એ ચીંધાયેલી આંગળીઓ (વાર્તા) ~ સુષમા શેઠ
સાશાએ મિલન કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટીનું ફોર્મ ભરીને સામેની તરફ સરકાવ્યું. ભરેલી વિગતો ચકાસતી નજર ફરતીફરતી નીચે ગઈ. મેરિટલ સ્ટેટસના ચોકઠામાં લખ્યું હતું: ‘અનમેરિડ’. એ કાળા અક્ષરો આંખમાં ખૂંચતા હોય તેમ ફ્લેટના માલિકે ચશ્મા ઊંચીનીચી કરી અમસ્તો જ ખોંખારો ખાધો અને પોતાની પત્ની તરફ જોયું.
માથે શિંગડા, બે પૂંછડી, ત્રણ હાથ અને ચાર પગવાળા કોઈ વિચિત્ર પ્રાણીને જોઈ રહ્યા હોય તેવી રીતે એ સાશાને તાકી રહ્યા.
”સોરી, અમે એકલી સ્ત્રીઓને ઘર ભાડે નથી આપતા.” સપાટ સ્વર સાશાને કાને અથડાયો.
જાણે ફરી એકવાર મોઢા પર બારણું પછડાયું. કોઈએ ધક્કો માર્યો હોય અને એ ઊંડી ખીણમાં ધકેલાઈ ગઈ હોય એવું તેને લાગ્યું. આસપાસ અંધારું જ અંધારું. એ નીચેની તરફ ફંગોળાતી હતી. એણે બહાર નીકળવા હવાતિયાં માર્યા. ‘હાથ ઝાલનાર કોઈ જ નહીં?’ મનમાં ઊઠતા વિચારો પણ આમતેમ ફંગોળાયા.
મમ્મી-પપ્પા, ભાઈ-ભાભી, બહેન-જીજાજી, મામા-મામી, માસા-માસી, કાકા-કાકી, ફોઈ-ફુઆ ઉફફફ… પર્વતની ટોચે ઊભેલાં બધાં જ એને જોયા કરતા હતા. એમના રચેલા સમાજમાં એ દાખલ નહોતી થઈ શકી. એ બહિષ્કૃત હતી. દોરીને રખાયેલા વર્તુળની બહાર હતી.
એ હતી માત્ર સાશા. ઓળખ? અપરિણીત! ન આગળ મિસિસનું ફૂમતું ન પાછળ પતિની અટકનું લટકણિયું. પોતાના કોરા કપાળ જેવી જ એ કોરીકટ હતી. વંટોળની માફક ફરી એક વિચાર આવીને સમગ્ર અસ્તિત્વને હચમચાવી ગયો, ‘શું અપરિણીત હોવું એ ગુનો છે?’ એ ત્યાંથી ત્વરિત ઊભી થઈ ગઈ.
સાશાને થયું, એના પગ ઢીલા થઈ રહ્યા છે. એ પરસેવે રેબઝેબ. આજેય એને ઊંઘની ગોળી ગળવી પડેલી. અડધી રાતે એ ઝબકીને જાગી. પોતાના સૂના ઓરડાના સિંગલ-બેડ પર એ એકલી જ હતી. એણે પથારીની ચાદર પર હાથ ફેરવ્યો. હાથમાં કશું જ ન આવ્યું.
“ના રે બાબા! જુવાનજોધ વળી એકલી સ્ત્રીની જવાબદારી કોણ લે? કાલે ઉઠીને કંઈ આડુંઅવળું થાય તો? ખબર નથી? જમાનો કેવો ખરાબ છે.” સાશાની પીઠ પર શબ્દો અફળાયા. કશુંક ચચર્યું અને પછી શમી ગયું. હવે તો કાનને આવું સાંભળવાની ટેવ પડી ગઈ હતી.
એકલી… એકલી… ત્રણ અક્ષરનો એ શબ્દ એનો પીછો નહોતો છોડતો. હૃદયમાં ટીસ ઉઠી. ભીતર કશુંક તૂટતું હોય તેવું લાગ્યું. એને તાકી રહેતી અનેક નજરોમાંથી એના સ્વમાનને વીંધી નાખતો એક જ સવાલ તીરની માફક છૂટતો અને એને પીંખી નાખતો; “શું? એ હજુય પરણી નથી? ઉંમર તો…”
હા, સાશા કદાચ પરણવાની ઉંમર વટાવી ચૂકી હતી. લાંબા વાળની એકાદી લટે શ્વેત રંગ પકડવા માંડેલો છતાંય એણે કમર પર ચરબીના થર જામવા નહોતા દીધાં. ચહેરા પર હજુય એવી જ કુમાશ અકબંધ હતી. એના કુંવારા દેહનું લાલિત્ય જળવાઈ રહ્યું હતું. લોકોની નજર સહાનુભૂતિ વરસાવતી ત્યારે એ અચાનક બિચારી બની જતી અને એના રૂપાળા ચહેરા પર કડવાશ આવીને અડ્ડો જમાવતી.
“તારા જેવડી હતી ત્યારે તો હું બે છોકરાની મા બની ગયેલી.’ ફોઈ સંભળાવતા હોય તેમ બોલેલા અને એણે ચૂપચાપ સાંભળી લીધેલું. એ મનોમન બબડી, ‘પછી એ છોકરાઓને મોટા કરવામાં, ઉજાગરા વેઠીને ઉછેરવામાં, ભણાવવામાં શરીરથી અને પૈસેટકે પણ ઘસાતી ગઈ.’
”બેટા, હજુય વિચારી લે. બીજવર છે. પત્ની કોરોનામાં ગઈ. એક જ દીકરી છે. એય દસેક વર્ષની. બીજી કોઈ પળોજણ નથી. સારું કમાય છે.”
”સારું તો હું પણ કમાઉં છું ને મમ્મી? કેટલી વાર કહું? મારે મેરેજ કરવા જ નથી. તમને માથે પડું છું નહીં? બોજ છું.”
“એવું શું બોલે છે? તું દીકરી છે મારી.”
“હા, દીકરી છું માટે જ.” સાશાએ દીકરી શબ્દ પર ખાસ ભાર આપ્યો. ‘રી’ને સ્થાને ‘રો’ હોત તો વાત કંઈક જુદી જ હોત. માત્ર એક કાનામાત્રાનો જ ફેર.
“મનમાં એક ભાર રહે છે. તું લાઈફમાં સેટ થઈ જાય અને તારું ઠેકાણે પડી જાય તો મનને રાહત રહે. અમે તો માવતર. આજે છીએ અને કાલે નહીં રહીએ. પછી તારા ભાઈભાભી ક્યાં સુધી…?” ઘૂંટાઈ ગયેલા વાક્યો ફરીથી ઘૂંટાયા.
“લગ્ન કરું એટલે બધું ઠેકાણે પડી જાય એમ? હું ઠેકાણે પાડવાની વસ્તુ છું? તેં મારા પપ્પાને પરણીને શું કાંદા કાઢ્યા?” સાશાના સણસણતા સવાલ સામે જયાબહેન સમસમીને મૌન થઈ જતા.
“કજોડું કોને કહેવાય એ તને બરાબર ખબર છે ને મમ્મી? અમારા માટે? બાળકો માટે તેં મારા પપ્પાને ન છોડ્યા? વાહિયાત માન્યતાઓમાં બંધાઈને તું તદ્દન વાહિયાત જીવન જીવે છે.”
સાશાના આગ ઓકતા શબ્દો જયાબહેનને દઝાડતા રહ્યા. નાનીનાની વાતે પતિનો અહમ ઘવાતો. એ ક્રોધ વરસાવતા અને અવારનવાર પત્ની પર એમનો હાથ ઉપડી જતો એ સાશાથી ક્યાં છાનું હતું? એ બબડતી, “નબળો વર બૈરી પર શૂરો.”
“સુજાતનું ઘર વસી ગયું. સીમા પણ પરણીને ઠરીઠામ થઈ ગઈ. બસ સાશા પરણી જાય એટલે ગંગા ન્હાયા.” જયાબહેનને ફોનમાં બોલતાં સાંભળેલા.
સાશાને ઓગણીસમું બેઠેલું ત્યારથી છોકરાઓ પર નજર નખાતી તે છેક ઓગણત્રીસની થઈ ત્યાં સુધી એ સિલસિલો અવિરત ચાલતો રહ્યો. જેમ જેમ ઊંમરનો આંકડો વધતો ગયો તેમ તેમ સામેથી આવતા માંગાનો આંકડો ઘટતો ગયો.
“છોકરીમાં જ કોઈ ખોટ હશે.” વાતો વહેતી થઈ. પછી તો વિધુર પુરૂષો પર પણ નજર ફેરવાઈ ગઈ પણ સાશા એકની બે ન થઈ.
એની તરફ ત્રાંસી નજર કરી બોલાતું, “મેરેજ નથી કર્યા. પાંત્રીસની થઈ ગઈ. ક્યાંય જામ્યું નહીં બોલો એટલે હવે કહે છે, મેરેજ કરવા જ નથી.” મસાલેદાર વાત. એમાં મીઠું મરચું ભભરાવવાથી સ્વાદિષ્ટ વાનગી તૈયાર થતી. કાનાફૂસી. ગુસપુસ. ફુસફુસ. આશ્ચર્ય. અરરર. આધાત. દયા. હાય હાય. હમદર્દી. ટોણા. રમૂજ. વ્યંગ. અમથે અમથો વાણીવિલાસ. ગામગપાટા. ચૌવટ. સલાહો. શીખામણો. જ્યોતિષ. પૂજા…
”ઓહો એમ?”
“હા નથી કર્યા અને નથી જ કરવાની. તમને કંઈ પ્રોબ્લેમ છે?” એકવાર સાશા વિફરેલી પણ કેટલાને મોઢે ગરણું બાંધવા જાય? પછી તો સાશાની હરણીશી આંખોમાં ઘૂરકતી વાઘણ આવીને બેસી ગઈ.
“આમ તો સુંદર મજાની દેખાવડી છે.”
“કહે છે નથી પરણવું.”
“કંઈક લફરું હશે. આ આજકાલની છોકરીઓ! લિવ ઈન ને એવું બધું. આઝાદી જોઈએ છે. બંધનમાં નથી બંધાવું. લગ્ન કરે તો માથે જવાબદારીઓ તો લેવી પડે ને?”
“હા, બેજવાબદાર છું.” પોતાનો રૂમ બંધ કરીને એ ઊંઘની ગોળી ગળી ગઈ અને આડી પડી. ઊંઘ બધું દૂર કરે છે. થાક, હતાશા, ગુસ્સો અને ચીડ. કોલેજની કડવી યાદોને પણ; મયંકને પણ.
“સોલો ટ્રીપ પર જાઊં છું. તને તો ફરવું ખૂબ ગમે સીમા, આવવું છે?”
“હા દીદી પણ તારા જીજુ…” એક નિસાસો અને અવાજમાં અણછતી પીડા ફૂટી નીકળી, “તું જા. મોજ કર. તારે ક્યાં ઘરબારની ચિંતા?” એ કટાક્ષ હતો કે છૂપી ઈર્ષા? સીમા સાથે એ ફોનમાં વાતો કરતી ત્યારે પાછળ જીજાજીના કર્કશ અવાજો સંભળાતા, “મારા શર્ટને ઈસ્ત્રી નથી કરી? ફોન મૂક ઈડિયટ. મને નાસ્તો આપ. મોડું થાય છે. તારી બેન તો નવરી છે. એને શું?”
‘મારે શું? સંબંધોમાં સ્વાર્થ તો હોવો જોઈએ ને?’ સાશા ખડખડાટ હસી પડી, “હા, મારે ક્યાં કોઈ ચિંતા? હું એકલી. સિંગલ. અનમેરિડ. અવેલેબલ. હજુય કદાચ કુંવારી? વાંઢી, છડેછડી.”
સ્ત્રીને માપવાનું એક જ માપદંડ! લગ્ન. ફરી પેલા શબ્દએ એને ઘેરી લીધી, “એકલી… એકલી…”
અને એ નીકળી પડી; એકલી જ. મનગમતા સ્થળે, આ બધા જમેલાથી દૂર. સુંદર હિલસ્ટેશન હતું અને એ જાણે વાદળોમાંથી પસાર થઈ રહી હતી. આસપાસ લીલીછમ વનરાજી અને ખળખળ વહેતાં ઝરણા. મન સાતમા આસમાને.
“અઠવાડિયા માટે એક સિંગલરૂમ મળશે?”
“એકલા જ છો?”
“એની પ્રોબ્લેમ?” સાશાના અવાજમાં ખારાશ ભળી.
“નો મેડમ. રૂમ અવેલેબલ છે. યોર આઈ-કાર્ડ પ્લીઝ.”
પોતાના રૂમમાં જઈ ફ્રેશ થઈને એ બહાર નીકળી. કેવું રમણીય સ્થળ! હાથમાં ગરમાગરમ કોફીનો મગ લઈને શીતળ હવાની ઠંડક માણતી એ લાકડાની બેંચપર બેઠી. એણે પોતાની જાતને સૂર્યાસ્ત માણવામાં પરોવી દીધી. એનું મન ગણગણ્યું, “અકેલે હૈં તો ક્યા ગમ હૈ? ચાહેં તો હમારે બસ મેં ક્યાં નહીં…”
“હાય. પરેશ હીયર. આઈ એમ અલોન. આઈ થીંક યુ ટૂ. નીડ કંપની. આર યુ અવેલેબલ ટુનાઇટ?” અજાણ્યો પૌરૂષી અવાજ સાંભળી એ ચોંકી. પેલો હાથ લંબાવીને ઊભેલો.
“હાવ ડેર યુ?” સાશાને થયું હાથમાં પકડેલો કૉફીનો મગ પેલાના માથા પર પછાડે. ‘યુવતી એકલી હોય એટલે અવેલેબલ હોય? શું સમજે છે આ પુરુષો એમના મનમાં?’ સાશાના ગળા સુધી એક ગંદી ગાળ આવીને પાછી વળી ગઈ. “અહીંયા પણ…” બબડતી એ ત્યાંથી ઊભી થઈ ગઈ. ફરી એ જ અનુભવ. એને થયું, એ જમીન પર પછડાઈ પડી છે. તદ્દન એકલી.
પ્રવાસ લાંબો હતો. ટ્રેન સડસડાટ દોડતી હતી. પેલીની સામે એ હસી. “ક્યાં જવાનું? ઘરે કોણ? વર? બાળકો નથી? ઓહ… મેરેજ નથી કર્યા?” આશ્ચર્ય! આશ્ચર્ય! અને એ અચાનક નાત બહાર ફેંકાઈ ગઈ. થયું, આ લોકો એને ધક્કો મારીને અધવચ્ચે ક્યાંક ઉતારી મૂકશે. એને જોનારાઓની નજરો ફરી ગઈ હતી.
એ આંખ મીંચીને બેસી રહી. એને યાદ આવ્યું, પ્રીતિએ ડાયવોર્સ લીધા હતાં. “હવે?” કહેવાતા શુભચિંતકોએ ચિંતા વ્યક્ત કરી. સાશાએ એને અભિનંદન પાઠવેલા. એના ચહેરા પર હાસ્ય રમતું થયું.
હજુ ગયા અઠવાડિયાની જ તો વાત હતી. એ જાણતી હતી કે એની સહકર્મચારી ગીતા પરણેલી નહોતી.
“ઓહો ગીતા, શું વાત છે? આજે તો કંઈ ગળામાં મંગળસૂત્ર અને સેંથામાં સિંદૂર? સચ અ બિગ સરપ્રાઈઝ. તેં ક્યારે મેરેજ કર્યા? કોઈને ઇન્વિટેશન પણ નહીં? ભાગી ગયા હતા કે શું?”
“ના સાશા. મેરેજ કરું તો તને તો બોલાવું જ ને? આ મંગળસૂત્ર, ચાંદલો અને સિંદૂર જોઈને કોઈ હેરાન ના કરે એટલે પહેર્યું છે. આ જોઈને પેલાઓ દૂર ભાગે. સમજી?”
સાશા બરાબર સમજી ગઈ. એને થયું, પરિણીતાઓ કપાળે લાલ ચટક ચાંદલો કરે છે તેમ અપરિણીતાઓએ લાંબો કાળો ટીકો કરવો જોઈએ જેથી પુરુષો સમજી જાય કે આની ફરતે પતિ નામની ઢાલ નથી પણ આ ચંડિકા પોતે જ પોતાની લડાઈ લડી લેવા સક્ષમ છે.
ઈન્ટરવ્યુ વખતે જ્યારે એ બોલેલી, “અનમેરીડ” ત્યારે એના અંગ ઉપાંગોને તાકતી બૉસની લોલુપ નજર એને યાદ આવી ગઈ. એ ત્રણ બાળકોનો દાદા બની ગયેલો છતાંય… એને થયું, અપરિણીત એકલી સ્ત્રીને કોઈપણ હેરાન કરી શકે? શારિરીક અથવા શાબ્દિક રીતે? પાછું એને માટે કહેવાય, લાભ લીધો! જાણે એ પુરુષોનો અબાધિત અધિકાર હોય.
અધિકાર તો સ્ત્રીના પણ ઘણા હોય. મનગમતું પહેરવું, ઓઢવું, ખાવું, પીવું અને ગમતી પ્રવૃત્તિ કરવી. પણ ના. સ્ત્રી પરણે એટલે વણલખ્યો નિયમ કે પતિને ગમે એ એણે ગમાડવું. પતિને ન ગમે એવું જો એ કરે તો પછી એ પોતે જ પતિને ન ગમે. હાય હાય! તો પછી શું થાય?
એ જીન્સ પહેરીને તૈયાર થયેલી ત્યારે નિશાભાભી એને ટગર ટગર જોઈ રહેલી.
“ભાભી, તને જીન્સ ગમે છે ને? તો પહેર ને?”
“ના. તારા ભાઈને નહીં ગમે.” કહી નિશાએ નજર નીચી ઢાળી દીધેલી. જે રીતે એણે પતિની પોર્ન ફિલ્મો જોવાની અને સ્ત્રીઓના ઉઘાડા શરીરવાળા ફોટાઓ જોવાની આદત પર ઢાંકપિછોડો કરેલો એ રીતે જ નિશાએ સરકી જતો દુપટ્ટો સરખો કરી પોતાની છાતી ઢાંકી દીધી.
સુજાત કહેતો, “ખુલ્લા ગળાના ડ્રેસ નહીં પહેરવાના અને આમ વાંકા નહીં વળવાનું.” માથે પતિ નહીં ચોકીદાર હતો.
“તું પહેર. સુંદર દેખાય છે. તારે ક્યાં કોઈને જવાબ આપવાનો?” બોલતી નિશાની કાળી કીકીઓમાં ઈર્ષાની એક રક્તિમ રેખા ખેંચાઈ ગઈ.
“હાસ્તો, મારે ક્યાં કોઈ…” આનંદ અને અવસાદની વચ્ચે લોલકની જેમ આમથી તેમ ડોલતી સાશા બાકીનું વાક્ય ગળી ગઈ.
ઉપલા માળે રહેતા અંકલ-આન્ટી કોઈક વાર લિફ્ટમાં ભટકાઈ જાય ત્યારે સહજ સ્મિતની આપલે થતી અને પછી સાવ ‘સહજપણે’ આન્ટી સાશા અને અંકલની આડે ઊભા રહી જતા. નાનકડી લિફ્ટમાં ક્યાંક સાવ સહજપણે ના, ના ભૂલથી અંકલથી સાશાને અડકી જવાય તો?
“એકલી છે. અનમેરિડ. પ્લીઝ કીપ સેફ ડિસ્ટન્સ ફ્રોમ હર.” બોલાયું નહોતું; સમજી જવાનું હતું.
માસીના બેઠકખંડમાં આખી ભીંતને ઢાંકી દેતો ફેમિલી ફોટોગ્રાફ લટકતો રહેતો. સૌ માત્ર ફોટામાં જ હસતા હતા એવું સાશાને લાગ્યું. એણે નાક આડો રૂમાલ ધર્યો. એ ફોટામાંથી એને દુર્ગંધ આવતી હતી.
“અમે બધાં કુંભમેળામાં જવાના છીએ. સાશા એકલી છે. એનું ધ્યાન રાખજો.” જયાબહેન પાડોશમાં રહેતા આન્ટીને કહી રહ્યા હતા.
સાશા સાંભળતી રહી. “એકલી” કાંટાની જેમ ભીતર ખૂંપી ગયેલો એ શબ્દ ખોતરવા છતાંય બહાર નીકળી નહોતો શકતો, વધુ ને વધુ અંદર ઊતરતો ગયો. સાંભળીને પોતે લોહીલુહાણ થઈ ગઈ હોય તેમ એણે ત્રાડ પાડી, “ધ્યાન તો હું એમનું રાખીશ. એમને ત્યાં કોની કેટલી અને શા માટે આટલી અવરજવર છે એ હું જાણું છું. એ રાત્રે અંકલને બારીના પડદા બંધ કરવાનું ધ્યાન નહોતું રહ્યું અને… જવા દે મમ્મી.”
“શશશ ચૂપ. સમાજમાં એમનું કેટલું માન છે તને નથી ખબર? મોટા લોકોની વાત નાના મોઢે ન શોભે.” જયાબહેને પોતાનો હાથ સાશાના હોઠ પર દબાવી દીધો.
“રાઈટ યુ આર મમ્મી, માન તો મારી જેવીનું ન હોય ને?” સાશાનો ચહેરો તમતમી ઊઠ્યો. આંખોમાં ભેજ છવાઈ ગયો. નજર સામે એ દૃશ્ય તરવર્યુ અને મોઢામાંથી નીકળી પડ્યું, “છી!” બીકણ સસલી જેવી આન્ટીનો તરફડાટ, પીડાથી કણસવું. બેડરૂમના આછા ઉજાસમાં અંકલના ચહેરા પર પથરાયેલું વિકૃત હાસ્ય સાશાના મોઢામાંથી ઉબકારૂપે બહાર રેલાયું.
“રાત્રે એકલી રખડે છે બોલો.” વળી એક તીર છૂટ્યું અને વધુ એક આંગળી એની તરફ ચીંધાઈ.
“બહેનપણીઓ નાઈટ ક્લબમાં જાય. કોણ જાણે શુંયે કરતી હોય?” એકલીનું લેબલ ઉખાડીને સાશા કોઈની સાથે જાય તોય રસપ્રચૂર ગીતો ગવાય. એ મજા લૂંટે અને દેખણહારા એની આબરૂ લૂંટે! પતિપત્ની સાથે ક્લબમાં જાય ત્યારે રૂમની ચાવીઓની અદલાબદલીના કેવાં નાટક ચાલે છે એની સાશાને સુપેરે જાણ હતી.
“તું આમ એકલી ન જા.”
“પણ કેમ? શું મને મોજમજા કરવાનોય હક નથી? કોઈને નડું છું?”
“બધાં કેવું કેવું બોલે છે.”
“એ લોકોને હું સંભળાવીશ તો બધાંની બોલતી બંધ થઈ જશે મમ્મી, વિશ્વાસ રાખ. મારા કે તમારા નામને કલંક લાગે એવું હું કંઈ જ કરતી નથી કે કરીશ નહીં. મારી જાતને ક્યારેય ક્યાંય લપસવા નથી દીધી. આબરૂ સાચવીને સ્વમાનભેર જીવું છું. ક્લબમાં ડાન્સ કરું એથી કોઈ પાપ નથી થઈ જતું. તું તો મને સમજ.” સાશાને ગળે ડૂમો ભરાયો.
“મને થાય કે તારું પોતાનું ઘર હોય, પતિ હોય, બાળકો હોય.”
“મમ્મી, શું તારા ઘર, વર અને બાળકો તારા થયાં? હું એ બધું જ મેળવી શકું એમ છું પણ મને નથી જોઈતું. જેમ છું, જેવી છું તેવી ખુશ છું. ખૂબ ખુશ છું. ઘર, વર કે બાળકો ખુશી નથી આપી શકતા, એ તો ભીતરથી મળે છે. નથી જોઈતો મને કોઈ પતિ. કમાઉં છું. વાપરું છું. ઘરમાં મદદરૂપ છું. મારી રીતે રહું છું. આનંદ કરું છું. બાળકની ઈચ્છા થશે તો દત્તક લઈશ. તું મારી ચિંતા ન કર. મમ્મી, હું લગ્નસંસ્થાની વિરોધી નથી પણ મને લગ્નમાંથી વિશ્વાસ ઊઠી ગયો છે.”
“સમજું છું પણ લોકો? કાકી કહેતા’તા, શરીરની ભૂખ તો હોય ને?”
માથે જાણે હથોડો ઝીંકાયો. સિમેન્ટ કોંક્રિટની ચણેલી દિવાલમાં એક તડ પડી. સાશા ધબ્બ કરતી સોફા પર બેસી પડી.
“હા મમ્મી, મને ભૂખ લાગી છે. લાવ ખાવાનું આપ.” સાશા વિચિત્ર રીતે હસવા માંડી. ખૂબ બધું જમી પછી અકરાંતિયાની જેમ એ આઈસ્ક્રીમના ચાર કપ ઝાપટી ગઈ.
“બસ સાશા. કેટલું ખાઈશ?”
“તમે લોકો મને ચાંચ મારીમારીને ફોલી નાખવાનું બંધ નહીં કરો ત્યાં સુધી. આમેય હું તો એકલી છું. મારે ક્યાં કોઈને…?”
“ના, તું એકલી નથી. હું છું ને તારી સાથે.” જયાબહેનની આંખો ભીની થઈ ગઈ. હોઠ ભીડાઈ ગયા. સ્નેહ નીતરતી આંખે એમણે સાશાના માથે હાથ ફેરવ્યો. સાવ હળવાશથી.
“હું ખૂબ ખુશ છું મમ્મી. પ્લીઝ મને ખુશ રહેવા દો.” સાશા રડી પડી. સાવ નાના બાળક જેવી.
“ભલે તારે લગ્ન ન કરવા હોય તો તારી રીતે જીવી લે. ભરપૂર ભરપેટ જીવન માણ સાશા, તારે મારી જેમ મરતાં મરતાં કચડાઈને જીવી જવાની જરૂર નથી.” જયાબહેન ઊભા થઈ બહાર નીકળ્યા. એમણે સાશાના રૂમનો દરવાજો ધીમેથી બંધ કર્યો.
સાશાએ પથારીમાં પડતું મૂક્યું. શું જીવનમાં હજુએ કશુંક ખૂટતું હતું? એણે સુંવાળી ચાદર પર હાથ પસવાર્યો. બાજુમાં પડેલું ઓશીકું છાતીસરસું ચાપ્યું. ફોનમાં મયંક નો સેવ કરી રાખેલો નંબર ડિલીટ કર્યો.
અને સાશાએ જાતને સમેટી. એ ઊઠી. અરીસા સામે ટટ્ટાર ઊભી રહીને એ બોલી, “હું એકલી નથી. મારી સાથે મારી પોતાની જાત છે જેને હું ચાહું છું.”
વાંચવાનું અધૂરું રહી ગયેલું ગમતું પુસ્તક એણે હાથમાં લીધું અને ઊંઘવાની ગોળીઓની બોટલ કચરાટોપલીમાં પધરાવી. આખો ઓરડો મહેકી ઊઠ્યો, એની જેમ જ.
~ સુષમા શેઠ
[email protected]