સિટી વિનાના સિનયર સિટિઝન

લોગઈન:

અહીં અમેરિકામાં નિવૃત્ત થયેલી
વૃદ્ધ થતી જતી વ્યક્તિઓની આંખમાં
એક જ પ્રશ્ન ડોકાયા કરે છે: હવે શું?

ભારત જઈ શકાય એમ નથી
અમેરિકા રહી શકાય તેમ નથી
સંતાનો તો ઊડીને સ્થિર થઈ ગયાં
પોતપોતાના માળામાં

અમે બધા
સિટી વિનાના સિનિયર સિટીઝન.
અમે છાપાં વાંચીએ – પણ કેટલાં?
અમે ટેલિવિઝન જોઈએ – પણ કેટલું? ક્યાં લગી?

સ્થિર થઈ ગયેલો સમય અસ્થિર કરી મૂકે છે અમને – અમારા મનને.
સસલાં અને ખિસકોલીની જેમ દોડતો સમય
અચાનક કાચબો થઈ જાય ત્યારે
એ અવતારને શું કહેવાય?

– પન્ના નાયક

સરળ ગદ્યમાં લખાયેલી આ કવિતા સઘન પીડા રજૂ કરે છે. ખાસ કરીને પોતાનું વતન છોડીને વિદેશમાં સ્થાયી થયેલા લોકો જીવનભર પોતાનું અસ્તિત્વ ટકાવવા મથ્યા કરે છે. સંતાનો, નોકરી, અને રહેઠાણને સાચવવા વલખાં માર્યાં કરે છે. નવો દેશ, નવી જગ્યા, નવી રીતભાતમાં પોતાની જાતને ગોઠવવાની મથામણો જિંદગીભર રહે છે. ઘરથી ઓફિસ, ઓફિસથી ઘરની દોડધામમાં ક્યારે જીવનની સાંજ સુધી પહોંચી જવાય છે ખબર નથી રહેતી. બેફામ સાહેબનો શેર છે-
બેફામ તોય કેટલું થાકી જવું પડ્યું,
નહીંતર જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.

જિંદગીનાં એન્ટ્રી એક્ઝિટનાં દ્વાર બે જ છે, એક જન્મ અને બીજું મૃત્યુ. આ બંનેની વચ્ચેના બધા ડખા છે.

કવયિત્રી પન્ના નાયક વર્ષોથી અમેરિકા રહે છે અને જીવનની અનેક તડકીછાંયડીઓ તેમણે એ ભૂમિ પર જોઈ છે. ઉંમરના ઊંચા શિખરે ઊભેલા આ કવયિત્રીએ એટલે જ પોતાની અનુભૂતિજન્ય પીડાને કવિતામાં ભારોભાર ઉતારી છે. આ પીડા માત્ર એમની જ નહીં, વિદેશમાં વસતા દરેક નિવૃત્ત નાગરિકની હશે. અમેરિકામાં જ્યાં સુધી નોકરી હોય ત્યાં સુધી સમય ક્યાં પસાર થઈ જાય છે, ખબર નથી પડતી, પણ જેવી નિવૃત્તિ આવે કે તરત જાણે વૃત્તિ પર તાળાં લાગી જાય છે. અત્યંત વ્યસ્ત રહેતી જિંદગી અચાનક થંભી જાય છે. ત્યારે રસ્તો સમાપ્ત નથી થયો હોતો, પણ આગળ વધવાનું કારણ સમાપ્ત થઈ ગયું હોય છે.

પછી પહેલીવાર સમજાય છે કે વ્યસ્તતા માત્ર કામ નહોતી; વ્યસ્તતા તો પોતાને જીવંત રાખતી એક ગુપ્ત વ્યવસ્થા હતી. કામ માણસને થકવતું નથી હોતું, બચાવતું હોય છે. જવાબદારીઓ આપણને ઝુકાવતી નથી, જાળવી રાખે છે. વિચિત્ર વાત તો એ છે કે માણસ જિંદગીભર આરામની ઇચ્છા રાખે છે, પણ જ્યારે આરામ કરવાનો સમય આવે ત્યારે એ જ આરામ અસહ્ય લાગે છે. વિદેશી ભૂમિ પર તો વિશેષ. કેમ કે ત્યાં એવું મિત્રવર્તુળ નથી હોતું કે જેમની સાથે રોજ સાંજે ટોળટપ્પાં કરીએ, ગપ્પાં મારીએ, વીતી ગયેલી જિંદગીને વાગોળીએ. સફળતા-નિષ્ફળતા, ગમા-અણગમાની વાતો વવહેંચીએ. તે વખતે એક જ પ્રશ્ન આંખમાં ડોકાયા કરે છે, હવે શું?

આવું થવાનું કારણ મોડા સમજાય છે, કેમકે અગાઉ આ ‘હવે’ વિશે ગંભીરતાથી વિચાર્યું જ નથી હોતું. વર્ષો સુધી જે ભૂમિ પર રહ્યા હોઈએ, જે ભૂમિએ રોટલો અને ઓટલો આપ્યો હોય, આશરો અને ઇજ્જત આપ્યાં હોય એ જ ભૂમિ પરનો વૃત્તિ વિનાનો સમય ભારેખમ લાગે છે. એ વખતે સાંભરે છે બાળપણ, જૂના મિત્રો, ભૂતકાળમાં જિવાઈ ગયેલા આનંદ અને શોક. પરંતુ એ બધું વ્યક્ત કરવું ક્યાં, કોની પાસે, ક્યારે? આ વ્યથા અસહ્ય હોય છે, નથી કહી શકાતી, નથી સહી શકાતી.

ક્યાંક એકલા બહાર નીકળીએ ત્યારે રસ્તા પરિચિત હોવા છતાં અજાણ લાગે છે. સુવિધાઓ હોવા છતાં, દુવિધા અનુભવાય છે, સગપણમાં સુગંધ નથી દેખાતી. તે વખતે થાય છે કે ચાલો બિસ્ત્રાપોટલાં બાંધીને વતનની વાટ પકડી લઈએ. પણ વતન હવે પહેલાં જેવું નથી. જેને છોડીને આવ્યા હતા એ ગામ, એ સ્થાન, એ મિત્રો, એ લોકો, એ હૂંફ બધું જ બદલાઈ ગયું છે. વતન જવાય તેમ નથી, અહીં રહેવાય તેમ નથી.

માણસ ખરેખર તો વતનને નહીં, પોતાના ભૂતકાળને પાછો મેળવવા માંગતો હોય છે, અને ભૂતકાળ દુનિયાનો એકમાત્ર એવો દેશ છે જેનો કોઈ વિઝા નથી. ન ત્યાં કોઈ વિમાન જાય છે, ન વહાણ. ત્યાં માત્રને માત્ર યાદોની પવનપાવડીમાં બેસીને જઈ શકાય છે.

કદાચ જીવનના અંતિમ પડાવે પહોંચીએ ત્યારે ભૂતકાળ વિશે જેટલા વિચાર આવે છે, તેટલા ક્યારેય આવતા નથી. ત્યારે જ સમજાય છે કે જીવનનો અર્થ સિદ્ધિઓમાં નહીં, સહજ સ્વીકારમાં છે. એ પણ સમજાય છે કે સમય કાચબા જેવો ક્યારેય હતો જ નહીં, માત્ર આપણી ગતિ ધીમી પડી છે.

લોગઆઉટઃ

તું મને પાલવનું ઈંગ્લિશ પૂછ મા,
અહિંયા આંસુ ટિશ્યૂથી લૂંછાય છે.
– અદમ ટંકારવી

(ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કોલમ ‘અંતરનેટની કવિતા’ લેખના સૌજન્યથી, સાભાર.)

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.