“સ્મૃતિસંપદા” ~ ડાયસ્પોરા સર્જકોના જીવનકવનની સંકલિત કહાનીઓ (૯) ~ લેખકઃ સરયૂ પરીખ ~ સંપાદકઃ રેખા સિંઘલ

સરયૂ પરીખ
કલાની સતત સાધના એ સરયૂ પરીખનું સૌથી મોટું જમા પાસુ છે. ૧૯૪૬માં ભાવનગરમાં જન્મ થયો ત્યારથી કલાનું જીવનમાં મહત્વ એમને શ્વાસ સમાન સાહજિક લાગ્યું છે. માતા ભાગીરથીને લેખનકળા હસ્તગત હતી અને લગ્ન પછી પતિ દિલીપ પણ કલારસિક, આથી એમની સાધનાને વેગ મળ્યો. પદ્મશ્રી એવોર્ડ મેળવનાર વૈજ્ઞાનિક અને કવિ એવા શ્રી મુનિભાઈ મહેતાના બહેન તરીકે સરયૂબહેન પર ભાઈના પ્રોત્સાહનની પણ ઘણી અસર છે. તેઓ ગુજરાતી સાથે અંગ્રેજી કવિતાઓ પણ લખે છે. અંગ્રેજીમાં બે નવલકથાઓ, સત્યકથાઓ મળીને તેમના છ પુસ્તકો પ્રકાશિત થયા છે. વિજ્ઞાનમાં માસ્ટર ડીગ્રી મેળવી ૧૯૬૯માં તેઓ અમેરિકા આવ્યા પછી વ્યવસાય તરીકે મેડિકલ ટેકનોલોજીસ્ટ તરીકે કામ કર્યું. છેલ્લા બે દસકામાં સમાજ સેવાના કાર્યોમાં તેમનું વિશિષ્ટ યોગદાન રહ્યું છે. હાલ નિવૃત્તિ કાળ દરમ્યાન પરિવાર નજીક Austin, Texasમાં એમની કલા સાધના ચાલુ છે. ગંગોત્રી નામના એમના બ્લોગનું એડ્રેસઃ www.saryu.wordpress.com છે.
Email: [email protected]
મારી સફર… – લેખિકાઃ સરયૂ દિલીપ પરીખ
જીવનમાં પરિસ્થિતિઓ સર્જાતી રહે છે…તેનો પ્રમાણિક ભાવે સ્વીકાર કરી, કોઈ તેને મંગલમય બનાવે અને કોઈ તેને ક્લેશમય બનાવે. આજે ૨૦૨૨ના વર્ષમાં, જીવનસફર વિષે લખતાં અનન્ય આનંદનો અનુભવ થાય છે. ભાવનગર જેવા નાના શહેરમાંથી ભણી, વડોદરામાં M.Sc. Botany પછી PhD. કરતી હતી ત્યારે, આકસ્મિક અને અણધારી પરિસ્થિતિમાં અજાણ્યા અમેરિકામાં, ૧૯૬૯માં આવી ચડેલી સરયૂની કહાણી જાણીએ.
૧. જાગીને જોયું…
સરયૂ હરિભાઈ મહેતાનું બચપણ યાદ કરતા એક પ્રસંગ સ્મિતની લહેરખી લાવે છે…જ્યારે ભાવનગરમાં, એક માત્ર ફોટો studioમાં પાંચ વર્ષની હું, ભાઈ સાથે ઊભી હતી…અને અંધારું થતાં દોડાદોડ કરી રહી હતી. એ સમયના મારા જીવનના મુખ્ય વ્યક્તિઓમાં, માતા-ભાગીરથી, પિતા-હરિશંકર મહેતા અને ત્રણેક વર્ષ મોટો ભાઈ મહેશ, જે મુનિભાઈના નામથી ઓળખાતો. બે ઓરડાનાં મામાના ઘરમાં, આડોશી પાડોશીનાં સંગમાં, બચપણ રમતું ચાલ્યું. એક સવારે જાગીને જોયું તો વચલા મુખ્ય રૂમનું બારણું બંધ હતું. હું તો ત્યાં આળસમાં બેસી રહી હતી, ત્યાં અંદરથી એક લેડી ડોક્ટર બહાર આવ્યાં અને ઘોડા-ગાડીમાં બેસી રવાના થયાં. મોટાકાકી હસતાં આવીને મારો હાથ પકડી અંદર લઈ ગયાં અને કહ્યું, “જો આ તારી નાની બહેન, ઉર્વશી.” મારા આશ્ચર્યનો પાર નહોતો. કાથીનો ખાટલો બારી પાસે હતો. ત્યાં બા અને નાની બાળકી સૂતેલાં હતાં. મેં માન્યું કે બારીમાંથી બેબી આવી! ત્યાર પછી જ્યારે પણ નવજાત શીશુને કોઈનાં ઘરમાં જોઈને ખાતરી કરતી કે ખાટલો બારી પાસે છે ને!
સરયૂનો જન્મ ૧૯૪૬માં અને ઉર્વશીનો જન્મ ૧૯૫૩માં થયો હતો. પિતા પ્રાથમિક શાળામાં અને બા માજીરાજ ગર્લ્સ હાઈસ્કૂલમાં નોકરી કરતાં હતાં. કૃષ્ણનગરમાં છૂટા બંગલા અને મધ્યમાં મોટું બાલ ક્રીડાંગણ હતું, જે અમારી સાંજની સ્વતંત્રતાનું મેદાન હતું. હું બીજા છોકરા-છોકરીઓ સાથે રમતાં રમતાં, બા ઉર્વશીને ચાલતાં શીખવી રહ્યાં હોય તે જોઈ લેતી. ઘણી વખત, મુનિભાઈ અને ઉર્વશી ભેગા થઈ મને એટલા ચીડવતા કે એ બન્નેને દુશ્મનની પંક્તિમાં મૂકી દીધા હતા. એ સમયે નજીકમાં જ અમારું…મહેતા પરિવારનું નવું ઘર બંધાવવાનું શરૂ કર્યું હતું.
ઉર્વશીને એક દિવસ તાવ આવ્યો. બા કહે, “ખાલી તાવ છે, પણ હું રજા લઈ લઉં.” અમારા ઘરનાં સભ્ય જેવા, હરીબેન ઘરનું કામ કરતાં અને ઉર્વશીની સંભાળ પણ રાખતાં. તે ચિંતા ભર્યા વારંવાર આંખનાં ઝળઝળિયાં લૂછતાં હતાં. ડોક્ટરમામા, મારા બાનાં કાકાના દીકરા, સવારથી બે વખત આવીને ઉર્વશીને તપાસી ગયા હતા. સાંજે ઉર્વશીને આંચકી આવી. એ સમયે નવા દરદ ‘મેનિન્જાઇટિસ’ meningitisની વાતો સંભળાતી હતી. પિતાજીની દોડાદોડ, તાબડતોબ બાળકોનાં ડોક્ટર સાથે ડોક્ટરમામાનું આગમન, રડતાં બા અને મુનિભાઈને હું મૂંઝાતી જોઈ રહી. રાતના આઠેક વાગે, ડોક્ટર નિરાશામાં માથું હલાવી બહાર નીકળી ગયા. બસ, પાંચ વર્ષની ઉર્વશીના અચેતન દેહને વળગીને બા રડતાં રહ્યાં. પછી અનેક દુઃખના દિવસોમાં હું સ્થિર મનોભાવ સાથે બાનો આધાર બની રહી હતી. એ વર્ષે જ નાના મામા અને યુવાન પિત્રાઈ ભાઈના મૃત્યુને પ્રત્યક્ષ જોતા…જીવન-મૃત્યુની સત્યતાનો સચોટ અનુભવ થઈ ગયો.
થોડા મહિનાઓમાં નવું ઘર ‘ગંગોત્રી’ તૈયાર થઈ ગયું અને અમે ત્યાં રહેવા ગયાં…અને અગિયારેક વર્ષની ઉંમરે, મારું બચપણ પાછળ રહી ગયું અને આત્મવિશ્વાસ અને જાગરૂકતા સાથે નવા પાડોશમાં નવા પગરણ મંડાયાં.
એ સમયે ભારત સાથે એક સૂરમાં જોડાયેલ અનેક ગુજરાતીની જેમ, અમારા પરિવારના સભ્યો પણ મહાત્મા ગાંધીજીના માર્ગદર્શન પાછળ ન્યોચ્છાવર હતાં. મારા બા અને પિતાજી ખાદીના કપડા પહેરતાં. ચોખ્ખાઈ, પ્રમાણિકતા, સદાચાર, જાતમહેનત વગેરે સદગુણો પ્રતિ બહુ ધ્યાન દોરવામાં આવતું. કોઈ ઓળખીતા પિતાજીને કહે, “હરિભાઈ, મારી કારમાં બેસી જાઓ, તમને ઉતારી દઉં.” તો ના જ પાડે. હું પૂછું કે કેમ ના પાડી? જવાબ, “આજે લાભ લઈએ એટલે કાલે પણ આશા બંધાય…જે ન પૂરી થતાં ગુસ્સો આવે.” આમ સરળ ભાષામાં ગીતા જ્ઞાન આપી દેતા. બાનો આગ્રહ કે રોજ એક ગીતાનો શ્લોક મોઢે કરવાનો. એ તો ન કર્યું પણ ભગવત ગીતા પુસ્તક કેટલું અગત્યનું છે તે છાપ હોવાથી આગળ જતાં ગહન અભ્યાસ કર્યો. સાથે સમજ એ આવી કે, બાળકોને સદવિચાર, સદાચાર વિશે કહેતાં રહેવું…લાગે કે સાંભળતા નથી પણ કટોકટીના સમયે તે શબ્દો પડઘાય છે, અને તેઓ સમજે છે.
ભણવામાં ફર્સ્ટ ક્લાસ સાથે પાસ થતી વિદ્યાર્થિનીની એ વર્ષે જીવન દિશા બદલાઈ ગઈ. ભણવાના અગત્યના વર્ષ ઈન્ટર સાયન્સમાં, મેં સિતાર શીખવાં જવું, તેમજ અન્ય પ્રવૃત્તિમાં વ્યસ્ત રહેવાનું સાહસ કર્યું. ફર્સ્ટ ક્લાસ તો આવ્યો પણ એક ટકાની ઓછપને કારણે મેડિકલ કોલેજમાં એડમિશન ન મળ્યું. ઘરમાં તો ખાસ પ્રતિભાવ ન હતો. મુનિભાઈ એ સમયે I.I.T. Bombay માં Chemical engineerનું ભણતા હતા. ભાવનગરમાંથી પ્રથમ વિદ્યાર્થીને આવી અવ્વલ દરજ્જાની કોલેજમાં પ્રવેશ મળ્યો હતો…જેમાં ખર્ચ પણ વધારે હતો. આમ, મારા જીવનના જુદા વળાંક પર, B.Sc.ના અભ્યાસ દરમ્યાન, મનભરીને ઈતર પ્રવૃત્તિઓ કરી. સૌથી માનભરી અને યાદગાર હતી તે…Best cadet of Bhavnagar, National Cadet Corps તરીકે પસંદગી. બહુ વર્ષોથી NCC સાથે જોડાયેલી હતી. 1965, જાન્યુઆરીની શરૂઆતમાં, આખા ગુજરાતમાંથી ચૂંટાયેલાં કેડેટ્સ સાથે એક સપ્તાહ અમદાવાદ અને પછી ત્રણ સપ્તાહ દિલ્હીની ઠંડીમાં સખત કવાયત તાલીમ પછી, રાજઘાટ પર છવ્વીસ જાન્યુઆરીની પરેડ, ભારતના વિવિધ પ્રાંતમાંથી આવેલાં સભ્યોનો સહવાસ અને બસમાં આગ્રાની સફર અને તાજમહાલના દર્શન…એ જાદુ ભરી સ્મૃતિઓ મારા મન-ચિત્ત પર અક્ષર બની ગઈ.
બચપણથી બાલક્રીડાંગણમાં અમે છોકરા છોકરીઓ સાથે રમતાં. એ સમયે સહજ-સરળ મિત્રતાના અનુભવને લીધે, કિશોર અવસ્થામાં ચોરીછૂપી સંબંધો બાંધવા કે અયોગ્ય કિશોર માટે આકર્ષણ થવું…એવાં pitfallsથી બચી શકાયું. અનેક પ્રવૃત્તિઓમાં છોકરાઓ સાથેની મુસાફરી, નૃત્ય-ગરબા અને રમત-ગમતમાં સતત સહવાસ…જેમાં પોતાની રક્ષા કરવાની મનમાં ગજબ જાગૃતિ અને હિંમત હતાં.
ઘણા મા-બાપ, ‘છોકરાઓ સાથે નહીં રમવાનું, વગેરે,’ દબાવ થોપતાં હોય છે. પરંતુ મારું માનવું છે કે તંદુરસ્ત સંબંધ માટે સમજ સાથે સ્વતંત્રતા આપવી બહુ જરૂરી છે.
ભાવનગરના કોલેજ કાળમાં બને તેટલો અંગ્રેજી શીખવાનો મારો આત્મ-પ્રયાસ હતો…ગુજરાતીમાં પાઠ ભણાવતા હોય અને હું અંગ્રેજીમાં લખું. ૧૯૬૬માં આગળ અભ્યાસ, M.Sc. કરવા માટે વડોદરા ગઈ ત્યારે તે અભ્યાસ મદદરૂપ નીવડ્યો. પંડિતા ગાર્ગી હોસ્ટેલમાં બે વર્ષ રહી. કંઈક ખાસ કરી બતાવવાની ધગશ અને યુવાનીનાં સ્પંદનોને વેગ મળ્યો. લગ્ન વિષય વાતો આવી. સ્વતંત્ર મનમૌજમાં બે વર્ષ રહેવાનો અનુભવ લઈ પાછી ભાવનગરમાં આવી…Central Government તરફથી સ્કોલરશીપ મળતા, Central Salt & Marine Chemicals Research Institute (CSMCRI), Bhavnagarમાં PhD. શરૂ કર્યું.
————
૨. બાનાં વ્યક્તિત્વનું તેજ
મારા લગ્નની વિચારણા ચાલી એ સાથે માતા ભાગીરથીનાં લગ્ન કઈ રીતે થયા હતા…એ વિષય પર ઉઘાડ થયો. અત્યાર સુધી તો સરયૂની નજરે તેના બા, એક પ્રભાવશાળી વ્યક્તિ હતાં. એમના હાથથી કાગળ, પેન અને પુસ્તકો દૂર ન હોય. વહેલી સવારે ઘણીવાર બત્તી જલે ત્યારે ખબર પડે કે બાને કોઈ કવિતાએ જગાડી દીધાં. બાનો જન્મ ૧૯૧૫માં થય અને એક વર્ષ પછી માતાનું અવસાન થયેલું. ભાગીરથીનાં જીવનમાં લગ્નનો અનુભવ…જ્યારે એક દિવસ ભુવા નામના ગામડાંમાં વૈદ્ય ભાણજી કાનજી દવે, ભાગીરથીનાં પિતાએ કોટડા ગામથી પાછા આવીને કહેલું કે, “મોટાભાઈ નાથાલાલનું સગપણ નર્મદા સાથે અને સાથોસાથ ભાગુનાં લગન, મહેતાના દીકરા હરિશંકર સાથે નક્કી કરતો આવ્યો છું.” તેર વર્ષની ભાગીરથીએ આ સમાચાર પર ખાસ ધ્યાન ન આપ્યું. પણ, લગ્નની તૈયારીઓ થઈ અને ગાડામાં બેસાડી અજાણ્યાને ઘેર મોકલી હતી…એ શિરસ્તો અસહ્ય હતો.
હરિશંકર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ગામડામાં નોકરી કરતા અને ભાગીરથી ઘર સંભાળતાં. ગરીબી અને અપમાનજનક રહેણીકરણીથી ભાગીરથીને અત્યંત સંતાપ થતો. બાલીશ અજ્ઞાનને લીધે, ધૂડી નિશાળમાં ભાગીરથીએ “મારે નિશાળે નથી જઉં” કહ્યું હતું ત્યારે, ‘છોકરીને લખતાં વાંચતાં આવડ્યું એટલે બસ’ એવા સામાજિક વિચારોનાં પ્રોત્સાહન સાથે, ઘરકામ શીખવામાં પળોટાઈ ગયાં હતાં. લગ્નજીવનના પાંચ વર્ષના મનોમંથન અને ભાઈ કવિ નાથાલાલ દવે દ્વારા મળતા પુસ્તકોનાં વાંચનથી એમને સમજાયું કે મારું ભવિષ્ય મારે જ બનાવવાનું છે. એ સમયે સ્વામી વિવેકાનંદના વિચારોનો પ્રભાવ તેમને માટે શક્તિ પ્રેરક બની રહ્યો. દરેક પ્રયત્નોમાં બન્ને કુટુંબોનાં વિરોધનો સામનો કરતી, અઢાર વર્ષની ઉંમરની ભાગીરથીએ, ભાવનગરમાં રહીને ભણવાનો નિશ્ચય કર્યો. પ્રવેશ પરીક્ષા માટે એક નિબંધ લખવાનો હતો. પરિણામે એમને દસમાં ધોરણમાં દાખલ કર્યાં. હાઈસ્કૂલમાંથી ઉત્તીર્ણ થયાં પછી, પાંચ વિદ્યાર્થીની સાથે શરૂ થતા, કર્વે કોલેજના વર્ગમાં ભણવાનું ચાલુ રાખ્યું. શેરીમાંથી નીકળી ક્લાસમાં જતા હોય ત્યારે ઓટલે બેઠેલી બહેનો સંભળાવે, “એવો જમાનો આવશે કે ધન કમાશે બાયડી ને ઘરકામ કરશે ભાયડા.” એ જ બહેનોને લાચાર પરિસ્થિતિમાં ભાગીરથીની મદદ લેવા જઉં પડતું. ગાંધીયુગની અસર તળે જ્યારે ભાગીરથીએ કહ્યું કે, “મારા માટે રંગબેરંગી મીલના કપડાં ન લાવશો.” ત્યારે એમના પિતાશ્રીની અસંમતિઓમાં એક વધારે કારણનો ઉમેરો થયો.
ભાગીરથીને ભાવનગરમાં પિયરમાં રહીને ભણવાનું, પણ રજા પડતાં કોટડામાં લાજ કાઢી, સામાન્ય વહુવારૂઓ સાથે હળીમળી રહેવાનું બનતું. જુનીઅર બી.એ. ની પરીક્ષા પછી પંદર દિવસમાં મુનિભાઈનો જન્મ થયો. માજીરાજ કન્યાશાળામાં નોકરી તરત શરૂ કરી દીધી. પતિ હરિશંકરની બદલી ગામડેથી ભાવનગરની પ્રાથમિક શાળામાં એ અરસામાં થઈ શકી હતી. ચાર વર્ષના મુનિ અને નવજાત સરયૂને ઉછેરતાં, શાળા અને ઘરકામની ઘટમાળ શરૂ થઈ. એ સમયમાં ભણેલી બહેનોને જરૂરિયાતોને કારણે ખેંચાઈ-ખેંચાઈને નોકરી કરવી પડતી, પણ ઘરની જવાબદારીમાં જરા પણ હળવાશ મળતી નહોતી, …આવું મેં અમારાં જેવા ઘણાં મધ્યમ વર્ગના પરિવારોમાં જોયેલું.
બાએ તેર વર્ષની ઉંમરથી શરૂ કરેલ લાજ કાઢવાની પ્રથા સામે વિરોધ કર્યો. લગભગ ત્રીસની ઉંમરે તેમણે હિંમતથી, તેમના જેઠને માનપૂર્વક કહ્યું, “મોટાભાઈ, હવેથી હું લાજ નહીં કાઢું, પરંતુ તમારા માટેના સન્માનમાં જરા પણ કસર નહીં છોડું.” આખા પરિવારમાં આશ્ચર્ય અને અણગમો ફેલાઈ ગયાં. તેમની પ્રતિભાની અસાધારણ અસર અનેક બહેનો અને ખીલતી કળી સમી વિદ્યાર્થીનીઓ પર જોવા મળી હતી. ભુવા અને કોટડા બન્ને ગામમાંથી પ્રથમ કોલેજ ગ્રેજ્યુએટ નારીનું માન તો વધી ગયું, પરંતુ સમાજમાં અને ઘરમાં સ્ત્રીનું સ્થાન નિયત છે, એ જ રહ્યું. ઘણી અવગણના વચ્ચે પણ બાનું રક્ષા કવચ બાળકોને છાવરી રહ્યું અને અસામાન્ય પુત્ર, પદ્મશ્રી મુનિભાઈ અને સરયૂ જેવા સફળ અને સાલસ બાળકો ઉછેર્યાં.
મુનિભાઈના લગ્ન, શિશુવિહારના સ્થાપક, શ્રી માનશંકરભાઈ ભટ્ટની પુત્રી ઈલા સાથે થઈ ગયા. પરંતુ જ્યારે સરયૂએ વણિક કુટુંબના દિલીપ સાથે લગ્ન કરવાની ઈચ્છા જાહેર કરી ત્યારે પતિના સખ્ત વિરોધ છતાંયે બાએ સાથ આપ્યો. તેમનું માનવું હતું કે જાતિધર્મ કરતાં ઘણો ઊંચો માનવ ધર્મ છે. પાત્રની યોગ્યતા પ્રથમ જોવાની અને ત્યાર બાદ નાતજાત.
ભાગીરથી મહેતાનાં અધ્યાત્મ ગુરુ, પૂજ્ય વિમલાતાઈએ “જાહન્વી” તખલ્લુસ આપ્યું. અનેક બહેનોમાં સાહિત્યપ્રેમ અંકુરિત કરે છે તે “જાહ્નવી સ્મૃતિ” કવયિત્રી સંમેલન, શિશુવિહાર સંસ્થા, ભાવનગરમાં દર વર્ષે યોજાય છે. બાને યાદ કરતાં કલારસિકોને જોઉં છું ત્યારે એ દિવસો યાદ આવે છે… જ્યારે કવિતાની રજુઆત માટે, સફેદ ખાદીની સાડી પહેરેલ, જાજરમાન બહેન ભાગીરથી, બધી હિંમત ભેગી કરીને બોલવા ઊભાં થતાં. મારા બા, ભાગીરથી મહેતાનું ‘સ્ત્રી સંત રત્નો’ પુસ્તકની માંગણી વધતા અમે ત્રીજી આવૃત્તિ પ્રકાશિત કરી છે.
૧૯૯૩માં, રાતના ચાર વાગે અવાક્ બાનો અશક્ત હાથ પકડી હું બેઠી હતી ત્યારે તેમણે પ્રયત્નપૂર્વક…
હળવેથી હાથ મારો હોઠે લગાડતી, મીઠી ચૂમીમાં મર્મજ્ઞતા;
આવકાર, આભાર, ગદગદ એ વ્હાલથી, કહી દીધું સર્વ હાથ ચૂમતા.
અરવા આ બંધનને અશ્રુની અંજલી, સ્મરણો અસ્તિત્વને હસાવતા,
છલછલ રે છલકે મમ જીવન સરોવર, મા મધુબિંદુ રહ્યાં સિંચતા.
———–
૩. આંતરજ્ઞાતિય લગ્ન ૧૯૬૯
સરયૂ અને દિલીપની મુલાકાત કરાવવાની વિચારણા થવા લાગી. ભલે અમે ક્યારેય મળ્યાં ન હતા પણ એકબીજાનાં પરિવારનો પરિચય હતો. દિલીપના પપ્પા, કવિ કૃષ્ણકાંત પરીખ સરકારી વકીલ હતા. નોકરીને કારણે પાટણ છોડી જામનગર અને પછી દસેક વર્ષ ભાવનગરમાં રહેલા. એ સમયે દિલીપથી નાના ભાઈ અને મુનિભાઈ હાઈસ્કૂલમાં મિત્રો હતા. પરીખ કુટુંબમાં પાંચ ભાઈઓ અને એક બહેન, બધા ભણવામાં આગલી હરોળમાં હતા. કવિ સંમેલનોમાં દિલીપના પપ્પાનો પરિચય મારા બા અને મામા સાથે થયેલો. મજાની વાત એ હતી કે દિલીપના પપ્પા કેવા વ્યક્તિ છે તે વિષે મારા બા એક વકીલમિત્રને પૂછવા ગયાં. તે સજ્જન કહે, “કૃષ્ણકાંત બહુ સારા વ્યક્તિ છે પણ, વકીલાતમાં બહુ કમાયા નથી.” મારા બા કહે, “હું તો એ મુદ્દાને જમા ખાતામાં મૂકું.”
પપ્પા હાઈકોર્ટમાં વકીલાત માટે પરિવાર સાથે અમદાવાદ જઈને વસ્યાં. દિલીપ મેટ્રિક પછી વડોદરા ભણવા ગયા હતા. દિલીપ M.Sc. Physics, ભૌતિક વિજ્ઞાન વિષયમાં distinction સાથે ગોલ્ડ મેડલિસ્ટ થયા પછી, સ્કોલરશીપ મેળવી University of Maryland અમેરિકામાં ૧૯૬૫ની સાલમાં આવ્યા હતા. અમેરિકામાં કોઈ સગા-સંબંધી ન હતાં અને મિત્રને લખેલા પત્ર પર આધાર રાખી અનેક આશંકાઓ સાથે JFK Airport પર આવ્યા. સદભાગ્યે, વડોદરાના મિત્રો, સત્યેન-Sam પિત્રોડા અને ભૂપેન ત્રિવેદીને છેક શિકાગોથી ન્યૂયોર્કના એરપોર્ટ પર આવેલા જોઈ દિલીપને આનંદ થયો હતો. લેવા આવનાર પાસે કાર નહોતી તેથી સામાન સાથે બસમાં સવારી કરી કોઈ મિત્રના એપાર્ટમેન્ટમાં ગોઠવાયા.
એ સમયે ઘણા દેશીઓની જેમ, એક મોટી કાર…તેમાં ‘એક કાર અને ઘણા સવાર’ એ રીતે નાયગ્રા ફોલ જોવા ગયા. ન્યૂયોર્કથી મેરિલેન્ડ બસમાં જતા દિલીપને ફફડાટ હતો કે કોલેજ સ્ટેશન પસાર ન થઈ જાય. તેથી કંડક્ટરને વારે વારે સંકોચ સાથે પૂછી લેતા. સાંજના પાંચ વાગે પહોંચી, મોટી બેગ અને સામાન સાથે બને તેટલી ઝડપથી કેમ્પસની ઓફીસમાં ગયા અને ત્યાં સામાન મૂકી એક સેક્રેટરીની સાથે orientation meetingમાં ગયા. પાછા ફર્યા ત્યારે ઓફિસ પર તાળા લાગી ગયા હતા. શુક્રવારની સાંજ, તેથી દિલીપ ગભરાયા કે ‘સામાન વગર બે દિવસ શું કરીશ!’ પણ સેક્રેટરીએ પહેરગીરની ભાળ કાઢી, તેણે આવીને ઓફિસ ખોલી આપી અને દિલીપને સામાન મળી ગયો. દિલીપની ત્રેવીસ વર્ષની ઉંમર, પહેલી વાર ગુજરાતની બહાર નીકળી અમેરિકાની અજબ-ગજબ દુનિયામાં અજાણ સાથે રહેવાનું, ભણવાનું અને Teaching Assistantship મળી હતી તેથી ભણાવવાનું પણ ખરું. હિમવર્ષાનો પ્રથમ અનુભવ અને તેમાં બધે ચાલતા જવાનું. પોતાની કાર લેતા તો વર્ષો નીકળી ગયાં. આવી બધી અગવડતા વચ્ચે, ભારતમાં સ્વજનો સાથેનો પત્રવ્યવહાર જીવનદોર બની રહેતો.
પહેલી નોકરી ન્યૂજર્સીમાં મળી. મિત્રની કારમાં સામાન ભરી, વૈજ્ઞાનિક Albert Einsteinના સુંદર ગામ, પ્રિન્સટનમાં આવી ગયા. દિલીપ જ્યાં પણ રહ્યા, કલાકાર જીવ… હંમેશા મ્યુઝિયમ અને હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત વગેરેમાં સક્રિય રહેતા. પહેલી કાર Volkswagen -Bug જર્મન-કાર, અલબત્ત, એક જર્મન મિત્રના માર્ગદર્શન નીચે લીધી. standard shift car– ચલાવતાં શીખવામાં ઉપાધી ઘણી…અને વર્ષો પછી મને અને નાના ભાઈને પણ એ કાર ચલાવતાં શીખવવાનો, ગીયર બદલવામાં થતાં ગોટાળાનો અનુભવ, યાદ રહી જાય તેવો હતો. Automatic transmission car આવતા ઘણી સરળતા થઈ ગઈ.
અમેરિકામાં દિલીપ ચાર વર્ષ રહ્યા બાદ ભારતની મુલાકાત માટે આવતા હતા. દિલીપ માટે ત્રણ ચાર કન્યાઓ જોઈ રાખી હતી તેમાં સરયૂનું પણ નામ હતું. એ સમયે ભાવનગરમાં મને PhD.ના અભ્યાસમાં એકાદ વર્ષ થયું હતું. દિલીપના નાનાભાઈ અને મુનિભાઈ વચ્ચે પત્રોની આપ-લે થઈ અને દિલીપ સાથે લગ્નની શક્યતાઓની વાતો શરૂ થઈ. ત્રણેક મહિના પહેલાં હું થોડા કલાકો માટે અમદાવાદમાં દિલીપના માતા-પિતા(પપ્પા-અમ્મી), બહેન અને સૌથી નાના ભાઈને મળી હતી પણ તેમનું ઘર નહોતું જોયું. ભલે છોટી સી મુલાકાત હતી પણ એકબીજા માટે આદરભાવની લાગણી સ્પષ્ટ હતી. વડોદરામાં કોઈનાં ઉછીનાં કેમેરાથી લીધેલા મારા બે ફોટા દિલીપને મોકલવામાં આવ્યાં…અને મુલાકાત માટે ભાવનગર આવવાની ગોઠવણ થવા માંડી. મને કોલેજકાળમાં ભણવામાં, નૃત્ય-સંગીતમાં તેમજ રમત-ગમતમાં ધ્યાન ખેંચે તેવી સફળતા મળેલી. જ્યારે એક વડોદરામાં ભણતા મિત્રને સરયૂના વિષે દિલીપે અભિપ્રાય પૂછેલો… મિત્રનો જવાબ હતો, “બધાંમાં અલગ તરી આવે તેવી છે.”
એ અરસામાં કોઈ મહેમાન હોટેલમાં રહે એ વિચિત્ર લાગતું. સદભાગ્યે, નજીકમાં નવી હોટેલ/રેસ્ટોરન્ટ એક નાગર બહેને શરૂ કરી હતી, ત્યાં દિલીપને રહેવાની સગવડ થઈ ગઈ. દિલીપ સાથે બે દિવસનો સમય ઘણો સહજ અને સરળ હતો. જેમકે સવાલ હોય કે, “સરયૂ તમને કયા શોખ છે?” “મને ગાવાનો શોખ છે.” હવે આવો જવાબ કોણ આપે? હું વિશેષ તૈયાર થઈને ફરવા નહોતી ગઈ, તેથી ઘણી વખત સાંભળવામાં આવ્યું કે, ‘તું કેટલી સાદી સાડી પહેરીને આવી હતી!’ પણ, પોતાનો વધુ પડતો આગ્રહ છે તેવું બતાવવા નહોતી માંગતી. આપણા દરેક આચાર પાછળ માનસિક વિચાર-સંદેશનો સંચાર હોય છે. બીજે દિવસે, દિલીપને ગાંધી સ્મૃતિમાં ચિત્રોનો વિભાગ ખાસ બતાવવા લઈ ગઈ. એક વિચાર, ‘મને આ વ્યક્તિની બાજુમાં ચાલવું ગમે છે” એ હકારાત્મક લાગણી સ્પષ્ટ યાદ છે. દિલીપ એક બાબતમાં ચોક્કસ હતા કે પોતાની જીવન સંગિનીને શાસ્ત્રીય સંગીતમાં રસ હોવો જોઈએ. ઘર તરફ જતાં, મારી ખાનગી વાતો જાણતી સખી પ્રફુલાના ઘર પાસે અમે અટક્યાં…અને એ તો બધું નક્કી જ હોય તેમ અમને વધાવતી ચાલી. ઘરે ગયાં ત્યારે પિતાજીને દિલીપ પહેલી વખત મળ્યા અને મુનિભાઈના મિત્રના મોટાભાઈ તરીકે સામાન્ય વાતચીત કરી અમદાવાદ પાછા ગયા.
બીજે દિવસે સવારમાં જ પિતાજી બેઠા હતા ત્યાં જઈને બાએ વાત શરૂ કરી. “સરયૂને દિલીપ સાથે લગ્નની વાત થઈ છે.” તેમને આ વાતના એંધાણ તો આવી જ ગયા હતા. “વાણિયા છે ને? તને બ્રાહ્મણનો અવતાર મળ્યો છે…વગેરે” પિતાજીએ તેમનો અભિપ્રાય સખત શબ્દોમાં જણાવ્યો. આગળનાં દિવસોમાં વિરોધ વધતો ગયો. એક સાંજે દિલીપના ભાઈ આવેલા અને તેમણે દિલીપના સદગુણો બતાવતી અમ્મીની લખેલી ચિઠ્ઠી બાને આપી…એ પિતાજીએ પણ વાંચી અને ત્યારે નાનાભાઈની સામે જ પિતાનો પ્રકોપ જાહેર થઈ ગયો. તેથી દિલીપના પરિવારમાં ‘અમારા મિલાપની શક્યતા નથી’…એ જાણ થઈ ગઈ. દિલીપને બીજી કન્યાઓ સાથે મન નહોતું માનતું, તેથી તેણે કહી દીધેલું કે હું લગ્ન કર્યા વગર પાછો જઈશ પણ પસંદગીમાં બાંધછોડ નહીં કરું. આ તરફ મને અમેરિકા વિશે બે ચાર મોટા શહેરોનાં નામ સિવાય બીજી કોઈ જાણકારી નહોતી. એ સમયે telephone or television અમારાં ઘરમાં ન હતાં. એક નાના radioમાં ફિલ્મ સંગીત સાંભળવાનો આહ્લાદક આનંદ મળતો હતો. ભલે બાને દિલીપે કહેલું કે, ‘ત્રણ વર્ષમાં ભારત પાછા ફરશું,’ તો પણ, બા દીકરીને એટલી દૂર મોકલવાનાં વિચારથી ગભરાતાં હતા. દિલીપ અને તેના કુટુંબનો અછડતો પરિચય…વગેરે વિચારો અમને ઘેરી વળ્યા…ખબર નથી અમેરિકામાં દિલીપ કઈ રીતે રહેતા હશે! એ સંજોગોમાં ‘પિતાને નારાજ કરી મારે લગ્ન નથી કરવા’ એવો નિર્ણય કરીને અમે ના જણાવતો પત્ર લખી દીધો.
…પરંતુ સરયૂના એક શબ્દને કારણે આખી પરિસ્થિતિ પલટાઈ…”મારું inclination નહોતું.” આ વાક્ય વાંચીને દિલીપના logical, તર્કશુદ્ધ મગજના પ્રશ્ન સાથે વળતો જવાબ આવ્યો, “તમે કહેલું કે મારા તરફથી હા છે અને તમારી બેનપણી પણ એ જતાવતી હતી. ‘મારા તરફ અનુરાગ નહોતો’ એ હું માનતો નથી. મને સમજાય છે કે તમે પિતાને નારાજ કરવા નથી માંગતા.” એ વિષય પર આગળ ‘સમાજ શું કહેશે!’ બાબત બીજો પત્ર પણ આવ્યો. એવામાં હું એક લગ્ન પ્રસંગે અમારા સગામાં ઘેરાયેલી હતી. આસપાસ નજર કરતાં વિચાર્યું કે ‘હું દુઃખમાં હોઈશ તો આમાંથી કોઈ મદદ કરવા નહીં આવે.’ ચહેરા પર “સીનેમે સુલગતે હૈ અરમાન, આંખોમે ઉદાસી છાઈ હૈ…”નો ભાવ જોઈ મામાએ પૂછ્યું, “તારે દિલીપ સાથે લગ્ન કરવા છે?” અને મેં ‘હા’ કહી દીધી. પછીથી સંદેશાની આપ-લે કરવા ટેલિફોનની ઘણી અગવડો થઈ, પણ સપ્તાહનાં અંતે, દિલીપ સાથે બે ભાઈઓ અને એક બહેન ભાવનગર આવ્યાં. મારા સસરા-પપ્પાના સૂચન સાથે અમે આર્યસમાજની વિધિથી લગ્ન કર્યા, ત્યારબાદ પિતાજીને જણાવ્યું. નરમ દિલ પિતા થોડા દિવસ નારાજ રહ્યા પણ મને સુખી જોઈ યથાવત થઈ ગયા.
આમ એક વાક્ય, ”મારું inclination નહોતું” અને સગા સાથેનાં એક દિવસના સહવાસ પછીના અંતર ઉજાસે…મારું જીવન વહેણ બદલી નાખ્યું.
——–
૪. અમેરિકામાં આગમન…
લગ્ન પછી, અમદાવાદના પાંચ ઓરડાનાં ઘરમાં નવા પરિવારના અગ્યાર સભ્યોની સાથે, મે-જૂનની ગરમીમાં રહેવાનો ‘લ્હાવો’ મળ્યો. એ અનુભવને લ્હાવો માનીને મેં આવકાર્યો હતો. હનીમૂન પર જવાની વાત નીકળતા મેં ના ભણી હતી. પરંતુ સાથે મુસાફરી કરવાની તક અનાયાસ મળી હતી. દિલીપે આવતા પહેલાં ન્યૂયોર્કથી મોટું shipment રવાના કર્યું હતું તેને લેવા અમદાવાદથી મુંબઈ ગયાં હતાં. ઘરમાં આવેલી અનેક સુંદર વસ્તુઓથી ખુશ થઈ દિલીપને વિંટળાતા કુટુંબને જોવાનો મને અનેરો આનંદ હતો. આપણા ભારતીય સમાજમાં સાસરે જતી કન્યાને, ‘પતિના પરિવારને પોતાનો માનવો’ એ સલાહ-સમજ અનન્ય હોય છે. એ સમયે મને એક વાર્તાલાપ યાદ આવતો. સોળ વર્ષની સરયૂને તેનાં મામીએ પૂછ્યું, “મોટી થઈને તું શું કરીશ?” ભોળી કિશોરીનો જવાબ હતો, “હું સુખી થઈશ…અને સુખી કરીશ.” એ વાક્યને યથાર્થ કરવાનો સમય આવી ગયો હતો. સ્વભાવ અને લાગણીનાં ઉતાર ચઢાવનાં અવરોધો આવે, પણ ઊંડે અંતરમાં સ્નેહનું ઝરણું સતત વહેતું હોય ત્યાં સંબંધ તૂટતા નથી…અને બાકીના…શુષ્ક થઈ ઓસરી જાય છે.
ક્યાંનો પરિચય, શું છે સગા, પ્રશ્નો પૂછ્યાનો કોઈ અર્થ નહીં.
સ્નેહ તાર સંગતમાં ઝણઝણે, કોણ એ વગાડે કોઈ શર્ત નહીં.
ત્રણ મહિનામાં મને અમેરિકા આવવા માટે Green Card પરવાનગી મળી ગઈ. પહેલી વખત એરોપ્લેનમાં મુસાફરી!!! મેં ભારતમાં એકલા મુસાફરી ઘણી કરેલી તેથી આ નવા રોમાંચક અનુભવ માટે ઉત્સાહિત હતી. એ સમયે માતા-પિતા અને ભાઈ-ભાભી ભાવનગરના ઘર ‘ગંગોત્રી’માં સાથે હતાં…તેથી છોડીને આવવાના દુઃખ કરતા દિલીપ પાસે જવાનું આકર્ષણ જોરદાર હતું. ઉડાન દરમ્યાન હસવાની વાત એ હતી કે Air Franceમાં જાહેર સૂચનાઓ એકેય ભાષામાં સમજાતી નહોતી, તેથી દેશી લોકો એકબીજાને જોઈ લેતા અને અનુસરતા. ન્યૂયોર્કના વિશાળ એરપોર્ટ પર, સિલ્કની લીલા રંગની સાડીમાં, ત્રેવીસ વર્ષની સુંદર સરયૂને જોઈને દિલીપને એની છબી દોરવાની ઉત્તેજના થઈ. સાથે દિયર સંજયભાઈ હતા, જે બે મહીના પહેલાં વિદ્યાર્થી તરીકે ભારતથી આવી ગયા હતા. દિલીપની વોક્સવેગન-બગમાં કલાકની સફર કરી, Princeton, NJના મજાના એક-બેડરુમવાળા એપાર્ટમેન્ટમાં પહોચ્યાં.
ઓક્ટોબરની ગુલાબી ઠંડીમાં સર્વ અજબ-ગજબ અને આનંદમય લાગતું હતું. એક મોટા બોક્સ જેવું ટેલિવિઝન હતું. અહા! black/white કેટલું સરસ દેખાય છે! અમારા એક સમજદાર મિત્ર તેની ભલી પત્નીને કહેતા, ‘color ટેલિવિઝન તો ધાબા ધાબા જેવું દેખાય. આ જ સરસ.’ નિત્યક્રમ શરૂ થયો. વહેલા ઊઠી દિયરનું લંચ તૈયાર કરું, અને દિલીપ તેમને ન્યૂયોર્ક જતી બસ પર મૂકીને પોતે નોકરી પર જાય. હું ઘરે એકલી. થોડા દિવસોમાં એક નવી ઓળખાણ થતાં, તેમણે અંગ્રેજી સુધારવા soap opera જોવાનું માર્ગદર્શન આપ્યું. રજાના દિવસે થેલીઓ લીધા વગર સ્ટોરમાં ખરીદી કરવા દિલીપ કારમાં લઈ ગયા. વાહ! જે જોઈએ તે જાતે ઉપાડી લેવાનું! ‘આટલું જોખી આપો’ એવી રાહ નહીં જોવાની. દિલીપ કહે, ‘pancake સરસ લાગે. બોક્સ પર લખેલી રીત પ્રમાણે બનાવજે.’ રવિવાર સવારે વહેલા ઊઠી ઉમંગથી તૈયારી કરી. અમે ઈંડા સિવાય શાકાહારી. સૂચના પ્રમાણે કર્યું, પણ છેલ્લા પગથિયે ગરમ પાનમાં બધું ખીરું રેડી દીધું. આમ પેનકેક ને બદલે ઢીલી પોચી કેક બની ગઈ.
મારાં જેઠ કિરીટભાઈ, Boston, Massachusettsમાં M.S. કરતા હતા. તેઓ પ્રિન્સટન આવ્યા…તેમની સાથે પહેલી મુલાકાત, પહેલી ક્રિસમસ, બરફના ઢગલા…તેમાં ખુલ્લામાં પાર્ક કરેલી કાર પર બરફ ખસેડવાની ક્રિયા કરતાં પડવા-આખડવાનું, અને ક્યારેક ચાલુ થતા…ડચકા ખાતી કારની સેવા અમે બધાં મળીને કરતાં રહેતાં. બે વર્ષ પછી થયેલો અનુભવ યાદ કરું… નોકરી પર કાર-ડ્રાઇવ કરવાનો મારો વારો હતો. આખા દિવસની બરફવર્ષાથી વોક્સવેગન-બગ સફેદ ગુફા જેવી હતી તેમાં બે બહેનપણીઓ ગોઠવાઈ ગઈ. મેં તો થોડો કાચ સાફ કરી ડ્રાઈવ કરવાનું શરૂ કર્યું. રસ્તો પણ સરખો દેખાતો નો’તો. પછી તો…બિનઅનુભવી ડ્રાઈવરને બરાબરની બીક લાગી. બરફમાં સીધી ચાલતી કાર ક્યારે બીજી દિશામાં ફરી જશે તે ખબર ન પડે. એવામાં સલામત રહ્યાં તે દૈવી કૃપા!! એ અરસામાં, હિંદી ગીતોની જગ્યાએ “I never promised you a rose garden…” “I never going to be in love with anyone but you…” જેવાં ગીતોએ સ્થાન લીધું. ન્યૂજર્સીમાં હિંદી મુવી જ્યાં બતાવે ત્યાં…વરસાદ હોય કે બરફ, મારા આગ્રહને લીધે જોવા જવાનું જોખમ ખેડ્યું હતું.
મારી એક એ અણસમજ હતી કે, ‘બહુ વર્ષો ભણી. હવે કોલેજમાં વધારે નથી ભણવું.’ તેથી ‘કમ્પ્યુટર’નો ચાર મહિનાનો કોર્સ કરવાનું નક્કી કર્યું. એ સમયે એન્જિનિયરનો પગાર લગભગ હજાર ડોલરનો હતો. તો પણ, મારાં કમ્પ્યુટરના અભ્યાસ માટે $૧૬૦૦ ડોલર ખર્ચવા યોગ્ય લાગ્યા. હાથમાં પ્રમાણપત્ર આવ્યું, પણ, ‘No experience, No job’ વમળમાં અટવાતી રહી. સમય પછી લાગ્યું કે, આ દેશમાં આવીને સરખો અભ્યાસ કરીને યોગ્ય degree લેવી જરૂરી છે…shortcut નહીં. એ સમયે ભારતના સામાન્ય પરિવારમાંથી આવતાં વિદ્યાર્થીઓની જેમ, અમેરિકામાં કમાઈને દેશમાં પૈસા મોકલવાની જવાબદારીઓ અને નૈતિક ફરજની લાગણી સતત રહેતી. પોતે કમાઈ ને પોતાના માટે જ વાપરવું, તેવું અંતર-અવાજ કરવા જ ન દે.
૧૯૭૦ પછીના થોડા વર્ષો…જ્યારે એન્જિનિઅરોને મોટી સંખ્યામાં નોકરીમાંથી (lay-off) છૂટા કરતા, તેમાં દિલીપનો પણ વારો આવી ગયો. ચિંતાજનક પરિસ્થિતિ હતી, એ કાળમાં સરયૂ-દિલીપને એક બીજામાં ધીરજ અને સ્થિરતાનો પરિચય થયો. જે કામ મળે તે કરવાનું મેં નક્કી કરી, ઈલેક્ટ્રિક સોકેટ બનાવવાનું કામ કલાકના $૧.૬૦ના દરથી, દિલીપની અનિચ્છા છતાં સ્વીકાર્યું. પહેલે દિવસે મશીન પર બેસી અભણ લાગતી બહેનો પાસે કામ શીખી. ઘરે જવાનાં સમયે મને હાથમાં સાવરણો પકડાવી મશીન આસપાસની જગ્યા સાફ કરવાનું કહ્યું…ત્યારે, દેશમાં પ્રવૃત્તિઓમાં પહેલી હરોળમાં રહેનાર અને PhD. કરતી સરયૂની ધીરજનો અંત આવી ગયો. બહાર આવી, કારમાં રાહ જોતા દિલીપ પાસે અનાયાસ રડી પડી!!! દિલીપ કરુણ ભાવથી તેને સાંત્વના આપતા કહે, “બસ, કાલથી આ નોકરી બંધ.” પણ, નવો દિવસ અને નવો વિશ્વાસ…આઠેક મહિના ત્યાં, પછી ઓફીસમાં કલાકના ૨ ડોલરમાં કામ કર્યું. દિલીપ પણ નોકરી કરતા હતા અને એન્જિનિયરની નોકરી શોધતા હતા. આવા સમયમાં અન્યોન્યનો સાચો પરિચય થાય છે. પણ હજી વધુ કસોટી તો આવી રહી હતી.
૧૯૭૧માં દિયર ભારત જઈ લગ્ન કરી આવ્યા અને અમે પ્રિન્સટનના બે-બેડરૂમનાં એપાર્ટમેન્ટમાં ચાર ગોઠવાયાં. એ દિવસ યાદ છે જ્યારે મને ખાંસી આવતી હોવાથી તપાસ કરાવવા ગયા. નસીબ સારા કે ડો.ટેઈટ મળ્યા, જે ચેપી રોગોના નિષ્ણાત હતા. ‘ટેસ્ટના પરિણામ જણાવશું’ એ સાંભળી અમે બહાર નીકળ્યાં. સાંજનો સમય, દિલીપ મુનિભાઈને, જેમને રોટરી ક્લબ તરફથી ચાર મહિના માટે Exchange Programમાં અમેરિકા આવવાની તક મળી હતી, એરપોર્ટથી લઈને આવ્યા હતા. ત્યાં ફોનની ઘંટડી વાગી અને “સરયૂ, તમને tuberculosis છે.” તેમ કહ્યું. મેં આંસુનાં પડદા પાછળથી જોયું તો મારી સામે દિલીપ, મુનિભાઈ ચિંતા ભરી નજરે જોઈ રહ્યા હતા. તરત હોસ્પિટલમાં, quarantine, એકાંત રૂમમાં દાખલ કરવામાં આવી, જ્યાં અંદર આવનારની આંખો જ દેખાય. એકલતા કેવી હોય તેનો અનુભવ થયો. ચિંતા કરતાં સ્વજનોને માટે શાતા આપતી એક સારી વાત બની. બીજે દિવસે જ એક ભાવનગરના મિત્ર, ડો.ભટ્ટી મળવા આવ્યા અને તેમણે ટીબીના બિહામણા સ્વરૂપને મઠારીને સમજાવ્યું. તેથી મુનિભાઈ થોડી ઓછી ચિંતા સાથે ભારત પરત ગયા, અને દિલીપમાં હિંમત આવી. હંમેશા સંતુલિત રહેનાર સરયૂને એ સમયે, ‘દિલીપનું લંચબોક્સ બરાબર તૈયાર નહીં થતું હોય’ એવા નાના વિચારથી પણ આંસુ ઉભરાતાં. પચ્ચીસ વર્ષની આયુમાં પહેલી વખત પરદેશની હોસ્પિટલમાં પંદર દિવસ રહ્યા પછી, ભવિષ્ય કેવું રહેશે તેની શંકા સાથે હું ઘરે પાછી આવી. આ અનુભવ દરમિયાન, દિલીપમાં મને વિશ્વાસની અનુભૂતિ થઈ. એકબીજામાં શ્રધ્ધાનો ભાવ સ્થિત રહેવા માટે દ્વિપક્ષી પરિપક્વતા જરૂરી છે.
નવી કાર, વાદળી રંગની ‘ડસ્ટર’, એકાદ વર્ષ પહેલા દિલીપે ખરીદેલી તે લઈને સંજયભાઈ અને તેમના પત્ની નોકરી પર જતાં હતાં…અને સખત અકસ્માત થયો. બંને ઘાયલ થયાં પણ સદભાગ્યે બચી ગયાં. કારના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. તેઓની સંભાળ લીધા પછી દિવાળી વખતે અમે ભારત ગયા.
ત્રણ વર્ષ પછી ભારત ગયા તો ખરા, પણ મળવા માટે. ભારતમાં Microelectronicsમાં નોકરી મળવાની શક્યતા ઓછી અને બાળકો થયા પછી, ત્યાંની શાળાઓની શિક્ષણ પદ્ધતિની અવ્યવસ્થાએ અમને હંમેશને માટે દેશમાં પાછા ફરતાં રોક્યા હતાં. જે મિત્રો ભારત જઈને રહ્યાં…તેમના કિશોર સંતાનોને અમેરિકા ભણવા આવવાની મુશ્કેલી લાગતાં, માબાપ પર નારાજ થતાં જોયા હતા.
————–
૫. કેલિફોર્નિયા તરફ પ્રયાણ…
૧૯૭૩માં અમે ચારે જણા ન્યૂજર્સીમાં કામચલાઉ નોકરી કરતાં હતાં. દિલીપે પોતાના અભ્યાસ અને અનુભવને યોગ્ય નોકરી શોધવાનો નિશ્ચય કરી, કામચલાઉ નોકરી છોડી દીધી. એ પછી, એક પછી એક કદમ અજાણ અને અનિશ્ચિત પથ પર મૂકવાનું સાહસ કર્યું…એકાદ આશાસ્પદ નોકરીની શક્યતાના આધારે પ્રિન્સટનથી, ત્રણ હજાર માઈલ દૂર કેલિફોર્નિયા દિલીપે એકલા ડ્રાઈવ કરીને જવાની વિચારણા કરી. જુલાઈ મહિનામાં, એરકન્ડિશન વગરની કારમાં સામાન ભરી દિલીપે સફર શરૂ કરી. અણધારી મુશ્કેલીઓ આવી તેનું દિલીપની સમય સૂચકતાથી નિરાકરણ થઈ ગયું. તેને Texas Instrumentમાં નોકરી મળી, પણ તેની યોગ્યતા અનુસાર નહોતી, તેથી હિંમત કરી ના પાડી અને આગળ અજાણ ભવિષ્ય તરફ મુસાફરી ચાલુ રાખી. પ્રયત્ન કરનારને નસીબ યારી આપે તેમ… દિલીપે પસાર થતાં, Anaheim, Californiaમાં Rockwell International કંપનીનું નામ વાંચ્યું. વાગ્યું તો તીર, નહીં તો થોથું…એ વિચાર સાથે બીજે દિવસે ગયા. ‘સરકારી કામ, તેથી અમેરિકન નાગરિકને જ નોકરી મળે,’ કહેતી પહેલી ‘ના’ મળી, પણ સાથે સૂચના મળી…બાજુના Divisionમાં પ્રયત્ન કરો. ત્યાં બીજી ના…“લંચ સમય છે તેથી કોઈ નહીં મળે, પણ આ ફોર્મ ભરીને ટપાલમાં મોકલજો.”
દિલીપે કહ્યું કે, “હું ન્યૂજર્સીથી આવ્યો છું. અહીં બેસીને જ ફોર્મ ભરી દઉં.” કોણ જાણે ગાર્ડને શું વિચાર આવ્યો અને તે અંદર ગયો. વળતા એક મેનેજર સાથે બહાર આવ્યો. દિલીપના પ્રમાણપત્રોથી મેનેજર ઘણા પ્રભાવિત થયા અને કહ્યું કે, “અહીંથી તમને નોકરી આપ્યા વગર નહીં જવા દઉં.”
જેને માટે આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તે શુભ સમાચાર દિલીપે અમને પ્રિન્સટનમાં આપ્યા, “Microelectronics Physicist/Engineer” તરીકે નોકરી મળી ગઈ છે… અને સામે મેં પણ શુભ સમાચાર આપ્યા કે અમે માતા-પિતા બનવાના છીએ. જેમ નસીબ આગળથી પાંદડું ખસે અને વાર્તા બદલાય તેમ અમારા જીવનમાં યોગ્યતા પ્રમાણે ઉત્કર્ષની હારમાળા શરૂ થઈ.
ન્યૂજર્સીમાં ચાર વર્ષોમાં જ્યાં રહ્યાં ત્યાં હંમેશા સારી, સુઘડ જગ્યાઓમાં રહ્યાં હતાં. પણ, ૧૯૭૪ના એ સપ્તાહમાં… દીકરી સંગીતાનો જન્મ, અને Disneyland નજીક નવા ઘરની ખરીદી…એક જ સમયે થઈ. દિલીપના પ્રયત્નથી સંજયભાઈને પણ રોકવેલ કંપનીમાં નોકરી મળી ગઈ હતી તેથી તેઓ નજીકમાં રહેતા હતા. બંને ભાઈઓને એકબીજાનો ટેકો હંમેશા રહ્યો. સંગીતા બે મહિનાની હતી ત્યારે ભારતથી પપ્પા-અમ્મીને અહીંની મુલાકાત માટે બોલાવ્યાં. મજાનું ઘર જોઈ વળ્યાં, જેનો આનંદ પપ્પા-અમ્મીનાં ચહેરા પર ઝળકતો હતો… ‘પરીખ માલિકીનું પહેલું ઘર!’ પછીનાં ચાર મહિના–દરેક શની-રવિ…એક કારમાં છ મોટા અને ખોળામાં સંગીતા સાથે ફરવાનું થયું. પપ્પાને Sequoia National Park અને Yosemite National Park લઈ ગયા ત્યારે તેમનું કવિ હૃદય ડોલી ઉઠ્યું,
શુભ્ર આ સ્વર્ગ સૃષ્ટિ
(અમેરિકાનું અંશદર્શન)
જોયું જોયું પૃથવી પરનું સ્વર્ગ મેં આજ જોયું
ખોયું મારું સ્વપન મધુરું સાંચવ્યું’તું અધુરું
લાંબા લાંબા સમય થકી તે; આજ પ્રત્યક્ષ જોયું….
પાંચ છંદોમાં, ૧૨૦ પંક્તિઓમાં લખાયેલ આ ખંડ-કાવ્ય અદ્ભૂત છે.
“અગરબત્તી અને બીજા કાવ્યો” લેખકઃ કૃષ્ણકાંત પરીખ.
એક જ કમાનાર પર નોકરી છૂટી જવાની લટકતી તલવાર ચમકતી રહેતી. પરંતુ ટૂંક સમયમાં જ દિલીપની કુશળતાની કદર થઈ અને તેને મેનેજરનો ઊંચો હોદ્દો મળ્યો. બે વર્ષમાં સમીરના જન્મ સાથે પરિવારમાં પૂર્ણ સંતોષ અને આનંદની લાગણી છવાઈ ગઈ.
અમેરિકામાં પસાર થયેલા પાંચ વર્ષમાં…નવજીવન, નવસાથી સાથે સાત પગલાં, નોકરી છૂટી જતાં કોઈ પણ ટેકો આપનાર નહીં અને મોટી માંદગી સામેની લડાઈમાં ઉત્તીર્ણ થઈને…જાણે કેલિફોર્નિયાના સ્વર્ગમાં પ્રવેશ મળ્યો.
ડોલરની દુનિયામાં ઘણા પાઠ મળ્યા. Real Estateમાં મૂડીરોકાણમાં સમજ આવતા, મોટી કંપની પર વિશ્વાસ કરી, (escrow) સ્વતંત્ર એજન્સીમાં ડોલર મૂક્યા…જે લુચ્ચી સ્ત્રીએ હડપ કર્યાં અને અંતરધ્યાન થઈ ગઈ. અમારી લાલચી વૃત્તિ ન હોવાથી મોટી મુશ્કેલી ન આવી.
———–
૬. સંગીત સુવર્ણકાળ
ભારતથી પરીખ પરિવારને અહીં બોલાવી સારી રીતે ગોઠવવાની જવાબદારી દિલીપ અને સરયૂએ પ્રેમથી આવકારી. ૧૯૭૮માં અમે કૂલ આઠ સભ્યો એક ઘરમાં હતાં, તેથી મોટા ઘરની જરૂરિયાત લાગી. જ્યારે પહેલી વખત એ વિશાળ ઘર જોયું, ‘આપણે આ ઘરના માલિક થઈ શકીએ?’ એ વિચાર વીજળીના ચમકારા જેવો ઉત્તેજિત લાગ્યો. દિલીપની એક કમાણી પર ભારે મદાર બાંધવાની હિંમત કરી હતી. કેલિફોર્નિઆમાં મોંઘા ઘરો અને પ્રેસિડન્ટ કાર્ટરના સમયમાં લોનનું વ્યાજ ૧૬% થઈ ગયું. તો પણ, મસ્તીખોર મોજાઓ પર જીવનનૈયા વહેતી ચાલી.
જીવનમાં સ્થિરતા અને વ્યવસ્થા સાથે શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમોનો લાભ મળવાનો શરૂ થયો. એક મિત્ર દ્વારા માંગણી આવી કે દસ સંગીતકારો જેમાં, સંતુરવાદક-શિવકુમાર શર્મા સજોડે હતા, ઝાકિર હુસેન, વાયોલિન વાદક-જોગસાહેબ, શ્રી અને શ્રીમતી કાનન વગેરે કલાકારોને કેલિફોર્નિયા આવવું છે. અમે હા ભણી અને પાંચ બેડરૂમવાળા ઘરમાં બધાનો સમાવેશ થઈ ગયો. બીજે દિવસે, અમારા ઘરના ત્રણ-કારના ગરાજ ઉપરના બોનસ રૂમમાં, માલવિકા કાનનનું ગાયન અને પછી જોગસાહેબનું વાયોલિન સાંભળી લગભગ ૮૦ રસિકો ઉત્સાહથી ઝૂમી ઊઠ્યાં. યોગાનું યોગ, દિલીપનો ૪૦મો જન્મદિવસ પણ એ દિવસે સંગીત પ્રેમીઓ સાથે ઉજવાયો.
પછીના પાંચ વર્ષોમાં, સંગીત જગતમાં ‘ગોડ ઓફ સિંગિંગ’ તરીકે ઓળખાતા, પંડિત ભીમસેન જોશી, પંડિત જસરાજ, અભિશેકી, પ્રભા અત્રે, સરોદ વાદક-અમજદ અલી, પાકિસ્તાનના સલામત, એવા અનેક સંગીત વિશારદોનાં કાર્યક્રમો અમે ગોઠવ્યાં અને તેમની સાથે સમય પસાર કરી શક્યા. નાના શ્રોતાગણમાંથી જે ડોલર્સ ભેગા થાય, તેમાં ઉમેરીને નક્કી કરેલ દર અમે અમારાં સ્નેહ સાથે અર્પણ કરતાં. અમારી કાર્યક્રમ કરવાની રીત સીધી સાદી, કોઈ દંભ કે દેખાવ નહીં, સંગીતકારના લાંબા વખાણ નહીં. તેમની કલા જ તેમની ખરી ઓળખ પ્રદર્શિત કરે. અમારી સાથે કલાકારોની રહેવાની સગવડતાનું ધ્યાન પરિવારના સભ્યની જેમ રાખતી, પણ વધારે પડતું નહીં. દિલીપ વ્યવસ્થા બધી કરે પણ, પ્રોગ્રામ દરમિયાન તેનું સ્થાન કલાકારની સામે જ હોય. ઘણા પ્રોગ્રામમાં કલાકાર તેની સંગીતની લગની જોઈને કહેતા, “આપ સામને બૈઠીએ.” આમ આગળનો વિભાગ દિલીપ સંભાળે અને પાછળનો વિભાગ હું સંભાળું.
ભીમસેન જોશી સાથે છ જણા પાંચ દિવસ અમારી સાથે રહ્યાં. કથાકાર દામોદર શાસ્ત્રી આગલા સપ્તાહમાં જ કહી ગયા હતા કે, “તીખા ખાના નહીં, ગલા ખરાબ હો જાયેગા.”
ભીમસેનજી જમવા બેઠા અને તરત પૂછ્યું, “આપકે પાસ કુચ્છ અચાર-વચાર હૈ?”
મેં કહ્યું, “આપકા ગલા…?”
તેઓ બોલી ઊઠ્યા, “અરે, કુચ્છ નહીં હોતા…યહાં તો solid હૈ.” અને પછી તો દરેક જમણમાં તીખા મરચા, અથાણું વગેરે પીરસતી.
એ સમયે બહારથી તૈયાર કશું ઓર્ડર કરવાની બિલકુલ આદત નહોતી. સંગીતકારોનું દરેક જમણ, તે ઉપરાંત પ્રોગ્રામ પછી ઘણા રસિક મિત્રો રોકાઈ જાય તે પણ જમવામાં જોડાય. ખબર નથી એ બધું કેવી રીતે થઈ જતું!
સંતૂર વાદક શિવકુમાર શર્મા અને ઝાકિર હુસેન બીજી વખત આવેલા અને અમારાં બોનસરૂમમાં શ્રોતાગણનાં રુંવાટા ઉભા થઈ જાય તેવો યાદગાર સંગીત ધ્વનિનો માહોલ રચેલો. ત્યારબાદ શિવજી અમારી સાથે એક સપ્તાહ રહ્યા. તેમના પ્રોગ્રામના સ્થળે અમે મૂકવા ગયા ત્યારે પંડિત રવિશંકર ત્યાં હતા. ઓળખાણ કરાવી તો રવિશંકર હસીને બોલ્યા, “ઓહો! યે હૈં દિલીપ પરીખ!” તેમણે સાંભળ્યું હતું કે અમે પ્રોગ્રામો ગોઠવીએ છીએ.
આવા ઉત્તમ કોટિના કલાકારોનાં સત્સંગને અમે અમૂલ્ય આશીર્વાદ માનીએ છીએ. બિસ્મિલ્લા ખાનની શરણાઈ અને પંડિત ભીમસેન જોશીને સામે બેસીને સાંભળવાનું અમ્મીનું સ્વપ્ન પૂરું કરી શક્યા…તે અવસર સુવર્ણ સ્મૃતિઓમાં સુગંધ ભરી લાવે છે.
કેલિફોર્નિયામાં ભારતથી ભાઈઓ, મોટાભાઈના બે પુત્રો વગેરેને અમેરિકામાં નવજીવનની શરુઆત કરવાની મદદમાં વ્યસ્ત રહ્યાં. સરયૂની પ્રવૃત્તિઓની ગાડી ‘જે ગમે તે કરવું અને જે કરું તે ગમે’ ગુંજતી આગળ વધી રહી હતી. ભારતથી દૂર દેશમાં ઘણી વખત સવાલ ઊઠે, “હું અહીં, સ્વજનોથી દૂર, શું કરું છું?” ખાસ કરીને પિતાના અવસાનના સમાચાર આવે કે બાની તકલિફના સમાચાર આવે ત્યારે મન રડી ઊઠતું. મુનિભાઈ Bhabha Atomic Research Centre, મુંબઈમાં નોકરી અને Ph.D. in Chem. Eng. from IITમાં કર્યા પછી, પરિવાર સાથે વડોદરામાં સ્થાયી થયા હતા. બાએ ભાવનગર, ‘ગંગોત્રી’માં જ રહેવાનું પસંદ કર્યું હતું. પરંતુ જ્યારે પણ જરૂર પડશે ત્યારે મુનિભાઈ અને ઈલાભાભી સંભાળી લેશે તેવો વિશ્વાસ હતો. માતા-પિતાને આવો વિશ્વાસ સાત કોઠે ટાઢક આપે છે. મારું દર ત્રણેક વર્ષે મળવા જવાનું ચાલુ હતું. ભારત જતા ક્યારેય વધુ સામાન ઘુસાડવો કે નિયમ તોડવાનો પ્રયત્ન કર્યો નથી…જેથી પચાસ વર્ષમાં સત્તર વખત ભારતમાં દાખલ થતાં, કસ્ટમમાં એકે વખત કોઈ મુશ્કેલી નથી પડી. અહીં વસેલાને માતા-પિતાની સેવા ન કરી શકવાનું દુઃખ રહેતું હોય છે.
અમારા મનને હલાવી દેતો એક પ્રસંગ યાદ આવે છે. એક દિવસ દિલીપના પપ્પા-અમ્મી સાથે અમે દરિયા કિનારે લાઈફ-ગાર્ડના માંચડા નજીક બેઠાં હતાં અને ચાર વર્ષનો સમીર અને છ વર્ષની સંગીતા પાણીમાં રમતાં હતાં. અમારી સતત નજર બાળકો પર હતી તેવામાં પાછળના રસ્તા પર અકસ્માતની ધમાલ થઈ એ તરફ અમારું ચારેયનું ધ્યાન જતું રહ્યું. પાંચેક મિનિટમાં ફરીને દરિયા તરફ જોયું તો સમીર દેખાય નહીં. હું અને દિલીપ દોડતા પાણીમાં ગયા અને ચારે તરફ શોધવા લાગ્યાં. પણ, ચારે તરફ ઊંચા મોજા ઉછાળતું પાણી જ પાણી. સંગીતાને પણ ભાઈ ક્યાં ગયો તે ખબર નહીં. મેં દોડીને માંચડા પર બેઠેલા lifeguard પાસે જઈ કહ્યું, “અમારો દીકરો નથી મળતો!!” તેના જવાબમાં તેણે ઠંડે કલેજે કહ્યું, “અહીં ક્યાંક હશે.” દિલીપ જઈ શકે તેટલા ઉંડા પાણીમાં જોઈ વળ્યા. અમે ભયંકર આશંકા અને પરવશતાની અકળામણ અનુભવતાં ચારે તરફ જોવા લાગ્યાં. ત્યાં સમીર દૂરથી રેતી પર ચાલતો આવતો હતો. સમજાયું કે સમીર પાણી સાથે જરા આઘો નીકળી ગયો હતો અને બીજા લાઈફ-ગાર્ડના માંચડા તરફ ગયો હતો. સંગીતાએ દોડીને રડતાં અને મારતાં…તેને બાથમાં લઈ લીધો. બાળક ખોવાયાનું સાંભળતા મા-બાપને શું થતું હશે તેનો દસ મિનિટનો અનુભવ હજુ અમને ધ્રુજાવી દે છે.
કેલિફોર્નિયાથી શરૂ થયેલ સુખ સમૃદ્ધિનો સમય, પહેલાં કરેલા તપનું યોગ ફળ સમજી સતત પુરુષાર્થ કરતાં રહ્યાં. એ દરમ્યાન મેં Avon વેચવાનું કામ, Real Estate license લીધું. એવા અનેક ગમતા કામ સામાજિક સંપર્ક, અંગ્રેજી પર કાબુ અને નવા મિત્રો બનાવવા માટે માધ્યમ બની ગયાં. એમાંનો એક પરિચય માર્ગરેટ, જે મારા બાળકોને માતામહીની સ્નેહવર્ષાનો અનુભવ આપી ગયો. માર્ગરેટનો પ્રેમાળ આશીર્વાદ ખાસ કરીને સમીર પર રહ્યો…અને માર્ગરેટ ઘરડાં થયાં ત્યારે યુવાન સમીરે તેમની કાળજી લીધી.
આપણી જીવન વ્યવસ્થા પોતે નક્કી કરી શકીએ. ૧૯૭૦-૮૦ સમયમાં, ઠીક કમાતા દેશી ભાઈઓ કરિયાણાનાં ધંધામાં અને હોટેલ-મોટેલનાં ધંધામાં ડોલર કમાવાની તક જોઈ જોડાવા લાગ્યા…પરિણામે નોકરી અને ધંધો અને દોડાદોડી!! અમને પણ ધંધો ખરીદવાની સંપૂર્ણ તક હતી પરંતુ, વધારે પૈસા કમાવાનું આકર્ષણ નહીં અને ‘આપણે કંઈક ખાસ કરવા માટે સક્ષમ છીએ’ તે પ્રેરણાદાયી વિચાર સ્પષ્ટ હોવાથી અમે કોઈ ધંધો શરૂ ન કર્યો. મોટેભાગે, અમારો દિવસ વ્યવસ્થિત રીતે જતો હોય. “સમય નથી” એવું બહાનું ભાગ્યે જ કહ્યું હોય. દરેકનું અગત્યતાનું – priority list, અલગ હોય છે જેને ‘busy’ નામ અપાય છે. જનકલ્યાણની ભાવના સાથે પ્રવૃત્તિ કરનાર પાસે દરેક યોગ્ય કારણ માટે સમય હોય છે.
અહો! કેલિફોર્નિયા!! જાણે અમારું બીજું વતન બની ગયું હતું. ત્યાંનું હવામાન, સામાજીક સ્વતંત્રતાનો અહેસાસ, પૂર્ણ કળાએ સંતોષાયેલ શાસ્ત્રીય સંગીતનો રસ અને સમાન-રસ ધરાવતા મિત્રો સાથેનો અતૂટ સંબંધ… આમ ૧૯૭૩થી ૧૯૮૫ની સાલ આવી ગઈ.
———
૭. ઓરલાન્ડો, ફ્લોરિડા. ૧૯૮૫
દિલીપના આશ્ચર્ય વચ્ચે AT&T Bell Lab, Pennsylvaniaથી job offer આવી. અમે પૂર્વની ઠંડીમાં જઈને રહેવાનું પસંદ ન કરત. સદભાગ્યે, AT&T Lucerne વિભાગ ઓરલાન્ડો, ફ્લોરિડામાં હતો. છેલ્લો પ્રોગ્રામ ગાયિકા કિશોરી આમોનકરનો ગોઠવી, ૨૫મી ડિસેમ્બરે કેલિફોર્નિઆના ડિઝનીલેન્ડને છોડી, ઓરલાન્ડોના ડિઝનીવલ્ડ/યુનિવર્સલ સ્ટુડિયો પાસે નવા ઘરમાં નવા પ્રકરણની શરૂઆત કરી.
૨૮મી જાન્યુઆરી ૧૯૮૬ની સવાર, બાળકો અને દિલીપના ગયા પછી, હું Space shuttle Challengerને જોતી હતી અને ‘હવે તો Cape Canaveral નજીક છે, તો ત્યાં જઈને ઉડાન જોવી જોઈએ…” વિચારતી બેઠી હતી. હજી તો ઉડાનને ૪૫ સેકન્ડ્સ થયા અને સફેદ ધુમાડાના લાંબા લિસોટા દેખાયાં. રોકેટ અને તેમાનાં ચાલકોમાંથી…કોઈ પણ બચવાની શક્યતા નથી તેમ જાહેર થયું. એ પળો અને તે પછી તેનાથી પણ વધારે ભયંકર પળો…Twin Towers attackની છબીઓ મનોચિત્તને ધ્રુજાવી દે છે અને આપણો માનવતા પરનો વિશ્વાસ બદલી નાખે છે.
જાણે, એ દસકો બાળકોનાં અને મારા અભ્યાસનો સમય હતો. જાન્યુઆરીમાં નવી પ્રાથમિક શાળામાં દાખલ થતાં સમીરને ખાસ તકલીફ નહોતી લાગી. બસ, કેલિફોર્નિયા અને બે સમવયસ્ક પિતરાઈ ભાઈઓની ખોટ સાલતી હતી. પરંતુ અગ્યાર વર્ષની સંગીતાને બહુ જ માનસિક ત્રાસ થયો. એ ઉંમરે નવા વાતાવરણમાં, એક અજાણ્યા ક્લાસમાં, તેમાંય, ‘Indian girl’ ‘Brown girl’ દેખાવને તાકતી આંખો…એ સહન કરવું સંગીતા માટે મુશ્કેલ હતું. કોઈ દિવસ તો તેને રડતી જોઈ થઈ આવતું કે, શાળાવર્ષની મધ્યમાં નવા વર્ગમાં લાવી અમે તેને અન્યાય કર્યો છે. ભણવામાં હોશિયાર તેથી એ વર્ષ એળેબેળે પૂરું થયું. પછી મિડલ અને હાઈસ્કૂલમાં પ્રથમ હરોળમાં ઉત્તીર્ણ થઈ. કોલેજમાં, Honors Program for Medicine, Miamiમાં પ્રવેશ મેળવી કોલેજના છ વર્ષમાં ડોક્ટર બની ગઈ.
સ્વતંત્ર રીતે કંઈક કરવાનો અનુકૂળ સમય મારા માટે આવી ગયો હતો. મેડિકલ ટેક્નોલોજીસ્ટનો અભ્યાસ શરૂ કર્યો. ૧૮-૨૬વર્ષની ઉંમરનાં વિદ્યાર્થીઓમાં હું ચાલીશ વર્ષની…આત્મવિશ્વાસના પીઠબળ સાથે, મારા માટે કોલેજમાં ભણવાનો અનુભવ ખુશી, ઉત્સાહ તેમજ કસોટી ભર્યો હતો. સરસ પાઠ્યપુસ્તકોને સમજવાની, કદર કરવાની પરિપક્વતા હોવાથી, અભ્યાસનો આનંદ અનન્ય હતો. મારી Master in Botanyની ડિગ્રી અને કેલિફોર્નિયામાં સાંજના ક્લાસમાં Microbiologyનો અભ્યાસ કરેલો, તેની ક્રેડિટ મળવાથી બે વર્ષમાં MedTechનું પ્રમાણપત્ર મળી ગયું…લેબોરેટરીમાં internship તાલીમ મારા માટે ખરી પરીક્ષા હતી. ભાવનગરની સાયન્સ કોલેજમાં પ્રયોગોના સાધનો લગભગ ૨૨વર્ષ પહેલાં વાપરેલાં. ઓરલાન્ડોની અદ્યતન હોસ્પિટલની ધમધમતી લેબોરેટરીમાં ટૂંકા સમયમાં શીખવાની તકલીફ અને તેમાંય કડક શીખવનાર! તાલીમ આપનાર મારી ઊપરીને મારા માટે નિજી અણગમો પણ લાગતો હતો. મારી પ્રોફેસરને ફરિયાદ કરવામાં આવી. સહેલાઈથી હતાશ નહીં થનાર હું, …ઘેર આવીને રડી પડી. સદભાગ્યે, પ્રોફેસરને મારામાં વિશ્વાસ હતો. મને બીજી હોસ્પિટલમાં તાલીમ માટે ગોઠવી આપી અને મારી ગાડી પાટે ચડી ગઈ. “જે થાય તે સારા માટે”
ફરીને પહેલી નોકરી મેળવવાની રફતાર શરૂ થઈ. એક નાના ક્લિનિકમાં કામ મળ્યું. ત્યાં phlebotomy, લોહી લેવાનું કામ મુખ્ય હતું, જે કામ હાઈસ્કૂલ પાસ થયેલા પણ તાલીમ લીધા પછી કરી શકે છે. મને લાગ્યું કે અહીં ખાસ કશું શીખવા નહીં મળે. ત્યાં તો… પહેલે અઠવાડિયે જ મને રજા આપી દીધી. શુક્રવારની બપોર હતી. નજીકની હોસ્પિટલમાં મેં અરજી આપી હતી. હું સીધી ચોથા માળે લેબોરેટરીની ઓફિસમાં ગઈ. “કાગનું બેસવું અને ડાળનું પડવું.” વાત કરતી હતી ત્યાં જ Lab-Director આવી ચડ્યા. તરત મને નોકરી મળી ગઈ. Chemistry Lab Technologist તરીકે સપ્તાહના ચાર દિવસ, અને સંગીતા-સમીર સ્કૂલથી આવે ત્યારે હું પણ ઘરે પહોંચી શકું તેવા સમય સાથે કામ શરૂ કર્યું. આ નોકરીથી મને ઘણું શીખવા મળ્યું, હોસ્પિટલનો ‘હાઉ’ જતો રહ્યો અને લોહીતત્વોની જાણકારીને લીધે અમારા પરિવારની તંદુરસ્તીની સમજમાં ધરખમ ફાયદો થયો. પોતાના લોહીમાં હાનિકારક તત્વોને કેમ કંટ્રોલમાં કરવા એ અમારા કિશોર વયના સંતાનોએ એવું તો શીખી લીધું કે તંદુરસ્ત શરીરનું જીવતદાન મળી ગયું.
Disney World નજીક હોવાથી બાળકોને ઘેર બેઠાં વેકેશનની સહેલ થઈ જતી. ફરવાના બહાને ઘણાં સગા સંબંધીઓ, જે અમેરિકામાં આવ્યા પછી ક્યારેય ન મળેલાં, આવતાં રહેતાં. આનંદની વાત હતી કે દિલીપના અમ્મી મહીનાઓ સુધી અમારી સાથે રહ્યાં. ભારત પાછા જવું પડશે એ સંદેશો સાંભળી અમ્મી આંસુભરી આંખે મારો હાથ પકડીને બેસી રહ્યાં. અમ્મીની તે ચોથી અને આખરી અમેરિકાની મુલાકાત હતી. પછીના બાર વર્ષોમાં ઘણી વખત હું તેમની સાથે ભારતમાં જઈને રહી હતી.
ઘણાં સમયથી મારી બાને અમેરિકાની મુલાકાત માટે તેડાવતાં હતાં. એ ચમત્કાર ૧૯૮૮માં થયો. તોંતેર વર્ષનાં, ગુજરાતી સાડલામાં સજ્જ, નાજૂક બહેન એકલાં વિમાનમાંથી walkway પર આવતાં જોયેલાં, એ છબી ચિત્તમાં કોતરાઈ ગઈ છે. પ્લેઈન મુંબઈ-યુરોપ-ઓરલાન્ડો ને બદલે યુરોપ-ન્યુયોર્ક-ઓરલાન્ડો થઈને દસ કલાક મોડું આવ્યું તેથી અમે ચિંતા કરતાં હતાં. ભારતમાં એકલાં મુસાફરીથી ટેવાયેલાં બાની હિંમત અને થોડું અંગ્રેજી આવડે તેના આધારે ન્યુયોર્કમાં વ્હીલચેરની સગવડતા માંગી લીધી હતી. આપણામાંના કેટલાક સંતાનો, પોતાના મા-બાપને બાળકની જેમ સાચવે છે. બધા નિર્ણયોથી માંડીને “તમને ખબર ન પડે” તેવા ભાવ સાથે વર્તન કરતા હોય છે. તેવા વડીલો ધીરે ધીરે ઓશિયાળા બનતા જાય છે. મારા બા છેક સુધી સ્વતંત્ર મિજાજથી જીવ્યાં. અમે અત્યારે અમારાં સંતાનો સાથે મિત્રતાના ભાવ સાથે જીવી રહ્યાં છીએ. તેઓ હંમેશા મદદ કરવા તૈયાર, પણ શક્ય હોય ત્યાં સુધી ૭૫-૮૦ વર્ષની ઉંમરે પણ…જાત મહેનત ઝિંદાબાદ.
અહીં એક વાત કહું. જ્યારે કોલેજ કાળમાં છોકરાઓ દૂર ભણવા જાય ત્યારે આલ્કોહોલની લતથી મુશ્કેલી ઊભી કરતા હોય છે. અમને શાંતિ હતી કે બંનેને આલ્કોહોલનો મનથી જ અણગમો. હજી સુધી આલ્કોહોલ અમારા પરિવારમાં નહીંવત્. અવનવા વિદ્યાર્થીઓ વચ્ચે મારું કહેલું એક વાક્ય સંગીતા યાદ રાખતી, “Do not let anyone control you.”
અમારા અસ્તિત્વને હચમચાવતો એક અકસ્માત થયો હતો. ક્રિસમસની રજાઓમાં સમીર, સંગીતા ઘેર આવેલાં હતાં અને ઉમંગનો માહોલ હતો. એક સાંજે ત્રણ youngsters બહાર ગયાં. સંગીતા અને સમીર કારની આગલી સીટમાં અને સંગીતાની બેનપણી નિશા, પાછલી સીટમાં બેઠેલી હતી. …yellow લાઈટ જોઈ left turn લીધો. સામેથી ઝડપથી આવતી કાર અટકવી જોઈએ તે અટકી નહીં અને કારના પાછલા ભાગમાં પુરા જોશથી ભટકાઈ!! સજાગ થતાં…ગભરાયેલાં સંગીતા-સમીર બહાર નીકળી એકબીજાને પૂછે, “તું બરાબર છો? નિશા ક્યાં?” જુએ તો કારનો પાછલો કાચ તૂટેલો અને નિશા રસ્તા પર પડેલી હતી. પોલીસ અને પછી એમ્બ્યુલન્સ આવી અને નિશાને, હું જે હોસ્પિટલમાં નોકરી કરતી હતી, ત્યાં લઈ ગયા. આખી રાત નિશાની ચિંતામાં ગઈ. સદભાગ્યે ખૂબ સારી સંભાળ લેવાઈ અને સવારે ભય ઓછો થયો. અમે ભગવાનનો અનેક વખત પાડ માન્યો છે કે તે સંપૂર્ણ સ્વસ્થ થઈ ગઈ…આજે બે બાળકોની માતા પોતાના પરિવાર સાથે ખુશ છે. અહીં એક વાત મનુષ્ય સ્વભાવની કહું તો…નિશા અનેક યાતનાઓમાં હતી પણ ક્યારેય અકસ્માત માટે અમારાં સંતાન પર ‘ધ્યાન રાખવું જોઈએ ને’ કહેતી ગુસ્સા ભરી નજર પણ નથી નાખી, હંમેશા એ જ હાસ્ય.
અહીં, કેલિફોર્નિઆથી શરૂ થયેલ એક ગહેરી મિત્રતાની વાત કહેવી છે. ૧૯૭૬માં સમીરને સ્ટ્રોલરમાં લઈ Avon Co.નો માલ વેચવા માટે હું નજીકના ઘેર ગઈ. મારી વયની બહેને બારણું ખોલી કહ્યું, “હું ખરીદી તો નહીં કરું, પણ અંદર આવો, બેસો. મારું નામ ફ્રેની.” તેને પણ નાના બાળકો હતાં તેથી મળવાનું થતું રહ્યું. ફ્રેની Switzerlandની હતી અને તેણીનો પતિ Israeli હતો. તેની સરળતા, સ્નેહ અને હકારાત્મક ભાવ તેમજ Meditationના અભ્યાસને લીધે અમારી અતૂટ મિત્રતા થઈ ગઈ. દસેક વર્ષ નજીક રહ્યાં અને પછી હજારો માઈલ દૂર રહ્યાં, પણ ૪૫ વર્ષથી…ફોનથી મુલાકાત અને જ્યારે પણ દિલની વાત કરવી હોય તો… ફ્રેની જ હોય. થોડાં વર્ષો પહેલાં, કુદરતના ખોળે વસેલા ગામ, Grass Valley, CA.ના તેમનાં ઘરમાં સાથે ગાળેલા દિવસો મધૂર સંભારણનાં ગુચ્છમાં હસી રહ્યાં છે. ૧૯૯૪માં દિલીપ અને હું ૨૫મી લગ્નતિથિ નિમિત્તે, યુરોપ ફરવા જવાનાં હતાં. ફ્રેનીને વાત કરી કે Switzerlandમાં હોટેલ વિશે કોઈ માહિતી હોય તો આપે. ફ્રેની કહે, “મારી બહેન Basel ગામમાં રહે છે, તેને પૂછીને કહું.” બે દિવસમાં ફોન આવ્યો…”તમે મારી બહેન, એરિકા સાથે રહેજો અને સ્ટેશનથી તે તમને લઈ જશે.” અમે આમંત્રણ સ્વીકારી સફર શરૂ કરી.
દિલીપના ખાસ મિત્ર, ડો.રમેશ શુક્લ, The Honorable Patent Judge અને ઉષાબેન સાથે Munich Germanyમાં તેમનાં મજાના ઘરમાં રહેવાની તક મળી. તેમણે અમને બ્લેક ફોરેસ્ટ, ઓસ્ટ્રિયા વગેરે સ્થળોની મસ્ત સફર કરાવી. પછી અમે ટ્રેન લઈને સ્વિટ્ઝરલેન્ડ પહોંચ્યા…સ્ટેશન પર પચાસેક વર્ષની, ઊંચી પાતળી બહેન એરિકા અમારી સામે આવી અને પ્રસન્નતાપૂર્વક અમને ઘેર લઈ ગઈ. બાઝલ, એક સુંદર ગામ. અમારી રાહ જોતા તેનાં પતિ અને ફ્રેનીના માબાપ આંગણામાં બેઠાં હતાં. માબાપને હું કેલિફોર્નિયામાં મળેલી હતી. અમે જોયું કે બન્ને ૮૦ જેવી ઉંમરનાં, પોતાને ઘેરથી સાઈકલ પર આવેલાં હતાં. તેઓને અંગ્રેજી ઓછું આવડતું હતું તોય વાતચીત ચાલુ હતી. સ્નેહ સંદેશ આપતા ચહેરાઓને ભાષાની જરૂર નથી પડતી. એરિકાએ તેનાં બગીચામાંથી લાવેલ ચેરીનો મોટો વાડકો સામે મૂક્યો. બીજે દિવસે ફરવા જવાની વાત થતા અમે જણાવ્યું કે અમારી પાસે ટ્રેનની ટિકિટ છે. એરિકા કહે, “અમે બંનેએ ત્રણ દિવસની રજા લીધી છે…તેથી તમને ગમે તો, અમે તમને બધે લઈ જશું.” આમ, ફ્રેની દ્વારા મિત્રતા અને તેની બહેન દ્વારા મહેમાનગતીનો સહજ-સરળ અનુભવ થયો.
અગ્યાર વર્ષ પછી, ઓરલાન્ડોનું રહેણાંક પૂરું થવાની તૈયારી થઈ ગઈ જ્યારે, Texas Instrument of Houstonમાં દિલીપને નોકરીની તક મળી. સંગીતા Miamiમાં મેડિકલ-અભ્યાસ પૂરો કરી રેસિડન્સી પસંદ કરવાની હતી. સમીર કોલેજ પૂરી કરી University of Michiganમાં વકીલાતનું ભણવા જવાનો હતો. અમારાં સંતાનોને થોડી સ્કોલરશીપ મળી હતી, પરંતુ ઉચ્ચ અભ્યાસનો સંપૂર્ણ ખર્ચ અમે આપેલો, તેથી બંનેને લોનના ડોલર ભરવાની ચિંતા ન હતી.
ઓરલાન્ડોમાં દિલીપને AT&T-Lucent, Microchips વિભાગમાં કામ કરવાનું સન્માન મળ્યું. સંગીતાને Miamiમાં દાક્તરીમાં ચુનંદા વિદ્યાર્થીઓ સાથે ભણવાની તક મળી. સમીર અભ્યાસ સાથે રમત-ગમતમાં પણ આગળ વધ્યો. મને હોસ્પિટલમાં કામ કરવા મળ્યું અને સહકર્મચારી અમેરિકન મિત્રો મળી. હજી પણ, ફોનની ઘંટડી વાગે અને, “Hello! Girlfriend!” સાંભળી દિલ હળવું થાય છે.
————–
૮. ટેક્સાસ ૧૯૯૬
ઓરલાન્ડોમાં ગમતું કામ અને મિત્રોનો સાથ છોડી, ભારતીઓની વસ્તીથી સમૃધ્ધ ગામ, હ્યુસ્ટનમાં આવી ગયાં. પચાસ વર્ષની ઉંમર, પૂરતી શક્તિ, સમય અને સંપત્તિના બળ સાથે સમાજ સેવા કરવાના અનેક રસ્તાઓ શોધી શકી. હ્યુસ્ટનનું મેડિકલ સેન્ટર, જ્યાં અનેક નામાંકિત હોસ્પિટલો છે, ત્યાં નાની પાર્ટ-ટાઈમ નોકરી Texas Children Hospitalમાં લેવાથી ઘણી જાણકારી મળી. સદભાગ્યે, એકે વખત એ વિશાળ મેડિકલ સેન્ટરની મહેમાનગતી નહોતી લેવી પડી. સેવાકાર્યના પ્રથમ જવાબ તરીકે…Literacy Councilમાં અંગ્રેજી ભણાવવા, tutor બનવા માટે લગભગ વીસ કલાકની તાલીમ લીધી. વિદ્યાર્થીઓ સાથે મારું અંગ્રેજી-વ્યાકરણ પણ સુધરવા માંડ્યું. મને ખ્યાલ આવ્યો કે, જ્યારે તમે કોઈને શીખવો ત્યારે તમે ઊંડા અભ્યાસી બની શકો છો. બીજો મોટો ફાયદો એ થયો કે, અમારું પાંચનું અલબેલું મિત્રમંડળ બન્યું જેમાં કેનેડિયન, કેથલિક અમેરિકન, પનામાની ચર્ચ મિનિસ્ટર, એક ટાસ્મેનિઅન હતી. દર મહિને, વારા પ્રમાણે દરેકને ઘેર અમે લંચ માટે ભેગાં થતાં અને મારા માન ખાતર, શાકાહારી ભોજન સાથે દેશ પરદેશનાં અનુભવોની વાતો થતી. મારી એક ખાસિયત છે કે, વાતચીતનો દોર ક્ષુલ્લક વાતો તરફ ન જવા દેવો. અર્થભર્યાં સવાલોની ચાવીથી…લોકો પાસે રસભરી વાતોનો ભંડાર ખોલાવી શકાય છે. મારા માટે સખીઓ સાથેનો આ સમય અજાણ દુનિયાની સફર સમાન હતો. દસ વર્ષના સંગ પછી ફેર બદલી થઈ પણ મિત્રતા ચાલુ રહી. શરૂઆતમાં લોકોને કહેતાં સાંભળેલાં, “These Americans can be friendly, but never friends.” એ માન્યતા સાવ ખોટી નીકળી. મિત્રોને લીધે મને શ્રીમંત માનું છું.
એક નોંધપાત્ર હકીકત, મારી મોટા ભાગની અમેરિકન મિત્રોનાં જીવનપર્યંતના એક જ લગ્ન છે.
એક ગ્રુપ સાથે દર અઠવાડિયે ગીતા અભ્યાસ માટે મળવાનું શરૂ કર્યું. મેં જોયું કે ગીતાગ્રુપનાં ગુરૂબહેનની અપેક્ષાઓ અને આદેશો એક તરફી હતાં. ભોળી બહેનોને ખોટું માર્ગદર્શન જેમકે, “સ્ત્રીઓ નોકરી ન કરે…તે પુરુષનું કામ.” “સવાલ કર્યા વગર ગુરૂ કહે તેમ કરો.” અમુક નાની ઉંમરની બહેનો ભક્તિભાવની ઘેલછામાં ઘરમાં કંકાસ કરી ગુરૂનો હુકમ માનતી રહી. જ્યારે હું જોડાઈ ત્યારે મારી પરિપક્વતા અને કોઠાસૂઝને લીધે બહેનોને પોતાની પરિસ્થિતિ તટસ્થપણે સમજવામાં મદદ કરી અને એ ગ્રુપ વિખેરાયું. વ્યક્તિપૂજા બહુ ખતરનાક પરિણામ લાવી શકે છે.
એ સમયે સાહિત્ય સરિતાના પગરણ મંડાયા. મારા જેવા અમુક સભ્યોનાં આગ્રહથી નક્કી કરવામાં આવ્યું કે, ‘ન પૈસા, ન પદવી.’ દર ચાર મહિને સંચાલક અને સહ સંચાલક નક્કી થાય. કવિ મિત્ર રસિક મેઘાણીના પ્રોત્સાહન અને આદેશ સાથે લખવાની શરૂઆત કરી. વિજયભાઈ શાહની ધગશ અને વિશાલ મોણપરાની PramukhIME.comના સહારે કમ્પ્યુટર પર ગુજરાતી લખતાં થતાંની સાથે આખી દુનિયા સાથે જોડાણ થઈ ગયું. મારા જીવનમાં કાવ્યમય વળાંક આવ્યો. ગુજરાતી અને પછી અંગ્રેજીમાં કવિતા ઉભરવા માંડી. કવિતા લખીને પહેલા દિલીપને મોકલું. બીજા કવિઓનાં સૂચનોથી મઠારવાનું શરૂ કર્યું. જગતના કોઈ પણ ખૂણેથી પ્રતિભાવ આવે અને લખવાનો ઉત્સાહ વધે. જૂગલકિશોરભાઈના સુધારા-સૂચનોથી શીખવાં મળ્યું. આગળ જતાં તેમણે મારા ‘મંત્ર’ કાવ્યસંગ્રહમાં જરૂરી સુધારા કરી આપ્યા એ મારા માટે ગૌરવની વાત છે. અનેક સાહિત્ય મિત્રો સાથે રોજ વાતચીત કરતાં થઈ ગયાં. સાહિત્યની લ્હાણ આ રીતે થઈ શકે એવું સ્વપ્નમાં પણ નહોતું વિચાર્યું. ગુજરાતી અને બીજી બધી ભાષાઓ સજીવન થઈ ગઈ.
બે વખત અત્યંત આનંદનો અનુભવ થયો…જ્યારે પુસ્તક “પ્રીત ગુંજન”–૧૫૦ વર્ષનાં પ્રણયકાવ્યોના પ્રતિનિધિ સંગ્રહમાં મારું કાવ્ય ‘મલ્હાર’ પ્રકાશિત થયું, જેમાં મામા, કવિ નાથાલાલ દવેનું પણ કાવ્ય છે. બીજું, “ટેરવે ઊગ્યું આકાશ” ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી પ્રકાશિત કાવ્ય સંગ્રહમાં, મારા બા, કવયિત્રી ભાગીરથી મહેતાનું પણ કાવ્ય, પાના#૨૭૨, અને મારું કાવ્ય #૩૮૦ પર છે. જાણે અમારું નાનકડું સાહિત્ય જગત came in full circle. ‘સરયૂની કવયિત્રી તરીકે ઓળખાણ!!’ મામા અને બા આ જોઈને અંતરિક્ષમાંથી આશ્ચર્યથી સ્મિત કરતાં હશે.
એક વેંત ઊંચી
અસુખ અડકે ના મારે અંતરે.
જીવન ઝંઝાળ-જાળ જગત રે,
ઊડતી રહું એક વેંત ઊંચી કે,
નીચે સમયની સરત સેર રે…
ક્ષણ ક્ષણનાં સ્પંદનો સુગંધમાં,
નવલ નવાં સર્જન શર બુંદમાં.
છો, પહેરી ઓઢી ફરું વૃંદમાં,
એકલી મલપતી મનોકુંજમાં…
સરયૂ મહેતા-પરીખ. “અખંડ આનંદ” જૂન ૨૦૧૬. પુસ્તક “ટેરવે ઊગ્યું આકાશ” #૩૮૦
પંદરેક વર્ષમાં છ પુસ્તકો, તેમાં કવિતા, સત્યકથાઓ અને અંગ્રેજીમાં બે નવલકથા પ્રકાશિત કરવાના આનંદમાં અનેક હમસફર મળતા રહે છે. સૌથી આશ્ચર્યાનંદ થાય છે જ્યારે મારી લખેલી સત્યકથાઓ વાંચીને અજાણ્યા વાંચકોના ભાવભર્યાં ફોન આવે છે. આત્મીયતાની લાગણી સાથે પોતાની અંતર્ગત વાતો કરે છે.
———
૯. સેવાકાર્ય કરવાનું અહોભાગ્ય.
સેવા કાર્યો જેવા કે, અંગ્રેજી ભણાવવું, ઘરડા ઘરમાં જઈને આનંદદાયક વાંચન કરવું, Women’s shelterમાં બેબી બ્લેન્કેટ અને groceries દર મહિને આપવી, ચર્ચમાં ચાલતી ‘Family First’ નામની સંસ્થામાં દર સપ્તાહે સેવા આપવી વગેરે હું કરતી હતી. સૌથી સંતોષકારક સેવાકર્મ કરવાની એક તક શોધી કાઢી. હ્યુસ્ટન સ્થિત, Asian Against Domestic Abuse, AADA નામની સંસ્થામાં જોડાઈ. “સરયૂ, તમે ગૃહ કંકાસમાં મદદનું સેવા કાર્ય કેમ પસંદ કર્યું? કોઈ સ્વાનુભવ?” આના જવાબમાં…મારા જીવનમાં કે મારા નજીકના કોઈ સગામાં એવો કોઈ ગંભીર ઘરકંકાસનો મામલો મેં જોયેલો નહીં. હાં, પતિ-પત્નીનાં ઝઘડામાં સ્ત્રી-શક્તિનો પરચો જરૂર જોયેલો. એક ધૂંધળી યાદ…આઠ વર્ષની હું મામીની વાત સાંભળતી હતી, “ભાગુબેન, ગામડેથી આતા આવ્યા છે તે કહેતા હતા કે આપણાં સગામાં, બાપ-દીકરાએ વહુને ગળુ દબાવી મારી નાખી. તેણીએ એવા પગ પછાડેલાં કે ગારમાં ખાડા પડી ગયા હતા.” થોડા સમયમાં વરના બીજા લગ્ન લેવાયા હતા.
આમ અમેરિકામાં સરયૂ માટે અનુભવનું નવું પુસ્તક ખુલ્યું…અને પોતાના માણસ કેટલા ક્રૂર થઇ શકે તેની જાણકારી છતી થઈ. આ સંસ્થામાં ભારત, મિડલ ઇસ્ટ અને બીજા એશિયન દેશોની ભાષા જાણતાં સેવા કાર્યકરો પણ હતાં. એક પછી એક કોયડાઓ આવતાં ગયાં અને તેમા સો ટકા તન-મન અને સમય આપી મદદ કરતી રહી. કેટલાક કિસ્સાની યાદ હજુ પણ દર્દ આપે છે. ભાષા ન આવડે અને અમેરિકામાં પોતાના હક્કના નિયમોથી અજાણ સ્ત્રીઓ ઘણું સહન કરે છે. અલબત્ત, અમારી સંસ્થાની મદદ મેળવી પોતાના જીવનને કેટલા અંશે સુધારી શકે એ તેમની અંતર શક્તિ પર આધારિત છે. આજ સુધી દિલીપ અને મેં માનસિક અને આર્થિક મદદ કરવામાં કોઈ સીમિત સમય રેખા નથી રાખી. હજુયે, હ્યુસ્ટનથી ઓસ્ટિન આવ્યા પછી પણ, કોઈ સહાય માંગતો ફોન આવે તો તેમને જવાબદાર સૂત્રો સાથે સંપર્ક કરાવી, કેમ અને ક્યાં સલામતી માટે જઉં તેની વ્યવસ્થા કરાવી આપું છું. ઘણી બહેનોને સંપૂર્ણ વિશ્વાસ છે…અને તેથી કોઈ પણ મૂંઝવણ આવે કે પહેલો ફોન મને જોડે છે. જ્યારે સવાલ પૂછાય, “સમય છે?” ત્યારે જવાબ હોય, “I will make time.” એક વિશિષ્ટ વાત એ છે કે દિલીપના માર્ગદર્શન નીચે ઘણા લોકો અને આવી બહેનો નાણાકીય ભવિષ્યને સલામત કરી શક્યા હોવાથી…આજની નાની આવક પર ચિંતા રહિત ગુજારો કરી રહ્યાં છે.
ત્રસ્ત બહેનોને બને તેટલી મદદ કરવી તે આપણું કર્મ…પરિણામ તેનાં પક્ષમાં જ આવે તેવું ન પણ બને. આ વાત જાણવા જેવી છે. એ દિવસે, હું ‘Hotline’ ફોનના જવાબ આપતી હતી. બીજા પ્રાંતમાંથી ફોન આવ્યો. “મારી ભાણેજ અમેરિકા આવી રહી છે અને હ્યુસ્ટનમાં તેનાં પતિ અને પાંચ વર્ષની દીકરીને મળવા માંગે છે. બીજી સંસ્થાએ ના પાડી દીધી છે…હવે તમારો આધાર છે.” અમારી સંસ્થા સ્થાનિક મદદ કરવા શક્તિમાન, તેથી ‘ના’ કહેવાનો સહેલો રસ્તો હતો. પણ મારા મુખેથી ‘ના’ જલ્દી નીકળે નહીં. બહેને વાત આગળ ચલાવી. તેમણે કહ્યું કે, ‘મારી ભાણેજ રીમા, બત્રીસ વર્ષની છે. હ્યુસ્ટનમાં તેનાં સાસુ-સસરા, પતિ અને બાળકી સાથે રહેતી હતી. બે વર્ષ પહેલાં તેઓ બધાં ભારત ગયાં. રીમાને ભારતમાં તરછોડી, બાળકી સાથે અમેરિકા પતિ આવતા રહ્યા. રીમાનાં Green Card/passport પતિનાં કબ્જામાં હતાં. વિધવા માની દીકરી અને ઓછી સમજવાળી રીમા, ભારતમાં કકળતી રહી. બે વરસ પછી રીમાએ અમેરિકા આવવાની પરવાનગી મેળવી છે.” અમારાં Boardમાં પૂછવાનું મેં વેણ આપ્યું. અમારી સંસ્થા તરફથી ‘હા’ મળતા…તેનાં માસી રીમાને મારે હવાલે કરી જતાં રહ્યાં.
મેં રીમાને Women’s Shelterમાં રહેવાની વ્યવસ્થા કરાવી આપી. શેલ્ટર, એક ગુપ્ત ઘર, જ્યાં સ્ત્રીઓ છૂપાઈને હુમલાખોર માણસથી સલામત રહી શકે. મર્યાદિત સમય માટે ત્યાં બધી સગવડતાઓ આપી સ્ત્રીઓને પગભર કરવાના પ્રયત્નો કરવામાં આવે છે. રીમાએ ફાર્મસીનો અભ્યાસ કરેલો, તેથી તે લાયસન્સ પરીક્ષા પાસ કરી લે અને પગભર થઈ જાય તેવી અપેક્ષા સાથે મેં પુસ્તકો લાવી આપ્યાં. અનેક મદદ મળવાં છતાંયે ન તો અભ્યાસ કર્યો કે ન પરીક્ષા આપી. એક દયાળુ મેનેજર સાથે વાત કરી સ્ટોરમાં રીમાને કામ અપાવ્યું. નજીકમાં એક બંગલામાં રુમ ભાડે રાખી રહેવાની વ્યવસ્થા કરી આપી. મારી લેવા મૂકવાની જવાબદારી…જોકે લેવા જઈએ ત્યારે તૈયાર જ હોય તેવું નક્કી નહીં. અમારી સેવા સંસ્થામાં વાટાઘાટ કરી કાર અપાવી. ગમે ત્યારે રીમાનો ફોન આવે. એક રાત્રે અગ્યાર વાગે સ્ટોરમાંથી રીમાનો ફોન આવ્યો, “સરયૂ, મારી કાર સ્ટાર્ટ નથી થતી.” હું ઊઠીને તૈયાર થવા જતી હતી ત્યાં એક વિચાર આવ્યો, “રીમા, ગીયર ક્યા સ્લોટમાં છે?” “ઓહ! ડ્રાઈવમાં…” કાર બંધ કરી ત્યારે Dમાં જ રહી ગઈ જેથી કાર સ્ટાર્ટ ન થઈ શકે. આવા ગોટાળા વારંવાર થતા. માનસિક નિરાશાની બિમારીને માટે માનસ ડોક્ટરની મદદ પણ અપાવી.
મુખ્ય વાત, રીમાને તેની દીકરીને મળવું હતું. છૂટાછેડાની માંગણી તેનાં પતિએ કરી હતી. કોર્ટ-હુકમ પ્રમાણે, એક મોલમાં મળવાનું નક્કી થયું. ઘણું દૂર અને પહેલી વખત અજાણ વ્યક્તિને મળવાનું હતું, તેથી સલામતી માટે દિલીપ અમને ડ્રાઈવ કરીને લઈ ગયા. રીમા સરસ તૈયાર થઈ હતી અને બાળકી માટે ડોલ લઈને આવી હતી. પાંચ વર્ષની નાજુક દીકરી તેના પપ્પાને ચીપકીને બેઠી હતી. રીમાએ પ્રેમથી બોલાવી પણ ન આવી અને અમારી આંખો ભીની થઈ ગઈ. જરા પરાણે રીમા સાથે મોલમાં મોકલી. પાછા ફરતાં હસતી બાળકીને જોતાં અમને આનંદ થયો. પણ કારમાં રીમા કહે કે, “તેના પપ્પાને જોઈને પહેલી વખત હસી.” નિયમ પ્રમાણે બાળકી સાથે મુલાકાતો થઈ, પણ તે અળગી જ રહી.
કોર્ટમાં રીમાના પક્ષમાં ‘સારી મા છે’ એવો અભિપ્રાય આપે એવા કોઈ ઓળખાણવાળા ન હતાં. અંતે રીમાને એકે બાબત સફળતા ન મળી. દસ મહિના પછી તેના માસીને ત્યાં પાછા ફરવા સિવાય રસ્તો નહોતો. પોતાની ઘરવખરી જેમની તેમ કારમાં ભરીને મારા Drivewayમાં મૂકી તેણી નીકળી ગઈ. કાર ખાલી કરી, વેચી અને મળેલા ડોલર તેના ન હતા તો પણ, મેં રીમાને જ આપ્યા. આ સત્યકથા મેં “સૂકાયેલાં આંસુ” નામે લખી છે. ત્રસ્ત સ્ત્રીઓને મદદ મળે પણ પોતાની આંતર શક્તિ વિના સફળતા ન મળે.
બીજા સફળ દાખલાઓ છે જ્યાં સહાય મળતા સ્ત્રીઓએ હરણફાળ ભરી છે. ‘અવહેલના’ ‘આંસુમાં સ્મિત’ ‘નવજીવન મંત્ર’ એવી ઘણી સત્યકથાઓ મારી વેબસાઈટ પર અને “દાવડાના આંગણામાં” “દર્પણમાં” પ્રકાશિત થયેલી છે. અજાણ્યા વાંચકો પોતાની સુખદુઃખની લાગણીસભર વાતોની મને ભાગીદાર બનાવે છે, તો કેટલાક સાહિત્ય પ્રેમીઓનો આ માધ્યમ દ્વારા પરિચય થાય છે.
સફળ રીતે ગૃહ કંકાસમાંથી બચનાર ભાનુની વાત કરીએ. અમદાવાદથી ૩૫ વર્ષની ભાનુએ, અમારાં એક ઓળખીતા, બીજવર સાથે લગ્ન કરી હ્યુસ્ટનમાં, પતિ, ૧૬ વર્ષનો સાવકો દીકરો અને સાસુ-સસરા સાથે અનેક અરમાનો સાથે સંસાર શરૂ કર્યો. વર અને સાસુ પોતાની જોહુકમી બતાવતાં. ‘અંગ્રેજી નથી આવડતું’ લગતી માનહાની, ‘ગમાર’ વગેરે પ્રમાણપત્રો આપવા લાગ્યાં. ભાનુ ભારતમાં સ્વતંત્ર ધંધો કરતી હોશિયાર વ્યક્તિને કેમ દબાવવી તેના પ્રયત્નોમાં સફળ ન થતાં…પતિએ ચપટી વગાડી બારણા તરફ આંગળી ચીંધી. “તારા બિસ્તરા બાંધ અને ચાલતી પકડ…એક પૈસો પણ નહીં મળે.”
પહેલી પત્નીએ આવો અન્યાય સહન કરી લીધો હતો, પણ ભાનુએ મારી મદદ માંગી અને અમારી સંસ્થા દ્વારા પોતાના હક સાથે છૂટાછેડા લીધા. અમે તેના પતિના મિત્ર હતા તો પણ મારી પાસે મદદ લેવાની હિંમત બતાવી તેનું કારણ…તેનામાં પ્રમાણિકતાની હિંમત હતી. પોતાનો પક્ષ મજબૂત કરવા જરૂરી પત્રો અને પ્રમાણો સાચવીને વકીલને આપ્યાં હતાં. આ ખાસ વાત નોંધનીય છે કે કોર્ટની ચૂકવણી સુધી, દોઢ-બે વર્ષ ભાનુ પતિના ઘરમાં હકથી રહી અને અંતે માનભેર ઘર છોડ્યું. સમય સાથે પતિના અમુક સગાઓ અને મિત્રમંડળ ભાનુની તરફેણમાં આવી ગયાં. આજે વર્ષો પછી પણ તેણે સારા સંબંધો જાળવી રાખ્યાં છે. પોતાના ભાગમાં આવેલ ધનરાશીને અમારી સલાહ પ્રમાણે સારી રીતે ગોઠવીને ભવિષ્યને secure કરી આજે આનંદથી જીવે છે. આવી અનેક ઘટનાઓ મદદ કરતી સંસ્થાઓને આભારી છે.
———
૧૦. મનોચિત્તમાં નવી ગોઠવણ.
હજી તો હ્યુસ્ટનમાં સ્થાયી થયાને બે વર્ષ થયાં હતાં…ત્યારે એક અણધારી પરિસ્થિતિ ઊભી થઈ. Microelectronics -દિલીપનો કર્મવિભાગ, Idaho stateમાં ખસેડાયો. તેણે વહેલા રિટાયર થવાનું નક્કી કરી લીધું. અમારી રહેવાની પદ્ધતિમાં જરા પણ તકલીફ ન આવે તેવી વ્યવસ્થા સાથે, સંપૂર્ણ સહયોગ અને સમજણ સાથે રાજીનામું આપ્યું. આ નિર્ણયનો કદી પસ્તાવો નથી થયો અને અનેક મિત્રો દિલીપ પાસેથી નિવૃત્તિમાં નિજાનંદની પ્રવૃત્તિઓમાં મસ્ત રહેવાની રીત શીખવા પ્રયત્ન કરે છે. વર્ષોનાં નિત્યક્રમમાં…સવારમાં આધ્યાત્મ અભ્યાસ, બપોરની કોફી પછી ચિત્રકામ અને રાગ રાગિણીથી ગુંજતું ઘર. સુંદર ચિત્રો આધ્યાત્મિક અને વિજ્ઞાનના સમન્વય સાથે, E = mc2, શિવ અને શક્તિ, પુરુષ અને પ્રકૃતિનાં ગહન સંદેશ આપે છે. તેને જાહેર પ્રદર્શન અને વખાણ સાંભળવાની બિલકુલ વૃત્તિ નથી. આપણે તો નવું સર્જન અને પ્રતિભાવની ઝંખના – એકસાથે જ જોડાયેલી હોય છે.
જીવન બદલતો સમય…સંતાનોનાં લગ્ન પ્રસંગો. ઈન્ટર્નશીપ પછી સંગીતાએ Dallasમાં એક Physician Group સાથે કામ શરૂ કર્યું. જીવનસાથી શોધવાના પ્રયત્નો ચાલુ હતા. સંગીતાએ અમને મૃદુલ રહેમાન, એક બાંગલા દેશી મુસ્લિમ યુવકનો પરિચય કરાવ્યો. મુસ્લિમ અને હિંદુ વચ્ચેનો ઊંડો વિરોધ નાનપણથી મનમાં કોતરાયેલો હોય છે. કેટલાક મા-બાપ તો સંતાનોને ચોખ્ખી ચેતવણી આપતા સાંભળ્યાં છે કે, “’મુસ્લિમ અને કાળીયા નહીં જ…” અમને આવી કોઈ સંકુચિત માન્યતાનો ભાર ન હતો. વ્યક્તિ તરીકેની પસંદગીમાં અમને સંગીતાની સમજ પર પૂરો વિશ્વાસ હતો. મૃદુલમાં શરૂઆતથી જ ઉદારતા, ઠરેલતા અને કર્તવ્ય નિષ્ઠા જોવા મળ્યાં. તેના પરિવારે પણ સંગીતાને ‘बहु मा’ બનાવીને આવકારી.
સંગીતા-મૃદુલના લગ્ન અનોખી રીતે થયેલા. સમજ્યા વગર થતા કિયાકાંડ અને લગ્ન વિધિઓમાં અમે માનતા નથી. નિર્ણય લેવાયો હતો કે ધાર્મિક રસમ કરવી નથી. લગ્નની ઉજવણીની તૈયારીઓ ઉમંગથી થઈ ગઈ. સંગીતા-મૃદુલ કોર્ટમાં કાયદા અનુસાર દસ્તાવેજ કરી આવ્યા હતા. માર્ચ ૨૦૦૬માં હ્યુસ્ટનમાં બે દિવસની ઉજવણી, જેમાં દરેક પ્રસંગ, બન્ને પક્ષની લાગણી દુભાય નહીં તેની સાવચેતી સાથે, વર-કન્યાએ નક્કી કર્યાં હતા. આશ્ચર્યની વાત એ બની કે મારી પાડોશી અમેરિકન બહેન બહારગામ જવાનાં હતાં. અમારા સારા સંબંધને આધારે મેં પૂછ્યું કે તમારો બંગલો અમારાં મહેમાનો માટે…અને અડધા વેણે, તેમણે મોટા બંગલાની ચાવી મને આપી દીધી. પચ્ચીસેક સરખે સરખા સગાઓને બાજુના જ બંગલામાં ઉતારો આપી શક્યા. ભેગા રહી બધાંએ મજા કરેલી…તે વર્ષો પછી પણ યાદ કરે છે. ખિલખિલાટ હસતાં ચહેરા, મધુર સંગીત અને અમારા મિત્ર, ચિત્રકાર કાર્તિક ત્રિવેદીનું પિયાનો વાદન… લગ્ન ઉજવણીનું અલગ વાતાવરણ સર્જાઈ ગયું હતું. અમારા ખાસ મહેમાન, મુનિભાઈ અને ઈલાભાભી વડોદરાથી મામેરું લઈને આવેલાં. મુનિભાઈની જનકલ્યાણને આવરતી અનેક સિદ્ધિઓ માટે અમને અનેરું ગૌરવ છે, પણ એથીય વધારે અમારો ભાઈ-બહેન વચ્ચેનો અસ્ખલિત પ્રેમ, જેમાં ભાભીના સ્નેહથી ગહેરાઈ વધી છે; તે કીમતી છે…
“ખુશીનો ઉત્સવ હશે કે કષ્ટનું કારણ હશે,
હ્રદયના ખાસ ખૂણામાં સહોદર હાજર હશે.”
માતા તરીકે મારી મહા કસોટી આવી જ્યારે મારા મેધાવી, પ્રેમાળ, દીકરાએ સહાધ્યાયિની સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. પાંચેક વર્ષ અમે તેની પ્રેમિકા સાથે લાગણીદોર બાંધવા પ્રયત્નો કર્યાં, પરંતુ તે થઈ શક્યું નહીં. એ સમયે મા તરીકે મારે પણ ‘growing pain’ સહન કરવું પડ્યું. મારે મારું અંતર નિરીક્ષણ, મન-મંથન કરવાની ફરજ પડી. સત્ય સમજાયું કે, દરેકની સાથે ઘનિષ્ઠ સંબંધ નથી થઈ શકતા, ભલેને તમે ગમે તેટલા સાલસ હો કે સામેની વ્યક્તિ પણ સારી હોય. મને આંચકો એટલે લાગ્યો કે મને શ્વસુર પક્ષ સાથે બહુ મીઠા સંબંધો છે તેવા, અમારી પુત્રવધૂ સાથે ન હોય એવી કલ્પના ન હતી. મન-મગજમાં નવી ગોઠવણી કરવી પડી.
સંતાનને
મન મનન મંથન ને ઉરના ઉજાસ પછી…
આપું છું, મુક્તિ આજ તારા નવજીવનમાં,
આપું છું, મુક્તિ મારી આશાના બંધનમાં,
આપું છું, આંસુ સાથ ખુશી મારા નયનોમાં,
સાચા આ સ્નેહની કસોટી, ઓ બાળ મારા!
તું જ્યારે ચાહે, છે ખુલ્લું આ દ્વાર મારું,
આવે તો વારું, ના આવે ઓવારૂં.
Let Go—
We raised you with love and tenderness.
You responded and returned all that gentleness.
But now I have to learn to let go.
I set you free to your own universe.
I set you free from my bondage of desires.
Forever
Open my heart and open my door,
I’m happy you come, blessings if you don’t.
——–
છેલ્લા બે દસકાના અનુભવ પછી આનંદ સાથ અમુક મુદ્દા અહીં ગણવા છે. એક તો, જો કોઈ સ્વીકારનાર ન હોય તો તમે પ્રેમ, મદદ કે સેવા, અરે નફરત પણ આપી નથી શકતા. સ્વીકારનાર મળે તો જ આપનારનું અસ્તિત્વ છે. બે પ્રકારના માનવી, NORMAL અને Not-NORMAL. જે અકોણી વ્યક્તિ તમારા જીવનમાં આવે છે તે તમારી માનસિક ઉન્નતીમાં મદદરૂપ થાય છે. જે જેવા છે તેવાનો સ્વીકાર, તમારું સુખ-દુઃખ કોઇનાં વર્તન પર આધારિત ન હોય તેનો પાઠ શીખવો આવશ્યક છે. ભુલ્યા વગર…નવા પરિવારના સ્નેહનો લાભ લેતી અનેક સારા સંબંધોની મહેકને બિરદાવીએ…
સામાજીક તફાવત જોઈએ તો, ભારતીય કેળવણી અનુસાર પુત્રવધૂ ‘મારી ફરજ છે’ સમજી શ્વસુર પક્ષની સંભાળ લેતી હોય તે દરમ્યાન, એકબીજાની કદર કરવાની…સમભાવ ખીલવાની શક્યતા રહે. પુત્રવધૂ ભારતીય હોય કે પરદેશી, નજીવા કારણે પતિના સ્વજનોનો અનાદર કરતી દેખાય છે, અને તે વાતનું ગુમાન પણ કરતી હોય છે. સવાલ થાય કે…શું તેને પતિ પ્રત્યે પ્રેમ અને આદર છે?
કૌટુંબિક અણબનાવ છુપાવવો તેવું મારા સ્વભાવમાં નથી. મનુષ્ય સ્વભાવનું તટસ્થ ભાવે વિશ્લેષણ કરવાનું મને ગમે. મારા મનમંથન અને સમીરના સતત, સરળ, સહજ સ્નેહને પરિણામે, દિકરો અમારાથી દૂર નથી થયો અને પોતાનું ગૃહસ્થ જીવન પણ એટલી જ ખુશીથી મ્હાણે છે. અમને ડબલ પ્રેમ આપતી બે પૌત્રીઓ આપી છે તેને માટે, અમારી સાથે ન બોલતી વહુના પણ અમે આભારી છીએ. હકારાત્મક આવિર્ભાવ; સુખની ચાવી. બહેન-ભાઈ સંગીતા અને સમીર વચ્ચે અચલ મૈત્રીભાવ, તેથી સમીર, a Law-Professor in Portland, અને પૌત્રીઓ વર્ષમાં ત્રણ વખત ઓસ્ટિન આવે ત્યારે અમે તહેવાર-ઉત્સવ ઉજવીએ છીએ. ઘણી સફળતાઓમાં સૌથી વિશિષ્ટ…સમીરની, Fulbright Scholar award for advanced research and university lecturing…૨૦૧૯માં પસંદગી થતાં તેના કુટુંબ સાથે Spain, Italy અને તે ઉપરાંત visiting professor at University of Oxford, UKમાં રહેવાની તક મળી. દીકરાનો હંમેશા પહેલો કોલ અહીં આવે…ખુશીનો હોય કે તકલીફનો.
———
૧૧. ઓસ્ટિન, ટેક્સાસ. ૨૦૦૯
દીકરી-જમાઈના આગ્રહથી અમે ગમતાં હ્યુસ્ટનને છોડી, ૨૦૦૯માં ઓસ્ટિનમાં સંગીતાના નિવાસથી નજીક બંધાવેલા ઘરમાં રહેવાં આવ્યાં ત્યારે પૌત્ર કેતન દોઢ વર્ષનો હતો અને પછી દસ દિવસમાં અમારી પૌત્રી સુફિયાનો જન્મ થયો. પૌત્ર-પૌત્રીના બચપણનો ભરપૂર આનંદ લીધો. સંગીતાએ લગ્ન પહેલા પાંચ વર્ષ ધગશથી ડોક્ટર તરીકે કામ કર્યું હતું. પરંતુ બાળકો પછી સપ્તાહનાં સોળ કલાક જ કામ કરે છે. તેથી કોઈ દિવસ અમને પણ અતિભાર નહીં, અને તેમનાં જીવનમાં પણ કોઈ રઘવાટ નહીં. બાળકો સાથેના સમયને અમે ‘precious time’ ક્હીએ છીએ, baby-sitting ક્યારેય નહીં. દિલીપને જીવનમાં આટલું હસતા ક્યારેય સાંભળ્યા ન હતા. મૃદુલ-સંગીતાએ તેમના માતા-પિતાને આ જ પડોશમાં ઘર બંધાવી આપ્યું છે. આ રીતે, બન્ને બાળકો નજીકમાં રહેતાં દાદા-દાદી અને અમારી છાંયામાં ઊછરી ગયાં. નિશાળેથી તેમને ઘેર લઈ આવવા અને થોડા કલાક સાથે પસાર કરવા, તે સમય યાદ કરતાં દિલ ભરાઈ આવે છે. અમારાં માતા-પિતાનો સહવાસ અમારા બાળકોને મળ્યો નહીં…તેનું પુનરાવર્તન ન થાય તે વાતની દીર્ઘદ્રષ્ટિ સાથે અમે ઓસ્ટિન આવ્યાં; જે સૌથી ઉત્તમ નિર્ણય સાબિત થયો. ઓસ્ટિન હંમેશ માટે આવતાં પહેલા ચોકસાઈ કરેલી કે, જમાઈ સાથે ફાવશે કે નહીં! અને બહુ સરસ ફાવ્યું છે. સારા સંબંધોનું શ્રેય અમારા જમાઈને જાય છે.
ઊંચી ટેકરી પર ઘર, જ્યાંથી ખુલ્લા અવકાશમાં સવારે અરુણોદય જોઈએ અને સાંજે સૂર્યાસ્ત જોઈએ. કોઈ Resort પર જવાની જરૂર ન રહી.
Must Have Done …. Good
A house on a hill and a window to the sky,
In blue of my eyes I feel warm sunny sky.
Deep sleepy nights and bright dreamy days,
Delightful dawns play a symphony of rays.
A fistful of colors thrown all around space,
Raindrop shine through the rainbow lace.
Wild flowers rally on wonderland prairie,
White wild posies do dance with the fairy.
Most of all, the good attitude
Lets me live at a lovely latitude.
Holy hue humbles and hugs me in verse,
Have I done some good to due deserve!
—— ….કાવ્ય લખાઈ ગયું હતું.
ઓસ્ટિનમાં American Gateway સંસ્થા દ્વારા Asylum સેવાકાર્ય કરવાની નવી દિશા મળી. અસાઇલમ શોધતાં હિંદીભાષી નેપાલી અને પાકિસ્તાની સદસ્યોની translator તરીકે મદદ કરી, તે ઉપરાંત ગુજરાતી-અંગ્રેજી ભાષાંતરનું હજી પણ સેવા કામ કરું છું. એક કિસ્સો કહેવો જ પડશે. એક મુસ્લિમ દેશમાંથી ભાગી આવેલા ઓગણીસ વર્ષના છોકરા સલીમને લઈને સેવાર્થી વકીલ મારે ઘરે ચારેક બેઠક માટે આવેલી. સલીમ હિંદીમાં કહે અને હું કહું તેમ અંગ્રેજીમાં વકીલ તેનાં કમ્પ્યુટરમાં લખતી જાય. સલીમને પોતાના ઘરેથી ભાગવું પડ્યું હતું કારણકે તે Gay હતો. પણ પછી રાજકીય દૂશ્મનો થતાં અનેક દુવિધા સહન કરી અમેરિકામાં ઘુસ્યો હતો. રાજકીય સલામતી ન હોય તો જ આ દેશમાં રહેવાની પરવાનગી મળી શકે એ વાતની મને ત્યારે જાણ થઈ. ભલા નેપાલી સભ્યોને પણ પોતાનો પક્ષ મજબૂત કરવામાં મદદ કરી શકી તેનો સંતોષ છે.
મનગમતી પ્રવૃત્તિ, Bridge -card game રમવા માટે મેં જાહેરાત આપી અને અમે ચાર બહેનોએ મારા ઘરે સપ્તાહમાં બે સવારે રમવાનું શરૂ કર્યું. આ નાનીશી પ્રવૃતિ સમાજ સેવા બની ગઈ. મારી સાથે ૮૨-૮૫ વર્ષની બે બહેનો પોતે કાર ચલાવી રમવા આવતી. દીકરીના પરિવાર સાથે રહેતાં હોવાથી મારે ઘરે આવવું તે આશીર્વાદરૂપ હતું. બીજી બહેનો સાથે મિત્રતા જામતી ગઈ. નિયમિત મળવાથી મૈત્રીભાવે સુખ-દુઃખની વાતો સરળતાથી કરતાં અને જરૂર પડ્યે મદદ માંગતા. એમ કરતાં દસ વર્ષના અંતે બીજા મોટા બ્રિજ ગ્રુપમાં પરિચય-મિત્રતા વધતી ગઈ છે. બધા જ white-Americans છે. મારા પુસ્તકો અંગ્રેજી/ગુજરાતીમાં અને પછી બે અંગ્રેજી નવલકથા…પ્રકાશિત થતાની સાથે જ…કહું તે કિંમતથી સામેથી માંગીને બહેનો ખરીદી લેતી. આ મોટો તફાવત મેં જોયો. આપણા લોકો ડોલરનું નામ પડે કે ચોપડી ગરમ હોય તેમ નીચે મૂકી દે…આપણને પુસ્તક ભેટ આપવામાં વાંધો નથી, બસ જો, ખરીદવા જેટલો રસ બતાવે.
અરે! આજે હ્યુસ્ટનથી પ્રિતાનો ફોન આવ્યો, “સરયૂબેન, હું બરાબર છું. મારા દિકરાને એવોર્ડ મળ્યો તેનો ફોટો મોકલું છું.” બે વર્ષ પહેલાં, પ્રિતાને કોઈએ મારો નંબર આપ્યો ત્યારે તેનો રડતો ફોન આવ્યો હતો. નણંદ અને સાસુ તેના છ વર્ષના દીકરાને અળગો કરવા, પ્રિતાને ઘરકામમાં વ્યસ્ત રાખતાં અને પતિ તેણી નોકરી કરી ડોલર આપતી રહે, તેવી જબજસ્તી કરતો હતો. ઝગડો સાંભળીને દીકરો વ્યાકુળ રહેતો કે મા ઘર છોડી જતી રહેશે!! પ્રિતાએ એક વાર પોલીસને પણ બોલાવી હતી.
મેં તેને પ્રથમ શાંત અને શક્તિમાન વર્તન રાખવા કહ્યું. મારી જૂની ઓળખાણવાળા કાર્યકરોને પ્રિતાની દશાથી વાકેફ કરી, તેને રાત-દિવસ…જ્યારે પણ જરૂર હોય ત્યારે મદદ મળી શકે તેવી વ્યવસ્થા કરી આપી. પ્રિતા બે-ચાર મહિને મને પોતાના જીવનની સ્થિરતાના સમાચાર આપતી રહે છે. સ્ત્રી ફૂંફાડો બતાવે ત્યારે સામેનાં આપમતલબી-અવિચારી પાછા પડી જાય છે.
જીવનમાં મુશ્કેલી કોને ગણવી? મારી વ્યાખ્યા બહુ સરળ રહી છે. જેમ કે, ઘર છોડી નાની હોડીમાં ભાગવું પડે…કે એવી કોઈ હાડમારી થઈ હોય તેને. બીજી બધી મુશ્કેલીઓ નાની લાગે તેથી આજે સાતમાં દસકાથી પાછળ નજર કરતાં…પ્રેમ અને પ્રસન્નતા નજરે પડે છે. આમ જુઓ તો દરેક દસકે જાણે મારું કર્મ અનાયાસ બદલાતું રહેતું દેખાય છે.
દસકામાં વિભાજન
અવિરત આ જીવનમાં દસકાનું દર્પણ,
પ્રતિબિંબ અલગ કર્મ ક્ષેત્રને સમર્પણ.
શિશુકાળ પ્રેમાંગણ હસી ખીલ્યાં ચાતુર,
બીજા દાયકામાં, ચિત્ત ઉત્સુક ને આતુર.
ત્રીજા દસકામાં જીવન પૂર્ણ કળા ખીલ્યું,
ચોથામાં, ફૂલ મધુ ફળ બની વિલસ્યું.
પંચમ દસકામાં, અનુભવથી ગંભીર,
સેવા સમર્પણ ધ્યાન અંતર મંદિર.
છઠ્ઠા દસકામાં, પૌત્ર પૌત્રીની સંભાળ,
અદભુત આ આજ ગુંથે કાલની ઘટમાળ.
ગયા દાયકાઓ, પરછાઇ હું નિહાળું
પળની કોઇ પરિમલમાં મનને ઝબોળું
એક એક કર્મને મેં પૂર્ણતાથી માણ્યું,
શાંતિ-સંતોષ, સહજ એ જ મહેનતાણું.
——-
નિવૃત્તિની તૈયારી ચાલીસીથી થઈ ગઈ હતી. અમારાં બાળકો કોલેજમાં ભણવાં ગયાં ત્યારથી અમે બંને રોજ એકાદ કલાક રજનીશ કે બીજા મહાગ્રંથો સાથે વાંચતાં. અમારા પ્રિય મોટા ભાઈ, કિરીટભાઈ ભારતથી આવે ત્યારે સવારના નાસ્તા પછી બાર વાગ્યા સુધી અને સાંજે પણ, પાતાંજલી અને ગીતાનો અભ્યાસ કરવા બેસી જતાં. આમ મારો અને દિલીપનો માનસિક વિકાસ સમાંતર થયો. તેનો કૃષ્ણમૂર્તિ અને scientific spiritualityમાં અભ્યાસ મારા કરતા ઘણો વધારે છે. તેની ચિત્રકલા અને મારા સાહિત્ય સર્જનમાં એકબીજાને રસ અને સમજ, તેથી સખત ચકાસણી થતી રહે છે. શાસ્ત્રીય સંગીત નિયમિત સાથે સાંભળવું એ પણ અહોભાગ્ય છે. સહજીવનમાં સ્વતંત્રતા અને સંવાદિતાનું સંતુલન અમુક અંશે લાવી શક્યા છીએ.
હું વતન માટે હજુ સુધી મોટી સેવા નથી કરી શકી તેનો વસવસો છે, તે આવતા વર્ષોમાં દૂર કરીશ. અંતમાં તો, આપણી નાની દુનિયા…જ્યાંથી આત્મસુખનો ઉદય – વિલય થયા કરે. આપણા સ્વજનો સાથેનું વર્તન-પ્રતિવર્તન (action-reaction) જીવન વ્યવસ્થા નક્કી કરે છે. આપણે નસીબ કે સંજોગોનો અનુકૂળતા પ્રમાણે આધાર લઈએ, પરંતુ પોતાની બુદ્ધિશક્તિ પ્રમાણે આપણી જીવન કેડી આલેખાય છે. સાથી સાથે સંવાદિતા હોય તો જીવનમાં અસાધ્ય સંઘર્ષ ‘નથી આવ્યો’ તેવી લાગણી થાય.
જીવન સાઇકલ
જીવન કેરી સાઇકલના, હું ને તું બે પૈડા,
એકમેકની આગળ-પાછળ સંગાથીના હઇડા.
રોજ રોજની રામાયણમાં મુજને ટેકો આપે,
વેરાયેલી લાગણીઓને તું સંકોરી રાખે.
ચઢાણ ઊંચું, ખડબડ રસ્તો, જ્યારે મુશ્કેલ લાગે,
ઉતાવળે જો આગળ ખેંચું, બ્રેક દઈ સંભાળે.
ખેંચતાણ ને અડતલ સમતલ પૈડા ફરતાં જાયે,
કસીકસીને સો ટચ સોનું મને કરી ઝળકાવે.
———