સિગ્નલ ~ વાર્તા ~આરતી રાજપોપટ


આરતી રાજપોપટ

(લેખક પરિચયઃ
બાળપણથી ઉંમર સાથે વધતી રહેલી વાંચનની રુચિ અને ઘેલછા જીવનની અડધી સદી વટાવ્યા પછી લેખન તરફ દોરી ગઈ. ટૂંકી વાર્તા લખવાથી લેખન કાર્યની શરૂઆત થઈ. એ પછી વાર્તાઓ સાથે માઇક્રોફિશન, કવિતા, ગઝલ જેવા પ્રકારો શીખ્યા અને લખ્યાં. લખ્યું એ ક્યારેક પોંખાયું, છપાયું. તો ક્યારેક ઇનામો પણ જીત્યા છે.)
***************
ચરરર… જોરદાર બ્રેક લાગતાં રોડ સાથે ઘસાઈને  સ્કૂટરનું વ્હીલ ચીસ પાડી ઊઠ્યું!
’આ સા.. બાયુનો ત્રાસ છે!’ એક સ્ત્રીની સ્કૂટીના ધક્કાથી બચવા પગ રોડ પર ટેકવી જેમતેમ સમતોલન જાળવતા એ બબડ્યો. ’ટ્રાફિકની ગતાગમ નહીં ને વાહન લઈ હાલી જ નીકળવું છે બસ.. આ બૈરાને લીધે જ અકસ્માતો.. રસ્તો હોય કે જિંદગી!’

બડબડાટ સાથે સ્કૂટર આગળ દોડાવ્યું. સામેથી આવતા, વરઘોડાના બેન્ડના ઘોંઘાટમાં પોતાનો અવાજ એના પોતાના કાન સુધી પણ ન પહોંચ્યો. તપતી બપોરમાં છાંયડો શોધતી એની આંખોમાં અચરજ પણ હતું. ’ નાચવું એટલે નાચવું!’ વરરાજાને જોઈ હોઠને ખૂણેથી મલકાટ બેસીને જતો રહ્યો. ‘ભગવાન એને બચાવે. જો કોઈ એવી તેવી મળી ગઈ તો જિંદગી ઝંડ થઈ સમજો..!’

બિપ – બિપ.. સાથે મોબાઈલમાં મેસેજ ઝબક્યો. “નેક્સ્ટ ઓર્ડર રીસિવ્ડ.” નંદને જોયું.

’રહેવા દે હવે નહીં.’ પેટમાંથી ભૂખે સિગ્નલ આપ્યું. ’નજીક હોય તો લાવ ને હજુ એક રાઈડ પતાવી લઉં.’ રિજેક્ટ કરતા પહેલા એડ્રેસ જોઈ લેવાની લાલચ એ રોકી શક્યો નહીં.  ’આ.. આ જગ્યા! નથી જવું. કેન્સલ જ કરી નાખું. એ બાઈ..’ આંખોનું ત્રાટક એને જકડવા લાગ્યું હોય એમ કંપારી આવી તો ગઈ, પણ… ’જો કે, ટીપ સારી એવી મળે છે! ટીપની લાલચ જીતી ગઈ મગજે સિગ્નલ આપ્યું.

રસ્તા પર સ્કૂટર, સ્કૂટર પર નંદન અને નંદનના માથે ચડેલા વિચારો.. સવારી નીકળી પડી.

’એ સરનામે, દરવાજા પર ઓર્ડર રિસીવ કરતી મધ્યવયની એ સ્ત્રી, કપાળે મોટો ચાંદલો, ગળામાં મંગળસૂત્ર.’ નંદનના હાથમાંથી પેકેટ લેતાં એની નજરમાં કંઈક એવું હતું કે નંદનને અકળામણ થઈ આવતા એ સડસડાટ ત્યાંથી નીકળી ગયેલો. ’આવી આંખો, આવા જ ભાવ પહેલાં પણ જોયા છે. ક્યાં? એ યાદ કરવા મથતો રહેલો.

એ પછી પણ બે ત્રણ વખત ત્યાં ગયો. એ જ સ્ત્રી ચટક રંગની સાડી, હળવી લિપસ્ટીક, આછેરું મારકણું સ્મિત અને બોલકી આંખો કોઈ રહસ્ય કથાના પહેલાં ફકરા જેવો ચહેરો! કંઈ કહે પણ અને છુપાવે પણ!’

એ આંખો અને ચહેરા પર છપાયેલી વાર્તા એને ક્યાંક દૂર ખેંચી જતી. પછી અચાનક હાથ છોડાવી ચાર રસ્તે મૂકી દેતી. ક્યાં જોઈ છે આવી આંખો?’

“નંદુ.. જા વિનુકાકાને બોલાવી લાવ તો..” એ ભાગીને જતો. કાકા તરત આવતા. મા કોઈ સામાન મંગાવતી, કોઈ પણ મદદ પૂછતી કાકા ખડે પગે હાજર! એ જાય પછી બાપાની રાડારાડ વધી જતી. એ યાદ કરવા મથતો રહ્યો. ધૂંધળા દૃશ્યો પરનું ધુમ્મસ જરાક વિખેરાયું. ભૂખ, તરસ, તાપ વચ્ચે મનમાં ગોકીરો કરતાં વિચારો.. ’અમથો ટીપની લાલચમાં ફસાયો..!’ નંદનને પોતાના ગાલ પર બે થપ્પડ આપી દેવાનું મન થયું.

’ પાંચમાં માળે, સોસાયટીનો સાવ છેવાડાનો ફ્લેટ, લોકોની નહિવત અવરજવર, પેલીના ઘરમાં પણ આજ સુધી કોઈ દેખાયું નથી. આખરે શું વાત હશે? કોણ હશે એ?’ લાલ લાઈટ જોઈ સ્કૂટરને બ્રેક લાગી.

ખરા મધ્યાહ્નનો બાફ હેલ્મેટ ભેદી વાળમાં ઉતર્યો હતો. હેલ્મેટ ઉતારી એને જરા સારું લાગ્યું. અરીસામાં જોઈ, પરસેવો લૂછી એણે વાળ સરખા કર્યા. આજુબાજુ ડાફોળિયાં મારતો સિગ્નલ ખુલવાની રાહ જોતો ઊભો હતો.

અકળાયેલી ડોકને છુટ્ટી કરવા ઝટકો આપી આમતેમ ઘુમાવતા નજર એક તરફ અટકી ગઈ. બાજુમાં ઊભેલા વાહન પરથી કોઈ એની તરફ જોઈ રહ્યું હતું. હેલ્મેટની આરપાર એ નજર જાણે એને અડતી હતી. એણે કુતૂહલ વશ નજર જરા વધુ ખેંચી. હેલ્મેટ ખસ્યું, સ્માઈલ પછી પાઉટમાં વંકાતા હોઠ જોઈ અસહજ થતા એ નજર ખસેડવા જતો હતો ત્યાં પેલી એ આંખ મારતાં ગરદનને ગરદનને હળવો ઝટકો મારીને ઉલાળી! નંદન કશું સમજે એ પહેલાં સિગ્નલ ગ્રીન થતાં હેલ્મેટ ચડાવી એ સડસડાટ નીકળી ગઈ. પાછળથી ગાડીઓના હોર્નના અવાજથી ઝબકીને એણે સ્કૂટર ચાલુ કર્યું. ’આ.. આ શું હતું? આ વળી કોણ હતી…? સા.. આ ઔરત જાત.. આજનો દિવસ જ ખરાબ છે.’  એના મનમાં સાવચેતીની સાયરન વાગી. “જવું જોઈએ?” નંદને રસ્તાને પૂછતો હોય એમ દિવસ રાતના જોડીદાર રસ્તાને જોયા કર્યું.

’રોજ નવા સરનામાં, નવા ગ્રાહકો, નિતનવા અનુભવો, ક્યાંક તિરસ્કાર, ક્યાંક એટિટ્યુડ અને નેગેટિવ રેટિંગ આ બધું રોજનું થયું. કેટલુંક મન પર રાખી બેસી રહેવાય? આ તો જોબ હતો. પણ એ બધાની વચ્ચે એ ફ્લેટ, એ અનુભવ એના મનમાં અજબ રીતે ઘર કરી ગયો હતો.

સોસાયટી પાસે સ્કૂટર પાર્ક કરી અંદર જતા પેટમાં ફડકા પડવા લાગ્યા. ભૂખથી હતું કે પછી.. એને સમજ ન પડી. ડોરબેલ વગાડ્યા પછી નંદન ઘડિયાળ તાકતો ઊભો રહ્યો. ત્યાં સામે એ જ સ્મિત પણ આંખોમાં અજીબ ઉદાસીએ દરવાજો ખોલ્યો. નંદને પેકેટ લંબાવ્યું. પેકેટ લેતાં એની આંગળીઓનો સ્પર્શ નંદને અનુભવ્યો.

”સરિતા.. આ લો તમારો સામાન.. “ વિનુકાકાનો સ્વર..

સામાન લેતાં–દેતાં સ્પર્શ શોધતી એ આંગળીઓ.. મનમાં ઘુમરાતા દૃશ્યો વધુ સ્પષ્ટ થયાં. નંદને કરંટ લાગ્યો હોય એમ હાથ પાછો ખેંચી લીધો.

“પૈસા લઈને આવું.“ મ્લાન હસી એ અંદર ગઈ. થોડો સમય વીતી ગયો.

સોસાયટી પાસે સ્કૂટર પાર્ક કરી અંદર જતા પેટમાં ફડકા પડવા લાગ્યા. ભૂખથી હતું કે પછી.. એને સમજ ન પડી. ડોરબેલ વગાડ્યા પછી નંદન ઘડિયાળ તાકતો ઉભો રહ્યો. ત્યાં સામે એ જ સ્મિત પણ આંખોમાં અજીબ ઉદાસીએ દરવાજો ખોલ્યો. નંદને પેકેટ લંબાવ્યું. પેકેટ લેતાં એની આંગળીઓનો સ્પર્શ નંદને અનુભવ્યો.

“સરિતા.. મે’મ, આ લો તમારું પાર્સલ.”

આપલેની વચ્ચે સ્પર્શ શોધતી એ આંગળીઓ.. દૃશ્ય વધું સ્પષ્ટ થયાં. નંદને કરંટ લાગ્યો હોય એમ હાથ પાછો ખેંચી લીધો. “પૈસા લઈને આવું.” મ્લાન હસી એ અંદર ગઈ. થોડો સમય વીતી ગયો. એ આવી નહીં. નંદન મૂંઝાયો. ’શું કરું, રાહ જોઉં?’

“મેડમ!” એણે અવાજ લગાવ્યો. ત્યાં અંદરથી અવાજ આવ્યો, “એક મિનિટ અંદર આવશો..?” નંદનનું હૃદય જોરજોરથી ધડકવા લાગ્યું. એને ત્યાંથી ભાગી જવાનું મન થયું.

“જરા જલ્દી આવો ને પ્લીઝ..” અવાજની અધીરાઈ એને આપોઆપ એ તરફ ઘસડી અંદર સુધી ખેંચી ગઈ. ત્યાંનું દૃશ્ય જોઈ નંદન ઠરી ગયો. એક આધેડ પુરુષ પલંગ પાસે, જમીન પર પડ્યો હતો.

પ્રશ્નસુચક નજરના જવાબમાં અવાજ આવ્યો; “મારા પતિ છે. દસેક વર્ષથી પથારીવશ છે. ક્યારેક બેઠા થવા જતા પડી જાય. કોઈની મદદ વગર ઊભા કરવા મુશ્કેલ છે.” નંદને ચૂપચાપ પેલા પુરુષને સહારો આપી ઊભો કર્યો, પથારીમાં બેસાડ્યો. બિલ સાથે તગડી ટીપ લઈ નંદન ત્યાંથી નીકળ્યો ત્યારે એ સ્ત્રીની આંખમાં આભાર સાથે ઊભરાતા ભાવો અને ઉતાર ચડાવને ઉકેલવા મથતો હતો.

એની અંદર ક્યાંક, કશુંક તૂટી રહ્યું હતું. મન અને મગજમાં ભરેલી કેટલીયે માન્યતાઓ, ધારણાઓ વેરણછેરણ થઈને વિખરાઈ રહી હતી. તે ઘરની અંદરનું દૃશ્ય, એ સ્ત્રી, એની પરિસ્થિતિનું જોડાણ ક્યાંક અનુભવી રહ્યો હતો.

બહાર આવી યંત્રવત સ્કૂટર તો આગળ જવા ચાલુ કર્યું પણ એ તો પાછળ પાછળ ઘસતો ગયો. બ્રેક ફેઈલ થયેલી ગાડીની જેમ ક્યારેક જીવેલું જીવન પુરઝડપે,આવી, સામે વીંઝાતી હવાની જેમ એને વળગ્યું.

’બાપાને જીવલેણ અકસ્માત પછી બાપાએ ખાટલો પકડ્યો. દુખિયારી માના દુઃખના ડુંગર પર એક પથ્થર વધુ ઉમેરાયો. બધાનું પેટ પાળવા એણે કામ પણ કર્યા. કેટલું કરતી મા.. છતાં બાપા માને ગાળો દેતા. પથારીમાં પડ્યા રહેવાની મજબૂરી અને અકળામણથી ચીડચીડો થઈ ગયેલો એનો સ્વભાવ, ઉપરથી બેધારું કામ..

“આ રોજની રામાયણ મારે જોઈએ જ નહીં.. હું થાકી છું. નથી થતું હવે મારાથી.. અહીંથી ક્યાંક ભાગી જાઉં તો છૂટું હવે તો!” મા ક્યારેક બડબડાટ કરતી. પણ.. એક દિવસ મા સાચે જ ઘર અને દસેક વર્ષના નંદનને છોડી ક્યાંક જતી રહી!

લોકો જાતજાતની વાતો કરતાં. એ દિવસ પછી બાજુવાળા વિનુકાકા પણ ગાયબ હતા. એ બધું સાંભળતો, બહુ સમજાતું નહીં એને.. એય ન સમજાતું કે એને આટલો પ્રેમ અને લાડ કરતી મા એને એકલો છોડી કેમ જતી રહી!? એ એટલો નાનો પણ નહોતો કે પોક મૂકી રડી શકે, ને એટલો મોટો પણ ક્યાં હતો કે કંઈ સમજી શકે! બસ, મા એને મૂકી ક્યાંક ચાલી ગઈ એ વાતની રીસ, ગુસ્સો, દુઃખ મનમાં ઘૂંટાતું રહ્યું. નાની ઉંમરે જવાબદારી સંભાળતા જલ્દી પુખ્ત બની ગયો. એને જોઈ લોકો દયા ખાતા, માને કોસતા. એને પછી થોડું થોડું સમજાવા લાગ્યું હતું.

લોકોની વાતો એના દુઃખને અને ગુસ્સાને ખાતર બની પોષતી રહી. અને એમાં બીજું એક ખાતર પણ ઉમેરાઈ ગયું. શીલા…

પથારીવશ બાપાને સાચવવા, ઘરનું કામ અને કમાવાનો બોજ.. આવે વખતે મળેલો શીલાનો સાથ, પ્રેમ અને હૂંફ એને મીઠી શાતા આપતાં. પણ શીલાને જવાબદારીનો બોજ ઉપાડવા કરતાં બેવફા, દગાબાજ જેવા નામ સાથે જીવવું વધુ હળવું લાગ્યું હશે! માએ જો એ કાળું કામ ન કર્યું હોત તો શીલા કદાચ એની સાથે હોત એ માન્યતાના વાંસનો અંકુર ફરી એક વખત મનને ફાડીને ઉગી આવ્યો.

એક દિવસ થાક્યો પાક્યો ઘરે પહોંચ્યો તો ઘરની બહાર પડોશીઓનું ટોળું હતું. ટોળું જોઈને જે પહેલો વિચાર આવી શકે એ શક્યતા તો હતી નહીં, બાપના ગયા બાદ.. ઘરમાં આગ લાગી ન હતી. ચોરને તો મહેનત માથે પડે એવું હતું તો…! “અરે આ આવ્યો નંદન.” ટોળામાંથી અવાજ આવ્યો. અને ટોળું બાજુ પર ખસ્યું.

નિસ્તેજ ચહેરો અને લઘરવઘર કપડે ઓટલા પર માને બેઠેલી જોઈ એના પગ પર મણ મણનું વજન મુકાઈ ગયું. એ જડવત ઊભો રહ્યો. પાંચમી સેકન્ડે એનો ખભો ભીનો હતો. ડૂસકાથી થથરતી પીઠ પર ફરવા માટે હાથ ન ઉપડ્યો તે ન જ ઉપડ્યો.

મા એને શોધતી અચાનક પાછી આવી હતી! ગુસ્સો, રીસ હોવા છતાં માના એ વખતના દીદાર જોઈ એ એનાથી મોં ન ફેરવી શક્યો. એને પોતાની સાથે રાખી.
“બેટા તારી માથી બહુ નારાજ છો ને?”

માએ એક બે વાર વાત કરવાની કોશિશ કરી. પણ એ સવાલ દરવાજો વસાઈ જતા ભિક્ષુકની આશા તરડાઈ જાય એમ તરડાઈ જતો. નંદનને એને સાંભળવાની, સમજવાની કે, આટલા વર્ષો એ ક્યાં હતી, કેમ હતી અને પાછી કેમ આવી કશું જાણવાની ઈચ્છાનો દરવાજો સજ્જડ બંધ રાખી દીધેલો. પછી મા પણ બોલતી નહીં. કોરી કોરી, ખાલી આંખે એને તાકતી રહેતી ક્યારેક..

એને આજે સમજાઈ રહ્યું હતું કે પેલી સ્ત્રીની આંખોના ભાવ એને કેમ જાણીતા લાગી રહ્યાં હતા. એને કેમ બેચેન કરતા.. માની ઘરને છોડતી વખતની પીડા, એની એષણાઓ, દબાયેલી, ગુંગળાઈ ગયેલી એની ઈચ્છાઓના ચિત્રો એની આંખમાં દોરાઈ રહ્યાં હતાં.

આજે કેટલા વર્ષે એનું મન હળવુફૂલ બની ગયું હતું. સજ્જડ બંધ દરવાજો જરાક ખુલ્યો હતો. હળવે હૃદયે સ્કૂટર ચાલતું રહ્યું. થોર પર કોઈ કળી ખીલવાની તૈયારી થતી હોય એમ એને યાદ આવ્યું, ’માને આઇસક્રીમ બહુ ભાવતો. હજુ ભાવતો હશે?’ એણે મા માટે આઇસક્રીમ લીધો.

એ દિવસ પછી જિંદગી જીવવા જેવી લાગવા માંડી હતી. મા પણ જીવવા લાગી હતી!

શાંતિ અને પ્રસન્નતા વચ્ચે મનમાં એક છુપો અજંપો હતો. ઘણો સમય થયો, પણ એ સરનામું ફરી આવ્યું નહોતું! નંદન એ જ વિસ્તારમાં ફર્યા કરતો. જ્યારે એ બિલ્ડિંગ પાસેથી પસાર થતો કોઈ અજીબ ખેંચાણ સાથે એનું સ્કૂટર સાવ ધીમું પડતું. ક્યારેક બ્રેક લાગતી. પણ જાતને સંભાળી મનની સાથે સ્કૂટર પણ તરત પાછું વાળી લેતો.

મનમાં વિચાર આવતો અને જાત પર ગુસ્સો આવી જતો. ’એ દિવસે મૂર્ખની જેમ ઉતાવળે નીકળી જવાને બદલે જરા વાત કરી લીધી હોત તો! ઘર શિફ્ટ કર્યું હશે? ફરી ક્યારેય જવાનું થશે?’ એકાદ વાર તો એ ગલીમાં બે ત્રણ ચક્કર મારી લીધા હતા પણ પછી ખાલીખમ મને ઘર તરફ વળી જતો.

આજે એનું સ્કૂટર પવન પાવડી બન્યું હતું… આખરે ત્રણેક મહિના પછી એ સરનામું મોબાઈલ પર ફરીથી ઝબક્યું ખરું. ક્યાંય અટક્યા વગર લીલી લાઇટ સાથે તમામ સિગ્નલો પાર કરીને એ સીધો સોસાયટી પાસે થોભ્યો. લિફ્ટનું બટન એકસરખું પ્રેસ કર્યા કર્યું.

એ દરવાજે પહોંચ્યો. દરવાજો ખુલ્લો હતો. અંદરનું દૃશ્ય જોઈ સ્તબ્ધ થઈ ગયો. સફેદ સાડી પહેરેલી એ સ્ત્રી કોઈ ભારે સામાન ઉઠાવવાની કોશિશ કરી રહી હતી. નંદન પર નજર પડતાં એની નજરનો પ્રશ્ન વાંચી લીધો હોય એમ બોલી; “એક મહિનો થયો..”

“ઓહ.. સોરી.. આપો, હું ઉઠાવી લઉં છું.” એ સ્ત્રી ચૂપચાપ સાઈડમાં ખસી ગઈ.

ઉઠાવવા જતાં નંદનના હાથમાંથી સામાન છટક્યો અને હાથમાં વાગ્યું. “અરે ધ્યાનથી.. તમે જરાવાર બેસી જાઓ તો, મોચ આવી ગઈ હોય તો મલમ આપું.” કાળઝાળ ગરમી પછી ગોરંભાયેલા વાદળો વરસી રહ્યા હતા. આહલાદક બનેલા વાતાવરણને કોફીની કંપની સાથે વાતોનો હૂંફાળો સાથ મળ્યો હતો. વરસાદ રોકાયા પછી નંદન ત્યાંથી નીકળ્યો ત્યારે સાંજ ઢળી ચૂકી હતી.

પિક અવર્સમાં ભરચક્ક રોડ પર, લબુક ઝબૂક થતી લાઈટો અને હોર્નની ચિચિયારીઓમાં લોકોની ઘરે પહોંચવાની અધીરાઈ ડોકાઈ રહી હતી.

નીકળતી વખતે સ્ત્રીએ કહેલું “આવતા રહેજો..”

નંદને એક પળ વિચાયું. એ પ્રવાહ સાથે ભળવાને બદલે એણે બીજો રસ્તો પસંદ કરીને યુ ટર્ન લઈ લીધો!

****************
(“મમતા”ના સૌજન્યથી, સાભાર)

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.