એના હોઠ ફફડે ત્યારે ~ નીલે ગગન કે તલે ~ મધુ રાય


વિશ્વનાં સૌ પ્રથમ કેમિકલ વેપન બ્રિટનના વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલે ઇરાક સામે વાપરેલાં. કેમકે એમને મન ઇરાકી લોકો “માણસ” નહોતા, ને તે મરે એમાં ચર્ચિલને કોઈ વાંધો નહોતો. આવી દર્પમાં ગરકાવ વ્યક્તિઓ આપણી આસપાસ વસે છે, આપણી બોલી બોલે છે, ને આપણી લાગણીઓ ઉપર રાજ કરે છે. માનવ સંસ્કૃતિનું ઉષસ્થાન ઇરાન પણ ગણાય છે, પણ જસ્ટ ફોર ફન આજે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ કહે છે કે મને મન થાય તો મોજ માટે હું ઇરાનને ખતમ કરી નાખું!

આજે જે દેશ અમેરિકા નામે ઓળખાય છે તે તેના મૂળવાસીઓને યુરોપીયનો “રેડ ઇન્ડિયન” કહેતા. આજથી પાંચસો વરસ પહેલાં પહેલી વાર યુરોપીયનોનાં વહાણ અથડાતા કુટાતા અમેરિકાના કિનારે આવી નાંગર્યાં ત્યારે ત્યાંના મૂળવાસીઓને તેમની ગોરી ત્વચા જોઈ અચરજ થયું અને એમણે આગંતુકોને આવકાર્યા, જમાડ્યા અને એમનાં વહાણોમાં જાતજાતની ને ભાતભાતની ભેટ સોગાદો ભરી, એમને ખુશ કરીને વળાવ્યા.

તે સાલસ લોકોને, તે કુદરતનાં નિરીહ સંતાનોને કલ્પના જ નહોતી કે જમીન ઉપર કોઈની માલિકી હોય! એમને મન તો હવા, પાણી, આકાશ ને પ્રકાશની જેમ જમીન પણ સૌની હોય, તેમાં ભાગલા ન પડે!

યુરોપીયનોને થયું કે આ ગમાર ગગાભાઈઓને તો ચુટકીમાં બનાવી લેવાય, અને તે ગોરાઓ ફરીથી અમેરિકાના કિનારે આવ્યા, ને આ વખતે તમારો આભાર માનવા અમે તમને જમાડીએ કહીને ગોરાઓએ ‘થેન્ક્સગિવિંગ’ નામે એક સુભગ તહેવારની સ્થાપના કરી.

પણ સાચી વાત તો તે હતી કે ખંધા યુરોપીયનોએ રેડ ઇન્ડિયનોને  ભયંકર ચેપી રોગચાળાથી ખદબદતા ધાબળા આપી  એમની સ્થાનિક જનજાતિઓનો ૯૫ ટકા નાશ કરી એમની જમીન પડાવી લીધી. તે સમયે જમીન બાબત કાયદા તો કોઈ હતા જ નહીં એટલે જે ગોરો ખલાસી જમીનને ચિનગારીથી સળગાવે તેની આગ સળગતી સળગતી જ્યાં સુધી જાય ત્યાં સુધી “આ જમીન મારી” કહીને તે ગોરો તેનો માલિક બની જાય. મૂળવાસીઓની ભલમનસાઈને યુરોપીયનો મૂર્ખતા સમજતા અને એની એવી કડવી ઇર્ષા આવતી હતી કે ગોરા અમેરિકનો પરસ્પરની ગપશપમાં કહેતા હોય છે કે રેડ ઇન્ડિયન ખોટું બોલે તેની નિશાની શી? તો જવાબ  તેનું મોં ખૂલે તે. યાને રેડ ઇન્ડિયન કાય્યમ, જુઠ્ઠાડો જ હોય!

ભારત ઉપર ત્રણ સદીના શાસન પછી, બ્રિટિશરોએ ભારત છોડવાનું નક્કી કર્યું. પરંતુ તેઓ ગયા ત્યારે એકતા નહીં, વિખંડન છોડી ગયા. એમાં સિરિલ રેડક્લિફ નામે રિટાયર્ડ અંગ્રેજ જજ, જેને ભારત વિશે કંઈ ખબર નહોતી, તેણે ભારતની ઊડતી મુલાકાતે આવી પંજાબ અને બંગાળના ધાર્મિક રેખાઓ પર આડેધડ ભાગલા પાડ્યા, ‘જાઓ હવે લડી મરો!’

એ રીતે અચાનક 12–20 મિલિયન લોકોને સ્થળાંતર કરવું પડ્યું;  2 લાખથી 20 લાખ સુધીની હત્યાઓ થઈ; ટ્રેનો પર હુમલા, ગામડાંઓમાં આગ, સ્ત્રીઓ પર અત્યાચાર! પરિણામે કાશ્મીર જેવા વિવાદ આજે પણ જીવંત છે. “ડિવાઇડ એન્ડ રૂલ” ની નીતિ, અલગ મતદાર યાદીઓ, ધાર્મિક ગણતરીઓ, અલગ અલગ ધર્મોને અલગ અલગ અધિકારો—આ બધું વિભાજન માટેની પૂર્વતૈયારી હતી.

અમેરિકાના રેડ ઇન્ડયનોના નિકંદન તથા ભારતના ભાગલાની આ બે ઘટનાઓમાં અંગ્રેજી કુટિલતાનો મૂળભૂત હેતુ એક જ હતો—સ્થાનિક સંસ્કૃતિઓને નામશેષ કરવી. અને પોતાના હિત માટે પૃષ્ઠભૂમિ તૈયાર કરવી. અમેરિકામાં આનો અર્થ હતો જમીન કબજે કરવી, જ્યારે ભારતમાં તેનો અર્થ હતો એકતા તોડી જવી. પરિણામે, એક તરફ સંસ્કૃતિનો અંત આવ્યો, બીજી તરફ અવિરત રાજકીય વિવાદો જન્મ્યા.

ઘણા વખત પહેલાં ગગાભાઈ ગગનવાલાએ એક લેખ લખેલો, ખોટું બોલવા વિશે. લખેલું કે “તમે કોઈની પાસે ખોટું બોલો તો તેનો અર્થ તે કે તમને તે વ્યક્તિની બીક છે.” અલબત્ત આજે સમજાય છે કે તે વાત અડધી સાચી છે. કોઈ તમારી હાંસી કરવા પણ તમારી પીઠ પાછળ જૂઠાબોલી તાળીઓ માગે છે, કોઈ તમને બનાવવા, ભોળવવા, તમને પાનો ચડાવવા ને તમારી સાલસતાની ખિલ્લી ઉડાવવા જૂઠું બોલતું હોય છે.

“મને જુઓ ને મિસ્ટર એક્સની બીક લાગે છે!” કહેતી કોઈ વ્યક્તિ તમને કોન્ફિડન્સમાં લેવા પણ તમારી પાસે ખોટું બોલતી હોય છે. તમે ભલમનસાઈથી અને કદિક ગર્વથી કહી બેસો છો, “અરે? એની બીક શાની?” અને અજાણતાં જ તે વ્યક્તિ તમારા મનમાં “વડપણ”નું બીજ રોપીને તમારી ચેલી થવાની ઇંગ્લિશ ચાલ રમે છે. તે તર્કટી હનીટ્રેપ એવી કુશળતાથી સંબંધોની ચોપાટ રમે છે તે પકડાઈ જાય ત્યારે ભાગ્યે જ અટકે છે — તેઓ પાનાં ચીપીને ફરીફરી બાજી ગોઠવે છે, આગલી વાતનો ઇનકાર કરે છે, અને નવા એન્ગલ શોધે છે. “પકડાઈ જવું” તે બી તે વ્યક્તિની હવે પછીની ચાલ છે.

માનસશાસ્ત્રીઓ કહે છે કે મેન્ડાસિયસ યાને મનોરુગ્ણ વ્યક્તિઓ કોઈ કારણ વિના પણ ખોટું બોલતી હોય છે; બસ, મન જૂઠા ઔર તન જૂઠા હૈ, જૂઠના દલદલમાંથી, પોતે બોલેલા જૂઠથી કોઈનું મન ઘવાય તેથી તેમને તેનો મીણો ચડે છે. એ જૂઠું ક્યારે બોલે છે, એમ પૂછો છો? ઉપરની હેડલાઇન વાંચી લો, મિંયા! જય જલન!

ગુરુવાર, 28 મે 2026

 

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.