દરિયાનો લાલ: પ્રકરણ: ૩ (ગુણવંતરાય આચાર્યની જીવનકથા) ~ લે. વર્ષા અડાલજા

પિતાનું જ્ઞાતિમાં ગનુભાઈના હુલામણા નામે લાડકું નામ. સત્તર-અઢારની વયે જામનગરનાં પુસ્તકાલયોનાં ઘણાં પુસ્તકો વાંચી તો નાંખ્યાં પણ પુસ્તકનું આખેઆખું પાનું જ મગજમાં છપાઈ જાય એવી અજબ સ્મૃતિ. એમ એમના જ્ઞાતિમિત્રો લખે છે પણ અમને તો જાત અનુભવ!

એ સમયનાં ઘરોમાં ટેબલ-ખુરશી તો હોય નહીં. ઘરમાં એક પલંગ હોય જૂનો અને એક ચટ્ટાઈ, કોઈ આવે ત્યારે પાથરવાની. પિતાએ ઘેરાતાં વાદળ અને વીજળી સ્ટીમરની જળસમાધિની ચાલુ વાર્તાઓ લખેલી, જમીન પર ઊંધા સૂતાં-સૂતાં. જ્ઞાતિના હસ્તલિખિત માસિકમાં સાહિત્યનો એકડો ઘૂંટ્યો.

જામનગરના રાજમાર્ગ પર ઊઘડતી સવારે કે નમતી સાંજે છ ફૂટ ઊંચા, ખડતલ કાયાના, અલગારી યુવાનને હાથમાં ઉઘાડું પુસ્તક લઈ વાંચતાં-વાંચતાં ચાલ્યો જતો જોતાં લોકોને અચરજ થતું. આવું દૃશ્ય ક્યારે દીઠું હોય!

મનમાં રમૂજ પણ થતી હશે, પણ ત્યારે કોને કલ્પના હશે કે આ યુવાન, ગરીબાઈમાં ભીંસાતો પણ ખમીરવંતો, વાચનભૂખ્યો એક દિવસ દરિયાનો લાલ બની અનેક સાગરકથાઓમાંથી રત્નો શોધી ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કરશે! સૌરાષ્ટ્રના શાહસોદાગરોનાં સાહસોને શબ્દદેહ આપશે! સૌરાષ્ટ્રનાં સંતો અને સતીઓને, ઇતિહાસનાં વિસરાયેલાં પાત્રોને સંજીવની છાંટી સૌરાષ્ટ્રની પુરાતન સંસ્કૃતિને પુનર્જીવન આપશે! 

જ્ઞાતિને ઓટલે રાત્રે જુવાનિયા ગોઠડી માંડે ત્યારે વાતો થાય, આ આપણો ગનુ કોકદાડો નામ કાઢશે, હોં!

*

આર્થિક કારણસર કૉલેજ છૂટી અને ૧૯૧૯માં બગસરાના શુક્લ પરિવારની પુત્રી નિર્મળા સાથે તેમના (પ્રથમ) લગ્ન થયાં.

આ સમયે બગસરામાં ઝવેરચંદ મેઘાણી સાથે આકસ્મિક પહેલી મુલાકાત થઈ એનું વર્ણન મારા પિતાએ, મેઘાણી સ્મૃતિ અંક (પ્રકાશક- બગસરા વિકાસ સમિતિ, સંપાદકો- ચુનીલાલ મડિયા, ગુણવંતરાય આચાર્ય- કિં.રૂ. 3)માં લગભગ પચ્ચીસ જેટલા લોકોએ મેઘાણી માટે અંજલિલેખો લખ્યા છે. `સ્વ. બાપુ’ લેખ પિતાએ લખ્યો છે, જ્યારે ન એ બાપુ હતા, ન મારા પિતા પ્રખર પત્રકાર અને લેખક.

બાપુ સાથે પહેલી મુલાકાત થઈ 1920માં. એ બગસરાના વતની અને પિતાનો શ્વશુરપક્ષ પણ ત્યાં જ. રાજવૈદ ગિરધરલાલ શુક્લના મેઘાણી પરમમિત્ર અને પિતાના કાકાસસરા. એ બીમાર પડ્યા કે ગિરધરભાઈ એમને બગસરા દવા કરાવવા લઈ આવ્યા. બગસરામાં જૂના માટિયાળ મકાનમાં ગિરધરભાઈ રહે, મેઘાણીનું આ મકાન, શુક્લ એમાં ભાડેથી રહે. પિતા લખે છે : 

“એક દિવસ સાંજનાં લાલઘૂમ આંખોવાળો, વાંકડિયા જુલફાંવાળો પચ્ચીસેક વર્ષનો ભરાવદાર શરીરનો જુવાન જોરથી બારણામાંથી આવ્યો ને ખાટ પર બેઠો. એક પગ વાળીને બીજા પગેથી ખાટે હીંચતો. એક હાથ લાંબો કરીને એના પર શરીરનો ભાર તોળીને ઉમંગથી એ હીંચકો ખાવા માંડ્યો.”

`બાપુ’નું આ સૌથી પહેલું દર્શન.

“કેમ હમણાં શું ચાલે છે? કેટલી શાહી બગાડી અને કેટલા કાગળ મોંઘા કર્યાં?” ગિરધરભાઈએ પૂછ્યું.

“તમે દવા બગાડો, હું શાહી બગાડું.”

“એ તો ઠીક, હમણાં શું લખો છો?”

“ `ઉમા’ પૂરું કર્યું.”

આજે આ સંવાદ મને અક્ષરેઅક્ષર યાદ આવે છે, એમાં આમ તો કંઈ મહત્ત્વનું નથી પણ સ્વ. બાપુએ પચ્ચીસમે વર્ષે `ઉમા’ નામે કંઈક લખ્યું હતું, જે હજીયે અપ્રગટ જ રહ્યું હતું, એમ લાગે છે એમના પ્રસિદ્ધ થયેલા ગ્રંથોમાં `ઉમા’ નામનું કોઈ પ્રકાશન નથી. જો મહેન્દ્ર શોધી કાઢી એનો જીર્ણોદ્ધાર કરે તો બાપુની આરંભની કૃતિનો પરિચય થાય.”

ત્યારે મેઘાણી અને પિતાને સહેજેય ખ્યાલ ક્યાંથી હોય કે ભવિષ્યમાં બંને સાથી પત્રકારો બની જાનને જોખમે ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમની અનોખી શરૂઆત કરવાના છે? સાથે કામ કરતા ગાઢ મિત્રો બનવાના છે!

કાલ કોણે દીઠી છે!

*

જીવનસફર હજી ઊબડખાબડ રસ્તે જ ચાલી રહી હતી. જમીન પર પગ ખોડીને ઊભા રહેવાય એવો કોઈ જ મુકામ ન હતો. ન ક્યાંય ઠરવાનું ઠેકાણું. અંદર ઊંડે-ઊંડે પત્રકાર અને લેખક બનવાનો તણખો અવળા સંજોગોની રાખમાં ઢબૂરાઈને પણ ઝબકી જતો હતો.

પિતાનું અવસાન અને મોટા ભાઈ મહાશંકરભાઈની ફરી બદલી થઈ અમદાવાદ. પહેલાં પિતા અને પછી મોટા ભાઈની છાયામાંથી બહાર નીકળી પોતાના સંસારની જવાબદારી ઉપાડવાની હતી. પિતા રમૂજમાં કહેતા, એક તોલડી તેર વાનાં માગે. `આટા લાઓ કે તવડિયાં જલતી હૈં!’

મનમાં પ્રબળ ઇચ્છા પત્રકાર બનવાની પણ કોણ કામ આપે? અખબારી આલમનો અનુભવ તો ન હતો. હા, હાથ ચડે ત્યાંથી પુસ્તકો વાંચવાનું ચાલુ, ખાતાં-પીતાં અને ચાલતાં પણ. આમ તો ઘરમાં કે આસપાસ સાહિત્યપ્રીતિનું વાતાવરણ ક્યાં હતું? પણ સ્વભાવે રૂઢિભંજક અને જુનવાણી પરંપરાગત આચાર-વિચાર વ્યક્તિના વિકાસને રૂંધે છે, એવું દૃઢપણે માને એટલે `આગુસે ચલી આતી હૈ’ જેવા રીતિરિવાજો પ્રત્યે નફરત.

`નાગરબ્રાહ્મણ યુવક મંડળ’ સ્થાપી જ્ઞાતિ સુધારણાની પ્રવૃત્તિઓ કરતા, હસ્તલિખિત સામયિક એ ઉદ્દેશથી શરૂ કરેલું. પત્રકાર-લેખક થવાનું બીજ અહીં રોપાયું.

આર્થિક ભીંસની સખત રૂંધામણ. જે મળે તે કામ હાથ પર લઈ લે. જુદી-જુદી ટેક્સ્ટાઇલ મિલોમાં કામ કર્યું, ઘેર-ઘેર છાપાં વેચ્યાં, કંઈ કેટલી નાની નોકરીઓ કરી, પાર વગરની; પણ માંડવીના દરિયાકિનારે દરિયાદેવને દીધેલો કૉલ સતત સાંભરે.

એ સમયે `ગ્રામસ્વરાજ’ નામનું અઠવાડિક 1921-22માં ગુજરાત ગ્રામમંડળના મુખપત્ર તરીકે અમદાવાદથી પ્રગટ થતું હતું. તેમાં કામ કર્યું. 

સન 1923ના અરસામાં નંદલાલ બોડીવાળાએ અમદાવાદ સારંગપુરમાં કોટની રાંગે પોતાનું પ્રેસ `સંદેશ’ નામનું દૈનિક શરૂ કરેલું. તેના તંત્રી રામરાય મુનશી.

એક દિવસ સવારમાં મારા પિતા `સંદેશ’ની ઑફિસમાં પહોંચી ગયા. બહુ રાહ જોઈ ત્યાં નંદલાલભાઈ આવ્યા.

“ભાઈ, કોણ છો? તમે ક્યાંથી આવો છે?”

“મારું નામ ગુણવંતરાય આચાર્ય. સાહેબ, મારે પત્રકાર થવું છે, પ્રેસમાં કામ કરવું છે.” 

ખોટમાં ચાલતા અખબારને વળી નવો પત્રકાર ક્યાંથી પરવડે! એમણે આ અણઘડ દેખાતા જુવાનને મુનશીને ભળાવ્યો. મુનશી લખે છે,

“યુવાનને નખશિખ નિહાળ્યો, એનું થાકેલું મોં અને શરીર. મુસાફરીથી મેલાં ચૂંથાયેલાં કપડાં, પણ આંખમાં ઉમંગ અને ખંતની આભા સ્પષ્ટ હતી.”

“ક્યાં ઊતર્યા છો?”

તો પોતાની સાથેની એક કંતાનની જૂની નાની થેલી બતાવીને કહ્યું,

“અહીં આવીને હું સીધો પ્રેસમાં જ ગયો, ત્યાં દાતણ-પાણી કરાવી ચા પાઈ. આ થેલી મારો સામાન.”

ઊર્મિભર્યા એક પત્રકારને નકાર કહેવી તેના ભવિષ્ય માટે ઠીક નહીં, તો રસ્તો શો કાઢવો?

આખરે મહેનતાણા રૂપે સારંગપુરની લૉજમાંથી મહિનાની જમવાની કૂપનો આપી. પ્રેસમાં રહેવાનું, લેખો લખવાનું કામ સોંપ્યું. લખાણ ઉપયોગી થાય તો જ લેવાનું. આ વ્યવસ્થા માત્ર એક મહિના પૂરતી એય ચોખવટ મુનશીએ કરી દીધી. પછીની તમારી વાત પ્રભુ જાણે.

બસ, મહિનો તો મહિનો. સોનાનો. મેટર કમ્પોઝ કરવું, પ્રૂફરીડિંગ બધું શીખવા માંડ્યું. આખો દિવસ કામ, લૉજમાં જમવાનું અને રાત્રે છાપાં પાથરી પ્રેસમાં ભોંય પર સૂવાનુંં. મહિનાની જાણે અખબારની વર્કશૉપ પછી ત્યાંથી નીકળી જવું પડ્યું. ૨ઝળપાટ તો કોઠે પડી ગઈ હતી.

એ વાતને વર્ષો વીત્યાં. પિતા ગુણવંતરાય આચાર્ય તરીકે લોકપ્રિય અને પ્રખ્યાત બન્યા. ત્યારે રામરાય મુનશી લાંબા લેખને અંતે લખે છે,

`હું મુંબઈમાં તેમના ઘરે ગયો ત્યારે તે મને ભેટી પડ્યા અને અમે નિરાંતે બે કલાક વાતો કરી. સ્નેહાળ, સરળ અને શુદ્ધ હૃદયના ગુણવંતરાયને હું ભૂલી નહીં શકું.’

સમયનું ચક્ર કેવું ઘૂમતું રહે છે! 

(ક્રમશ:)

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.