સંદર્ભ: અયોધ્યા રામ જન્મભૂમિ મંદિર ઉચાપત (ભાગ-૨) ~ દસ મુક્તકો

(ભાગ-૧ની લિંક)
https://aapnuaangnu.com/2026/07/20/arz-kiya-hai-hiten-anandpara-111/

અયોધ્યા રામજન્મભૂમિ મંદિર ઉચાપત
(
ભાગ-૨)

1.
બધે  હાથ  મારી એ  જલસા  કરે છે
છતાં  કેમ  ભોળો  બની એ ફરે છે
શરમ  લાજ  સઘળી  એ નેવે મૂકીને
હવે રામથી ક્યાં જરાયે ડરે  છે
~ દેવેન્દ્ર જોશી, મુંબઈ

 2.
રામજીનું સ્મિત જો મુરઝાય છે
ઉંદરો પરસાદ ચોરી જાય છે
રામના ચરણે ધર્યું જે ભાવથી
લાલચુઓ એ બધું લઈ જાય છે
~ ડૉ ભૂમા વશી, મુંબઈ

3.
જમાઈને ત્યાં ચોરી! સાસરે સૌ સ્તબ્ધ છે
દિલાસો આપશે શું હોઠ પણ નિ:શબ્દ છે
સુરક્ષા રામને ત્યાં હોય બોદી આટલી
સમજતાં વાર શું લાગે, શું ત્યાં ઉપલબ્ધ છે
~ કિલ્લોલ પંડ્યા, ગાંધીનગર

4.
તમે છોને કરી ધનની ઉચાપત રામના નામે
નહીં ચોરી શકો શ્રધ્ધાની દોલત રામના નામે
તમે પણ થઈ જશો વાલ્મીકિ જેવા ભક્ત જોજો ને!
હ્રદયને જો પડે એક જાપની લત રામના નામે
~ કિરણ જોગીદાસ રોશન, અંકલેશ્વર

5.
આયનો ના આત્મનો તું! સાફ રાખે
તોય ઈશ્વર ભૂલ સઘળી માફ રાખે
પણ થતી મંદિરમાં જ્યાં ચોરીઓ
ભૂલશો ના શિવ ત્રીજી આંખ રાખે
~ રૂપલ સંઘવી ઋજુ, જામનગર

6.
મુખમાં રામ બગલમાં છરી છે
માનવતા તો સાવ મરી છે
મંદિર માત્ર નથી લૂંટાયું
આસ્થાનીયે જ્યોત ઠરી છે
~ અંકિતા મારુ જીનલ, મુંબઈ

7.
ગંધ ના આવે કશી કોઈને એ ક્યાંથી બને!
કોણ જાણે કેટલાંનો હાથ છાનો પણ હશે!
ભેટસોગાદો, ચઢાવો બે ઘડીમાં ખાલસા!
ખેલ કેવો થઈ ગયો આ ભક્તિનાં ઓઠાં તળે!
~ અતુલ દવે, વડોદરા

 8.
કદી બોલ્યા નહીં સાચું, તો લઈને શું જશો સાથે
કર્યું ના આચરણ સારું, તો લઈને શું જશો સાથે
ન રાખી લાજ થોડી પણ ને મંદિરમાં કરી ચોરી
કફનમાં હોય ના ખાનું, તો લઈને શું જશો સાથે
~ કમલેશ શુક્લ, સુરત

9.
કરીને રોજ દીવા, કરતાં મંદિરમાં એ અજવાળું
છતાં પણ કેમ બાકી છે હજી મનમાં આ અંધારું
લો ચોકીદારે ચોરી રામધનની સાથે આસ્થા પણ
હતી કેવી આ સેવા, ને હતું શું રામ રખવાળું?
~ મૃદુલ શુકલ, મુંબઈ     

10.
ઘર જગતના નાથનું લૂટી, જશો ક્યાં?
જે પ્રભુ આપે ફરજ, ચૂકી, જશો ક્યાં?
કર્મનું પરિણામ મળશે તમને તરત જ
ભોગવીને સુખ ક્ષણિક, છૂટી જશો ક્યાં?
~ મૃદુલ શુકલ, મુંબઈ 

(ક્રમશ:)

(નોંધ: ભાગ-3માં આ વિષયક ગઝલો પ્રગટ થશે.)

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.