દરિયાનો લાલ: પ્રકરણ: ૪ (ગુણવંતરાય આચાર્યની જીવનકથા) ~ લે. વર્ષા અડાલજા  

પ્રકરણ: ૪

ફરી એકડો ઘૂંટવાનો વારો આવ્યો. કામની શોધની ૨ઝળપાટ હવે કોઠે પડી ગઈ હતી. ગાંઠે ગરથ નહીં, મજૂરી કરવાય તૈયાર. રતલામ જિનિંગ પ્રેસમાં કામ કર્યું પણ જીવ કોળે નહીં. ડીસામાં મિડલ સ્કૂલમાં હેડમાસ્તર તરીકે નોકરી કરી. લેખક જીવને આવી નોકરીઓ ગમતી ન હતી. 

ફરી જામનગર. વિભાજી મિડલ સ્કૂલ. શિક્ષકની નોકરી કરી. ત્યાંથી દવાની દુકાનમાં કોરસપોન્ડસ કલાર્ક. આ બધી નોકરીઓને લેખન અને સાહિત્ય સાથે દૂરનાં સગપણનોય સંબંધ નહીં, એટલે જીવ અકળાતાં ત્યાંથી રોઝી બંદર પાસે રીટેઈલિંગ વૉલનું કામકાજ કૉન્ટ્રેક્ટર મારફતે ત્યાં હાજરી પૂરનાર ક્લાર્ક તરીકે કામ કર્યું.

આમ આડકતરો પણ દરિયા સાથે સંબંધ ફરી જોડાયો. જાણે નિયતિનો આદેશ.

લંડનમાં વસતા લેખક વલ્લભ નાંઢાનો એક દિવસ મને પત્ર મળ્યો. વર્ષોથી આફ્રિકા પછી એ લંડન સ્થાયી થયેલા. બે-ત્રણ વર્ષે જ વતન જામનગર આવે. સાંજે રૌઝી બંદર તરફ લટાર મારવા નીકળે. એક દિવસ વૃદ્ધ ખલાસી સાથે વાત માંડી. વલ્લભભાઈ મારા પિતાની સાગરકથાઓના ચાહક અને મને પણ ઓળખે. ખલાસીએ એમને કહ્યું, 

“સાહેબ, શહેરમાં આટલી વસ્તી પણ અહીં ગામને છેવાડે કોણ આવે? અમારો ભાવ કોણ પૂછે? પણ એક હતો ઓલિયો જણ. આજ  લગણ મને યાદ છે.”

વલ્લભભાઈને કુતૂહલ થયું, “એ કોણ?”

“અલગારી માણસ. સાહેબ, હજી લગી એનું નામ યાદ છે, ગુણવંતરાય આચાર્ય. આમ તો ક્લાર્ક, પણ સમૂળગો દરિયાનો જીવ. એનું કામ પૂરું થાય એટલે અમારામાં ભળી જાય, હજાર પ્રશ્નો પૂછે. વહાણની બાંધણી, એનાં જાતજાતનાં નામ, અમારી ખારવાની અને દરિયાઈ સફર ટાણે બોલીએ એ ભાષા, એનાં અરથ, અમારાં રીત-રિવાજો… બધું લખી લ્યે હોં. સાહેબ, અેવો જણ દીઠો નથી.”

વલ્લભભાઈ નવાઈ પામી ગયા. વર્ષો પહેલાં એમના દરિયાઈ જીવન વિશે, એમનાં રીત-રિવાજ, ભાષા વિશે પડપૂછ કરનાર આચાર્યનું નામ સુધ્ધાં આ વૃદ્ધ ખલાસીને હજી યાદ હતું. આ ઘટના વિશે વલ્લભભાઈએ મને લંડનથી લાંબો વિગતવાર પત્ર લખ્યો હતો.

સામાન્ય નિરસ નોકરીઓ, ગામેગામની રઝળપાટને લીધે અસ્થિરતા અને આર્થિક ભીંસ વચ્ચે સાહિત્ય અને પુસ્તકપ્રીતિ, ડૂંડાનાં ફોતરાંમાં દાણો પોષાય એમ અનેક અઘરા સંજોગો વચ્ચે પણ પોષાતી રહી.

જ્ઞાતિને ઓટલે રાત્રે જે ડાયરાની જમાવટ પિતા કરતા એને લીધે કહેણીની કળા એમને વરી હતી. જે પછીથી એમનાં લેખનમાં ચિત્રાત્મકતા અને નાટ્યાત્મક સંઘર્ષો અને દૃશ્યોને એથી ધાર નીકળી હતી. ગજબનું વાક્‌ચાતુર્ય અને કાઠિયાવાડી લહેકો, ભાષાવૈભવ, કહેવતો અને રૂઢિપ્રયોગોનો અખૂટ ભંડોળ એમને કંઠસ્થ.

પછીથી એમણે જ્યારે કલમ હાથમાં લીધી ત્યારે આ ડાયરાની જમાવટ અને કહેણી કહેવાની ઢબછબ વાર્તાલેખનમાં પણ ઊતરી. લેખનમાં વેગ, વહેણ અને વળાંકમાં એ કળાએ જોમ પૂર્યું. ધસમસતાં મોજાંની શૈલીએ લેખનમાં ગતિ આણી.

*

લંગર છૂટે અને નાવ જળમાં વહેતી થાય એમ આખરે એમણે જામનગર છોડ્યું. રોજિંદા જીવનથી ધરાઈ ગયા હતા.

સામાન્ય નોકરીઓ, રઝળપાટ અને સતત આર્થિક ભીંસથી એ કંટાળ્યા હતા. શૌર્ય અને સાહસનો અલખો પીધો હોય, એનો છાક ચડ્યો હોય તે શેં ઊતરે? નસીબ અને સંજોગોએ એમને ખૂબ તાવ્યા હતા પણ અંતે મા સરસ્વતીના આશીર્વાદથી નસીબે બંધ દ્વાર ખોલ્યાં.

1927માં મારા પિતાએ વતન જામનગર છોડ્યું. રાણપુરમાં હસનઅલી જીવાભાઈ નામના કચ્છી ખોજા `સૌરાષ્ટ્રમિત્ર’ નામનું અઠવાડિક ચલાવતા. આ અઠવાડિકમાં એ જોડાયા. નૈયાએ આખરે મઝધારમાં ઝુકાવી જ દીધું.

આ જ અરસામાં રાણપુરથી `બહુરૂપી’ નામનું ડિટેક્ટિવ વાર્તાઓનું અઠવાડિક ચંદુલાલ જેઠાલાલ વ્યાસ ચલાવતા. `બહુરૂપી’ લોકપ્રિય અઠવાડિક હતું. એમાં મારા પિતાએ ઘણી રહસ્યકથાઓ લખી. આમ પણ કિશોરવયે પેરી મેસન, આગાથા, શેરલોક હોમ્સ, વુડહાઉસ ખૂબ વાંચેલા, અમનેય વંચાવેલા. જાણે આ તો બધા અમારા પણ સ્વજનો! ફૅમિલી ઑથર.

`બહુરૂપી’માં મારા પિતાએ ઘણી રહસ્યકથાઓ લખી. એ સાથે જ એમનો બહોળો વાચકવર્ગ ઊભો થયો. એ કથાઓ એટલી લોકપ્રિય થઈ કે મારી એક મિત્રના કાકાએ મને કહ્યું હતું કે, “આચાર્યસાહેબની રહસ્યકથાનો ચિત્રગુપ્ત વકીલ ગ્રાંટરોડ (મુંબઈ) રહેતો, વાંચીને અમે મિત્રો એક વાર એનું ઘર શોધવા ગ્રાંટરોડ ખૂંદી વળેલા.”

લંડનમાં શેરલોક હોમ્સના બેકસ્ટ્રીટના રહેઠાણે હું ગઈ હતી, તો જોયું કે આખી દીવાલ એમની પર હજી આવતાં પત્રોથી ભરેલી હતી.

અહીંથી – રાણપુરથી એમના સર્જનકાળનો આરંભ. જોકે એમાંની કોઈ રહસ્ય વાર્તાઓ મારી પાસે નથી. અનેક ઘરો અને ગ્રામ-શહેરો બદલવાં પડ્યાં, પછી સ્વાતંત્ર્‌યચળવળ વખતે અનેક તીખા લેખોથી માથે ધરપકડની લટકતી તલવાર નીચે, વેશ બદલી છૂપી રીતે ભાગવું….

આમાં કેટકેટલું પાછળ છૂટી જતું હશે કે ખોવાઈ જતું હશે કે નાશ પામતું હશે! એમની બે-ત્રણ નોટબુક મારી પાસે છે. અઠવાડિયાના આઠેય દિવસ જુદું-જુદું લખતા હોય એટલે કશીક નોંધ લખી હોય. તેમાં એમણે `ડિટેક્ટિવ વાતો’ના ચાર ભાગ પુસ્તકોની યાદીમાં લખ્યા છે. એનો પત્તો મને ક્યાંય મળ્યો નથી. કદાચ `ગ્રંથાગાર’નાં પોટકાની જેમ કોઈ લાઇબ્રેરીના ખૂણામાં સંતાઈ હોય! 

એ સમયે અખબારો જે લોકો લવાજમ ભરે તેમને પુસ્તક ભેટ આપતા. `સૌરાષ્ટ્રમિત્ર’ના પુસ્તક તરીકે એમણે `સોરઠી શમશેર’ લખ્યું. લોકકથાનું આ એમનું પ્રથમ પુસ્તક.

`સૌરાષ્ટ્રમિત્ર’માં મારા પિતાની કલમે પ્રાણ પૂર્યા. રાજ-રજવાડાંઓની ખટપટ, સ્ત્રીઓ પર થતા અત્યાચાર, સ્ત્રી-પુરુષને માપવાનાં બેવડાં ધોરણો અને સામાજિક વિષમતા, અંગ્રેજો વિરુદ્ધના લેખો ખૂબ લોકપ્રિય થતા હતા. જાણે પીડાતી, શોષિત પ્રજાના અંતરનો અવાજ! અંગ્રેજોની પિતા પર ખફા નજર. વાચકો ખાસ મુબારકબાદી આપતા અને ગમતા લેખકને મળવા ઑફિસે આવતા.

રાણપુરમાં અમૃતલાલ શેઠે રજવાડાંઓનાં શોષણ અને જોહુકમી સામે જેહાદ ઉપાડેલી. `સૌરાષ્ટ્ર’ સાપ્તાહિક શરૂ કરેલું.

શેઠ અમૃતલાલ જૈન કુટુંબના નબીરા. પિતા ધ્રાંગધ્રામાં શિક્ષક. નિવૃત્તિ સમયે પાંચ રૂપિયા પેન્શન મળે. અમૃતલાલનો જીવ ચચરે, અંગ્રેજો સામે ગાંધીજી લડી રહ્યા છે, પણ રજવાડાંની પ્રજાનું કોઈ નથી. એમણે વતન લીંબડી છોડ્યું. કાર્યક્ષેત્ર માટે બ્રિટિશ હદ શોધતા રાણપુર આવ્યા.

સાવ ટાંચાં સાધનોથી 1921ની રેંટિયા બારસ, ગાંધીજયંતીએ બ્રિટિશ હદમાં `સૌરાષ્ટ્ર’ સાપ્તાહિક અને પ્રેસ, સ્વાધીન મુદ્રણાલયનો જન્મ થયો. લીમડાના ઝાડ નીચે તંત્રીએ ખુલ્લા આકાશ નીચે ગોદડાં પાથરી ટેબલ બનાવ્યું અને અહીં વેદનાના અક્ષર ઘૂંટાયા.

રજવાડાંઓની મૂંગી, સાત કરોડ પ્રજાની અંતરની વ્યથા અને પીડાને સાંભળનાર આ સંસ્થા હતી. આખા દેશનાં રજવાડાંની ટપાલો અહીં ઠલવાતી, વંચાતી અને એમાંથી રક્ત ટપકતી વેદનાને તરત વાચા મળતી. આ વાચાની ધનુષ-ટંકારની ગુંજ બધે પડઘાતી.

તેજીલા તોખાર જેવા સાથીદારો અમૃતલાલ શેઠે વીણી-વીણીને ભેગા કર્યાં હતા. `સૌરાષ્ટ્રમિત્ર’માં મારા પિતાની કલમ પર ઓવારી જતાં અમૃતલાલ શેઠે તેમને `સૌરાષ્ટ્ર’ના તંત્રીમંડળમાં સામેલ કરી દીધા.

1928માં આમ એ `સૌરાષ્ટ્ર’માં જોડાયા. પત્રકાર અને લેખક બનવાનું તેમનું વર્ષોનું સપનું સાકાર થયું, લંગર છૂટી ગયું હતું, સઢમાં પવન ભરાતો હતો અને નાવ હવે ચડતા પૂરમાં પણ તીરવેગે વહેવા લાગી. અહીં તેમને મોકળું મેદાન મળ્યું. 

જીવનનો એક નવો અધ્યાય શરૂ થયો.

(ક્રમશ:)

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.