય મોકલ્યું હોય તો સ્વીકાર થાય તે કારણે ઉત્સાહ જળવાઈ રહ્યો.
અમેરીકા આવ્યા બાદ ટુંક સમયમાં તારક મહેતાનો કાર્યક્ર્મ મારે આંગણે હું ગોઠવી શકી. શ્રી તારક મહેતા માટે ત્યારે મેં એક કાવ્ય લખ્યું હતું જેની પહેલી પંકતિ ‘રૂદનને રડાવે એક તારક રૂદનને રડાવે’ છે. પીડાના આંસુને હર્ષના આંસુમાં એક સાચો કલાકાર જ ફેરવી શકે. આ સાચા કલાકારે મને એક સલાહ આપી હતી કે મારે વધુ નહીં તો એક કલાક રોજ રાત્રે લખવાની ટેવ પાડવી. એ કેટલું અઘરૂં છે એનો અનુભવ એક પડકાર બની ગયો. લખવાનું શરૂ કરૂં પછી અટકવાનું અઘરૂં થઈ જાય. સમયનું ભાન ભૂલીને હું કોઈ બીજા જ વિશ્વમાં વિહરતી ઘણે દૂર નીકળી જાઉં. બીજે દિવસે સવારે ઊઠવાનું મોડું થઈ જાય. ડોમીનો ઈફેક્ટમાં બાળકોની સ્કૂલ, મારો જોબ પર જવા આવવાનો સમય અને છેલ્લે બાળકોના સૂવાના સમય સુધી આખો દિવસ તણાવું પડે. આગલી રાતનો ઉજાગરો અને દિવસ આખાના થાકને અંતે સરસ્વતિ દેવીને બે હાથ જોડીને વંદન કરવા જેટલી જ શક્તિ બચી હોય. પતિના રોમેંટિક મૂડ સામે તો પડખું ફરી શકાય પણ બીજા દિવસની સવારના એલાર્મને અવગણી શકાય નહીં. આમ જીવનમાં લખવાનો નિત્યક્રમ થઈ શક્યો નહીં પણ કવિ સંમેલનોમાં આદિલ મન્સુરી અને પન્ના નાયક જેવા કલાકારોને મળીને લખતાં રહેવાનું પ્રોત્સાહન મળ્યા કરે.
વડીલ કહી શકાય એવા શ્રી કિશોરભાઈ દેસાઈ સાથે ‘ગુર્જરી’ ડાયજેસ્ટથી હું જોડાયેલી રહી શકી, તેને મારૂં સદભાગ્ય ગણું છું. નવોદિતોને પ્રોત્સાહન પુરૂં પાડવાના શુભ આશયથી એમણે હંમેશા મારી કૃતિઓને સ્વીકારી છે. એ થકી વાંચકોના પ્રતિભાવો પણ પ્રોત્સાહિત કરતાં રહ્યા. જોબ પરથી ઘરે જતાં ડ્રાઈવ કરતી વખતે ક્યારેક કારને રસ્તા પરથી એકબાજુ ઊભી રાખીને કવિતા લખી હોય. આવી એક કવિતા ‘ગુર્જરી’ ડાયજેસ્ટમાં વાંચીને પન્ના નાયકને ત્યાંથી કવિ શ્રી સુરેશ દલાલનો ફોન આવ્યો ત્યારે એવોર્ડ મળ્યા જેટલો આનંદ થયો હતો. ગુર્જરીની ૨૫ વર્ષની આનંદયાત્રાની પ્રસ્તાવનામાં શ્રી મધુ રાય જેવા સર્જક મારાં નામનો ઉલ્લેખ નવોદિત તરીકે કરે ત્યારે થાય કે આગળ વધી શકાશે.
કલાચાહનાને કારણે બોસ્ટનમાં શ્રી મનુભાઈ પંચોળી, રમેશ પારેખ, અનિલ જોશી અને રજનીકુમાર પંડ્યા જેવી ઉત્તમ કક્ષાના કલાકારો સાથે ઘરઆંગણે ગોષ્ઠી થઈ શકી. ગુણવંત શાહ જેવા ચિંતક સાથે પણ મુલાકાત થઈ. આવા સત્સંગને કારણે કલમ થોડી થોડી ચાલતી રહી પણ વધુ રડતી રહી. બોસ્ટન છોડ્યા પછી થોડા વર્ષો આ પ્રવૃતિ સાવ બંધ થઈ ગઈ હતી. દેવી સરસ્વતિને કરેલી પ્રાર્થના ફળી અને નીલમ સાથેની મૈત્રીનો દોર વર્ષો બાદ ફરી સંધાયો ત્યારે નીલમે ફરી કલમ હાથમાં આપી. નીલમ અમેરીકા આવે ત્યારે અમે અમેરીકાનું સૌંદર્ય જોવા સાથે નીકળી પડીએ. ઘરે આવીને નીલમ પ્રવાસ વર્ણન લખવા બેસે અને મને ય બેસાડે! એણે બ્લોગ પણ ચાલુ કરી આપ્યો. કોમપ્યૂટરમાં ગુજરાતી ફોંટ ઈન્સ્ટોલ કરી આપ્યા પછી હું થોડું વધારે લખતી થઈ. એ પછી કોઈકવાર હરિફાઈમાં ભાગ લઉં અને કૃતિ ઈનામને પાત્ર હોય ત્યારે યાત્રા ચાલુ રાખવાનો ઉત્સાહ જળવાઈ રહે.
૨૦૧૧માં મુંબઈ ગઈ ત્યારે નૂતનબેન જાની સાથેની ગોષ્ઠીએ ડાયાસ્પોરા અને નારી વિષે લખવામાં રસ જાગ્યો. જે હજુ ય સુષુપ્ત અવસ્થામાં જળવાઈ રહ્યો છે. લંડનના વિપુલભાઈ કલ્યાણીનું ‘ઓપીનિયન’ કલ્યાણકારી નીવડ્યું. થોડો સમય ‘વેબગુર્જરી’ માટે શ્રી જુગલકિશોરભાઈ વ્યાસ સાથે કામ કરવાથી ભાષા વિષે હું વધુ સજાગ થઈ. વિશ્વસાહિત્યમાં રસ ધરાવતી ભાષાપ્રેમી મિત્ર મેરીયન મળ્યા પછી રસ વધતો રહ્યો. ભલે કાચબાની ગતિએ પણ આ યાત્રા ચાલુ રહી શકી છે તે જ મારાં માટે આનંદની વાત છે. વાંચનની ભૂખ અને લેખન માટેનો તલસાટ મને જીવંત રાખે છે. શબ્દરૂપે બ્રહ્મ મારાં શ્વાસમાં ઓગળી શક્તિનો સ્ત્રોત બની જાય છે.
કુટુંબધર્મ અને હ્રદયમંદિર
તમે ક્યા ધર્મમાં માનો છો? અમેરીકામાં આ પ્રશ્ન મને ઘણીવાર પૂછવામાં આવ્યો છે. હું બધા ધર્મોમાં માનું છું અથવા તો હું માનવધર્મમાં માનું છું એવા ટૂંકા જવાબથી પૂછનારને સંતોષ ન થાય. અંધશ્રદ્ધાના પ્રબળ વિરોધ વચ્ચે હું ઊછરી છું. માતાજીના પાંચ મઢોને ટ્રસ્ટમાં ફેરવવા માટે મારાં પિતાજીએ ભૂવાઓ સામે કોર્ટમાં કેસ કર્યો હતો. પૂંજના નામે ભક્તિ અર્થે ધૂપેડો ઊઘરાવવાની પ્રથા બંધ કરવાની શરૂઆત મારાં પિતાએ કરી. એ માટે તેઓ નાતબહાર પણ મૂકાયા હતા. ઘણા વિરોધ વંટોળનો સામનો એમણે કર્યો હતો. અભણ ગણાતા અમારાં રબારી સમાજમાં જાગૃતિ અને શિક્ષણ માટે તેઓ પ્રેરણાસ્રોત બની રહ્યા. મારી માતા રોજ સવારે ઉગતા સૂર્યને નમસ્કાર કરી શક્તિમંત્રો ઉચ્ચારતી. વિશાળ જગ્યામાં રહેતા પંદરથી વધારે સભ્યોવાળા અમારાં વિશાળ કુંટુંબ માટે મારી માતા પ્રેમનો સ્ત્રોત હતી. બા સહુને સાંભળે પણ ભાગ્યે જ કોઈને કંઈ કહે. કુંટુંબધર્મની એની ભક્તિમાં ત્યાગ અને સહાનુભૂતિ મુખ્ય હતાં. માતા બન્યા પછી હું એના પ્રેમની પરિભાષા સમજતી થઈ. પરાણે છોડવું પડે તે અત્યાચાર ગણાય પણ પ્રેમથી છોડવું તે ત્યાગ છે. શીતળ સ્વભાવની મારી સંયમી માતા પાસેથી મનને અડગ રાખતા હું શીખી હતી. સ્વચ્છતા માટેના એના નિયમોનું કડક પાલન સૌ માટે ફરજીયાત હતું.
બાલ્યકાળમાં રોપાયેલી મારાં હ્રદયની એક ડાળની અણધારી વિકાસ યાત્રા એટલે મારૂં લગ્નજીવન.
દસ વર્ષની ઊંમરે પ્રતાપ સાથે મારી સગાઈ થઈ. એ સમયે હું ખાનગી સ્કૂલના પાંચમાં ધોરણમાં અભ્યાસ કરતી હતી. તે દિવસે સ્કૂલે મોડી પડવાનું કારણ શિક્ષકો પાસે પહોંચી ગયું હતું. મને સ્કૂલેથી ખબર પડી કે મારી સગાઈ થઈ છે. પ્રતાપની બહેનની સગાઈ મારાં ભાઈ સાથે થઈ હતી. એ રીતે સામસામે સગપણ થયું હતું. આ રીતે સાટાપાટામાં દીકરીની લેવડદેવડ અમારી જ્ઞાતિમાં સામાન્ય બાબત હતી. અમે એક જ મહોલ્લામાં રહેતાં હતાં પણ જ્ઞાતિ રિવાજ મુજબ લગ્ન પહેલાં મળવાનો વર કન્યા પર પ્રતિબંધ હતો. કૌટુંબિક મેળાવડાઓમાં એકબીજા સામે જોવાની ય શરમ રાખવી પડતી.
૧૯ વર્ષની ઊંમરે મારાં લગ્ન થયા. પ્રતાપને ભણવામાં જરા યે રસ નહીં. દાદાના વાડી ખેતર હતાં, તેમાં તેને વધારે રસ. અમારાં રસ રુચિમાં કોઈ પણ પ્રકારનું સામ્ય નહીં. વિચારોનો મેળ પણ અઘરો હતો. લગ્ન પહેલાં એકબીજા વિષે ઘણી વાતો સાંભળી હતી. તે થકી એકબીજા પાસેથી સુખની કોઈ આશા કે અપેક્ષા ન હતા પણ પરસ્પરને દુઃખી ન કરવાની શુદ્ધ ભાવના હતી, જેને પ્રેમનું નામ આપી અમે સંસાર શરૂ કર્યો. ‘પતિ એ જ પરમેશ્વર’ નો સંસ્કૃતિ વારસો મને મારી બા દ્વારા મળ્યો અને “સૌરાષ્ટ્રની રસધાર” વાંચીને દ્રઢ થયો. લેખક શ્રી ઝવેરચંદ મેઘાણીના શોર્યગીતો રગેરગમાં દોડે. ‘ચૌદ વરસની ચારણ કન્યા’ માં મને મારૂં પ્રતિંબિંબ દેખાય. એક આડવાત એ કે મારાં આ પ્રિય કવિની દૌહિત્રી પલ્લવી સાથે પરદેશમાં મારી મિત્રતા ગાઢ થઈ તે વિસ્મયકારક બાબત છે. અમારાં બંનેના વિચારોમાં ગ્રામ્ય અને શહેરી સંસ્કૃતિનો ફેર તેથી મતભેદો થતા રહે પણ મારી વજ્રતા અને એની મૃદુતા અકબંધ રહે. જંગલમાં ખીલેલા છોડ સાથે બગીચાના મુલાયમ છોડ જેવી અમારી મૈત્રી મેં બોસ્ટન છોડ્યા પછી પણ વિકસતી રહી.
લગ્નજીવનની શરૂઆત ખુબ અઘરી હતી. મારાં સાસુ વર્ષો પહેલાં મૃત્યું પામ્યાં હતાં. ત્રણ કાકી સાસુઓ સાથેના પંદર સભ્યોના સંયુક્ત કુંટુબમાં પ્રતાપને કોઈ ગણે નહીં. એની બહેન અને મારાં ભાઈના લગ્નજીવનમાં તિરાડને કારણે સાસરીમાં મારે ઘણું સહન કરવું પડશે, તે કલ્પના ન હતી. બધી બાજુથી થતી અવગણનાનું દુઃખ અમેરીકા આવવાનું મુખ્ય કારણ બન્યું. ૧૯૭૬માં ગ્રેજ્યૂએટ થઈ ત્યારે મને અમેરીકા આવવાની તક હતી, તે તક ગુમાવી તેનો ક્યારેક અફસોસ થાય. ચૌદ વરસનો સાસરવાસ વેઠયા પછી ફરી તક મળી. જે મેં વિના વિલંબે ઝડપી લીધી.
મને હતું કે વાંચન લેખનનો શોખ મારે લગ્ન પછી ત્યજી દેવો પડશે. એને બદલે પછી પણ મારૂં ભણવાનું પણ ચાલુ રહ્યું. મારી પ્રગતિમાં પ્રતાપે હંમેશા સાથ આપ્યો જેની મને આશા ન હતી. ‘ત્રણ દીકરીઓ અને હું’ આટલી એની સિમિત દુનિયામાં એણે દિલ રેડીને અમને સૌને પાંગરવા દીધા. પ્રતાપના કંઠનું માધુર્ય અને સંગીતના શોખ થકી જીવન સૂરીલું બન્યું. અમારાં દાંપત્યજીવનનો એક પ્રસંગ ‘પિયર્સ’ ગુર્જરી ડાયજેસ્ટમાં શ્રી કિશોરભાઈ દેસાઈએ ડાયાસ્પોરીક કૃતિ તરીકે નોંધ લઈ પ્રકાશિત કર્યો છે. તે અહીં મૂક્યા વગર આ દાંપત્યયાત્રા અધૂરી ગણાશે.
હોસ્ટેલમાં રહી હું ભણતી હતી ત્યારે પિયર્સ મારો પ્રિય સાબુ હતો. માબાપે આપેલા એલાવન્સમાંથી મોંઘો સાબુ વાપરનારા ગણ્યાગાંઠ્યાઓમાંની હું એક હતી. સ્વાભાવિક રીતે જ લગ્ન પછી આણાની બેગમાં નાની મોટી વસ્તુઓની સાથે ડઝનબંધ પિયર્સ પણ મૂકાયો. હજુ તો વિદાય વખતના વચનો..”દીકરી, બધાને અનુકૂળ થઈ રહેજે” ના પડઘા શમ્યા ન હતા ત્યાં pears(સાબુ)નો stock ખલાસ! સહજ રીતે જ હું બીજો લઈ આવી. આણાની બેગમાં તો પિયરનો ખરીદેલો હતો તેથી કોઈને નહતો ખટક્યો પરંતુ સાસરાના પંદર માણસના સંયુક્ત કુંટુંબમાં મોંઘો સાબુ ખટકવાનો, તેની જાણ મને ન હતી પણ મારાં પતિને હતી. સાબુ જોતાં જ તેના ચહેરાના હાવભાવ બદલી ગયા તે મેં જોયું. મેં “કેમ?” પૂછ્યું તો માંડ એટલું બોલ્યા કે “આપણને આ નહીં પોસાય” મેં તરત જ સહજતાંથી કહ્યું કે હું પાછો આપી આવીશ. મને કહે, ‘રહેવા દે! હું બજારમાં જઈશ એટલે પાછો આપી આવીશ, ક્યાંથી લીધો?’ ‘મંગલમ’માંથી મેં જવાબ આપ્યો.
નવજીવનના નાના મોટા બીજા ફેરફારોમાં આ એક નજીવો ફેરફાર તો વિસરાઈ પણ ગયો. આમ પણ પિયર છૂટતાં ઘણું બધું છૂટ્યું તેમાં પિયર્સ સાબુની તો શી વિસાત? પછી તો ઘણા સંઘર્ષો પછી જ્યારે આછરેલા નીર જેવી સ્થિર પ્રવાહિતા જિંદગીમાં આવી ત્યારે તો લગ્નની સિલ્વર જ્યુબિલીની મુબારકબાદી લઈને દિકરી-જમાઈ આંગણે મહેમાન બનીને ઊભાં હતાં અને અમને અમેરિકાની ધરતી પર આવીને રોપાયાને પણ દાયકો થઈ ગયો હતો. teenageના ગમા-અણગમા તો બહુ દૂરનો ભૂતકાળ થઈ ગયા હતાં. Pears નામનો કોઈ સાબુ હું teenager હતી ત્યારે વાપરતી તે ય વિસરી ગયેલી ત્યાં અચાનક એક દિવસ મારાં પતિએ એક ડઝન સાબુ લાવીને kitchen island પર મૂક્યો. સાબુ જ નહીં જાણે એક વાત મૂકી.
હું રોટલી વણતી હતી. મારી એ તરફ પીઠ હતી. મને કહે, ‘ન્હાવાનો સાબુ લાવ્યો છું જો તો !’ મેં જરા એ તરફ જોઈને કહ્યું ‘ભલે હું પછી ઠેકાણે મૂકી દઈશ’ કહી ફરી રોટલી વણવા લાગી. વળી કહે, ‘તેં જોયું નહીં ક્યો સાબુ છે?’ મેં કહ્યું, ‘ હા, pears’, મને કાંઈ નોંધ લેવા જેવું લાગ્યું નહીં. બે દીકરીઓ teenageમાંથી પસાર થઈ ગઈ હતી. આનાથી મોંઘા સાબુઓ સ્થાન મેળવી સ્થાનભ્રષ્ટ પણ થયા હતાં અને હજુ ત્રીજી નાની teenager દીકરીની પોતાની આગવી પસંદના સાબુ-શેમ્પૂ અને સૌંદર્ય પ્રસાધનોની બ્રાન્ડ-નેઈમ આવ-જા વચ્ચે પિયર્સ સાબુ કંઈ ધ્યાન ખેંચે એવી મહત્તા નહોતો ધરાવતો.
મહત્વની વાત મારાં પતિની આંખમાં હતી કોઈની આંચકી લીધેલી વસ્તુ પસ્તાવા સાથે પાછી આપતાં ગુનેગારનો એ ભાવ હતો. એ કહેવા લાગ્યા, ‘અમેરીકા આવ્યા પછી pears પહેલીવાર ઓચિંતો નજરે ચઢ્યો અને મનમાં રહેલો ખટકો બહાર આવ્યો. ‘મંગલમ’માં મારે સાબુ પાછો આપવા જવું પડ્યું હતું તેનો મને અફસોસ હતો. India હતાં ત્યાં સુધી તો મારો આ ખટકો હું દૂર કરી શકું તેમ ન હતો એક સાબુ જેવી મામૂલી વસ્તુમાં પણ તારી પસંદ હું કબૂલ નથી રાખી શક્યો. આજ સ્ટોરમાં આ pears સાબુ જોતાં જ મંગલમ યાદ આવ્યુ. ફક્ત સાબુ જ નહીં તારે જે ઘણું બધું છોડવું પડ્યું તે સમય અને તે સમયની મારી લાચારી બધું એક સામટું યાદ આવ્યું અને ઉદાસ થઈ જવાયું. હું કંઈ બોલી શકી નહીં. હું જાણું છું કે મેં કંઈ વિશેષ નથી કર્યું પરણીને સાસરે જતી કે મુગ્ધાવસ્થામાંથી યુવાનીની જવાબદારી ભૂમિકા નિભાવતી સ્ત્રી ફક્ત પિયરનું આંગણું જ નથી છોડતી બીજો ઘણો ત્યાગ કરીને પોતાના પરિવારને કિલ્લોલતો રાખવા મથતી હોય છે.
મારી બાએ પાળેલો કુંટુંબધર્મ મેં પણ અપનાવ્યો હતો. પતિમાં પરમેશ્વર જોવાનો ભાવ વિસ્તરીને દરેકમાં પરમનો અંશ જોવાની દ્રષ્ટિને શુદ્ધ કરતો રહ્યો. ભક્તિ અને પ્રેમભાવ એકબીજાના પર્યાય બનીને મારાં હ્રદયની હિમશીલાઓ ઓગાળીને વહેતા ઝરણાં થયાં ૩ સપ્ટેમ્બર ૧૯૭૭માં. આ દિવસે એકસાથે બે દીકરીઓએ મારાંમાંથી જન્મ લઈને મને ભરપૂર સ્નેહથી નવડાવી.
‘શ્રાવણ માસને અનરાધાર મેહ, પીડા એવી ઉપડી
બે બાળકીને જન્મ આપીને થયુ હાશ હું છૂટી,
છૂટી શું બંધાણી એવી આજ સુધી ન છૂટી
બબ્બે નહીં ચાર ચાર હાથોએ વ્હાલની લ્હાણી લૂંટી’
૧૯૮૫માં ત્રીજી પુત્રીનો જન્મ થયો. આ ત્રણ દેવીઓ પ્રત્યેનો પ્રેમ મને એક માતાને પરમ તત્ત્વ ની નજીક રાખે છે. ભક્તિ માટે મંદિરે જવાની જરૂર હજી સુધી મને જણાઈ નથી. ધાર્મિક માન્યતાઓ જ્યારે બાળકના મનને કલુષિત કરે છે ત્યારે એના હૈયાનું પરમ તત્ત્વ રડી ઊઠે છે. આવો એક કિસ્સો અદિતિ હાઈસ્કૂલમાં હતી ત્યારે બન્યો.
એલિઝાબેથ અને અદિતિની મૈત્રી દૂધમાં સાકર જેવી! એલિઝાબેથ અમારે ત્યાં અવારનવાર આવે, ક્યારેક રાત પણ રોકાઈ જાય. જોતાં જ વ્હાલ ઉપજે તેવી નિર્દોષ અને સોહામણી એલિઝાબેથે અમારાં પરિવારના બધાના દિલ જીતી લીધાં હતાં. એકવાર સ્કૂલેથી રડમસ ચહેરે આવીને અદિતિ કહે, “મોમ, એલિઝાબેથ આજે સ્કૂલે મને જોતાંવેંત રડી પડી. એ કહેતી હતી કે હું ક્રિશ્ચિયન નથી તેથી નર્કમાં જઈશ અને સ્વર્ગમાં એને મારાં વગર નહીં ગમે તેનું એને દુઃખ થાય છે.” આટલું બોલતા અદિતિ ગળગળી થઈ ગઈ.
મર્યા પછી છૂટા પડ્યાના દુઃખ સાથે નર્કમાં જવાની કલ્પના તેર વર્ષની આ બાળાઓ માટે અસહ્ય થઈ પડી હતી. મૃત્યુપર્યંતની મૈત્રીભાવનામાં તિરાડ પડશે કે શું? એવું વિચારીને બંને દુઃખી હતી. એવું બની શકે કે આ વાક્ય એ સમયે વિરોધીઓ માટે બોલાયું હોય. એ સ્થળે ત્યારે વિધર્મીઓનું અસ્તિત્વ દૂરની વાત હોઈ શકે. જે હોય તે પણ…ધાર્મિક માન્યતાઓનો સંકુચિત અર્થ યુગો સુધી માનવજાતને પીડ્યા કરે છે.
“મોમ, આપણે નર્કમાં જઈશું એ વાત સાચી છે?” અદિતિનો પ્રશ્ન મને હચમચાવી ગયો. દરેક ધર્મમાં દશાવેલો માનવધર્મ સૌથી શ્રેષ્ઠ છે એ વિચારબીજ ત્યારે હું એના જવાબરૂપે રોપી શકી.
એક બીજો પ્રસંગ પણ મનમાં ઝબકે છે. સ્ટુડન્ટ કાઉન્સીલમાં વાઈસ પ્રેસીડન્ટ થઈ તે વર્ષે અદિતિ પંદર વર્ષની હતી. તેની મિત્ર લોરેન પ્રેસીડન્ટ હતી. બંને એકબીજાને ઘરે કલાકો સુધી ઈતર પ્રવૃતિની તૈયારીઓ કરે. વારંવાર મળીએ એટલે લોરેનની મા પ્રસેલા સાથે મારે પણ મૈત્રી થઈ. પ્રસેલા અને લોરેન સાથે અદિતિને ક્યાંય જવું હોય તો મારી કદી ના ન હોય. અદિતિએ એક દીવસ મને પૂછયું, “તું ઈન્ડિયન મિત્રોનો વિશ્વાસ કરે છે, એટલો અમેરીકન મિત્રોનો કેમ નથી કરતી?” આ સાંભળી મને નવાઈ લાગી એટલે એવું એને કેમ લાગ્યું તે મેં પૂછયું. જવાબમાં કહે, “તું લોરેનને ત્યાં સ્લીપઑવરની ના પાડે પણ અંજલિને ત્યાં જવા દે છે એવું કેમ?” આ અઘરા પ્રશ્નનો જવાબ આપતાં મેં કહ્યું હતું કે ભારતીય સમાજ મને પરિચિત લાગે જ્યારે અમેરીકન સમાજ મારાં માટે અપરિચિત છે. તેથી તે લોરેનને ત્યાં રાત રહે તો હું રાતભર સૂઈ ન શકું એટલી ચિંતા મને રહે. અદિતિ આ સમજી શકી તે મારૂં સદભાગ્ય!
પ્રોમની નાઈટ પાર્ટીમાં જવાની રજા આપતી વખતે મારી ખરી કસોટી થઈ. એકતા-અવનિએ તો સમજીને મને પૂછ્યું જ નહોતું. અદિતિ જે છોકરા સાથે જવાની રજા માંગતી હતી તેના ભારતીય માબાપને હું ઓળખતી હતી. મને એમના માટે ઊંચો અભિપ્રાય હતો. તેથી અદિતિને હતું કે હું ના નહીં પાડું. મેં ના પાડી એટલે અદિતિ કહે, “કેમ? તને મારો વિશ્વાસ નથી?” અદિતિ મને સમજાવવા માટે દલીલ કરવા માંડી. અવનિ વચ્ચે પડીને અદિતિને કહે, “મમ્મીને બીક છે કે તું પ્રેમમાં પડી જઈશ. પ્રેમ પહેલાં લગ્ન અને લગ્ન પહેલાં ભણવાનું એવું મમ્મી માને છે.” અદિતિ ખડખડાટ હસવા માંડી. “રીઅલી મોમ?” એકતાને ‘મા’ સંબોધન ગમે, અવનિને ‘મમ્મી’ કહેવાની ટેવ અને અદિતિ મને ‘મોમ’ કહે. વાત આટોપતા અદિતિ કહે, “તું ના પાડશે તો હું નહીં જાઉં પણ ફરીથી વિચારી જોજે. પ્રોમ-પાર્ટી વિષેની તારી માન્યતાઓમાં તથ્ય નથી” પ્રોમ નાઈટને ઘણા દિવસોની વાર હતી. અંતે અદિતિ મને પટાવીને જ રહી.
મારી રૂઢિગત માન્યતાઓ સાથે ક્યારેક સંદેહ જોડાઈ જતો. દીકરીઓની સલામતીની ચિંતાં મને ઊંઘમાં ય પરેશાન કરતી. ગીરના સિંહ જેવા મારાં પિતાની ઓળખ અહીં નહોતી. તેથી અસલામતીએ મન પર એવો કબજો લઈ લીધેલો કે એકતા-અવનિ સ્કૂલેથી છૂટે એટલે મારી નજર ઘડીયાળ પર સ્થિર થઈ જાય. સ્કૂલ દોઢ માઈલની અંદર હોય તો બસની સેવા ન મળે. બંને દીકરીઓએ પગપાળા રોજ દોઢ માઈલ ચાલીને સ્કૂલે જવાં આવવાનું. બરફની વર્ષા અને ઠંડીની મુશ્કેલી સામાન્ય હતી. એક અસામાન્ય વાત એ અરસામાં એ બની હતી કે સ્કૂલે જતી એક અમેરીકન બાળાનું અપહરણ થયું હતું. ટી.વી. પર આ સમાચારે ચકચાર જગાવી હતી. લાંબી તપાસને અંતે એક ચર્ચના પાદરીના બેઝમેંટમાંથી એની લાશ મળી હતી. આ કારણે આ નવા સમાજ પર વિશ્વાસ કેળવાતા થોડો વધારે સમય લાગ્યો હતો. બાળકોમાં સ્વીકારની ભાવના ઘણી વધારે હોય એટલે સંસ્કૃતિનો સમન્વય ત્રણે ય દીકરીઓ મારાંથી વધારે ઝડપથી કરી શકી. એકતા પર પૂર્વની સંસ્કૃતિનો વધુ પ્રભાવ જોવા મળે. અવનિ પર પશ્ચિમી સંસ્કૃતિની વધુ અસર અને અદિતિમાં બંનેનું સુભગ મિશ્રણ જોવા મળે. બંને સંસ્કૃતિનું ગૌરવ કરે તેવા જમાઈઓ સાથે ત્રણ પેઢી સુધીના ગાઢ સંબંધને તો કુદરતની કૃપા જ ગણી શકાય! ચાર દૌહિત્રોની જન્મભૂમિ અમેરીકા પણ હવે મારો દેશ છે. ભારત મારી જન્મભૂમિ છે અને હું બંને દેશોને ચાહું છું. પ્રેમની સીમાઓ વિસ્તરતી રહે એ જ સાચો ધર્મ! એની શરૂઆત કુંટુંબથી થાય છે અને હ્રદયમંદિરના સ્થિર ભાવોની શુદ્ધિ એ જ ભક્તિ!
ઈતરપ્રવૃતિઓ
અસ્તિત્વના અનેક ટુકડામાં પ્રતિબિંબિત બધી પ્રવૃતિઓ ક્યારેક ઈતરપ્રવૃતિ જેવી લાગે છે. કબીરનો એક દોહો યાદ આવે છે.
લિખના પઢના ચાતુરી, એ સબ બાતાં સહેલ
કામ દહન મન વશ કરન, ગગન ચઢન મુશ્કેલ!
જીવનની ભાગદોડમાં આ મુખ્ય પ્રવૃતિ જ ઈતર બની ગઈ.
એકવાર ભોમિયા વિના ડુંગરાઓ ભમવા નીકળી પડી. ગ્રાંડ કેન્યનના પથ્થરોને કાળજે કોતરેલી કલા જોઈ એ ખીણોમાં મને મારી અલ્પતાનું વિરાટ દર્શન થયું. ‘ઈશ્વરે ગ્રાંડ કેન્યન બનાવ્યું પણ તે રહે છે સડોનામાં’ વાંચીને સડોના ગઈ તો ત્યાં જે અનુભૂતિ થઈ તે અવર્ણનીય રહી. યલોસ્ટોન નેશનલ પાર્કમાં જ્વાળામુખીથી ધગધગતી ધરતીના પીળા પથ્થરો અને ઉકળતું સૌંદર્ય મહાઆશ્ચર્ય જગાડી ગયું. મધદરિયાના ટાપુઓની સહેલે એક અલગ દુનિયાના દર્શન કરાવ્યા. ઓલિમ્પિકની વોટરસ્પોર્ટસ માટે એકવખત પસંદ થઈ હતી તે ઓકોઈ નદીના તોફાન અને ઊંડાણનો પરિચય વ્હાઈટ વોટર રાફ્ટીંગથી થયો. મેમથ કેવ્સ(ગુફાઓ)ની હજારો માઈલો સુધી પથરાયેલી કોતરોના અંધારમાં ફૂટતા ઝરણાઓનું સંગીત પણ માણ્યું. સાન ડિયાગોની દરિયાઈ પટ્ટીના મોજાંમાં જીવનની ખારાશને વ્હાવીને રેતીમાં અક્ષરો કોતર્યા. વાદળોની પેલે પાર જવાની ચેષ્ઠા પણ સ્મોકી માઉન્ટન પર જઈને કરી. નાઈગ્રા ધોધની વાછંટોમાં મન ભરીને નાહ્યાં. આનંદનું આ તો ફક્ત આચમન હતું. અમેરીકાની ધરતીનું આ સૌંદર્ય જોઈ થયું કે પૃથ્વી પરનું સ્વર્ગ અહીં જ છે. આ દેશની ધરતી પર સ્વદેશના મારાં ગીરના જંગલ અને અમારી આંબાવાડી જેટલો જ પ્રેમ ઉપજ્યો.
ઈતિહાસમાં આલેખાયેલી રેડઈન્ડયન એટલે કે અમેરિકાની આદિવાસી પ્રજાના નિર્દોષ માનવ સમુહની હત્યાના સૂકાયેલા આંસુઓને પગલે પગલે (trail of the tears) ગઈ ત્યારે બચી ગયેલા એક પરિવારની ઊગતી પેઢીની ક્લીટા નામની એક યુવતી મળી હતી. તે ત્યાં રીસેપ્નીસ્ટ તરીકે કામ કરતી હતી. તેની સાથેના વાર્તાલાપે મારૂં હ્રદય ઢંઢોળ્યું. અમેરીકાના એક પ્રખ્યાત પ્રકૃતિપ્રેમી કલાકારનું નામ આ સ્થળ ‘Trail of the tears’ ને અપાયેલ જોઈ મને તેના વિષે જાણવાની જીજ્ઞાસા થઈ. આ કલાકારનું નામ હતું જોન જેમ્સ ઓડોબન. કલાકાર અને પ્રકૃતિપ્રેમી તરીકે ખ્યાતિ મેળવેલ આ ફેંચ-અમેરિકને દોરેલા પક્ષીઓના જગવિખ્યાત સુંદર ચિત્રોને મેં વખાણ્યા ત્યારે ક્લીટા કહે, “પણ એની એક વાત મને નથી ગમતી, ચિત્રો દોરવા માટે તે પક્ષીઓને મારી નાખતો અને પછી તેમાં વાયર ભરાવીને જુદા જુદા પોઝ તૈયાર કરી પછી તે ચિત્રો દોરતો. એવું સાંભળ્યુ છે કે તેણે શિકાર કરેલાં મૃતપક્ષીઓના બાસ્કેટો લઈને ફરતો તે ઘણીવાર જોવામાં આવતો.” મને અચંબો એ વાતનો થયો કે પ્રકૃતિપ્રેમી કલાકારો પણ શું આટલા ક્રૂર હોઈ શકે? ઓડોબનની ગોળીઓથી વીંધાયેલા કેટલાય પક્ષીઓના રક્તબિંદુઓ પણ આ ટ્રેઈલ પર સૂકાયા હશે અને છતાં ટ્રેઈલના નામ થકી એ કલાકાર પ્રત્યે ચિરંજીવી આદર દર્શાવવામાં આવ્યો છે. પ્રકૃતિપ્રેમીઓ માટેની જાણીતી સેવા સંસ્થાનું નામ ઓડોબન સોસાયટી પણ આ કલાકારના નામ પરથી છે. જગતમાં ક્રૂરતાને આમ જ આડકતરૂં પોષણ મળતુ હશે ને? કલા ખાતર જીવહિંસાની વાત સાંભળી સર્જક થવા મથતી મારી અંદરની લેખિકા ખળભળી ઊઠી.
સમાંતરે ચાલતી બીજી એક પ્રવૃતિ તે શક્ય હોય ત્યાં સંસ્થાઓમાં નિ:શુલ્ક સેવા આપવાની. સેવા આપવાનો આનંદ લેવા કરતાં વધારે જ હોય તે આપણે જાણીએ છીએ. આવી તકો હંમેશા મળતી રહી તેનો આનંદ છે. ભારતીય વિદ્યાભવનની બોસ્ટન શાખામાં પબ્લીક રીલેશનનો વિભાગ સંભાળવાનું કામ ૯૦ના દાયકામાં કર્યું. એ સમયમાં કવિ સંમેલનોનું આયોજન મારી ગમતી પ્રવૃતિ હતી. સ્વદેશથી મુલાકાતે આવેલા લેખકો અને કવિઓ પણ ક્યારેક એમાં જોડાય. આ સમેંલનો હ્રદયના તાર ઝંકૃત કરીને મને મારાં કોચલામાંથી બહાર આવવા પ્રેરે. ટેનેસી મુવ થયા પછી ગુજરાતી એસોશીએશન ઓફ મિડલ ટેનેસીમાં પ્રમુખ પદે રહીને ગુજરાતી સંસ્કૃતિને અહીં ધબકતી રાખવા કાર્યક્રમો યોજતી રહી. આ પ્રવૃતિઓ થકી મારાં ઘરમાં ગુજરાતની સંસ્કૃતિનો ધબકાર સાચવી શકી.
પરેશ રાવલના ગુજરાતી નાટકો, આસિત અને હેમા દેસાઈના ગુજરાતી ગીતો, નવરાત્રી મહોત્સવ વિગેરેને કારણે નરસિંહ અને મીરાં સુધીની સંસ્કૃતિ ઉજાગર થતી. ગુજરાતી વાંચતાં-લખતાં શીખવવાના વર્ગો શનિ-રવિમાં મારાં ઘરે ચલાવીને માતૃભાષાને પ્રણામ કરી લેતી. પ્રમુખ પદ છોડ્યા પછી ટ્રસ્ટીપદે રહીને સેવા આપી. મંદિર દ્વારા યોજાયેલ મેળામાં ગુજરાતી પુસ્તકોનું બુથ મુકું. લગભગ ૫૦૦ જેટલા ગુજરાતી પુસ્તકોની લાયબ્રેરી ઘરમાં હતી. લાયબ્રેરીદિન ઉજવીને પછી અહીંના ગુજરાતીઓ માટે તે ખુલ્લી મૂકેલી. આપણી ભાષા અને સંસ્કૃતિનો વારસો બાળકોને મળે તે માટે ઘરમાં અને સંસ્થામાં પ્રયત્ન કરી શકી તે માટે સંસ્થાના સ્થાપકોની આભારી છું.
હિંદી કવિસંમેલનો અને મંદિર થકી ચાલતા હિંદી સાંસ્કૃતિક કાર્યક્રમો માટે મંદિરની કલ્ચર કમિટિમાં પણ જોડાઈ. ટેનેસી રાજ્યના ઈંગ્લીશ સમાચાર પત્ર ‘The Tennessean’ની મલ્ટિ કલ્ચરલ કમિટિમાં આમંત્રણ મળ્યું, ત્યારે અહીંના સ્થાનિક લેખકોને મળી. એમની સાથેની વાતોથી અહીંના સમાજ વિષે ઘણું જાણવા મળ્યું. આ બધા અનુભવ પછી મેં ‘South Asian Heritage Group’ નામની સંસ્થા સ્થાપી. જાણીતા ગાયક અને નાટ્યકાર પદ્મ શ્રી શેખરસેનને એમના હિંદી નાટક ‘કબીર’ માટે મેં આંમત્રણ આપ્યું. એક અઠવાડીયું તેઓ મારાં ઘરે સપરિવાર રહ્યા. એમના પત્ની શ્વેતાજી પણ સારા ગાયક છે. સવારના ચા-નાસ્તા પછી મારી વિનંતિને માન આપી શ્વેતાજીએ એક ગીત ગાયું અને મને મારી એક કવિતા સંભળાવવા મજબૂર કરી. શેખરજીને ગુજરાતી સમજાય તેથી મારી કવિતા સાંભળીને કહે, “તમે બંગાળમાં હોત તો આ ક્ષેત્રે ઘણા આગળ આવ્યાં હોત.” નજીકની હજારો એકરમાં પથરાયેલી ગુફાઓના વિસ્તારમાં અમે સાથે ફર્યા તે ક્ષણો ચિરંજીવી બની ગઈ.
નવા ઘરમાં મુવ થયા પછી અમારી હાઉસીંગ સોસાયટીની કમિટિમાં જોડાઈને મેં સાંસ્કૃતિક કાયક્રમો યોજવાની જવાબદારી લીધી હતી. Dana Pitts નામની એક અમેરીકન કમિટિમાં પ્રમુખ સ્થાને હતી. તેની સાથે પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિમાં રહેલી સામ્યતાની વાતોથી અમને બંનેને આનંદાઆશ્ચર્ય થાય. સામ્યતાથી જોડવાના બદલે આપણે મોટેભાગે ભિન્નતાની વાતોમાં જ અટવાયેલાં રહીએ છીએ. બીજી નવાઈની વાત એ છે કે આલ્બર્ટ આઈસ્ટાઈન ડાનાની માતા ના સગા કાકા થાય તેની જાણ મને ડાના પાસેથી નહીં પણ બીજા એક પડોશી જિમ પાસેથી એક વર્ષ પછી પડી હતી. જિમને હ્રદયની બિમારી હતી. તેના હાર્ટ ટ્રાંસપ્લાંટની સર્જરી થઈ ત્યારે ડાના અને બીજા પડોશીઓએ ફાળો એકઠો કરી મદદ કરી હતી. કંઈક આપવાની ભાવના બીજા પડોશીઓની જેમ મારાંમાં પણ જાગી. ખ્રિસ્તી ધર્મના પ્રચાર માટે જિમ વિશ્વના અનેક દેશોમાં પ્રવચન આપવા જતો. ભારતમાં પણ ઘણીવાર ગયેલો તેની વાતો કરે. એકવાર પિકનીક દરમ્યાન મારે એની સાથે ધર્મની ચર્ચા થઈ. ઈશુ ખ્રિસ્તના અને ગીતાના ઉપદેશના અર્થઘટન અને સંદેશમાં રહેલા સામ્ય અંગે જાણીને ધર્માંતરની જરૂર નથી એ સ્પષ્ટ થયું.
પહેલા સગા એવા પડોશીઓએ જાતિ, ધર્મ અને સંસ્કૃતિના વાડાઓમાંથી બહાર નીકળી ‘વસુધૈવકુટુંબકમ’ની મારી ભાવનાને પોષી છે. એરીઝોના ત્રણ વર્ષ રહી એ દરમ્યાન મોર્નિગ વોકમાં રોજ મળતા ૮૫ વર્ષના મિ. આર્થર સાથે ટુંક સમયમાં જ ગાઢ પરિચય કેળવાયો. જેના ઘરનો દરવાજો ગમે તે સમયે ખખડાવી શકાય તેવા એરફોર્સના આ રીટાયર્ડ મેજરની પત્ની વિવિયન પગની તકલીફને કારણે ભાગ્યે જ ઘરની બહાર નીકળતી પણ ખુબ પ્રેમાળ. મારાં દોહિત્ર સાથે હું અવારનવાર એમને ત્યાં જતી. તેમણે લખેલ એક પુસ્તક વાંચીને પ્રમુખ ઓબામાએ ૨૦૧૬માં તેને પત્ર લખી ધન્યવાદ આપ્યા હતા. આ પુસ્તક તેણે મને હસ્તાક્ષર સાથે ભેટ આપ્યું. એમાં એમણે એનો કરૂણ ભૂતકાળ લખ્યો છે. જેકોબ આર્થરનો જન્મ અને ઉછેર અમેરિકામાં થયો હોવા છતાં બાર વર્ષની ઊંમરે બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન તેને નાઝી માનીને જર્મનીની જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો. જ્યાં સાત વર્ષ તેણે યાતનાઓ ભોગવી. જગતના દરેક નાગરિકે જાણવા જેવા આ કિસ્સામાં તેના પિતા જર્મની હોવાથી અમેરીકન સરકારે તેને જર્મની(નાઝી) ગણી હદપાર કર્યો અને અને જર્મની લોકોએ તેને અમેરીકન ગણી તરછોડ્યો હતો. બાળપણના કરૂણ અનુભવો છતાં જન્મભૂમિને તેણે દિલથી ચાહી છે. તેને જેલમાંથી છોડાવનાર એક અમેરીકન દંપતિની સાર-સંભાળને કારણે ઉત્તમ નાગરિક બની શકનાર મિસ્ટર આર્થર જેકબની બાલ્કનીમાં અમેરીકન ફ્લેગ ફરફરતો મેં હંમેશાં જોયો છે.
દુનિયાના જુદા જુદા ભાગમાંથી આવી વસેલા મારાં પડોશીઓમાં આરબ, મુસ્લિમ, આફ્રિકન, રશિયન, સ્વદેશના જુદા જુદા પ્રાંતમાંથી આવેલા લોકોની સાથેસાથે અહીંના સ્થાયી કાળા-ગોરાનો જીવનસંઘર્ષ પણ જોવા જાણવા મળે. એમના બાળકો માટે વેકેશનમાં ગણિતના વર્ગો ફ્રી ઓફ ચાર્જ ગોઠવી આનંદથી છલકાઈ જાઉં. કેટલાંક બાળકો સ્વેચ્છાએ મારી પાસે નિયમિત આવે. અમારી નાની મોટી સામાજિક મુંઝવણ બાજુમાં રહેતો જેરેમી નામનો પાદરી તરત ઉકેલી આપે. તેના બાળકો પણ અમને સીનીયર સીટીઝનને મદદ કરવા તત્પર રહે એવા સંસ્કારી છે. કેટલાંક ગુજરાતી પડોશીઓ સાથે દેશના સંસ્મરણો વાગોળીએ. અમારી આગળની શેરીમાં રહેતા બળદેવભાઈ એક જમાનામાં વડાપ્રધાન નરેંદ્ર મોદી સાથે કામ કરતાં. મોદી કચરો વાળે અને પોતે પોતુ કરે તે ગરીબાઈના દિવસોની વાતો કરે. જાણીતા ગાયક નીતિન મુકેશની ભાણેજ સુરભીના બાળકો મારી પાસે ગણિત શીખે સાથે બીજી ઘણી ય વાતો કરે. અમે બંને પરિવારે એક જ શેરીમાં સામસામે ઘર લીધું એ પહેલાંથી અમારો ગાઢો સંબંધ! પુત્રી સમાન સુરભી સાથે અલકમલકની વાતોમાં સમયનું ભાન ન રહે. ક્યારેક તક મળ્યે અનાયાસે ટી.વી, રેડિયો, સમાચાર પત્ર કે મેગેઝીનમાં ભારતીય સંસ્કૃતિનો ધ્વજ લહેરાવવાની કોશિષ કરતી રહું. થોડોઘણા બચેલા સમયમાં મારાં બ્લોગ axaypatra.wordpress.com પર લાગણીઓને રમતી મૂકયા કરૂં. શરૂઆતના દિવસોના ડર અને અસલામતીની જગ્યાએ હવે અમે પ્રેમ અને સલામતી અનુભવીએ છીએ.
સાહિત્ય ક્ષેત્રે કંઈક નવું કરવાની ઈચ્છાથી આ વર્ષે(૨૦૨૨) એક કામ હાથમાં લીધું છે. સ્વદેશ છોડી પરદેશની અજાણી ભૂમિમાં કાયમી વસવાટનું સાહસ ખેડનારા સાહસિકોની જીવનયાત્રાના અનુભવોની તેમના શબ્દોમાં લખેલ કૃતિઓનું સંકલન પુસ્તકરૂપે કરવું. પરદેશની ધરતી પર લખાયેલ સાહિત્યમાં રહેલી સમાનતા અને ભિન્નતા પર સંશોધન કાર્ય કરવાની અભિલાષા પણ મનમાં છે. મને આશા છે કે આ પ્રકારના સાહિત્ય પ્રકાર માટે ડાયાસ્પોરાને બદલે સર્વ સ્વીકાર્ય વધારે સારૂં શિર્ષક આપી શકાશે.
ઘરથી દૂર બે ઘર
૧૯૯૪માં અમારી મેડિકલ લેબોરેટરી બીજી લેબોરેટરી સાથે મર્જ થઈ ત્યારે સીનીયોરીટી પ્રમાણે સૌથી પહેલી મને છૂટી કરી. બોસની ઓફિસમાંથી સમાચાર લઈને હું બહાર નીકળી ત્યારે મારાં મોઢા પરની પ્રસન્નતા, સહકાર્યકરો માટે આશ્ચર્યની વાત હતી. હું રડી પડીશ તેમ તેઓએ માન્યું હતું. એક મિત્રએ નવાઈથી પૂછયુ, “નોકરી ગઈ તેનું તને દુઃખ નથી?” મેં કહ્યું, “હવે તો મારી પાસે અનુભવ છે. ભાષા પર પણ પકડ વધી છે અને નવી કાર લઈ લીધી છે. ચિંતા શા માટે? મને ખુશી છે કે બીજી નોકરી શોધતાં પહેલાં હું ઈંડીયા જઈને મારાં માબાપને મળી શકીશ.” વતનમાં ગઈ તો બા એ ચિંતાથી પૂછ્યુ, “નોકરી જલ્દી નહીં મળે તો શું કરીશ?” અનુભવને કારણે હવે નોકરી મળે જશે તે વિશ્વાસ હોવા છતાં મેં મારી બાને ચિંતામુક્ત કરવા અનએમપ્લોયમેંટની વાત કરી. સાંભળીને તેના મુખે ઉદગાર સરી પડ્યા, “અરરર…સરકારના પૈસા મફતમાં લઈએ એ તો ખોટું કહેવાય. એ તો અશક્ત લોકો માટે હોય.” અમેરીકા પાછી ફરી ત્યારે વોઈસ મેલમાં મર્જ થયેલી લેબોરેટરીમાંથી સંદેશ હતો. પગારવધારા સાથે મને તે જ જગ્યાએ ફરી નોકરી મળી ગઈ હતી.
૧૯૯૭માં ઈંડીયા જઈ એકતાના લગ્ન પતાવી ત્યાંથી ટેનેસી આવ્યા. ફરી એકડે એકથી શરૂઆત કરી. લગ્ન થકી બે પરિવારોની જુદી સંસ્કૃતિ અને પરદેશાગમનથી બે દેશોની જુદી સંસ્કૃતિ પછી હવે બે રાજ્યોની અલગ સંસ્કૃતિનો પરિચય થવાનો હતો. ટેનેસી એગ્રીકલ્ચરલ રાજ્ય છે જ્યારે મેસેચ્યૂસેટ્સ ઈંડસ્ટ્રીયલ. સૂરતી ગુજરાતીની માફક અહીંની અંગ્રેજી બોલી જુદી. બંનેની જીવનરીતિમાં દેખીતો વિરોધાભાસ. ટેનેસી સાઉથમાં અને મેસેચ્યૂસેટ્સ નોર્થમાં તેથી હવામાનમાં પણ ઘણો ફર્ક. ટેનેસીમાં ચક્રવાત અને ઝંઝાવાત અવારનવાર વિઝાંય. મારાં જીવનમાં પણ ઝંઝાવાત આવ્યો હતો. પ્રતાપે જોબ છોડી ધંધામાં ઝંપલાવ્યું હતું. આ નવા સાહસ માટે ખરીદેલો કન્વેનીયંટ સ્ટોર ખોટમાં હતો. અમેરીકન રેડક્રોસમાં મને નોકરી મળી તેમાં ઘર ચાલતું હતું પણ આર્થિક ભીંસ વધી ગઈ. ફરી મુસીબતોના એ જ ચક્રમાં આવી ફસાયા. કામની ભાગદોડ વધી ગઈ.
અદિતિ ડાઉનટાઉનમાં આવેલી મેગ્નેટ સ્કૂલમાં ભણતી હોવાથી સ્કૂલએ લેવા મૂકવામાં રોજ બે કલાક મારે આપવા પડતા. અવનિની સગાઈ કરીને જે છોકરાને અમે બહુ મોટી આશાએ અહીં લઈ લાવેલ તેણે અમારાં સમય અને પૈસા વાપરી બીજી છોકરી સાથે લગ્ન કરી લીધા. અવનિ ફાર્મસી બોર્ડની પરીક્ષાની તૈયારીમાં પડી હતી. મારાં બીજા ત્રણ ભાઈબહેનો પણ ઈંડીયાથી અહીં સેટલ થવાની સ્ટ્રગલમાં હતા. બધાને મારી પાસે મદદની આશા હતી અને બધામાં વહેંચાયેલી હું કોઈને ન્યાય આપી શક્તી નહીં. મારી દીકરીઓને પણ નહીં. પ્રતાપ આખો દિવસ સ્ટોર પર હોય એટલે રસોડામાં પણ મદદ નહીં. મેનોપોઝનો પિરિયડ એટલે મગજની નસો તણાય. મારી તકલીફ કોઈ સમજી શક્તું નહીં. મને થયું કે બસ હવે હાર્ટએટેક નજીકમાં જ છે.
એ સમયે મારી બા ઈંડીયાથી આવ્યાં અને સૌ પ્રથમ તેમણે મારાં ડાયેટમાં ફેરફાર કર્યો. લેફ્ટઓવર બિલકુલ નહીં. રસોઈમાં તેમની મદદ એટલે સમયની ખેંચ ઓછી થઈ. પ્રતાપની મહેનતથી સ્ટોરમાં આવકનો પ્રશ્ન પણ સારી રીતે થયો હલ થયો. અમેરીકા આવ્યાના દસ વર્ષ બાદ ઘરનું ઘર લીધું. ઘરમાં તોફાન પછીની શાંતિ છવાઈ ગઈ. અદિતિએ ઉચ્ચ અભ્યાસ માટે ઘર છોડ્યું. અવનીએ બોર્ડની પરિક્ષા પાસ કરી જોબની નજીક ઘર લઈ ત્યાં રહેવા ગઈ અને ભાઈબહેનોએ પોતાનું સુકાન સંભાળી લીધું. બા દેશની આંબાવાડીએ પાછાં ગયાં. ઘરમાં હું એકલી પડી અને ડીપ્રેશનનો ભોગ બની ગઈ. જીવનમાં રસ રહ્યો નહીં. પુષ્કળ સમય હોવા છતાં મારી લેખન યાત્રા પણ અટકી ગઈ.
આખો દિવસ સુડોકુ પઝલ અને ટી.વીના પડદા સામે પસાર થઈ જતો. કોઈ કામ ગમે નહીં અને ક્યાંય જવું પણ ગમે નહીં. કોઈના ફોન પણ રીટર્ન કરવા ગમે નહીં. કંટાળીને કાયમ માટે ઈંડીયા જવાનું નક્કી કર્યું. ત્યાં સેટ થયા પછી અહીં બધુ સંકેલવું એમ વિચારી પ્રતાપે મને એકલીને જવા દીધી. દેશમાં પુનઃવસવાટ ધાર્યા કરતાં વધારે અઘરો લાગ્યો. ઝડપી પરિવર્તનની અસર નીચે ઈંડીયામાં બધું જ બદલાઈ ગયું હતું, લોકોનું માનસ પણ અકળ લાગ્યું. મારાં જીગરી મિત્રો પણ “અહીં હવે તને ન ફાવે” કહી મારાં વિચાર નબળો પાડી દેતા હતા. મારી બા કહે, ”તારા બાળકોથી બહુ દૂર રહેવાનું તને નહીં ગમે.” મનને ક્યાંય ચેન ન હતું. નિરાશા વધતી જતી હતી. એકવાર રડીને મેં બા ને પૂછ્યું. “હવે જીવવું કોના માટે? જીવનનો કોઈ અર્થ નથી” ઝંઝાવાતોમાંથી પસાર થયેલી મારી જીવનનાવ જાણે કે દિશાવિહીન થઈ ગઈ હતી.
દીકરીઓ પગભર થઈ ગઈ એટલે જીવનનું ધ્યેય જાણે કે પૂરૂં થઈ ગયું હતું. નિરાશાના અંધકારમાં કાગળ કલમ ખોવાઈ ગયાં હતાં. ક્યારેક દરિયાના સાંનિધ્યમાં, ક્યારેક આંબાવાડીને છાંયડે તો ક્યારેક રાજકોટની રોશની વચ્ચે આંટાફેરામાં ચાર મહીના નીકળી ગયા. પાછું અમેરીકા જવું ન હતું અને અહીં રહેવું ન હતું. અમારી આંબાવાડીમાંય ગોઠ્યું નહીં. સમુદ્રકિનારે આવેલા જૂના ઘરમાં પણ બાળકોના કિલ્લોલ વગર સૂનું લાગ્યું.
સ્વદેશમાં હું પરદેશી હતી અને બાળકો પરદેશ હતા. બાળકો પાસે પાછાં ફરવાનો વિચાર બાને જણાવ્યો એટલે કહે, “આપણે જે કરીએ છીએ તે કોઈ માટે નહીં આપણા માટે જ કરીએ છીએ. આપણું જીવન આપણે આપણાં માટે જીવવાનું છે અને આનંદથી જીવવાનું છે. તું દુઃખી હોય તો બીજાને કેવી રીતે સુખ આપી શકે? ખુશીથી તું ત્યાં જાય તો જ અર્થ સરે. અહીં ઈંડીયામાં હું છું ત્યાં સુધી તને રહેવું ગમશે પછી નહીં ગમે.” ‘તારૂં હવે અહીંયા કામ નથી’ કહી જીગરી મિત્રોએ પણ સૂર પૂર્યો. રાત-દિવસ બાળકો અને પતિને કેંદ્રમાં રાખીને જીવન ગુજારતી સ્ત્રીને પોતાના માટે કેમ જીવવું તે ખબર ન હતી. એ વગર હવે બીજો કોઈ વિકલ્પ પણ ન હતો. બાળકોને હવે પોતાની અલગ દુનિયા હતી. વર્કોહોલિક પતિ જોબ પર હોય. અત્યાર સુધીના બીજા બધા પડકાર કરતાં આ પડકાર મોટો લાગ્યો.
USA પાછાં આવતાં પહેલાં એક દિવસ અચાનક જ મિત્ર નીલમ દોશીનો ફોન આવ્યો. ૩૫ વર્ષ બાદ ફરી અમારી મૈત્રીનો દોર સંધાયો. મિત્ર સરલા પાસેથી અમને એકબીજાના નંબર મળ્યા હતા. લત્તા હિરાણીનો ફોન પણ એ દિવસે જ આવ્યો. અમે ત્રણેએ અમદાવાદ નીલમને ઘરે મળવાનું નક્કી કર્યું. રાત્રે હું ત્યાં જ રોકાઈ ગઈ. “ચાલ આપણે લખવા બેસીએ” કહીને નીલમે કાગળ પેન આપ્યાં અને કોલેજના દિવસોની યાદ ચેતનવંતી બનીને ઉમંગ જગાડી ગઈ. પછી તો નીલમ અને હું અમેરીકા અને ઈંડીયામાં અવાર નવાર મળતાં રહ્યાં. મને કોમપ્યૂટર પર લખતી પણ નીલમે જ કરી. વર્ડપ્રેસ પર અક્ષયપાત્ર નામનો બ્લોગ પણ શરૂ કરાવ્યો. ઉદાસીના વાદળો વિખરાવાની શરૂઆત થઈ. દૂધ અને દૂધની બનાવટો ભોજનમાંથી દૂર કર્યા પછી મનમાં વધારે તાજગીનો અનુભવ થવા લાગ્યો. એકવાર એક અમેરીકન ડોકટરના સેમીનારમાં ગઈ હતી. ત્યાં વીગન ડાયેટની વાત સાંભળી અખતરો કરવા વિચાર્યું. ત્રણ દિવસમાં જ ફાયદો જણાયો તેથી ત્રણ વર્ષ સુધી બકરીના દૂધ સિવાય કોઈ ડેરી પ્રોડક્ટ નહોતી લીધી. ડીપ્રેશન દૂર કરવામાં ડાયેટનો ખુબ મોટો ફાળો અનુભવથી સ્વીકારી ડાયેટ પર વધુ ધ્યાન આપવા માંડ્યું. મારી બા એ સૂચવેલ ડાયેટે દવાનું કામ કર્યું.
આ અરસામાં વિશ્વ સાહિત્યમાં રસ ધરાવતી મેરીયન નામની એક ગોરી અમેરીકન રેડિયો હોસ્ટ સાથે મિત્રતા થઈ. સમાન રસ રૂચિને કારણે અમારી મૈત્રી ગાઢ થઈ. ગાંધીવિચાર ધારા એના આચરણમાં જોવા મળે. ગાંધી સાહિત્ય જેટલું એના ઘરની લાયબ્રેરીમાંથી મળે તેટલું પબ્લિક લાયબ્રેરીમાંથી શોધવાનું મુશ્કેલ! બધી જ ભાષાઓ માટેનો તેનો પ્રેમ ગુજરાતી સુધી વિસ્તરે. મને મળે ત્યારે પહેલું “કેમ છો?” પૂછે અને છૂટા પડીએ ત્યારે “આવજો” કહે. મારૂં લખેલ ગુજરાતી કાવ્ય વંચાવે અને પછી એમાં લખાયેલા શબ્દોના અર્થે પૂછે. મેરીયન એટલે પ્રસન્નતાનું ઝરણું! અમારી મુલાકાતો વધતી ગઈ. એની સાથેની સાહિત્યની વાતોથી મારી પ્રસન્નતા પણ વધતી ગઈ. અમેરીકામાં મારાં મૂળિયા ઊંડા ઊતરી ચૂક્યા હતા તેની પ્રતીતિ થઈ. અમે રહેતાં હતાં તે ઘર કાઢી નાખ્યું. એકતાના બે પુત્રોની નજીક રહેવા તે વિસ્તારમાં પ્લોટ લીધો. ભૂમિપૂજન કરી નવું ઘર બંધાવ્યું. એક બાજુ ઈગલ અને બીજી બાજુ સ્વતંત્રતાની દેવી સાથેનો ચાંદીનો સિક્કો પાયામાં મૂકયો. ‘સબ ભૂમિ ગોપાલકી’ ના મંત્ર સાથે વંદન કર્યા. એક સુંદર ઘર બાંધીને ફરી આનંદયાત્રા શરૂ કરી.
અદિતિને ત્યાં બીજા પુત્રનો જન્મ થયો પછી તેણે ટેનેસીમાં ઘર લીધું. તેના ઘરની નજીક અમે બીજું ઘર બાંધ્યું. એ જ સમયમાં કોરોનાએ દેશ વિદેશના સીમાડા ભૂંસી નાખ્યા. પિતાની આંબાવાડીમાં કળા કરતાં મોરને નજરે જોવાનું whats appથી શક્ય બન્યું. જન્મભૂમિ પાસેના અરબી સમુદ્રના મોજાંઓ ઝૂમ પર જોઈને બાળપણ ફરી માણવા મળે છે. વતનઝૂરાપો હવે નથી રહ્યો.
હવે આ મારી ભૂમિ છે એવી ભાવના અમેરીકામાં વર્ષોના વસવાટ પછી સ્થિર થઈ. એક દિવસ ગ્રોસરીની કાર્ટ સાથે પાર્કિગ લોટમાં હું મારી કાર તરફ હું જતી હતી. તબિયત તે દિવસે નરમ હોવાથી રોડ ક્રોસ કરતાં મને વાર થઈ. ‘Make America great again’ સૂત્ર સાથેની લાલ ટોપી પહેરેલ એક શખ્સને આથી તેની કાર જરા વધારે વાર રોકવી પડી. ગુસ્સામાં તેણે મોટેથી બૂમ પાડી, ‘Go back to your country’ એક અજાણ્યા અમેરીકન નાગરીકને મન હું હજુ પરદેશી છું. બીજી બાજુ ભારતમાં રહેતા મિત્રોને મન પણ હું હવે પરદેશી છું. મારૂં મન કહે છે કે હું દ્વિદેશી છું. ગીરની સીમથી દૂર બે ઘરની દુનિયા વિસ્તરતી જાય છે અને મનપંખી અસીમમાં ઊડવા પાંખો પસારી પ્રયાણ આરંભે છે.