સાત સમંદર પાર~ભાગ ૧૯~ “અપરાજિતા”~ વાર્તાઃ મૂળ લેખકઃ સમરસેટ મોમ ~ અનુવાદઃ શરીફા વીજળીવાળા ~ વાર્તા આસ્વાદઃ ઉદયન ઠક્કર

અપરાજિતાઃ સમરસેટ મોમ (૧૮૭૪-૧૯૬૫) અંગ્રેજીના ખૂબ લોકપ્રિય નાટ્યકાર, નવલકથાકાર અને વાર્તાકાર. તેમની વાર્તા ‘અનકોન્કર્ડ’નો અનુવાદ કર્યો છે શરીફા વીજળીવાળાએ. 

વાર્તાનો સંક્ષેપ

હાન્સનો ચહેરો લોહીલુહાણ હતો. એના મોં પર પાંચેય આંગળીઓના તીક્ષ્ણ નખથી થયેલા ઉઝરડા જોઈ શકાતા હતા…. “એનું જો ચાલ્યું હોત ને તો એણે મારી આંખો જ ખેંચી કાઢી હોત, સાલી કૂતરી… પણ હવે એ ઠેકાણે આવી ગઈ છે. હવે જા તારો વારો.” હાન્સે પોતાના સાથીદાર વિલીને કહ્યું. પણ આનેત બેભાન થઈ ચૂકી હતી. ફ્રાન્સ ઉપર હિટલરની સેનાએ વિજય મેળવ્યો હતો, અને સ્વાસોં નજીકના ગામડે બે જર્મન સૈનિકો રખડતાં આવી ચડેલા. દારૂ પીધા પછી ખેડૂત દંપતી સાથે કંકાસ થયો અને હાન્સ ઉશ્કેરાટમાં તેમની દીકરી આનેત પર બળાત્કાર કરી બેઠો. આનેત દેખાવડી ન કહેવાય પણ એની આંખોમાં અજાણ્યું આકર્ષણ હતું. હાન્સે જતી વખતે દારૂની કિંમત પેટે ખેડૂતના ટેબલ પર સો ફ્રાંક મૂક્યા. ત્રણ મહિના પછી હાન્સ ફરી ખેડૂતને ઘરે આવ્યો. આનેત એકલી બેઠી બટાકા છોલતી હતી. ‘હું તારા માટે સિલ્કનાં મોજાં લાવ્યો છું,’ કહીને હાન્સ પણ બટાકા સમારવા બેઠો. ‘મોજાંને નાખ ભાડમાં અને સાથે તું પણ જા ભાડમાં.’ ખોટું લગાડ્યા સિવાય હાન્સ બોલ્યો, ‘મને ભૂખ લાગી છે. જરાક અમસ્તી બ્રેડ અને ચીઝ આપ… હું કિંમત ચૂકવી દઈશ.’ પેલી કડવું હસી, ‘ત્રણ મહિનાથી અમે ચીઝનાં દર્શન નથી કર્યાં. બ્રેડ પણ નથી. જર્મનો અમારી ગાયો, ભૂંડ, મરઘાં, બધું ઝૂંટવી ગયા.’

દસેક દિવસ પછી હાન્સ પાછો આવ્યો. એણે પડીકું ખોલ્યું: ચીઝ, ડુક્કરનું માંસ, સાર્ડીન માછલીના બે ડબ્બા. તેણે ખેડૂત દંપતીને કહ્યું, ‘પહેલી મુલાકાતની ગેરસમજ માટે હું માફી માગું છું.’ ત્યાં આનેત પ્રવેશી, તેણે બધી ચીજો ઉસરડીને ઘા કર્યો, ‘લઈ જા બધું અહીંથી!’ પણ તેની માએ માંસના લોંદાને છાતીસરસો ચાંપી લીધો. હાન્સ બોલ્યો, ‘હું અવારનવાર આવતો રહીશ, તમને જોઈતી ચીજો લાવતો રહીશ.’ જર્મન સૈનિકોને ફ્રેંચ પ્રજા વેરભાવથી જોતી. કોઈ સાથે બે ઘડી વાત કરવા મળે એટલા સારુ હાન્સ આનેતને ઘરે આવતો હતો. તેણે આનેતને એક વાર પૂછયું, ‘તું કેમ મારો તિરસ્કાર કરે છે?’ પેલીએ પોષાક ખસેડીને પેટ દેખાડ્યું. હાન્સના મનમાં ઉત્પાત મચ્યો, ‘તું સગર્ભા છે?’ તે આનેતને બાથમાં લેવા ધસ્યો, ‘મારી મીઠડી!’ આનેતે તેને હડસેલી દીધો, ‘મને અડતો જ નહિ! અહીંથી દીસતો થા!’

હાન્સે ખેડૂત દંપતીને કહ્યું, હું યુદ્ધ પછી આનેત સાથે લગ્ન કરીશ, તમારી સાથે જ રહીશ, તમારાં ખેતરો ખેડી આપીશ. તે બન્ને રાજી થયાં, પણ આનેતે માતાને કહ્યું, ‘હું એને ધિક્કારું છું, એણે મને જેવો આઘાત આપ્યો છે, એવો જ આઘાત એને આપવાનો કોઈ રસ્તો મળી જાય તો હું ખુશીથી મરી શકીશ.’ હાન્સે ફરી વિનવણી કરી, ‘તારા પેટમાં બાળક છે, એ જાણવાની ક્ષણે જ મને ખબર પડી કે હું તને ચાહું છું. એ બાળક મારા માટે દુનિયામાં સર્વસ્વ છે.’ આનેત બોલી, ‘તું મારો દુશ્મન છે. અમે હારી ગયા છીએ પણ અમે જિતાયા નથી.’ જર્મન લશ્કરે બીજા મોરચે જવાનું હતું. હાન્સ આનેતને મળવા આવ્યો. ‘અરે તું!’ માતાએ બૂમ પાડી, ‘આજે સવારે જ છોકરો જન્મ્યો છે! માથે તારા જેવા સોનેરી મોવાળા અને તારા જેવી જ ભૂરી આંખો…’ હાન્સના હોઠ ફફડ્યા, ‘આ દુનિયા કેવી સુંદર છે!’ આનેતની માતા બાળકને લેવા ઉપરના ઓરડામાં ગઈ, તરત ધબડાટી બોલાવતી પાછી આવી. ‘આનેત નથી. બાળક પણ નથી!’ સૌની રાડ ફાટી ગઈ. ‘ગઈ ક્યાં?’

તેટલામાં આનેત આવતી દેખાઈ. તે આખી નીતરી ગઈ હતી. ‘બાળક ક્યાં?’ માતાએ રાડ નાખી. ‘મેં એને વહેળામાં ડુબાડી દીધું.’ આનેત બોલી. હાન્સે બરાડો પાડ્યો. બે હાથે મોઢું ઢાંકીને તે લથડિયાં ખાતો ચાલ્યો ગયો. આનેત ખુરશીમાં ફસડાઈને હૈયાફાટ રડવા લાગી.

વાર્તા વિશે

સમરસેટ મોમ પ્રવાહી શૈલી માટે સુખ્યાત છે. આ વાર્તા યુદ્ધની પડછે પ્રેમની પ્રાચીન પરંપરાને આગળ વધારે છે. ખેડૂત દંપતીને નિમિત્તે લેખક દર્શાવે છે કે યુદ્ધ રૈયતને કેવી પાયમાલ કરી મૂકે છે, અને જાતનો ઉગારો કરવા માટે સિદ્ધાંતો સાથે કેવી સમજૂતી કરવી પડે છે. લેખકે જર્મન સૈનિકોને જંગલી જેવા નથી દેખાડ્યા, તેમનામાં પણ માનવતા તો છે. આનેતનું પાત્ર નિર્ભીક અને તેજસ્વી છે. તેને કદાવર હથિયારધારી સૈનિકોનો જરાય ડર નથી. રાષ્ટ્રભાવના તેના ચિત્તમાં ભડભડે છે. પરંતુ તે ઉદાત્ત નાયિકા નથી. હાન્સ પર વેર લેવા પોતાના નવજાત શિશુની હત્યા? શિશુનો શો વાંક ભલા? શિશુનું એક સ્વતંત્ર અને સ્વાયત્ત અસ્તિત્વ છે. તે વેરની વસૂલાતનું સાધનમાત્ર નથી. બાઇબલ- જૂના કરારમાં પ્રસંગ છે. અસીરિયાના સૈન્યને લઈને હલોફર્નિસ યહૂદીઓ ઉપર ચડી આવ્યો. યહૂદીઓની જ્યુડિથ નામની સ્વરૂપવતી યુવતી રાત્રે શત્રુ છાવણીમાં ગઈ. હલોફર્નિસે તેના રૂપ પર ઓળઘોળ થઈ તેને પોતાના કક્ષમાં રાત ગાળવા આમંત્રી. મોકો જોઈને જ્યુડિથે તેનું માથું વાઢી નાખ્યું. ૧૯૯૩માં લોરેના બોબિટે પોતાની મારપીટ અને જાતીય સતામણી કરનાર પતિનું શિશ્ન છરીથી કાપી નાખ્યું. ‘અપરાજિતા’ વાર્તામાં આનેત જો હાન્સનું મસ્તક અથવા ગુપ્તાંગ વાઢી નાખતે તો કદાચ વાચકની સહાનુભૂતિ મેળવતે. આનેતને આપણે ફ્રેંચ પ્રજાના પ્રતીક તરીકે જોઈ શકીએ. તે પ્રજા પર બળજબરી કરાઈ છતાં તેણે મસ્તક ઉન્નત રાખ્યું. તેમ છતાં શિશુ જો જર્મન હતું તો શું ફ્રેંચ નહોતું? પિતાની સજા પુત્રને? તે પણ માતાને હાથે?

-ઉદયન ઠક્કર
(વિન્ડો સીટ, ગુજરાત સમાચારના સૌજન્યથી)

મૂળ લેખક પરિચયઃ સમરસેટ મોમ

વિલિયમ સમરસેટ મોમ (W. Somerset Maugham, 1874–1965) અંગ્રેજી સાહિત્યના અત્યંત લોકપ્રિય નવલકથાકાર, વાર્તાકાર અને નાટ્યકાર હતા. તેમનો જન્મ 25 જાન્યુઆરી, 1874ના રોજ પેરિસમાં થયો હતો. બાળપણમાં જ માતા-પિતાનું અવસાન થતાં તેમના વ્યક્તિત્વ પર એકલતા અને સંવેદનશીલતાની ઊંડી અસર પડી હતી. તેમણે લંડનની St Thomas’ Hospital માં તબીબી અભ્યાસ કર્યો અને ડૉક્ટર તરીકેની તાલીમ મેળવી; જોકે આગળ જઈને સાહિત્યને જ જીવનકાર્ય બનાવ્યું.

તબીબી અભ્યાસ દરમિયાન ગરીબ અને શ્રમિક વર્ગના જીવનને નજીકથી જોવાનો અનુભવ તેમની પ્રથમ નવલકથા **‘Liza of Lambeth’ (1897)**માં પ્રતિબિંબિત થયો. તેમની સર્વાધિક જાણીતી નવલકથાઓમાં ‘Of Human Bondage’ (1915), ‘The Moon and Sixpence’ (1919), ‘The Painted Veil’ (1925) અને **‘The Razor’s Edge’ (1944)**નો સમાવેશ થાય છે. Of Human Bondageમાં તેમના પોતાના જીવનના કેટલાક અનુભવોનું સાહિત્યિક રૂપાંતર જોવા મળે છે.

મોમ ખાસ કરીને ટૂંકી વાર્તાના અદભુત કસબી તરીકે જાણીતા છે. તેમની વાર્તાઓમાં માનવસ્વભાવની નબળાઈ, સ્વાર્થ, પ્રેમ, દંભ, કરુણા, નિયતિ અને નૈતિક દ્વંદ્વનું તીક્ષ્ણ નિરીક્ષણ જોવા મળે છે. તેમની ભાષા સાદી, સ્પષ્ટ અને પ્રવાહી છે, પરંતુ તેની સાદગીની નીચે માનવમનની ઊંડી સમજ રહેલી છે. પ્રવાસોએ પણ તેમના સર્જનને સમૃદ્ધ બનાવ્યું અને એશિયા તથા દક્ષિણ પેસિફિક સહિત વિવિધ પ્રદેશો તેમની વાર્તાઓની પૃષ્ઠભૂમિ બન્યા.

પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન તેમણે રેડ ક્રોસની એમ્બ્યુલન્સ સેવામાં સેવા આપી અને બાદમાં બ્રિટિશ ગુપ્તચર સેવાના કાર્ય સાથે પણ સંકળાયા. આ અનુભવો પરથી તેમની જાણીતી જાસૂસી વાર્તાઓનું પાત્ર Ashenden સર્જાયું.

મોમ એક સફળ નાટ્યકાર પણ હતા અને એક સમયે લંડનના રંગમંચ પર તેમનાં અનેક નાટકો એકસાથે ભજવાતાં હતાં. જીવનના ઉત્તરાર્ધમાં તેઓ ફ્રાન્સના રિવિએરા વિસ્તારમાં સ્થાયી થયા. 16 ડિસેમ્બર, 1965ના રોજ 91 વર્ષની વયે તેમનું અવસાન થયું.

સમરસેટ મોમની વિશેષતા કદાચ આ એક વાક્યમાં કહી શકાય:
તેઓ ઘટનાના લેખક કરતાં વધુ માનવસ્વભાવના સૂક્ષ્મ નિરીક્ષક હતા—માણસ જે કહે છે તેના કરતાં તે અંદરથી જે છે, તેમાં તેમને વિશેષ રસ હતો.

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.